Home Blog Page 4738

‘ભાભીજી ઘર પર હૈ’ની અભિનેત્રી સૌમ્યા ટંડનના હેરડ્રેસરને કોરોના થયો

મુંબઈઃ લોકપ્રિય હિન્દી ટીવી સિરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં અનિતાભાભીની ભૂમિકા કરતી અભિનેત્રી સૌમ્યા ટંડનનાં હેર ડ્રેસરને કોરોના વાઈરસ બીમારી લાગુ પડી છે એટલે સિરિયલનાં નિર્માતાઓએ સૌમ્યાને થોડાક દિવસો સુધી શૂટિંગ ન કરવાની સલાહ આપી છે.

જોકે, સિરિયલનાં અન્ય કલાકારોનું શૂટિંગ ચાલુ છે.

કોરોના વાઈરસ બીમારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં સરકાર દ્વારા ઢીલ અપાયા બાદ હવે ટીવી સિરિયલોનું શૂટિંગ ફરી શરૂ થઈ ગયું છે. હાલ તમામ કલાકારો તથા કસબીઓ આરોગ્ય વિષયક નક્કી કરાયેલા નિયમોનું પાલન કરીને શૂટિંગ કરી રહ્યાં છે. સેટ ઉપર પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

તે છતાં ‘ભાભીજી ઘર પર હૈ’ સિરિયલના સેટ પર કોરોનાનો એક કેસ નોંધાયો છે. આ સિરિયલના એક ક્રૂ-મેમ્બરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એને કારણે સનસનાટી મચી ગઈ છે.

આ સિરિયલમાં ‘અનિતાભાભી’ એટલે કે ‘ગોરી મેમ’ની ભૂમિકા ભજવતી સૌમ્યા ટંડનનાં પર્સનલ હેરડ્રેસરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એને તત્કાળ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો છે.

સાથોસાથ, સૌમ્યાને થોડાક દિવસો માટે બ્રેક લેવાની નિર્માતાઓએ સલાહ આપી છે. હાલ એનાં ભાગનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. એને સેટ પર ન આવવાનું, તેમજ ઘરમાં રહીને પોતાની સંભાળ લેવાનું જણાવી દેવામાં આવ્યું છે.

દરેક સિરીઝમાં એક પિન્ક ટેસ્ટ મેચ હોવી જોઈએઃ ગાંગુલી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી આજે એમનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ‘પ્રિન્સ ઓફ કોલકાતા’ અને ‘રોયલ બેંગાલ ટાઇગર’ના તરીકે મશહૂર થયેલા સૌરવ ગાંગુલી હાલ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ છે. એમણે પોતાની ઝળહળતી કારકિર્દીમાં અનેક સફળતા સર કરી હતી. આઠ જુલાઈ, 1972એ જન્મેલા ગાંગુલી ભારતીય ક્રિકેટના ઇતિહાસના સફળ કેપ્ટનોમાંના એક છે. ગાંગુલીનું માનવું છે કે દરેક ટેસ્ટ સિરીઝમાં એક પિન્ક ટેસ્ટ એટલે કે ડે-નાઇટ ટેસ્ટ હોવી જરૂરી છે. ગાંગુલીનું માનવું છે કે આમ કરવાથી વધુ દર્શકો સ્ટેડિયમમાં બેસીને મેચ જોઈ શકે છે. ગાંગુલીએ ગયા વર્ષે ભારત અને બંગલાદેશ વચ્ચે બંને દેશની પહેલી પિંક ટેસ્ટનું આયોજન કરાવ્યું હતું.

દરેક સિરીઝમાં એક ડે-નાઇટ ટેસ્ટ મેચ મહત્ત્વપૂર્ણ

યજમાન ભારત અને બંગલાદેશની વચ્ચેની પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ ઈડન ગાર્ડન્સમાં દર્શકોને આકર્ષિત કરવામાં સફળ રહી હતી. એ મેચ જોવા માટે પ્રેક્ષકો રેકોર્ડ સંખ્યામાં ઈડન ગાર્ડન્સ પહોંચ્યા હતા. સૌરવ ગાંગુલીએ ઓપનર મયંક અગ્રવાલની સાથેના ચેટ શોમાં વાત કરતાં કહ્યું હતું કે મને લાગે છે કે દરેક ટેસ્ટ સિરીઝમાં એક ડે-નાઈટ મેચ મહત્ત્વપૂર્ણ બની રહેશે, કારણ કે ક્રિકેટની બધાને જરૂર છે. આપણે કોલકાતામાં ગુલાબી બોલથી ટેસ્ટ મેચ રમ્યા હતા અને મને નથી લાગતું કે એ ભારત-બંગલાદેશ વચ્ચેની કોઈ સામાન્ય ટેસ્ટ મેચ હતી.

