નવી દિલ્હીઃ તમામ પ્રયાસો છતાં દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 17,296 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધી સૌથી વધુ છે. પાછલા 24 કલાકમાં 407 લોકોનાં મોત થયાં છે. દેશમાં છેલ્લા 14 દિવસથી નવા કોરોના વાઇરસના કેસ 10,000થી વધુ આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,90,401 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 15,301 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,85,636 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,89,463એ પહોંચી છે. રિકવરી રેટ 58.24 ટકાએ પહોંચ્યો છે.
દેશમાં 77 લાખ લોકોનો કોરોના ટેસ્ટ
મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધી 77,76,228 લોકોના કોરોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 25 જૂન સુધી 2,15,446 ટેસ્ટ થયા છે. જે સૌથી વધુ ટેસ્ટ છે. પોઝિટિવિટી રેટ 8.02 ટકાએ પહોંચ્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના આશરે 1.50 લાખ નવા કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાના પાછલા 24 કલાકમાં 4841 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આશરે 1,47,741 થઈ ગઈ છે, જેમાંથી 6931 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યાર સુધી 8,48,026 લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે.
વિશ્વમાં કોરોનાથી 97 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત
વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,91,783 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 97,10,205એ પહોંચી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ સંકટગ્રસ્ત જેટ એરવેઝને નાણાં ધીરનાર, જે એક વર્ષ કરતાં પણ વધુ સમયથી ગ્રાઉન્ડેડ છે, તેમણે ચાર સંભવિત બિડર્સને અંતિમ રૂપ આપ્યું છે. આ બિડર્સ આગામી મહિના સુધી નાદાર એરલાઇનમાં હિસ્સો હાંસલ કરવા માટે બીડ પ્રસ્તાવ રજૂ કરે એવી એવી શક્યતા છે. રિઝોલ્યુશન પ્રોફેશનલ આશિષ છાવછરિયાએ આ સૂઇટર્સની સાથે નોન-કિસ્ક્લોઝર એગ્રીમેન્ટ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે અને તેમને એરલાઇનના નાણાકીય ડેટાની આપ-લે કરી છે.
આ બિડર્સે રસ દાખવ્યો
જેટ એરવેઝમાં જે બિડર્સે રસ દાખવ્યો છે, એમાં છે યુકેના કલૈક કેપિટલ પાર્ટનર્સ અને દુબઈના એક વ્યક્તિ મુરારીલાલ જાલન, અબુ ધાબી સ્થિત ઇમ્પિરિયલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એલએલસી (ICIL), હરિયાણા સ્થિત ફ્લાઇટ સિમ્યુલેશન ટેક્નિક સેન્ટર પ્રાઇવેટ લિમિટેડ (FSTCPL) અને મુંબઈ સ્થિત બિગ ચાર્ટર પ્રા. લિમિટેડ (BCPL), કેનેડાસ્થિત આંતરપ્રૂનર શિવકુમાર રસિયા અને કોલકાતાની અલ્ફા એરવેઝ.
પ્રાપ્ત માહિતી અનુસાર બીડ લગાવનારી કંપનીઓને બીડ લગાવતાં પહેલાં જેટ એરવેઝની નાણાકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો હતો. બીડ લગાવનારા પાસે ડ્યુ ડિલિજન્સની પ્રક્રિયાને અંતે પોતાની બીજ રજૂ નહીં કરવાનો પણ વિકલ્પ છે.
બિડર શોધવાનો ચોથો પ્રયાસ
રિઝોલ્યુશન પ્રોફેશનલ્સ દ્વારા જેટ એરવેઝને પુનર્જીવિત કરવા માટે એક બિડર શોધવાનો આ ચોથો પ્રયાસ છે. આ પહેલાં દક્ષિણ અમેરિકાનું સિનર્જી ગ્રુપ અને નવી દિલ્હી સ્થિત પ્રુડેન્ટ ARCને એક સંકલ્પ યોજના રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો, પણ એ સમયમર્યાદામાં રજૂ કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા.
