Home Blog Page 4769

BCCIએ ટીમ ઇન્ડિયાનો શ્રીલંકા, ઝિમ્બાબ્વેનો પ્રવાસ રદ કર્યો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ એક પ્રેસ રિલીઝ જારી કરીને એલાન કર્યું છે કે ભારતીય ટીમ કોરોના વાઇરસને કારણે શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસે નહીં જાય. આના પહેલાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગુરુવારે ભારત અને શ્રીલંકાની વચ્ચે થનારી સિરીઝને સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

જૂનના અંતમાં શ્રીલંકાનો પ્રવાસ હતો

ટીમ ઇન્ડિયા શ્રીલંકામાં 24 જૂનથી 11 જુલાઈ દરમિયાન વન-ડે ઈન્ટરનેશનલ અને T20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમાવાની હતી, પણ કોરોના વાઇરસને લીધે સલામતીનાં કારણોસર હવે આ સિરીઝ સ્થગિત કરવામાં આવી છે. ત્યાર બાદ ટીમ 22 ઓગસ્ટથી ઝિમ્બાબ્વેના પ્રવાસે જવાની હતી. જોકે BCCIએ સ્પષ્ટ નથી કર્યું કે સિરીઝ રદ કરવામાં આવી છે કે પાછળ ઠેલવામાં આવી છે. BCCIએ અખબારી યાદીમાં કહ્યું છે કે ભારતીય ટીમ શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસે નહીં જાય. કોરોના વાઇરસના જોખમને ધ્યાનમાં લેતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તાલીમ શિબિરને લઈને અસમંજસતા

ભારતીય ટીમે હજી તાલીમ શરૂ નથી કરી અને જુલાઈથી પહેલાં શિબિર યોજાવાની સંભાવના પણ નથી. ખેલાડીઓને મેચ માટે તૈયાર થવા આશરે છ સપ્તાહનો સમય લાગશે. શાહે પ્રેસ રિલીઝમાં બોર્ડના પગલાને યોગ્ય ગણાવતાં કહ્યું હતું કે તે ટ્રેનિંગ શિબિર ત્યારે આયોજિત કરશે, જ્યારે ક્રિકેટરો માટે સુરક્ષિત વાતાવરણ હશે. આમાં કહેવામાં આવ્યું છે કે BCCI આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ ક્રિકેટને ત્યારે મંજૂર કરશે, જ્યારે ક્રિકેટરો માટે સલામત વાતાવરણ હશે, પણ બોર્ડ એવો કોઈ નિર્ણય નહીં લે, જેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા અન્ય સંબંધિત એજન્સીઓના કોરોના વાઇરસ ફેલાવાથી રોકવાના પ્રયાસ નિષ્ફળ થઈ જાય.સંપૂર્ણ સુરક્ષા પછી જ નિર્ણય લેવાશે

તેમણે કહ્યું હતું કે BCCI સતત દેશમાં કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા કરી રહી છે અને બધા સરકારી દિશા-નિર્દેશો પર વિચાર કર્યા પછી ક્રિકેટ રમવા માટે નિર્ણય લેવાશે. શાહે કહ્યું છે કે બોર્ડ અધિકારી ભારત સરકાર દ્વારા જારી થયેલા દિશા-નિર્દેશો પર નજર રાખી રહ્યું છે અને બોર્ડ આ જારી દિશા-નિર્દેશો અને લગાડવામાં આવેલા નિયમોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું હતું કે BCCI બદલાતી સ્થિતિની સમીક્ષા કરવાનું ચાલુ રાખશે.

ફરીથી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવાયો નથીઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે લોકડાઉનને ફરીથી લાગુ કરવામાં આવશે એવી અમુક દિવસોથી ચાલી રહેલી અટકળો અંગે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવા વિશે એમની સરકારે હજી કોઈ નિર્ણય લીધો નથી.

ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે કોરોના વાઈરસનો ફેલાવો અંકુશમાં રહે એ માટે વાઈરસ-સંબંધિત નિયંત્રણોનું સહુ કડક રીતે પાલન કરે.

