
મહારાષ્ટ્રમાં 12મા ધોરણની બોર્ડ પરીક્ષામાં 90.66% વિદ્યાર્થીઓ પાસ થયા
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા 12મા ધોરણ (HSC)ની લેવામાં આવેલી પરીક્ષાનું પરિણામ આજે ઓનલાઈન જાહેર થઈ ગયું છે અને તે 90.66 ટકા આવ્યું છે. કોંકણ વિભાગે ફરી બાજી મારી છે. મુંબઈમાં 89.35 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે 12મા ધોરણની પરીક્ષા 14 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી. એમાંથી 12,81,712 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
મહારાષ્ટ્રમાં 12મા ધોરણની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે એની વિદ્યાર્થીઓ તથા એમનાં વાલીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આખરે આજે તે આતુરતાનો અંત આવી ગયો. આજે બપોરે 1 વાગ્યે mahresult.nic.in વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં 9 વિભાગોએ લીધેલી 12મા ધોરણની બોર્ડ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે.
કોંકણ વિભાગે સૌથી વધુ – 95.89 ટકા સાથે બાજી મારી છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ઔરંગાબાદ વિભાગનું આવ્યું છે – 88.18 ટકા.
આ વર્ષની પરીક્ષામાં પણ વિદ્યાર્થિનીઓ વધારે સંખ્યામાં પાસ થઈ છે. 93.88 ટકા વિદ્યાર્થિનીઓ 12મા ધોરણમાં પાસ થઈને ડિગ્રી કોલેજમાં પ્રવેશી છે જ્યારે વિદ્યાર્થીઓની પાસ ટકાવારી 88.04 ટકા છે.
વિભાગ અનુસાર પરિણામઃ
કોંકણ – 95.89 ટકા
પુણે – 92.50 ટકા
કોલ્હાપુર – 92..42 ટકા
અમરાવતી – 92.09 ટકા
નાગપૂર – 91.65 ટકા
લાતૂર – 89.79 ટકા
મુંબઈ – 89.35 ટકા
નાશિક – 88.87 ટકા
ઔરંગાબાદ – 88.18 ટકા
શાખા અનુસાર પરિણામઃ
વિજ્ઞાન – 96.93 ટકા
વાણિજ્ય – 91.27 ટકા
કળા – 82.63 ટકા
ઉચ્ચ માધ્યમિક વ્યવસાય અભ્યાસક્રમ – 86.07 ટકા
જાવેદ જાફરી: તમારું નામ ‘સૂરમા ભોપાલી’ કંઈ એમ જ ન હતું…
બોલિવૂડની ફિલ્મોના જાણીતા પીઢ અભિનેતા, કોમેડીયન જગદીપ ઉર્ફે સૈયદ ઈશ્તિયાક જાફરીનું 8મી જુલાઇએ ૮૧ વર્ષની વયે તેમના નિવાસસ્થાને નિધન થયું.
જગદીપના પુત્ર જાવેદ જાફરી, જે પોતે પણ બોલીવુડ તેમજ ટેલિવિઝનના જાણીતા અભિનેતા છે. તેમણે પોતાના પિતાને યાદ કરીને બહુ જ ભાવપૂર્ણ નોટ લખીને ટ્વીટર પર શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે, ‘એ વ્યક્તિ જેને હું ‘પાપા’ કહેતો હતો અને લોકો એમને એમના વિવિધ અવતારોથી ઓળખતાં હતાં! સલામ! તમારું નામ ‘સૂરમા ભોપાલી’ કંઈ એમ જ ન હતું!’
અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની ફિલ્મ ‘શોલે’માં જગદીપ તેમણે ભજવેલાં સૂરમા ભોપાલીના પાત્રથી લોકોમાં ખૂબ જાણીતા થયા હતા. જોની વોકર અને મહેમૂદના સમયમાં જગદીપે ફિલ્મોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. તેમજ દિગ્ગજ અભિનેતા તથા દિગ્દર્શકો જેવાં કે, ગુરુદત્ત, બી આર ચોપરા, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, અમરિશ પુરી જેવાં અનેક લોકોનો સ્નેહ અને આદર મેળવ્યાં હતા.
