Home Blog Page 4781

પંચાંગ 02/06/2020

રાશિ ભવિષ્ય 02/06/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે, મિત્રો થકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગ ક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ, સલાહકાર, કોમ્પ્યુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

અમેરિકામાં રમખાણઃ લશ્કર તૈનાત કરવાની ટ્રમ્પે ધમકી આપી

વોશિંગ્ટનઃ એક અશ્વેત નાગરિકનું પોલીસના તાબા વખતે મરણ નિપજ્યા બાદ અમેરિકાભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા છે. હિંસક દેખાવોનો અંત લાવવા માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લશ્કરને તૈનાત કરવાની ધમકી આપી છે.

ગઈ કાલે વ્હાઈટ હાઉસ નજીક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને શાંતિપૂર્વક દેખાવો કરતા હતા, પણ પોલીસે એમને વિખેરવા માટે અશ્રુવાયુ છોડ્યો હતો અને રબરની ગોળીઓ ફાયર કરી હતી.

રોઝ ગાર્ડનમાં કરેલા સંબોધનમાં ટ્રમ્પે સંકલ્પ કર્યો હતો કે મોટા શહેરોમાં ફાટી નીકળેલા રમખાણોનો તેઓ તાત્કાલિક અંત લાવી દેશે. એમણે કહ્યું કે જો રાજ્યોના ગવર્નરો નેશનલ ગાર્ડની મદદ લેવાની ના પાડશે તો પોતે લશ્કરને તૈનાત કરશે. હિંસાને રોકવા માટે શહેરોના મેયરો અને ગવર્નરોએ વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવો જ પડશે. જો કોઈ શહેર કે રાજ્ય પગલાં ભરવાનો ઈનકાર કરશે તો રહેવાસીઓના જાન-માલનું રક્ષણ કરવા માટે હું યુનાઈટેડ સ્ટેટ્સ મિલિટરીને તૈનાત કરી દઈશ અને સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી દઈશ.

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી કરેલા સંબોધનમાં કહ્યું હતું કે હું દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આપનો પ્રમુખ છું અને શાંતિપૂર્ણ દેખાવકારોનો સાથી છું. પરંતુ, અમુક દિવસોથી દેશ અરાજકતાવાદીઓ, હિંસક ભીડ, અપરાધીઓ, હુલ્લડખોરો અને આગચંપી કરનારાઓ સકંજામાં આવી ગયો છે.

ઉલ્લેખનીય છે કે મિનીપોલીસ શહેરમાં ગયા સોમવારે એક શ્વેત પોલીસ અધિકારીએ એક અશ્વેત શખ્સને તેના ઘૂંટણ નીચે 9 મિનિટ સુધી દબાવી રાખીને મારી નાખ્યો હતો. એ શખ્સનું નામ જ્યોર્જ ફ્લોઈડ હતું અને એ 46 વર્ષનો આફ્રિકન-અમેરિકન હતો. શ્વાસ રૂંધાઈ જવાને કારણે એનું મરણ નિપજ્યું હતું. એનો વિડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે.

મૃતક જ્યોર્જ ફ્લોઈડ

એક દુકાનમાં નકલી બિલનો ઉપયોગ કરવાની શંકા પરથી જ્યોર્જ ફ્લોઈડની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યોર્જ ફ્લોઈડના મરણ માટે પોલીસ ઓફિસર ડેરેક ચોવીનની ધરપકડ કરવામાં આવી છે અને એને મિનેસોટાની જેલમાં પૂરી દેવામાં આવ્યો છે.

પોલીસ ઓફિસર ડેરેક ચોવીન

ફ્લોઈડના મરણની ઘટનાના વિરોધમાં અમેરિકાના અસંખ્ય શહેરોમાં હિંસા ફાટી નીકળી છે અને ઘણા રાજ્યોમાં કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. 23 રાજ્યો અને રાષ્ટ્રીય પાટનગર વોશિંગ્ટન ડીસીમાં નેશનલ ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે.

1968માં અમેરિકામાં માર્ટિન લુથર કિંગ જુનિયરની હત્યાને પગલે જે કોમી રમખાણો થયા હતા ત્યારપછી આ પહેલી જ વાર આટલા મોટા પાયે દેશમાં કોમી રમખાણો થયા છે. ઠેર ઠેર દેખાવકારોએ પોલીસ વાહનોને આગ ચાંપી છે. રમખાણોમાં શ્વેત અને અશ્વેત, બંને પક્ષના લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો છે.