રાજ્ય સરકાર આવતા અઠવાડિયાથી ફરીથી લોકડાઉન લાગુ કરવાનો વિચાર કરી રહી છે એવા સંદેશાઓ સોશિયલ મિડિયા પર ફરી રહ્યા છે તેથી લોકોમાં મૂંઝવણ અને ગભરાટ ફેલાયા છે.

લોકોની આ ચિંતાના પ્રતિસાદમાં ઠાકરેના કાર્યાલય તરફથી આજે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે લોકડાઉન ફરીથી લાગુ કરવાનો રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

નિવેદનમાં જણાવાયું છે કે, ‘સોશિયલ મિડિયા મારફત અફવા ફેલાવવામાં આવી રહી છે અને મહારાષ્ટ્રમાં તમામ દુકાનો અને કમર્શિયલ ઓફિસોને બંધ કરીને લોકડાઉન ફરીથી લાગુ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે એવા કેટલીક ન્યૂઝ ચેનલોએ અહેવાલો આપતાં લોકોમાં મૂંઝવણ ઊભી થઈ છે. પરંતુ, અમે એવો કોઈ નિર્ણય લીધો નથી.’

સરકારે એમ પણ કહ્યું છે કે આવા કોઈ પણ અહેવાલો લોકોમાં મૂંઝવણ પેદા કરે છે. આ પ્રકારના સમાચાર ફેલાવવા એ કાયદાના ઉલ્લંઘન સમાન છે. આવા સમાચારને ચકાસણી કર્યા વિના ટ્રાન્સમિટ કરવા ન જોઈએ.

ઠાકરેએ એમ પણ કહ્યું છે કે રાજ્ય સરકારે લોકડાઉનમાં જે છૂટછાટો આપી છે એનો લોકોએ ગેરલાભ ઉઠાવવો ન જોઈએ. લોકડાઉનના નિયમોમાં જે રાહતો આપવામાં આવી છે એનો અર્થ એ નથી કે લોકો ઘરની બહાર નીકળે અને જાહેર સ્થળોએ ગીરદી કરે જેને લીધે આરોગ્ય ઉપર જોખમ ઊભું થાય. સોશિયલ ડિસ્ટન્સ રાખીને, મોઢા પર માસ્ક પહેરીને અને નિયમિત રીતે હાથ ધોતા રહેવાના નિયમોને જીવનશૈલીના ભાગ તરીકે હવે અપનાવવા જ પડશે.

કોરોના-યોદ્ધાઓને મહિન્દ્રા ગ્રુપના નવાં વાહનો પર મળશે વિશેષ છૂટ

નવી દિલ્હીઃ દેશની અગ્રગણ્ય વાહનઉત્પાદક કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કોરોના વાઇરસની સામે જંગ લડી રહેલા યોદ્ધાઓને સન્માનિત કરવા માટે વિશેષ યોજના લઈને આવી છે. કંપનીએ આ કોરોનાયોદ્ધાઓને પોતાના નવા વાહનો પર વિશેષ છૂટ સહિત અન્ય સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ આ પહેલાં સ્વાસ્થ્ય કર્મચારીઓની મદદ માટે વેન્ટિલેટર અને PPE કિટ જેવી મહત્ત્વની ચીજવસ્તુઓ પૂરી પાડી હતી.
છૂટની સાથે વિશેષ ફાઇનાન્સિંગ યોજના

અહેવાલ મુજબ કંપની કોરોનાયોદ્ધાઓ માટે નવાં વાહનો પર રૂ. 66,500 સુધીની છૂટ આપી રહી છે. આની સાથે કંપનીએ અલગ-અલગ પ્રકારથી ફાઇનાન્સ યોજના પણ રજૂ કરી ગઈ છે, જેથી આ લોકો માટે પોતાના માટે નવું વાહન ખરીદવાનો અનુભવ સારો અને સરળ રહે.

