Home Blog Page 4784

ચીન VS અમેરિકા: હોંગકોંગને લઈને બે ભાગમાં વહેંચાઈ ગઈ દુનિયા!

ન્યુયોર્ક:  ચીને બનાવેલા વિવાદિત હોંગકોંગ સુરક્ષા કાયદાના પડઘા યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં પડયા છે. દુનિયાભરના માનવાધિકારની હિમાયત કરનાર યુનાઇટેડ સ્ટેટ્સે આ કાયદાનો જોરદાર વિરોધ કર્યો અને ચીનને આડે હાથ લીધું હતું. તેમનો સાથ બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિત પશ્ચિમના તમામ દેશોએ આપ્યો. તો બીજી તરફ રશિયાએ ચીન સાથે તેમની જૂની મિત્રતા નિભાવતા આ મંચ પર પણ ચીનનો સાથ આપ્યો.  નોંધપાત્ર વાત એ છે કે, ચીની સંસદે ગુરુવારે હોંગકોંગમાં નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લાગુ કરવા માટે ઠરાવ પસાર કર્યો હતો. જેને લઈને આંતરાષ્ટ્રીય સ્તર પર ચીનનો વિરોધ થઈ રહ્યો છે. એવી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ કાયદાથી હોંગકોંગમાં માનવાધિકારનું ઉલ્લંઘન થશે.

હોંગકોંગ પર અમેરિકાની પ્રથમ કૂટનીતિક જીત

ચીનના તમામ વિરોધ છતાં આ મુદ્દો 15 સભ્યોની સુરક્ષા પરિષદમાં ઉઠાવવામાં આવ્યો હતો. ચીનની દલીલ એવી હતી કે હોંગકોંગ ચીનનો આંતરિક મામલો છે, એના પર કોઈ પણ દેશને હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. સુરક્ષા પરિષદના સભ્યો દ્વારા વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ મુદ્દા પર અનૌપચારિક ચર્ચા કરવામાં આવી. જોકે, ચીનના વિરોધને કારણે સુરક્ષા પરિષદમાં આ અંગે ખુલ્લેઆમ ચર્ચા થઈ શકી નહોતી. ચીન પર હોંગકોંગ સુરક્ષા કાયદાને નાબૂદ કરવા માટે જબરદસ્ત આંતરરાષ્ટ્રીય દબાણ કરવામાં આવ્યું છે. જોકે છેલ્લે પરિણામ શું આવશે તે તો સમય જ કહેશે પણ અમેરિકાએ ચીન પર શકંજો કસવાનું શરુ કરી દિધું છે.

ચીન અને રશિયાના રાજદ્વારીઓએ પરિષદની ચર્ચા દરમિયાન માનવાધિકાર મુદ્દા પર અમેરિકાને ઘેરવાની તૈયારી કરી. રશિયાના ઉપ સંયુક્ત રાષ્ટ્રના રાજદૂત દિમિત્રી પાલાનસ્કીએ પરિષદની ચર્ચા બાદ ટ્વિટર પર પોસ્ટ કરી હતી કે, અમેરિકાએ હોંગકોંગમાં શાંતિ અને વ્યવસ્થા માટે ચીનના અધિકારને નકારી દીધા છે.

અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ એ એક સંયુક્ત નિવેદનમાં હોંગકોંગમાં રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લાગૂ કરવાના ચીનના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આ પગલું એક દેશ બે પ્રણાલીઓના પાયાને નબળો કરી દેશે. તેમણે વધુમાં કહ્યું કે, આ કાયદાથી ચીનના આંતરાષ્ટ્રીય દાયિત્વોની સાથે સંઘર્ષ વધી જશે. આ સાથે જ હોંગકોંગ પર માનવાધિકારને લઈને પણ ચિંતા વ્યક્ત કરી.

