
‘મેક ઈન ઈન્ડિયા’નો ડંકો: ક્રાયોસ્ટાટનું ઉત્પાદન કરી L&T એ મેળવી મોટી સફળતા
સુરત: એલએન્ડટી ઈન્ડિયાએ દુનિયાના સૌથી મોટા અને જટિલ જોડાણવાળા સ્ટેનલેસ સ્ટીલના ઊંચા દબાણવાળા ઉપકરણ ક્રાયોસ્ટાટ બનાવવાનું કામ પાર પાડયું છે. L&T એ ’20 અબજ ડોલરના વૈશ્વિક ફ્યુઝન પ્રોજેક્ટ માટે ક્રાયોસ્ટાટ બનાવીને ‘મેક ઈન ઈન્ડિયા’નો વૈશ્વિક ફલક પર ડંકો વગાડ્યો છે.

દુનિયાના સૌથી મોટા ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર ફ્રાન્સમાં બને છે. આ ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટરના એક મહત્વનો ભાગ ક્રાયોસ્ટાટને ‘લાર્સન એન્ડ ટુબ્રો’ના ગુજરાતના સુરત જિલ્લામાં આવેલાં હજીરા મેન્યુફેક્ચરીંગ સંકુલમાં બનાવીને ફ્રાન્સની કંપનીમાં મોકલવામાં આવ્યો છે. ફ્રાન્સ મોકલવામાં આવનાર ક્રાયોસ્ટાટ 650 ટન વજનનું છે. જેને દક્ષિણ ફ્રાન્સ સ્થિત રિએક્ટર પિટ માટે આઇટીઈઆરના ક્રાયોસ્ટાટ સાથે સ્થાપિત કરવામાં આવશે. ક્રાયોસ્ટાટ માટેની ફાઇનલ વર્ચ્યુઅલ ફ્લેગ-ઓફ્ફ સેરેમની એલ એન્ડ ટી કંપનીના સુરતના હજીરા મેન્યુફેક્ચરિંગ કોમ્પલેક્ષ ખાતે યોજવામાં આવી હતી.

ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (ITER) ઈન્ડિયા દ્વારા 2012માં 3,850 ટન વજનના ક્રાયોસ્ટાટના ઉત્પાદન તેમજ તેને સ્થાપિત કરવા માટે ‘લાર્સન એન્ડ ટુબ્રો’ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ક્રાયોસ્ટાટ એ શૂન્યાવકાશ દબાણવાળા સ્ટેનલેસ સ્ટીલનું ઉપકરણ છે. જેને ન્યુક્લિયર ફ્યુઝન રીએક્ટરમાં સ્થાપિત કરવામાં આવે છે.

એલ એન્ડ ટીના ચેરમેન એ. એમ. નાઈકે આ બાબતે જણાવ્યું કે, ભારત તેમજ લાર્સન એન્ડ ટુબ્રો માટે આ એક બહુ જ ગર્વની ક્ષણ છે!’ ક્રાયોસ્ટાટ ઉપકરણ સાથે જોડાયેલા અતિ મહત્વાકાંક્ષી ક્લિન એનર્જી પ્રોજેક્ટ લિમિટલેસ કાર્બન ફ્રી એનર્જી જે ભવિષ્યમાં ઉર્જા પ્રદાન કરશે. ધરતીને હરિયાળી રાખવા માટેના આ વૈશ્વિક સહયોગી સંશોધન બદલ એલ એન્ડ ટી હંમેશા ગર્વ અનુભવે છે.
કંપનીએ ક્રાયોસ્ટાટની સપ્લાય આઈટીઈઆરને અવિરત પહોંચાડવા માટે પરિવર્તનશીલ અને ડિજિટલ મેન્યુફેક્ચરિંગ ટેક્નિક્સ્ અપનાવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના આ વિશેષ ક્ષેત્રનું જ્ઞાન ભારતના સશક્તિકરણ માટે ‘આત્મ નિર્ભર ભારત’ બનવા તરફનું પ્રયાણ છે. આઇટીઈઆરનો આ પ્રોજેક્ટ 20 અબજ ડોલરનો છે અને ભારત આ પ્રોજેક્ટના એક ભાગરૂપે 9 ટકા ફાળો આપી રહ્યું છે.
