Home Blog Page 4760

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાં ભાજપને 3; કોંગ્રેસને 1 સીટ મળી

અમદાવાદઃ રાજ્યસભાની ગુજરાતમાંની 4 બેઠક માટે આજે મતદાન થયા બાદ મોડી રાતે પરિણામની જાહેરાત થઈ. અપેક્ષા મુજબ જ, ભાજપે ઊભા રાખેલા ત્રણેય ઉમેદવારોનો વિજય થયો છે.

અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમિનનો વિજય થયો છે.

કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલ વિજયી થયા છે જ્યારે ભરતસિંહ સોલંકીને હારનો સામનો કરવો પડ્યો છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં આજે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજે ચાર વાગ્યા સુધી ચાલ્યું હતું.

શક્તિસિંહ ગોહિલ

ગુજરાતમાં આ ચૂંટણી માટે મત આપવા માટે 172 વિધાનસભ્યો પાત્ર ઠર્યા હતા. એમાંના 170 જણે વોટ આપ્યો હતો. જ્યારે ભારતીય ટ્રાઈબલ પાર્ટી (બીટીપી)ના બે વિધાનસભ્ય મતદાન પ્રક્રિયાથી દૂર રહ્યા હતા. એમણે એવી માગણી કરી હતી કે આદિવાસીઓ, માઈગ્રન્ટ મજૂરો તથા દલિત લોકોની સુખાકારી માટે એમને લેખિતમાં ખાતરી આપવામાં આવે.

ભરતસિંહ સોલંકી – પરાજિત

બીટીપીના બંને ધારાસભ્યોના મત ન પડતા ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત નક્કી થઈ ગઈ હતી.

ગુજરાત સહિત 8 રાજ્યોમાં રાજ્યસભાની કુલ 19 બેઠકો માટે આજે મતદાન થયું હતું.

મધ્ય પ્રદેશમાં ભાજપે 2 અને કોંગ્રેસે 1 સીટ જીતી છે.

મિઝોરમમાં એકમાત્ર સીટ MNF પાર્ટીને ફાળે ગઈ છે.

મેઘાલયમાં એકમાત્ર સીટ NPP પાર્ટીને મળી છે.

મણીપુરમાં પણ એકમાત્ર સીટ પર ભાજપના ઉમેદવાર વિજયી થયા છે.

ઝારખંડમાં બે સીટ માટે મતદાન થયું હતું, જેમાં ભાજપ અને ઝારખંડ મુક્તિ મોરચાએ 1-1 સીટ જીતી છે.

આંધ્ર પ્રદેશમાં ચારેય બેઠક પર શાસક YSRCP પાર્ટીએ કબજો જમાવ્યો છે.

રાજસ્થાનમાં, 3 સીટમાંથી કોંગ્રેસે બે અને ભાજપે એક સીટ પર જીત મેળવી છે.

આજે આ આઠેય રાજ્યોના વિધાનભવનમાં સવારે મતદાન શરૂ થયું ત્યારે મતદાર વિધાનસભ્યોને કોરોના વાઈરસ બીમારીનો ફેલાવો થયો હોવાને કારણે થર્મલ સ્ક્રીનિંગ કરાયા બાદ જ ભવનમાં પ્રવેશવા દેવામાં આવ્યા હતા.

રાજ્યસભામાં કુલ 245 સીટ હોય છે. એમાંથી 233 સીટ માટેના ઉમેદવારોને રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વિધાનમંડળો ઓપન બેલટ પદ્ધતિ દ્વારા ચૂંટે છે. બાકીના 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. આ માટે એવી વ્યક્તિઓને પસંદ કરાય છે જેમણે કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજસેવાના ક્ષેત્રોમાં ઉલ્લેખનીય પ્રદાન કર્યું હોય.

ચીનના બહિષ્કારની માંગ વચ્ચે માઈક્રોમેક્સ ધમાકેદાર કમબેકની તૈયારીમાં

નવી દિલ્હીઃ લદાખ સરહદે ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારતના સૈનિકો શહીદ થયા એના વિરોધમાં ચીની ઉત્પાદનોના બહિષ્કારની માંગ દેશમાં દિવસે દિવસે ઉગ્ર બનતી જાય છે. આ તકનો લાભ ઉઠાવવા ભારતીય સ્માર્ટફોન મેકર કંપની માઈક્રોમેક્સ ધમાકેદાર કમબેક કરવાની તૈયારીમાં છે. એક રિપોર્ટ મુજબ, કંપની ત્રણ અલગ-અલગ રેન્જમાં સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. માઈક્રોમેક્સના આ ત્રણ ફોનમાંથી એક બજેટ સ્માર્ટફોન હશે, જે પ્રીમિયમ ફીચર્સ અને મોડર્ન લૂક સાથે આવશે.

