Home Blog Page 4790

કોરોનાને કારણે મુંબઈમાં જાણીતું મંડળ આ વર્ષે ગણેશોત્સવ નહીં યોજે

મુંબઈઃ કોરોના વાઈરસની મહાબીમારી ફેલાઈ હોવાને કારણે આ વર્ષે પોતાનો સાર્વજનિક ગણેશોત્સવ ન યોજવાનો મુંબઈસ્થિત જીએસબી મંડળે નિર્ણય લીધો છે. આ મંડળ વડાલા ઉપનગરમાં છે અને તેનો ગણેશોત્સવ ખૂબ જાણીતો છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ગણેશોત્સવના દિવસો દરમિયાન સાર્વજનિક ગણેશ મંડળોની ગણપતિ મૂર્તિનાં દર્શન કરવા તથા મંડપ સજાવટ જોવા માટે શ્રદ્ધાળુઓની ખૂબ ભીડ જામે છે. આ વખતે કોરોના રોગચાળો ફેલાયો હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ લાગુ કરાયો છે ત્યારે ગણેશ મંડળોમાં શ્રદ્ધાળુઓ એ નિયમનું પાલન કરે એ વિશે શંકા છે. આ નિયમનું પાલન કરાવવાનો તમામ સાર્વજનિક ગણેશોત્સવ મંડળો માટે મોટો પડકાર બની જશે. તેથી શહેરના એક જાણીતા મંડળે તો આ વર્ષે ગણેશોત્સવ ન યોજવાનું નક્કી કરી નાખ્યું છે.

વડાલા સ્થિત જીએસબી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિએ આ વર્ષે સંસ્થા વતી ગણેશોત્સવ ન યોજવાનો નિર્ણય લઈ લીધો છે. તે એને બદલે આવતા વર્ષે મહા મહિનામાં ગણેશોત્સવ યોજનાર છે.

આ વર્ષે ગણેશોત્સવનું આયોજન કરવા પર રાજ્ય સરકાર અનેક પ્રકારના પ્રતિબંધો, નિયંત્રણો મૂકશે એ નક્કી છે. જેમ કે, મંડળોમાં ફેસમાસ્ક પહેરવાનું ફરજિયાત બનાવાશે, સેનિટાઈઝર રાખવાનું, બે વ્યક્તિ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ફરજિયાત બનાવાશે.

જીએસબી વડાલા મંડળ ખાતે 11 દિવસના ગણેશોત્સવનું આયોજન કરાય છે. એ દરમિયાન લાખો ભાવિકો ગણપતિજીના દર્શન કરવા આવતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાને કારણે લોકોની ગીરદી થાય એ ચલાવાશે નહીં. ગીરદી થાય તો કોરોનાનો ચેપ લાગવાનું શરૂ થઈ શકે છે.

જીએસબી મંડળના પદાધિકારીઓએ બેઠક યોજી હતી અને એમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ વર્ષે ગણેશોત્સવ યોજવો નહીં અને એને બદલે આવતા વર્ષે મહા મહિનામાં ગણેશ જયંતિનો ઉત્સવ યોજવો.

દરમિયાન, મુંબઈના સૌથી પ્રસિદ્ધ અને લોકપ્રિય એવા ‘લાલબાગચા રાજા’ સાર્વજનિક ગણેશોત્સવના આયોજકો આ વર્ષે ગણેશોત્સવ યોજવો કે નહીં એનો નિર્ણય જૂનમાં લેશે.

ટુરિઝમ, મનોરંજન, હોટેલ ક્ષેત્રે લાખો નોકરીઓ જોખમમાં

નવી દિલ્હીઃ મોદી સરકારના 20 લાખ કરોડ રૂપિયાના વિશેષ આર્થિક પેકેજમાં કંઈ પણ રાહત ન મેળવી શકનાર ટ્રાવેલ એન્ડ ટુરિઝમ, રેસ્ટોરાં અને હોટેલ તથા મનોરંજન ક્ષેત્રોએ સરકારને કહ્યું છે કે બીજું કંઈ નહીં તો અમને એક વર્ષનો ‘ટેક્સ હોલિડે’ અને સોફ્ટ લોનની સુવિધા મળવી જોઈએ. આવું નહીં થાય તો આ સેક્ટરોમાં મોટી સંખ્યામાં નોકરીઓ જવાની આશંકા છે. આનાથી કોવિડ-19 સંકટ અને લોકડાઉનના માહોલમાં દેશમાં બેરોજગારીમાં ઓર વધારો થવાની શક્યતા છે.