બાય નાઉ, પે લેટર

કંપનીની વિશેષ ઓફરોમાં બાય નાઉ, પે લેટર (અત્યારે ખરીદો, ચૂકવણી પછી કરો)ની યોજના પણ છે. આ યોજના હેઠળ અત્યારે વાહન ખરીદવા પર 2021માં એની ચૂકવણી કરી શકાશે. આ સિવાય EMI પર પણ 90 દિવસોની રાહતનો વિકલ્પ રાખવામાં આવ્યો છે.

100 ટકા ઓન રોડ ફાઇનાન્સિંગની યોજના

આ સિવાય આવા કોરોનાયોદ્ધાઓ માટે 100 ટકા ઓન રોડ ફાઇનાન્સિંગની યોજના પણ કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ ડોક્ટરો માટે પ્રોસેસિંગ ફી પર 50 ટકાની છૂટ રાખવામાં આવી છે. આવા બધા ગ્રાહક કંપનીની કોઈ પણ નજીકની ડીલરશિપમાં જઈને આ યોજનાઓનો લાભ લઈ શકે છે.

સ્વાસ્થ્ય કર્મચારીની સાથે પોલીસ અને મિડિયા કર્મચારીઓને પણ લાભ

કંપનીએ આ યોજના વિશે કહ્યું છે કે વિશ્વની જેમ ભારતમાં પણ ફ્રન્ટલાઇન વર્કર્સ શાનદાર કામ કરી રહ્યા છે અને કંપની આ પ્રકારની યોજનાઓ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવા ઇચ્છે છે. સ્વાસ્થ્ય કર્મચારીઓની સાથે, પોલીસ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, રેલવે-એર સ્ટાફ અને મિડિયા કર્મચારીઓ સુધી મહિન્દ્રાની આ વિશેષ યોજનાનો લાભ લઈ શકશે. કંપનીએ બધાં મોડલો પર આ યોજના લાગુ કરી છે.

BSE ગોલ્ડ-સિલ્વરની ગુડ ડિલિવરી માટેનાં ભારતીય સ્ટાન્ડર્ડ અપનાવનાર દેશનું પ્રથમ એક્સચેન્જ

 મુંબઈ તા.12 જૂન, 2020ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને ટેકો આપવા અને દેશના મૂડીબજારને વધુ સક્ષમ બનાવવા દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ ઈન્ડિયા ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ અપનાવ્યું છે. એક્સચેન્જે ગોલ્ડ અને સિલ્વર ડિલિવરીઝના કોમોડિટી પ્લેટફોર્મ માટે બીઆઈએસ આઈએસ 17278 : 2019 સ્ટાન્ડર્ડ અપનાવ્યું છે. બીએસઈ આ સ્ટાન્ડર્ડ અપનાવનારું દેશનું સૌપ્રથમ એક્સચેન્જ બન્યું છે.

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઈએસ)એ ગોલ્ડ અને સિલ્વરની ડિલિવરી માટેનાં ધોરણ આઈએસ 17278 : 2019 28 ડિસેમ્બર, 2019થી અમલી બનાવ્યાં છે. આ ધોરણોમાં સોના-ચાંદીની શુદ્ધતા, સ્વરૂપ અને તેની ઉત્પાદન પદ્ધતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત વિશ્વમાં સોનાનો મોટામાં મોટો આયાતકાર અને વપરાશકાર હોવા છતાં તેના ભાવ પર ભારતની અસર નથી અને બેન્ચમાર્ક પ્રાઈસ માટે આંતરરાષ્ટ્રીય બજાર પર આધાર રાખવો પડે છે, જે લંડનના ભાવ હોય છે. બીએસઈ બીઆઈએસ અપનાવીને બુલિયનની નાણાકીય અને ફિઝિકલ માર્કેટ વચ્ચે કડી સ્થાપવા માગે છે, જેથી આયાત પરની નિર્ભરતા ઘટે અને એક્સચેન્જ ટ્રેડેડ માર્કેટ્સ, ફિઝિકલ સ્પોટચ માર્કેટ્સ અને કંઝ્યુમર માર્કેટ્સ વચ્ચેની ગુણવત્તાની અસમાનતા દૂર થાય.