જોકે હાલ માઈક્રોમેક્સ તરફથી તો કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના સંકેત આપી દીધા છે. હકીકતમાં એવું છે કે, હાલમાં જ એક યુઝરે ટ્વીટ કરીને માઈક્રોમેક્સને પૂછી લીધું કે કંપની ક્યારે પાછી આવી રહી છે. તેના જવાબમાં માઈક્રોમેક્સે રિપ્લાય આપ્યો, ‘તૈયાર થઈ જાઓ, અમે જલ્દી જ કંઈક મોટું લઈને આવી રહ્યા છીએ.’

‘ગેજેટ 360’ના રિપોર્ટ મુજબ, માઈક્રોમેક્સ આ નવા સ્માર્ટફોનને આગામી મહિનાના અંત સુધીમાં લાવી શકે છે. કંપની આ ફોન 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં લોન્ચ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત પ્રીમિયમ ફીચર્સવાળા એક નવા સ્માર્ટફોન પર પણ કંપની કામ કરી રહી છે. કંપનીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આ ફોન બજેટ ફ્રેન્ડલી અને મોડર્ન લૂકવાળો હશે.

મહત્વનું છે કે કંપનીએ પોતાનો છેલ્લો સ્માર્ટફોન ગયા વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કર્યો હતો. માઈક્રોમેક્સ iOne Note સ્માર્ટફોન હતો, જેની કિંમત 8,199 રૂપિયા હતી. માઈક્રોમેક્સ એક સમયે ભારતની નંબર 1 સ્માર્ટફોન કંપની હતી. વર્ષ 2014ના ત્રીજા ક્વોર્ટરમાં તો કંપની દુનિયાની ટોપ 10 સૌથી મોટી સ્માર્ટફોન કંપનીમાં સામેલ હતી.

એક જ પરિવારના છ સભ્યોની આત્મહત્યાઃ અમદાવાદમાં અરેરાટી

અમદાવાદઃ શહેરના એક ફ્લેટમાંથી પોલીસને એક જ પરિવારના છ જણના મૃતદેહ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. વટવાના વિંઝોલ વિસ્તારમાં આવેલી પ્રયોસા રેસિડન્સીમાં બે સગા ભાઈ તથા તેમના ચાર બાળકોનાં તેમનાં જૂના મકાનમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે આને સામૂહિક આત્મહત્યાનો કેસ ગણાવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ ફ્લેટમાં આત્મહત્યા કરનારાઓમાં ચાર બાળકો છે. આ મૃત બાળકોની ઉંમર સાતથી 12 વર્ષની વચ્ચેની છે. આ ઉપરાંત પોલીસને બે ભાઈઓનાં મૃતદેહ પણ મળ્યાં છે, જેમની ઉંમર અનુક્રમે 40 અને 42 વર્ષની છે. બંને ભાઈઓએ બાળકોની સાથે શા માટે આત્મહત્યા કરી એની પોલીસને હજી પૂરી જાણકારી નથી મળી.

વટવામાં પરિવાર રહેતો હતો

મૂળ વટવામાં રહેતા ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ- બેઉ સગા ભાઈ હતા. બંને ભાઈ તથા તેમના ચાર બાળકોનાં મૃતદેહ તેમનાં જૂના મકાનમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતા, એમ વટવા GIDC પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી.આર. ગોહિલે જણાવ્યું હતું. અમરીશ અને ગૌરાંગ અમદાવાદના જ અલગ-અલગ વિસ્તારમાં રહેતા હતા. પ્રાથમિક તપાસમાં આ તમામે આત્મહત્યા કરી હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. પોલીસે તમામના મૃતદેહો વી.એસ. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

પોલીસે ફ્લેટનો દરવાજો તોડ્યો

અમરીશ અને ગૌરાંગ 17 જૂને પોતપોતાનાં બાળકો સાથે ઘરેથી એમ કહીને નીકળ્યા હતા કે તેઓ ફરવા જઈ રહ્યા છે, પરંતુ ઘેરથી નીકળ્યા પછી તેઓ ગુરુવાર રાત સુધી ઘરે પરત ના ફરતાં તેમની પત્નીઓ જૂના ફ્લેટ પર પહોંચી હતી. ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હતો અને ખાસ્સી વાર થયા છતાં દરવાજો ન ખોલાતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે જ્યારે ઘરનો દરવાજો તોડ્યો ત્યારે ડ્રોઇંગ રૂમમાં બંને ભાઈઓના મૃતદેહ મળ્યા હતા.