ગેહલોત સરકાર ખેડૂતોને ત્રણ ટકાના રાહત દરે લોન આપશે

જયપુરઃ કોરોના રોગચાળાની વચ્ચે ખેડૂતોને રાહત આપવા માટે રાજસ્થાન સરકાર પહેલી જૂનથી ખેડૂતોને ત્રણ ટકા વ્યાજદરે લોન આપશે. રાજ્યના બધા જિલ્લામાં એકસાથે પાક લોનનું વિતરણ શરૂ થશે. આ યોજના હેઠળ ખેડૂતોએ તેમના પાકને ગિરવી મૂકવા પર માત્ર ત્રણ ટકા વ્યાજદરે લોન મળી શકશે. આ લોનનો સાત ટકા વ્યાજદર સરકાર ભાર ઉપાડશે. આ માટે કૃષક કલ્યાણ કોષમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રૂ. 50 કરોડનું અનુદાન આપવામાં આપવામાં આવશે. રાજ્યના સહકારપ્રધાન ઉદયલાલ આંજણાએ જણાવ્યું હતું કે લોનનું વિતરણ ચાર હજાર ગ્રામ સહકારી સમિતિઓના માધ્યમથી કરવામાં આવશે. લઘુ અને સીમાંત ખેડૂતોને રૂ. 1.50 લાખ અને મોટા ખેડૂતોને રૂ. ત્રણ  લાખની પાકની સામે લોન મળશે અને બજારમાં સારા ભાવ મળશે ત્યારે ખેડૂત તેની ઊપજ વેચી શકશે.

ખેડૂતો નાણાકીય જરૂરિયાતો પૂરી થશે

આ લોન મળવાથી ખેડૂતોની તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો પૂરી થશે. આ યોજનાથી સહકાર વિભાગના મોટા નેટવર્કનો ઉપયોગ થઈ શકશે અને બીજી બાજુ અનુદાન આપવાની ખેડૂતોનો સીધો સહકારી સમિતિઓથી સંબંધ મજબૂત થશે. રાજ્ય સરકારની ઇચ્છા દર વર્ષે રૂ. 2000 કરોડ પાક સામે લોન ખેડૂતોને મદદ કરવાની છે.

આ દેશની એક યુનિક યોજના   

સહકારપ્રધાનનો દાવો છે કે આ દેશની એક યુનિક યોજના છે. સીમાંત ખેડૂતનો અર્થ એક હેક્ટરથી ઓછી જમીન ધરાવતો ખેડૂત, જ્યારે લઘુ ખેડૂતનો અર્થ એ ખેડૂત કે જેની પાસે બે હેક્ટરથી પણ ઓછી જમીન છે. આ બંને શ્રેણીના ખેડૂતોને લાભ મળી શકશે. રાજ્યના બધા જિલ્લાઓમાં એકસાથે પાક વીમા લોનનું વિતરણ શરૂ થશે. આ યોજન હેઠળ ખેડૂતોએ પોતાની ઊપજને ગિરવી રાખીને માત્ર ત્રણ ટકા વ્યાજદરે લોન મળી શકશે. આ લોનના સાત ટકા વ્યાજદર સરકાર ભાર ઉપાડશે. આ માટે કૃષક કલ્યાણ કોશમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રૂ. 50 કરોડનું અનુદાન કરવામાં આવશે.

 

લોકડાઉનમાં ટેલિવિઝન સમાચાર અને સોશિયલ મીડિયાનું પ્રાધાન્ય…

અમદાવાદ: છેલ્લા બે મહિના કરતાં પણ વધારે સમયથી આપણે સહુ જ્યારે લોકડાઉનમાં છીએ તેવા સમયે આપણી ઘણી આદતો બદલાઈ છે. ખાસ કરીને ઘરે બેઠા વિવિધ માધ્યમોનો વપરાશ કરવામાં ઘણું પરિવર્તન આવ્યું છે જેના પરિણામ સ્વરૂપે આ સમયગાળામાં લોકોએ સમાચાર જોવા માટે પહેલા ટીવી સમાચાર, બાદમાં સોશિયલ મીડિયા અને ત્રીજા નંબરે અખબારોની પસંદગી કરી છે. અમદાવાદ સ્થિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ (NIMCJ) દ્વારા થયેલા સર્વેક્ષણમાં આ તારણો સામે આવ્યા છે.

આ સર્વેક્ષણ માટે એવી પૂર્વધારણા બાંધવામાં આવી હતી કે યુવાનો, વ્યવસાયિકો, ગૃહિણીઓ લોકડાઉનના સમયમાં પોતાનો મહત્તમ સમય ઓનલાઇન રમતો રમવામાં, ફિલ્મો અને વેબસિરીઝ જોવામાં પસાર કરે છે પરંતુ પરિણામો અને તારણો કંઈક જુદા જ જોવા મળ્યા હતાં.

