Home Blog Page 4774

રાશિ ભવિષ્ય 08/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બને.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બની શકે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

સુવિચાર – ૮ જૂન, ૨૦૨૦

સુવિચાર – ૮ જૂન, ૨૦૨૦

માઈગ્રન્ટ્સનો મહાત્માઃ સોનૂ સૂદે મુંબઈમાંથી 200 ઈડલીવાળાઓને તામિલનાડુ મોકલ્યા

મુંબઈઃ હિન્દી ફિલ્મોનો અભિનેતા સોનૂ સૂદ કારકિર્દીની પહેલી ફિલ્મ દબંગમાં ભલે ખલનાયક હતો, પણ હાલ કોરોના-લોકડાઉનને કારણે મુંબઈમાં ફસાઈ ગયેલા જુદા જુદા રાજ્યોના કામદારોને એમના વતન મોકલવા માટે વ્યવસ્થા કરીને ગરીબ લોકોમાં છવાઈ ગયો છે. એ માઈગ્રન્ટ્સનો મહાત્મા બોલાવા લાગ્યો છે.

‘ઘર ભેજો’ ઝુંબેશ અંતર્ગત 180 માઈગ્રન્ટ કામદારોને વિમાન દ્વારા એમના વતન દહેરાદૂન પહોંચાડ્યા બાદ હવે એણે ઈડલી-ઢોસા બનાવનાર 200 જણને એમના વતન તામિલનાડુમાં પહોંચાડ્યા છે. આ કામદારોએ મુંબઈમાં રવાના થતા પૂર્વે સોનૂની આરતી ઉતારી હતી.

વાઈરલ થયેલા એક વિડિયોમાં સોનૂ પરપ્રાંતીય ફેરિયાઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરતો જોઈ શકાય છે. આ ફેરિયાઓ માટે સોનૂએ મુંબઈથી તામિલનાડુ સુધી બસોની વ્યવસ્થા કરી હતી.

દરમિયાન, શિવસેનાના સંસદસભ્ય અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે સોનૂ સૂદ અને માઈગ્રન્ટ કામદારોને મદદ કરવાના એના પ્રયાસોની ટીકા કરી છે. રાઉતે શિવસેનાના મુખપત્ર સામના અખબારમાં લખેલા તંત્રીલેખમાં સોનૂને લોકડાઉનનો મહાત્મા કહીને એની મજાક ઉડાવી છે.

રાઉતે સોનૂને મહાત્મા સૂદ કહ્યો છે અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટીની પણ મજાક ઉડાવી છે અને કહ્યું છે કે જેમ સોનૂ એક સારો એક્ટર છે, પણ એની પાસે એક્ટિંગ કરાવનાર કોઈક ફિલ્મ ડાયરેક્ટર હોય છે. એવી જ રીતે, માઈગ્રન્ટ કામદારોને મદદ કરવા પાછળ પણ કોઈક રાજકીય ડાયરેક્ટરનો હાથ છે.

અમીરા દસ્તુરની લોકડાઉન ફેશન સ્ટાઈલ…

મોડેલમાંથી હિન્દી, તેલુગુ અને તામિલ ફિલ્મોની અભિનેત્રી બનેલી મુંબઈનિવાસી અમીરા દસ્તૂરે કોરોના-લોકડાઉનમાં એણે જે ખાસ ફેશન સ્ટાઈલ અપનાવી છે એ સિમ્પલ છે અને અમીરાની સુંદરતામાં વધારો કરનારી છે. પોતાનો ખાસ લૂક અમીરાએ સોશિયલ મિડિયા પર રિલીઝ કર્યો છે. મોડેલ હોવાને નાતે અમીરાને ફેશનની ઘણી સારી સમજ છે. તસવીરોમાં એને સફેદ રંગના હાઈ-નેક અને ભરતકામવાળા ટોપ અને ગ્રે રંગના ડેનિમ શોર્ટ્સમાં જોઈ શકાય છે. મારકણી આંખોને એણે સરસ રીતે મેકઅપ કર્યો છે. તો ગુલાબી હોઠને કારણે અમીરા વધારે હોટ લાગે છે.

ફિલ્મો વિશે વાત કરીએ તો અમીરાની પહેલી હિન્દી ફિલ્મ હતી ઈશક. ત્યારબાદ એ મિસ્ટર એક્સ, કૂંગ ફૂ યોગા, કાલાકાંડી, રાજમા ચાવલ, જજમેન્ટલ હૈ ક્યા, પ્રસ્થાનમ, મેડ ઈન ચાઈના જેવી ફિલ્મોમાં ચમકી હતી. એની આગામી નવી ફિલ્મ છે ‘પિલ્ફર સિંહ’.

(તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

દાનિશ કનેરિયા ઈચ્છે છે, સૌરવ ગાંગુલી ICC પ્રમુખ બને

કરાચીઃ પાકિસ્તાનના વિવાદાસ્પદ ભૂતપૂર્વ લેગસ્પિનર દાનિશ કનેરિયાએ કહ્યું છે કે સૌરવ ગાંગુલી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાના નવા પ્રમુખ બને એ માટે પોતે સમર્થન વ્યક્ત કરે છે. કનેરિયાએ કહ્યું કે, જો ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલી આઈસીસીના પ્રમુખ બનશે તો પોતે આઈસીસી દ્વારા મૂકવામાં આવેલા આજીવન ક્રિકેટ પ્રતિબંધને દૂર કરવાની એમને અપીલ કરશે.

એક કાઉન્ટી મેચ વખતે સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં સંડોવણી બદલ કનેરિયા પર આજીવન ક્રિકેટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

પરંતુ 39 વર્ષીય કનેરિયાનું કહેવું છે કે જો ગાંગુલી આઈસીસીના નવા પ્રમુખ બનશે તો પોતાની પરનો આજીવન પ્રતિબંધ દૂર કરાય એ માટે તે સંસ્થાને અપીલ કરશે અને આઈસીસી તરફથી સકારાત્મક પ્રતિસાદ મળશે એવો એને વિશ્વાસ છે.

261 વિકેટ લેનાર કનેરિયા પાકિસ્તાનનો ટેસ્ટ ક્રિકેટરનો અત્યાર સુધીનો સૌથી સફળ બોલર છે. ઈંગ્લેન્ડમાં કાઉન્ટી સ્પર્ધામાં એસેક્સ વતી રમતી વખતે એક મેચમાં સ્પોટ-ફિક્સિંગ કર્યું હોવાનો કનેરિયા પર આરોપ મૂકાયો હતો અને ત્યારબાદ એની પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શરૂઆતમાં એણે આરોપને નકારી કાઢ્યો હતો, પણ 2018માં એણે કબૂલાત કરી હતી.

કનેરિયાએ કહ્યું છે કે આઈસીસીના પ્રમુખ બનવા માટે સૌરવ ગાંગુલી પરફેક્ટ વ્યક્તિ છે. એમના કરતા વધારે સારો ઉમેદવાર બીજો કોઈ નથી.

ગાંગુલીએ ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હતું અને સૌથી સફળ કેપ્ટન બન્યા હતા. એમની નિવૃત્તિ બાદ મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીએ સુકાનીપદ સંભાળ્યું.

ગાંગુલી હાલ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ છે.

ભારતમાં શાળા-કોલેજો ઓગસ્ટ પછી ફરી ખોલાશેઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું છે કે દેશમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે ગઈ 16 માર્ચથી બંધ કરી દેવાયેલી શાળાઓ અને કોલેજોને આ વર્ષના ઓગસ્ટ બાદ, મોટે ભાગે 15મી ઓગસ્ટ પછી ફરી ખોલવામાં આવશે.

પોખરિયાલે એક ઈન્ટરવ્યૂમાં આમ કહ્યું છે.

કેન્દ્રીય પ્રધાનની આ જાહેરાતને પગલે શાળાઓ ફરી ખુલવા વિશે રાહ જોઈ રહેલા આશરે 33 કરોડ જેટલા વિદ્યાર્થીઓના મનમાંનો સંદેહ દૂર થયો છે ને નિરાંત થઈ છે.

મે મહિનાના અંતભાગમાં અમુક અહેવાલો એવા હતા કે શાળા-કોલેજો જુલાઈમાં ફરી ખોલવામાં આવશે, પરંતુ 8મા ધોરણ સુધીના બાળકોને તો ઘેર જ રહેવું પડશે, માત્ર 30 ટકા હાજરી સાથે જ શાળાઓ ફરી શરૂ કરવામાં આવશે.

જોકે હવે પોખરિયાલની જાહેરાત થઈ ગઈ છે કે શાળા-કોલેજો જુલાઈમાં નહીં, પણ ઓગસ્ટ પછી ફરી ખોલવામાં આવશે.