જગદીપના નિધન બદલ અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું. જાવેદે દરેકનો આભાર માનીને નોટની શરૂઆત કરી છે. તેણે લખ્યું, ‘હું તમામ લોકોનો હૃદય પૂર્વક આભાર માનું છું. જેમણે મારા પિતાના નિધનથી વ્યથિત થઈને પ્રેમ અને દિલસોજી વ્યક્ત કર્યા અને અમારા દુઃખમાં સહભાગી થયા. આટલો બધો પ્રેમ, આટલું બધું માન, આટલી બધી પ્રાર્થનાઓ! આજ તો છે મારા પિતાની ૭૦ વર્ષોની અસલી કમાણી!’
કઈ રીતે એના પિતાએ ગરીબીનો સામનો કરતાં કરતાં એક બાળ કલાકાર તરીકે પોતાની ફિલ્મી સફર શરૂ કરી અને બોલિવૂડના એક આઇકોનિક સ્ટાર કલાકાર તરીકે સ્થાપિત થયા! એ બાબતે જાવેદે લખ્યું છે, ‘૧૦ થી ૮૧ વર્ષ સુધી પ્રત્યેક શ્વાસે તેઓ ફિલ્મોને જ જીવતાં રહ્યાં છે! તેમણે માત્ર સાત વર્ષની વયે જ પોતાના પિતાને ગુમાવ્યા, ૧૯૪૭માં ભાગલાની વેદના જોઈ. ગરીબીનો સામનો કરતાં કરતાં મુંબઈની ફુટપાથો પર જીવ્યા છે. માત્ર આઠ વર્ષની વયથી તેમણે નાનાં નાનાં કારખાનાઓમાં પતંગ બનાવવાથી માંડીને સાબુ વેચવા જવાનું કામ કર્યું છે. તો માલિશવાળાની પાછળ તેના તેલનો ડબ્બો ઉંચકીને ‘માલિશ, તેલ માલિશ’ની બૂમો પણ પાડી છે. પરંતુ વિધાતાએ 10મા વર્ષે તેમના માટે કંઈક જુદી જ લેખની કરી હતી. તેમને જે માર્ગ મળ્યો હતો, તે માર્ગના છેવાડે જે પ્રકાશ હતો તે ભારતીય સિનેમાનો હતો!
જાવેદ લખે છે, ‘એમની યાત્રા શરૂ થઈ બી. આર. ચોપરા સાહેબની પહેલી ફિલ્મ ‘અફસાના’થી (આ ફિલ્મ 1949માં બની ગઈ હતી, પણ રિલીઝ 1951માં થઈ ) એક નાનકડા પગલાંથી આખા સફરની શરૂઆત થઈ ગઈ. જાવેદ જણાવે છે કે, તેણે પોતાના પિતાને એક કુદરતી બાળ કલાકારથી માંડીને એક જવાબદાર હાસ્ય અભિનેતા તરીકે જોયાં છે. જેમણે પોતાની કળા, કોમિક ટાઇમિંગ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કર્યા.’
જાવેદને જગદીપે એક પિતા તરીકે જે મહત્વની વાતો શીખવાડી તે વિશે તે લખે છે, ‘મારા પિતાએ મને અસંખ્ય પ્રેરણાત્મક, પોઝિટિવ વાર્તાઓ થકી જિંદગીના પાઠ ભણાવ્યા. જેમ કે, જીવનનું મૂલ્ય, ગરીબીના પાઠ, ત્યાગનો મહિમા, કળાની કુશળતા. તેઓ હંમેશા હસતાં રહેતા અને દરેકને પ્રેરણાત્મક શબ્દો બોલીને પ્રોત્સાહન આપતા. તેમણે મને સફળતાનું અનુમાન લગાવતા શીખવ્યું હતું કે, માણસની સફળતા એ છે કે, એ ‘કોણ’ છે, નહીં કે, એની પાસે શું છે? અને તમને કોણ ઓળખે છે, તેના કરતાં કોઈ તમારા વિશે કેટલું જાણે છે એ મહત્વનું છે.’
