Home Blog Page 4802

ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે ડોમેસ્ટિક ફ્લાઈટ સેવા

નવી દિલ્હી: 60 દિવસના લાંબા લોકડાઉન બાદ કેન્દ્ર સરકાર બહુ ઝડપથી ડોમેસ્ટીક ફલાઈટ સર્વિસ, ફરીથી શરૂ કરી શકે છે. લોકડાઉનની વચ્ચે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૂ કરી શકે છે. કેન્દ્ર સરકારે આ માટેની તેમની તૈયારીઓ અંગે એરલાઇન્સ કંપનીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. ન્યૂઝ એજન્સીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શનિવારે એરલાઈન્સ કંપનીઓએ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA અને સિવિલ એવિએશન મંત્રાલયને રિપોર્ટ મોકલ્યો છે.

તેમના કંપનીઓને કહ્યું છે કે, તેઓ ફ્લાઇટ શરૂ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. જો કે આ ફ્લાઇટ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. મંત્રાલય અને DGCA દ્વારા એરલાઈન્સ કંપનીઓને એરક્રાફ્ટનુ સ્ટેટસ પણ સોંપવામાં આવ્યું છે. પ્રોટોકોલ અંતર્ગત કંપનીઓ ફ્લાઈટ શરૂ કરતા પહેલા એરક્રાફ્ટ સંબંધિત વિસ્તૃત રિપોર્ટ મંત્રાલય અને DGCAને સુપરત કરવાનો રહેશે.

જ્યારે ફ્લાઈટ શરૂ કરવામાં આવશે ત્યારે પેસેન્જર અને એરસાઈન્સને કેટલીક વિશેષ સાવચેતી રાખવી પડશે. તેના માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તમામ એરલાઈન્સ અને એરપોર્ટ ઓપરેટરો માટે સ્ટાર્ન્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP). SOPના જણાવ્યા પ્રમાણે, કેન્દ્રએ એરલાઈન્સને કહ્યું કે, ફ્લાઈટ શરૂ થવાના પહેલા તબક્કામાં 80 વર્ષથી ઉપરની વ્યક્તિને મુસાફરીની મંજૂરી ન આપવા જણાવ્યું છે. જો કે એટલું જ નહીં શરૂઆતના તબક્કામાં કેબિનમાં બેગ લઈ જવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જો કોઈ પેસેન્જર અથના સ્ટાફમાં સંક્રમણના લક્ષણ દેખાય છે અને આરોગ્ય સેતુ એપ ગ્રીન સિગ્નલ નહીં બતાવે તો આવી વ્યક્તિને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

પરપ્રાંતિય બાળકનું પરિવાર સાથે પુનઃ મિલન

અમદાવાદ: કોરોનાની મહામારીએ અનેક પરિવારોનો માળો વિખેરી નાંખ્યો છે, તો અનેક પરિવારોને એક છત નીચે ભેગા પણ કરી દિધા છે. કોરોનાના કહેર વચ્ચે રાજય સરકાર અને તેના કર્મયોગી એવા અધિકારી-કર્મચારીઓ લોકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે કટીબધ્ધતા સાથે કાર્ય કરી રહયા છે. એટલું જ નહી પરંતુ લોકડાઉનની આવી વિષમ પરિસ્થિતિમાં પણ છેવાડાના લોકો – દરિદ્રનારાયણ સુધી પહોંચીને તેમની મુશ્કેલીઓનું સંવેદનશીલતા સાથે નિરાકરણ કરી આ કર્મયોગીઓ તેમનામાં રહેલી કર્તવ્યતાને ઉજાગર કરી રહયા છે.

આવી જ એક ઘટના બની છે સુરેન્દ્રનગર જિલ્લામાં. મોરબી – સુરેન્દ્રનગર અને ત્યાંથી છેક રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાને જોડતી આ ઘટનાની કડી છે, એક દસ વર્ષીય પરપ્રાંતિય બાળક રમેશ મીણા….આજથી દસેક દિવસ પહેલા મોરબી જિલ્લાના બાળ સુરક્ષા એકમને કાળજી અને જરૂરીયાતવાળું આશરે દશેક વર્ષનું બાળક મળી આવ્યું હતુ. જે બાળકને સુરેન્દ્રનગર ખાતે  લાવવામાં આવ્યું, અને સુરેન્દ્રનગર જિલ્લા બાળ કલ્યાણ સમિતિના આદેશથી તેને સમાજ સુરક્ષા ખાતા સંચાલિત ચિલ્ડ્રન હોમ ખાતે આશ્રિત કરવામાં આવ્યો.

