Home Blog Page 4730

‘શકુંતલા દેવી’નું ટ્રેલર રિલીઝ; વિદ્યા બની છે મહાન ગણિતજ્ઞ

મુંબઈઃ જેઓ માનવ-કમ્પ્યુટર તરીકે વિશ્વભરમાં ખ્યાતનામ થયેલાં મહાન ગણિતજ્ઞ શકુંતલા દેવીનાં જીવન પર આધારિત બનાવવામાં આવેલી હિન્દી ફિલ્મ ‘શકુંતલા દેવી’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં વિદ્યા બાલને શકુંતલા દેવીનો રોલ અદા કર્યો છે.

આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પર આવતી 31 જુલાઈએ સ્ટ્રીમ થશે.

ટ્રેલરમાં જોઈ શકાય છે કે વિદ્યાએ શકુંતલા દેવીની ભૂમિકા અત્યંત સહજતાથી અને એકદમ પરફેક્શન સાથે નિભાવી છે.

ઈન્ટરનેટ પર ટ્રેલર અને વિદ્યા બાલનની વાહ-વાહ થઈ રહી છે.

ટ્રેલર અત્યંત પ્રભાવશાળી અને નાટ્યાત્મક્તાથી ભરપૂર છે.

વિદ્યા એક દ્રશ્યમાં બોલે છે, ગણિતમાં કોઈ નિયમ હોતો નથી, માત્ર જાદુ હોય છે.

શકુંતલા દેવી જેને માટે જાણીતાં બન્યાં હતાં એ તેમનાં હાજરજવાબીપણા અને વિનોદવૃત્તિનાં ગુણને રૂપેરી પડદા પર વિદ્યાએ એકદમ સરસ રીતે રજૂ કર્યાં છે.

છેલ્લે મિશન મંગલમાં જોવા મળેલી વિદ્યા આ રોલમાં એકદમ છવાઈ ગઈ છે અને દર્શકો એની પર ફરીથી વારી જશે.

ટ્રેલરની શરૂઆતમાં વિદ્યા પોતાને ‘માયસેલ્ફ શકુંતલા’ તરીકે ઈન્ટ્રોડ્યૂસ કરે છે.

શકુંતલા દેવીનું 2013ની 21 એપ્રિલે એમનાં જન્મસ્થાન બેંગલોરમાં નિધન થયું હતું. એમની ગણિતની ટેલેન્ટને ધ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની 1982ની આવૃત્તિમાં સ્થાન આપવામાં આવ્યું હતું. શકુંતલા દેવી ગમે તેટલી મોટી રકમનો સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી અમુક સેકંડોમાં જ કરી દેતાં હતાં. તેથી એમને ‘મેન્ટલ કેલક્યૂલેટર’ અને કમ્પ્યુટરનો યુગ આવ્યો ત્યારે ‘હ્યુમન કમ્પ્યુટર’ તરીકે ઓળખવામાં આવ્યાં છે.

ફિલ્મમાં શકુંતલા દેવીનાં અંગત જીવનને પણ તાદ્રશ કરવામાં આવ્યું છે. જેમાં તેઓ એમનાં ગણિતપ્રેમ અને પુત્રી વચ્ચે સંઘર્ષ કરતાં જોવા મળે છે. ફિલ્મમાં એમની પુત્રીનો રોલ સાન્યા મલ્હોત્રાએ અદા કર્યો છે. માતા-પુત્રી વચ્ચેના સંબંધને નાટ્યાત્મક રીતે રજૂ કરવામાં આવ્યો છે.

અનુ મેનન દ્વારા દિગ્દર્શિત અગાઉ 8 મેએ થિયેટરોમાં રજૂ કરવાનું નિર્ધારિત કરાયું હતું, પરંતુ કોરોના વાઈરસ રોગચાળાને કારણે થિયેટરો બંધ હોવાથી એને 31 જુલાઈએ એમેઝોન પ્રાઈમ વિડિયો પર ગ્લોબલ પ્રીમિયરના રૂપમાં રજૂ કરવામાં આવશે.

