Home Blog Page 4748

ચીની એપ્સ પર પ્રતિબંધ તો અલીબાબા પર કેમ નહીં?: વિપક્ષનો સવાલ

નવી દિલ્હી: ભારત-ચીન સરહદ વિવાદની સીધી અસર હવે માર્કેટ પર જોવા મળી રહી છે. ભારતમાં ચીની ચીજવસ્તુઓ અને સેવાઓના બહિષ્કારની માંગ ઉગ્ર બની રહી છે. જેને લઈને મોદી સરકારે આ દિશામાં મોટું પગલું ભર્યું છે. ભારતે ચીન પર ‘ડિજિટલ સ્ટ્રાઈક’ કરતા 59 ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતના યુવાઓમાં આ એપ્લિકેશન્સનો ખૂબ ક્રેઝ હતો અને ડિજિટલ માર્કેટ પર એમનો મોટો કબ્જો હતો.

ભારતમાં આ ચીની એપ્સ પર પ્રતિબંધ પછી હવે સવાલો ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા મનીષ તિવારી, ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સહિત વિપક્ષના નેતાઓએ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવાના ટાઈમિંગ અને અન્ય મુદ્દાઓને લઈને સવાલો ઉઠાવ્યા છે.

 જે લોકો VPN નો ઉપયોગ કરી પ્રતિબંધિત એપ વાપરી રહ્યા છે એનુ શું?

કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ ટ્વીટમાં રવિશંકર પ્રસાદને સવાલ કર્યો છે કે, જે લોકો VPN (Virtual Private Network)ની મદદથી પ્રતિબંધિત એપનો ઉપયોગ કરી રહ્યા છે એનું શું?  બીજો સવાલ એ છે કે, લાખો ફોનમાં જે એપ્સ હજુ પણ ઈન્સ્ટોલ છે તેનું શું? શું તેનાથી કોઈપણ પ્રકારનો ખતરો નથી?

મનીષ તિવારીએ કહ્યું કે, આ પ્રતીકાત્મક પ્રતિબંધ લાગી રહ્યો છે. ચીની એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય તો યોગ્ય છે, પણ પીએમ કેઅર્સ માટે પણ ચીની કંપનીઓ પાસેથી પૈસા લીધા છે એનું શું? કારણ કે ચીનની દરેક એપમાં તેમના ગુપ્તચર તંત્રનો હાથ હોય છે.

તિવારીએ એવો પણ સવાલ ઉઠાવ્યો કે, સરકારના લિસ્ટમાં અલીબાબા કંપનીનું નામ કેમ નથી? કારણ કે પેટીએમ સાથે સરકારનું કનેક્શન છે એટલે?  શું તમે એવું કહેવા માગો છો કે અન્ય ચીની એપથી કોઈપણ પ્રકારનો ખતરો નથી.

બીજી બાજુ, ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને વધુમાં કહ્યું કે, ચીની એપ્સે ભારતમાં જેટલું સંક્રમણ ફેલાવવું હતું એટલું ફેલાવી દીધું છે. ચાઈનીઝ એપ્સની ભારતમાં અસર અને પ્રભાવ ખોટા હતા. સરકારે એની પર પ્રતિબંધ મૂકવામાં મોડું કર્યું છે.

મોદી ગરીબોનાં બેલીઃ ગરીબ કલ્યાણ અન્ન યોજના નવેમ્બર સુધી લંબાવી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં દેશવાસીઓને છઠ્ઠી વાર સંબોધન કર્યું હતું. આજના સંબોધનમાં એમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વિસ્તારની જાહેરાત કરી અને કહ્યું કે આ યોજના બીજા પાંચ મહિના સુધી લંબાવવાનો સરકારે નિર્ણય લીધો છે. હવે તહેવારોની મોસમ પણ શરૂ થવાની છે અને તહેવારોના દિવસોમાં લોકોની જરૂરિયાત સામાન્ય રીતે વધી જતી હોય છે એટલે ગરીબ લોકોને મફતમાં અનાજ પૂરું પાડવાનો સરકારનો ઉદ્દેશ્ય છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના જુલાઈથી શરૂ થઈ નવેંબરના અંત સુધી લાગુ રહેશે. આનાથી દેશભરના 80 કરોડ લોકોને ફાયદો થશે.