આ વાતની જાણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશને થતા તેમના માર્ગદર્શન હેઠળ આ બાળકને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવવા જિલ્લા સમાજ સુરક્ષાની ટીમ કાર્યરત થઈ. કોરોનાની મહામારીની સાથે પરિવારથી વિખુટો પડી ગયેલો આ બાળક ગભરાયેલો હતો. તેને સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમના અધિકારીઓ અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તથા સભ્યોએ હૂંફ અને સાંત્વના આપી, તેના પરિવારની વિગતો મેળવતા ખબર પડી કે, આ બાળકના પરિવારજનો તો છેક રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના કોઈ નાના ગામમાં રહે છે. કોરોનાના કારણે તેમના પરિવારજનોથી તે વિખૂટો પડી ગયો અને પરિવારના લોકો  તેમના વતન જતા રહયા અને તે એકલો અહીંયા રહી ગયો.

આ સમગ્ર બાબતની જાણ થતા જિલ્લા કલેકટરએ આ બાળકને તેના પરિવાર સુધી પહોંચાડવા માટે જરૂરી સુચના આપી. જેના પરિણામે આ બાળકને ૧૬ મી મેના રોજ બાળ સુરક્ષા એકમની ટીમ ખાનગી વાહનથી એસ્કોટ સાથે તેના પરિવારને સોંપવા પ્રતાપગઢ જવા રવાના કરવામાં આવી હતી.

કોલ, ડિફેન્સ અને સિવિલ એવિયેશન ક્ષેત્રે મોટા સુધારા

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને વડા પ્રધાન મોદીના આત્મનિર્ભર ભારત હેઠળના રૂ. 20 લાખ કરોડના આર્થિક પેકેજનો ચોથો તબક્કો શનિવારે પત્રકાર પરિષદમાં વિગતવાર રજૂ કર્યો હતો. આ પેકેજમાં માળખાકીય સુધારા પર ભાર આપવામાં આવ્યો હતો. તેમણે આઠ સેક્ટરમાં રિફોર્મની યોજના રજૂ કરી હતી. આમાં કોલસા, સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન, ખનિજ, સિવિલ એવિયેશન, સામાજિક બુનિયાદી ઢાંચો, અંતરીક્ષ વીજ વિતરણ ક્ષેત્ર અને એટોમિક એનર્જી સામેલ છે. આ ક્ષેત્રોમાં મોટા રિફોર્મના એલાન કરવામાં આવ્યા હતા. સરકારે ડિફેન્સ ક્ષેત્રે ઓટોમેટિક રૂપથી સીધા વિદેશી રોકાણની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવશે. એની સાથે સરકાર છ એરપોર્ટની હરાજી કરશે. આ ઉપરાંત સરકારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ડિસ્કોમના ખાનગીકરણ કરવાની વાત કરી હતી.

નાણાપ્રધાને કહ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાન બનાવવા માટે ભારતને વિશ્વની સમક્ષ આવી રહેલા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. એના માટે માળખાકીય સુધારા કરવા બહુ જરૂરી છે. કેન્દ્ર સરકાર નીતિગત સુધારા દ્વારા રોકાણને પ્રોત્સાહન આપવા માગે છે. ઇન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ માટે એમ્પાવર્ડ ગ્રુપ ઓફ સેક્રેટરીઝ બનાવવામાં આવશે.  દરેક મંત્રાલયમાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલ બનાવવામાં આવશે, જે રોકાણ કરવા માટે પ્રોગ્રામની ઓળખ કરશે ઇન્વેસ્ટરની સાથે કોર્ડિનેટ કરશે.

બધા ઔદ્યોગિક  વિસ્તારને મેપિંગ કરાશે

નાણાપ્રધાને કહ્યું હતું કે ઔદ્યોગિક જમીનની ઉપલબ્ધતાના હિસાબે નવા રોકાણને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કરશે. એની સાથે ઔદ્યોગિકક ઇન્ફોર્મેશન સિસ્ટમ બનાવવ માં આવશે. આ સિસ્ટમ હેઠળ 3376 ઇન્ડસ્ટ્રિલ પાર્ક અથવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું મેપિંગ કરવામાં આવશે. વર્ષ 2021 સુધી દેશના બધા ઔદ્યોગિક વિસ્તારોને આ મેપિંગના દાયરામાં લાવવામાં આવશે.

નાણાપ્રધાન સીતારામને ત્રીજા રાહત પેકેજ હેઠળ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે રૂ. 1.65 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી.

આત્મનિર્ભર ભારત માટે મેક ઇન ઇન્ડિયા

નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે આત્મનિર્ભર ભારત માટે મેક ઇન ઇન્ડિયા પર ફોકસ છે. આમાં સ્થાનિક ખપત સિવાય નિકાસ માટે ફણ આનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી ભારત એક વધુ આકર્ષક રોકાણ કેન્દ્ર બનશે.