પિંક ટેસ્ટ મેચ ગાંગુલીની દેન

ક્રિકેટ એસોસિયેશન ઓફ બેંગાલના ભૂતપૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે મને એમ હતું કે તે ડે-નાઈટ મેચ પાંચ દિવસ સુધી ચાલશે, પણ માત્ર ત્રણ દિવસોમાં જ અમે કુલ 3.50 લાખ લોકોને સ્ટેડિયમમાં લાવવામાં સફળ રહ્યા હતા. જ્યારથી ગાંગુલીએ BCCI અધ્યક્ષપદનો કાર્યભાર સંભાળ્યું છે ત્યારથી તેઓ ક્રિકેટમાં કંઈક નવીનતા લાવવા માટે પ્રયત્નશીલ છે. ભારતીય ટીમ જે પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમી હતી, એ તેમની જ દેન હતી, કેમ કે તેમણે બંગલાદેશ ક્રિકેટ બોર્ડ પાસેથી એની મંજૂરી મેળવી હતી. આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનારી ભારતીય ટીમ ત્યાં પણ એક પિન્ક ટેસ્ટ મેચ રમશે.

ટેસ્ટ ક્રિકેટના પાંચ દિવસના માળખામાં ફેરફારની જરૂર નથી

ગયા વર્ષે ICCએ કહ્યું હતું કે એ ઘણા લાંબા સમયથી ક્રિકેટમાં બદલાવ લાવવા ઇચ્છતી હતી અને એણે ચાર દિવસીય ટેસ્ટ મેચોના પ્રયાસો કરવાનું સૂચન કર્યું હતું. જોકે ગાંગુલીએ કહ્યું હતું કે તે આ વિસાચ સાથે સહમત નથી. તેણે કહ્યું હતું કે મોટા ભાગની ટેસ્ટ મેચ ચાર દિવસમાં પૂરી નહીં થા. તમારી પાસે પાંચ દિવસ છે અને આ માળખા સાથે છેડછાડ કરવાની કોઈ જરૂર નથી. મારા માટે ટેસ્ટ ક્રિકેટ સારું અને કઠિન માળખું છે.

હવાથી કોરોના સંક્રમણ ફેલાતો હોવાની વાતને WHOએ સ્વીકારી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 22,752 નવા કેસ સામે આવ્યા છે અને 482 લોકોનાં મોત થયાં છે. દેશમાં સતત છઠ્ઠા દિવસે કોરોના સંક્રમણના 20,000થી વધુ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 7,42,417 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 20,642 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 4,56,830 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,64,944એ પહોંચી છે. રિકવરી રેટ 61.53 ટકાએ  પહોંચ્યો છે. પોઝિટિવિટી રેટ 8.66 ટકાએ છે, એટલે કે જેટલાં સેમ્પલોનાં ટેસ્ટિંગ થઈ રહ્યાં છે, એમાં 8.66 ટકા સેમ્પલ પોઝિટિવ આવી રહ્યાં છે.

પાછલા 24 કલાકમાં 2,62,679ના કોરોના ટેસ્ટ

દેશમાં સાત જુલાઈએ અત્યાર સુધીના સૌથી મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કરવામાં આવ્યાં છે. પાછલા 24 કલાકમાં 2,62,679 સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 1,04,73,771 લોકોના કોરોનાના ટેસ્ટ થઈ ચૂક્યા છે.

હવાથી કોરોના સંક્રમણ ખેલાતો હોવાની વાતનો 239 વૈજ્ઞાનિકોએ સ્વીકાર કર્યો

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ગઈ કાલે હવાથી કોરોના સંક્રમણ ફેલાતો હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. WHOએ વિશ્વભરના 239થી વૈજ્ઞાનિકો દ્વારા કોરોના વાઇરસના હવાથી ફેલાવાના પુરાવાનો સ્વીકાર કર્યો છે.