25 માર્ચથી દેશભરમાં કોરોના વાઇરસને કારણે લોકડાઉન થયું હતું. જેથી કેટલીય એરલાઇન્સ પાસે કર્મચારીઓને પગાર આપવા નાણાં નથી, જેને કારણે કર્મચારીઓએ નોકરીઓ ગુમાવવી પડી હતી. જોકે જેટ એરવેઝને તો પહેલાં જ નાદાર જાહેર કરવામાં આવી છે. જોકે આ સંકટથી બહાર નીકળવા માટે જેટ એરવેઝની કોર્પોરેટ ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયાની સમયમર્યાદાને બે મહિના 21 ઓગસ્ટ સુધી વધારવામાં આવી છે.
બેન્કો અને લેણદારોનાં રૂ. 8000 કરોડનાં લેણાં
રોકડ કટોકટીમાં ફસાયેલી જેટ એરવેઝે એપ્રિલ, 2019માં જ એનાં બધાં વિમાનોની ઉડાન બંધ કરી દીધી હતી. એરલાઇન કંપની પર વિવિધ બેન્કો અને લેણદારોના આશરે રૂ. 8000 કરોડનાં લેણાં છે. આમાં સરકારી બેન્કોને મોટો હિસ્સો છે. NCLTની મુંબઈ બેન્કે 20 જૂન, 2019એ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં લેણદારોનું એક જૂથ બનાવ્યું હતું અને અરજીનૌ સ્વીકાર કરતાં સુનાવણી શરૂ કરી હતી.
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
નવી દિલ્હીઃ એક વધુ ચોંકાવનારી ઘટનામાં, પૂર્વીય દિલ્હીસ્થિત ગીતા કોલોની વિસ્તારમાં જાણીતી ‘ટિકટોક’ સ્ટાર સિયા કક્કડ (16)એ ગઈ કાલે મધરાતે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. એણે તેનાં ઘરમાં ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હોવાનું કહેવાય છે. સિયાનાં સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર મોટી સંખ્યામાં ફેન્સ છે. સિયાને ‘ટિકટોક’ પર 11 લાખ લોકો ફોલો કરે છે અને ઇન્સ્ટાગ્રામ પર આશરે 91,000 લોકો એની સાથે જોડાયેલા છે. બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે ગઈ 14 જૂને મુંબઈના બાંદરાસ્થિત પોતાના નિવાસસ્થાને ગળાફાંસો લગાવીને આત્મહત્યા કર્યાના થોડા જ દિવસો પછી સિયાની આત્મહત્યાની ઘટના બની છે.
સિયાનો મોબાઇલ ફોન પોલીસે તાબામાં લીધો
હજી ગઈ કાલે બુધવારે જ એક વિડિયો અપલોડ કર્યા બાદ સિયા બહુ આનંદમાં હતી તો તેણે આત્મહત્યા કેમ કરી? એવા સવાલો થઈ રહ્યા છે. વળી, પોલીસને ઘટનાસ્થળેથી સિયાની સુસાઇડ નોટ પણ નથી મળી. પોલીસે સિયાનો મોબાઇલ તાબામાં લઈ લીધો છે.
સિયાને ધમકી મળતી હતી?
પરિવારનાં સૂત્રોનું કહેવું છે કે સિયાને કેટલાક લોકો ધમકીઓ આપી રહ્યા હતા, એટલે તે પરેશાન હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તપાસ પછી આ વિશે ટિપ્પણી કરી શકાશે. હાલ તો તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાયા પછી પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.
છેલ્લો વિડિયો ‘ટિકટોક’ પર મૂક્યો
પ્રાપ્ત માહિતી અનુસાર સિયા કક્કડ પરિવારની સાથે 13 બ્લોક, ગીતા કોલોનીમાં રહેતી હતી. હજી ગઈ કાલે, બુધવારે જ એણે તેનો છેલ્લો વિડિયો ‘ટિકટોક’ પર મૂક્યો હતો. તે ઉપરાંત તેણે એનાં મેનેજર અર્જુન સરીન સાથે એક ગીત વિશે વાતચીત પણ કરી હતી. અર્જુને કહ્યું હતું કે વાતચીત પરથી તો એવું જરાય નહોતું લાગ્યું કે એ પરેશાન છે. રાત્રે 12 વાગ્યે તેણે તેના રૂમમાં ગળાફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ગઈ કાલે રાત્રે જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે આવીને મૃતદેહને કબજામાં લીધો હતો.