માળખાકીય સુધારા પર ધ્યાન કેન્દ્રિત

નાણાપ્રધાને કહ્યું છે કે આજે માળખાકીય સુધારા પર ધ્યાન કેન્દ્રિત રહેશે. આમાં DBT, GST જેવા પગલાં મહત્ત્વનાં છે. આ સિવાય પાવર ક્ષેત્રથી માંડીને કોલ ક્ષેત્રમાં સુધારા કરવામાં આવ્યા છે.

ફાસ્ટટ્રેક રોકાણ માટે એમ્પાવર્ડ ગ્રુપ બનશે

ફાસ્ટટ્રેક રોકાણ માટે એમ્પાવર્ડની રચના કરવામાં આવશે. દરેક મંત્રાલયમાં સેલ બનશે, જે આનાથી વાતચીત કરશે અને રાજ્યો સાથે પણ વાત કરશે. રાજ્યોનાં રેન્કિંગ પણ થશે. રોકાણ માટે આકર્ષિત યોજનાઓ પર તેમનાં રેન્કિંગ નક્કી થશે, એમ નાણાપ્રધાને કહ્યું હતું.

 આઠ સેક્ટરમાં રિફોર્મ પર ફોકસ

આઠ સેક્ટરનાં રિફોર્મ પર ફોકસ છે, જેમાં કોલ, ડિફેન્સ અને એવિયેશન પણ સામેલ છે.

કોલ સેક્ટરમાં કોમર્શિયલ માઇનિંગની જાહેરાત

નાણાપ્રધાને એક મોટો સુધારો કરતાં કોલ સેક્ટરમાં કોમર્શિયલ માઇનિંગનું એલાન કર્યું છે. કોમર્શિયલ કોલ માઇનિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. જેથી હવે કોલ સેક્ટર પર સરકાર એકાધિકાર નહીં હોય. દેશની જરૂરિયાત મુજબ કોલની આયાત થશે. વિશ્વના ત્રણ મોટા કોલ બ્લોકમાં ભારત પણ સામેલ છે. 50 નવા બ્લોકની લિલામી કરવામાં આવશે. આંશિક રૂપથી એક્સપ્લોર ખાણ પણ ખોલવામાં આવશે. ખાનગી ક્ષેત્રને વધુ ખનન કરવા દેવામાં આવશે. સમયથી પહેલાં ખનનની પ્રક્રિયા પૂરી કરવા પ્રોત્સાહન મળશે. સરકાર ગેસમાં કન્વર્ટ કરવા માટે ઇન્સેન્ટિવ આપશે. કોલબેડ મિથેનની પણ હરાજી થશે. એના વિકાસ માટે રૂ. 50,000 કરોડ ખર્ચ થશે.

સંરક્ષણ ઉત્પાદનમાં મેક ઇન ઇન્ડિયા પર ભાર, FDI લિમિટ ઓટોમેટિક રૂટથી 74 ટકા થઈ

સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે મેક ઇન ઇન્ડિયા જરૂર છે. ડિફેન્સ ક્ષેત્રમાં હથિયારોની લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જોકે આની આયાત પર પ્રતિબંધ લાગશે. એના માટે બજેટનું એલાન કરાશે

આ ઉપરાંત ડિફેન્સ ફેક્ટરી બોર્ડ બનાવવામાં આવશે. આનું ખાનગીકરણ કરવામાં નહીં આવે. આના કામકાજમાં સુધારો કરવામાં આવશે, જેથી સેનાને સારાં હથિયાર મળી શકે. આમ સંરક્ષણ ક્ષેત્રની આયાતમાં ઘટાડો કરવામાં આવશે. સંરક્ષણ ઉત્પાદન માટે FDI મર્યાદા ઓટોમેટિક રૂટથી 49 ટકાથી કરીને 74 ટકા કરવામાં આવશે.

સિવિલ એવિયેશન ક્ષેત્રે ત્રણ જાહેરાત, છ એરપોર્ટની હરાજી કરાશે

એરલાઇન્સના ખર્ચ ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે. વધુ એર સ્પેસ ખોલવાની યોજના પર કામ જારી કરવામાં આવશે. જેનાથી નાગરિક વિમાનો માટે ઓઠો સમય લાગે. મિલિટરી વિભાગની સાથે સમન્વય કરીને એને જલદી તૈયાર કરાશે, એનાથી રૂ. 1000 કરોડનું ફ્યુઅલ બચશે. AIA છ નવા એરપોર્ટની હરાજી કરવામાં આવશે. PPP દ્વારા આની લિલામી કરાશે.દેશમાં 12 એરપોર્ટના ખાનગીકરણથી રૂ. 13,000 કરોડનું રોકાણ આવશે.