ગુજરાત/મહારાષ્ટ્ર પર વાવાઝોડા ‘નિસર્ગ’નું સંકટ 

અમદાવાદ/મુંબઈઃ  ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં વધુ એક ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવાની આગાહી કરી છે. હાલ ‘નિસર્ગ’ વાવાઝોડું સુરતથી 920 કિલોમીટર દૂર દરિયામાંથી આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના 159 ગામોને ભારે અસર કરે એવી શક્યતા છે. આ વાવાઝોડાના જોખમને કારણે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિની આજે બેઠક યોજાઈ હતી. આ સંભવિત વાવાઝોડા વિશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લા કલેક્ટરો સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી સ્થિતિની સમીક્ષા કરીને માહિતી મેળવી હતી.

મુખ્ય પ્રધાને લોકોને બહાર ન નીકળવાની અપીલ કરી

રૂપાણીએ દક્ષિણ ગુજરાત, ભાવનગર અને અમરેલીના લોકોને ત્રીજી અને ચોથી જૂને જરૂર વિના બહાર ન નીકળવાની અપીલ કરી છે. તેમણે દરિયાકિનારાના વિસ્તારોમાં લોકો તેમ જ અગરિયાઓ સહિત નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષીત જગ્યાએ સ્થળાંતર કરવાની અપીલ કરી છે. તેમણે જિલ્લા કલેકટર્સને પણ આ માટે સૂચના આપી છે.

NDRFની 10 અને SDRFની પાંચ ટીમ તહેનાત

આ વાવાઝોડાના જોખમને ધ્યાનમાં લઈને સરકારે NDRFની 10 ટીમો અને SDRFની પાંચ ટીમોને તહેનાત કરી દીધી છે અને જરૂર પડશે તો વધારાની ટીમો નજીકના વિસ્તારોમાં અનામત રાખવામાં આવ્યું હોવાનું મુખ્ય પ્રધાને કહ્યું છે.

દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતું વાવાઝોડું

હવામાન વિભાગે કહ્યું છે કે અરબી સમુદ્ર અને લક્ષદ્વીપમાં નીચું દબાણ ક્ષેત્ર સર્જાયું છે, જે આગળ જતાં ચક્વાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. નિસર્ગ વાવાઝોડું આવતા બુધવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના કાંઠાળ વિસ્તારોમાં ટકરાવાની શક્યતા છે.  હવામાન વિભાગે ત્રણ-ચાર જૂને તટવર્તી વિસ્તારોમાં  રેડ અલર્ટ જારી કર્યું છે. આ વાવાઝોડાને પગલે દમણ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાઓમાં હાઇ અલર્ટ કરવામાં આવ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાના 109 ગામોને વધુ પ્રભાવિત કરશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીનાં 50 ગામો પણ પ્રભાવિત થઈ શકે છે.

વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાં ત્રીજી જૂને વહેલી સવારે ફૂંકાવાની શક્યતા

આ વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાં ત્રીજી જૂને વહેલી સવારે ત્રાટકવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, ભાવનગર અને અમરેલીમાં આ વાવાઝોડાની વધુ અસર થશે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત, ભરૂચ ડાંગ અને નવસારી જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ માટે દરિયાકિનારાના 34 ગામોને અલર્ટ કરવામાં આવ્યા છે.

ભારે વરસાદની આગાહી

રાષ્ટ્રીય હવામાન વિભાગનાં પ્રમુખે કહ્યું છે કે ચોથી જૂને તટવર્તી મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત માટે રેડ અલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ચક્રવાતી વાવાઝોડાને પગલે આ ક્ષેત્રોમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે. ત્રીજી જૂને વરસાદ થવાની સંભાવના છે. ત્રીજી જૂને મહારાષ્ટ્રના તટવર્તી અને ગોવા માટે રેડ અલર્ટ અને ગુજરાત માટે ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં પરાવર્તિત

તેમણે કહ્યું છે કે દક્ષિણ-પૂર્વ અને એનાથી નજીકના મધ્ય-પૂર્વ અરબ સાગર અને લક્ષદ્વીપ ક્ષેત્રમાં જે નીચું દબાણનું ક્ષેત્ર બન્યુ છે, એ આગામી 24 કલાકમાં ઝડપથી ડીપ ડિપ્રેશનમાં બદલાશે, ત્યાર બાદ એ ઝડપી બનીને ત્રીજી જૂન સુધીમાં ઉત્તર મહારાષ્ટ્ર અને ગુજરાતના તટે પહોંચશે.

માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ

 હવામાન વિભાગે ગુજરાતના માછીમારોને ચાર જૂન સુધી સમુદ્રમાં ના જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં બધાં પોર્ટો માટે અલર્ટ જારી કર્યું છે. ચાર જૂન સુધી આ વિસ્તારોમાં પ્રતિ કલાકે 90થી 100 કિલોમીટરથી હવા ચાલશે અને એ હવા ઝડપ વધીને પ્રતિ કલાક 176 કિલોમીટર પહોંચવાની શક્યતા છે, જેનાથી સમુદ્ર ખતરનાક રૂપ લે એવી ધારણા છે.