સોશિયલ મિડિયા પર શોકનું મોજું
સિયા કક્કડનાં આકસ્મિક નિધનથી નેટિઝન્સ સ્તબ્ધ છે, કેમ કે યુવા સ્ટારનું ભવિષ્ય ઉજ્જવળ હતું. સોશિયલ મિડિયા પર સિયાનાં પ્રશંસકો શોક વ્યક્ત કરી રહ્યા છે. તેના ઘરમાં સન્નાટો છે. પરિવારમાંથી કોઈ વાત કરવા માટે તૈયાર નથી. પિતા ઇન્દર કક્કડે કોઈની પણ સાથે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેના બહેન અને ભાઈએ માત્ર એટલું જ કહ્યું કે સિયા હવે જતી રહી છે અને સૌ એનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
સિંગાપોરઃ ગઈ 21 જૂનના રોજ છઠ્ઠા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પ્રજ્ઞા યોગા એન્ડ વેલનેસ સંસ્થા તથા સિંગાપોરસ્થિત ભારતીય હાઈકમિશન અને દિલ્હીસ્થિત મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગાના સંયુક્ત ઉપક્રમે સિંગાપોરમાં વિશેષ કાર્યક્રમ – વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વેબિનારમાં જુદા જુદા પાંચ યોગ માધ્યમના પાંચ નામાંકિત આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ પ્રસ્તુતિકરણ કર્યું હતું. પ્રત્યેક નિષ્ણાતને 30-મિનિટના પ્રેક્ટિસ સત્રની ફાળવણી કરવામાં આવી હતી. એ સત્રમાં યોગ થેરપી, અષ્ટાંગ યોગ, શ્વાસની પદ્ધતિઓ, મનને જાગ્રત કરવાની કળા, માનસિક સ્વસ્થતા અને તાણમુક્ત રહેવાની કળા, સાઉન્ડ હીલિંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પ્રજ્ઞા યોગા એન્ડ વેલનેસનાં ડાયરેક્ટર સુજાતા કૌલગી દ્વારા વેબિનારમાં રોગપ્રતિકારક શક્તિ વધારતી વાનગીઓ અને આયુર્વેદ તથા યોગના મહત્ત્વ વિશે સમજ આપવામાં આવી હતી. એમણે વિશેષ રૂપે જણાવ્યું કે પ્રત્યેક વ્યક્તિની સર્વાંગિણ શારીરિક-માનસિક સુખાકારી માટે યોગવિદ્યા મદદરૂપ થાય છે.
22 જૂને આયોજિત કાર્યક્રમનું શિર્ષક હતું, ‘યોગઃ જીવનનો શ્વાસ – કોરોના વાઈરસ કટોકટીમાં ઉપચાર તથા સુસ્વાસ્થ્ય મેળવવાનો માર્ગ.’
આ કાર્યક્રમમાં સિંગાપોરસ્થિત ભારતીય હાઈકમિશનર જાવેદ અશરફ, મોરારજી દેસાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યોગાના ડાયરેક્ટર ડો. ઈશ્વર બાસવરેડ્ડી અને સુજાતા કૌલગીએ એમનાં વિચાર રજૂ કર્યાં હતાં.
શ્રોતાઓએ સવાલો પૂછ્યા હતા જેના પેનલ પરના નિષ્ણાતોએ જવાબ આપ્યા હતા. હાલના સંજોગોમાં યોગવિદ્યા કેવી અસરકારક રીતે સંતુલન પૂરું પાડે છે અને સુમેળ સાધવામાં મદદરૂપ થાય છે એ વિશે ચર્ચા કરવામાં આવી હતી. યોગ, પ્રાણાયમ અને ધ્યાનની પદ્ધતિઓ દ્વારા શાંતિ પ્રાપ્ત કરી શકાય છે એ વિશે નિષ્ણાતોએ વેબિનારમાં સામેલ થયેલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ બંને કાર્યક્રમના વિડિયો જોવા માટે આ લિન્ક પર ક્લિક કરોઃ
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે ગયા માર્ચ મહિના બીજા પખવાડિયાથી – 20 માર્ચથી બંધ કરી દેવામાં આવેલા હેર કટિંગ સલૂન્સ અને જિમ્નેશિયમ્સ 28 જૂનથી ફરી શરૂ કરવામાં આવનાર છે. રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના કેબિનેટ પ્રધાન અને મુંબઈનિવાસી પાલક પ્રધાન અસલમ શેખે આ જાણકારી આપી છે.