‘એક્સપ્લેનેટરી રીસર્ચ મેથડ’ આધારિત આ સર્વેક્ષણમાં પ્રશ્નોત્તરીને લોકોની માધ્યમ અગ્રતા, ડેટા, માધ્યમ સામગ્રીનો ઉપયોગ વગેરેના આધારે તૈયાર કરવામાં આવી હતી. ડેટા વિવિધ પ્રકારના ચલો જેવા કે ઉંમર, જાતિ, શૈક્ષણિક યોગ્યતા, સામગ્રી ઉપયોગની ક્ષમતા, ડિજિટલ માધ્યમો પર થતી પ્રવૃત્તિઓ અને નકલી સમાચારોની ગંભીરતા પર આધારિત હતા. કુલ ૬૩૫ લોકોએ પ્રતિસાદ આપ્યો હતો જેમાં મુખ્યત્વે ગુજરાત અને તે સિવાય ઉત્તર-પૂર્વી રાજ્યો, મધ્ય ભારત, ઉત્તર અને દક્ષિણ ભારતના એમ કુલ મળીને ૧૩ રાજ્યોમાંથી લોકોએ પ્રતિસાદ આપ્યો હતો.

સમગ્ર સેમ્પલનું ડેટા વિશ્લેષણ કરતાં કેટલાંક રસપ્રદ તથ્યો સામે આવ્યા છે. ૧૮થી ૨૪ વર્ષની વયના લોકોએ સૌથી વધુ એટલે કે ૩૩.૩ ટકા પ્રતિસાદ આપ્યો છે જે પૈકી ૬૬.૫ ટકા પુરુષો છે. સ્નાતકો અને અનુસ્નાતકોની સંખ્યા અનુક્રમે ૩૯.૩ ટકા અને ૪૩.૧ ટકા છે. વિદ્યાર્થીઓ ૨૬.૫ ટકા અને નોકરી કરનારા, વ્યવસાયીઓ એમ ૨૪.૮ ટકા લોકોએ પ્રતિસાદ આપ્યો હતો.

ડેટા વિશ્લેષણમાં સામે આવેલા કેટલાક મહત્વના કારણો જોઈએ તો લોકડાઉનના સમયગાળામાં અન્ય ઉપલબ્ધ વિકલ્પોની સરખામણીમાં ૬૧.૫ ટકા નાગરિકોએ મોબાઇલ ડેટાનો ઉપયોગ ઓનલાઇન રહેવા માટે કર્યો. ૬૯.૫ ટકા લોકોએ સમાચાર જોવા માટે ટેલિવિઝનને પ્રાધાન્ય આપ્યું, બાદમાં સોશિયલ મીડિયા ૫૪.૫ ટકા અને અખબારો ૩૫.૫ ટકા સાથે ત્રીજા ક્રમે રહ્યા. સમગ્ર ડેટામાં તમામ વયજૂથના લોકોને (૬૫.૦ ટકા) પોતાની માતૃભાષા/ પ્રાદેશિક ભાષામાં સમાચારો મેળવવામાં રસ હોવાનું પ્રતિપાદિત કર્યું.

આ ઉપરાંત નાગરિકોએ ટેલિવિઝન પર પસંદગીના કાર્યક્રમોમાં  ફિલ્મો (૬૫ ટકા ) બાદમાં સંગીત (૩૭.૪ ટકા), અન્ય કાર્યક્રમો (૩૪.૩ ટકા) અને રોજિંદા ધારાવાહિકો (૩૧.૫ ટકા) જોવાનું પસંદ કર્યું. “તમે શા માટે ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરો છો?” એવા પ્રશ્નના જવાબમાં ૭૦ ટકા પ્રતિસાદકર્તાઓએ  માહિતી મેળવવા, ૬૩.૪ ટકા લોકોએ કામ કરવા અને ૬૧.૪ ટકા લોકોએ મનોરંજન માટે  ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરતા હોવાનું પ્રતિપાદિત કર્યું.

લોકડાઉન દરમિયાન સૌથી વધારે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ૯૩.૪ ટકા સાથે વોટ્સઅપ રહ્યું, બાદમાં  ૬૯.૧૦ ટકા સાથે યુટ્યુબ અને ત્રીજા નંબરે ૫૯.૫ ટકા સાથે ફેસબુક રહ્યું. કોવિદ – ૧૯ના સત્તાવાર, ખરાઇ કરેલા સમાચારો માટે પણ ટેલિવિઝન ૬૯ ટકા સાથે આગળ રહ્યું બાદમાં અખબારો ૪૮.૨ ટકા અને સોશિયલ મીડિયા ૨૭.૭ ટકા સાથે ત્રીજા નંબર પર રહ્યું.