સરકાર અને સિવિલ સોસાયટીની વચ્ચે વધુ સમન્વયની જરૂરઃ સર્વે

દેશમાં કોરોના વાઇરસને પગલે લોકકડાઉન કરવામાં આવ્યું હતું. આ લોકડાઉનમાં સિવિલ સોસાયટીના લીડર્સની ધારણાઓ કઈ હતી અને તેમનો અનુભવ કેવો રહ્યો એ વિશે એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ત્રીજી મેથી 10 મે, 2020ની વચ્ચે આશરે 65 સિવિલ સમાજના નેતાઓનો કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણમાં સરકાર અને સિવિલ સોસાયટીની વચ્ચે વધુ સમન્વયની આવશ્યકતાની જરૂર છે એવો નિષ્કર્ષ નીકળ્યો છે. કોવિડ-19 સંકટનો સામનો કરવા માટે ચાલી રહેલા કામ વિશે પોતાના અનુભવો અને ધારણાઓનું અનુમાન લગાવવા માટે  કરવામાં આવેલા સર્વેમાં વિવિધ ભૌગોલિક ક્ષેત્રોમાં કામ કરી રહેલા સંગઠનના નેતાઓને સામેલ કરવામાં આવ્યા હતા.

આ સર્વેના પરિણામની પ્રતિક્રિયા આપતાં પ્રોફેસર મધુકર શુકલા અને એમએસ શ્રીરામ –સિવિલ સમાજના બે શ્રેષ્ઠ શોધકર્તાઓએ સિવિલ સમાજ માટે આ અભૂતપૂર્વ સમયમાં વ્યૂહરચના અને કાર્યપદ્ધતિઓને ફરી બનાવવા પર ભાર મૂક્યો હતો. આ નિષ્કર્ષોને આધારે તેમણે લેવડદેવડ આધારિત મોડલ (ટ્રાન્ઝેક્શન બેઝ્ડ મોડલ)ને બદલે વિશ્વાસ આધારિત મોડલ (ટ્રસ્ટ બેઝ્ડ મોડલ)નો પ્રસ્તાવ મૂકવાનું સૂચવ્યું હતું. જે કાર્યકર્તાઓને વધુ સ્વાયત્તતા અને સ્વતંત્રતા પ્રદાન કરશે.

  • સર્વેક્ષણના મુખ્ય નિષ્કર્ષ

સમાજના લોકો સરકારી સેવાઓ અને નીતિઓનો લાભ નથી લઈ રહ્યા અને એક મોટો વર્ગ કોરોના વાઇરસથી બચવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ, એનાથી પરિચિત નથી. 40 ટકાથી વધુ સંસ્થાઓએ મહેસૂસ કર્યું કે જે સમાજમાં તેઓ કામ કરી રહ્યા છે, એમાંના મોટા ભાગનાં ઘર સરકારી સુવિધાઓનો લાભ લઈ નથી રહ્યાં અને 20 ટકાથી વધુ સંગઠનોએ અનુભવ્યું કે સમાજોને જરૂરી  સતર્કતા વિશે માહિતી નથી.

 સંગઠન ઉપયોગીરૂપથી સરકારની ભાગીદાર કરવામાં સક્ષમ નથી. આશરે અડધા સિવિલ સમાજના નેતાઓએ સરકારી અધિકારીઓ સુધી સરળતાથી નથી પહોંચી શક્યા, જેથી નીચલા સ્તરે સમન્વય કરવાની તાતી જરૂર છે. બે તૃતીયાંશથી વધુ લોકોએ અનુભવ કર્યો કે નીતિ બનાવનારા અધિકારીઓ તેમના સૂચનોને લઈને બહુ ગંભીર નથી. ગ્રામીણ ક્ષેત્રોમાં કામ કરતા નાનાં સંગઠનો માટે સરકારી અધિકારીઓ સુધી પહોંચવું વધુ મુશ્કેલ બન્યું છે.

માત્ર આશરે 10 ટકા સંગઠનોના જવાબોથી માલૂમ પડ્યું છે કે તેઓ સીધા સરકારના પ્રયાસોમાં સામેલ છે અને 40 ટકાથી વધુ લોકોએ કહ્યું હતું કે તેમને કામ કરવા માટે સરકારની સાથે સમન્વય કરવામાં સૌથી મોટા પડકારો સામેલ હતા.   