28 જૂનથી હેર કટિંગ સલૂન ફરી ખોલી શકાશે, પણ હાલ માત્ર વાળ જ કાપી શકાશે, દાઢી કરવાની પરવાનગી નહીં હોય. વાળંદ તથા ગ્રાહક, બંને જણે મોઢા પર માસ્ક ફરજિયાત પહેરવો પડશે.
વળી, સલૂનની અંદર અને સલૂનની બહાર સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પણ પાલન કરવાનું રહેશે.
સરકારે હજી બ્યુટી પાર્લર અને સ્પા શરૂ કરવાની પરવાનગી આપી નથી.
હેર કટિંગ અને સલૂન અને જિમ્નેશિયમ્સમાંથી કોરોના વાઈરસનો ચેપ બહોળા પાયે ફેલાતો હોવાનું જોખમ હોવાને કારણે જ આ સેવાઓને લાંબા સમયથી બંધ રાખવામાં આવી છે. ગઈ 1 જૂનથી લોકડાઉનમાં ઘણી છૂટછાટો આપવામાં આવી હતી, પણ આ બે સેવા પર પ્રતિબંધ ચાલુ રખાયો છે.
વાળંદ સમાજે સરકારને અપીલ કરી હતી કે સલૂન બંધ હોવાને કારણે એમના સમાજમાં બેરોજગારીની સમસ્યા ગંભીર બની ગઈ છે. તેથી સરકારે સલૂન્સ ફરી ખોલવાની પરવાનગી આપવી જોઈએ. ત્યારબાદ રાજ્ય સરકારે સમાજને રાહત થાય એવો નિર્ણય લીધો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આપેલા આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 1,42,900 કેસ નોંધાઈ ચૂક્યા છે અને 6,739 જણના મરણ થઈ ચૂક્યા છે.
પરિવહન ખાતાના પ્રધાન અનિલ પરબે કહ્યું છે કે જે વાળંદ નિયમોનું ઉલ્લંઘન કરશે એની સામે કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈઃ ગઈ 14 જૂને મુંબઈમાં પોતાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવેલા યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અભિનીત આખરી હિન્દી ફિલ્મ ‘દિલ બેચારા’ને 24 જુલાઈએ ડિઝની પ્લસ – હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ હોલિવૂડની ફિલ્મ ‘ધ ફોલ્ટ ઘ ઓવર સ્ટાર્સ’ની રીમેક છે.
કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાને કારણે હાલ દેશભરમાં થિયેટરો બંધ છે તેથી ‘દિલ બેચારા’ને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
આ ફિલ્મમાં સુશાંત ઉપરાંત સંજના સાંઘી અને સૈફ અલી ખાન, મિલિંદ ગુનાજી અને જાવેદ જાફરીની પણ ભૂમિકા છે. સંજનાની આ પહેલી જ હિન્દી ફિલ્મ છે. એવી જ રીતે, દિગ્દર્શક તરીકે મુકેશ છાબરાની પણ આ પહેલી જ ફિલ્મ છે.
‘દિલ બેચારા’ની ડિજિટલ રિલીઝની જાહેરાત સંજના સાંઘીએ સોશિયલ મિડિયા પર કરી છે. એણે લખ્યું છેઃ ‘પ્રેમ, આશા અને અનંત યાદોંની વાર્તા. અમારા સૌથી પ્રિય અને દિવંગત સુશાંત સિંહ રાજપૂતની યાદમાં.’
સંજનાએ એમ પણ કહ્યું છે કે ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટારના ધારકો તેમજ બિન-ધારકો માટે ઉપલબ્ધ થશે.
