Home Blog Page 4755

સુશાંતસિંહના નિધન મામલે CBI તપાસ થવી જોઈએઃ શેખર સુમન

મુંબઈઃ અભિનેતા અને નિર્માતા શેખર સુમને કહ્યું છે કે યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મુંબઈમાં નિપજેલા મરણની ઘટનામાં સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માગણી કરવા પોતે એક ફોરમની રચના કરી છે.

સુશાંત સિંહે મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં તેના ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પોલીસનું માનવું છે. ડિપ્રેશનને કારણે એણે આવું અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. પરંતુ અભિનય ક્ષેત્રની અમુક વ્યક્તિઓએ સુશાંતના મૃત્યુ માટે બોલીવૂડમાં સક્રિય મૂવી માફિયાઓને જવાબદાર ગણાવ્યા છે. અભિનેત્રી કંગના રણૌતે સુશાંતના મોતને પ્લાન્ડ મર્ડર તરીકે ઓળખાવ્યું છે.

ટીવી સિરિયલ મહાભારતમાં દ્રૌપદીનો રોલ કરનાર અને પશ્ચિમ બંગાળમાં ભાજપનાં સંસદસભ્ય રૂપા ગાંગુલીએ પણ સુશાંતના મોતના કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવાની માગણી કરી છે.

શેખર સુમને કહ્યું છે કે ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટના ફરી બનતી રોકવા માટે તમામ પ્રયાસો કરવાની જરૂર છે.

શેખરે ટ્વિટર પર લખ્યું છે કે, એક વાત તો સ્પષ્ટ છે કે જો ધારી લઈએ કે સુશાંત સિંહે આત્મહત્યા કરી હતી તો એ જે રીતે પ્રામાણિકપણે જિંદગી જીવતો હતો એ જોતાં એણે પોતાની સુસાઈડ નોટ મૂકી જ હોવી જોઈએ. મારું દિલ કહે છે કે આ કેસમાં ઘણું ધ્યાન આપવાની જરૂર છે. સુશાંત બિહારી હતો અને એ નાતે મારી બિહારી સંવેદના ઉભરી આવી છે, પરંતુ આમ કહીને હું ભારતના અન્ય રાજ્યોના લોકોની સંવેદનાનું સત્ય નકારી કાઢવા માગતો નથી અને સુશાંત જેવી દુર્ઘટના ભવિષ્યમાં ફરી કોઈ યુવા ટેલેન્ટ સાથે બનવી ન જોઈએ.

શેખરે વધુમાં લખ્યું છે કે, મેં એક ફોરમ બનાવ્યું છે – #justiceforSushantforum. આ દ્વારા હું સરકાર પર દબાણ લાવવા માગું છું કે તે સુશાંતના નિધનના કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવે.

સુશાંત સિંહ રાજપૂત ગઈ 14 જૂને તેના ઘરમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો. એના અકાળે મૃત્યુથી તેના ચાહકો અને બોલીવૂડની હસ્તીઓમાં આઘાત અને દુઃખની લાગણી ફરી વળી છે.

રૂપા ગાંગુલીની પણ સીબીઆઈ તપાસની માગણી

દરમિયાન, મહાભારત ટીવી સિરિયલમાં દ્રૌપદીનો રોલ કરનાર રૂપા ગાંગુલીએ પણ સુશાંતના મોતમાં સીબીઆઈ તપાસની માગણી કરી છે. એક ટ્વીટમાં એમણે સવાલ કર્યો છે કે શું તપાસ ઉતાવળે કરવામાં આવી હતી? ફોરેન્સિક ટીમ દુર્ઘટનાના છેક બીજા દિવસે, એટલે કે 15 જૂને સા માટે પહોંચી હતી?

કોરોનાના સંક્રમિતોની સંખ્યા 4.50 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 15,968 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધી એક દિવસમાં આવેલા કેસોમાં સૌથી વધુ છે. પાછલા 24 કલાકમાં 465 લોકોનાં મોત થયાં છે. દેશમાં છેલ્લા 13 દિવસથી નવા કોરોના વાઇરસના કેસ 10,000થી વધુ આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,56,183 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 14,476 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,58,685 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,83,022એ પહોંચી છે. રિકવરી રેટ 56.70 ટકાએ પહોંચ્યો છે.  