 

રાહત પેકેજમાં અમારા માટે કંઈ નહીં

આ ત્રણ સેક્ટરોના દિગ્ગજોએ સરકારને કહ્યું છે કે રાહત પેકેજની જે ઘોષણા થઈ છે, એમાં અમારા માટે કંઈ નથી. તેમનું કહેવું છે કે કેટલાક વેપાર-ધંધા લોકડાઉન 4.0માં પણ ખૂલી નથી શક્યા. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝ સંપૂર્ણ રીતે બંધ છે. રેસ્ટોરાંને માત્ર હોમ ડિલિવરીની છૂટ મળી છે. મલ્ટિપ્લેક્સ, સિનેમા હોલ ખોલવાની મંજૂરી નથી. સલૂન, વેલનેસ સેન્ટર બંધ છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓનાં કામકાજ ઠંડાં પડ્યાં છે. આવામાં કામ બંધ હોવાને કારણે મોટી સંખ્યામાં નોકરીઓ જવાની આશંકા છે.

પેકેજ નહીં મળ્યું તો લાખો લોકોની નોકરી જશે

ટ્રાવેલ એજન્ટ્સ ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ જ્યોતિ માયલનું કહેવું છે કે આ સમયે ટુર અને ટ્રાવેલ્સ ક્ષેત્રની કંપનીઓની હાલત ઘણી ખરાબ છે. સરકારે કંઈક તો રાહત આપવી જોઈએ. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)નું કહેવું છે કે રાહત પેકેજ નહીં મળે તો માત્ર ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટરથી જ લાખો લોકો બેરોજગાર થઈ જશે.

ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝમાં 20 લાખ નોકરીઓ પર જોખમ

CIIના અહેવાલ અનુસાર કોવિડ-19 સંકટનો સૌથી વધુ ઘાતક હુમલો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ક્ષેત્ર પર પડ્યો છે. ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝનું કદ 18 લાખ કરોડ રૂપિયાનું છે. કોરોનાથી પહેલાં ટ્રાવેલ એન્ડ ટુરિઝમ સેક્ટરમાં 5.5 કરોડ કર્મચારી હતા. કોરોના સંકટને પગલે આ ઇન્ડસ્ટ્રીઝમાં કરોડો લોકોની નોકરીઓ જવાની શક્યતા છે. આ જ રીતે દેશમાં રેસ્ટોરાં ક્ષેત્રનું કદ 4.2 લાખ કરોડ રૂપિયાનું છે. કોરોનાથી પહેલાં આ ક્ષેત્રમાં 73 લાખ કર્મચારીઓ હતા, જેમાંતી 20 લાખ નોકરીઓ જવાનો અંદાજ છે.

ફૂડ ડિલિવરી, એન્ટરટેઇન અને વેલનેસ જોબ્સ પર પણ જોખમ

આ જ પ્રકારે ફૂડ ડિલિવરી ક્ષેત્રનું કદ 48,000 કરોડ રૂપિયાનું છે. આમાં કર્મચારીઓ આશરે પાંચ લાખ છે. આ વ્યવસાયમાં આવકમાં 20 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. સિનેમા, એન્ટરટેઇનમેન્ટની વાત કરે તો એનું કદ 1.80 કરોડ રૂપિયાનું છે. કુલ કર્મચારી 70થી 80 લાખ છે.

આ જ રીતે દેશમાં સલૂન, બ્યુટી, વેલનેસ ઇન્ડસ્ટ્રીઝનું કદ એક લાખ કરોડ રૂપિયાનું છે. આમાં કુલ પાંચ કરોડ લોકોને રોજગાર મળે છે. ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝનું કદ 10,000 કરોડ રૂપિયાનું છે. એ ત્રણ કરોડ લોકોને રોજગારી આપે છે. કોરોનાને કારણે આ ક્ષેત્રમાં 90 ટકા વેપાર-ધંધો ખતમ થઈ ગયો છે.