પાવર ડિસ્કોમના ખાનગીકરણની યોજના

પાવર ક્ષેત્ર સેક્ટરમાં કેટલાંક પરિવર્તનો થશે. પાવર ક્ષેત્રે ખાનગીકરણ કરવામાં આવશે. જેથી વીજઉત્પાદન વધશે. જેથી પાવર જનરેશન કંપનીઓમાં હરીફાઈ વધશે.

સોશિયલ ઇન્ફ્રા માટે રૂ. 8100 કરોડની ફાળવણી

સામાજિક બુનિયાદી ઢાંચામાં રોકાણ કરવા માટે કેટલાંક બદલાવ કરવામાં આવ્યા છે.  30 ટકા કેન્દ્ર અને 30 ટકા રાજ્ય સરકાર વાયેબિલિટી ગેપ ફન્ડિંગમાં આપશે, પરંતુ બાકીનાં ક્ષેત્ર 20-20 ટકા જ આપશે. આના માટે લગભગ રૂ. 8,100 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

સ્પેસ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી વધારવા પર ભાર

સ્પેસ ક્ષેત્રે ભારતે પાછલાં વર્ષોમાં સારું કામ કર્યું છે. ખાનગી ક્ષેત્રને આમાં ભાગીદાર બનાવવાનો અવસર છે. ખાનગી ક્ષેત્ર હવે ISROની સુવિધા લઈ શકશએ. નવા ગ્રહોની શોધ અથવા અંતરિક્ષ યાત્રામાં ખાનગી ક્ષેત્ર પ્રોત્સાહન અપાશે.

PPP નીતિથી ઉત્પાદન

પરમાણુ ઊર્જા સંબંધિત સુધારા પર કામ કરવામાં આવશે. મેડિકલ ઇક્વિપમેન્ટના ઉત્પાદનને વધારવા માટે PPP મોડલથી કંપનીઓ બનશે અને એનાથી માનવતાની સેવાને બળ મળશે. મેડિકલ આઇસોટોપ માટે PPP નીતિથી ઉત્પાદનને પ્રોતસાહન આપવામાં આવશે. રેડિયેશન ટેક્નોલોજી દ્વારા સ્ટોરેજને પ્રોત્સાહન આપવામાં આવશે.

 

 

 

દાહોદ: લોકડાઉનમાં ટીમરૂના પાન બન્યા કમાણીનું સાધન

દાહોદ: જિલ્લામાં ટીમરૂના પાન વિણવાની મૌસમ સોળે કળાએ ખીલી છે. દાહોદના જંગલોમાં પુષ્કળ પ્રમાણમાં ઉગતા ટીમરૂ વૃક્ષોના પાન લોકડાઉનના આ કપરા સમયમાં પણ આદિવાસીઓ માટે અર્થોપાર્જનનું માધ્યમ બન્યા છે. એપ્રિલ માસથી શરૂ થયેલી આ મોસમમાં અત્યાર સુધીમાં આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ૫૭૫૭ આદિવાસીઓ દ્વારા રૂ. ૧.૩૭ કરોડની કિંમતના ટીમરૂના પાન એકત્ર કરવામાં આવ્યા છે. તેની સામે રાજ્યના વન વિકાસ નિગમને પણ રોયલ્ટી પેટે રૂ. ૩૭ લાખની આવક થઇ છે. લોકડાઉન વચ્ચે એકત્રીકરણ કામ કરવાની વન નિગમ દ્વારા માંગવામાં આવેલી મંજૂરી કલેક્ટર કચેરી દ્વારા આદિવાસી વિસ્તારમાં રહેલા લોકોની જરૂરિયાતને ધ્યાને રાખી સત્વરે મંજૂરી કરવામાં આવી હતી.


ટીમરૂના પાનના એકત્રીકરણ માટે વન વિકાસ નિગમ દ્વારા દાહોદ જિલ્લામાં ૧૬ જેટલા યુનિટ બનાવવામાં આવ્યા છે. આ યુનિટો એવા સ્થળોએ બનાવવામાં આવ્યા છે કે જ્યાં ટીમરૂના વૃક્ષોની સંખ્યા વધુ હોય ! ટીમરૂના પર્ણ તોડવાની મૌસમ સામાન્ય રીતે એપ્રિલ માસમાં શરૂ થઇ જતી હોય છે. જેમ ગરમી વધુ પડે એમ ટીમરૂના પાન ઉત્તમ ગુણવત્તાના બને છે. પાન તોડવાનું કામ કોઇ કાચાપોચા માણસોનું નથી !