મોદીએ વધુમાં કહ્યું હતું કે હવે આપણે કોરોનાની સામે લડતાં-લડતાં આપણે અનલોક-2માં પ્રવેશ કરી રહ્યા છીએ. આપણે એ ઋતુમાં પ્રવેશ કરી રહ્યા છીએ, જેમાં શરદી, તાવ અને ખાંસી થાય છે. આ રોગો હાલની સીઝનમાં વધી જાય છે. આવામાં બધા દેશવાસીઓને પ્રાર્થના છે કે આવા સમયે પોતાનું ધ્યાન રાખો. જો આપણે કોરોનાથી થતાં મોતોની તુલના કરીએ તો દેશમાં લોકડાઉનને લીધે લાખ્ખો લોકોનું જીવન બચાવી શક્યા છીએ. અનલોક-1 પછી લાપરવાહી વધી છે. પહેલાં આપણે માસ્કને બે ગજની દૂરીને લઈને 20 સેકન્ડ હાથ ધોવા માટે બહુ સતર્ક હતા, પણ હવે આપણે વધુ સતર્કતા રાખવી પડશે. જોકે વિશ્વની તુલનામાં દેશમાં ઘણી સારી સ્થિતિ છે. જે લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા તેમને રોકવા પડશે અને સમજાવવા પડશે. તેમણે ફરી લોકલ માટે વોકલની હાકલ કરી હતી. દેશમાં સ્થાનિક વહીવટી તંત્ર અસરકારક કામ કરી રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે એક દેશના વડા પ્રધાન પર 13,000 રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો હતો, કેમ કે તેમણે જાહેર સ્થળે માસ્ક પહેર્યા વગર નીકળ્યા હતા. તેમણે જે કહ્યું હતું કે ગામનો પ્રધાન હોય કે દેશનો- કોઈ નિયમોથી ઉપર નથી.

80 કરોડ લોકોને મફત અનાજ

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે લોકડાઉન થતાં સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના લઈને આવી હતી. આ યોજના હેઠળ ગરીબાને પોણાબે લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું હતું. કોરોનાથી લડતાં દેશમાં 80 કરોડ લોકોને ત્રણ મહિનાનું અનાજ- પાંચ કિલો ઘઉં અથવા ચોખા મફત આપ્યા છે. આ ઉપરાંત પ્રત્યેક પરિવારને દર મહિને એક કિલો દાળ પણ આપવામાં આવી હતી. જે અમેરિકાની કુલ જનસંખ્યાથી અઢી ગણા લોકોને, બ્રિટનની જનસંખ્યાથી 12 ગણા લોકોને અને યુરોપિયન યુનિયનની વસતિ કરતાં બમણા લોકોને સરકારે મફત અનાજ આપ્યું છે.

80 કરોડ લોકોને ફરી સરકાર દ્વારા અનાજ અપાશે

તેમણે કહ્યું હતું કે તહેવારોના સમયે જરૂરિયાતો પણ વધે છે અને ખર્ચ પણ વધે છે. જેથી હવે નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી ગરીબ યોજનાને વધારીને દિવાળી અને છઠ્ઠ પૂજા સુધી એટલે કે નવેમ્બર મહિના સુધી પરિવારના દરેક સભ્યને એટલે કે 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવશે, જેમાં પાંચ કિલો ઘઉં અથવા પાંચ કિલો ચોખા મફત આપવામાં આવશે. આ સિવાય પ્રત્યેક પરિવારને એક કિલો ચણા મફત આપવામાં આવશે. આ યોજનામાં 90,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આમાં પાછલા ત્રણ મહિનાનો ખર્ચને જોડીએ તો એ 1.50 લાખ કરોડ રૂપિયા થઈ જાય છે.