જુઓ ફિલ્મનું ટ્રેલર…

રિલાયન્સની સ્વદેશી 5G સેવા આવતા વર્ષેઃ મુકેશ અંબાણીનું એલાન

મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની 43મી વાર્ષિક સામાન્ય સભા (AGM) આજે યોજવામાં આવી હતી. કોરોના વાઈરસના ફેલાવાને કારણે આ વખતે આ એજીએમ દર વખતની જેમ, દક્ષિણ મુંબઈના બિરલા માતુશ્રી સભાગૃહમાં નહીં, પરંતુ વર્ચ્યુઅલ માધ્યમથી યોજવામાં આવી હતી. કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ એલાન કર્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આવતા વર્ષે સ્વદેશી 5G સેવા શરૂ કરવા ધારે છે. કંપનીએ 5G ટેક્નોલોજીને એક નવા આરંભ સાથે સંપૂર્ણપણે વિકસિત કરી લીધી છે. સંપૂર્ણપણે ભારતમાં વિકસિત કરાયેલી આ 5G ટેક્નોલોજીને 5G સ્પેક્ટ્રમ મળે તે પછી એક જ વર્ષમાં લોન્ચ કરવામાં આવશે.

જિયોને લઈને અંબાણીએ અનેક જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના સંકટના દોરમાં વેપાર-ધંધાને બહુ નુકસાન થયું છે. વિશ્વભરનાં અર્થતંત્રો પર એની પ્રતિકૂળ અસર પડી છે. જોકે મને તેમ છતાં એ વિશ્વાસ છે કે આપણે કોરોનાને હરાવીને સમૃદ્ધિના દોરમાં પહોંચીશું. મને વિશ્વાસ છે કે દરેક મુશ્કેલીના સમયમાં કેટલીય તકો છુપાયેલી હોય છે.

AGM જિયોમીટ દ્વારા વર્ચ્યુઅલ મીટિંગ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ની AGM જિયોમીટ દ્વારા વર્ચ્યુઅલ કરવામાં આવી હતી. અત્યાર સુધી 50 લાખથી વધુ લોકો જિયોમીટને ડાઉનલોડ કરી ચૂક્યા છે. જિયોમીટ પહેલી અને એકમાત્ર ક્લાઉડ બેઝ્ડ વિડિયો કોન્ફરન્સિંગ એપ છે. માત્ર બે મહિનામાં જિયો પ્લેટફોર્મની યંગ ટીમે એને તૈયાર કરી છે. આ એપના રિલીઝ કેટલાક દિવસો પછી એને 50 લાખ લોકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવી છે.

ચાર બાબતોથી મને સંતોષઃ અંબાણી

કંપનીના ચેરમેને કહ્યું હતું કે ચાર બાબતોથી મને સંતોષ છે. આ ચાર બાબતો- 1 અમારા જિયોમાર્ટના 12,000 સ્ટોરના આશરે બે તૃતીયાંશ સ્ટોર ટિયર II, ટિયર III, ટિયર IV શહેરોમાં છે. બીજી, હજ્જારો ખેડૂતોના મજબૂત સાથથી અમે 80 ટકા ફળ અને શાકભાજી ખરીદીએ છીએ. અમે અન્ય કોઈ પણ સંગઠિત રિયેલર કરતાં વધુ ફળ અને શાકભાજી વેચીએ છીએ. ત્રીજી, અમે લાખ્ખો લોકોને રોજગારી આપીએ છીએ. ચોથું, અમારું ગ્રોથ મોડલ નાના મર્ચન્ટ્સ અને દુકાનદારોની સાથે ભાગીદારી આધારિત છે.

તેમણે કહ્યું હતું કે કંપની 2021ના પ્રારંભના મહિનાઓમાં ઓઇલ ટુ કેમિકલ બિઝનેસને અલગ કંપની બનાવશે.