PMને ધમકી આપનાર પાકિસ્તાની સિંગર કહે છે, ‘ઇન્ડિયન વધુ સારા’
નવી દિલ્હીઃ પાકિસ્તાની સિંગર રબી પિરજાદાએ મ્યુઝિક વર્લ્ડને ઘણા સમય પહેલાં બાય-બાય કરી દીધી હતી અને હવે તે પાકિસ્તાન છોડવાની વાત કરી રહી છે. સોશિયલ મિડિયા પર એક્ટિવ રહેતી રબી પિરઝાદાએ ટ્વિટર પર એક પોસ્ટ કરી છે. રબીએ ભારત અને પાકિસ્તાનની તુલના કરતાં એક પોસ્ટ લખી છે.
તેણે એક ટ્વીટમાં લખી છે, જેમાં પાકિસ્તાન અને ભારતના લોકોમાં એ ફરક છે કે ભારતીયો ક્યારેય મારી બૂરાઈ નથી કરતા. સિંગર અદનાન સામીથી વાત કરતાં રબી પિરઝાદાએ લખ્યું છે કે લોકો તેમના અવાજ અને ટેલેન્ટને લાયક નથી. તે સાથે તેણે કહ્યું છે કે તે પણ એક દિવસ પાકિસ્તાન છોડી દેશે. રબી પિરઝાદાના ટ્વીટનો જવાબ આપતાં સિંગર અદનાન સામીએ લખ્યું છે કે હું દુઆ કરું છું કે અલ્લા તમારી હંમેશાં રક્ષા કરે. તમે જ્યાં પણ રહો- ખુશ અને તંદુરસ્ત રહો.

અદનાન સામીથી માફી માગી
રબીના આ ટ્વીટ પછી યુઝર્સે દુઃખ વ્યક્ત કર્યું છે અને કેટલાક લોકોએ તો રબીને ખરીખોટી સંભળાવી છે. જોકે રબીને કોઈ ખાસ ફરક નથી પડ્યો. તેણે એના પછી એક વધુ ટ્વીટ કર્યું છે, જેમાં અદનાન સામીને કહ્યું છે કે અમે હંમેશાં તમને ખોટા સમજ્યા અને તમારા પર એ વાત આરોપ લગાવ્યો, જે કયારેય સાચો હતો જ નહીં. આજે જ્યારે મારી સાથે એ થયું ત્યારે મને સમજમાં આવ્યું કે તમને કેવું લાગતું હશે. હું તમારી માફી માગું છું અદનાનભાઈ. આ ટ્વીટ પછી અદનાન સામીએ રબીને સમજાવી અને લખ્યું કે તે તેની મરજીથી પોતાની જિંદગી જીવે.
કેટલાક ટવીટ્સ કાઢી નાખ્યા
જોકે અદનાનો જવાબ આવ્યા પછી રબે પોતાની બધી ટ્વીટ્સ ડિલીટ કરી કાઢી હતી, કેમ કે જે લોકોએ પાકિસ્તાન છોડવાની વાત પર રબીને સાચુંખોટું સંભળાવ્યું હતું, તેમને સ્પષ્ટતા કરતાં રબીએ એક વધુ પોસ્ટ લખી નાખી હતી. ટ્વીટમાં તેણે લખ્યું હતું કે પાકિસ્તાન મારી ઓળખ છે. મેં કેટલુંક નકારાત્મક લખ્યું અને એ સોશિયલ મિડિયા અને ન્યૂઝપેપરોમાં વાઇરલ થઈ ગયું. મેં એનો ડિલીટ કરી દીધું અને ફરી ફોસ્ટ કર્યું, પણ કોઈને ફરક ના પડ્યો. શું આપણે બદલાવ ઇચ્છીએ છીએ? પાકિસ્તાન આર્મી વિશ્વની બેસ્ટ આર્મી છે. હું દુઆ કરું છું.
વડા પ્રધાન મોદીને ધમકી આપી ચૂકી છે
જોકે આ કોઈ મામલો નથી, જ્યારે રબીએ આ રીતે સોશિયલ મિડિયામાં છવાઈ હોય. કેટલાક સમય પહેલાં રબીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે કેટલાક આપત્તિજનક ટ્વીટ કર્યા હતા. રબી પિરજાદાએ એક વિડિયો ટ્વિટર પોસ્ટ કર્યો હતો. આ વિડિયોમાં તે ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સાપો અને મગરમચ્છોથી હુમલાની ધમકી આપી હતી. આ વિડિયોને પોસ્ટ કર્યા પછી રબી ઘણ ટ્રોલ થઈ હતી. જોકે જ્યારે રબીએ આ મગરમચ્છ અને સાપના વિડિયોને જોયો તો માલૂમ પડ્યું કે આ બધાં તો રમકડાં છે.