વહેલી સવારે, આમ તો મધ્ય રાત્રીના બેત્રણ વાગ્યે આદિવાસી પરિવારના સભ્યો જંગલમાં આ પાન તોડવા જાય છે. પરિવારની મહિલાઓ ગીતો ગાતી ગાતી કોઇ પણ ડર વીના જંગલમાં નીકળી પડે છે. પરિવારનો પુરુષ ટીમરૂ વૃક્ષ ઉપર ચઢી જાય છે અને ડાળી તૂટે નહી એ રીતે ઓજારથી પાન તોડી નીચે પાડે છે અને નીચે રહેલી મહિલાઓ પાન વિણી તેના પોટલા ભરી લે છે. ઉગતા પહોરે પોટલા ભરાઇ જાય એટલે ફરી આ સમુહ ફરી પોતાના ઘરે પરત આવે છે. ટીમરૂના મૂળમાંથી પણ ટીમરૂ ઉગી નીકળે છે. તેને ભોયદોરી તરીકે ઓળખવામાં આવે છે. તેમાંથી મળતા પાન મોટા અને ઉત્તમ ગુણવત્તાના હોય છે.

હવે પાના પૂડા બાંધવાનું કામ શરૂ થાય છે. નબળા પાનને દૂર કરી તેના પૂડા બાંધવામાં આવે છે. સામાન્ય રીતે પાનમાં ટીકાવાળા કે વચ્ચેથી તૂટી ગયેલા પાન, કાંણાવાળા પાનને કાઢી નાખવામાં આવે છે. આમ, તો આ બાબતનો વિણતી વખતે જ ખ્યાલ રાખવાનો હોય છે. પણ, વહેલી સવારના અંધારામાં ખરાબ પાન પણ આવી જાય છે. એક પૂડામાં ૪૦થી ૪૫ પાન હોય છે. સામાન્ય રીતે એક વ્યક્તિ ત્રણ સો પૂડા જેટલા પાન વિણી લે છે. વળી, આ આદિવાસીઓ દ્વારા ટીમરૂની ડાળી ના તૂટે એનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. કારણ કે, આ જ ડાળી તેને આવક આપે છે.

આ પૂડા ફડવંચાને આપવામાં આવે છે. કદાચ તમે વહીવંચા શબ્દ સાંભળ્યો હશે પણ ફડવંચા શબ્દ તમારા માટે નવો હશે ! ફડ (કે ફડા) એટલે પૂડાનું જ્યાં એકત્રીકરણ થતું હોય એ સ્થળ અને ત્યાં નિગમ દ્વારા રાખવામાં આવેલા વ્યક્તિને ફડવંચા કહેવામાં આવે છે. દાહોદમાં આવા ૧૨૬ ફડા છે. ફડવંચાનું કામ સામાન્ય રીતે વારસાગત રીતે ચાલ્યા આવતા વ્યક્તિને નિગમ દ્વારા આપવામાં આવે છે. પૂડા ફડામાં આવે એટલે ૨૦ બાય ૧૦ની ચોકડીમાં તેને ગોઠવી દેવામાં આવે છે. એટલે એક ચોકડીમાં ૨૦૦ પૂડા હોય છે. ફડવંચા દ્વારા પાન એકત્ર કરનારને પૂડાની કિંમત ચૂકવવામાં આવે છે. હાલે, એક પૂડાની કિંમત રૂ. ૧.૧૦ છે. એટલે કે, ત્રણસો પૂડા બનાવનાર વ્યક્તિને રૂ. ૩૧૧ની આવક થાય !

સબ ડિવિજનલ મેનેજર એમ. એચ. પઠાણ કહે છે ફડવંચાને પાંચ ચોકડી દીઠ રૂ. ૯૦ની મહેનતાણું ચૂકવવા આવે છે. ચોકડીની જમીન ફડવંચાની માલિકીની જ હોય છે. તેની એક વધુ જવાબદારી હોય છે પૂડાને ઉથલાવાની ! પાને ચોકડીમાં સૂર્યપ્રકાશમાં સૂકવવા મૂક્યા હોય ત્યારે, પાન પાંચ-છ દિવસે રતાશ પકડી લે છે. રતાશવાળા પૂડાને ઉથલાવીને લીલા ભાગને સૂકવવાનો ! આ કામ ફડવંચાનું હોય છે. અહીંથી વેપારીઓને બોરા ભરીને ટીમરૂના પાનનું વેચાણ કરવામાં આવે છે.

એક બોરોમાં એક હજાર પૂડામાં સમાય છે. આવા એક બોરાની કિંમત હાલે રૂ. ૧૧૦૦ નક્કી કરવામાં આવી છે. બોરોમાં ભરતા પહેલા પૂડાનો ઢગલો કરી તેના પણ પાણી છાંટી ઢાંકી દેવાય છે. બાષ્પીભવનની પ્રક્રીયાને કારણે આ પાન કૂળા પડી જાય છે. બીડી બનાવવાના હેતુંથી આ પાનનો જથ્થો મોટા ભાગે મહારાષ્ટ્ર, તમીલનાડુ, હૈદરાબાદમાં મોકલવામાં આવે છે.