નકલી અથવા ખોટા સમાચારોથી બચવા માટેના ઉપાયોના જવાબમાં ૭૮ ટકા પ્રતિસાદકર્તાઓએ તેઓ સત્તાવાર વેબસાઇટ અથવા પોર્ટલ પર ખરાઇ કરતા હોવાનું જણાવ્યું જ્યારે બીજો ક્રમ  ૩૧.૫૦ ટકા સાથે ” નિષ્ણાતો દ્વારા ખરાઇ” પદ્ધતિનો રહ્યો. લોકડાઉનના સમયગાળામાં ઓનલાઇન માધ્યમના વપરાશમાં જબરદસ્ત ઉછાળો આવ્યો, કોવીદ – ૧૯ પહેલા “તમે ઓનલાઇન કેટલો સમય પસાર કરતા હતા?” તેના જવાબમાં 30% સમય પસાર કરતા હોવાનું તારણ નીકળ્યું હતું જ્યારે લોકડાઉનમાં આ સમયગાળો ૫૦ ટકા સુધી પહોંચી ગયો હતો.

સમગ્ર પ્રક્રિયા સંસ્થાના નિયામક ડો. શિરીષ કાશીકર, પ્રાધ્યાપક ડો. શશીકાંત ભગત તથા ટીમના સભ્યો દ્વારા કરવામાં આવી.

લોકડાઉનમાં ઓપરા વિનફ્રે ગાર્ડનિંગમાં વ્યસ્ત

વોશિગ્ટન: લોકડાઉનમાં ઘરે બેઠા બેઠા લોકો કંઈક નવુ કરવાનો પ્રયત્ન કરતા હોય છે, જેથી સમય સરળતાથી પસાર થઈ જાય. ઓપરા વિનફ્રે પણ અત્યારે કંઈક ખાસ બનાવી રહી છે. આવો જાણીએ આ ક્વોરન્ટાઈન ટાઈમને કેવી રીતે ઓપરા પસાર કરી રહી છે.

અમેરિકાના લોકપ્રિય ટી ટૉક શો ની હોસ્ટ ઓપરા વિનફ્રેને કોણ નથી ઓળખતું ઓપરા વિનફ્રે એક મોટિવેશનલ સ્પીકર અને જાણીતી બિઝનેસ વૂમન પણ છે. કોરોના મહામારીથી પીડિતો માટે ઓપરાએ વિનફ્રેએ હાલમાં જ 12 મિલિયન ડોલરનું દાન કર્યું હતું.

હાલના સમયમાં ઓપરા વિનફ્રે ગાર્ડનિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ ઓપરા વિનફ્રેએ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે. જેમાં તે મોટી કોબીજ હાથમાં લઈને ઉભી દેખાઈ છે. વિડિયોમાં જોઈ શકાય છે કે, આ કોબીજ એટલી વજનદાર છે કે તેને ઉપાડવા માટે ઓપરાને ઘણી મહેનત કરવી પડી રહી છે.

ઓપરાએ વિડિયો શેર કરતા લખ્યું કે, મને ગાર્ડનિંગ કરવું અત્યંત પસંદ છે. શું તમને પણ ગાર્ડનિંગનો આટલો જ શોખ છે? #HarvestDay. મહત્વનું છે કે, ઓપરા અવાર નવાર તેમની ગાર્ડનિંગ સ્કિલની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

રાશિ ભવિષ્ય 30/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો તેમજ ગુસ્સા પર કાબુ રાખવો પણ જરૂરી છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું કહી શકાય, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફ વાળાએ થોડું સાચવવું, ક્યાંક મનોરંજન પાછળ ધાર્યા કરતા વધુ ખર્ચ થઈ જય અને તેના કારણે મન થોડું અશાંત બની જાય.


આજનો દિવસ તમારો સરસ છે અને તમને ઉત્સાહ પણ સારો જોવા મળી રહે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય અને તેમાં પણ તમેને કોઈનો સારો સહયોગ સાંપડે જેની તમે સારી ખુશી અનુભવો, જુના મતભેદ ભૂલવાની તક મળે, પ્રિયજન સાથે દિવસ દરમિયાન સારી લાગણી અને યાદોનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ પણ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમને માનસિકથાકની લાગણી વધુ અનુભવો, કોઈ જગ્યાએ મિલન મુલાકાતમાં તમારો ઉત્સાહ થોડો ઓછો જોવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જાગે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે જેથી તમે ખોટા વાદવિવાદથી દુર રહી શકો, વાહન ધીમે ચલાવવું, કફ,છાતી,પ્રેસર જેવી તકલીફ ભોગવતા લોકોએ આરોગ્ય બાબતે થોડું સાચવવું, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું થોડું ધ્યાન રાખવું સારું કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેમજ મનમાં થોડી અશાંતિ રહે તેવું લાગે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી,સોના-ઝવેરાત,ફાર્માક્ષેત્રમાં કામ કરનારવર્ગ ને માનસિક થાકની લાગણી વધુ રહે તેમજ કોઇપણ પ્રકારના તમારા કામમાંકે મુલાકાતમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો સારો.