વિશ્વમાં કોરોનાથી 1.19 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,46,601 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 1,19,49,280એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

અમેરિકા F-1 વિઝા મુદ્દે ભારતીય સ્ટુડન્ટ્સનાં હિતોનું ધ્યાન રાખશે

વોશિંગ્ટનઃઅમેરિકાએ હવે ભારતને વિશ્વાસ અપાવ્યો છે કે એ સ્ટુડન્ટ વિઝા પર ભારતીય સ્ટુડન્ટ્સનાં સર્વોત્તમ હિતોનું ધ્યાન રાખશે અને F-1 વિઝા પર નવા નિયમના પ્રભાવને ઓછો કરવાના પ્રયાસો કરશે. ભારતે અમેરિકા સામે બે લાખ સ્ટુડન્ટ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેમનું ભવિષ્ય અમેરિકાના નવા નિયમોને કારણે જોખમમાં છે. અમેરિકાનું આ રિએક્શન વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા અને અમેરિકાના રાજકીય મામલાના વિદેશપ્રધાન ડેવિડ હેલીની વચ્ચે વર્ચ્યુઅલ વાતચીત દરમ્યાન આવ્યું છે.

વિદેશી સ્ટુડન્ટ્સને ઓનલાઇન ક્લાસિસની મંજૂરી નહીં

સંયુક્ત રાજ્ય અમેરિકાએ સોમવારે કહ્યું હતું કે જો કોરોના વાઇરસને કારણે વિદેશી સ્ટુડન્ટ્સના ક્લાસિસ ઓનલાઇન થઈ જશે તો તેમને દેશમાં રહેવાની મંજૂરી નહીં આપવામાં આવે. આ વિદેશી સ્ટુડન્ટ્સને દરેક સેમિસ્ટર માટે વિઝા નહીં મળે. અમેરિકામાં ઇમિગ્રેશન અને કસ્ટમ એનફોર્સમેન્ટના આ પગલાથી  ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા બે લાખથી વધુ ભારતીય સ્ટુડન્ટ્સને અસર થશે.

યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ-ICFએ નિવેદનમાં કહ્યું હતું કે નોન ઇમિગ્રેડેન્ટ F-1 અને M-1 સ્ટુડન્ટ્સના ક્લાસિસ સંપૂર્ણ રીતે ઓનલાઇન સંચાલિત થાય છે તો તેમણે અમેરિકામાં રહેવાની જરૂર નથી. ICEના અનુસાર  FE-1ના સ્ટુડન્ટ્સ શૈક્ષણિક કોર્સ અને M-1 સ્ટુડન્ટ્સ વોકેશનલ કોર્સ કરે છે.

સૂત્રોએ એ પણ કહ્યું હતું કે અમેરિકાએ આ બાબતે ધ્યાન આપવાની વાત કરી હતી. એ સાથે જ સ્ટુડન્ટ્સનાં હિતોનું ધ્યાન રાખતાં નવા નિયમોની અસરને ઓછા કરવાના પ્રયાસોનો વિશ્વાસ આપ્યો હતો. હાલ સ્ટુડન્ટ્સ વિઝાને લઈને ગાઇડલાઇન્સ પણ નથી આવી.

આ સિવાયના મુદ્દે પણ વિચારવિમર્શ

વિદેશ ઓફિસની સલાહ દરમ્યાન શૃંગલા અનમે હેલે રાજકીય, આર્થિક, વેપાર, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગ સહિત ભારત-અમેરિકા વચ્ચે વેપારની વૈશ્વિક વ્યૂહરચનાની ભાગીદારી હેઠળ અન્ય મુદ્દાઓની ચર્ચા પણ કરી હતી. એની સાથે બંને દેશો કોવિડ-19 રોગચાળાને લઈને ફાર્માસ્યુટિકલ અને વેક્સિનના ડેવલપમેન્ટ સહિત દ્વિપક્ષી આરોગ્ય ભાગીદારીને વધુ મજબૂત કરવા પર સહમત થયા હતા.

 

 

રાશિ ભવિષ્ય 08/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનારવર્ગથી દુર રહેવુ જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવુ, ઉશ્કેરાટથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમ ન કરવુ, ઉતાવળિયા નિર્ણયથી બચવુ.


આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

પંચાંગ 08/07/2020

ભણસાલીએ તો 4 ફિલ્મમાં સુશાંતને ચમકાવવાનું નક્કી કર્યું હતું: પોલીસ

મુંબઈઃ હિન્દી ફિલ્મોના યુવા, પ્રતિભાશાળી અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અકાળે મોતે મોટો વિવાદ જગાવ્યો છે અને પોલીસ બોલીવૂડની અનેક હસ્તીઓને બોલાવીને પૂછપરછ કરી ચૂકી છે. એમાંના એક છે નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલી.