ટેક્સ હોલિડેની માગ

આ ત્રણે સેક્ટરે સરકારને કહ્યું છે કે તેમને બધા પ્રકારના ટેક્સ પર એક વર્ષનો ટેક્સ હોલિડે મળવો જોઈએ. ઇન્કમ ટેક્સ રિફંડ તરત મળવાં જોઈએ. ઇન્ડસ્ટ્રીને 10 વર્ષ માટે સોફ્ટ લોનની વ્યવસ્થા કરવામાં આવે. ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) દૂર કરવામાં આવે અને વ્યાજ ચૂકવવા માટે નવ મહિનાની મુદત મળે. ટુરિઝમ સેક્ટરથી જોડાયેલા સુનીલ ગુપ્તાએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર સુધી પર્યટકો આવવાની કોઈ આશા નથી.

લૉકડાઉનમાં નિહાળો OTT પ્લેટફોર્મ પર પ્રદર્શિત બોલિવૂડની નવી ફિલ્મો

નવી દિલ્હી: લૉકડાઉનમાં સિનેમા ઘરો બંધ છે. આ કારણે આ વ્યવસાયને મોટી ખોટ જઈ રહી છે. હોલિવૂડના નિર્માતાઓએ લૉકડાઉન ખુલવાની રાહ ન જોતાં પોતાની નવનિર્મિત ફિલ્મોને OTT પ્લેટફોર્મ પર રજૂ કરવાની શરૂઆત કરી દીધી છે. આ બાબતે આપણું ભારત પણ પાછળ નથી. અહીં પણ નવી ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ પર પ્રદર્શિત થઈ ચૂકી છે.

‘ગુલાબો સિતાબો’ પછી વિદ્યા બાલન અભિનીત ફિલ્મ ‘શકુંતલા દેવી’ જે ભારતની મહિલા ગણિતજ્ઞ શકુંતલા દેવીના જીવન ચરિત્ર પર આધારિત છે. તે પણ લૉકડાઉનને કારણે સિનેમાઘરોમાં પ્રદર્શિત ન થતાં એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની છે. ‘શકુંતલા દેવી’ ફિલ્મમાં વિદ્યા બાલને ભારતની મહિલા ગણિતશાસ્ત્રી શકુંતલા દેવી કે જેઓ ‘માનવી કમ્પ્યુટર’ તરીકે ઓળખાતા હતા! તેમનું પાત્ર ભજવ્યું છે. આ ચલચિત્ર OTT પ્લેટફોર્મ પર રજૂ થશે. પરંતુ કઈ તારીખે થશે એ હજુ નક્કી નથી થયું.

OTT પ્લેટફોર્મ એ એક ડાયરેક્ટ મીડિયા સર્વિસ છે. જે ઇન્ટરનેટના માધ્યમથી કમ્પ્યુટર અથવા મોબાઈલ એપ પર વિડિયો, ફિલ્મ વગેરે પ્રસારિત કરે છે. એમેઝોન પ્રાઈમ વિડીયો એ આવું જ એક OTT પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર ‘ગુલાબો સિતાબો’ બોલિવૂડની પહેલી ફિલ્મ રજૂ થઈ. હવે ‘શકુંતલા દેવી’ પણ રજૂ થશે. એમેઝોન પ્રાઈમ વિડીયોએ આ બાબતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ‘શકુંતલા દેવી બાયોપિકનું પ્રીમિયર ૨૦૦ જેટલાં દેશોમાં તેમજ આ ક્ષેત્રની વ્યક્તિઓ માટે થોડી અલગ પદ્ધતિથી કરવામાં આવશે.’

શકુંતલા દેવી માનવ કમ્પ્યુટર તરીકે જાણીતા છે. તેઓ બાળપણથી ઘણા પ્રતિભાશાળી હતા. એમનામાં રહેલી અદભૂદ ગણિત પ્રતિભાને કારણે તેમનું નામ 1982માં ‘ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં નોંધાયું છે.

