























મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોત પછી બોલિવુડમાં નેપોટિઝમનો વિવાદ ઘેરો બની રહ્યો છે. આવામાં મશહૂર નિર્માતા કરણ જૌહરને સૌથી વધુ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કરણ પર ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કરણ પોતાની ફિલ્મોમાં માત્ર સ્ટાર કિડ્ઝને જ તક આપે છે એવા આક્ષેપો થયા છે.
કરણ જોહરથી અંતર બનાવી રહી છે આલિયા
બોલિવુડમાં નેપોટિઝમના વધતા વિવાદોને કારણે હવે અમુક સેલિબ્રિટીઝ કરણ જોહરથી અંતર બનાવી રહ્યા છે. કહેવાય છે કે, આલિયા ભટ્ટે કરણ જોહરના નિર્માણમાં અરુણિમા સિન્હાની બાયોપિક પરથી બનનારી ફિલ્મના કલાકાર તરીકે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. એને લીધે સારા અલી ખાન અને જાન્હવી કપૂરનાં નામ ચર્ચામાં આવ્યા છે.
અપંગ મહિલા પર્વતારોહી બન્યાનો ઇતિહાસ
અરુણિમા સિન્હા એક વિકલાંગ પર્વતારોહી છે, જેમણે એક પગ હોવા છતાં વિશ્વના સૌથી ઊંચા શિખર, માઉન્ટ એવરેસ્ટને સર કર્યું હતું. વિશ્વના સૌથી ઊંચા શિખરને સર કરનાર એ વિશ્વનાં પ્રથમ વિકલાંગ મહિલા પર્વતારોહી બન્યાં છે.

સુશાંતના મોત પછી કરણ જોહરની હાલત કફોડી
હાલમાં કરણના એક નજીકના મિત્રએ જણાવ્યું હતું કે સુશાંતના મોત પછી કરણ સાવ ભાંગી પડ્યા છે. તે હજી એ સ્વીકારી જ શકતા કે સુશાંતે પોતાને કારણે એવું અંતિમ પગલું ભર્યું. મિત્રએ વધુમાં કહ્યું હતું કે કરણ અને તેના નજીકની વ્યક્તિઓને સતત ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. ત્યાં સુધી કે અનન્યા પાંડે તો ત્યાં સુધી કહ્યું છે કે હવે તે પણ આત્મહત્યા કરી લે, જેથી સુશાંતના મોતની ભરપાઈ કરી શકાય.
ત્રણ મહિનામાં આલિયાને રાજી કરશે કરણ
આલિયાએ અરુણિમા સિન્હાની બાયોપિકથી પોતાનું નામ પાછું ખેંચી લેતાં કરણ જોહરે બેથી ત્રણ મહિનાનો સમય માગ્યો છે. કરણનો દાવો છે કે તે આ પાત્ર માટે આલિયાને ચોક્કસ મનાવી લેશે.
ઉલ્લેખનીય છે કે આલિયાએ પોતાની ફિલ્મી કારકિર્દીનો આરંભ કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’થી કર્યો હતો. નવી ફિલ્મ સાઈન કરતા પહેલાં એ જોહરની સલાહ લેતી હોય છે એવું પણ કહેવાય છે.
હવે એ જોવું રસપ્રદ રહેશે કે કરણ જોહર આલિયાને મનાવી શકે છે કે નહીં?
વોશિંગ્ટનઃ અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા ગયા સપ્તાહમાં જારી કરવામાં આવેલી નવી વિઝા નીતિની સામે એક ડઝનથી વધુ ટેક્નોલોજી કંપનીઓએ અને રાજ્યોએ મોરચો માંડ્યો છે. ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ સહિત અને ટેક કંપનીઓએ અને 17 રાજ્યોએ આ વિઝા નીતિ મામલે ટ્રમ્પ સરકારની સામે કોર્ટમાં કેસ કર્યો છે.