મેરિટ બેઝ્ડ ઈમિગ્રેશન બિલની તૈયારી શરૂ: વ્હાઈટ હાઉસ
વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેરિટ આધારિત ઈમિગ્રેશન સિસ્ટમ (Merit Based US Immigration System) બનાવવાની તૈયારી કરી રહ્યા છે. નવા ઈમિગ્રેશન બિલમાં ડેફર્ડ એક્શન ફોર ચાઈલ્ડહુડ અરાઈવલ (DACA) પ્રોગ્રામ સાથે જોડાયેલા લોકોને પણ નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવશે. તેનો અર્થ એવો થશે કે, તે પ્રવાસીઓને પણ નાગરિકતા મળી શકશે જે બાળપણથી અમેરિકા આવ્યા છે અને ગેરકાયદે રીતે અહીં રહે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ એક ખૂબ જ મોટું અને સારું બિલ છે. ખાસ વાત એ છે કે, આ મેરિટ આધારિત હશે અને તેમાં DACA પણ સામેલ હશે. ટ્રમ્પે કહ્યું કે, મને લાગે છે કે, લોકોને આ બિલ અંગે જાણીને આનંદ થશે. મહત્વનું છે કે, DACA એક પ્રકારની પ્રશાસનિક છૂટ છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ 2012માં DACA પોલિસી લાગુ કરી હતી. આ પોલિસી પ્રમાણે 16 વર્ષની નાની ઉંમરના તે લોકો જે ગેરકાયદે રીતે અમેરિકા આવ્યા હતા તેમને અમેરિકામાં રહેવાની મંજૂરી અને વર્ક પરમિટ આપવા માટે લાવવામાં આવી હતી. જોકે શરત એ રાખવામાં આવી હતી કે તે વ્યક્તિનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોવો જોઈએ. DACAને દર 2 વર્ષે રિન્યૂ કરાવી શકે છે.

વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ બિલનો અર્થ એવો નથી કે ગેરકાયદે રીતે આવલા લોકોને માફી આપવામાં આવી રહી છે. ટ્રમ્પ ઘણાં સમયથી કહી રહ્યા છે કે, તેઓ DACAનું સમાધાન ઈચ્છે છે. તેમાં સીમાની સુરક્ષા અને મેરિટના આરાધ પર DACAના યોગ્ય લોકો અને નાગરિકતા આપવા જેવા સુધારા સામેલ કરવા માંગે છે.
ડોનાલ્ડ ટ્રમ્પના આ પગલાની આહટથી અમેરિકામાં રાજકીય ધમાસાણ શરુ થઈ ગયું છે. સીનેટર ટેડ ક્રૂઝે આ પગલાને એક ભૂલ ગણાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમારી પાસે નાગરિકતાનો એક રસ્તો હશે અને નવા બિલમાં DACAના પાસાઓને રાખ્યા છે.
આ અમેરિકન નાગરિક હવે પરત ફરવા નથી માંગતો
તિરુવંતપુરમ: સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે. દરરોજ નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં અમેરિકા સૌથી વધારે કોરોનાથી પ્રભાવિત છે. ભારતમાં લોકડાઉનને કારણે એક અમેરિકન નાગરિક કેરળમાં ફસાઈ ગયો છે, ભારત સરકારની નાગરિકો પ્રત્યેની સંવેદનાથી એ એટલો બધો ખુશ છે કે હવે તે સ્વદેશ પરત ફરવા નથી માંગતો.
74 વર્ષીય જૉની પિયર્સ છેલ્લા 5 મહિનાથી કેરળના કોચ્ચિમાં રહે છે. તેણે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, કોવિડ-19થી અમેરિકામાં અફડા-તફડી મચેલી છે અને અમેરિકાની સરકાર પોતાના લોકોનો ભારત સરકારની જેમ ખ્યાલ નથી રાખી રહી. હું અહીંયા જ રહેવા ઈચ્છુ છું. તેમણે રાજ્યની હાઇકોર્ટને ટુરિસ્ટ વિઝાને બિઝનેસ વિઝામાં ફેરવી આપવાની અપીલ કરી છે.