AGMમાં કરવામાં આવેલી મહત્ત્વની જાહેરાતો નીચે મુજબ છેઃ

  • રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ પહેલી એવી ભારતીય કંપની બની ગઈ છે, જેનું માર્કેટ કેપ 150 અબજ ડોલર છે.
  • ગૂગલ જિયો પ્લેટફોર્મ્સમાં 33,737 કરોડ રૂપિયાના રોકાણ દ્વારા 7.7 ટકાનો હિસ્સો લીધો છે.
  • નવ મહિના પહેલાં રિલાયન્સની બેલેન્સશીટમાં સંપૂર્ણ રીતે દેવામુક્ત બની છે.
  • મુકેશ અંબાણીએ એલાન કર્યું હતું કે જિયોએ સ્ક્રેચથી 5G સોલ્યુશન્સ ડેવલપ કર્યું છે. આનાથી દેશમાં વર્લ્ડ ક્લાસ 5G સર્વિસ લોન્ચ કરી શકાશે. જિયોની 5G સર્વિસ આગામી વર્ષે શરૂ થવાની શક્યતા છે. જિયોની 5G પ્રોડક્ટ માટે ટૂંક સમયમાં સ્પેક્ટ્રમ મળશે. કંપની એની ટ્રાયલ જલદી શરૂ કરશે.
  • રિલાયન્સે જિયો પ્લેટફોર્મનો 32.94 ટકા હિસ્સો વેચીને 1,52,056 કરોડ એકત્ર કર્યા
  • ઇશા અંબાણી અને આકાશ અંબાણીએ નવા જિયો ટીવીની ખાસિયત બતાવી હતી. નવા JIO TVમાં નેટફ્લિક્સ, એમેઝોન, પ્રાઇમ વિડિયો, હોટસ્ટાર જેવા OTT ચેનલ હશે. આમાં લોગઇન માટે અલગ-અલગ ID પાસવર્ડની જરૂર નહીં. JIO TVની સાથે તમે માટે એક ક્લિકથી OTT પર કંઈ પણ જોઈ શકો છો.
  • AGMમાં જિયો ગ્લાસ લોન્ચ કરવામાં આવ્યો. આ ગ્લાસનું વજન માત્ર 75 ગ્રામ છે. આ એક કેબલથી જોડાયેલો હશે. આ ગ્લાસમાં 25 એપ હશે, જેમાં આગામી સમયમાં કેટલીય એપ ઉમેરી શકાશે.
  • કંપનીમાં 12 સપ્તાહમાં જિયો માટે 1.52 લાખ કરોડથી વધુ ફંડ એકત્ર થયું.
  • આ રોકાણમાં રાઇટ્સ ઇશ્યુ અને BP દ્વારા રોકાણનો ઉમેરો કકરીએ તો કંપનીએ 2.13 લાખ કરોડનું ફંડ એકત્ર કર્યું છે.
  • કંપનીનો EBITDA એક લાખ કરોડ રૂપિયા થયો છે. કન્ઝ્યુમર EBITDA ગ્રોથ 49 ટકા રહ્યો છે.
  • રિલાયન્સે જિયો પ્લેટફોર્મનો 32.94 ટકા હિસ્સો વેચીને 1,52,056 કરોડ એકત્ર કર્યા
  • રિલાયન્સ ગૂગલની સાથે મળીને 4G-5Gના સ્માર્ટ ફોન બનાવશે. કંપની એન્ડ્રોઇડ બેઝ્ડ ફોન બનાવશે. JIO અને ગૂગલ ભારતને 2Gમુક્ત કરશે
  •  રિલાયન્સે 2000 કરોડથી વધુની નિકાસ કરી છે.
  • રિલાયન્સ સૌથી વધુ GST આપતી કંપની છે. કંપનીએ 69,372 કરોડ રૂપિયા GST તરીકે ચૂકવે છે.
  • મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમે ભારતને 2G મુક્ત બનાવવા ઇચ્છીએ છીએ. દેશમાં હાલ 35 કરોડ લોકો 2Gનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીએ એના માટે ગૂગલથી કરાર કર્યા છે.

રિલાયન્સની AGMમાં રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરમેન નીતા અંબાણીએ પણ રિલાયન્સની AGMને સંબોધિત કરી હતી. આ તેમનું પહેલું સંબોધન હતું. તેમણે કહ્યું હતું કે રિલાયન્સના બે લાખથી વધુ કર્મચારીઓએ કોરોના સંકટના દોરમાં આગળ આવીને લોકોને મદદ કરી છે.

મારુતિ સુઝૂકીએ હજારો વેગન-R, બલેનો પાછી મગાવી

નવી દિલ્હીઃ મારુતિ સુઝૂકી કંપનીએ તેની વેગન-R મોડેલની કારની 56,663 યુનિટ્સ અને બલેનો મોડેલની કારની 78,222 યુનિટ્સને પાછી મગાવી છે, કારણ કે બંને કારના ફ્યુઅલ પમ્પમાં કોઈક ખરાબી હોવાની એને શંકા છે.