દિલ્હીમાં કોરોનાના આશરે 4000 નવા કેસ

દિલ્હીમાં કોરોનાના પાછલા 24 કલાકમાં 4000 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આશરે 67,000 થઈ ગઈ છે, જેમાંથી 6170 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોનાથી 93 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,79,805 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 93,53,735એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RBI સમિતિએ ATM ઉપાડને રૂ. 5000 સુધી મર્યાદિત રાખવાની ભલામણ કરી

નવી દિલ્હીઃ તમે જો રોકડ ઉપાડવા માટે ATMનો ઉપયોગ વારંવાર કરો છો તો તમારા માટે માઠા સમાચાર છે, કેમ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રચાયેલી સમિતિએ દેશભરમાં ઓટોમેટેડ ટેલર મશીન્સ (ATM)  પર કરવામાં આવતા તમામ વ્યવહારો માટે ઇન્ટર-ચેન્જ ચાર્જિસ વધારવાની ભલામણ કરી છે, એમ મનીલાઇફના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ સમિતિએ ઉપાડની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન્સ રૂ. 5000 સુધી મર્યાદિત રાખવાની છે અને જોકોઈ વ્યક્તિ એના કરતાં વધુ મોટી રકમ ઉપાડવા માગતી હોય તો એના પર ચાર્જ વસૂલવાની ભલામણ કરી છે.

RTI  હેઠળ અરજી

મનીલાઇફ અનુસાર સમિતિનો અહેવાલ સાર્વજનિક નથી, પણ શ્રીકાંત એલ નામના હૈદરાબાદ સ્થિત એક ટેક્નોલોજી નિષ્ણાત દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન (RTI)  હેઠળ રિપોર્ટ આપવા માટે અરજી કરવામાં આવી હતી.

સમિતિએ ભલામણો કરી

પાછલા વર્ષે નિયુક્ત કરવામાં આવેલી સમિતિએ ATM ઇન્ટર ચેન્જ ફીના માળખાની સમીક્ષા કરી હતી અને મધ્યસ્થ બેન્કને એની ભલામણો મોકલી આપી હતી, જોકે એ જાણવા નથી મળ્યું કે રિઝર્વ બેન્કે એ ભલામણોનો સ્વીકાર કર્યો છે કે નહીં.

ATM પર નાણાકીય વ્યવહારો પર ચાર્જીસ

અહેવાલ મુજબ સમિતિએ એક લાખ અને એનાથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં ATMમાં નાણાકીય વ્યવહારો પર 16 ટકા અથવા રૂ. બેથી રૂ. 17નો ચાર્જ વસૂલવાની ભલામણ કરી છે અને બિનનાણાકીય વ્યવવહારો પર રૂ. પાંચથી વધારીને રૂ. સાતનો ચાર્જ વસૂલવા ભલામણ કરી છે.

10 લાખથી ઓછી વસતિ ધરાવતાં કેન્દ્રો (નગરો)માં ATMના ઉપયોગ પર 24 ટકા ચાર્જ વસૂલવાની ભલામણ કરી છે. બેન્કની બ્રાન્ચમાંથી થતી લેવડદેવડના વ્યવહારોની તુલનામાં ATMના ખર્ચ વધુ થાય છે, એવું સમિતિનું અવલોકન છે.

લોકો ATMની સુવિધા વધુ ઉપયોગ કરે છે

દરેક જગ્યાએઓ ATMની સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે  પ્રતિ ગ્રાહક ATMથી ઉપાડની લેવડદેવડની સંખ્યા બેન્કની બ્રાન્ચમાંથી થકી રોકડ ઉપાડની તુલનામાં ઘણી વધુ છે. એટલે શાખાની લેવડદેવડની સાથે ATMની લેવડદેવડના ખર્ચની તુલના યોગ્ય નથી, એમ અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

 

 

 

 

શંકરસિંહ બાપુએ પવારનો સાથ છોડયોઃ હવે શું કરશે?