વન નેશન વન રેશન

સમગ્ર દેશમાં હવે એક રેશનકાર્ડની વ્યવસ્થા થઈ રહી છે. આનો લાભ એ લોકોને મળશે, જે કમાવા માટે અન્ય રાજ્યોમાં મજૂરી માટે જાય છે. તેમણે કહ્યું હતું કે સરકાર બધાને અનાજ આપી રહી છે એનું શ્રેય અન્નદાતા ખેડૂત અને બીજા  ઇમાનદાર ટેક્સપેયરને જાય છે. તેમણે કહ્યું હતું કે દેશનો અનાજ ભંડાર ભરેલો છે, એટલા માટે ગરીબના ઘેર ચૂલા જાય છે. તમે ઇમાનદારીથી ટેક્સ ભરો છો. એટલે દેશનો ગરીબ સંકટથી સામનો કરી શક્યા છે. તેમણે દરેક ખેડૂત અને કરદાતાનો આભાર માન્યો હતો.

ખેડૂતોનાં બેન્ક ખાતાઓમાં 18,000 કરોડ રૂપિયા જમા થયા

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને પોણા બે લાખ કરોડ રૂપિયા પેકેજ આપવામાં આવ્યું છે. નવ કરોડથી વધુ ખેડૂતોના ખાતાંઓમાં 18.000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 20 કરોડ જનધન ખાતાઓમાં 31,000 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે.

બિડેને ચૂંટણી પ્રચારમાં મેધા રાજને ડિજિટલ વિભાગનાં હેડ બનાવ્યા

ન્યૂયોર્કઃ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ચૂંટણીમાં ગરમાવો આવતો જાય છે. કોવિડ-19ના રોગચાળાને કારણે ચૂંટણી પક્ષો દેશ-વિદેશમાં ડિજિટલ પ્રચાર કરવા વર્ચ્યુઅલ હાજરી પર વધુ ને વધુ ભાર મૂકતા જાય છે. આ સંદર્ભે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને 2020ની અમેરિકાની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત રાષ્ટ્રપતિના ઉમેદવાર જો બિડેને તેમના ચૂંટણી કેમ્પેન ટીમનું વિસ્તરણ કર્યું છે અને તેમણે ભારતીય મૂળનાં અમેરિકન મેધા રાજને ડિજિટલ ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત કર્યાં છે.

બિડેને વર્ચ્યુઅલ ચૂંટણી ઝુંબેશની કામગીરી માટે અનેક વ્યક્તિઓની નિયુક્તિ કરી

બિડેને રાજ ઉપરાંત 23 જૂને તેમના વર્ચ્યુઅલ ચૂંટણી ઝુંબેશની કામગીરી માટે અનેક વ્યક્તિઓની નિયુક્તિ કરી છે. પ્રાથમિક સ્તરે ફંડ એકત્ર કરવા માટે રાજ સાથે ક્લાર્ક હમફ્રેની નવા ડેપ્યુટી ડિજિટલ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે જોસ નુન્ઝે ડિજિટલ ઓર્ગેનાઇઝિંગ ડિરેક્ટર, અને ક્રિશ્ચિયન ટોમની ડિજિટલ પાર્ટનરશિપના નવા ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ ચાર જણ જેમની સાથે કામ કરશે તેમાં અનુભવી કમલા હેરિસ, પીટ બટિગિગ અને હિલેરી ક્લિન્ટન ડેમોક્રેટિક રાષ્ટ્રપતિના ઉમેદવારના ચૂંટણીપ્રચારનું ડિજિટલ કાર્ય, ટ્વિટર અને ફંડ એકત્ર કરવા પર ધ્યાન આપશે.