જાવેદ પોસ્ટને અંતે લખે છે, ‘હું તમારે માટે, મારા પિતાની ખાસ અને અગત્યની પસંદગીની બે લાઈનો અહીં ટાંકું છું. જે એમની માતાએ દારુણ ગરીબી વખતે એમને કહી હતી. આ જ વાત તેઓએ જિંદગીના દરેકે દરેક તબક્કે સાંભરી હતી, યાદ કરી હતી.
‘એ મંઝિલ શું, જે સહેલાઈથી નક્કી કરી શકાય?
એ મુસાફર જ કેવો, જે થાકીને બેસી જાય?’
આ વાતને લઈને હું એક વાત જરૂરથી કહીશ કે, ઘણી વાર જીંદગી થાકીને બેસવા માટે મજબૂર કરી દે છે. આકાંક્ષા મોટી હોય, પરંતુ તે વખતે શરીર સાથ નથી આપતું.’
‘એ વ્યક્તિ જેને હું ‘પાપા’ કહેતો હતો અને લોકો એમને એમના વિવિધ અવતારોથી ઓળખતાં હતાં! સલામ! તમારું નામ સૂરમા ભોપાલી કંઈ એમ જ ન હતું!’
જગદીપ 10 વર્ષની ઉંમરથી ફિલ્મોમાં જોડાઈ ગયા હતા. તેમણે 400 જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ તેમના કોમિક રોલ માટે બહુ જાણીતાં હતાં. જેમાં સહુથી યાદગાર ‘શોલે’ ફિલ્મનો ‘સૂરમા ભોપાલી’નો રોલ હતો.
જગદીપે બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ બિમલ રોયની ‘દો બીઘા જમીન’થી તેમને ઓળખ મળી.
૧૯૫૭માં રિલીઝ થયેલી એવીએમ પ્રોડક્શનની ફિલ્મ ‘હમ પંછી એક ડાલ કે’માં ૧૮ વર્ષના યુવાન જગદીપનું કામ ઘણું વખણાયું હતું. આ ફિલ્મમાં જગદીપની એક્ટિંગથી ભારતના પહેલાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એટલા તો પ્રભાવિત થયાં કે, તેમણે ખુશ થઈને થોડા દિવસો માટે પોતાનો પર્સનલ સ્ટાફ જગદીપને ગિફ્ટમાં આપ્યો હતો!
કોરોના સંક્રમિતોના નવા 32,695 કેસ, 606નાં મોત
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત ચોથા દિવસે 28,000થી વધુ કોરોના સંક્રમિતોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 32,695 નવા કેસ સામે આવ્યા છે અને 606 લોકોનાં મોત થયાં છે. આ એક દિવસમાં આવેલો દેશમાં કોરોના સંક્રમિતોનો સૌથી વધુ આંકડો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 9,68,876 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 24,915 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 6,12,814 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,31,146એ પહોંચી છે. રિકવરી રેટ 63.25 ટકાથી વધુ થયો છે.
દેશમાં 14 જુલાઈ સુધી 1,27,39,490 કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. ગઈ કાલે 3,26,826 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે.