બાળપણમાં જ તેમની ગણતરી કરવાની ક્ષમતા એક વિદ્વાન ગણિતશાસ્ત્રીને છાજે તેવી હતી. માત્ર થોડી જ સેકંડોમાં શકુંતલા દેવી અઘરામાં અઘરા ગણિતના કોયડાનો ઉકેલ આપી દેતા હતા. કમ્પ્યુટર તેમજ કેલ્ક્યૂલેટરથી પણ તેજ તેમનું મગજ કામ કરતું હતું! ફિલ્મમાં શકુંતલા દેવીનું પાત્ર અભિનેત્રી વિદ્યા બાલન ભજવે છે. તો સાન્યા મલ્હોત્રા શકુંતલા દેવીની પુત્રીની ભૂમિકામાં છે. અન્ય કલાકારોમાં અમિત સાધ અને જીસ્શૂ સેનગુપ્તા છે.

ફિલ્મ નિર્માતા સોની પિક્ચર્સ નેટવર્ક છે. તેમજ દિગ્દર્શિકા અનુ મેનન છે. પટકથા અનુ મેનન તેમજ નયનિકા મહેતાએ લખી છે. સંવાદ ઈશિતા મેઈતરાસના છે.

રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું હોય તો શરૂઆત ગુજરાતથી કરોઃ સંજય રાઉત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભારતીય જનતા પાર્ટીના નેતા નારાયણ રાણેએ કરેલી માગણી સામે શિવસેના પાર્ટીના સંસદસભ્ય સંજય રાઉતે વળતો જવાબ આપ્યો છે. એમણે કહ્યું છે કે કોરોના વાઈરસે સર્જેલી કટોકટીને સંભાળવામાં ગુજરાત સરકારની કામગીરી વધારે ખરાબ રહી છે, તેથી પહેલા ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાઈરસના સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્ર રાજ્યમાં થયા છે.

કોરોનાનો ચેપ અંકુશમાં રાખવા માટે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે અને એને કારણે લોકોને ભારે અડચણ પડી રહી છે. ત્યારે બીજી બાજુ રાજકારણ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની વિરોધ પક્ષ ભાજપે રાજ્યપાલ સમક્ષ માગણી કરી છે. વિપક્ષનું કહેવું છે કે કોરોનાનો ચેપ રોકવામાં મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર નિષ્ફળ ગઈ છે.

આ સંદર્ભમાં સંજય રાઉતે કહ્યું કે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું હોય તો એની શરૂઆત ગુજરાતથી કરવી જોઈએ. ગુજરાતમાં હાઈકોર્ટે કોરોનાનો ચેપ રોકવાના મુદ્દે જે નિર્ણય આપ્યો છે એ ગંભીર બાબત છે. સરકારી હોસ્પિટલો અંધારી કોટડીઓ બની ગઈ છે. હોસ્પિટલો જાણે સ્મશાન બની રહી છે એવું હાઈકોર્ટે જ રાજ્ય સરકારને સંભળાવ્યું છે.

સંજય રાઉતે પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે મહારાષ્ટ્ર સરકારની સ્થિરતા વિશે સ્પષ્ટતા કરી હતી. એમણે કહ્યું કે, મહારાષ્ટ્રની સરકાર, ઠાકરે સરકાર… રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ તથા અન્ય મુખ્ય પક્ષ દ્વારા રચિત મહાવિકાસ આઘાડીએ બનાવી છે. આ સરકાર મજબૂત છે અને તે એની પાંચ વર્ષની મુદત જરૂર પૂરી કરશે. આવનારા સમયમાં ચૂંટણી અમે સાથે મળીને જ લડવાના છીએ.

 

પાંચ વર્ષનો વિહાન એકલો પહોચ્યો દિલ્હીથી બેંગ્લુરુ!

નવી દિલ્હી: લોકડાઉનને પગલે આશરે 2 મહીના સુધી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ રહ્યા બાદ આજથી ફરી રાબેતામુજબ થઇ છે. દેશમાં કોરોના વાઈરસના સંક્રમણને લઇને માર્ચ મહિનાના અંતથી લૉકડાઉન લાગૂ કર્યું છે. ત્યારબાદ કેટલાય લોકો એવા છે જેને પોતાના પરિવારથી દૂર રહેવાનો વારો આવ્યો હતો.