રસોડામાંથી મળ્યા બાળકોનાં શબ

તે ઉપરાંત પોલીસને રસોડામાંથી બે બાળકો કીર્તિ (9) અને સાન્વી (7)નાં મૃતદેહ મળ્યાં હતાં, જ્યારે એક અન્ય રૂમમાંથી મયૂર (12) અને ધ્રુવ (12)નાં મૃતદેહ પંખે લટકતાં મળ્યાં હતાં. પોલીસે કહ્યું હતું કે બધાં મૃતદેહ ઘરના સીલિંગ પંખા પર લટકતી હાલતમાં મળ્યાં હતાં. પોલીસ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

આત્મહત્યા કરનારના નામ આ મુજબ છેઃ 1. અમરીશ રમેશચંદ્ર પટેલ-૪૨, 2. ગૌરાંગ રમેશચંદ્ર પટેલ-40, 3. મયુર અમરીશભાઈ પટેલ-12, 4. ધ્રુવ ગૌરાંગભાઈ પટેલ- ૧૨, 5. કીર્તિ અમરીશભાઈ પટેલ-૯, 6. સાન્વી ગૌરાંગભાઈ પટેલ-7.

શિવસેનાએ 54મો સ્થાપનાદિવસ જરૂરિયાતમંદોને મદદ કરીને ઉજવ્યો

મુંબઈઃ બાળાસાહેબ ઠાકરેએ 1966માં 19 જૂને શિવસેના પક્ષની સ્થાપના કરી હતી. માત્ર મુંબઈ, મહારાષ્ટ્રમાં જ નહીં, પણ દેશભરમાં આ પાર્ટીએ આગવી રીતે પોતાનો સિક્કો જમાવ્યો છે, પ્રભાવ ઊભો કર્યો છે. આજે સંસ્થાપક પ્રમુખ બાલ ઠાકરે હયાત નથી, પરંતુ એમના પુત્ર ઉદ્ધવ ઠાકરે પક્ષનું નેતૃત્ત્વ સંભાળી રહ્યા છે.

આજે પક્ષનો 54મો સ્થાપનાદિવસ છે, પરંતુ કોરોના વાઈરસ મહાબીમારીના ફેલાવાને લીધે અને ચીન સરહદે હિંસક અથડામણમાં ભારતના જવાનો શહીદ થયા એના દુઃખને કારણે શિવસેનાએ તેના સ્થાપનાદિવસની ઉજવણી કરવાનું રદ કર્યું છે. એને બદલે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

રાજ્યમાં હાલ યોગાનુયોગ શિવસેના પ્રમુખ જ મુખ્યપ્રધાન પદે છે. 25 વર્ષ પછી શિવસેના પક્ષને મુખ્ય પ્રધાન પદ મળ્યું છે. પરંતુ કોરોના બીમારીને કારણે આનંદની ઉજવણી કરવાને બદલે બીમારીને રોકવા માટેના પ્રયત્નો કરવાનો પક્ષપ્રમુખે શિવસૈનિકોને આદેશ આપ્યો છે.

આમ, દર વર્ષની જેમ આ વર્ષે શિવસેના સ્થાપના દિવસનો પ્રસંગ સામુહિક રીતે ઉજવવામાં આવ્યો નથી.

શિવસેના પક્ષની શાખાઓમાં કોરોના દર્દીઓની તપાસણી કરવાનું આજે સવારથી જ શરૂ કરવામાં આવ્યું છે. તે ઉપરાંત જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવી રહી છે.

આજે પક્ષ સ્થાપના દિવસે પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પક્ષના નેતાઓ, ઉપનેતાઓ, સંસદસભ્યો, વિધાનસભ્યો, સંપર્કપ્રમુખો, જિલ્લાપ્રમુખો, વિભાગપ્રમુખો અને પદાધિકારીઓ સાથે ઓનલાઈન સંપર્ક સાધ્યો હતો.

મહારાષ્ટ્ર રાજ્યમાં મરાઠી નાગરિકોને ન્યાય અને હક મળે એ માટે બાલ ઠાકરેએ 1966ની 19 જૂને શિવસેના પાર્ટીની સ્થાપના કરી હતી. છેલ્લા 54 વર્ષમાં આ પાર્ટીએ મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં પોતાનો દબદબો નિર્માણ કર્યો છે. 1995માં શિવસેના-ભાજપ યુતિની સરકાર રાજ્યમાં વિધાનસભા ચૂંટણી જીતીને સત્તા પર આવી હતી.

હાલ રાજ્યમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ, એમ 3 પક્ષોની સંયુક્ત સરકાર છે. આ ગઠબંધનને મહાવિકાસ આઘાડી નામ આપવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન છે અને એનસીપીના અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન છે. અજિત પવારે શિવસેનાને સ્થાપનાદિન નિમિત્તે અભિનંદન અને શુભેચ્છા વ્યક્ત કર્યા છે અને કહ્યું કે મહારાષ્ટ્રના રાજકારણમાં એક પ્રમુખ પક્ષ આજે મહાવિકાસ આઘાડીમાં અમારી સાથે છે એનો અમને આનંદ છે. શિવસેના સાથે કામ કરવાનો અમને સુખદ અનુભવ થયો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કુશળ નેતૃત્ત્વમાં શિવસેનના ભવિષ્યમાં વધારે સફળતા મેળવે એવો મને વિશ્વાસ છે. સ્થાપનાદિન નિમિત્તે તમામ શિવસૈનિકોને મારી શુભેચ્છા છે.