“આ પગલા સાથે બીએસઈ ભારતીય બુલિયન માર્કેટના વિકાસ પ્રતિની પ્રતિબદ્ધતાને દર્શાવવા માગે છે. અમને વિશ્વાસ છે કે ઈન્ડિયા ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ અપનાવવાથી કીમતી ધાતુઓની શુદ્ધતા, સ્વરૂપ અને જ્યાંથી આયાત કરાઈ હોય એ સ્થળ સંબંધે ખરીદદારોનો ભરોસો વધશે. ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડ દ્વારા ભારત બિલિયન માર્કેટમાં પ્રાઈસ ટેકરને બદલે પ્રાઈસ સેટર બની રહેશે,”, એમ બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું હતું.

આ સ્ટાન્ડર્ડ અપનાવીને બીએસઈએ વિશ્વની બુલિયન માર્કેટ્સ માટે ગોલ્ડ અને સિલ્વર બાર્સના ફિઝિકલ વર્ણન માટેના નિશ્ચિત નિયમો સાથે સેટલમેન્ટ અને ડિલિવરી માટેના સ્વીકાર્ય ધોરણ માટેનો આધાર પૂરો પાડ્યો છે. રિફાઈનરીઓના એક્રિડિટેશન માટેની પણ તેમાં જોગવાઈ છે. બીએસઈ ભારતીય રિફાઈનરીઓ અને ઈન્ડિયા ગુડ ડિલિવરી સ્ટાન્ડર્ડને ઉત્તેજન આપીને ભારતના બુલિયન બજારમાંના પડકારોને હળવા કરવા માગે છે.

વિશ્વમાં કોરોના કેસોના મામલે ભારત હવે ચોથા નંબરે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિત લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. જેને લીધે હવે ભારત કોરોના દર્દીઓને મામલે વિશ્વમાં ચોથા ક્રમાંકે આવી ગયો છે. કોવિડ-19ને મામલે ભારતે હવે બ્રિટનને પાછળ છોડ્યું છે. ભારત હવે રશિયા, બ્રાઝિલ અને અમેરિકાથી પાછળ છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ દેશમાં હવે કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 2,97,205 લાખને પાર પહોંચી છે, જ્યારે આ વાઇરસ અત્યાર સુધી 8400થી વધુ લોકોનાં મોત થયાં છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 1,41,842 છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 1,47,195 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.  

દેશમાં કોરોનાના 2,97,205 કેસો

ભારત 2,93,754 કેસોની સાથે કોરોના પ્રભાવિત 10 ટોચના દેશોમાં ચોથા સ્થાને આવી ગયો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી 8498 લોકોનાં મોત થયાં છે. બ્રિટનમાં 2,91,558 કોરોના સંક્રમિત લોકોની સાથે પાંચમા સ્થાને સરક્યું છે. ભારતથી હવે માત્ર રશિયા બ્રાઝિલ અને અમેરિકા જ આગળ છે. અમેરિકામાં અત્યાર સુધી 20 લાખથી વધુ કોરોના સંક્રમિતના કેસો નોંધાયા છે.

બ્રાઝિલમાં સાડાસાત લાખ અને રશિયામાં 4.93 લાખ કોરોના સંક્રમિત લોકો

બ્રાઝિલમાં 7.50 લાખ અને રશિયામાં 4.93 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 75 લાખને પાર થઈ ચૂકી છે. વૈશ્વિક સ્તરે કુલ 4.20 લાખથી વધુ લોકોનાં મોત થયાં છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સૌથી મોટો વધારો

છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,956 નવા કેસો સામે આવ્યા છે અને 396 લોકોનાં મોત થયાં છે. જે અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.  દિલ્હીમાં એક દિવસમાં રેકોર્ડ 1877, ઉત્તર પ્રદેશમાં 480, બંગાળમાં 440 અને રાજસ્થાનમાં 238 નવા કેસો નોંધાયા છે.