  • સરકારી સૂચનાઓ અને નિર્દેશ ભ્રામક છે/ સમજવામાં મુશ્કેલ છેઃ આશરે અડધા સિવિલ સમાજ સંગઠનોને પોતાનાં કામ માટે સરકારી નિર્દેશોને સમજવામાં મુશ્કેલી થઈ છે. રાહત પ્રયાસો માટે નાણાં સંસાધનોને એકત્ર કરવામાં બધો સમય જતો રહ્યો. આ સર્વેક્ષણમાં માલૂમ પડ્યું હતું કે નાણાં સંસાધનો એકત્ર કરવા સંગઠનો માટે સૌથી વધુ સમય લેનારી કામગીરી કરી છે અને આશરે 60 ટકા સંગઠનો માટે સૌથી મોટા પડકારોમાંનો એક છે. જરૂરી સંસાધનોનો એક મોટો ભાગ સ્વતંત્ર રાહત પ્રયાસો માટે (સરકારની કોઈ પણ મદદ વિના) થઈ શકે છે, જેમાં અડધા સંગઠનોએ પોતાનો મોટા ભાગનો સમય જવાની સૂચના આપી હતી.
  • નાગરિક સમાજના નેતત્વ દાતાઓ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા અન્ય પ્રયાસોની ઉપેક્ષાની ચિંતા છેઃ કેટલાક નેતાઓએ અન્ય મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો જેવાં કે કુપોષણ, શિક્ષણ, ઘરેલુ હિંસા, બાળ દુર્વ્યવહાર અને મહિલાઓના અધિકારોના મુદ્દાઓની ઉપેક્ષા અથવા તેમને નજરઅંદાજ કરવાના સંદદર્ભામાં પોતાની ચિંતાઓ જાહેર કરી હતી. કેટલાંક સંગઠનોએ વ્યક્ત કરી હતી કે આ કેટલાંક વર્ષોના સામૂહિક પ્રયાસો અને પ્રગતિને ધીમી પાડશે. એક ચતુર્થાંશથી વધુ લોકોએ કહ્યું છે કે તેમની કામગીરીની પુનઃયોજના અને દાતાઓની સાથે સમન્વય અને સંચારમાં તેમનો વધુ સમય વ્યતીય થઈ રહ્યો છે.

  • મુખ્ય સૂચનો (સિવિલ સમાજના નેતૃત્વ દ્વારા પ્રસ્તાવિત)

 (ફન્ડિંગ સંસ્થાઓ) માટે

  • સંસ્થાઓ દ્વારા વર્તમાનમાં અભૂતપૂર્વ પડકારો સામનો કરવા માટેને સમયમર્યાદા, રિપોર્ટિંગ માપદંડો અને ડેટાની આવશ્યકતાઓને લવચીકતા પ્રદાન કરવામાં આવે.
  • સંગઠનોને વિશ્વાસ અપાવવામાં આવે કે સમાજના અન્ય મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોને નજરઅંદાજ ના કરવામાં આવે.

વિવિધ સ્તરોએ સરકારો માટે

  • નાનાં ભૌગોલિક ક્ષેત્રો (જેવાં કે શહેરી વિસ્તારો અને બોર્ડ અથવા ઝોન) ના વહીવટ માટે સ્થાનિક કાર્યકર્તાઓ જેવી કે સ્થાનિક સરકારો અને સામૂહિક સંગઠનોને સામેલ કરવા
  • નાના વેપારીઓ અને ખેડૂતોને નાણાકીય સહાય કરવી
  • ગ્રામીણ ક્ષેત્રમાં મનરેગાના માધ્યમથી તત્કાળ રોજગાર ઉપલબ્ધ કરાવવો

આ અહેવાલ પ્રોફેસર અંકુર સરિન દ્વારા IIM–અમદાવાદની સંશોધનકારોની ટીમ – બિયાન્કા શાહ, ઇસુ ગુપ્તા, કરણ સિંઘલ અને શ્રદ્ધા ઉપાધ્યાય સાથે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો. તેઓ ડેટા એનાલિસિસ અને વિઝ્યુલાઇઝેશનમાં મદદ કરવા બદલ પ્રિયંકા સાહુના આભારી છે.

19 જૂને યોજાશે રાજ્યસભાની ચૂંટણી; ગુજરાતની 4 બેઠકો પર જંગ

અમદાવાદ: 70 દિવસ બાદ દેશમાં ચૂંટણીનો માહોલ ફરી સર્જાવા જઈ રહ્યો છે. રાજ્યસભાની આગામી ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કારણે મુલતવી રાખવામાં આવેલી રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે.

ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો સહિત દેશભરમાં કુલ 18 બેઠકો માટે 19 જૂને ચૂંટણી યોજાશે. 19 જૂને સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે.

ગુજરાતની 4 બેઠકો પર 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી કરી છે જ્યારે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી નોંધાવી છે.