હાલ માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. આવી જ એક ફ્લાઈટ દિલ્હીથી બેંગ્લુરુ પહોંચી. જેમાં વિહાન નામનો 5 વર્ષનો એક છોકરો પણ બેસીને આવ્યો. 5 વર્ષનો વિહાન દિલ્હીથી એકલો બેંગ્લુરુ આવ્યો. એરપોર્ટ પર લેવા માટે તેની માતા પહોંચી હતી. ફ્લાઈટના સ્ટાફે સુરક્ષિત રીતે તેને તેની માતા પાસે પહોંચાડ્યો.

વિહાન દિલ્હીમાં પોતાના દાદા-દાદીના ઘરે આવ્યો હતો અને લોકડાઉનના કારણે 2 મહિના સુધી દિલ્હીમાં જ ફસાઇ ગયો હતો. ત્યારે વિશેષ શ્રેણીની યાત્રા કરી અને વિહાન દિલ્હીથી બેંગ્લુરુ એકલો જ આવ્યો. એરપોર્ટ પર પહોંચતા જ ફ્લાઈટ અટેન્ડન્ટે બાળકને તેની માતાને સોંપ્યો. દીકરાને જોતા જ માતા ભાવુક થઈ ગઈ. પરંતુ પૂરતી સાવચેતી રાખતાં તેને તેને ગળે લગાવી શકી નહીં.

મહત્વનું છે કે, સવારે 9 વાગ્યા સુધી બે ફ્લાઇટ્સ બેંગ્લુરુ એરપોર્ટ પર આવી હતી જ્યારે 17 ફ્લાઇટ્સ અહીંથી રવાના થઈ હતી. તો આ સાથે જ 9 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા 1.45 લાખ અને 4167 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં દરરોજ કોરોનાની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી ખરાબ હાલત છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 1,45,380 થઈ ગઈ છે. જ્યારે 60,491 લોકો આ બીમારીમાંથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 6535 નવા કેસ સામે આવ્યા છે અને 146 લોકોનાં મોત થયાં છે. કોરોનાને લીધે અત્યાર સુધી દેશમાં 4167 લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ વધીને 41.60 ટકા થયો છે.

લોકડાઉનની છૂટનાં પરિણામો સામે આવી રહ્યાં છે

લોકડાઉનની શરતોમાં છૂટછાટનાં પરિણામો સામો આવવાં લાગ્યાં છે. પૂર્વોત્તર રાજ્યોમાં કોરોના સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. ગ્રીન ઝોનમાં પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ચેન્નઈથી પરત ફરેલા ત્રણ લોકોને નાગાલેન્ડમાં સંક્રમિત થયા હતા.

વિશ્વમાં કોરોના વાઇરસના 54 લાખથી વધુ કેસ

વિશ્વભરમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 54 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે આ વાઇરસે અત્યાર સુધીમાં 3.45 લાખ લોકોનાં મોત થયાં છે. વિશ્વભરમાં કોરોનાના 29,14,122 લોકોના સક્રિય કેસ છે. અમેરિકામાં કોરોના વાઇરસથી 98,000થી વધુ લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

આંતરરાજ્ય ફલાઇટ્સ પછી ચાર્ટર્ડ ફ્લાઇટ્સને પણ મંજૂરી અપાઈ

નવી દિલ્હીઃદેશમાં કોરોના સંકટ કાળની વચ્ચે ગઈ કાલથી સ્થાનિક હવાઈ સેવાને મંજૂરી આપવામાં આવી હતી. જોકે રાજ્યોના નિયમોને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અને પ્રવાસીઓને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. સિવિલ એવિયેશન મંત્રાલયે સ્થાનિક ચાર્ટર્ડ ફ્લાઇટ્સને પણ મંજૂરી આપી દીધી છે. મંત્રાલયનું કહેવું છે કે ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને માઇક્રો લાઇટ એરક્રાફ્ટની બધી નોન શિડ્યુલ્ડ અને ખાનગી ઓપરેટર કામગીરી શરૂ કરી શકે છે. આ સંબંધમાં મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કર્યા છે.