ટેક કંપનીઓએ નવી વિઝા નીતિને ગેરકાયદે જણાવી
ટેક કંપનીઓ અને રાજ્યોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓફ મેસેચ્યુસેટ્સમાં કેસ કર્યો છે. આ કેસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) અને અમેરિકી ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (ICI)ની સામે નોંધાવવામાં આવ્યો છે. ટેક કંપનીઓનું કહેવું છે કે આ નવી વિઝા નીતિ ક્રૂર, આકસ્મિક અને ગેરકાયદે છે. કંપનીઓએ નવી વિઝા નીતિ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવાની માગ કરી છે.
60થી વધુ યુનિવર્સિટીઓએ પણ વિરોધ નોંધાવ્યો
નવી વિઝા નીતિના વિરોધમાં હાર્વર્ડ યુનિવર્સિટી અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની સાથે 60થી વધુ યુનિવર્સિટીઓએ પણ કેસ કર્યો છે. 2018-19 એકેડેમિક યરમાં અમેરિકામાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ છે. એકલા મેસેચ્યુસેટ્સ રાજ્યમાં જ 77,000થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ છે, જે દર વર્ષે અમેરિકી અર્થતંત્રમાં 3.2 અબજ ડોલરનું યોગદાન આપે છે.

નવી વિઝા નીતિથી આશરે બે લાખ ભારતીય સ્ટુડન્ટ્સ પર અસર પડશે
સ્ટુડન્ટ્સ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ (SEVP)ના જણાવ્યા મુજબ આ વર્ષે જાન્યુઆરીમાં 1,94,556 ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં જોડાયા હતા. આમાં 1,26,132 વિદ્યાર્થીઓ અને 68,405 વિદ્યાર્થિનીઓ છે. નવી વિઝા નીતિ લાગુ થવા પર ભારતીય વિદ્યાર્થીઓ પર પણ અવળી અસર પડશે.

ટ્રમ્પ સરકારની નવી વિઝા નીતિ શું છે
ટ્રમ્પ વહીવટીતંત્રએ ગઈ છઠ્ઠી જુલાઈએ નવી વિઝા નીતિ જારી કરી હતી. આમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે ક્લાસ (જે તે કોલેજમાં)માં જઈને શિક્ષણ લેવાનું ફરજિયાત બનાવાયું છે. નવી નીતિમાં પણ કહેવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ કલાસમાં (ઓફલાઇન) જઈને શિક્ષણ નહીં લે, તેમના વિઝા સસ્પેન્ડ કરવામાં આવશે. જે વિદેશી વિદ્યાર્થીઓ ઘેરબેઠાં ઓનલાઇન શિક્ષણ લેશે, તેમણે અમેરિકા છોડવું પડશે.
રાજપીપળા: નર્મદા જિલ્લા પ્રશાસનને બાગાયતના ક્ષેત્રમાં ખેડૂતોની આવકમાં અભિવૃદ્ધિ કરતી અનેક નવી પહેલો દ્વારા રોજગારીની તકો વધારવાની સર્વાંગી કામગીરી માટે રાષ્ટ્રીય સ્તરનો પ્રતિષ્ઠિત સ્કૉચ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે. નર્મદા જિલ્લો આ શ્રેણીના જિલ્લાઓમાં આ એવોર્ડ મેળવનારો દેશનો પ્રથમ જિલ્લો છે.

નર્મદાના જિલ્લા કલેકટર મનોજ કોઠારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તત્કાલિન નાયબ બાગાયત નિયામક ડો.સ્મિતા પિલ્લાઈએ અનેકવિધ નવી પહેલો દ્વારા બાગાયતને આ જીલ્લાના બહુધા આદિજાતિ ખેડૂતો માટે આવક અને રોજગારીનો નવો સ્ત્રોત બનાવ્યો છે.