પોલીસને સમન્સ મોકલાવ્યા બાદ ભણસાલી ગઈ કાલે બાન્દ્રા (વેસ્ટ) પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસોએ ત્રણ કલાકની પૂછપરછ દરમિયાન ભણસાલીને 30-35 સવાલો પૂછ્યા હતા અને એમનું નિવેદન રેકોર્ડ કર્યું હતું.

એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે સુશાંત સિંહ બોલીવૂડમાં સગાંવાદના દૂષણનો ભોગ બન્યો હતો. એને ફિલ્મોમાં લેવામાં આવતો નહોતો  તેથી એ ડિપ્રેશનમાં આવી ગયો હતો અને આત્મહત્યાનું અંતિમ પગલું ભરી બેઠો હતો.

ભણસાલીએ પોલીસને એમ કહ્યું હોવાનું મનાય છે કે પોતે સુશાંતને એમની 4 ફિલ્મોમાં લેવા માગતા હતા, પરંતુ તારીખોના અભાવે એ શક્ય બન્યું નહોતું.

ભણસાલીએ પોલીસને એમ પણ કહ્યું કે, યશરાજ ફિલ્મ્સ બેનરને કારણે સુશાંત ‘ગોલીયોં કી રાસલીલા – રામલીલા’ તથા ‘બાજીરાવ મસ્તાની’માં કામ કરી શક્યો નહોતો.

નાયબ પોલીસ કમિશનર (ઝોન-9)ના પોલીસ અધિકારી અભિષેક ત્રિમુખેએ કહ્યું કે ભણસાલી તો એમની ચાર ફિલ્મમાં સુશાંત સિંહને ચમકાવવા માગતા હતા, પણ સુશાંત તારીખો આપી ન શકતાં એ ફિલ્મો માટે અન્ય અભિનેતાઓને પસંદ કરવા પડ્યા હતા.

ત્રિમુખેએ કહ્યું કે સુશાંત બાન્દ્રા (વેસ્ટ)માં કાર્ટર રોડ પર જે હાઉસિંગ સોસાયટીમાં રહેતો હતો એના વિડિયો સર્વેલન્સ રેકોર્ડિંગ્સ પોલીસે તાબામાં લીધા છે. પરંતુ સુશાંતના ઘરની અંદર કોઈ વિડિયો સર્વેલન્સ સિસ્ટમ બેસાડવામાં આવી નહોતી. ફોરેન્સિક તપાસના અહેવાલો મળવાની પોલીસ રાહ જોઈ રહી છે.

સુશાંત સિંહ ગઈ 14 જૂને તેના નિવાસસ્થાનમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.

અમદાવાદ, મુંબઈ માટે ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાની એતિહાદની યોજના

અબુધાબીઃ વિશ્વભરમાં કોરોના વાઇરસને કારણે ટ્રાવેલ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતાં, પરંતુ એ હળવાં કરવામાં આવતાં UAEની એતિહાદ એરવેઝ વિશ્વનાં 58 સ્થળોએ એની ફ્લાઇટ્સ શરૂ કરશે, જેમાં મધ્ય-પૂર્વ, ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. UAEના નિયમનકારી અધિકારીઓ દ્વારા નાગરિકો અને રહેવાસીઓ માટે પ્રવાસનાં નિયંત્રણો હળવા કરવામાં આવતાં એરલાઇન વધુ શહેરોમાં એની સર્વિસ શરૂ કરી રહી છે.

સેવાઓને 45 ટકા કાર્યરત કરવાનું લક્ષ્ય

એતિહાદ એવિયેશન ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટોની ડગલાસ કહે છે કે અમે વૈશ્વિક નેટવર્કના વધુ શહેરોમાં વિસ્તરણ કરીને અમારી ફ્લાઇટ્સ સામાન્ય સેવાઓમાં સ્થાપિત કરવા માગીએ છીએ. UAEમાંથી પેસેન્જરો માટેના પ્રતિબંધો હળવા કરવા એ અમારી પ્રાથમિકતા છે, જે અબુ ધાબીના વિકાસ માટે જરૂરી છે. ઓગસ્ટ સુધીમાં અમારું લક્ષ્ય કોવિડ-19ની પહેલાંની ક્ષમતાના 45 ટકાએ કાર્યરત કરવાનું છે.