વિશ્વમાં 24 કલાકમાં કોરોનાના 2.32 લાખ નવા કેસ
વિશ્વમાં પ્રતિદિન બે લાખથી વધુ કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. પાછલા 24 કલાકમાં વિશ્વમાં કોરોના સંક્રમિતોના 2.32 લાખ નવા કેસ સામે આવ્યા છે અને 5693 લોકોનાં મોત થયાં છે. વિશ્વમાં કોરોના 1.36 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ રોગે અત્યાર સુધી 5.86 લાખ લોકોનો ભોગ લીધો છે. વિશ્વમાં પ્રતિ દિન કોરોનાથી સૌથી વધુ મોત બ્રાઝિલમાં થઈ રહ્યા છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
રાજકોટઃ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો આજે સવારે 7.41 સૌરાષ્ટ્રભરમાં અનુભવવામાં આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ 4.8ની હતી. આ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવતાં સ્થાનિક લોકો સફાળા ઘરની બહાર આવી ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટની નજીક 22 કિલોમીટર દૂર ગોંડલ પાસે નોંધાયું છે. છેલ્લા એક મહિનામાં આ ભૂકંપનો બીજો મોટો આંચકો છે. છેલ્લા એક મહિનામાં નાના-મોટા 14 આંચકા અનુભવાયા છે. જોકે સિસ્મોલોજિસ્ટે કહ્યું હતું કે હજી બે-ત્રણ દિવસ હજી આફ્ટર શોક્સ આવશે, પણ હાલ મોટો ભૂકંપ આવવાની શક્યતા નથી.

મુખ્ય પ્રધાને પણ આ ભૂકંપની વિગતો મેળવી
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ આ ભૂકંપની વિશે માહિતી મેળવી રહ્યા છે. તેમણે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરી છે. આ ભૂકંપથી અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
અનેક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા
આ ભૂકંપ રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જસદણ, ચોટિલા, જામનગર વડિયા, ભાવનગર કોટડાસાંગણા, ગોંડલ અને દેવભૂમિ દ્વારકા સહિતના અનેક વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. અમરેલીના કેટલાક વિસ્તારોમાં આ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવતાં સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લોકોને ફરી 2001ના ભૂકંપની યાદ આવી ગઈ હતી. એક બાજુ કોરોનાનો કહેર છે અને બીજી બાજુ ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અનેક સોસાયટીઓમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા.
રાશિ ભવિષ્ય 16/07/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.
આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.
આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.
આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.
આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે, વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય તેમજ કામકાજ બાબત વડીલકે ઉપરી અધિકારી સાથે વાદવિવાદના કરવો. વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાયકે અપશબ્દ પ્રયોગના થાયતે બાબત ધ્યાન રાખવું જરૂરી છે, વેપારમાં નાનું કામ કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.
કોરોનાયુગ: તાવ ઉપર બાજ-નજર રાખવા થર્મલગન સિવાય કોઈ સાધન ખરા?
“કોવિડ-૧૯નાં દર્દીઓને માત્ર તાવ દ્વારા જ પારખી શકાતા નથી“; આવો સ્પષ્ટ અભિપ્રાય આપનાર બીજા કોઈ નહીં પરંતુ અમેરિકાનાં લોસ-એન્જલસ ખાતેની “યુનિવર્સીટી ઓફ કૅલિફૉર્નિયા”નાં પ્રોફેસર “જેમી-સ્મિથ-લોઇડ” છે. તેઓ ચેપી વાયરસ અંગે રીસર્ચ કરતી ટીમનાં એક સીનીયર સભ્ય અને નામાંકિત વૈજ્ઞાનિક છે. વિશ્વભરમાં સાવર્જનિક સ્થાનોએ જે રીતે ટેમ્પરેચર સ્ક્રિનીંગનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે તે બાબતે “ધી વૉશિન્ગટન પોસ્ટ” અખબારે લીધેલા ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે બેધડક આવું જાહેરમાં જ કહી દીધેલું. પ્રશ્ન અહી એ ઉપસ્થિત થાય છે કે જો આ વાતમાં વૈજ્ઞાનિક તથ્ય હોય તો દુનિયાનાં મોટા ભાગનાં દેશો ટેમ્પરેચર સ્ક્રિનીંગનો આગ્રહ શા માટે રાખી રહ્યા છે?