વન વિકાસ નિગમના વિભાગીય વ્યવસ્થાપક ડી. આર. ગોહિલ કહે છે, ગત વર્ષે વરસાદ સારો રહેવા ઉપરાંત આ વખતે અત્યાર સુધી માવઠુ ના થતાં ટીમરાના પાનનું કલેક્શન સારૂ છે. દાહોદ જિલ્લાના સોળ યુનિટમાંથી વર્ષ ૨૦૧૬માં ૧૪૩૨૫ બોરી, ૨૦૧૭માં ૨૧૭૪૦ બોરી, ૨૦૧૮માં ૧૭૮૮૧ બોરી અને ચાલું વર્ષે અત્યાર સુધીમાં ૧૨૫૧૪ બોરીનું કલેક્શન થઇ ગયું છે. હજુ મોસમ ચાલુ છે, એટલે આ બોરીની સંખ્યા વધવાની આશા છે. પાછલા ત્રણ વર્ષ કરતા આ વર્ષે સૌથી વધુ લોકો ટીમરૂના પાન એકત્ર કરવામાં જોડાયા છે. ૨૦૧૭માં ૩૫૭૩, ૨૦૧૮માં ૨૭૧૮ અને હાલમાં ૫૭૫૭ વ્યક્તિ આ પાન એકત્ર કરી ગૌણપેદાશ થકી આવક મેળવી રહી છે. લોકડાઉનના સમયમાં આ ટીમરૂના વૃક્ષો તેમના માટે આશીર્વાદ સ્વરૂપ બન્યા છે.

વાનખેડે સ્ટેડિયમનો ‘ક્વોરેન્ટાઇન સેન્ટર’ માટે ઉપયોગ કરાશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ રોગચાળો ઘણો ઝડપથી પ્રસરી રહ્યો છે. દેશમાં કોરોના વાઇરસનું કેન્દ્ર મહારાષ્ટ્ર કેન્દ્ર બનેલું છે. ખાસ કરીને મુંબઈ સૌથી વધુ કેસ ધરાવતું શહેર છે. આવામાં આ વાઇરસ સામે લડવા માટે અને લોકોની મદદ માટે મુંબઈના ઐતિહાસિક ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે વાનખેડે સ્ટેડિયમને ક્વોરોન્ટાઇન સેન્ટર માટે ઉપયોગ કરવામાં આવશે. આના માટે BMCએ મુંબઈ ક્રિકેટ એસોસિયેશનને પણ પણ લખ્યો છે.

BMCએ MCAને આદેશ આપ્યો

બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA)ને આદેશ આપ્યો છે કે વાનખેડે સ્ટેડિયમને ક્વોરોન્ટાઇન ફેસિલિટી માટે હેન્ડ ઓવર કરવામાં આવે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કેમ કે મુંબઈમાં કોવિડ-19ના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહેવાલ મુજબ MCAના અધિકારીઓને ગઈ કાલે BMCએ પત્ર જારી કરતાં કહ્યું હતું કે તત્કાળ પ્રભાવથી સ્ટેડિયમને ક્વોરોન્ટાઇન સેન્ટર સોંપવા માટે કહ્યું હતું.

MCA  સ્ટેડિયમ સોંપવા તૈયાર

‘A’ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર ચંદ્રા આર જાધવ દ્વારા કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે પરિસરનો ઉપયોગ ‘A’ વોર્ડના  ઇમર્જન્સી કર્મચારીઓ માટે કરવામાં આવશે અને જે લોકો કોવિડ-19 રોગીઓના સંપર્કમાં આવ્યા છે અને સંક્રમિત નથી થયા, તેમને ક્વોરોન્ટાઇન કરવામાં આવશે. MCA ના સચિવ સંજય નાઇકે કહ્યું હતું કે ક્રિકેટ સંઘ આસિસ્ટન્ટ કમિશનરના આદેશોનું પાલન કરશે.

 

 

 

 

હું જિનપિંગથી વાત કરવા નથી ઇચ્છતોઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ફરી હુમલા તેજ કરી દીધા છે. તેમણે હવે ચીન સાથેના બધા સંબંધો કાપી નાખવાની ધમકી આપી છે. આ વાઇરસ ચીને ફેલાવ્યો હોવાનું તેમનું દ્રઢપણે માનવું છે, જેથી તેમણે ચીન સામે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. અમેરિકામાં આ વાઇરસને લીધે 80,000 લોકોનાં મોત થયાં છે. તેમણે કહ્યું છે કે અમે ચીન સાથેના તમામ સંબંધો ખતમ કરી નાખીશું.