પેસેન્જરોને સલામત વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી 

અમે છેલ્લા કેટલાક મહિનાઓથી સ્પેશિયલ પેસેન્જર, કાર્ગો અને માનવતાવાદી ફ્લાઇટ્સનું સંચાલન કરીએ છીએ. હવે બજાર ખૂલ્યું છે ત્યારે પ્રાથમિકતા નેટવર્કને સ્થાપવાની, સલામત અને આરોગ્યને પ્રાધાન્ય આપવાની છે, પેસેન્જરોને પ્રવાસ દરમ્યાન સલામત વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં અમે અમારી કામગીરીને સુધારવાની, અમારી પ્રોડક્ટને ઓફર કરવાની સમીક્ષા કરવા અને મેઇનટેનન્સ કાર્યક્રમ હાથ ધરવાની તક ઝડપી લીધી હતી. અમે અમારા ગ્રાહકો અને ભાગીદારોને તેમની નિષ્ઠા માટે આભારી છીએ.

એતિહાદ એરવેઝે સરકારી મંજૂરીઓને આધીન અબુધાબીથી અથવા વાયા અનેક સ્થળોએ ફ્લાઇટ શરૂ કરી છે, જેમાં…

નોર્થ અમેરિકા

શિકાગો, ન્યુ યોર્ક JFK, ટોરોન્ટો, વોશિંગ્ટન D.C.

યુરોપ

એમ્સ્ટરડમ, એથેન્સ, બાર્સેલોના, બેલગ્રેડ, બ્રસેલ્સ, ડબલિન, ડસેલડોર્ફ, ફ્રેન્કફર્ટ, જિનિવા, ઇસ્તનબુલ, લંડન હીથ્રો, માડ્રિડ, માન્ચેસ્ટર, મિલાન, મોસ્કો, મ્યુનિચ, પેરિસ ચાર્લ્સ ડી ગૌલી, રોમ, ઝુરિચ.

મધ્ય પૂર્વ અને આફ્રિકા

અમાન, બહેરિન, બૈરુત, કૈરો, કાસાબ્લાન્કા, કુવૈત, મસ્કત, રબાત, રિયાધ, સેશલ્સ.

એશિયા:

અમદાવાદ, બાકુ, બેંગકોક, બેંગલુરુ, ચેન્નાઈ, કોલંબો, દિલ્હી, હૈદરાબાદ, ઇસ્લામાબાદ, જાકાર્તા, કરાચી, કોચી, કોલકાતા, કોઝિકોડ, કુઆલા લમ્પુર, લાહોર, મનિલા, મેલ, મુંબઇ, સિઓલ, સિંગાપોર, તિરુવનંતપુરમ, ટોક્યો.

ઓસ્ટ્રેલિયા

મેલબોર્ન, સિડની

અબુધાબી સ્થિત એરલાઇન કહે છે કે આરોગ્યનાં કડક ધારાધોરણો અને સેનિસેશન પ્રોગ્રામ થકી પેસેન્જર માનસિક શાંતિથી પ્રવાસનો આનંદ લઈ શકે છે. એરલાઇને અબુધાબી એરપોર્ટ પર પેસેન્જરોને મદદ કરવા માટે અને ફ્લાઇટની તૈયારી કરવા માટે વેલનેસ એમ્બસેડર્સ સેવા પણ શરૂ કરી છે.

ખાનગી ટ્રેનોમાં પ્રવાસીઓને મળશે આવી સ્વતંત્રતા…

ભારતીય રેલવે મંત્રાલય દ્વારા પસંદગીના રૂટ પર ખાનગી કંપનીઓને પેસેન્જર ટ્રેનો ચલાવવાની ઓફર કરી છે, ત્યારે યાત્રીઓની કેટલીક સુવિધાઓમાં વધારો થશે, જે એમને માટે સુખદ આશ્ચર્યજનક હશે. વિમાનની જેમ આ ખાનગી ટ્રેનોમાં તેઓ પસંદગીની સીટ, ચીજવસ્તુઓ, ખાનપાનની સેવાઓ મેળવી શકશે. જોકે એ માટે તેમણે વધારે પૈસા ચૂકવવા પડશે. રેલવે માટેના આ  પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલમાં અનેક સુવિધાઓ હશે, જે દેશમાં પહેલવહેલી હશે.