કોરોના વેક્સીન બનાવનાર ટીમમાં ભારતીય મૂળની ચંદ્રબલી દત્તા સામેલ

લંડનઃ આખા વિશ્વમાં કોરોના વાઈરસ કેર વર્તાવી રહ્યો છે અને અત્યાર સુધી વાઈરસે લાખો લોકોને પોતાના ભરડામાં લઈ ચૂક્યો છે. આ વાઈરસની સામે લડવા માટે હજુ સુધી કોઈ દવા કે રસી ઉપલબ્ધ થઈ શકી નથી. જોકે આ મહામારી સામે લડવા માટે દુનિયાભરમાં પોત-પોતાના સ્તરેથી પ્રયાસ થઈ રહ્યા છે. વિશ્વના અનેક દેશ દિવસરાત એક કરીને આ મહામારીનો ઉકેલ શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

કોરોનાની રસી બનાવવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા એક રિસર્ચ ટીમની સ્થાપના કરવામાં આવી છે. આ ટીમમાં ભારતીય મૂળની એક મહિલા ચંદ્રબલી દત્તાને પણ સ્થાન મળ્યું છે. લંડનમાં આવલ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં દુનિયાભરના ડોક્ટર્સ અને વૈજ્ઞાનિક કોરોના સામે લડવા માટે રસી તૈયાર કરવામાં લાગ્યા છે. ચંદ્રબલી દત્તા એ જ ટીમનો ભાગ છે. અહીં તે કવોલિટી એન્શ્યોરન્સ મેનેજર તરીકે કામ કરી રહી છે. હજુ સુધી આ ટ્રાયલ બીજા અને ત્રીજા ચરણમાં છે. આ વેક્સીનને ChAdOx1 nCoV-19 નામ આપવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ રસી કોરોના વાઈરસથી બચાવમાં અસરકારક સાબિત થશે.

ચંદ્રબલી દત્તા જણાવ્યું કે, સામાન્ય રીતે રસીને પૂરી રીતે ઉપયોગી બનતા 2-3 વર્ષનો સમય લાગે છે. પરંતુ આ ખતરનાક બીમારીને જોતા અમે ખૂબ જ ઝડપથી આ રસી બનાવવા માટે પ્રયત્નશીલ છીએ. આપણે બધા આશા કરી રહ્યા છે કે, આ આગળના તબક્કામાં કામ કરશે, આખુ વિશ્વ આ રસી તરફ જોઈ રહ્યુ છે.

ચંદ્રબલી દત્તાનો જન્મ કોલકાતામાં થયો હતો. તેમણે અહીંથી જ એન્જિનિયરિંગ અને બોયટેક્નોલોજીમાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. બાળપણથી જ તેમને ગણિત અને જીવવિજ્ઞાનમાં ખૂબ જ રસ હતો. ત્યાં સુધી કે તેમણે કોમ્પ્યુટર સાયન્સનો પણ અભ્યાસ કર્યો છે. એટલુ જ નહીં તેમણે એસેન્ચરમાં એસોસિએટ સોફ્ટવેર એન્જિનિયરના પદ પર જોબ પણ કરી છે.

લોકડાઉન 5.0નો આરંભ; અનેક રાહતોનો લાભ લેતા લોકો…

કોરોના વાઈરસ મહાબીમારીને ફેલાતી રોકવા માટે દેશભરમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેએ પૂરો થયો અને 1 જૂન, સોમવારથી પાંચમો તબક્કો શરૂ થયો. લોકડાઉન 5.0માં લોકોને અનેક પ્રકારની છૂટછાટો-રાહત આપવામાં આવી છે. એનો લાભ લઈને કેટલાક લોકો મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા, તો હાઉસિંગ સોસાયટીની અંદર જ કેટલાક કસરત કરતા હતા. 1 જૂનથી 200 પેસેન્જર ટ્રેનોની સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. ટ્રેનોની અંદર પ્રવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સ રાખીને સફર કરી હતી. લોકડાઉન-5ને 30 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે.

ઉ.પ્ર.ના પ્રયાગરાજમાં ગંગા દશેરા નિમિત્તે ગંગા નદીમાં સ્નાન કરતા શ્રદ્ધાળુઓ.

લખનઉથી દિલ્હી જવા રવાના થયેલી શ્રમિક ટ્રેનને લીલી ઝંડી બતાવતા ગાર્ડ

સ્ટેશન પર પ્રવાસીઓની રાહ જોતા કૂલીઓ

ઘરવપરાશની ચીજો વેચવા સાઈકલ પર નીકળેલા ફેરિયાઓ

મથુરામાં બસની અંદર ટિકિટ આપતા મહિલા કંડક્ટર

મુંબઈના શ્રમિકોને પ્રેમનો સ્પર્શ એટલે ‘સર્કલ ઓફ લવ એન્ડ કેર’