શરીરમાં કોઈપણ પ્રકારનો ચેપ વધી જાય એટલે તાવ તો આવે જ એ માનવશરીરની એક ખાસિયત છે. કોરોના જે રીતે દુનિયાનાં ખૂણેખૂણે ફેલાયો છે તે જોતાં આ તાવ કોરોનાનાં ચેપથી જ આવ્યો છે તેવી શંકાને આધારે સાવચેતી રાખવાની સલાહ “વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન” અને “સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન” નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ દરેક સરકારોને આપેલી છે. દુનિયાભરનાં મોટાભાગના દેશોમાં સાવર્જનિક સ્થળોએ અવરજવર કરી રહેલા લોકોનાં તાવ આ કારણે જ માપવામાં આવી રહ્યા છે અને તે માટે થર્મલગન નામનું સાધન ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.
શરૂઆતમાં તો બંદુક જેવી દેખાતી આ થર્મલગન સામે ઉભા રહીને તાવ મપાવવામાં લોકોને સારું એવું મનોરંજન મળ્યું. પણ; કાયમ માટે આ રીતે જ લાઈનમાં ઉભા રહીને સમય બગાડવો સહેલો નથી તે માપનારા અને મપાવનારા બન્ને લોકોને સમજાઈ ગયું છે. એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ વિગેરે જગ્યાએ થર્મલગનથી ટેમ્પરેચર માપ્યા પછી જ હવે પ્રવેશ અપાતો હોવાથી પ્રવાસીઓને ખૂબ જ વહેલા પહોંચી જવું પડે છે. દરેક વ્યક્તિનું ટેમ્પરેચર વારાફરતી માપવાનું હોવાથી ઓફિસો કે ફેકટરીઓ સમયસર શરુ થઇ શકતી નથી. થીએટર કે મલ્ટીપ્લેક્સનાં પ્રવેશદ્વારે આ પધ્ધત્તિથી તાવ માપીએ તો દર્શકો અડધો શો પૂરો થઇ જાય પછી માંડ અંદર પહોંચે. સ્કૂલ-કોલેજોમાં જ્યાં વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં ભણતાં હોય ત્યારે આ રીતે ક્રમશ: તાવ જો માપીએ તો સમયસર વિદ્યાર્થીઓ લેકચરમાં હાજર જ ન રહી શકે. આ બધા ઉદાહરણોને ધ્યાને લેતા આપણી માટે એ સમજવું જરા પણ મુશ્કેલ નથી કે થર્મલગન સારું સાધન હોવા છતાં તેનો ઉપયોગ દરેક સ્થળે વ્યવહારુ બની શકતો નથી.

થર્મલગનનાં વિકલ્પે અન્ય કોઈ ડીવાઇસીસનો ઉપયોગ કરી શકાય ખરો?:
વ્યક્તિઓનાં ટેમ્પરેચર ક્રમવાર માપવાનું જે સ્થળોએ વ્યવહારુ ન હોય ત્યાં થર્મલ ઇમેજિંગ કેમેરા સાથેનાં કિઓસ્ક અને ટ્રાયપોડ ઉપયોગમાં લઇ શકાય છે. ઘરઘરાઉ અથવા દુકાન કે ઓફિસ માટે કોમ્પ્યુટર્સ, લેપટોપ અથવા ટેબ્લેટ સાથે USBથી કનેક્ટ થતાં થર્મલ સેન્સરથી સજ્જ વેબકેમ પણ વાપરી શકાય છે. રેસીડેન્શીયલ સોસાયટીઓમાં લીફ્ટ માટે રાહ જોઈ રહેલા લોકોનું ટેમ્પરેચર માપવા લીફ્ટના વોલ-માઉન્ટ સોકેટ્સમાં માઈક્રો કેમેરા પણ હવે ફીટ કરી શકાય છે. ટેમ્પરેચર માપી આપતા આવા કેમેરાઓ ટેક્નિકલ ભાષામાં “પાયરોમીટર” તરીકે ઓળખાય છે અને તાવ માપવાની આ પધ્ધત્તિને “થર્મોગ્રાફી” કહેવાય છે.