દેશમાં કોરોના કેસોની સંખ્યા રાજ્યવાર આ મુજબ છે.

 

 

કોકા કોલા, થમ્સ અપ પર પ્રતિબંધની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ કોકા કોલા અને થમ્સ અપ પર પ્રતિબંધની મૂકવાની માગણી કરનાર એક અરજીકર્તાને ભારે પડી ગયું છે. ભારતમાં આ બંને ઠંડાં પીણાંના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ફગાવી દીધી હતી અને અરજીકર્તાને રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો. ન્યાયમૂર્તિ ધનંજય વાય. ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને ન્યાયમૂર્તિ અજય રસ્તોગીની ખંડપીઠે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કેસની સુનાવણી કરતાં અરજીકર્તા ઉમેદસિંહ પી. ચાવડાની અરજીને કાઢી નાખી હતી. ખંડપીઠે કહ્યું હતું કે બંધારણ અનુચ્છેદ 32 હેઠળ આ પ્રકારની અરજી દાખલ કરવી એ કાનૂની પ્રક્રિયાનો દુરુપયોગ છે.

કોઈ ટેક્નિકલ માહિતી વગર દાખલ કરવામાં આવી અરજી

ખુદને સામાજિક કાર્યકર્તા બતાવનાર ચાવડાએ અરજીમાં દાવો કર્યો હતો કે આ ઠંડાં પીણાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જોકે ખંડપીઠે અરજી ફગાવતાં કહ્યું હતું કે આ અરજી એ વિષય વિશે કોઈ ટેક્નિકલ માહિતી વગર દાખલ કરવામા આવી છે અને આમાં કરવામાં આવેલા દાવાના સમર્થનમાં કંઈ છે નહીં.

પાંચ લાખનો દંડ એક મહિનામાં જમા કરાવવાનો આદેશ

ખંડપીઠે અરજીકર્તા પર રૂ. પાંચ લાખનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે અને આ રકમ એક મહિનાની અંદર કોર્ટના રજિસ્ટ્રાર પાસે જમા કરાવવામાં આવે, જેને સુપ્રીમ કોર્ટ એડવોકેટ્સ ઓન રેકોર્ડ એસોસિયેશનને આપવામાં આવશે.

પંચાંગ 12/06/2020

રાશિ ભવિષ્ય 12/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પહોંચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,  વાગવા, કફ, છાતી, પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

મુંબઈની ક્રાફર્ડ માર્કેટમાં ભીષણ આગ…

દક્ષિણ મુંબઈમાં આવેલી દાયકાઓ જૂની મહાત્મા ફૂલે માર્કેટ (જૂનું નામ ક્રાફર્ડ માર્કેટ)માં 11 જૂન, ગુરુવારે સાંજે લગભગ 6.15 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. આગ બુઝાવવા માટે અગ્નિશામક દળના જવાનો 10 ગાડીઓ સાથે ત્યાં પહોંચી ગયા હતા. આગ લાગવાનું કારણ તત્કાળ જાણવા મળ્યું નહોતું. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.

હોલસેલ બજાર ક્રાફર્ડ માર્કેટમાં શાકભાજી, ફળ, મરઘા-બતકાં, આયાતી ફૂડ આઈટમ્સ વગેરેની અસંખ્ય દુકાનો આવેલી છે. આ બજાર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનથી થોડેક જ દૂર આવેલી છે.