કઈ સુવિધાઓ હશે?

આવી ટ્રેનોમાં તમે એરલાઇન્સની જેમ વિમાનમાં પસંદગીની બેઠક મેળવી શકશો. જોકે આ માટે તમારે ઓપરેટરને વધારાનો ખર્ચ ચૂકવવો પડશે. આ ઉપરાંત પેસેન્જરોને વધારાની સેવા જેમ કે વાઇ-ફાઇ, એન્ટરટેઇનમેન્ટ કે અન્ય સુવિધાઓ માટે એક્સ્ટ્રા પૈસા ચૂકવવાના રહેશે. આ સેવાઓ માટે ચાર્જ લેવાનો નિર્ણય પણ ખાનગી કંપનીઓના હાથમાં રહેશે.

ટ્રેનો ચલાવવા ખાનગી કંપનીઓને આમંત્રિત કરાશે

ભારતીય રેલવેએ ખાનગીકરણની દિશામાં પગલું માંડતાં 109 ઓરિજિન-ડેસ્ટિનેશન (OD) જોડીની રૂટ્સ પર 151 મોડર્ન પેસેન્જર ટ્રેનોને ચલાવવા માટે ખાનગી પાર્ટીઓને આમંત્રિત કરી છે. જોકે રેલવેએ એના આ પ્રોજેક્ટ માટે કેટલીક શરતો રાખી છે.

ભાડા નક્કી કરવાની સ્વતંત્રતા

રેલવે ખાનગી કંપનીઓને ટ્રેનો ચલાવવા આપશે, જેમાં કંપનીઓને ભાડાં નક્કી કરવાની સ્વતંત્રતા અપાય એવી શક્યતા છે. આ ઉપરાંત કંપનીઓ આવક વધારવાના નવા માર્ગોથી પોતાની આવક ઊભી કરી શકે છે.

બે તબક્કાની સ્પર્ધાત્મક બિડીંગ પ્રોસેસ કરવામાં આવશે

આ પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં ખાનગી કંપનીઓ માટે મુંબઈમાં ટ્રેનો ચલાવવાનો પ્રસ્તાવ (ક્લસ્ટર-1)માં રસ ધરાવનાર પાર્ટીઓ વચ્ચે બે તબક્કાની સ્પર્ધાત્મક બિડીંગ પ્રોસેસ કરવામાં આવશે. જોકે રેલવેએ સ્પષ્ટ શરતો મૂકી છે કે ખાનગી કંપનીઓ દ્વારા પ્રાપ્ત થતી કુલ આવકનો અમુક હિસ્સો રેલવેને આપવો પડશે. રેલવે દ્વારા ખાનગી ઓપરેટરો માટે તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં અન્ય પરિબળોમાં યાત્રાનો સમયગાળો, ટ્રેનોની લંબાઈ, ક્રૂ મેમ્બર્સ, સુરક્ષાનું સર્ટિફિકેટ, ટ્રેનની મહત્તમ સ્પીડ અને ટિકિટના પૈસા સામેલ હશે.

યાત્રાના કલાકોઃ ટ્રેન ઊપડનારા સ્ટેશનથી અંતિમ સ્ટેશન વચ્ચેના કલાકો – એક રૂટ પર રેલવેની સૌથી ઝડપી ટ્રેન સાથે તુલનાત્મક રહેશે. આ રૂટ પર નવી સમાન શેડ્યુલ કરેલી કોઈ ટ્રેન એક કલાકમાં રાખવામાં નહીં આવે.

ટ્રેનની લંબાઈઃ દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા 16 કોચ હોવા જોઈએ અને એ રૂટ પર આનાથી મોટી પેસેન્જર ટ્રેન નહીં હોય.

ટ્રેનોની રૂપરેખાઃ કંપની પેસેન્જરોની  માગને આધારે નિર્ણય લઈ શકશે.

સંચાલન અને મેઇનટેઇનન્સઃ સરકારે નિર્ધારિત કરેલાં ધોરણો અને જરૂરિયાતો મુજબ છૂટછાટ આપી શકશે. ખાનગી કંપનીઓએ ટ્રેનોની જાળવણી કરવાની રહેશે અને જરૂરિયાત મુજબ કર્મચારીઓ, સાધનોને પૂરા પાડવાના રહેશે. ટ્રેનોની નિર્ધારિત જાળવણી 31 દિવસ પહેલાં નહીં અથવા 40,000 કિલોમીટરની યાત્રા પછી કરવાની રહેશે- બેમાંથી જે પહેલું હશે, એ કરવાનું રહેશે.