રોબોટ, ડ્રોન, હેલ્મેટ, સીસીટીવી કૅમેરા, વોક-થ્રુ કેબીન જેવા સાધનોમાં થર્મલ ઇમેજિંગ સેન્સર સાથેનાં કેમેરાઓ ફીટ કરીને તેનો વ્યવહારુ ઉપયોગ કરવાનું ચલણ સમગ્ર દુનિયામાં પૂરઝડપે વધી રહ્યું છે. ઈટાલીનાં ઘણાં વિસ્તારોમાં ડ્રોન દ્વારા જાહેરમાં આમતેમ ફરતા લોકોનાં શરીરનું ટેમ્પરેચર માપવામાં આવી રહ્યું છે. યુરોપનાં અનેક શહેરોનાં બગીચાઓમાં રોબોટ ફરતાં મૂકી દેવામાં આવ્યા છે જે મુલાકાતીઓનો તાવ બગીચામાં ઇધરઉધર ફરતા-ફરતા સતત માપ્યા જ કરે છે. ચીન અને દુબઈ સહિતના બીજા અનેક દેશોમાં જાહેર સ્થળોએ તહેનાત પોલીસ જવાનોને ખાસ પ્રકારની હેલ્મેટ આપવામાં આવી છે.
આસપાસ ફરી રહેલા લોકોનાં શરીરનું તાપમાન આ હેલ્મેટમાં ફીટ કરેલાં સેન્સર દ્વારા પોલીસકર્મી જોઈ શકે છે. ચીનની કેટલીક શૈક્ષણિક સંસ્થાઓએ પ્રવેશદ્વાર પાસે ઈન્ફ્રારેડ બોડી ટેમ્પરેચર સ્કેનર સાથેની વોક-થ્રુ કેબીન મૂકી છે. અંદાજે ત્રણ હજાર જેટલાં વિદ્યાર્થીઓ ત્રીસ મીનીટ જેવાં ટૂંકા સમયમાં આ કેબીનમાંથી આસાનીથી પસાર થઇ શકે છે. સાઉથ કોરિયામાં અનેક સરકારી અને જાહેર સ્થળોએ ઈન્ફ્રારેડ થર્મલ ઇમેજિંગ કેમેરાઓ લગાડવામાં આવી રહ્યા છે. અમેરિકાની અનેક હોટેલોએ સાદા CCTV કેમેરાઓને બદલીને થર્મલ સેન્સર્સ સાથેના કેમેરા ગોઠવી દેવાનું શરુ કરી દીધું છે. જયારે કોઈ તાવગ્રસ્ત વ્યક્તિ આ પ્રકારનાં સાધનોની સામેથી અથવા નીચેથી પસાર થાય ત્યારે સાયરન અથવા એલાર્મ વાગે તેવી ગોઠવણ આ સાધનોમાં કરાયેલી હોય છે.

કેટલીક કંપનીઓએ તો કેટલીક વિશિષ્ઠ સુવિધાઓ સાથેનાં કેમેરાઓ પણ માર્કેટમાં લૉન્ચ કરી દીધા છે. આમાં તેઓએ થર્મલ સેન્સર્સ, માસ્ક ડીટેકશન સેન્સર્સ, સોશિયલ ડિસ્ટન્સીગ સેન્સર્સ અને ફેઈસ ડીટેકશન સેન્સર્સ એકસાથે ગોઠવી દીધા છે. જ્યાં એક સાથે અનેક લોકો ઉપર એકદમ કડકાઈપૂર્વક નજર રાખવાની જરૂર હોય ત્યારે આવા ઓલ-ઈન-વન કેમેરાઓ ખૂબ જ ઉપયોગી નીવડે છે.
આપણાં દેશમાં નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NRDC)નાં ટેક્નિકલ માર્ગદર્શન નીચે થર્મલ સેન્સર સાથેનાં કેમેરાઓનાં ઈન્સ્ટોલેશન અનેક સ્થળોએ હવે શરુ થઇ ચૂક્યા છે. તાજેતરમાં જ ગુજરાતનાં પાટનગર ગાંધીનગર ખાતે સચિવાલયમાં આ પ્રકારનું સેટઅપ ગોઠવાઈ રહ્યાનાં સમાચાર પ્રસાર માધ્યમોમાં ચમક્યા હતા. મુંબઈ પોલીસ પણ લાર્સન એન્ડ ટુર્બોનાં સીસીટીવી ડિવિઝન સાથે આ પ્રકારનાં કેમેરાઓનો ડ્રોન અને અન્ય સાધનો ઉપર ફીટ કરીને ઉપયોગ કેવી રીતે કરવો તેની મસલતો કરી રહી છે.