રાજ્યસભાની ચૂંટણી, રથયાત્રા અને કોરોનાના સમાચારોની ભીડમાં ગુજરાતના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાના નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપવાના સમાચાર દબાઇ ગયા છે એટલે રાજકીય વર્તુળોમાં એની બહુ ચર્ચા પણ થઇ નથી. અન્યથા, એક સમયે ગુજરાતના રાજકારણને ટનાટન જેવો ટનાટન શબ્દ બક્ષનાર બાપુ બોલે અને વમળો ન સર્જાય એવું બને નહીં.

બાપુનું આ રાજીનામું કેવાક વમળો સર્જી શકે છે એ અત્યારથી કહેવું મુશ્કેલ છે, પણ એમના આ રાજીનામાની ઘટનાને સાવ જ નજરઅંદાજ કરી શકાય એમ નથી એટલું તો ચોક્કસ. ગુજરાતમાં ભાજપનો પાયો નાખનાર શંકરસિંહ વાઘેલાએ 1996 માં ભાજપ સાથે છેડો ફાડયા પછી અનેક રાજકીય વેશપલટા કર્યા છે. ભાજપથી છૂટા પડયા પછી રાષ્ટ્રીય જનતા પાર્ટી-રાજપા પક્ષની રચના કરી અને ટનાટન સરકાર પણ બનાવી. રાજપાને પાછળથી કોંગ્રેસમાં ભેળવીને 2002 ની ગુજરાતના ઇતિહાસની સૌથી વઘુ ગવાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પણ પ્રદેશ પ્રમુખ તરીકે કોંગ્રેસનું નેતૃત્વ કર્યું. કોંગ્રેસમાં રહીને પણ પોતાનું શક્તિ દળ અલગથી બનાવ્યું અને એ રીતે પોતાની રાજકીય તાકાતની ધાર કાઢતા રહેવાનો પ્રયત્ન કરતા રહયા.

રાજપાની ટૂંકાગાળાની સરકારના મુખ્યમંત્રી તો બન્યા જ, કોંગ્રેસમાં રહીને કેન્દ્રમાં મંત્રીપદે અને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પણ રહયા. 2017 ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ (અહેમદ પટેલની બહુ ગાજેલી રાજ્યસભાની ચૂંટણી વખતે) કોંગ્રેસથી છેડો ફાડીને પોતાની નવી રાજકીય ધરી બનાવી, પણ ચૂંટણીમાં ન ફાવ્યા. 2019 ની શરૂઆતમાં બાપુ શરદ પવારની નેશનલિસ્ટ પાર્ટીમાં જોડાયા ત્યારે બધાને એવું હતું કે, બાપુ હવે આ પક્ષને ગુજરાતમાં જમાવશે, પણ દોઢ જ વર્ષમાં બાપુએ શરદ પવારને ટાટા બાય બાય કરી દીધું છે.

એનસીપી છોડ્યાની સત્તાવાર જાહેરાત કર્યા પછી શંકરસિંહ વાઘેલા ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે, હમણાં તો લોકોની વચ્ચે જઇને કામ કરીશું. લોકોનો મત જાણીશું અને એ પછી લોકો જે કહે એ પ્રમાણે આગળ વધીશું. ટૂંકમાં, લોકોની વચ્ચે જવાની વાત કહીને બાપુએ સાફ કરી દીધું છે કે એ મેદાન છોડીને જઇ રહયા નથી. એમનો પ્રજાશક્તિ નામનો આ નવો મોરચો હજુ પણ મેદાનમાં રહેવાનો છે જ.