તેમણે વધુમાં કહ્યું કે, કેરળમાં મને વધુ 180 દિવસ રોકાવાની મંજૂરી આપવામાં આવે અને ટ્રાવેલ કંપની શરૂ કરવા બિઝનેસ વિઝા આપવામાં આવે તેવી અરજી કરું છું. કદાચ મારો પરિવાર પણ જો અહીં આવી શકત. અહીંયા જે કંઈ થઈ રહ્યું છે તેનાથી હું ખૂબ પ્રભાવિત છું. અમેરિકામાં લોકો કોવિડ-19ની ચિંતા નથી કરી રહ્યા. તેણે કહ્યું, હું અહીંયા ફસાયો નથી પરંતુ અહીંયા રહેવા માંગુ છું, મને કેરળ પસંદ છે.
દેશનું ફોરેક્સ રિઝર્વ ઓલટાઇમ હાઇ સપાટીએ
મુંબઈઃ દેશનો વિદેશી અનામત ભંડાર (ફોરેક્સ રિઝર્વ)મા ત્રીજી જુલાઈએ પૂરા થતા સપ્તાહમાં 6.416 અબજ ડોલરનો વધારો થયો હતો. રિઝર્વ બેન્કના સાપ્તાહિક આંકડા અનુસાર ફોરેક્સ રિઝર્વ 26 જૂને પૂરા થતા સપ્તાહના 506.838 અબજ ડોલરથી વધીને 513.254 અબજ ડોલરની ઓલટાઇમ ઊંચી સપાટીએ પહોંચ્યું છે. જોકે આ પહેલાંના 26 જૂને પૂરા થતા સપ્તાહમાં રિઝર્વ્સ 1.27 અબબજ ડોલર વધીને 506.84ના સ્તરે હતું.
વિદેશી ફોરેક્સ રિઝર્વ અડધા ટ્રિલિયન ડોલરની સપાટીએ
પાંચમી જૂને પૂરા થતા સપ્તાહમાં વિદેશી ફોરેક્સ રિઝર્વ સૌપ્રથમ વાર 8.22 અબજ ડોલર વધીને 501.70 કરોડ ડોલરના સ્તરે પહોંચ્યું હતું. જ્યારે ત્રીજી જુલાઈએ ફોરેન કરન્સી એસેટ્સ (FCA)માં વધારો થવાને કારણે રિઝર્વમાં વધારો થયો હતો. ઓવરઓલ રિઝર્વ્સમાં FCA મહત્ત્વનો ભાગ હોય છે.
સમીક્ષા હેઠળના ગાળામાં ફોરેન કરન્સી એસેટ્સમાં 5.66 અબજ ડોલર વધીને 473.26 અબજ ડોલર થઈ હતી, એમ ડેટા દર્શાવે છે.

સોનાની અનામતો પણ વધારો
રિઝર્વ બેન્કના જણાવ્યાનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહમાં સોનાના અનામત ભંડાર 49.5 કરોડ ડોલર વધીને 34.02 અબજ ડોલર થયો હતો. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF) પાસે ભારતનો સ્પેશિયલ ડ્રોવિંગ રાઇટ્સ (SDR-ઉપાડનો હક) 40 લાખ ડોલર વધીને 1.45 અબજ ડોલર થઈ ગયા છે, જ્યારે IMFમાં દેશનો આરક્ષિત ફોરેક્સ રિઝર્વ 25.9 કરોડ ડોલર વધીને 4.52 અબજ ડોલર થઈ ગયો છે.
પીએમના દાવાને રાહુલે કેમ કહ્યું “અસત્યાગ્રહી”?
નવી દિલ્હી: રીવા પાવર પ્રોજેક્ટ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વાર મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ આ સોલાર પાવર પ્રોજેક્ટને એશિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ ગણાવ્યો છે. જેને લઈને રાહુલ ગાંધીએ લખ્યું કે અસત્યાગ્રહી.

હકીકતમાં રીવાના સોલાર પ્રોજેક્ટના ઉદઘાટન પછી અનેક લોકોએ દાવો કર્યો છે કે, આ પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ નથી. કેટલાક લોકોએ કહ્યું કે, ચીનમાં રીવાથી બમણી ક્ષમતા વાળો સોલાર પ્લાન્ટ છે.