આ દિશા-નિર્દેશ મુજબ જો કોઈ વ્યક્તિગતરૂપે ચાર્ટર્ડ હેલિકોપ્ટર માટે ટિકિટ બુક કરે છે તો સેનિટાઇઝેશનથી સંકળાયેલા બધા નિયમોનું પાલન કરતાં હેલિપેડ અથવા હેલિપોર્ટ પર મિનિમમ કોન્ટેક્ટની સાતે બોર્ડિંગ પાસ જારી કરવામાં આવશે. પ્રવાસીએ રવાના થવાના 45 મિનિટ પહેલાં એરપોર્ટ, હેલિપેડ અથવા હેલિપોર્ટ પર પહોંચી જવું પડશે. સિનિયર સિટિઝન, ગર્ભવતી મહિલાઓ અને બીમાર લોકોને હવાઈ સેવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.  

જોકે એર એમ્બ્યુલન્સને મામલે એવી કોઈ જોગવાઈ નથી કરવામાં આવી. DGCA દ્વારા શિડ્યુલ્ડ ઘરેલિ પ્રવાસી ફ્લાઇટ્સ માટે ભાડા પર લગાવેલી મર્યાદા ચાર્ટર્ડ ફ્લાઇટ માટે માન્ય નહીં હોય. એનું ભાડું ઓપરેટર અને પ્રવાસીની વચ્ચે આપસી સહમતીથી નક્કી થશે. સેનિટાઇઝેશન, માસ્ક અને આરોગ્ય સેતુ એપથી સંકળાયેલી અન્ય શરતો લગભગ સરખી રહેશે, જેવી શિડ્યુલ્ડ ઘરેલુ પ્રવાસી ફ્લાઇટ્સ માટે છે.

રાજ્યોના વલણને કારણે અડધાથી વધુ ફ્લાઇટ્સ રદ

ગઈ કાલથી આંતરરાજ્ય હવાઈ સેવા શરૂ થઈ હતી. જોકે રાજ્યોના અક્કડ વલણને કારણે અડધાથી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. રાજ્યોના પ્રવાસીઓ માટેના અલગ-અલગ ક્વોરોન્ટાઇનાના નિયમોને લીધે અસમંજસભરી સ્થિતિ જોવા મળી હતી.

 

 

 

રાશિ ભવિષ્ય 26/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના આ ડોક્યુમેન્ટને લઈને કેન્દ્રએ આપી મોટી રાહત

નવી દિલ્હી: દેશમાં કોરોના અને લોકડાઉનને ધ્યાનમાં રાખતા સરકારે મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ સંબંધિત દસ્તાવેજોની અંતિમ તારીખ 31 જુલાઈ સુધી વધારી દીધી છે. મંત્રાલયની તરફથી કરવામાં આવેલ સત્તાવાર જાહેરાત અનુસાર, આ વર્ષે 1 ફેબ્રુઆરીથી જે વાહનોના દસ્તાવેજોનું નવીનીકરણ બાકી છે, તેમની માન્યતા 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન નવીનીકરણ કરાવવા પર કોઈ પણ પેનલ્ટી કે લેટ ફી લેવામાં આવશે નહીં.

અગાઉ 30 માર્ચ 2020 મોટર વ્હીકલ એક્ટ, 1988 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ રુલ્સ, 1989 અંતર્ગત જરૂરી ડોક્યુમેન્ટની ડેડલાઈનને 30 જૂન સુધી વધારી દેવામાં આવી હતી.

આ સુવિધા તે વાહન ચાલકો માટે હશે, જેમણે 1 ફેબ્રુઆરીના રોજ અથવા તે પછી ડોક્યુમેન્ટના નવીનીકરણ માટેની ફી ચૂકવી છે, પરંતુ કોરોનાવાઈરસના કારણે દસ્તાવેજોનું નવીનીકરણ થઈ શક્યું નથી. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જે ડોક્યુમેન્ટનો સમયગાળો પૂરો થઈ ગયો હતો પરંતુ લોકડાઉનના કારણે રિન્યુઅલ નથી થઈ શક્યા તેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

લોકડાઉનને પગલે ચા ઉદ્યોગને રૂ. 2000 કરોડનું નુકસાન

કોલકાતાઃ  કોવિડ-19ના સંક્રમણને લીધે દેશભરમાં જાહેર થયેલા લોકડાઉનને કારણે ચાના બગીચામાં ઉત્પાદન કાર્ય ખોરંભે ચઢી ગયું હતું. ઉદ્યોગના અનુસાર લોકડાઉનને કારણે દેશમાં ચાના ઉત્પાદનમાં 80 મિલિયન (800 કિલો)નો ઘટાડો થવાને કારણે એના પડતર ખર્ચમાં રૂ. 60થી રૂ. 70નો વધારો થયો છે. આમ એક બાજુ પડતર ખર્ચમાં વધારો થયો છે અને બીજી બાજુ ચાના વેચાણમાં ધરખમ ઘટાડો થયો છે.  