ક્રૂ મેમ્બર્સઃ ટ્રેનોના સંચાલન માટે જરૂરી રાઇવર અને ગાર્ડ રેલવે દ્વારા પૂરા પાડવામાં આવશે, પરંતુ ખાનગી કંપનીઓ દ્વારા તેમને ટ્રેનિંગ આપવી પડશે.

સુરક્ષાનું સર્ટિફિકેશનઃ સુરક્ષા પરિણામોને આધારે રેલવે દ્વારા નિયત કરેલા માપદંડોને આધારે સુરક્ષા પરિમાણો પૂરાં પાડવામાં આવશે.

કોન્ટ્રેક્ટનો પિરિયડઃ કંપનીઓને આ કોન્ટ્રેક્ટનો સમયગાળો 35 વર્ષનો હશે.

મહત્તમ સ્પીડઃ તૈયાર કરવામાં આવેલી ટ્રેનોની પ્રતિ કલાકની સ્પીડ 160ની હશે.

ભાડુંઃ ખાનગી કંપનીઓને પેસેન્જરો પાસેથી વસૂલવામાં આવનારાં ભાડાંને નક્કી કરવાની સ્વતંત્રતા રહેશે.

રેલવેએ એપ્રિલ, 2023 સુધીમાં પ્રથમ ખાનગી પેસેન્જર ટ્રેન ચલાવવાનું લક્ષ્ય રાખ્યું છે. રેલવે મંત્રાલયે 21 જુલાઈએ આ પ્રોજેક્ટ માટે પહેલી પ્રી-બિડ મીટિંગ બોલાવી છે, જેમાં એસ્સેલ ગ્રુપ, અદાણી ગ્રુપ, RK એસોસિયેટ્સ, એલ્સ્ટોમ. બોમ્બાર્ડિયર તથા અન્ય મોટાં કોર્પોરેટ જૂથોએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે.

 

કોરોનાથી મુંબઈ બરબાદ; ચીન કરતાંય વધારે મૃત્યુ નોંધાયા

મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીએ મુંબઈ મહાનગરમાં કાળો કેર વર્તાવ્યો છે. કોવિડ-19ના આંકડા દરરોજ નવો અને ગંભીર રેકોર્ડ સર્જે છે. નવો રેકોર્ડ એ છે કે મુંબઈએ કોરોના કેસ અને આ રોગથી થયેલા મરણની સંખ્યામાં ચીન દેશને પાછળ રાખી દીધો છે. આ જીવલેણ-ઘાતક વાઈરસ ચીનમાં પેદા થયો હતો.

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં અત્યાર સુધીમાં કોરોનાના 85,724 કેસ નોંધાયા છે અને આ રોગથી મૃત્યુ પામેલાઓની સંખ્યા 4,938 છે. જ્યારે ચીનમાં આ બંને આંકડા અનુક્રમે 83,565 અને 4,634 છે.

ચીનમાં કોરોનાના જે નવા કેસ નોંધાયા છે તે જોકે સિંગલ આંકડામાં છે.

મહારાષ્ટ્રએ પણ એક વિક્રમ કર્યો છે. આ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 2,11,987 કેસો નોંધાયા છે. રાજ્યએ આમાં તૂર્કી દેશને પાછળ રાખી દીધો છે જ્યાં કોરોના કેસોનો આંકડો 2,05,758 છે.

ગઈ 4 જૂને મહારાષ્ટ્ર રાજ્યએ જર્મની (1,98,064) અને દક્ષિણ આફ્રિકા (2,05,721) દેશોને પાછળ રાખી દીધા હતા. આ બંને દેશ વૈશ્વિક યાદીમાં 16મા અને 15મા નંબર પર છે.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 9,026 મૃત્યુ થયા છે અને કુલ 2,11,987 કેસ થયા છે. આમાં 87,681 કેસ સક્રિય છે. રાજ્યમાં મૃત્યુ દર 4.26 ટકા છે અને રીકવરી રેટ 54.37 છે.

રાજ્યના 36 જિલ્લાઓમાંથી માત્ર બે જિલ્લા – ભંડારા અને ચંદ્રપુર, એવા છે જ્યાં કોરોનાને કારણે એકેય જણનું મૃત્યુ થયું નથી.