અમદાવાદઃ કોરોના વાઇરસના સંકટને કારણે દેશભરમાં છેલ્લા બે મહિનાથી લોકડાઉન છે. આ લોકડાઉનને પગલે સૌથી વધુ કફોડી હાલત શ્રમિકો, દૈનિક મજૂરો અને પ્રાણીઓની થઈ છે. આ ઉપરાંત અનેક ફ્રન્ટલાઇનર્સ, દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આવા મુશ્કેલીના સમયમાં શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર સંસ્થા વહારે આવી છે. આ સંસ્થાના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈની પ્રેરણાથી તેમની સુરક્ષા અને સહાય માટે વિશ્વભરમાં ફેલાયેલા 2000થી વધુ સ્વયંસેવકો દ્વારા વિશ્વનાં 50 શહેરોમાં રાહતકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરનું ‘સર્કલ ઓફ લવ એન્ડ કેર’ અભિયાન એટલે નિઃસ્વાર્થ સેવાભાવ.

માત્ર પાંચ કલાકમાં 25,000થી વધુ થેપલાંનું મજૂરોને વિતરણ

કેન્દ્ર સરકારે પ્રવાસી મજૂરોને વતન ફરવા માટે શ્રમિક ટ્રેનો શરૂ કરી હતી. કોરાનાના સંક્રમણને કારણે હોટસ્પોટમાંના મુંબઈમાં આ શ્રમિકોનો વતન પરત ફરવા ભારે ધસારો થયો હતો. શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેરના મુંબઈભરના સ્વયંસેવકોએ આ પ્રવાસી મજૂરો માટે પોષક ફૂડ પેકેટ્સ તૈયાર કરીને પહોંચાડવાનું શરૂ કર્યું હતું. તેમણે કલ્યાણ સ્ટેશને માત્ર પાંચ કલાકમાં 25,000થી વધુ થેપલાં તૈયારીને મજૂરોને વિતરણ કર્યું હતું.

સેવાભાવથી 2,65,000 શ્રમિકોને લાભ

શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરના સ્વયંસેવકોએ સમગ્ર મુંબઈના મુખ્ય રેલવે સ્ટેશનો, ટોલ નાકા, બસ ડેપો, સીએસટી, વર્લી, અંધેરી, બોરીવલી, દહિસર, ભાયંદર, સાયન, કુર્લા, થાણે અને કલ્યાણમાં લાખ્ખો શ્રમિકોને 10 દિવસમાં 4,80,000 થેપલાં, 85,000 બિસ્કિટ અને નાસ્તાનાં પેકેટસ, 60,000 ફ્રૂટી વગેરે પીણાંઓનું વિતરણ કર્યું હતું. આ સેવા ભાવથી 2,65,000 શ્રમિકોને લાભ થયો હતો.

કોર્પોરેશને શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેરનો સંપર્ક કર્યો

આ વ્યાપક અને તાત્કાલિક  સહાય જોઈને મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના અધિકારીઓ, સ્થાનિક પોલીસ સ્ટેશનો, સરકારી કર્મચારીઓ, તથા તહેસીલદારો શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરને ત્વરિત સહાય કરવા માટે સંપર્ક કરી રહ્યા હતા. આના ભાગરૂપે BMCના અધિકારીઓએ સીએસટી સ્ટેશન પર આવેલા 1500 જેટલા ભૂખ્યા શ્રમિકોને ફૂડ પેકેટ્સ પહોંચાડવા માટે સંસ્થાનો સંપર્ક કર્યો હતો. સંસ્થાના કર્મચારીઓએ જ્યાં સુધી આ શ્રમિકો માટે ફૂડ પેકેટ્સ તૈયાર થાય એ પહેલાં તેમને વચગાળાની રાહત માટે તાત્કાલિક બિસ્કિટનાં પેકેટ્સ પહોંચાડ્યાં હતા.

રેલવેના અધિકારીઓ પણ ટ્રેનોની રાહ જોતા શ્રમિકો માટે સમયસર ફૂડ પેકેટ્સ માટે સંસ્થાનો નિયમિત રીતે સંપર્ક સાધી રહ્યા છે. શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેરના સ્વયંસેવકો ટૂંકા સમયમાં આ અભિયાનને સફળ બનાવી રહ્યા છે. સંસ્થાના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ પૂજ્ય રાકેશભાઈ કહે છે કે સેવાના ત્રણ ઘટકો છે – નિષ્ઠાપૂર્ણ સેવાનો હેતુ, સમૂહ ભાવનાની શક્તિ અને ઈશ્વરીય સહાય… અને ‘સર્કલ ઓફ લફ એન્ડ કેર’ નિઃશંકપણે આ જ પરિબળોથી ચાલી રહ્યું છે.

આમ શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેરનું ‘સર્કલ ઓફ લવ એન્ડ કેર’ અભિયાન નિઃસ્વાર્થ સેવાની ભાવનામાં અનેક લોકોની જોડીને મુંબઈગરા અને શ્રમિકો વચ્ચે એક મજબૂત સેતુરૂપ બની ગયું છે.