કોરોનાએ ચૂંટણીપ્રચારનું સ્વરૂપ બદલ્યું

વૈશ્વિક કોરોના રોગચાળાની વેક્સિન હજી શોધાઈ નથી, ત્યારે આ રોગચાળાએ ચૂંટણીપ્રચારની પરંપરાગત રીતે બદલી નાખી છે. જેથી બિડેનની ચૂંટણીપ્રચારની કામગીરી રૂપે દેશના મતદારો ઓનલાઇન કે ઓફલાઇન સાથે સંબંધો કેળવી આ ટીમ તેમના સંપર્કમાં રહેવા સાથે મતદારોમાં તેમના ઉમેદવાર માટે ચૂંટણીપ્રચાર કર્યા કરે છે.

મેધા રાજે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી MBA કર્યું છે

મેધા રાજ જ્યોર્જટાઉન યુનિવર્સિટીથી આંતરરાષ્ટ્રીય પોલિટિક્સમાં ગ્રેજ્યુએટ થયાં છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી MBA કર્યું છે. રાજ ડિજિટલ વિભાગના તમામ પાસાંઓ પર કામ કરશે અને ડિજિટલ પ્રચારમાંથી તેમની પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે મહત્તમ પ્રચાર કરવાની વ્યવસ્થાની દેખરેખ રાખશે. આ પહેલાં તે ભૂતપૂર્વ ડેમોક્રેટિક રાષ્ટ્રપતિના ઉમેદવાર પીટ બટિગિગના કેમ્પેનમાં સેવા આપી ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે ડિજિટલ ચીફ ઓફ સ્ટાફ તરીકે જો બિડેનના ચૂંટણી કેમ્પેનમાં હું જોડાતાં ખૂબ ઉત્સાહિત છું. ચૂંટણી આડે હવે 130 દિવસ બાકી છે ત્યારે આપણે એક મિનિટ પણ વેડફવી ના જોઈએ, એમ તેમણે લિન્કડિન પ્રોફાઇલમાં લખ્યું હતું.  

 રાષ્ટ્રપતિપદના નામાંકનનો સ્વીકાર

77 વર્ષીય જો બિડેન ત્રીજી નવેમ્બરે યોજાનારી અમેરિકી ચૂંટણીઓમાં 74 વર્ષીય રિપબ્લિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ટક્કર આપી રહ્યા છે. અમેરિકાના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન 20 ઓગસ્ટે વિસ્કોન્સિનના મિલ્વૌકી શહેરમાં પાર્ટીના સંમેલનમાં ઔપચારિક રીતે ડોમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના નામાંકનનો સ્વીકાર કરશે.

બિડેનનું ચૂંટણી કેમ્પેન પ્રારંભમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામેના ઓનલાઇન ચૂંટણી પ્રચારની સ્પર્ધાત્મકતામાં સંઘર્ષ કરી રહ્યું હતું, પણ નવા સ્ટાફની નિયુક્તિ પછી તેમણે ચૂંટણી પ્રચાર માટે ડિજિટલ વ્યૂહરચના અપનાવી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ હાલમાં ઓનલાઇન ફંડ સ્વરૂપે પહેલી વાર દાન કરનારા દાતાઓ સહિત  1,75,000 દાતાઓ પાસેથી 76 લાખ ડોલર ઊભા કર્યા હતા. આ ઉપરાંત મોટા દાતાઓ પાસેથી 34 લાખ ફંડ એકત્ર થયું હતું, આં કુલ આશરે 1.1 કરોડ ડોલર ફંડ એકત્ર થયું હતું. જે આ કેમ્પેનનું અત્યાર સુધીનું સૌથી મોટું ફંડ હતું. ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ઓનલાઇન દાતાઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો હતો.

કેટલાંક નવાં જનમત સર્વેક્ષણો અનુસાર જો બિડેન ડોનાલ્ડ ટ્રમ્પ પર આઠ ટકાથી વધુ અંક આગળ છે.