વાર્ષિક ઉત્પાદન 1300 મિલિયન કિલોગ્રામ

ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિયેશન (FAITTA)ના  ચેરમેન વીરેન શાહે કહ્યું છે કે દેશમાં ચાનું વાર્ષિક ઉત્પાદન આશરે 1300 મિલિયન કિલોગ્રામ (130 કરોડ કિલોગ્રામ) છે. લોકડાઉનને પગલે ચા બગીચામાં ઓછા મજૂરો કાર્યરત રહ્યા હતા, જેનાથી માર્ચ, એપ્રિલ અને મેમાં ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો હતો. આને લીધે 2020 વર્ષમાં ચાના ઉત્પાદનમાં 80 મિલિયન (800 કિલો)નો ઘટાડો થવાનો અંદાજ છે. જેથી ઉદ્યોગને આશરે રૂ. 2000 કરોડનું નુકસાન થશે.  ફેડરેશને દેશમાં ચાનું ઉત્પાદન, પુરવઠો અને ચાની માગમાં લોકડાઉનની પ્રતિકૂળ અસરોનું વિસ્તૃત મૂલ્યાંકન કર્યું છે.

દેશમાં ચાનું વાર્ષિક વેચાણ 108 કરોડ કિલોગ્રામ

દેશમાં એક વર્ષમાં ચાનું વેચાણ આશરે 108 કરોડ કિલોગ્રામ છે, એટલે કે ચાનું માસિક વેચાણ 900 લાખ કિલોગ્રામ છે. ચાના સ્ટોલ, રેસ્ટોરાં, કેફે, હોટલ અને ઉદ્યોગોમાં ચાનું વેચાણ આશરે 40 ટકા છે, એટલે કે 360 લાખ કિલોગ્રામ ચા પીવાય છે. લોકડાઉનને કારણે ચાના વેચાણમાં 700 લાખ કિલોગ્રામથી વધુનો ઘટાડો નોંધાયો છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉન દરમ્યાન ઘરેલુ વેચાણ વધ્યું હશે, પરંતુ બહારના વેચાણમાં ઘટાડાની ભરપાઈ માટે આ પર્યાપ્ત નથી.

 ચાની કિંમતોમાં વધારો થશે

ફેડરેશને કહ્યું હતું કે વર્તમાન સ્થિતિને કારણે ચાની કિંમતો પાછલા વર્ષની તુલનાએ વધે એવી શક્યતા છે, પણ ફાર્મ ગેટ કિંમત (ઉત્પાદનની પડતર કિંમત)માં પ્રતિ કિલો રૂ. 60-70નો સરેરાશ વધારો વાસ્તવિક માગ અને પુરવઠાને પ્રતિબિંબિત નથી કરતો.

પડતર ખર્ચ વધ્યો અને વેચાણ ઘટ્યું

ફેડરેશને કહ્યું હતું કે ચાના ઉત્પાદનનો પડતર ખર્ચ વધ્યો છે, પણ દેશમાં લોકડાઉનને પગલે ચાના વેચાણમાં ઘટાડો થયો છે. ચાના બગીચામાં મજૂરોની ખેંચ સર્જાતાં ચાની પડતર કિંમતમાં વધારો થયો છે., જેથી ચાના પેકર્સ અને રિટેલ વિક્રેતાઓ માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. શાહે કહ્યું છે કે દેશમાં ચા રાષ્ટ્રીય પીણું છે, પણ લોકોની આર્થિક મુસીબતોમાં વધારો થયા ચાના પડતર ખર્ચમાં થયેલો વધારો ભરપાઈ કરવો મુશ્કેલ છે, કેમ કે જો કિંમતો વધશે તો માગમાં ઘટાડો થવાની શક્યતા છે.