આજનો દિવસ સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો બની શકે છે, મનની ઈચ્છા પૂરી થઇ શકે, કોમ્પુટર,દલાલી,કમીશન,પત્રકાર, લેખનકામ, કાનૂની, નાણાકીય સલાહકાર માટે આજે ઉત્સાહ સારો જણાય, લગ્નબાબત વાર્તાલાપકે મિલનમુલાકાત કરાવી સારી કહી શકાય.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવાકે વાગવાના યોગ બને છે માટે કાળજી રાખવી ,વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવવું, ચામડી, એલર્જી, ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ  તકેદારી રાખવી, ક્યાય વાર્તાલાપ દરમિયાન કોઇપણ પ્રકારની ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સરસ કહી શકાય કારણકે તમારી જૂનીઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી ખુશી અનુભવો, તમારા કામની કદર થાય, જમીન, બાંધકામ, વાહનવ્યવહાર, ધાતુના કામકરનાર વર્ગને નવીનતક દેખાય, પ્રિયજન સાથે પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


આજના દિવસ સાવચેતી અને ધીરજ રાખવી, વાહન ધીમે ચલાવવું, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, પેટ, આંતરડા,ડાયાબીટીસના દર્દી એ તકેદારી રાખવી, કોઈની પણ સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાકે અપશબ્દના બોલાય તેનું પણ ધ્યાન રાખવું, કામકાજમાં શાંતિથી પરોવાયા રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે ઉત્સાહ સારો રહે, મુસાફરી થઈ શકે  છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, પ્રિયજન સાથે ફરવા જવાનો યોગ બને છે, અગત્યની  બાબત માટેની કોઇ જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત માટે સારા સંજોગો બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય તેવા સંજોગો છે, લાકડા, ચામડા, ધાતુ, ઓઈલ, પેટ્રોલ, કોમ્પુટરક્ષેત્રમાં કામકરનાર વર્ગને થોડી વ્યસ્તતા રહે, જુનાકામમાં ક્યાય અટવાયેલ હોવતો તેનો  જલ્દીથી ઉકેલન આવે તેવું બની શકે છે. કટાક્ષવાળા શબ્દપ્રયોગના કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય,મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગમાં રેફરન્સથી કામ કરોતો લાભ થઈ શકે છે, પ્રિયજન સાથે ખરીદી કરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય તેવા પણ સંજોગો છે. અગત્યની બાબત માટેની વાર્તાલાપમાં કોઈનો ક્યાંક સહયોગકે માર્ગદર્શન પણ મળે તેવું બની શકે છે.

કોરોનાના 7964 નવા કેસ અને 265નાં મોત

નવી દિલ્હીઃ કોરોના વાઇરસનો પ્રકોપ અટકવાનું નામ નથી લેતો. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 1,73,763 થઈ છે અને અત્યાર સુધીમાં 4971 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ આવ્યા છે અને અત્યાર સુધીમાં સૌથી વધુ મોત થયાં છે. પાછલા 24 કલાકમાં 7964 નવા કેસ સામે આવ્યા છે અને 265 લોકોનાં મોત થયાં છે. આ બીમારીમાંથી 82,370 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. રિકવરી રેટ વધીને 47.40 ટકા થયો છે.  

મહારાષ્ટ્રમાં 2682 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 62,000ને પાર થઈ ગઈ છે અને રાજ્યમાં આ વાઇરસથી મરનારા લોકોની સંખ્યા 2000ને પાર થઈ ગઈ છે. રાજ્યમાં 2682 નવા કેસ આવ્યા છે, જ્યારે એક જ દિવસમાં 116 લોકોનાં મોત થયાં છે.  જ્યારે મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 36,932 થઈ ગઈ છે અને 1173 લોકોનાં મોત થયાં છે. મુંબઈમાં કોરોનાના 1447 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 38 લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

અમેરિકાના WHO સાથેના તમામ સંબંધ ખતમઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસ અને હોંગકોંગને લઈને ગુસ્સે ભરાયેલા અમેરિકાએ ચીનની સામે નવો મોરચો માંડ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) પર ચીને કબજો કર્યો હોવાનો આરોપ લગાવતાં આ UN આરોગ્ય સંસ્થાથી અમેરિકાના તમામ સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી છે. તેમણે ચીનની સામે નવા પ્રતિબંધ પણ જાહેર કર્યા હતા. આમાં હોંગકોંગમાં વહીવટ માટે જવાબદાર ચીની અધિકારીઓના અમેરિકામાં આવાગમન પર પ્રતિબંધો લાગુ કરવાની સાથે કેટલીક છૂટછાટને ખતમ કરવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે ચીન પર તીખો હુમલો કર્યો