હવે શી જિનપિંગ સાથે કોઈ વાતચીત નહીં

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેઓ હવે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કોઈ વાતચીત કરવા નથી ઇચ્છતા.મારા તેમની સાથે બહુ સારા સંબંધ છે, પરંતુ હાલ હું તેમની સાતે કોઈ વાત નથી કરવા ઇચ્છતો. ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ચીનથી બહુ નિરાશ છું.

ચીનની નિષ્ફળતાને લીધે કોરોના મહામારીએ દુનિયાઆખીને ઝપટમાં લીધી

અમેરિકી રાષ્ટ્રપતિ છેલ્લા કેટલાંક સપ્તાહથી ચીનને બહુ દબાણમાં છે. અમેરિકી સંસદસભ્યોની સાથે ત્યાંના બુદ્ધિજીવીઓ ટ્રમ્પ પર કોરોના મહામારી ફેલાવવાના આરોપમાં ચીનની સામે સખત કાર્યવાહી કરવી માટે દબાણ કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે ચીનની નિષ્ફળતાને લીધે વુહાનથી ફેલાયેલી મહામારીએ દુનિયાઆખીને ઝપટમાં લીધી છે. અમેરિકાએ ચીનથી કેટલીય વખત કહ્યું છે કે એ આંતરરાષ્ટ્રીય સમુદાયને વુહાન પ્રયોગશાળામાં નિરીક્ષણની મંજૂરી આપે, જેથી સંક્રમણના ફેલાવાની જાણ થઈ શકે.

ચીન જાણીજોઈને મંજૂરી નથી આપતું

ટ્રમ્પે કહ્યું છે કે ચીનથી વારંવાર ત્યાં જવાની મંજૂરી માગ કરવા છતાં ચીન સતત ઇનકાર કરી રહ્યું છે. એ અમારી મદદ નથી કરવા નથી ઇચ્છતું. તેણે સમજવું જોઈએ કે તે શું કરી રહ્યું છે. આને અક્ષમતા, જાણીબૂજી અથવા મૂર્ખતાપૂર્ણ કંઈ પણ કહી શકાય.

ટ્રમ્પ અને વિદેશપ્રધાન માઇક પોમ્પિયોનો આરોપ

ટ્રમ્પ અને વિદેશપ્રધાન માઇક પોમ્પિયો સતત આરોપ લગાવી રહ્યા છે કે જીવલેણ સંક્રમણ ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીથી ગયા ડિસેમ્બરમાં ફેલાયો. જોકે ચીન અમેરિકાના આ આરોપોનુ સતત ખંડન કરી રહ્યું છે.

 

 

 

 

 

KBCમાં જવાનો મોકો! આ રહ્યો સાતમાં સવાલનો જવાબ

નવી દિલ્હી: લૉકડાઉનને લીધે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું કામકાજ ઠપ છે એ દરમ્યાન પણ અમિતાભ બચ્ચન તેમના ફેન્સ માટે તેમનો મનપસંદ શો ‘કોન બનેગા કરોડપતિ’ની નવી સીઝન લઈને હાજર છે. તાજેતરમાં જ તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ આ શો ના પ્રોમોનું શુટિંગ કરી રહ્યાં છે.

આ શોમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે અને હોટસીટ સુધી પહોંચવા માટે આ પ્રથમ પ્રક્રિયામાં લોકો મોટાપાયે ભાગ લઈ રહ્યા છે. કોન બનેગા કરોડપતિની 12મી સીઝનમાટે ઉમેદવારોની પસંદગી પ્રકિયા ચાલી રહી છે. આ પ્રક્રિયામાં દર્શકોને દરરોજ એક સવાલ પૂછવામાં આવે છે. જેનો સાચો જવાબ આપનાર લોકોને કેબીસીમાં જવાનો ચાન્સ વધી જાય છે. ગત 9 મેથી પૂછવામાં આવી રહેલા સવાલોમાં શુક્રવારે એક નદી સાથે જોડાયેલ સવાલ પૂછવામાં આવ્યો.

શુક્રવારે કેબીસી રજિસ્ટ્રેશન માટે સાતમો સવાલ પૂછવામાં આવ્યો….એ સવાલ હતો- ભારતમાં પ્રવેશતી વખતે બ્રહ્મપુત્ર નદી સૌથી પહેલા કયા રાજ્યમાંથી પસાર થાય છે?