COVID 19 કાળમાં જિયો પ્લેટફોર્મનું વેલ્યુએશન વધીને થયું 65 અબજ ડોલર – જુઓ આ રીતે…

કોરોના મહામારી દરમિયાન રૂ. 78,562 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ વર્ધક બળ પૂરું પાડ્યા બાદ પિતૃ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જિયો પ્લેટફોર્મ્સમાં હજી પણ 83 ટકા હિસ્સો જાળવી રાખ્યો છે જેના 38 કરોડ 80 લાખ ધારકો છે.


વિશેષતાઃ

* ત્રણ વર્ષ જૂના જિયો પ્લેટફોર્મનું વેલ્યૂએશન 65 અબજ ડોલર છે

* RILએ ચાર અઠવાડિયામાં પાંચ કંપનીઓ પાસેથી 10.7 અબજ ડોલરનું ફંડ હાંસલ કર્યું છે, જ્યારે દુનિયાભરમાં બીજી કોર્પોરેટ કંપનીઓ કર્મચારીઓના પગાર કાપી રહી છે અથવા મોટા પાયે છટણી કરી રહી છે

* KKR, જે ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ એશિયા ખંડમાં મોટું નામ છે, એણે જિયોની એન્ટરપ્રાઈઝ વેલ્યૂને રૂ. 5.16 લાખ કરોડ જેટલી વધારી દીધી છે


કોરોનાવાઈરસને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે આજે આંતરરાષ્ટ્રીય મર્જર્સ તથા હસ્તાંતરણ (M&A) માર્કેટ ઠપ છે ત્યારે ભારતનું અગ્રગણ્ય ડિજિટલ રિલાયન્સ જિયો પ્લેટફોર્મ સરળતાપૂર્વક આગળ વધી રહ્યું છે અને આ જ સમયગાળા દરમિયાન અબજો ડોલરનું મૂડીરોકાણ હાંસલ કરી રહ્યું છે.

જિયો પ્લેટફોર્મ્સની જે માલિક છે તે પિતૃ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) માત્ર એક જ મહિનાના ગાળામાં તેના ડિજિટલ યુનિટમાં હિસ્સો વેચવાના એક નહીં, પણ પાંચ-પાંચ રાઉન્ડ કરી ચૂકી છે.

આ બધું આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટરોના રૂપમાં છે. આમાં સોશિયલ મિડિયા જાયન્ટ ફેસબુકનો સમાવેશ થાય છે, જેણે ત્રણ વર્ષ જૂની કંપનીનું વેલ્યૂએશન રૂ. 65 અબજ વધારી દીધું છે. સહિયારું ગણીએ તો આ સોદા 10.3 અબજ ડોલર અથવા રૂ. 78,562 કરોડના થવા જાય છે. આનો ઉપયોગ RIL તેના 44 અબજ ડોલરની કિંમતના ઋણને ચૂકવી દેવા માટે કરશે.

પાંચ સોદા, જેણે જિયોને બનાવી ભારતની સૌથી મોટી ટેક કંપની

ફેસબુક-જિયો સોદોઃ માર્ક ઝુકરબર્ગની માલિકીની સોશિયલ મિડિયા કંપનીએ કહ્યું કે એ RILની ડિજિટલ કંપનીમાં 5.7 અબજ ડોલર અથવા રૂ. 43.574 કરોડ રોકશે. આ ઈન્વેસ્ટમેન્ટ સાથે જિયો પ્લેટફોર્મની વેલ્યૂ 4.62 લાખ કરોડ અથવા 65.95 અબજ ડોલર થઈ. ફેસબુકે જિયોમાં 9.99 ટકા ઈક્વિટી હિસ્સો ખરીદ્યો છે.

આ સોદાની જાહેરાત 2020ની 22 એપ્રિલે કરવામાં આવી હતી, જેનાથી ઉદાસીભર્યા વાતાવરણમાં માર્કેટને ઘણી રાહત થઈ. આનાથી વિદેશી ઈન્વેસ્ટરોનો ભારતમાંનો વિશ્વાસ પ્રસ્થાપિત થયો. આવું એવા સમયે થયું જ્યારે વિશ્વનું અર્થતંત્ર વેન્ટીલેટર પર હતું, અને માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ હતી.

એ સમયે નોવેલ કોરોના વાઈરસ રોગચાળાને કારણે દુનિયાભરમાં 2.6 અબજથી પણ વધારે લોકો કોઈકને કોઈક રીતે લોકડાઉનની અસર હેઠળ હતા અને G-20 દેશોના અર્થતંત્રો પણ બંધ પડી ગયા હતા. આ રોગચાળો ફેલાયો હતો ચીનના હુબેઈ પ્રાંતના પાટનગર વુહાન શહેરમાંથી.