ઈન્ટરવ્યૂ લેનારે પોખરિયાલને ફરી પૂછ્યું હતું કે શું શાળા-કોલેજો ઓગસ્ટ પછી ખૂલશે? ત્યારે પોખરિયાલે જવાબ આપ્યો હતો, ‘હાસ્તો વળી.’

દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ શાળાઓ ફરી ખોલવા માટે એક પત્ર લખીને વિનંતી કરી હતી. એમણે આ જાણકારી ટ્વીટના માધ્યમથી કરી હતી. એમણે પત્રમાં લખ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે કોરોનાના સહઅસ્તિત્વનો સ્વીકાર કરીને આપણે શાળાઓની ભૂમિકા નવેસરથી નક્કી કરવી જોઈએ. શાળાઓને જો સાહસિક ભૂમિકા માટે તૈયાર કરવામાં નહીં આવે તો એ આપણી ઐતિહાસિક ભૂલ હશે. શાળાઓની ભૂમિકા પાઠ્યપુસ્તકો સુધી સીમિત રહેવી ન જોઈએ, પણ બાળકોને જવાબદાર જીવન જીવવા માટે તૈયાર કરવાની પણ રહેશે.

K9 રોબોટ ડોગઃ થાઈલેન્ડના મોલમાં લોકોને કોરોના ચેપથી બચાવે છે

બેંગકોકઃ K9 નામનો શિકારી કૂતરો જે 5જી ટેકનોલોજીથી ચાલનાર રોબોટ છે, તે બેંગકોક શહેરના પ્રખ્યાત સેન્ટ્રલ વર્લ્ડ મોલમાં ટહેલિયા કરતો હોય છે. એનું કામ ફક્ત ટહેલવાનું નથી. આ રોબોટ ડોગ શોપિંગ મોલમાં આવનાર લોકોને એમના હાથને સેનેટાઈઝ કરવામાં મદદરૂપ થાય છે!

થાઈલેન્ડમાં પણ કોરોના વાયરસના 3,101 કેસ સામે આવ્યા છે. જેમાં 58 લોકો કોરોના વાયરસને કારણે મૃત્યુ પામ્યાં છે.

થાઈલેન્ડે પોતાને ત્યાં કોરોના વાયરસથી બચવા માટે રાખેલા પ્રતિબંધો હળવાં કર્યા છે. તો સાવચેતીના પગલારૂપે થાઈલેન્ડના એક મોલે પણ અણધાર્યા પગલાં લીધા છે.

થાઈલેન્ડના એક મોલે એક રોબોટ રાખ્યો છે. જેનો દેખાવ એક શિકારી કૂતરા જેવો છે. આ રોબોટ ડોગ શોપિંગ મોલમાં ફરતો રહે છે. બાળકો પાસે આવીને તેમને તેેમજ અન્ય ગ્રાહકોને હેન્ડ સેનિટાઈઝરની વહેંચણી કરે છે.

થાઈલેન્ડે અપનાવેલી 5જી સ્પીડ આધારિત આ ટેકનોલોજી હજુ તો એના પ્રારંભિક તબક્કામાં છે. છતાં તે તાત્કાલિક પ્રત્યાઘાત આપતી સુપરફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ ધરાવતી ટેકનોલોજી છે.

5જીથી સંચાલિત K9 રોબોટના સાથીદારોમાં છે. ROC જે માણસોના શરીરનું તાપમાન નોંધવાની કામગીરી કરે છે. તો LISA એ કસ્ટમર સર્વિસ રોબોટ છે.

આ K9 રોબોટ કૂતરો નાનકડા અને ઉત્સાહી રમતિયાળ ગલુડિયા જેવી નકલ કરતો આખા મોલમાં ફર્યા કરે છે અને બાળકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતો રહે છે. બાળકો પણ એને જોતાં જ આનંદિત થઈને એની પીઠ પર લાગેલી સેનેટાઈઝરની બોટલ લેવા માટે ઉત્સુકતાથી પોતાનો વારો આવે એની રાહ જોતાં ઊભા રહે છે!

મોબાઈલ ઓપરેટર કંપની ‘એડવાન્સ ઈન્ફો સર્વિસસ’ (AIS)ના મહિલા માર્કેટિંગ ઓફિસર પેટ્રા સક્તિદેજભાનુબન્ધનું કહેવું છે કે, ‘આ એક બહુ સારી વાત છે કે, કોરોના વાયરસના સંક્રમણથી બચવાની સાવધાનીરૂપે હાથ ધોવા માટેનો આ ઉપાય લોકો માટે ઘણો અનુકૂળ છે.’