ગુજરાતી અભિનેતા દીપક દવેનું ન્યુયોર્કમાં હૃદયરોગના હુમલાને લીધે નિધન

અમદાવાદ: ગુજરાતી અભિનેતા દીપક દવેનું હૃદયરોગના હુમલાને કારણે ન્યુયોર્કમાં અકાળે નિધન થયું છે. દીપક દવે જાણીતા ગુજરાતી કવિ, નાટ્યલેખક, નવલકથાકાર અને ‘જન્મભૂમિ’ અને ‘પ્રવાસી’ અખબારોના ભૂતપૂર્વ તંત્રી સ્વ. હરિન્દ્ર દવેના પુત્ર હતા. દીપક દવેએ ન્યુયોર્ક સ્થિત ભારતીય વિદ્યા ભવનની ઑફિસમાં અંતિમ શ્વાસ લીધા હતા.

દીપક દવેના નિધનને કારણે મનોરંજન જગતમાં પણ શોક વ્યાપી ગયો છે. બોલીવુડ ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે ટ્વીટ કર્યું છે અને દીપક દવે સાથેની પોતાની તસવીર શેર કરી છે.

ઉલ્લેખનીય છે કે દીપક દવેએ 15 ટીવી સીરિયલ અને 9 ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે 70થી વધુ નાટકોમાં પણ અભિનય કર્યો હતો જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાના નાટકોનો સમાવેશ થાય છે. દીપક દવેએ VO (વોઈસઓવર) આર્ટીસ્ટ અને ડબિંગ આર્ટીસ્ટ તરીકે પણ ખૂબ નામના મેળવી હતી.

દીપક દવેના ‘ચિંગારી’ નાટકને દર્શકોએ ખૂબ વખાણ્યું હતું. ભારતીય વિદ્યા ભવન, યુએસએમાં દીપક દવેએ મેનેજર ઓફ પ્રોગ્રામ્સ તરીકે કામ શરૂ કર્યું હતું અને વર્ષ 2008થી તેઓ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા હતા.

આમિર ખાનના કર્મચારીઓને કોરોના થયો; પોતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાનના સ્ટાફના કેટલાક સભ્યોનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે  આમિર ખાનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આ જાણકારી 55-વર્ષીય આમિરે જ આજે આપી છે. જોકે આમિર તેની માતાના ટેસ્ટના રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે.

આમિરે એક નિવેદનમાં જણાવ્યું છે કે, ‘આ સાથે જાણ કરવાની કે મારા સ્ટાફના અમુક સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એમને તરત જ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના અધિકારીઓ આ કર્મચારીઓને તરત જ મેડિકલ સેન્ટરમાં લઈ ગયા હતા. મારા કર્મચારીઓની આટલી સારી રીતે કાળજી લેવા બદલ અને આખી સોસાયટીને સ્ટરિલાઈઝ કરવા બદલ હું BMCનો આભાર માનું છું.’

આમિરે વધુમાં કહ્યું છે કે, ‘અમારા બાકીના લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને એ નેગેટિવ આવ્યા છે. હાલ હું મારા માતાનાં ટેસ્ટ રિપોર્ટની રાહ જોઈ રહ્યો છું. કૃપા કરીને પ્રાર્થના કરો કે એમનો રિપોર્ટ નેગેટિવ આવે.’

‘દંગલ’ ફિલ્મના અભિનેતા આમિરે ટેસ્ટિંગની પ્રક્રિયા દરમિયાન એના પરિવાર તથા સ્ટાફની કાળજી લેવા બદલ કોકિલાબેન અંબાણી હોસ્પિટલના ડોક્ટરો તથા નર્સોનો આભાર માન્યો છે.

આમિર ખાનની નવી ફિલ્મ આવી રહી છે ‘લાલ સિંહ ચઢ્ઢા’, જે 1994માં આવેલી હોલીવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની સત્તાવાર હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં એની હીરોઈન છે કરીના કપૂર. ફિલ્મના દિગ્દર્શક છે અદ્વૈત ચંદન.