અમુક રાજકીય નિરિક્ષકો માને છે કે બાપુનું રાજકારણ સમાપ્ત થઇ ચૂક્યું છે. બાપુ હવે આ બધું કરીને રાજકારણમાં ટકી રહેવા હવાતિયાં મારે છે. આટલા બધા પક્ષ બદલ્યા પછી બાપુ માટે હવે રાજકારણમાં કોઇ જગ્યા નથી વગેરે વગેરે. પરંતુ શંકરસિંહ વાઘેલાને ઓળખવા માટે એમના રાજકારણને નજીકથી સમજવું પડે. જે વાત સામાન્ય માણસને સમજાય એ વાત બાપુ જેવા જમાનાના ખાધેલ રાજકારણીને ન સમજાય એ વાતમાં માલ નહીં. આટલા બધા પક્ષ બદલ્યા પછી ય આજે બાપુ શું કરશે એના પર ભાજપ અને કોંગ્રેસની નજર હોય છે એ વાત પૂરવાર કરે છે કે, બાપુ જે કાંઇ કરે છે કે પછી કરશે એમાં ભાજપ કે કોંગ્રેસને રાજકીય નફા-નુકસાન હોવાનું જ.

 

એ વાત કબૂલ કે, શંકરસિંહ વાઘેલા જે લોકપ્રિયતા ભાજપમાં હતા ત્યારે કે ભાજપ છોડયું ત્યારે ભોગવતા હતા એટલી આજે નથી ભોગવતા. બાપુની જે માસ અપીલ પહેલા હતી એવી આજે નથી, આમ છતાં ભાજપ કે કોંગ્રેસનો કોઇ નેતા પક્ષના બેનર વિના એકલા હાથે જે ન કરી શકે એ બધું બાપુ એકલા હાથે કરી શકે છે. એક જ ઉદાહરણ કાફી છેઃ લોકડાઉન-કોરોનાના આ સમયગાળામાં અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ થવામાં, 104 નંબર પર ફોન કરીને સારવાર મેળવવામાં કે બીજી સરકારી મદદ મેળવવામાં અનેક પ્રકારની મુશ્કેલી પડી હોવાની બાબતો સામે આવી.

લોકો ટ્વિટર અને ફેસબુક જેવા માધ્યમો પર ખુલ્લેઆમ પોતાની હાલાકી મૂકતા અને આમ છતાં સરકારી અધિકારીઓના પેટનું પાણી ય નહોતું હલતું. આવા સંજાગોમાં બાપુએ ટ્વિટર પર લોકોની ફરિયાદ સાંભળીને ખુદ હોસ્પિટલોમાં કે સંબંધિત તંત્ર-અધિકારીને ફોન કરીને મદદ કરવાનું ચાલુ કર્યું. એમના ટ્વિટર હેન્ડલ પર ફરિયાદોનો ધોધ વછૂટ્યો. બાપુ રાતોરાત ટ્વિટર છવાઇ ગયા. જે કામ ભાજપ કે કોંગ્રેસના નેતાઓએ કરવાની જરૂર હતી એ કામ એમણે શરૂ કર્યું. માન્યું કે એમાં રાજકારણ હોય તો પણ, એ કરતાં અને રમતાં બાપુને આવડયું, ભાજપ-કોંગ્રેસના નેતાઓને નહીં.

સવાલ એ છે કે બાપુ હવે શું કરશે? દેખીતી રીતે જ ત્રીજા મોરચાના દોઢ નિષ્ફળ (એક રાજપા વખતે અને બીજો અડધો 2017 ની વિધાનસભા ચૂંટણી વખતે) પ્રયોગ બાપુ પોતે જ કરી ચૂક્યા છે. કેટલાક લોકો કહે છે કે બાપુ એમના દીકરા મહેન્દ્રસિંહને હવે ભાજપમાં પુનઃ સેટ કરવા માગે છે, પણ આવી જ વાત બાપુએ 2017 માં કોંગ્રેસ છોડી ત્યારે પણ કહેવાતી હતી. એ કોંગ્રેસમાં હતા ત્યારે પણ મહેન્દ્રસિંહ કોંગ્રેસમાં ધારાસભ્ય તો હતા જ એટલે ફક્ત એટલા માટે બાપુ ફરીથી આખેઆખો ત્રીજો મોરચો ખોલે એ વાત હજુ અનેકને ગળે ઉતરતી નથી. બાપુ પર એ ક્યારેક ભાજપની બી ટીમ હોવાના આક્ષેપો પણ થયા કરે છે. જો કે, પોતે આ જીવનમાં ક્યારેય ભાજપમાં નહીં જોડાય એવું બાપુ ડંકાની ચોટ પર કહી ચૂક્યા છે.