ચીન પર તીખો હુમલો કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાઇરસના સંદર્ભે ચીની અધિકારીઓએ WHOને રિપોર્ટિંગની પોતાની જવાબદારીને નજરઅંદાજ કરી છે અને વિશ્વને ગેરમાર્ગે કરીને WHO પર દબાણ આણ્યું હતું.ચીનમાં પહેલી વાર થયેલી કોરોના વાઇરસની ઓળખ પછી અત્યાર સુધી લાખ્ખો લોકોનાં મોત થયાં છે અને બહુ ભારે આર્થિક નુકસાન થઈ ચૂક્યું છે.

ચીનની WHO પર પકડ

વાઇટ હાઉસમાં ઉચ્ચ અધિકારીઓની સાથે મિડિયા સમક્ષ ટ્રમ્પે કહ્યું હતું કે WHO પર ચીનનું સંપૂર્ણ નિયંત્રણ છે. જ્યારે ચીન WHOને માત્ર ચાર કરોડ ડોલરનો ફાળો આપે છે, જ્યારે અમેરિકા 45 કરોડ ડોલરનો ફાળો આપે છે. WHOની વહીવટમાં સુધારાનો હવાલો આપતાં તેમણે કહ્યું હતું કે આ બાબતે જરૂરી સુધારાને લાગુ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ અમારી વિનંતી પર કોઈએ ધ્યાન ના આપ્યું અને ના તો જરૂરી સુધારાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી., જેથી અમેરિકાએ WHOથી સબંધો ખતમ કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકા પોતાના પૈસાનો ઉપયોગ વિશ્વ આરોગ્ય માટે અન્ય યોજનાઓ દ્વારા કરશે. તેમણે 19 મેએ WHOને ધમકી આપી હતી કે જો 30 દિવસોમાં સુધારા નહીં કરે તો WHOમાં અમેરિકાના સભ્યપદની પુનવિચારણા કરવામાં આવશે. તેમણે WHOને આ મુદ્દે એક પુત્ર પણ લખ્યો હતો.

વાઇરસ વુહાનથી નીકળી યુરોપ-અમેરિકામાં ફેલાયો

તેમણે ચીનને કોરોના વાઇરસ ફેલાવવા માટે જવાબદાર ઠેરવતાં માગ કરી હતી કે એવું કેવી રીતે થયું કે વુહાનથી નીકળેલો વાઇરસ બીજિંગ અથવા ચીનના અન્ય હિસ્સામાં જવાને બદલે યુરોપ અને અમેરિકામાં ફેલાઈ ગયો?  તેમનું કહેવું હતું કે આ વાઇરને કારણે જાનમાલનું ભારે નુકસાન થયું છે અને ચીને વિશ્વને આનો જવાબ આપવો પડશે

સીમા વિવાદ અને ચીન સાથે મતભેદો

ટ્રમ્પે ચીન સાથેનો સીમા વિવાદ અને દક્ષિણ ચીન સમુદ્રમાં મતભેદોનો મુદ્દો  ઉઠાવવા સાથે હોંગકોંગને બહાને ચીનને સંકજામાં લીધી હતું.તેમણે ચીન પર વચનપરસ્તી અને છેતરપિંડીનો આરોપ લગાવતાં કેટલાક પ્રતિબંધોની જાહેરાત કરી હતી. આ સંદર્ભે તેમણે ચીનના કેટલાક લોકોને સુરક્ષા માટે જોખમ ગણાવતાં મહત્ત્વની યુનિવર્સિટીમાં રિસર્ચ સંસ્થાઓ પર આવવા પર મનાઈ ફરમાવી હતી. તેમણે ચીની કંપનીનાં અમેરિકામાં નાણાકીય કામકાજની તપાસ કરવાના આદેશ આપ્યા હતા..

 

હોંગકોંગ મુદ્દે ચીનની વધતી નિગરાની અને જાસૂસી સામે સવાલો

હોંગકોંગ મુદ્દે ચીનને સાણસામાં લેતાં ટ્રમ્પે ચીનના એ વહીવટી તંત્રના લોકોના અમેરિકામાં આવાગમન પર પ્રતિબંધનું એલાન કર્યું હતું. આ સંબંધે તેમણે હોંગકોંગમાં અત્યાર સુધી અપાતી વેપારની છૂટછાટોને પરત લેવાની જાહેરાત કરતાં અમેરિકાના વિદેશ વિભાગની ટ્રાવેલ એડવાઇઝરીમાં પણ બદલાવ કરવાનો નિર્ણય લીધો હતો.