મહત્વનું છે કે, શુક્રવારે પીએમ મોદીએ મધ્યપ્રદેશના રીવામાં 750 મેગાવોટ ઉત્પાદન ક્ષમતા ધરાવતો અલ્ટ્રા મેગા સૌર પરિયોજનાનું વિડિયો કોન્ફરન્સ મારફતે લોકાર્પણ કર્યું. આ અવસર પર તેમણે કહ્યું કે, સૂર્ય ઉર્જા મામલે આપણે વિશ્વમાં 5માં સ્થાન પર છીએ. સમગ્ર વિશ્વમાં ચર્ચા ચાલી રહી છે કે, ભારતમાં સૌર ઉર્જા આટલી સસ્તી કેવી રીતે મળે છે. સ્વચ્છ ઉર્જા માટે ભારત સૌથી મોટું બજાર બની રહ્યું છે.
અમદાવાદઃ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ રીતે પાર પડાયું
અમદાવાદઃ દેશભરમાં કોરોનાના કેસ વધીને આઠ લાખને પાર થયા છે અને ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 40,000ને પાર થઈ ગઈ છે. આમાં પણ અમદાવાદ અને સુરતમાં કોવિડ-19ના દર્દીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે આવા કોરોના કાળમાં પણ માનવતા મરી નથી પરવારી. આવા મુશ્કેલ સમયમાં પણ બે શહેરો વચ્ચેનું અંતર એક દર્દીને જીવન અને હ્દય આપવા માટે ખૂબ જ ઓછા સમયમાં કાપવામાં આવ્યું હતું. આવા કપરા સમયમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ડાયલેટેડ કાર્ડિયોમાયોપથીથી પીડિત 34 વર્ષીય એક મહિલાનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ (હ્દયનું પ્રત્યારોપણ) કરવામાં આવ્યું હતું.
સુરતનો 24 વર્ષનો દાતા
સુરતમાં એક 24 વર્ષનો નવયુવાનને રોડઅકસ્માતમાં મગજની ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના હ્દયનું દાન અમદાવાદની મહિલાને કરવામાં આવ્યું હતું. આ માટેની સુરતમાં ઓર્ગન ડોનેશનની સુવિધા ડોનેટ લાઇફ સંસ્થાના નીલેશ માંડલેવાળા દ્વારા કરવામાં આવી હતી.
તમામ પ્રોટોકોલનું સખત રીતે પાલન
અમદાવાદની સિમ્સમાં હ્દયનું ટ્રાન્સપ્લાન્ટ કરતી વખતે નવી નોટ્ટો (NOTTO)ની માર્ગદર્શિકાના તમામ પ્રોટોકોલનું કડક રીતે પાલન કરવામાં આવ્યું હતું. સિમ્સ હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમના ડિરેક્ટર, હાર્ટ ટ્રાન્સપાપ્લાન્ટ સર્જન ડો. ધીરેન શાહ કહે છે કે ડોક્ટરો, કર્મચારીઓ, અંગ દાતા અને અંગ પ્રાપ્તકર્તાનું કોવિડ-19 માટેનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું અને સર્જરી દરમ્યાન લેવલ ત્રણ PPE કિટ પહેરવામાં આવી હતી.
હવામાન અવરોધ પણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ
સિમ્સ હોસ્પિટલના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના સર્જન ડો. ધવલ નાયકે કહ્યું હતું કે સુરત અને અમદાવાદમાં વરસાદને કારણે અવરોધ સર્જાયો હતો, પણ અમદાવાદમાં હાર્ટ પહોંચ્યા પછી 3.35 મિનિટમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.

હાલમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળ થઈ છે અને દર્દી હિમોડાઇનેમિકલી સ્થિર છે.
વોટ્સએપ-ઈમેઇલ દ્વારા સમન્સ મોકલી શકાશેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે લાગુ થયેલા લોકડાઉનને કારણે હવે મોટા ભાગનાં કામ ડિજિટલ થઈ ગયાં છે. સુપ્રીમ કોર્ટે પણ આ સમયગાળામાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કેટલાક કેસોની સુનાવણી કરી છે. ત્યારે હવે એક પગલું દેશની કાયદાની પ્રણાલીમાં ક્રાંતિ લાવશે. સુપ્રીમ કોર્ટે વોટ્સએપ, ટેલિગ્રામ અને ઈમેઇલ દ્વારા સમન્સ અને કાનૂની નોટિસ મોકલવાની સેવાને મંજૂરી આપી છે. સર્વોચ્ચ કોર્ટનું માનવું છે કે વોટ્સએપ દ્વારા મોકલાવાયેલી કાનૂની નોટિસ અથવા સમન્સ પર પ્રાપ્તકર્તા દ્વારા દસ્તાવેજને બે બ્લુ ટિકને કાનૂની સ્વરૂપે ઇન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ પુરાવા રૂપે જોયેલો છે, એમ માનવામાં આવશે.