આ વર્ષના અંત સુધીમાં સ્માર્ટ ફોનમાં 5જી નેટવર્ક લાવવાનું AISનું લક્ષ્ય છે.

પેટ્રા AFPને જણાવે છે કે, ‘લોકોને K9 રોબોટ બહુ રૂપકડો અને પ્યારો લાગે છે.’ વધુમાં તેઓ કહે છે કે, ‘આશા રાખું છું કે લોકોના રોબોટને લઈને કાલ્પનિક ભય કે, તે માણસની જગ્યા પડાવી લેશે, તેવો ભય દૂર થવો જોઈએ. રોબોટ અહીં ફક્ત માણસોની સહાયતા માટે છે. તેમની જગ્યા પડાવી લેવા માટે તો નથી જ.’

જો કે, આ શોપિંગ મોલમાં દુકાન ધરાવનાર 29 વર્ષીય લપાસ્સાનાન બૂરાનાપટપાકોર્ન રોબોટના દેખાવથી અસહમત છે. તે કહે છે, આ રોબોટની હાડપિંજર જેવી દેખાતી યાંત્રિક સંરચના બિહામણી લાગે છે.’ તે ઉમેરે છે, ‘રોબોટ ડરામણો લાગે છે. પરંતુ તે હેન્ડ સેનિટાઈઝર આપે છે, તે આઈડિયા બહુ મજાનો છે.’

થાઈલેન્ડે સોશિયલ ડિસ્ટન્સનો નિયમ લાગૂ રાખીને કોવિડ-19ને લગતા વ્યાપાર પરના પ્રતિબંધો હટાવી લીધા છે. ત્યાં વર્તમાન સમયમાં કોરોના સંક્રમણના 3,101 કેસ છે અને 58 લોકો આ વાયરસને કારણે મૃત્યુ પામ્યા છે.

સપ્ટેંબરના મધ્યમાં ભારત કોરોના-મુક્ત થશેઃ હેલ્થ નિષ્ણાતોનો દાવો

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો રોગચાળો આવતા સપ્ટેંબરના મધ્યમાં અંત પામે એવો દાવો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના બે પબ્લિક હેલ્થ એક્સપર્ટે કર્યો છે. આ બંને નિષ્ણાતે એમના અનુમાન માટે ગણિતના મોડલ-આધારિત એક વિશ્લેષણનો ઉપયોગ કર્યો છે.

આ વિશ્લેષણમાં એવું દર્શાવાયું છે કે કોરોના ચેપનું ગુણાંકન 100 ટકા સુધી પહોંચી જશે ત્યારે આ રોગ ભારતમાં નષ્ટ થશે.

આ એનાલિસિસ આરોગ્ય મંત્રાલય અંતર્ગતના DGHSના ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ (પબ્લિક હેલ્થ) ડો. અનિલ કુમાર અને DGHSના ડેપ્યૂટી આસિસ્ટન્ટ ડાયરેક્ટર (લેપ્રસી) રૂપાલી રોયે તૈયાર કરી છે અને એને ઓનલાઈન સામયિક એપિડેમિઓલોજી ઈન્ટરનેશનલમાં પ્રકાશિત કરવામાં આવી છે.

ભારતમાં શનિવારે એક જ દિવસમાં કોરોના વાઈરસના નવા 9,887 કેસ નોંધાયા હતા અને મરણાંક વધીને 6,642 પર પહોંચ્યો હતો.

એમણે આ એનાલિસિસ તૈયાર કરવા માટે બેઈલીના મેથેમેટિકલ મોડલનો ઉપયોગ કર્યો છે.

દેશભરમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના 61 હજારથી વધારે નવા દર્દીઓ નોંધાયા છે. આ પરિસ્થિતિ હોવા છતાં સપ્ટેંબર સુધીમાં ભારત કોરોના-મુક્ત થઈ જશે એવો દાવો બંને હેલ્થ નિષ્ણાતોએ કર્યો છે.