એક સમયે બાગાયતને ખેતીને પૂરક પ્રવૃત્તિ ગણવામાં આવતી હતી એનો ઉલ્લેખ કરતાં ડૉ.સ્મિતાબેને જણાવ્યું કે, હવે ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ બાગાયતને મુખ્ય ખેતી તરીકે અપનાવી લીધું છે અને બાગાયત ખેડૂતોની સમૃદ્ધિનું માધ્યમ બની છે.એટલે જ નર્મદા જિલ્લામાં એસ્પિરેશનલ જિલ્લાના આયોજનમાં અમે બાગાયતમાં નવી પહેલો દ્વારા યોગદાન આપવાનો સંકલ્પ કર્યો. બાગાયતની આ પહેલો કેવી રીતે પાસું પલટી શકે એના દાખલા આપતાં એમણે જણાવ્યું કે જિલ્લામાં કેળનું વાવેતર ઘણું છે.
એમાં એક મોટી સમસ્યા કેળના થડનો નિકાલ કરવાની હતી. અમે આ આફતને અવસરમાં પલટવાનું વિચાર્યું અને આ થડના રેષામાંથી સુશોભન અને ગૃહ ઉપયોગની ચીજવસ્તુઓ બનાવવાના કસબને માર્ગે ખેડૂતોને વાળ્યા. આજે આ બિન ઉપયોગી થડમાંથી ખાતર અને ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ બને છે જે આવક આપે છે. થડમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અહીંના લોકોએ બનાવી છે. એક સમયે આ કેળના થડ પર્યાવરણ માટે હાનીકારક બનતા અને તેમના નિકાલ માટે ખેડૂતોએ રૂ.૧૦,૦૦૦/- હેકટર ખર્ચ કરવો પડતો. આજે એમાંથી ખેતી માટે ખાતર બને છે અને આવક થાય છે. અહીંના ખેડૂતો નિકાસ માટેની ગુણવત્તા ધરાવતા કેળા પકવતા થયા છે.

એ જ રીતે દેડિયાપાડા તાલુકામાં ૧૦૦ જેટલા લોકો છે જે જંગલમાં ઉગતી ઔષધીય વનસ્પતિઓની દવા બનાવી દેશી વૈદું કરે છે. એમને હરિયાણાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ધર્મવીરજીને નર્મદા જિલ્લામાં બોલાવી મલ્ટી ફૂડ પ્રોસેસર મશીનના ઉપયોગથી ઔષધીય વનસ્પતિઓના પ્રોસેસિંગની, યોગ્ય પેકેજીંગની તાલીમ અપાવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમના ઉત્પાદનોની વેચાણ વ્યવસ્થા ગોઠવી.એમનું જૂથ બનાવ્યું.પરિણામે અગાઉ જ્યાં વર્ષે માંડ એક લાખ રૂપિયાની આવક થતી,ત્યાં આજે તેઓ એક મહિનામાં એટલી કમાણી કરી શકે છે અને એમના દેશી ઓસડિયાના પુરવઠા કરતાં માંગ વધી ગઈ છે.
એ જ રીતે જિલ્લાના ખેડૂતોને ઓછા પાણીએ ડ્રેગન ફ્રૂટ, થાઇલેન્ડના જામફળ જેવા નવા ફળ પાકોની ખેતી સાથે જોડી આવક વધારી છે. જમીન વિહોણા આદિજાતિ ખેડૂતોને ઘરના એક રૂમમાં પૌષ્ટીક મશરૂમની ખેતી કરતાં કર્યા છે તો માત્ર મધ માટે નહિ પણ પરાગ નયન વધારી ખેત ઉત્પાદન વધારવા માટે મધમાખીના ઉછેર માટે પ્રેરિત કરીને ખેત ઉત્પાદન અને આવકમાં વધારાનો રસ્તો બતાવ્યો છે. ભારત સરકારની નેમ ખેડૂતોની આવક બમણી કરવાની છે, જેમાં આ પહેલોથી નિર્ણાયક યોગદાન મળ્યું છે. અમારી આ પહેલોની સકારાત્મક નોંધ લઇને નર્મદા જિલ્લાને આ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યો એનો ખૂબ આનંદ છે.