મહાન ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરે પણ ટ્વીટ કરીને શિવસેના પાર્ટીને સ્થાપના દિવસ નિમિત્તે અભિનંદન આપ્યા છે.

પુરીમાં આ વર્ષે ભગવાન જગન્નાથ, ભક્તોનું મિલન નહીં…

કનૈયો પ્રેમનો અવતાર હતા. એ તેમના પ્રેમની પરાકાષ્ઠા હતી, જ્યારે મહર્ષિ વેદવ્યાસે પુરાણોની રચના કરી દીધી ત્યારે પણ તેમનું મન વિચલિત હતું. ત્યારે તેમણે નારદ મુનિ પાસે મનની વ્યથા કહી કે જીવનથી સંબંધિત બધી વાતો પર પુરાણોને લખવા છતાં તેમનું મન અશાંત કેમ છે? ત્યારે મહર્ષિ નારદે તેમને જણાવ્યું હતું કે તેમણે બધું લખ્યું, પણ પ્રેમ પર નથી લખ્યું. એ કહીને તેમણે શ્રીકૃષ્ણ અવતાર વર્ણન કર્યું. ત્યારે વેદવ્યાસજીએ શ્રીમદ્ ભાગવત લખ્યું. એવું કહેવાય છે કે આ એક પુરાણને વાંચી લેવાથી મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થાય છે. આમાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યેક સંબંધ પ્રતિ પ્રેમ અને એની અનંતતાનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીકૃષ્ણએ પૃથ્વીલોક પર આવાં કેટલાંક પ્રેમનાં ઉદાહરણ આપ્યાં છે. આમાંથી એક ઓરિસ્સામાં પ્રત્યેક વર્ષે જોવા મળે છે. જી હા, ભગવાન જગન્નાથ સ્વરૂપમાં એક મુસ્લિમ ભક્તના પ્રતિ તેમનો અગાધ પ્રેમ. પરંતુ આ વર્ષે રથયાત્રા પર પ્રતિબંધને કારણે ભગવાન પોતાના મુસ્લિમ ભક્તને મળી નહીં શકે. આવો જાણીએ પૂરી વાત…

અહીં દર વર્ષે ભગવાન જગન્નાથનો રથ ઊભો રહે છે…

આમ તો દેશમાં જ નહીં વિદેશોમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, પરંતુ ઓરિસ્સાના પુરીમાં નીકળતી રથયાત્રાનું વિશેષ મહત્ત્વ છે, કેમ કે એ સ્થાનને ભગવાન કૃષ્ણે સ્વયં પસંદ કરી હતી. અહીં દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા દરમ્યાન ભગવાન જગન્નાથજીનો રથ એક મુસ્લિમની મજાર પર અટકે છે. આ મુસ્લિમ ભગવાન જગન્નાથજીના અનન્ય ભક્ત હતા, પરંતુ મુસ્લિમ હોવાને લીધે તેમને ક્યારેય મંદિરમાં પ્રવેશ નહોતો કરવા દેવામાં આવતો. તેઓ ભગવાનના દર્શન કર્યા વગર દુનિયાથી વિદાય થઈ ગયા. જોકે મરતાં પહેલાં તેમણે કહ્યુ હતું કે મારી ભક્તિ સાચી હશે તો પ્રભુ મારી મજાર પર જરૂર આવશે.

તો આ છે મજાર પર રથયાત્રાના રોકાવાનું રહસ્ય…

પ્રાપ્ત માહિતી મુજબ આ એ સમયની ઘટના છે, જ્યારે ભારતમાં મોગલોનું શાસન હતું. સાલબેગ નામનો એક મુસ્લિમ યુવક હતો. તેની માતા હિન્દુ અને પિતા મુસ્લિમ હતો. સાલબેગ મોગલ સેનામાં ભરતી થઈ ગયો. એક વાર તેના માથે ઇજાને કારણે મોટો જખમ થઈ ગયો. કેટલાય હકીમો અને વૈદ્યોની સારવાર પછી પણ એનો જખમ મટ્યો નહીં. આવામાં તેને મોગલ સેનામાંથી કાઢી મૂકવામાં આવ્યો. પરેશાન અને હતાશ સાલબેગ દુખી રહેવા લાગ્યો.  ત્યારે તેની માતાએ તેને ભગવાન જગન્નાથજીની ભક્તિ કરવાની સલાહ આપી. સાલબેગે એવું કર્યું. તે દિવસ-રાત જગન્નાથજીની પૂજા-અર્ચના અનમે ભક્તિ કરવા લાગ્યો. એનાથી તેને માનસિક શાંતિ અને જીવન જીવવાની શક્તિ મળવા લાગી.