હકીકત એ છે કે આ સંજોગોમાં બાપુ કઇ રાજકીય ગણતરીઓ માંડી રહયા છે એ કહી શકાય એમ નથી. શંકરસિંહ વાઘેલા આગામી સમયમાં શું કરે છે કે શું કરી શકે છે એ તો સમય જ બતાવશે, પણ એ જે કાંઇ કરશે એના પર બધાની નજર ચોક્કસ હશે. અને બાપુ, એ અર્થમાં બાહોશ રાજકારણી પૂરવાર થયા છે. આટલાં વર્ષો પછી પણ, રાજકીય કારકિર્દીના આ પડાવે પણ ન્યૂઝમા રહેતા એમને આવડે છે.

(કેતન ત્રિવેદી)

પંચાંગ: 24/06/2020

રાશિ ભવિષ્ય 24/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે   નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગ ક્ષેત્રમાં જુના અટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં  જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે,  વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે  પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

જગન્નાથ પુરી રથયાત્રાનો મુસ્લિમ ભક્ત આફતાબ…

કોરોનાના કહેર વચ્ચે હા ના કરતા છેવટે જગન્નાથ પુરીની ઐતિહાસિક રથયાત્રા યોજાઈ ગઈ. સુપ્રીમ કોર્ટે મૂકેલી શરતો સાથે રથયાત્રા યોજાઈ એમાં એક મુસ્લિમનું નામ ચર્ચામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટને રથયાત્રાની પરવાનગી આપવા માટે અને નિર્ણયની ફેરવિચારણા માટે આમ તો અનેક લોકોએ અરજી કરી હતી પરંતુ સૌથી વધારે ચર્ચા જગન્નાથના મુસલમાન ભક્ત આફતાબ હુસૈનની થઈ રહી છે.

આફતાબ હુસૈને સુપ્રીમ કોર્ટમાં બે પીટિશન દાખલ કરી હતી અને સર્વોચ્ચ અદાલતને સદીઓ જૂની પરંપરા બંધ ન કરવા માટે વિનંતી કરી હતી. આફતાબ હુસૈનનો ધર્મ તો મુસ્લિમ છે પણ તે ભગવાન જગન્નાથમાં ઊંડી આસ્થા ધરાવે છે. એક મુસ્લિમ યુવક ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવા માટે સુપ્રીમ સુધી પહોંચે આવી ઘટના તો માત્ર ભારત જેવા દેશમાં જ જોવા મળી શકે છે.

આફતાબ હુસૈન 19 વર્ષના છે અને નયાગઢની ઑટોનોમસ કૉલેજમાં ઇકોનૉમિક્સમાં ગ્રેજ્યુએશન કરે છે. એમના માતા રશીદા બેગમ, પિતા ઇમદાદ હુસૈન અને નાના ભાઈ અનમોલ સાથે તેઓ ઇટામાટી નામના ગામમાં રહે છે. આફતાબ હુસૈનના નાના(તેમની માતાના પિતા) મુલતાબ ખાન રામાયણ અને અન્ય હિંદુ ધર્મગ્રંથોના જાણકાર હતા અને તેની ચર્ચા કરતા હતા. એમણે એમના નાના મુલતાબ ખાને એક મંદિરની પ્રતિષ્ઠા પણ કરાવી હતી.

આફતાબના ઘરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની પૂજા પણ થાય છે. આફતાબ જગન્નાથ સંસ્કૃતિ સાથે સંબંધિત અનેક પુસ્તકોનો અભ્યાસ કરી ચૂક્યા છે. ઈસ્લામમાં આમ તો મૂર્તિ પૂજા નથી થતી પણ જેના દિલમાં જ કાબા અને કાશી હોય તે તેમના નિયમો જાતે જ નક્કી કરે છે.