નવી દિલ્હી/જયપુરઃ કોંગ્રેસ પાર્ટીએ સખત વલણ અપનાવીને આજે સચીન પાઈલટને રાજસ્થાનના નાયબ મુખ્ય પ્રધાન પદેથી તેમજ રાજ્યના પાર્ટી પ્રમુખ પદેથી બરતરફ કરી દીધા છે.
પાઈલટની સાથે રાજસ્થાનમાં બે અન્ય પ્રધાનને પણ બરતરફ કરવામાં આવ્યા છે. આ બંને પ્રધાન છે – વિશ્વેન્દ્ર સિંહ અને રમેશ મીણા. આ બંને પ્રધાને મુખ્ય પ્રધાન અશોક ગેહલોત સામે બળવો કર્યો હતો અને કેબિનેટમાંથી બરતરફ કરાયેલા પાઈલટને ટેકો આપ્યો હતો.
પાઈલટની હકાલપટ્ટી કરવાના નિર્ણયની જાહેરાત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં આપી હતી.
આમ, પક્ષની અંદરના જ ઝઘડામાં પહેલો રાઉન્ડ ગેહલોત જીતી ગયા છે.
ટોન્ક વિધાનસભા બેઠક પરથી ચૂંટણી જીતેલા સચીન પાઈલટે જયપુરમાં આજે યોજાઈ ગયેલી કોંગ્રેસ વિધાનસભા પક્ષની બીજી બેઠકમાં હાજરી આપી નહોતી એટલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ એમની હકાલપટ્ટી કરવાનો કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો હતો.
સુરજેવાલાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ સચીન પાઈલટને તેઓ જ્યારે એમની ઉંમરની ત્રીસીમાં હતા ત્યારે એમને કેન્દ્રીય પ્રધાન બનાવ્યા હતા અને 40ની વયે એમને નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા… અમે સચીન પાઈલટને અનેક તકો આપી છે. એ સંસદસભ્ય રહી ચૂક્યા છે, રાજ્ય કક્ષાના પ્રધાન અને પક્ષના રાજ્ય એકમના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. મને એ વાતનું દુઃખ છે કે સચીન પાઈલટ અને એમના કેટલાક સાથીઓ ભાજપે બિછાવેલી જાળમાં ફસાઈ ગયા… આ અમને જરાય સ્વીકાર્ય નથી.
રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખ પદે પાઈલટની જગ્યાએ ગોવિંદ સિંહ દોતાસરાને નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમિતોની સંખ્યા નવને પાર થઈ ગઈ છે. દેશે વાઇરસ ફેલાવવાના 166 દિવસમાં નવ લાખ કેસોના આંકડાને પાર કર્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 28,498 નવા કેસ સામે આવ્યા છે અને 553 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 9,06,752 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 23,727 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 5,71,459 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 3,11,565એ પહોંચી છે. રિકવરી રેટ 63.02 ટકાથી વધુ થયો છે. પોઝિટિવિટી રેટ 13.09 ટકા છે.
દેશમાં 13 જુલાઈ સુધી 1,20,92,503 કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. ગઈ કાલે 2,86,247 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે.