મારુતિએ વેગનઆર અને બલેનોની યુનિટ્સને પોતાના એરિના અને નેક્સા ડીલરશિપના માધ્યમથી પાછી મગાવી છે.

પાછી મગાવેલી મારુતિ બલેનોનું ઉત્પાદન 2019ની 15 જાન્યુઆરી અને 4 નવેંબર વચ્ચેના સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું હતું. જ્યારે મારુતિ વેગનઆરનું ઉત્પાદન 15 નવેંબર-2018 અને 15 ઓક્ટોબર-2019 વચ્ચે કરવામાં આવ્યું હતું.

ભારતમાં આ સૌથી વધુ વેચાતી કાર છે.

પાછી મગાવેલી કારના ફ્યુઅલ પમ્પના ખરાબ પાર્ટ્સને મફતમાં ઠીક કરી આપશે. એ માટે ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.

ગ્રાહકોનો એરિના અથવા ડીલરશિપ માધ્યમથી ટૂંક સમયમાં જ સંપર્ક કરવામાં આવશે. અથવા ગ્રાહકો પોતે પણ એમની કારનું ચેકિંગ કરાવવા માટે કંપનીની વેબસાઈટના ‘Imp Customer Info’ વિભાગમાં જઈને ચેક કરી શકે છે. ત્યાં જઈને ગ્રાહકે પોતાના વાહનનો ચેસિસ નંબર નાખવાનો રહેશે. એના પરથી માલૂમ પડશે કે પોતાનું વાહન ખામીવાળું છે કે નહીં. જો હોવાનું માલૂમ પડે તો એમણે માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. વાહનનો ચેસિસ નંબર આઈડી પ્લેટ પર અથવા વાહનના રજિસ્ટ્રેશન દસ્તાવેજ ઉપર પણ લખ્યો હોય છે.

ગ્રાહકો નજીકના ડીલર પાસે જઈને પણ આ વિશેની જાણકારી મેળવી શકે છે.

શું દેશભરમાં ફરીથી લોકડાઉન લાગુ કરાશે?

નવી દિલ્હી: દેશભરમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે એ જોતા એવું લાગી રહ્યું છે કે, ફરીએક વખત લોકડાઉન લાગી શકે છે. અત્યારે અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે, જે હેઠળ દેશમાં મોટાભાગની પ્રવૃતિ શરુ થઈ ગઈ છે. દેશભરમાં ફરીથી લોકડાઉન લાગૂ થવાની ચર્ચા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, માત્ર કન્ટેનમેન્ટ ઝોનમાં કડક નિયમો કરવાની જરૂર છે. મંત્રાલયે કહ્યું કે, જે શહેરોમાં કોરોનાને ઓછા કેસ હતા ત્યાં પણ નરમ વલણને પગલે કેસ વધવા લાગ્યા છે.

મંત્રાલયે કહ્યું કે, દેશમાં કોરોના કેસોમાં દરરોજ થતા વધારામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ઓએસડી રાજેશ ભૂષણે કહ્યું કે, અત્યારે દેશમાં કોરોનાના 3,11,565 એક્ટિવ કેસ છે. જોકે, આરોગ્ય મંત્રાલયે દેશભરમાં ફરીથી લોકડાઉન લાગૂ કરવા અંગેના કોઈ સંકેત આપ્યા નથી. દેશના ઘણા શહેરોમાં મંગળવારથી ફરીથી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે.

બિહાર સરકારે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમા રાખીને લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. બિહારના તમામ જિલ્લા મથક, પેટાવિભાગ અને બ્લોક મુખ્યાલયમાં 16થી 31 જુલાઈ સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન રેલવે અને વિમાન સેવા ચાલુ રહેશે પણ શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો અને જાહેર પરિવહન બંધ રહેશે.

કોરોના સંક્રમિતો નવા 29,429 કેસ, 582નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન -પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. દેશમાં સતત ત્રીજા દિવસે 28,000થી વધુ કોરોના સંક્રમિતોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 29,429 નવા કેસ સામે આવ્યા છે અને 582 લોકોનાં મોત થયાં છે. આ એક દિવસમાં દેશમાં કોરોના સંક્રમિતોનો સૌથી વધુ આંકડો છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 9,36,181 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 23,727 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 5,92,031 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,19,840એ પહોંચી છે. રિકવરી રેટ 63.23 ટકાથી વધુ થયો છે.