ભગવાન સપનાંમાં દેખાતાં બધાં દુઃખદર્દ ગાયબ

એક વાર સાલબેગને સપનામાં જગન્નાથજી ખુદ તેને મળવા આવ્યા અને તેના જખમ પર લગાવવા માટે ભભૂત (પૂજા-હવન પછી વદેલી રાખ) આપે છે અને સાલબેગ સપનામાં એ ભભૂતને પોતાના માથે લગાવી લે છે. જ્યારે સાલબેગ ઊંઘમાંથી ઊઠે ત્યારે તેને અહેસાસ થાય છે કે તે તો સપનું જોતો હતો, પરંતુ તે એ વાતથી હેરાન હતો કે તેના માથાનો જખમ સાચે ઠીક થઈ ચૂક્યો હતો. ભગવાનની જયજયકાર કરતો તે કરુણામય ભાવથી સાલબેગ જગન્નાથજીના મંદિર તરફ દોડવા લાગે છે, પણ મુસ્લિમ હોવાને કારણે તેને મંદિરમાં પ્રવેશ નથી મળતો. આવામાં તે મંદિરની બાહર બેસીને ભગવાનની ભક્તિ કરવા લાગે છે. પ્રભુના નામનો જાપ કરતાં-કરતાં તે ભજનો લખ્યાં છે.

ભક્ત સાલબેગને મળવા ભગવાન અહીં રોકાય છે

કનૈયાના અનન્ય ભક્તની જેમ સાલબેગ પણ જગન્નાથજીના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરે છે. પછી એક દિવસ ભગવાનની ભક્તિ કરતાં-કરતાં સાલબેગનું મૃત્યુ થાય છે, પણ પોતાના મૃત્યુ પહેલાં તે કહે છે કે જો મારી ભક્તિ સાચી હશે તો પ્રભુ મારી મજાર પરજરૂર આવશે. તેના મૃત્યુ પછી સાલબેગની મજાર જગન્નાથ મંદિરથી ગુંડિચા રસ્તા પર બનાવવામાં આવી હતી. સાલબેગના મૃત્યુના કેટલાક મહિનાઓ પછી જ્યારે જગન્નાથજીની રથયાત્રા નીકળી તો સાલબેગની મજારની પાસે રથ આગળ જ નહોતો વધતો. બધા ભક્તો રથ ખેંચી-ખેંચી, જોર લગાવીને થાકી ગયા, પરંતુ રથ તસુભર આગળ નહોતો વધી રહ્યો. આવામાં બધા પરેશાન થઈ ગયા અને કંઈ સમજી નહોતા શકતા કે હવે શું કરવું જોઈએ. ત્યારે કોઈએ રાજાને સાલબેગ વિશે જણાવ્યું અને તેની ભક્તિ તથા કથન વિશે માહિતી આપી. ત્યારે રાજાએ પુરોહિતજીથી મંત્રણા કરીને બધાને ભક્ત સાલબેગની જયકાર કરવા માટે કહ્યું. સાલબેગના નામે જયકાર લગાવ્યા પછી જ્યારે રથને ખેંચવાના પ્રયાસ કરવામાં આવ્યા ત્યારે રથ ચાલવા લાગ્યો. બસ, ત્યારથી દર વર્ષે માસીને ઘેર જતી વખતે જગન્નાથજીનો રથ સાલબેગની મજાર પર થોડો સમય અટકાવવામાં આવે છે.

આ વર્ષે નહીં મળે ભગવાન…

એક સદીથી ચાલતી આ રહી આ પરંપરા હેઠળ ભગવાન અને ભક્તનું આ વર્ષે નહીં થઈ શકે. કોરોના વાઇરસના સંક્રમણને લીધે ઓરિસ્સા વિકાસ પરિષદ નામના NGOએ રથયાત્રા આ વર્ષે નહીં કાઢવા માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આના પર હાલમાં જ સુપ્રીમ કોર્ટે ફેંસલો આવ્યો છે કે આ વર્ષે જગન્નાથ રથયાત્રા નહીં કાઢવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે ભીડ એકત્ર થાય એ ઉચિત નથી. જેથી જાહેર સ્વાસ્થ્ય અને નાગરિક સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખતાં આ વર્ષે રથયાત્રાની મંજૂરી નહીં આપી શકાય. આવામાં રથયાત્રા નહીં નીકળે તો ભગવાન જગન્નાથ આ વર્ષે સાલબેગને પણ નહીં મળી શકે.