 

 

 

 

વાહ ભાઈ વાહ! ૩૦ મે, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૩૦ મે, ૨૦૨૦

‘ધોની માટે ટીમ-મીટિંગ એટલે માત્ર 2 મિનિટનું કામ રહેતું’

અમદાવાદઃ આપીએલના દિવસોને યાદ કરતા ક્રિકેટર પાર્થિવ પટેલે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને ઘણી વાતો શેર કરી છે. પાર્થિવે કહ્યું છે કે, ધોનીની ટીમ-મીટિંગ કદી બે મિનિટ કરતા વધારે ચાલતી ન હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના દિવસોને યાદ કરતા પાર્થિવ પટેલે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ મીટિંગમાં માત્ર બે મિનિટનો સમય લાગે છે. પાર્થિવ પટેલ પ્રથમ સીઝનમાં 13 મેચમાં 302 રન બનાવીને ચેન્નાઈને ફાઈનલમાં પહોંચાડવામાં મદદ કરી હતી.

આઈપીએલ 2008ની ફાઈનલ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમવામાં આવી હતી, જેમાં શેન વોર્નની કેપ્ટન્સી હેઠળ રાજસ્થાન ચેમ્પિયન બન્યું હતું. ત્યારબાદ પાર્થિવ આઈપીએલની અન્ય ટીમોમાં જોડાયો પણ આટલા વર્ષોમાં ધોનીની કેપ્ટન્સી અંગે તેના મંતવ્યો બિલકુલ નથી બદલાયા.

પાર્થિવ પટેલે સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 2008ની આઈપીએલ ફાઈનલમાં ધોનીની ટીમ-મીટિંગ 2 મિનિટ જ ચાલી હતી. પોતાના ખેલાડીઓ પાસે કેવી રીતે કામ લેવું તેને લઈને ધોની હંમેશા સ્પષ્ટ હોય છે. ટીમની વ્યુહરચનાને લઈને તેને કદી કોઈ શંકા રહેતી નહીં.

મહત્વનું છે કે, પાર્થિવ પટેલ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 2010 સુધી રમ્યો હતો. પાર્થિવ પટેલે કહ્યું કે, 2008માં માઈકલ હસી, સ્ટીફન ફ્લેમિંગ અને મેથ્યૂ હેડન જેવા સીનિયર ખેલાડીઓ પાસેથી ઘણુ બધુ શીખવા મળ્યું. આઈપીએલમાં હવે ઘણું બદલાઈ ગયું છે.

રોપડા: લોકડાઉનમાં 56 દિવસથી ચાલતો ઓનલાઈન સમર કેમ્પ

અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાના આ નવતર પ્રયોગમાં મહત્તમ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓનું શેરીંગ પરિણામ લક્ષી પુરવાર થયું…અત્યારે દેશ સહિત સમગ્ર વિશ્વ કોરોના વાઈરસની મહામારી અને તેની અસરો સામે ઝઝૂમી રહ્યો છે. ગુજરાત રાજયમાં પણ 22 માર્ચ થી લોકડાઉન અમલમાં મુકાયું હતું.

આ લોકડાઉનમાં અમદાવાદ જિલ્લાની રોપડા પ્રાથમિક શાળાના આ નવતર પ્રયોગમાં જોતજોતામાં રાજ્યના 27 જિલ્લાના 1200થી વધુ વિદ્યાર્થીઓ અને ૩૦૦ શિક્ષકો તેમાં જોડાઇને શિક્ષણની સાથે સાથે અન્ય ઈતર પ્રવૃત્તિઓના અનુભવોનું આદાન પ્રદાન કરતા થયા છે.

આ અંગેની વિગતો આપતા રોપડા પ્રાથમિક શાળાના આચાર્ય નિશિથ આચાર્ય કહે છે કે, જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ અને પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ આખો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ‘બાળકો સાથે ગ્રુપ વોટ્સએપ કોલિંગ કરી ઓનલાઈન ભણવાનું શરૂ કર્યું અને રિવિઝન કરાવવાનું નક્કી કર્યું ત્યારબાદ અમદાવાદ જિલ્લાની પ્રાથમિક શાળા દ્વારા બાળકો માટે વિવિધ પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ અંગે આયોજન કરવાની સાથે સાથે ઓનલાઈન સમર કૅમ્પનો વિચાર પણ આવ્યો… અને તેની ચર્ચા અમારી રોપડા શાળાના વિધાર્થી પ્રતિક પ્રજાપતિ સાથે કરતા તેને વોટ્સએપ ગ્રુપ બનાવવાની જવાબદારી સોંપી…