ઈરફાન પઠાણે ખોલ્યું રોહિત-શિખરની ઓપનિંગ જોડીની સફળતાનું રહસ્ય

નવી દિલ્હી: વન ડે ક્રિકેટમાં શિખર ધવન અને રોહિત શર્માની ઓપનિંગ જોડી સર્વશ્રેષ્ઠ હોવાનું કહેવાય છે. આ જોડીની સફળતા પાછળનું કારણ જણાવતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે કહ્યું કે, શિખર ધવન અને રોહિત શર્માએ સંયુક્તપણે મર્યાદિત ઓવર (50 ઓવરની ક્રિકેટ) મેચોમાં ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત અપાવતા રહ્યા છે. આ ભારતીય ઓપનરો છેક 2013થી મર્યાદિત ઓવરની ક્રિકેટ મેચોમાં શાનદાર બેટિંગ કરી રહ્યા છે.

પઠાણે સ્ટાર સ્પોર્ટ્સના ‘ક્રિકેટ કનેક્ટેડ’ શોમાં કહ્યું કે, અમને ખબર છે કે શિખર ખૂબ જ હળવાશથી રમે છે અને તે રોહિત શર્માને બેટિંગ માટે સમય આપે છે. રોહિત શર્મા ઝડપી આક્રમક વલણ અપનાવવામાં કેવી રીતે સક્ષમ છે તે આપણે બધા જાણીએ છીએ, પરંતુ શરૂઆતમાં તેને સમયની જરૂર હોય છે.

પઠાણે કહ્યું કે બંને ખેલાડીઓ એક બીજાની રમત અને ક્ષમતા વિશે જાણે છે એ જ આ જોડીની સફળતાનું મુખ્ય કારણ છે. ક્રિકેટમાં તમારે તમારી શક્તિ અને નબળાઇઓ સમજવા માટે બીજા છેડે કોઈની જરૂર હોય છે. શિખર જાણે છે કે શરૂઆતમાં રોહિતને સેટ થવા થોડી ઓવરની જરૂર હોય છે.

પઠાણ વધુમાં કહે છે કે, આવા સમયે શિખર જવાબદારી લે છે અને મને લાગે છે કે આના કારણે તે પણ સફળ છે. હરીફ ટીમના સ્પિનરો બોલિંગ માટે આવે ત્યાં સુધીમાં રોહિત ક્રિઝ પર જામી ગયો હોય છે અને તે બધી જવાબદારી પોતાના પર લઈ લે છે. રોહિત અને શિખરે પાર્ટનરશીપમાં 16 સદી ફટકારી છે અને આ યાદીમાં તેઓ એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડન સાથે સંયુક્ત રીતે બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી છે, જેના નામે 21 સદીની ભાગીદારી છે.

કોરોનાના સંક્રમિતો સંખ્યા 5.60 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 18,522 નવા કેસ સામે આવ્યા છે અને 418 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 5,66,840 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 16,893 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 3,34,821 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 2,15,125એ પહોંચી છે. રિકવરી રેટ 59.07 ટકાએ પહોંચ્યો છે. જ્યારે પોઝિટિવિટી રેટ 8.80 ટકાએ પહોંચ્યો છે.   

કોવેક્સિનને માનવ પરીક્ષણ માટે મંજૂરી મળી

દેશની પહેલી સ્વદેશી કોરાના સામેની વેક્સિન બનાવવા માટે હૈદરાબાદસ્થિત વેક્સિન ઉત્પાદક ભારત બાયોટેકને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા મંજૂરી મળી ગઈ છે, કંપનીને માનવ શરીરમાં પ્રથમ અને બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. કોવેક્સિન નામની વેક્સિનને કંપનીએ ICMR અને NIVની સાથે મળીને વિકસિત કરી છે.