દેશમાં 14 જુલાઈ સુધી 1,24,12,664 કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. ગઈ કાલે 3,20,161 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે.

વિશ્વમાં કોરોનાથી 5,78,562 મોત

વિશ્વમાં અત્યાર સુધી 1,33,19,582 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. વિશ્વમાં અત્યાર સુધી આ રોગચાળાથી 5,78,562 લોકોનાં મોત થયાં છે. જોકે હાલ અત્યારે 53,45,963 લોકોના સક્રિય કેસ છે. જોકે અત્યાર સુધી 73,95,056 લોકોએ આ બીમારીમાંથી ઠીક થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

લુપિને 18 કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં પ્લાન્ટની કામગીરી બંધ કરી

અમદાવાદઃ રાજ્યના ભરૂચ જિલ્લામાં ડ્રગઉત્પાદક લુપિન લિમેટેડના પ્લાન્ટમાં 18 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતાં કંપનીએ હાલમાં આ પ્લાન્ટની કામગીરી બંધ કરી દીધી છે, એમ અધિકારીઓએ કહ્યું હતું. કંપનીનો આ પ્લાન્ટ અંકલેશ્વરમાં આવેલો છે. જોકે આ પ્લાન્ટમાંના અન્ય કામદારોના કોરોના ટેસ્ટનાં પરિણામોની રાહ જોવાઈ રહી છે. 12 જુલાઈએ આ પ્લાન્ટની કામગીરીને બંધ કરવામાં આવી હતી, એમ ભરૂચના કલેક્ટર એમ. ડી. મોડિયાએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ કર્મચારીઓની સારવાર ચાલી રહી છે અને કંપની આ બધાના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરી રહી. કર્મચારીઓની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે અને અમે સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંપર્કમાં છીએ, એમ તેમણે કહ્યું હતું.

આ પ્લાન્ટમાં ક્ષય રોગની દવા બનાવવામાં આવે છે

કંપનીના આ પ્લાન્ટમાં ક્ષય રોગની દવા બનાવવામાં આવે છે. કંપનીના આ પ્લાન્ટમાં 200 કર્મચારીઓએ કાર્યરત છે અને આ બધા કર્મચારીઓનો કોરોના વાઇરસનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું

કંપનીના સાતમા નંબરના પ્લાન્ટમાં કોરોના પહોંચ્યો

અંકલેશ્વર સ્થિત સાત નંબરના પ્લાન્ટમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસ મળી આવ્યા પછી આ પ્લાન્ટને સેનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવા માટે પ્લાન્ટને બંધ કરવામાં આવ્યો હતો, એમ આરોગ્ય વિભાગના અધિકારીઓએ કહ્યું હતું.

કંપનીના નવ પ્લાન્ટ અંકલેશ્વરમાં    

લુપિન એક અગ્રણી ફાર્માસ્યુટિકલ મલ્ટિનેશનલ કંપની છે, કંપની અંકલેશ્વરમાં નવ પ્લાન્ટ્સ ધરાવે છે અને કંપની અહીં ઇન્ટમિડિયેટ્સ અને સક્રિય ફાર્માસ્યુટિકલ્સ ઘટકોનું ઉત્પાદન કરે છે. કંપની અહીં ઉત્પાદિત કરેલી પ્રોડક્ટોને ઇટાલી, ચીન, કેનેડા અને સ્થાનિક બજારમાં સપ્લાય કરે છે.

 

 

 

રાશિ ભવિષ્ય 15/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

યુવા ક્રિકેટરો રિષભ પંત, રૈનાએ શરૂ કરી નેટ પ્રેક્ટિસ

ગાઝિયાબાદ: કોરોના મહામારીને કારણે વિશ્વભરના ક્રિકેટર્સ પોતાને ઘરે જ છે. જોકે,  ઈંગ્લેન્ડ  વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત થઇ ગઇ છે, પણ ભારતમાં હજુ પણ ક્રિકેટ મેચો રમવા પર પ્રતિબંધ છે. માર્ચ મહિનાથી ક્રિકેટથી દૂર રહેલા ભારતીય ક્રિકેટરો હવે મેદાનને યાદ કરવા લાગ્યા છે. કેટલાક ભારતીય ક્રિકેટરોએ વ્યક્તિગત રૂપે આઉટડોર પ્રેક્ટિસ શરૂ કરી છે, પરંતુ મોટાભાગનાં ક્રિકેટરો હજી પણ ઘરમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે.