સ્થિતિ હજી ભયાનક બનવાની WHOની ચેતવણી
કોરોના વાઇરસનો પ્રકોપ વિશ્વમાં હજી ભયાનક બને એવી શક્યતા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી ઉચ્ચારી છે કે કેટલાક દેશો આ રોગચાળા સામે બેદરકારી દાખવી રહ્યા છે, જેથી એની અસર દુનિયાઆખી પર પડે એવી શક્યતા છે. WHOએ ચેતવણી આપી છે કે જો યોગ્ય નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો વેક્સિન અને ઇમ્યુનિટીની કોઈ અસર નહીં થાય, કેમ કેસમાં સતત વધારો થતો રહેશે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

નવી દિલ્હીઃ ભારત અને નેપાળ વચ્ચે કોલ્ડ વોર અટકવાનું નામ નથી લેતું. નેપાળના વડા પ્રધાન કે. પી. શર્માએ ફરી એક વાર વિવાદિત નિવે્દન કરીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ભગવાન શ્રી રામનો જન્મ ભારતમાં નહીં, પણ નેપાળમાં થયો હતો. ઓલીએ વિવાદિત નિવેદન કરતાં કહ્યું છે કે અયોધ્યા નેપાળમાં છે અને ભારતે એક નકલી અયોધ્યાને વિશ્વ સામે રજૂ કરીને સાંસ્કૃતિક અતિક્રમણ કર્યું છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ભગવાન રામ ભારતીય નહીં પણ નેપાળી હતા. તેમણે કહ્યું હતું કે ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા ઉત્તર પ્રદેશમાં નહીં,બલકે નેપાળના વાલ્મીકિ આશ્રમની પાસે છે.
અયોધ્યામાં પૂજારીઓ નેપાળના વડા પ્રધાન પર ભડક્યા
નેપાળના વડા પ્રધાનના નિવેદનથી અયોધ્યાના પૂજારી ભડકી ઊઠ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચીનના દબાણમાં તેમણે આવું નિવેદન કર્યું છે. ભગવાન શ્રી રામનો જન્મ અહીં થયો હતો. તેમનો જન્મ અયોધ્યામાં સરયુ નદીની પાસે થયો હતો. એ સાચું છે કે સીતાજી નેપાળનાં હતાં, પણ એ દાવો કરવો કે ભગવાન શ્રી રામ નેપાળી છે તો એ સરાસર ખોટું છે. હું ઓલીના નિવેદનની ટીકા કરું છું, એમ રામ મંદિર ટ્રસ્ટના સભ્ય મહંત દિનેન્દ્ર દાસે કહ્યું હતું.
કલ્કિ રામ દાસ મહારાજે પણ ઓલીના નિવેદનને વખોડ્યું
રામ દળ ટ્રસ્ટના અધ્યક્ષ કલ્કિ રામ દાસ મહારાજે પણ ઓલીના નિવેદનને વખોડી કાઢતાં કહ્યું હતું કે ઓલી નેપાળ અને પાકિસ્તાન વતી કામ કરે છે. હું તેમની ટિપ્પણીની નિંદા કરું છું. નેપાળ એક હિન્દુ રાષ્ટ્ર હતું, પરંતુ હવે એ ચીન અને પાકિસ્તાન માટે કામ કરે છે.

કાઠમંડુમાં આયોજિત કાર્યક્રમમાં વિવાદિત નિવેદન
PM ઓલીએ ગઈ કાલે કાઠમંડુમાં પોતાના નિવાસસ્થાને આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે અયોધ્યા નેપાળના વીરભૂમિ જિલ્લાના પશ્ચિમમાં સ્થિત થોરી શહેરમાં છે. ભારતે નકલી અયોધ્યા ઊભી કરીને નેપાળના સાંસ્કૃતિક તથ્યોનું અતિક્રમણ કર્યું છે. તેમણે તર્ક આપ્યો હતો કે જો અસલી અયોધ્યા ભારતમાં છે તો ત્યાં રાજકુમાર લગ્ન માટે જનકપુર કેવી રીતે આવી શકે. એ સમયે આવાગમનના કોઈ સાધન નહોતા. ત્યારે મોબાઇલ ફોન નહોતો કે નહોતો ટેલિફોન તો તેમને જનકપુર વિશે માલૂમ કેવી રીતે પડે?