સિલ્વર લેક-જિયો સોદોઃ મોટે ભાગે ટેક કંપનીઓમાં ઈન્વેસ્ટમેન્ટ કરતી ખાનગી ઈક્વિટી કંપની સિલ્વર લેકે 4 મેએ જાહેરાત કરી કે એ રિલાયન્સની ડિજિટલ પ્લે સ્ટાર્ટ-અપમાં 75 કરોડ ડોલર અથવા રૂ. 5,655.75 કરોડ રોકશે, જેના બદલામાં સિલ્વર લેકને મળશે 1.15 ટકા હિસ્સો. આ ઈન્વેસ્ટમેન્ટથી જિયોની ઈક્વિટી વેલ્યૂ રૂ. 4.90 કરોડ થઈ અને એન્ટરપ્રાઈઝ વેલ્યૂ થઈ રૂ. 5.15 લાખ કરોડ.

સિલ્વર લેકના ઈન્વેસ્ટમેન્ટથી જિયોનું ઈક્વિટી વેલ્યૂએશન 12.5 ટકા થયું, જે ફેસબુકના ઈન્વેસ્ટમેન્ટ કરતા વધારે હતું. સિલ્વર લેક એક ટેક-ઈન્વેસ્ટર છે જે એરબીએનબી, અલીબાબા, એન્ટ ફાઈનાન્સિયલ, આલ્ફાબેટની વેરિલી અને વેમો યુનિટ્સ, ડેલ ટેક્નોલોજીસ અને ટ્વિટર જેવી વૈશ્વિક ટેક કંપનીઓમાં હિસ્સો ધરાવે છે.

વિસ્ટા ઈક્વિટી પાર્ટનર્સ સોદોઃ વૈશ્વિક ઈન્વેસ્ટમેન્ટ કંપની વિસ્ટાએ જિયોમાં 2.32 ટકા હિસ્સો ખરીદવા માટે જિયોને રૂ. 11,367 કરોડ અથવા 1.5 અબજ ડોલર આપ્યા. આ સોદાની જાહેરાત કરાઈ હતી 8 મેએ, જે પિતૃ RILના તે સમયના કુલ માર્કેટ કેપિટલાઈઝેશનના 52 ટકા હતું.

જનરલ એટલાન્ટિક-જિયો સોદોઃ 17 મેએ, અમેરિકન ખાનગી ઈક્વિટી કંપની જનરલ એટલાન્ટિકે કહ્યું હતું કે તે ભારતીય ડિજિટલ સર્વિસીસ પ્લેટફોર્મ કંપની જિયોમાં 1.35 ટકા હિસ્સો ખરીદવા માટે રૂ. 6,598.38 કરોડ અથવા 85 કરોડ ડોલર ચૂકવશે. આ ઈન્વેસ્ટમેન્ટથી જિયો પ્લેટફોર્મની ઈક્વિટી વેલ્યૂ વધીને રૂ. 4.91 લાખ કરોડની થઈ અને એન્ટરપ્રાઈઝ વેલ્યૂ રૂ. 5.16 કરોડ થઈ.

ચાર અઠવાડિયામાં RILનો આ ચોથો સોદો હતો અને તે એવા સમયે થયો જ્યારે દુનિયાભરમાં અન્ય કોર્પોરેટ કંપનીઓ કર્મચારીઓના પગાર કાપવામાં કે સામુહિક ધોરણે છટણી કરવામાં ચિંતાગ્રસ્ત હતી.

KKR-જિયો સોદોઃ KKR કંપનીએ જિયોમાં 2.32 ટકા હિસ્સો ખરીદ્યો હતો અને 22 મેએ જિયો વેલ્યૂએશનની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી કંપનીઓની હરોળમાં આવી ગઈ હતી. તેનું વેલ્યુએશન એરટેલ અને વોડાફોનને ભેગી કરીએ તો જે કદ થાય એના કરતાં પણ 1.7 ગણું વધારે મોટું હતું. રૂ. 11,367 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ કરીને KKR કંપનીએ જિયોની એન્ટરપ્રાઈઝ વેલ્યૂને 5.16 લાખ કરોડ કે 68.37 અબજ ડોલર સુધી વધારી દીધી.

આમ, રૂ. 78,562 કરોડનું ધરખમ મૂડીરોકાણ મેળવ્યા પછી પણ RIL 38 કરોડ 80 લાખ ધારકો ધરાવતી જિયો કંપનીમાં 83 ટકાનો હિસ્સો ધરાવે છે. એમ કહેવાય કે, જિયો જો કોઈ દેશ હોય તો દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો ત્રીજા નંબરનો બને. તેથી ઈન્વેસ્ટરો અબજો ડોલર આમાં રોકે છે એમાં આશ્ચર્યની કોઈ જ વાત નથી.