રીમોટ થર્મલ સ્કેનર ટેકનોલોજી કઈ રીતે કામ કરે છે:
શરીરમાંથી ઉત્સર્જિત થતી અદ્રશ્ય ઇન્ફ્રારેડ એનર્જી દ્વારા વ્યક્તિનાં શરીરનું તાપમાન કેટલું છે તે આ ટેકનોલોજીથી સજ્જ સેન્સર્સ પારખી લે છે. અલગ-અલગ ક્ષમતાનાં સેન્સર દ્વારા ટૂંકા, મધ્યમ અને લાંબા અંતર સુધી આ રીતે તાપમાન માપી શકાય છે. જયારે કોઈ જીવિત વ્યક્તિનું તાપમાન ૧૦૦.૪ ફેરનહીટથી વધુ આવે ત્યારે મોનીટરીંગ કરી રહેલાં સુપરવાઈઝરને આ ટેક્નોલોજી દ્વારા ક્ષણમાત્રમાં જ એલાર્મ થકી ચેતવણી આપવામાં આવે છે.
આ ટેકનોલોજી ઝડપી પવન, સીધો સૂર્યપ્રકાશ અથવા વરસાદી માહોલમાં ટેમ્પરેચર ચોક્કસપણે માપી શકતી નથી તેવી વપરાશકારોની છૂટીછવાઈ ફરિયાદ હોવા છતાં; તેમાં વધુ મોટો ફરક આવતો ન હોવાથી આ ટેક્નોલોજીનો સાર્વત્રિક સ્વીકાર થયેલો છે. મેડીકલ ક્ષેત્રનાં લોકોનું કહેવું એવું છે કે “આ રીતે મપાતું ટેમ્પરેચર શરીરની અંદરનું નહી પણ ચામડીનું હોવાથી અમારે આ ટેકનોલોજીનો ખાસ કોઈ ઉપયોગ નથી”. આ ફરિયાદ કોઈ ધ્યાને એટલે લેતું નથી કારણકે આ ટેક્નોલોજી દર્દીને લાગુ પડેલા રોગનાં નિદાન અને સારવાર માટે વાપરવાની હોતી પણ નથી.
થર્મલ ઇમેજિંગ સ્કેનર આધારિત પ્રોડક્ટ્સનાં શોધ-સંશોધનમાં કાર્યરત કઈ કઈ સંસ્થાઓ છે તે ગૂગલ કરવાથી તમને Testo, Axis Communications, Seek Thermal, Thermoteknix Systems, Tonbo Imaging, AMETEK Land, STARLINK INDIA, L3Harris Technologies, Leonardo S.p.A., Thermocam, ZICOM અને અન્ય અનેક કંપનીઓની ઘણી વેબસાઈટો જોવા મળશે, જેમાંથી તમને અનુકૂળ હોય તેવી એકાદી પ્રૉડક્ટ તો મળી જ રહેશે.

શું આ ટેકનોલોજીનાં ઉપયોગથી કોરોના જેવો ચેપી રોગ ફેલાતો અટકી જશે?
રીમોટ થર્મલ સ્કેનર ટેકનોલોજી દ્વારા આપણે તાવગ્રસ્ત વ્યક્તિઓને પળભરમાં પારખી શકીએ છીએ તે એનો એકમાત્ર ફાયદો છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તારવી લેવાયેલા દર્દીઓને તેમના ઘરમાં અથવા અન્ય અધિકૃત સ્થળોએ કવોરનટાઈન કરીને અન્ય લોકો માટે જોખમરૂપ બનતા અટકાવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો જ આ આખી એકસરસાઈઝનો સાચો ફાયદો લઇ શકાય તે આપણે ભૂલવું જોઈએ નહીં.