કોરોનાને કારણે થિયેટરોમાં રિલીઝ ન થઈ શકનાર ‘દિલ બેચારા’ ત્રીજી બોલીવૂડ ફિલ્મ હશે. આ પહેલાં અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના અભિનીત ‘ગુલાબો સિતાબો’ એમેઝોન પ્રાઈમ વિડિયો પર રિલીઝ કરાઈ હતી જ્યારે જાન્વી કપૂર અભિનીત ‘ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’ને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવનાર છે.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઇરસના કેસોમાં ખૂબ વધારો થવાને કારણે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે CBSEએ 10મા અને 12 ધોરણોની 1થી 15 જુલાઈની વચ્ચે નિર્ધારિત પરીક્ષાઓને રદ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને સરકારના નિર્ણયની જાણકારી આપી હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને નવું નોટિફિકેશન જારી કરવાનો આદેશ આપ્યો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે ફરીથી સુનાવણી થશે. આ સુનાવણીના મુખ્ય બે મુદ્દાઓ હશે, એક કે રિઝલ્ટ ક્યારે આવશે અને નવું સેશન ક્યારે શરૂ થશે અને બીજો મુદ્દો કે રાજ્યોની બોર્ડ પરીક્ષાઓનું શું થશે. CBSE બોર્ડની પરીક્ષાઓ 1 જુલાઈથી 15 જુલાઈ સુધી થવાની હતી, પણ પરીક્ષાઓ રદ થવાને કારણે વાલીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ત્યાર બાદ કોર્ટે CBSEને પૂછ્યું હતું કે શું પરીક્ષાઓ રદ કરી શકાય? ત્યાર બાદ હવે બોર્ડે પોતાનો જવાબ દાખલ કરતાં કોર્ટને 10 અને 12માની બાકીની પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયની માહિતી આપી હતી. જોકે સ્થિતિ સામાન્ય થવા પર 12ની પરીક્ષાઓ કરાવવામાં આવી શકે છે.
12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે…
છેલ્લી ત્રણ પરીક્ષાને આધારે આકલન કરીને નંબર આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ વર્ષે આયોજિત થયેલી ત્રણ પરીક્ષામાં સારું પ્રદર્શન નથી કરી શક્યા અને ફરી પરીક્ષા આપવા ઇચ્છે છે, તેમની પાસે સ્થિતિ સામાન્ય થવા પર પરીક્ષા આપવાનો વિકલ્પ હશે. જોકે આના માટે કોઈ સમય નક્કી કરવામાં આવ્યો નથી. સ્થિતિને જોતાં નિર્ણય લેવામાં આવશે. આ માર્કિંગ અથવા એસેસમેન્ટ માત્ર નહીં લેવાયેલા પેપર માટે છે, જેની અત્યાર સુધી પરીક્ષા થઈ નથી શકી.
10માના વિદ્યાર્થીઓ માટે…
10માના કોઈ બાકી રહેલા પેપરની પરીક્ષા નહીં થાય.
કેન્દ્ર નોટિફિકેશન જારી કરશે
સરકારે જે સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં નોંધાવ્યું છે, એમાં અનેક વાતોમાં સ્પષ્ટતા નહોતી. જેમાં કોઈ સમય નક્કી નથી કરવામાં આવ્યો કે ક્યારે શું થશે. ક્યારે રિઝલ્ટ આવશે આવશે અને ક્યારે નવાં એડમિશન શરૂ થશે. સોલિસિટર જનરલે એક અંદાજ માંડતાં કહ્યું હતું કે બધી બાબતો અંગે 15 ઓગસ્ટ સુધી સ્પષ્ટતા થઈ જશે અને નવું સેશન સપ્ટેમ્બરમાં શરૂ થશે. આના પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકાર જ્યારે નોટિફિકેશન બજાર પાડે તો એમાં એક ચોક્કસ સમયમર્યાદા પણ જણાવે, જેથી દરેક બાબતમાં સ્પષ્ટતા થાય. આગામી સત્ર સપ્ટેમ્બરથી શરૂ થાય એવી શક્યતા
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે સ્કૂલ અને કોલેજનું આગામી સેશન હવે સપ્ટેમ્બરથી શરૂ થશે. એટલા માટે સરકાર પ્રયાસો કરશે કે 15 ઓગસ્ટથી પહેલાં રિઝલ્ટ આવી જાય.
રાજ્યોના બોર્ડની પરીક્ષાઓનું શું થશે?