સુશાંત આત્મહત્યા મામલે ગર્લફ્રેન્ડ રિયાની પોલીસે કરી મેરેથોન પૂછપરછ

મુંબઇ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પાછળના કારણો વિશે મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે. ગુરુવારે પોલીસે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિને પૂછપરછ માટે બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં બોલાવી હતી. પોલીસે સવારે 11 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી રિયાની પૂછપરછ કરી હતી. રિયા છેક રાતે 10 વાગ્યે બાન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી બહાર આવતી જોવા મળી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ 11 કલાક ચાલેલી મેરેથોન પૂછપરછમાં પોલીસે રિયા ચક્રવર્તીને સુશાંત સાથેના પોતાના સંબંધો, તેના મિત્રો સાથેની તેની મિત્રતા, ડિપ્રેશન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સુશાંતના સંબંધો વિશે અનેક સવાલો પૂછાયા હતાં. કહેવાય છે કે થોડા જ દિવસો પહેલાં રિયા ચક્રવર્તી અને સુશાંતનું બ્રેક અપ થયું હતું જેને કારણે અભિનેતા ઘણો પરેશાન હતો. પોલીસ સ્ટેશનથી બહાર નીકળ્યા બાદ રિયાએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.

આ ઉપરાંત સુશાંતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી અને તેમની પબ્લિક રિલેશન અધિકારી અંકિતા નિહલાનીની પણ પોલીસે પૂછપરછ કરી છે. આ પહેલા પોલીસે બોલીવુડના કાસ્ટિંગ ડાયરેક્ટર અને સુશાંતની છેલ્લી ફિલ્મના ડાયરેક્ટર મુકેશ છાબડાની પણ લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે હજુ 5 પ્રોડક્શન હાઉસીસ અને પ્રોડ્યૂસર્સની પણ પોલીસ પૂછપરછ કરશે.

સુશાંત સિંહ આત્મહત્યા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 13 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. જોકે, પોલીસ તપાસમાં હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, શું  ખરેખર સુશાંતે ફિલ્મોમાં કામ નહીં મળવાને કારણે આત્મહત્યા કરી હતી? નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સુશાંતે 1 કરોડથી વધુની રકમ નાગાલેન્ડ સરકાર રિલીફ ફંડમાં ડોનેટ કરી હતી.

મંત્રણા બાદ ચીનના લશ્કરે ભારતના 10 સૈનિકોને છોડી મૂક્યા

નવી દિલ્હીઃ ચીનના લશ્કરી અધિકારીઓ સાથે ત્રણ દિવસ સુધી કરવામાં આવેલી મંત્રણા બાદ ચીનના લશ્કર પીપલ્સ લિબરેશનન આર્મી (PLA)એ ભારતના ચાર અધિકારી સહિત 10 લશ્કરી જવાનોને છોડી મૂક્યા છે.

કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના પૂર્વ ભાગમાં આવેલા ગલવાન ખીણવિસ્તારમાં ગયા સોમવારે બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થયા બાદ લશ્કરી અધિકારીઓ વચ્ચે વાટાઘાટ કરવામાં આવી હતી.

10 જવાનો ગુરુવારે સાંજે 5.30 વાગ્યે ગલવાન વેલીમાં ‘પેટ્રોલ પોઈન્ટ 14’ સ્થાન ખાતે પાછા ફર્યા હતા.

‘જ્યાં સુધી અમારા સૈનિકોને સુરક્ષિત રીતે પાછા મોકલવામાં નહીં આવે ત્યાં સુધી સરહદ પર તંગદિલી દૂર કરવાની પ્રક્રિયામાં કોઈ પ્રગતિ થઈ નહીં શકે’ એવું ભારતીય લશ્કરી ટૂકડીના વડા મેજર જનરલ અભિજીત બાપટે ચીની લશ્કરી સત્તાધિશોને સ્પષ્ટ કર્યા બાદ ભારતીય સૈનિકોની મુક્તિ થઈ છે.

એવા અહેવાલો છે કે ગયા સોમવારની હિંસક અથડામણ બાદ ચીને ભારતના અનેક સૈનિકોને પકડી લીધા હતા. કહેવાય છે કે હજી 76 ભારતીય સૈનિકો ચીનની હોસ્પિટલમાં છે. એમાંના 58 સૈનિકોને નજીવી ઈજા થઈ છે અને તેઓ એક અઠવાડિયાની અંદર ભારત પાછા ફરે એવી ધારણા છે.