કાનૂની કાર્યવાહીના ડિજિટલકરણની દિશામાં એક મોટું પગલું
કોર્ટનો આ ઓર્ડર ભારતીય કાનૂની કાર્યવાહીના ડિજિટાઇઝેશનની દિશામાં એક મોટું પગલું છે. જ્યાં નોટિસ અને સમન્સ ઈમેઇલ દ્વારા મોકલવામાં આવતા હતા અથવા વ્યક્તિ દ્વારા પહોંચાડવામાં આવતા હતા. એ સંયોગ છે કે આ ઓર્ડર છ મહિના કરતાં પણ ઓછા સમયમાં આવ્યો છે, જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખતાં દેશભરમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણીની મંજૂરી આપવામાં આવી હતી.
એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વોટ્સએપ દ્વારા સમન્સ આપવાની બાબતે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે એ સંપૂર્ણ રીતે એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ છે અને બે બ્લુ ટિકની સુવિધા સરળતાથી યુઝર (ઉપયોગકર્તા) દ્વારા ડિસેબલ કરી શકાય છે.
ઈમેઇલ અથવા ફેક્સનો ઉપયોગ કરવા માટે સમન્સ મોકલવાની પણ મંજૂરી
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI)ની ધ્યાનમાં આવ્યું હતું કે વોટ્સએપ યુઝર્સને બ્લુ ટિક સુવિધા બંધ કરવાની મંજૂરી આપે છે, જે દસ્તાવેજનો જોયાનું નિર્ણાયક પ્રમાણ નથી. આ ચિંતાઓને દૂર કરવા માટે એપેક્સ કોર્ટે ઈમેઇલ અથવા ફેક્સનો ઉપયોગ કરવા માટે સમન્સ મોકલવાની પણ મંજૂરી આપી હતી અને દરેક કેસની બાબત વિચાર કરવા માટે છોડી દેવામાં આવ્યો હતો કે શું નોટિસની બજાવણી યોગ્ય રીતે મોકલાઈ છે કે નહીં?
CJIની આગેનાની હેઠળની બેન્ચ લોકડાઉનને કારણે કેસોની સમયમર્યાદા પર એક સુઓ મોટો મામલે સુનાવણી કરી રહી હતી અને લોકડાઉન સંબંધિત અડચણોને ધ્યાનમાં રાખીને ઓર્ડેર્સ પાસ કરવામાં આવ્યા હતા, જ્યાં પોસ્ટ ઓફિસો અને કોર્ટો અને બેન્કો પહોંચી નથી શકતી.
કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ લાખને પારઃ અત્યાર સુધીમાં સૌથી વધુ 27,114 નવા કેસ
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 27,114 નવા કેસ સામે આવ્યા છે અને 519 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ લાખને પાર થઈ ગઈ છે. દેશમાં સતત નવમા દિવસે કોરોના સંક્રમણના 20,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 8,20,916 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 22,103 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 5,15,385 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,83,407એ પહોંચી છે. રિકવરી રેટ 62.78 ટકાથી વધુ થયો છે.
વિશ્વમાં કોરોનાનો રેકોર્ડ તૂટ્યો
વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધી 1.26 લાખ લોકોથી વધુ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ 2.26 લાખ નવા કેસ સામે આવ્યા છે અને 5388 લોકોનાં મોત થયાં છે.
15 દેશોમાં બે લાખથી વધુ કેસ
બ્રાઝિલ, રશિયા, સ્પેન, ઇટાલી, ભારત, પેરુ, ચિલી, ઇટાલી, ઇરાન, મેક્સિકો, પાકિસ્તાન તુર્કી, સાઉદી આરબ અને સાઉથ આફ્રિકામાં કોરોના કેસોની સંખ્યા બે લાખને પાર થઈ ચૂકી છે. જર્મનીમાંપણ 1.90 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. ભારત વિસ્વમાં સૌથી વધુ કેસોના મામલે ત્રીજા ક્રમાંકે છે. જ્યારે સૌથી વધુ મોતના મામલે આઠમા ક્રમાંકે છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.