બિહારમાં લગ્નના પછીના દિવસે પતિનો કોરોનાને લીધે મોત

બિહારમાં એક લગ્ન પ્રસંગના મામલે આરોગ્ય વિભાગની મુસીબતો વધારી દીધી છે. આ લગ્નમાં સામેલ થયેલા લોકો ઝડપથી કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધી આ લગ્ન પ્રસંગમાં હાજર રહેલા 369  લોકોની તપાસ થઈ ચૂકી છૈ, જેમાંથી 111 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આ લગ્નના બીજા દિવસે પતિનું મોત થયું છે. જેથી હવે સામૂહિક સંક્રમણ થઈ રહ્યું હોવાનું જણાય છે.

વિશ્વમાં કોરોનાથી 1.04 કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 5,08,078 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 1,04,08,433 પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

મોબાઇલમાંથી ચાઇનીઝ એપ્સને દૂર કરીને ઇન્ડિયન એપ્સ પસંદ કરો, આ રીતે…

નવી દિલ્હીઃ દેશની સુરક્ષા અને એકતાને જાળવી રાખવા માટે સરકાર દ્વારા 59 ચાઇનીઝ એપ્સને દેશમાં પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આમાં અનેક જાણીતાં નામ સામેલ છે. આ એપ્સને પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરથી યુઝર્સ ડાઉનલોડ નહીં કરી શકાય. સરકાર દ્વારા આ નિર્ણય યુઝર્સના ડેટાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જોકે પોતાના ફોનમાંથી ચાઇનીઝ એપ્સ યુઝર્સે ખુદ ડિલીટ કરવી પડશે.

તમે ફોનથી ચાઇનીઝ એપ્સ દૂર કરવા ઇચ્છો છો, પણ તમને ખબર નથી કે એની જગ્યાએ કઈ એપ યુઝ કરવી સારી છો તો હેરાન થવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાં વિદિશાના રહેવાસીએ ડેવલપરે એક એપ તૈયાર કરી છે, જેની મદદથી ચાઇનીઝ એપ્સને દૂર કરવાની સાથે જ તમને એના જેવા ફીચર્સવાળી ઇન્ડિયન એપ્સ પણ ડાઉનલોડ કરી શકો છો.
આ પગલાં ફોલો કરો

પગલું 1- સૌથી પહેલાં ગૂગલ પ્લે સ્ટોર જઈને ‘Replace It’ સર્ચ કરો અને તમને રેડ કલરના આઇકનવાળી એપ દેખાશે, એને ઇન્સ્ટોલ કરો.

પગલું 2 – એપ ઓપન કર્યા પછી તમારી પાસે કેટલીક મંજૂરી માગશે અને ડિસ્ક્લેમર દેખાશે, એને Allow કરી દો અને OK કરો.

પગલું 3- હવે સામે દેખાઈ રહેલા ‘Scan Non-Indian Apps’ ઓપ્શન પર જાઓ અને તમારો ફોન સ્કેન થવા લાગશે.

પગલું 4- એપ ફોનમાં મોજૂદ ચાઇનીઝ એપ્સ તમને દેખાડશે, જેને તમે ડિલીટ કરી શકો છો. આ સિવાય એ એપની જગ્યાએ કઈ ઇન્ડિયન એપ તમારા કામ આવી શકે છે, એ પણ જ જોઈ શકાશે, જેને તમે ઇચ્છો તો ઇન્સ્ટોલ કરી શકો છે.

પગલું 5- છેલ્લા પેજ પર તમને કન્ફર્મેશન મળી જશે કે તમે નોન-ઇન્ડિયન એપ્સને ઇન્ડિયન એપ્સમાં રિપ્લેસ કરી દીધી છે.

તમે ઇચ્છો તો એપને હોમ પેજ પર આપવામાં આવેલી જાણીતી ઇન્ડિયન એપ્સ સેક્શનમાં જઈને અલગ-અલગ જરૂરિયાત માટે બનેલી ઇન્ડિયન એપ્સને ઇન્સ્ટોલ કરી શકો છો અને પૂરું લિસ્ટ પણ જોઈ શકો છો.

 

રાશિ ભવિષ્ય 30/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે,  વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.


આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.


આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.


આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.


આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે,  મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં  ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.


આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.


આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 30/06/2020