ઓલી નેપાળી નથી
અન્ય એક પૂજારી મહંત પરમહંસ આચાર્યેએ કહ્યું હતું કે ઓલી નેપાળી નથી. તેમને તેમના દેશના ઇતિહાસ વિશે જ ખબર નથી. તેઓ નેપાળ સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. ચીને બે ડઝનથી વધુ નેપાળી ગામો પર કબજો કરી લીધો છે, જેથી તેઓ લોકોને ગેરમાર્ગે દોરવા ભગવાન શ્રી રામના નામનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પહેલાં પણ ભારતની ટીકા કરી ચૂક્યા છે નેપાળી વડા પ્રધાન
નેપાળે હાલમાં જ ભારતના કેટલાક હિસ્સાઓને નેપાળના નવા રાજકીય નકશામાં દર્શાવ્યા હતા. ત્યારથી નેપાળના પીએમ ઓલી ભારતની વારંવાર ટીકા કરી રહ્યા છે. ઓલીના વિવાદાસ્પદ દાવાથી નવી દિલ્હી અને કાઠમંડુની વચ્ચેના સંબંધમાં ખટાશ આવી ગઈ છે.
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.
આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ ના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.
મુંબઈઃ BSE અને ઈબિક્સ ફિનકોર્પ એક્સચેન્જ પીટીઈ લિમિટેડના સંયુક્ત સાહસ બીએસઈ ઈબિક્સ ઇન્સ્યુરન્સ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડે તેના ઓન-ડિમાન્ડ હાઈ-ટેક પ્લેટફોર્મ પર લાઇફ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ લોન્ચ કરી છે. આ માટે BSEએ દેશની બે અગ્રગણ્ય લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓ નામે આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ કંપની અને બજાજ એલિયાન્ઝ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીને પ્લેટફોર્મ પર સામેલ કરી છે.
લાઇફ ઇન્સ્યોરન્સનું બજાર વર્ષે 10 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધશે
આ સાથે BSE ઈબિક્સ પ્લેટફોર્મ પર લાઇફ, હેલ્થ અને ઓટો ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ થઈ રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે દેશમાં લાઇફ ઇન્સ્યોરન્સનું બજાર વર્ષે 10 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી રહ્યું છે. વર્ષે બે ટ્રિલિયન રૂપિયાની આશરે ત્રણ કરોડ લાઇફ ઇન્સ્યુરન્સ પોલિસીઓનું વેચાણ થાય છે. આ વૃદ્ધિ દર આગામી વર્ષોમાં જળવાઈ રહેવાનો છે.
અમારી સ્થિતિ વધુ મજબૂત બની
આ પ્રસંગે BSEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે લાઇફ ઇન્સ્યોરન્સ BSE ઈબિક્સ પર લોન્ચ થવાથી ઇન્સ્યોરન્સ ક્ષેત્રે અમારી સ્થિતિ વધુ મજબૂત બની છે. અમે આ બે લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીઓને તેમની બ્રાન્ડ અને ખાનગી ઇન્સ્યોરન્સ ક્ષેત્રે તેમની દાવાઓની પતાવટની સર્વોત્કૃષ્ટ સર્વિસ બદલ પસંદ કરી છે. અમે ઇન્સ્યોરન્સના બિટા મોડ દ્વારા ડિસ્ટ્રિબ્યુશન ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરી છે અને તેમાં ઓર આગળ વધીશું.
આ પ્લેટફોર્મ સમક્ષ વિરાટ તક છે
ઈબિક્સ ગ્રુપના ચેરમેન, પ્રેસિડેન્ટ અને CEO રોબિન રાણાએ કહ્યું કે આ પ્લેટફોર્મ સમક્ષ વિરાટ તક છે. આ લોન્ચિંગ સાથે અમે BSE ઈબિક્સ પ્લેટફોર્મ સાથે નવ ઇન્સ્યોરન્સ કંપનીઓને સાંકળી ચૂક્યા છીએ. ભારતમાં ખૂણે-ખૂણે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ લઈ જવાની આવશ્યકતા છે ત્યારે આ પ્લેટફોર્મ દ્વારા સૌને લાભ થાય એ રીતે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટસનું વિતરણ થઈ રહ્યું છે. BSE ઈબિક્સ ઇન્સ્યુરન્સ કંપનીઓના સહયોગમાં પ્રોડક્ટસની વિસ્તૃત રેન્જ ઓફર કરવા માગે છે.