આફતાબ કહે છે કે હું મુસલમાન હોવા પહેલા હું એક ઉડિયા (ઓડિશા રાજ્યનો) છું હિંદુ દેવતાઓની પૂજાને લઈને એમને કે એમના પરિવારને મુસ્લિમ સમુદાય તરફથી કદી કોઈ વિરોધ નથી વેઠવો પડ્યો. ભગવાન જગન્નાથ ઓડિશાના ગણ દેવતા છે એટલા માટે તેમને જગન્નાથની પૂજા કરવામાં કંઈ છોછ નથી અનુભવતો. આફતાબ કદી જગન્નાથ મંદિર નથી ગયો કારણ કે તેમના ધર્મમાં તેની મંજૂરી નથી. તેથી તે તેમના ઘરે જ હંમેશા જગન્નાથની પૂજા કરે છે.

મુંબઈના મલાડમાં 70 કોરોના દર્દીઓ ગાયબ થતાં સનસનાટી

મુંબઈઃ અહીંના મલાડ ઉપનગરમાંથી કોરોના વાઈરસના 70 દર્દીઓ ગાયબ થઈ ગયાના સમાચાર વહેતા થતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને વહીવટીતંત્રને દોડધામ થઈ ગઈ છે.

મુંબઈમાં કોરોનાના દર્દીઓની સંખ્યા રોજ વધી રહી છે તેની એક તરફ ચિંતા ત્યાં 70 દર્દીઓ લાપતા થયા હોવાના અહેવાલે મુંબઈ મહાનગરપાલિકા માટે નવી મુસીબત ઊભી કરી છે.

ગાયબ થઈ ગયેલા 70 દર્દીઓને શોધી કાઢવાનો મ્યુનિસિપલ અધિકારીઓ સમક્ષ એક નવો પડકાર છે. આ તમામ દર્દીઓ કોરોના પોઝિટીવ હતા. તેઓ મુંબઈના P વોર્ડમાંથી ગાયબ થયા છે. આ વોર્ડમાં મલાડના અનેક વિસ્તારો આવે છે.

મલાડ ઉપનગર કોરોનાવાઈરસ માટે નવો સ્પોટ જાહેર કરાયું છે. ગાયબ દર્દીઓને શોધી કાઢવા માટે મ્યુનિસિપલ તંત્રએ પોલીસની મદદ માગી છે.

મહાનગરપાલિકાના અધિકારીઓએ આ દર્દીઓના ટેલીફોન નંબર, રહેઠાણનું સરનામું, આધાર કાર્ડ નંબર જેવી વિગતો પોલીસને સુપરત કરી છે.

આ દર્દીઓ જો એક વાર મળી જાય તો એમને ફરી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

મલાડના MLA કેબિનેટ પ્રધાને કબૂલ કર્યું

સત્તાવાળાઓ એ દર્દીઓના ફોનના IMEI નંબરો પરથી એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ ગુનાની તપાસ વખતે પોલીસો આ જ ટેકનિક ઉપયોગમાં લેતા હોય છે. આ પ્રક્રિયામાં અમુક દિવસો લાગી શકે છે.

એવી પણ શંકા છે કે આમાંના અમુક દર્દીઓ કદાચ શહેર છોડીને ચાલ્યા ગયા હશે. કેટલાકે એમના ફોન સ્વિચ-ઓફ્ફ કરી દીધા હશે. એવી પણ શક્યતા છે કે અમુક દર્દીઓ સ્વાસ્થ્યને કારણે મૃત્યુ પણ પામ્યા હોય.

દરમિયાન, મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન અને ગાર્ડિયન (પાલક) પ્રધાન અસલમ શેખે 70 કોરોના દર્દીઓ લાપતા થયાની વાતને કબૂલ કરી છે. એમણે કહ્યું કે અમે કેટલાક દર્દીઓને શોધી શક્યા નથી. કદાચ એવું બને કે એ દર્દીઓના ફોન નંબર નોંધવામાં કે એમના સરનામા નોંધવામાં કોઈક ભૂલ રહી ગઈ હોય. એવું પણ બની શકે કે એમાંના કેટલાક માઈગ્રન્ટ કામદારો હશે જેઓ સારવાર લીધા બાદ જતા રહ્યા હશે.
અસલમ શેખ કોંગ્રેસના નેતા છે અને મલાડ (વેસ્ટ)ના વિધાનસભ્ય છે.