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારથી એ પણ પૂછ્યું છે કે રાજ્યની બોર્ડ પરીક્ષાઓનું શું થશે? રાજ્યની સ્કૂલ તો CBSEને આધીન નથી આવતી. સોલિસિટર જનરલે કહ્યું હતું કે તેઓ આના પરની વધુ માહિતી લઈને કોર્ટ સામે ફરીથી રજૂઆત કરશે.
ઓગસ્ટમાં પરિણામો આવવાની આશા
CBSEએ બોર્ડે લોકડાઉન પહેલાં જ પેપરની આન્સરશીટને તપાસવાનું કામ પહેલેથી જ શરૂ કર્યું હતું. હવે બાકીની પરીક્ષા જ રદ કરવામાં આવી છે. હવે એવું માનવામાં આવે છે કે બોર્ડ જુલાઈના અંત સુધીમાં કે ઓગસ્ટમાં રિઝલ્ટ જાહેર કરી દેશે. જોકે પાછલા વર્ષે 12માની પરીક્ષાનાં પરિણામો બીજી મેએ જાહેર કરવામાં આવ્યાં હતાં, જ્યારે 10માની પરીક્ષાનાં પરિણામો છઠ્ઠી મેએ આવ્યાં હતાં.
29 વિષયોની પરીક્ષાઓ થવાની હતી
10મા અને 12માના 29 મૂળ વિષયોની પરીક્ષાઓ એક જુલાઈથી 15 જુલાઈ સુધી લેવાવાની હતી, પણ હવે કોરોના વાઇરસના વધતા કેસોને જોતા પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં એવિએશન ઉદ્યોગ માટેની નિયામક એજન્સી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ ચેતવણી ઉચ્ચારી છે કે કોવિડ-19 રોગચાળાને કારણે હવાઈ યાત્રા દરમ્યાન થનારી હેરાનગતિ અને રોગચાળાના ડરને લીધે યાત્રીઓના દુર્વ્યવહારની ઘટનાઓ વધે એવી શક્યતા છે. DGCAએ આ બાબતને ધ્યાનમાં રાખતાં એક સર્ક્યુલર જારી કરીને વિમાનમાં દુર્વ્યવહાર કરનારા યાત્રીઓથી કેમ વ્યવહાર કરવો એને માટે એરલાઇન્સ કંપનીઓના નવા માપદંડની પ્રક્રિયા નક્કી કરવા અને વિમાનમાંના સ્ટાફને આને અનુરૂપ ટ્રેનિંગ આપવા માટે કહેવામાં આવ્યું છે.
આ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે કેબિન ક્રૂને એ જણાવવું જોઈએ કે કોરોના કાળમાં વિમાનની અંદર તેમણે કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. યાત્રી ફેસ માસ્ક અથવા શિલ્ડ લગાવવાની ના પાડી શકે છે. યાત્રીઓની વચ્ચે તકરાર વધી શકે છે. યાત્રી નવા નિયમો અને વધેલી સ્ક્રિનિંગ, બોર્ડિંગમાં મોડું થવાને લીધે હેરાન થઈ શકે છે. કોવિડ-19ના ડરથી યાત્રીઓ વચ્ચે આપસી તૂતૂમેંમેં વધી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ યાત્રી સુરક્ષાના નિયમોનું પાલન ના કરે ત્યારે અથવા યાત્રીમાં કોવિડ-19 જેવાં લક્ષણો દેખાય.
DGCAએ કહ્યું હતું કે આ બધાં કારણોથી યાત્રીઓ દ્વારા સહયાત્રીઓની સાથે કે વિમાનમાંના સ્ટાફ સાથે ખરાબ વર્તણૂકની ઘટનાઓમાં વધારો થઈ શકે. એણે એરલાઇન્સ કંપનીઓને કહ્યું છે કે કેબિન ક્રૂને વિશેષ ટ્રેનિંગ આપો, જેથી યાત્રી સુરક્ષા સંબંધી દિશા-નિર્દેશોનું પાલન કરે. તેને કોવિડ-19ને ધ્યાનમાં રાખતાં વિમાનની અંદર દુર્વ્યવહાર કરનારા યાત્રીઓની સાન ઠેકાણે લાવવા માટેના માપદંડો પણ નક્કી કરવા કહેવામાં આવ્યું છે.