રાહતના સમાચારઃ ભારતમાં કોરોનાનો ફેલાવો, મૃત્યુદર ઓછો

નવી દિલ્હીઃ દેશના 83 જિલ્લાઓમાં 0.73 ટકા વસતિ જ કોરોના વાઇરસથી સંક્રમિત થઈ છે. સૌથી સારી વાત એ છે કે ભારતમાં કોવિડ-19ના દર્દીઓનો મૃત્યુદર વિશ્વમાં સૌથી ઓછો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડિરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે સર્વેનાં પરિણામોની માહિતી આપતાં કહ્યું હતું કે ભારતમાં પ્રતિ લાખની વસતિને આધારે કોવિડ-19ના દર્દીઓની સંખ્યા અને મૃત્યુદર વિશ્વમાં સૌથી ઓછો છે. જોકે આ લોકડાઉનના પાંચ-છ સપ્તાહ પછી 30 એપ્રિલ સુધીની સ્થિતિ છે.

મોટી વસતિ પર સંક્રમણનો ખતરો

તેમણે કહ્યું હતું કે દેશની મોટી વસતિ પર હજી પણ ખતરો ઝળૂંબી રહ્યો છે, એટલા માટે કે સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે. ગ્રામીણ વિસ્તારોની તુલનાએ શહેરી ક્ષેત્રોમાં 1.09 અને શહેરી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં 1.89 ગણું જોખમ છે. આવામાં આપણે સારવાર અને દવાઓ અને અન્ય બચાવ સાવધાની વર્તવા પર ભાર આપવો પડશે.  શહેરોના સ્લમ એરિયામાં સંક્રમણનું જોખમ સૌથી વધુ છે. રાજ્ય સરકારોએ સ્થાનિક સ્તરે લોકડાઉન લાગુ જારી રાખવું પડશે. કન્ટેનમેન્ટ ઝોનમાં સંક્રમણનું સ્તર સૌથી વધુ છે, એમ તેમણે કહ્યું હતું.

સિરો સર્વેથી મળી મહત્ત્વની જાણકારી

ડો. ભાર્ગવે સિરો સર્વે વિશે જણાવતાં કહ્યું હતું કે આનાથી કેટલીક મહત્ત્વની માહિતી મળી છે. સિરો સર્વે (sero survey)માં આમ આદમીની એન્ટિ બોડીની તપાસ કરવામાં આવે છે. આની તપાસ માટે લોકોનાં બ્લડ સેમ્પલ લઈને lgG એન્ટિબોડીઝની તપાસ થાય છે. જો કોઈ વ્યક્તિ lgG પોઝિટિવ છે તો એનો અર્થ એ થયો કે સાર્સ-કોવ-2થી સંક્રમિક થઈ હતી, એમ તેમણે કહ્યું હતું.

ડો. ભાર્ગવે કહ્યું હતું કે આ સર્વેથી માલૂમ પડ્યું હતું કે કુલ કેટલી ટકા વસતિ આ વાઇરસથી સંક્રમિત થઈ ચૂકી છે? કઈ-કઈ વ્યક્તિમાં સંક્રમણનું સૌથી વધુ જોખમ છે? કયા-કયા વિસ્તારોમાં બચાવના પ્રયાસોને વધારવાની જરૂર છે?

 83 જિલ્લાઓના 26,400 લોકો પર સર્વે

તેમણે કહ્યું છે કે આ સર્વે માટે દેશના 83 જિલ્લાઓના 28,595 ઘરોની તપાસ કરી અને 26,400 લોકોના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. આ સર્વેમાં માલૂમ પડ્યું હતું કે આ જિલ્લાઓમાં 0.73 ટકા લોકોમાં જ સંક્રમણના પુરાવા મળ્યા. તેમણે કહ્યું હતું કે આનો અર્થ એ છે કે લોકડાઉનની સકારાત્મક અસર એ થઈ છે કે વાઇરસના સંક્રમણને ઝડપથી ફેલાવા પર અટકાવવામાં મદદ મળી છે.

તેમણે કહ્યું છે કે આના બે પાસાં છે- એક તો એ હજી પણ મોટી વસતિ પર વાઇરસના સંક્રમણનું જોખમ ઝળૂંબી રહ્યું છે, પણ બીજું પાસું છે કે આ સર્વેમાં જે 26,400 લોકોને સામેલ કર્યા છે, એમાં 0.08 ટકાનાં મૃત્યુ થયાં છે.