અદાણી ગ્રીન એનર્જીએ વિશ્વનો સૌથી મોટો સોલર પ્રોજેક્ટ હાંસલ કર્યો

અમદાવાદઃ  ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)ને સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI)નો ઉત્પાદન સાથે સંકળાયેલો સોલર પ્રોજેક્ટ પ્રાપ્ત થયો છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે AGEL આઠ ગિગાવોટની ક્ષમતાના સોલર પ્રોજેક્ટસને વિકસાવવાની સાથે બે ગિગાવોટ વધારાના સોલર સેલ અને મોડ્યુલ ઉત્પાદન ક્ષમતાની સ્થાપના કરવાની જવાબદારી કંપનીને સોંપવામાં આવી છે. આ આ પ્રોજેક્ટમાં અદાણી ગ્રુપ દ્વારા કુલ રૂ. 45,000 કરોડ (છ અબજ ડોલર)નું રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ થકી ચાર લાખ લોકોને સીધી અને આડકતરી રોજગારી પ્રાપ્ત થશે. વળી, આ પ્રોજેક્ટ દરમ્યાન 900 મિલિયન (90 કરોડ) ટન કાર્બનનું ઉત્સર્જન ઓછું પેદા થશે.

કંપનીની $15 અબજના મૂડીરોકાણની યોજના

આ પ્રોજેક્ટ પ્રાપ્ત થવાથી AGEL મેનેજમેન્ટ, કન્સ્ટ્રક્શન અથવા તો કરાર હેઠળ 15 ગિગાવોટની ક્ષમતા પ્રાપ્ત કરશે. આ ઉપરાંત કંપની 2025 સુધીમાં વિશ્વમાં 25,000 મેગાવોટની રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાની નેમ ધરાવે છે. કંપની આગામી પાંચ વર્ષમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રૂ. 1,12,000 કરોડ ($15 અબજ)નું મૂડીરોકાણ કરવાની યોજના ધરાવે છે.

અદાણી જૂથનું રાષ્ટ્ર નિર્માણનું સપનું

આ પ્રોજેક્ટ હાંસલ કરવા અંગે પ્રતિક્રિયા આપતાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણી જણાવ્યું છે કે સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આ સીમાચિહન પ્રોજેક્ટ માટે અમારી પસંદગી કરીને અમારું સન્માન કર્યું છે. રોજગારીનું સર્જન અને કાર્બનમુક્તિ એ બંને સમાંતર ચાલતા ઉદ્દેશ છે. ભારતે વર્ષ 2015માં પેરિસમાં યુનાઇટેડ નેશન્સની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં જળવાયુ પરિવર્તન ક્ષેત્રે બદલાવની આગેવાની લઈને નિષ્ઠા વ્યક્ત કરી હતી ને COPની કટિબદ્ધતાનું પાલન કરનાર વિશ્વનાં આઠ દેશોની યાદીમાં અગ્રણી સ્થાને છે. આ કરાર દેશના જળવાયુ પરિવર્તનના વચનને સાકાર કરવામાં તેમ જ રાષ્ટ્રના ‘આત્મનિર્ભર ભારત અભિયાન’માં એક મહત્ત્વનું પગલું બની રહેશે. અદાણી જૂથનું રાષ્ટ્ર નિર્માણનું સપનું સાકાર કરવામાં પણ એ વધુ એક પગલું બની રહેશે.

કંપની પાંચ વર્ષમાં આઠ ગિગાવોટની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરશે

આ પ્રોજેક્ટને આધારે કંપની દ્વારા આઠ ગિગાવોટનો સોલર ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો અમલ આગામી પાંચ વર્ષમાં કરવામાં આવશે. આમાં પહેલા બે ગિગાવોટની નિર્માણક્ષમતા 2022 સુધીમાં હાંસલ કરી થશે અને વાર્ષિક બે ગિગાવોટના વધારાની સાથે બાકીની છ ગિગાવોટની ક્ષમતા 2025 સુધીમાં સાકાર કરવામાં આવશે.

અદાણી ગ્રુપ વિશે જાણવા જેવું

અદાણી જૂથ એ ટોચની છ પબ્લિકલી ટ્રેડેડ કંપનીઓમાં 22 અબજ ડોલરની માર્કેટ કેપિટલ સાથેનું વૈવિધ્યકરણ ધરાવતુ જૂથ છે. ગ્રુપે વિશ્વ સ્તરના ટ્રાન્સપોર્ટ અને યુટિલિટી પોર્ટફોલિયોનું નિર્માણ કર્યું છે. અમદાવાદમાં વડું મથક ધરાવતું અદાણી જૂથ વીતેલાં વર્ષોમાં ટ્રાન્સપોર્ટ લોજિસ્ટિક્સ અને એનર્જી યુટિલિટી પોર્ટફોલિયો બિઝનેસમાં મોટા પ્રોજેકટ હાથ ધરીને વૈશ્વિક ધોરણ મુજબની ઓ એન્ડ એમ પ્રણાલી સાથે માર્કેટ લીડર તરીકેનુ સ્થાન હાંસલ કર્યુ છે.

અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ઉછાળો

અદાણી ગીન એનર્જીને આ પ્રોજેક્ટ મળતાં કંપનીના શેરનો ભાવ 16 માર્ચે જે રૂ. 117.70 હતો, એ ગઈ કાલે રૂ. 400.65ના રેકોર્ડ સ્તરે બંધ આવ્યો હતો. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન પણ વધીને રૂ. 626.54 કરોડના સ્તરે પહોંચ્યું હતું.

કોરોનાના 13586 નવા કેસ, 336નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 13,586 નવા કેસ સામે આવ્યા છે અને 336 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ નવા કેસ સામે આવ્યા છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,80,532 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 12,573 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,04,711 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,63,248એ પહોંચી છે. રિકવરી રેટ 53.79 ટકાએ પહોંચ્યો છે.

દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 49,979

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 49,000ને પાસ થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના 2877 નવા રેકોર્ડ કેસ સામે આવ્યા છે, એની સાથે અહીં સંક્રમિતોનો આંકડો વધીને 49,979એ પહોંચી ગયો છે. પાછલા 24 કલાકમાં 8726 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.  આ સાથે દિલ્હીમાં અત્યાર સુધી કુલ 1969 લોકોનાં મોત થયાં છે.

 મહારાષ્ટ્રમાં કોરોનાના 3752 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાના પાછલા 24 કલાકમાં 3752 નવા કેસ સામે આવ્યા છે અને 100 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,20,504 થઈ ગઈ છે, જેમાંથી 5751 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોનાથી 85 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,56,284 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 85,78,052એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

રાજ્યસભાની 19 સીટો પર આજે મતદાનઃ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

નવી દિલ્હીઃ દેશનાં આઠ રાજ્યોની 19 રાજ્યસભા સીટો પર આજે મતદાન થશે. આ આઠ રાજ્યોમાંથી મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. દેશમાં કોરોના સંકટને કારણે રાજ્યસભાની 18 સીટો પર ચૂંટણી થવાની હતી, પણ પછીથી ચૂંટણી પંચે કર્ણાટકની ચાર બેઠકો, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમની 1-1 સીટ પર ચૂંટણીની ઘોષણા કરી હતી. આજે જે 19 સીટો પર મતદાન થવાનું છે, એમાંથી ગુજરાત અને આંધ્ર પ્રદેશથી 4-4, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી ત્રણ, ઝારખંડથી બે સીટો અને મણિપુર, મિઝોરમ અને મેઘાલયથી એક-એક સીટ છે.

મણિપુરમાં ચાલી રહ્યું છે રાજકીય ઘમસાણ

મણિપુરમાં રાજકીય ઘમસાણે આ ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે. અહીંના ચાર સત્તારૂઢ ગઠબંધનના નવ વિધાનસભ્યોના રાજીનામાં પછી એન વીરેન્દ્ર સરકારની સામે વિપક્ષ કોંગ્રેસે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માગ મૂકી છે. ભાજપ દ્વારા લેસિમ્બા સામાજાઓબા ઊભા છે, જ્યારે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ટી. મંગી બાબુને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ભાજપે ભૂતપૂર્વ કોંગ્રેસ સંસદસભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયાને મેદાનમાં ઉતાર્યા

ગુજરાતની વાત કરીએ તો અહીં સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસ –બંને પાસે પોતાના ઉમેદવારોને જિતાડવા માટે પર્યાપ્ત વિધાનસભ્યો નથી. ભાજપે અહીં ત્રણ બેઠકો માટે ત્રણ ઉમેદવારો ઊભા રાખ્યા છે, જેમાં અભય ભારદ્વાજ, રમિલાબહેન બારા અને નરહરિ અમીન સામેલ છે. બીજી બાજુ કોંગ્રેસે બે લોકો શક્તિસિંહ ગોહિલ અઇને ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી છે.

આ સિવાય મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ  અને ભાજપે બે-બે લોકોને ટિકિટ આપી છે.  ભાજપે ભૂતપૂર્વ કોંગ્રેસી સંસદસભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેર સિંહ સોલંકીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે દિગ્વિજય સિંહ અને દલિત નેતા ફૂલસિંહ બરૈયાને ટિકિટ આપી છે.

વિધાનસભ્યોને હોટેલોમાં છુપાડવા પડ્યા

રાજસ્થાનમાં સત્તારૂઢ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપના વિધાનસભ્યને તોડવાના આરોપોની વચ્ચે વિધાનસભ્યોને અલગ-અલગ હોટેલોમાં છુપાડવા પડ્યા છે. ચાર ઉમેદવારોમાંથી બે કોંગ્રેસના અને બે ભાજપના છે. કોંગ્રેસે અહીં વેણુગોપાલ અને નીરજ ડાંગીને ઉતાર્યા છે, ત્યાં ભાજપના રાજેન્દ્ર ગેહલોત અને ઓમકાર સિંહ લખાવતને ટિકિટ આપી છે.