ભારતમાં કોરોનાનો ચેપ લાગવાની શરૂઆત ગઈ 2 માર્ચથી થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ રોગના દર્દીઓની સંખ્યા સતત વધતી જ રહી છે. એ સંદર્ભમાં, કુલ કોરોનાગ્રસ્તો, આ બીમારીથી સાજા થયેલા લોકોની સંખ્યા અને મૃત્યુ પામેલાઓની સંખ્યાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ આંકડાને બેઈલીઝ રિલેટિવ રિમૂવલ રેટ પદ્ધતિથી અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

વાહ ભાઈ વાહ! ૭ જૂન, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૭ જૂન, ૨૦૨૦

મુંબઈના ગોવંડીમાં ફાર્મા કંપનીમાંથી ગેસ લીક થતાં લોકોમાં ગભરાટ

મુંબઈઃ પૂર્વ મુંબઈના ઘાટકોપર, ચેંબૂર, ગોવંડી, કાંજુરમાર્ગ, વિક્રોલી, પવઈ જેવા કેટલાક ભાગોમાં ગઈ કાલે મોડી રાતે ગેસની વાસ, કોઈક દુર્ગંધ આવતી હોવાની અનેક રહેવાસીઓએ ફરિયાદ કરી હતી. મહાનગરપાલિકાના તંત્રએ ત્વરિત પગલાં લીધા હતા.

મહાનગરપાલિકાના ટ્વિટર હેન્ડલ પર રહેવાસીઓને જણાવાયું હતું કે ગભરાવાની જરૂર નથી. પરિસ્થિતિ પર ચાંપતી નજર રખાઈ રહી છે. દુર્ગંધ આવે તો નાક ઢંકાઈ જાય એ રીતે ચહેરાને ભીના ટુવાલ કે કપડાથી કવર કરવો.

એક અહેવાલ મુજબ, ગોવંડી ઉપનગરમાં યૂ.એસ. વિટામીન ઈન્ડિયા લિમિટેડ નામની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ગેસ લીક થયો હતો.

ચીફ ફાયર ઓફિસર પી.એસ. રહાંગડેએ ગેસ લીક થયાના અહેવાલોને સમર્થન આપ્યું હતું.

પૂર્વના ઉપનગરોના ઘણાં લોકો દુર્ગંધને કારણે ગઈ કાલે આખી રાત સૂઈ શક્યા નહોતા. અમુક રહેવાસીઓનાં જણાવ્યા મુજબ ગેસની વાસ સવારે લગભગ ચારેક વાગ્યે બંધ થઈ હતી.

ફાયર બ્રિગેડના અધિકારીઓએ કહ્યું હતું કે ગોવંડીમાં યૂ.એસ. વિટામીન ઈન્ડિયા લિમિટેડ નામની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ગેસ લીક થયો હતો. ફાયરમેનોને તરત જ ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવ્યા હતા. ગેસ ગળતરની ઘટનાની તપાસ ચાલી રહી છે.

ગઈ કાલે મોડી રાતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમને શહેરના પૂર્વીય ઉપનગરોમાં દુર્ગંધ ફેલાઈ હોવાની ફરિયાદ કરતાં અનેક ફોન કોલ્સ મળ્યા હતા.

રાજ્યના પ્રધાન આદિત્ય ઠાકરેએ વહેલી સવારે ટ્વીટ કર્યું હતું કે, પરિસ્થિતિ અંકુશ હેઠળ છે. મુંબઈના કેટલાક ભાગોમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદોના સંદર્ભમાં મુંબઈ ફાયર બ્રિગેડ તથા અન્ય તમામ સંભવિત અને જરૂરી તંત્રોને કામે લગાડવામાં આવ્યા હતા. મારી તમામ નાગરિકોને અપીલ છે કે તેઓ ગભરાય નહીં. તમારા ઘરની બારીઓ બંધ કરી દો. મુંબઈ મહાનગરપાલિકા આ પરિસ્થિતિ પર સક્રિય રીતે નજર રાખી રહી છે.

મહાનગર ગેસ લિમિટેડના અધિકારીઓએ કહ્યું હતું કે આ દુર્ગંધને એમની કંપની સાથે કોઈ લેવાદેવા નથી. એમજીએલને પણ ગેસની વાસ આવતી હોવા વિશે અનેક ફરિયાદો મળી્ હતી. કંપનીની ઈમરજન્સી ટૂકડીઓને સ્થળો પર મોકલવામાં આવી હતી, ગેસ પાઈપલાઈન સિસ્ટમ્સનું ચેકિંગ કરાયું હતું, પરંતુ ક્યાંય કોઈ પ્રકારનો ગેસ લીક થયાનું માલૂમ પડ્યું નહોતું.