થોડા દિવસ અગાઉ ચેતેશ્વર પૂજારા, ઉમેશ યાદવ અને ઈશાંત શર્મા નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા તો હવે આ યાદીમાં સુરેશ રૈના અને યુવા ક્રિકેટર રિષભ પંતનું નામ પણ સામેલ થઈ ગયું છે.

તમામ સાવધાની સાથે આ બંને ખેલાડીઓએ ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. સુરેશ રૈનાએ આ પ્રેક્ટિસ સેશનનાં કેટલાક વીડિયોને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા છે. રૈનાએ વિડિયોના કેપ્શનમાં લખ્યું કે, ‘ખૂબ જ મહેનત કરો, કદી હાર ન માનો અને ઈનામ મેળવો.’ તો વિડિયોમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે પણ નેટ પ્રેક્ટિસ સેશનનો આનંદ ઉઠાવતો જોવા મળી રહ્યો છે.

કોરોના બેકાબૂ: દેશના આ શહેરોમાં ફરી લોકડાઉન!

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ખૂબ જ ઝડપે ફેલાઈ રહ્યું છે, આ સ્થિતિમાં શહેરોમાં ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. દેશના કેટલાક શહેરોમાં આજથી કડક અમલ સાથે લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખતા યૂપી સરકારે  સપ્તાહમાં બે દિવસ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો આદેશ આપ્યો છે.

મહત્વનું છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ વિશ્વભરમાં હજુ સ્થિતિ વધુ બગડવાની વાત કહી છે. આ સ્થિતિમાં સરકાર પાસે લોકડાઉનનો એકમાત્ર વિકલ્પ બચ્યો છે. ઘણા રાજ્યોએ મંગળવારથી ફરીથી લોકડાઉન લાગૂ કરી દીધું છે. આ વખતે જે શહેરોમાં કોરોના સંક્રમણના કેસો વધુ છે ત્યાં લોકડાઉનના નિયમો કડક બનાવાયા છે.

ગુજરાતના અમદાવાદ, વડોદરા, અને સુરતમાં સરકારી બસ સેવા ફરીથી બંધ કરી દેવામાં આવી છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક દિવસમાં 191 નવા કેસો નોંધાતા આજે સાંજે 7 વાગ્યાથી એક સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. જે એકદમ કર્ફ્યુ જેવું હશે. તો આજે રાતેથી દક્ષિણ કર્ણાટકમાં એક સપ્તાહનું લોકડાઉન લાગૂ કરવામાં આવી રહ્યું છે.

મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડમાં આજ રાતથી 10 દિવસનું લોકડાઉન લાગૂ કરવામાં આવશે. આ ઉપરાંત વારાણસીમાં પાંચ દિવસ સુધી અડધા દિવસનું લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. તો આ તરફ જમ્મુ કશ્મીરમાં ફરીથી લોકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. આ રીતે દેશના ઘણા રાજ્યોએ તેમના શહેરોમાં લોકડાઉન લગાવ્યું છે. જો સ્થિતિ આવી જ રહેશે તો ફરી એક વખત સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી શકે છે. કારણ કે ભારતમાં હવે ખૂબ જ ઝડપે કોરોના ફેલાઈ રહ્યો છે.

વધુપડતા વીજબિલની ફરિયાદોના મામલે હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટનો ઈનકાર

મુંબઈઃ કોરોના-લોકડાઉન સંકટ દરમિયાન લોકોને વધુપડતી રકમના વીજળીના બિલ ફટકારવામાં આવ્યા છે ત્યારે એમને આ મુસીબત સામે રાહતની દાદ માગતી બે જનહિતની અરજીઓમાં હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટે આજે ઈનકાર કરી દીધો છે.

હાઈકોર્ટે અરજદારોને આદેશ આપ્યો છે કે આ માટે તેઓ કોઈ બીજા ઉપાય શોધે અને મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી રેગ્યૂલેટરી કમિશન (MERC)ની માર્ગદર્શિકા અનુસાર ફરિયાદ મંચનો સંપર્ક કરે.