કોરોનાનાં બહાને વિવિધ દેશોએ પાથરેલી આ એક જાસૂસીજાળ છે તેમ કહીને દુનિયાનાં માનવાધિકાર અને પ્રાયવસીના ચળવળકારો પણ આ ટેકનોલોજી સામે વિરોધ નોંધાવી રહ્યા છે. પરંતુ; આ ટેકનોલોજીનો અન્ય કોઈ વિકલ્પ હાલમાં ઉપલબ્ધ ન હોવાથી દુનિયાના એકપણ દેશે આવા કોઈ વિરોધને અત્યાર સુધી ગણકાર્યો નથી.

આવનારા કેટલાં સમય સુધી આ રીતે તાવ માપવાનું જરૂરી બનશે:
માનવશરીરની રચના જ એ પ્રકારની છે કે કોઈપણ બેક્ટેરીયલ કે વાયરલ ઇન્ફેકશન વધે એટલે તાવ આવે. માનવજાત ઉપર આગામી સમયમાં કોરોના પ્રકારનો કોઈ બીજો હુમલો થાય તો ચેપ ફેલાતો અટકાવવા માટે “થર્મોગ્રાફી” કરતાં રહેવાની પ્રથા ઉપયોગી છે અને રહેવાની છે. આપણે જેની અહીં માહિતી મેળવી તેવાં અને તેનાથી પણ વધુ વૈવિધ્યતા સાથેનાં સાધનો શોધાતાં રહેશે અને એક “ન્યૂ નોર્મલ” તરીકે તાવ માપવાની સિસ્ટમ ચાલુ જ રહેશે તેવું અત્યારે તો લાગી રહ્યું છે.
(લેખક: પુનીત આચાર્ય સોમપુરા)
ગોવામાં 10 ઓગસ્ટ સુધી જનતા કર્ફ્યુઃ 3 દિવસ સંપૂર્ણ લોકડાઉન
પણજીઃ ગોવામાં કોરોનાના વધતા કેસોને જોતાં રાજ્યના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે લોકડાઉન લંબાવવાની ઘોષણા કરી છે. એની સાથે રાજ્યમાં જનતા કરફ્યુ પણ લગાવવામાં આવશે, જે રાતના આઠ કલાકથી સવારે છ કલાક સુધી રોજ લાગુ પડશે. આ જનતા કરફ્યુ આજથી એટલે કે બુધવારથી લાગુ થશે. જોકે સપ્તાહમાં ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે. મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે રાજ્યમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. એને ધ્યાનમાં રાખતાં લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકડાઉન 10 ઓગસ્ટ સુધી જારી રહેશે.
લોકડાઉન દરમ્યાન મેડિકલ સેવા જારી રહેશે
આ લોકડાઉન દરમ્યાન માત્ર મેડિકલ સેવાઓને જ ચાલુ રાખવા દેવામાં આવશે. ત્યાં સપ્તાહમાં ત્રણ દિવસ- શુક્રવાર, શનિવાર અને રવિવારે સંપૂણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ગોવામાં કોરોના વાઇરસના સંક્રમણના 2753 કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે 18 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આટલું જ નહીં, સંક્રમણને જોતાં ગોવા સરકારે રાજ્ય સરકારની બધી હોસ્પિટલોના 20 ટકા બેડ કોરોના દર્દીઓ માટે અનામત રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ વિશે રાજ્યમાં આરોગ્ય સેવાના ડિરેક્ટર ડો. જોસ ડીસાએ કહ્યું હતું કે ગોવામાં ICU સુવિધાઓવાળી બધી ખાનગી હોસ્પિટલો માટે કોરોના દર્દીઓ માટે 20 ટકા બેડ અનામત રાખવા ફરજિયાત છે. આ આદેશની સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે જો કોઈ આ આદેશોનું પાલન નહીં કરે તો એનું લાઇસન્સ રદ કરવામાં આવશે.





