અમેરિકાએ ભારતની ચાર્ટર્ડ ફ્લાઈટ્સને એન્ટ્રી આપવાનો ઈનકાર કર્યો

વોશિંગ્ટનઃ H-1B વિઝા સહિત અન્ય વર્ક વિઝા સસ્પેન્ડ કર્યા બાદ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે ભારતીયોને વધુ એક ઝટકો આપ્યો છે. અમેરિકાએ ભારતના વિશેષ વિમાનોને અમેરિકામાં એન્ટ્રી આપવાની ના પાડી દીધી છે. અમેરિકાએ ભારત પર એવિએશન કરારની આડમાં ગેરકાયદે અને ભેદભાવપૂર્ણ નીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

મહત્વનું છે કે, કોરોનાને કારણે ભારતે ઈન્ટરનેશનલ ફ્લાઇટ સેવા શરૂ કરી નથી પરંતુ ‘વંદે ભારત મિશન’ અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને એર ઈન્ડિયાના વિમાનો દ્વારા પરત લાવવામાં આવી રહ્યા છે. અમેરિકાના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ, એક તરફ એર ઈન્ડિયા ભારતીયોને સ્વદેશ લઈ જવામાં માટે ઉડાન ભરી રહ્યું છે તો બીજી તરફ એર ઈન્ડિયા ટિકિટનું પણ વેચાણ કરી રહ્યું છે.

એવિએશન કાયદાના ઉલ્લંઘનનો આરોપ લગાવતા એજ સમયે અમેરિકન વિમાનોની પણ ભારત માટે ઉડાન રદ્દ કરી દેવામાં આવી છે. અમેરિકાના પરિવહન વિભાગે આરોપ લગાવ્યો છે કે, એર ઈન્ડિયા આ કાર્યક્રમનો પ્રચાર કરી રહ્યું છે. વિભાગે જણાવ્યું કે આ આદેશ 30 દિવસમાં લાગુ થઈ જશે.

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટના કહેવા મુજબ ભારતીય એરલાઇન્સ એર ઈન્ડિયાએ ઉડાન ભર્યા પહેલા સત્તાવાર રીતે પરિવહન વિભાગમાં જાણ કરવી જોઈએ, જેથી કરીને તેમના પર નજર રાખવી સરળ બની રહે.

ખુશખબરઃ મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં જ શરૂ થશે સલૂન, બ્યુટી પાર્લર્સ

મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે લોકડાઉન લાગુ કરાયું છે ત્યારથી બંધ થયેલા હેર કટિંગ સલૂન્સ, બ્યુટી પાર્લર્સ હવે ટૂંક સમયમાં જ ફરી શરૂ થશે.

હેર કટિંગ સલૂન્સ અને બ્યુટી પાર્લર્સના માલિકોએ સરકારને અપીલ કરી છે કે લોકડાઉનને લીધે વાળંદ સમાજમાં બેરોજગારીની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. આ સંદર્ભમાં એમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા પણ કરી છે.

રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ હેર કટિંગ સલૂન્સ અને બ્યુટી પાર્લર્સને ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવાની છે, એમ રાજ્યના ઓબીસી કલ્યાણ, ભૂકંપ, મદદ અને પુનર્વસન ખાતાના પ્રધાન વિજય વડેટ્ટીવારે જણાવ્યું છે.

પત્રકાર પરિષદમાં, વડેવટ્ટીવારે કહ્યું કે બેરોજગારીની સમસ્યાનો અંત લાવવા માટે રાજ્યભરમાં હેર કટિંગ સલૂન્સ અને બ્યુટી પાર્લર્સ ફરી શરૂ કરવા સરકાર વિચારી રહી છે. સરકાર આવતા અઠવાડિયે જ આ વિશે નિર્ણય લેશે. પરંતુ, સલૂન શરૂ કર્યા બાદ સામાજિક અંતર તથા આરોગ્યને લગતા અન્ય નિયમોનું કડક રીતે પાલન કરવાનું રહેશે.