કોર્ટે આ ઉપરાંત મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ (MSEDCL અથવા મહાવિતરણ) સહિત વીજળી પૂરી પાડતી કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ અરજદારોની ફરિયાદો પર વહેલી તકે ધ્યાન આપે અને જનહિતની અરજીઓનો નિકાલ લાવે.

ન્યાયમૂર્તિઓ પી.બી. વરાળે અને મિલિંદ જાધવની વિભાગીય બેન્ચે વિડિયો કોન્ફરન્સ મારફત જનહિતની અરજીઓ પર સુનાવણી કરી હતી. અરજી મુલુંડ ઉપનગરના નિવાસી વેપારી રવિન્દ્ર દેસાઈએ કરી હતી. એમણે કોર્ટને વિનંતી કરી હતી કે જૂન મહિના માટે આપવામાં આવેલા વીજળીના બિલની રકમ ઘટાડવા વીજપૂરવઠો પૂરો પાડતી કંપનીઓ તથા મહારાષ્ટ્ર સરકારને આદેશ આપે. આ ઉપરાંત કોરોના વાઈરસ રોગચાળાના સંદર્ભમાં વધુપડતા વીજબિલ ટાળવા માટે કોઈક વ્યૂહરચના પણ ઘડી કાઢવામાં આવે એવો પણ કોર્ટ આદેશ આપે એવી પણ અરજદારે વિનંતી કરી હતી.

49 વર્ષીય દેસાઈએ એમની અરજી એડવોકેટ વિશાલ સક્સેના મારફત નોંધાવી હતી અને એમાં તેમણે મહારાષ્ટ્રના ઊર્જા મંત્રાલય, તથા વીજપૂરવઠો પૂરો પાડતી કંપનીઓ જેવી કે મહાવિતરણ, અદાણી ઈલેક્ટ્રિસિટી, ટાટા પાવર તથા અન્યોને પક્ષકાર બનાવ્યા છે.

દેસાઈએ એવો દાવો કર્યો છે કે એમને જૂન મહિના માટેનું વીજબિલ એમના માસિક વપરાશ કરતાં દસ ગણું વધારે આપવામાં આવ્યું છે. એક તો કોરોના-લોકડાઉનને કારણે આર્થિક રીતે ખોટ ગઈ છે અને ત્યાં વીજળી વિતરણ કંપનીએ વધુપડતી રકમનું વીજબિલ ફટકાર્યું છે.

અરજદારે જનહિતની અરજી કરતા પહેલાં ગયા મહિને મહાવિતરણ કંપનીમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

કોર્ટે દેસાઈની અરજી ઉપરાંત સોલાપુરના એક સામાજિક કાર્યકર્તા મહિબૂબ ડી. શેખ (62)એ નોંધાવેલી એક અન્ય જનહિતની અરજી ઉપર પણ સુનાવણી કરી હતી.

રાજ્ય સરકાર વતી હાજર થયેલા એડવોકેટ દીપા ચવ્હાણે કહ્યું કે અમે જનહિતની અરજીઓનો વિરોધ કરીએ છીએ. વીજળી કાયદા અંતર્ગત ગ્રાહકોને ફરિયાદ કરવા માટે MSEDCL અને MERC જેવી યંત્રણા ઉપલબ્ધ છે, અરજદારો એનો સંપર્ક કરી શકે છે. ઘણા કેસોમાં બિલની રકમ કોઈ ભૂલવાળી નથી.

બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે બંને જનહિતની અરજીઓમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો હતો અને અરજદારોને આદેશ આપ્યો હતો કે તેઓ ફરિયાદ માટે રચવામાં આવેલી સંસ્થામાં ફરિયાદ નોંધાવે. કોર્ટે અરજદારોને એમ પણ કહ્યું કે જો તમારી ફરિયાદને તાત્કાલિક રીતે સાંભળવામાં ન આવે તો તમે આગળનું કાનૂની પગલું ભરી શકો છો અને અદાલતી મંચો પર જઈ શકો છો.

બંને જનહિતની અરજીઓનો નિકાલ કરતાં કોર્ટે MSEDCL અને MERCને આદેશ આપ્યો હતો કે તેઓ નાગરિકોને ઓનલાઈન ફરિયાદો નોંધાવવા માટે લિન્ક પૂરી પાડે અને લોકડાઉનમાં નાગરિકોને કોઈ પ્રકારની અગવડ પડવી ન જોઈએ.