સ્માર્ટફોનનો ઉપયોગ કરતા બાળકોના વાલીઓના નંબર ગ્રુપમાં એડ કરવાનું મોટું કાર્ય સોંપ્યું. આ કાર્યમાં શિક્ષકો પણ જોડાયા. 4 એપ્રિલથી સમર કેમ્પની શરૂઆત કરવા નિર્ણય લીધો. ધીરે ધીરે બે જ દિવસમાં ગુજરાતના અન્ય જિલ્લા પૈકી 256 થી વધુ મેમ્બર જોડાતા તેવા બીજા બે ગ્રુપ બનાવ્યા. આજ સુધીમાં 100 જેટલી વિવિધ પ્રવૃત્તિઓ સાથે પરિવારનો માળો અને BAPS સ્વામિનારાયણ દ્વારા પ્રગટ થયેલ અંકનો પણ સમાવેશ થયો.

બાળકોમાં સમગ્ર ક્ષેત્રે વિકાસ થાય તે માટે ચિત્ર , સંગીત, ડાંસ, અભિનય, રસોઈ શો, રંગોળી, ટાવર બનાવવા, આસન, યોગ, સુર્ય નમસ્કાર, કોરોના પોસ્ટર આર્ટ, અહેવાલ લેખન, વૈજ્ઞાનિક વિશે, હલ્દી કાર્ડ, બર્થ ડે કાર્ડ, પત્ર લેખન, પ્રશ્ન પરથી જવાબ અને જવાબ પરથી પ્રશ્ન , પેપર આર્ટ, ફિંગર આર્ટ, લીફ આર્ટ, વેસ્ટ માથી બેસ્ટ બનાવવું, વાર્તા લેખન, વાર્તા બનાવો, ચિત્ર વાર્તા, પઝલ, સેન્ડ આર્ટ, મુવી જોઈ પ્રશ્ન કથન, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, પિરામિડ રમત, બોટલ ગાર્ડન, ટી. એલ.એમ બનાવવું, ફ્લિપ બુક, કાવ્ય લેખન, પ્રશ્નોતરી, પ્રોજેકટ બેઝ લર્નિંગ, ભગવદગીતા શ્લોક, વગેરે જેવી 100 કરવા વધુ પ્રવૃત્તિઓ યોજવામાં આવી’.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના 27 જેટલા વિવિધ જિલ્લાના શિક્ષકો પણ આ ગ્રુપમાં જોડાયા છે. દરરોજ સવારે ૯:૦૦ કલાકે બાળકોને નવો ટાસ્ક આપવાનો અને તેને પૂરો કરવા જરૂરી સૂચનો આપવામાં આવે છે અને સાંજે ૪ કલાકે તેના ફોટોગ્રાફ વોટ્સએપ ગ્રુપમાં શેર કરાય છે. ત્યાર બાદ શેર કરેલ ફોટો પરથી ઘણું નવું જાણવા મળી રહ્યું છે. ત્યાર બાદ પ્રવૃત્તિ બાદ દરરોજ ધો. 3 થી 8 ના બાળકો માટે ઓનલાઈન ગૃહ કાર્ય યોજવામાં આવે છે. બાળકો લીંક દ્વારા અભ્યાસ કરી ટેસ્ટ આપી ચકાસણી કરી શકે છે. આમ બાળકોને ઘર બેઠા જ ઓનલાઈન શિક્ષણ સાથે સહભ્યાસીક પ્રવૃતિઓ આપવાનો બહોળો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આઇ.આઇ.એમ. અમદાવાદ અને ગાંધીનગર તથા અમદાવાદ સાથે અન્ય જિલ્લાના અધિકારી દ્વારા ખૂબ પ્રોત્સાહન મળ્યું છે.

અત્યારે બાળકો અવનવી પ્રવૃતિ સાથે સાથે વિવિધ ભાષાનું વ્યાકરણ અને શ્રીમદ્ ભગવદ્દગીતાના પાઠ શીખી રહ્યા છે. બાળકોએ પૂર્ણ કરેલ ગૃહ કાર્ય ના ફોટો મંગાવી ડીઝીટલ રીતે ચેક કરી કાર્યની નોંધ લેવાય છે. આ ઉપરાંત બાળકોને શિક્ષણ મળી રહે તે માટે ગૂગલ મીટ, ગૂગલ કલાસરૂમ, ઝૂમ, અને શૈક્ષણિક વીડિયો બનાવી તેને યુ-ટ્યુબ પર અપલોડ કરી વિવિધ શૈક્ષણિક માધ્યમનો ઉપયોગ કરી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવા કટિબદ્ધ બન્યા છે.