જેના ઓપ્શન છે- A.અસમ, B.મેઘાલય, C.અરુણચલ પ્રદેશ, D.નાગાલેન્ડ

આ સવાલનો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશ. તમે આજે રાતે 9 વાગ્યા સુધીમાં તમારો જવાબ મોકલી શકો છો. તમારો જવાબ તમે SMS અથવા SonyLIV એપ મારફતે મોકલી શકો છો. એસએમએસ મારફતે જવાબ આપવા માટે KBC{space} તમારો જવાબ (A,B,C or D) {space} ઉંમર {space} લિંગ (પુરૂષ માટે M, મહિલા માટે F અને અન્ય માટે O) લખીને 509093 પર મોકલવાનો રહેશે.

જો તમે સોની લિવ એપ પરથી જવાબ આપવા માંગો છો તો એપમાં તમારું નામ, ઉંમર અને સાચો જવાબ લખીને મોકલી શકો છો. જેનો જવાબ સાચો હશે તેની કોમ્પ્યુટર દ્વારા પંસદગી કરાશે અને આગળના રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. આ વખતે ઉમેદવારોની પંસદગી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન થશે અને સવાલોના તબક્કા પછી ઉમેદવારોનું વીડિયો ઈન્ટરવ્યૂ અને ઓનલાઈન ટેસ્ટ પણ થશે.

કોરોના સામે લડવા આયુર્વેદિક દવા કારગર નીવડશે?

નવી દિલ્હી: કોરોના મહામારી સામે અત્યારે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. કોરોનાની દવા શોધવા વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંગઠનો કામે લાગ્યા છે. ભારતમાં પણ હવે કોરોના વાઈરસના ઈલાજ માટે આયુર્વેદિક દવાનું પરીક્ષણ શરુ કરવામાં આવશે.

આયુષ મંત્રી શ્રીપદ નાઇકે ગુરૂવારે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘આયુષ મંત્રાલય અને CSIR (વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ) સાથે મળીને કોરોના વાયરસના ઈલાજ માટે ભારતીય આયુર્વેદિક દવા પર કામ કરી રહ્યાં છે. જેનું પરીક્ષણ દર્દીઓ પર એક અઠવાડિયાની અંદરમાં શરૂ કરવામાં આવશે. આ દવાઓ ભારતીય પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિથી બનાવવામાં આવી છે.

આયુષની આ ઉપચાર પદ્ધતિને કોવિડ-19ના દર્દી પર એડ-ઓન થેરેપી અને સ્ટાન્ડર્ડ કેયર તરીકે લાગૂ કરવામાં આવશે. આયુષ મંત્રાલયનો ઉદ્દેશ આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ તેમજ હોમિયોપેથી વગેરે પરંપરાગત ઔષધિય પદ્ધતિ પર અભ્યાસ તેમજ સંશોધન કરવાનો છે. તો CSIR-(વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદ) એ ભારત સરકાર દ્વારા સંચાલિત વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક સંશોધન તેમજ વિકાસ કાર્ય કરનાર દેશની સૌથી મોટી સંસ્થા છે.

દેશમાં કોરોના સંક્રમિત લોકોનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 76 હજારને પાર કરી ગઇ છે અને 2,549 જેટલાં રોગીઓના મૃત્યુ થયા છે. તો છેલ્લા ૨૪ કલાકમાં 3,722 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે! આશા રાખીએ કે, આયુષ પદ્ધતિની દવા કોરોના સંક્રમણને નાથવામાં કારગર નીવડે.

અમેરિકા વેન્ટિલેટરનું ભારતને દાન કરશેઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ભારતને વેન્ટિલેટર દાન કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે મને એ ઘોષણા કરતાં ગર્વ થાય છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા ભારતને વેન્ટિલેટરનું દાન કરશે. આ મહામારી દરમ્યાન અમે ભારત અને નરેન્દ્ર મોદીની સાથે ઊભા છીએ. અમે વેક્સિન ડેવલપમેન્ટમાં પણ મદદ કરી રહ્યા છીએ. અમે મળીને અદ્રશ્ય દુશ્મને હરાવીશું.અમેરિકાએ કોરોના વાઇરસને અટકાવવા માટે ભારતને વધારાના ત્રણ મિલિયન (30 લાખ ડોલર) અમેરિકી ડોલરની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલાં ટ્રમ્પ વહીવટી મંડળે USAIDના માધ્યમથી ભારતને 5.9 અમેરિકી ડોલર (આશરે 60 લાખ ડોલર)ની મદદ કરવાની જાહેરાત કરી હતી.

અમેરિકા કોરોના વાઇરસને અટકાવવા માટે આર્થિક મદદની આ યોજનાને PAHAL પ્રોજેક્ટનું નામ ચલાવી રહ્યું છે. અમેરિકાએ હાલમાં જ માત્ર ભારત જ નહીં, તમામ દેશોને કોરોના વાઇરસને અટકાવવા માટે મોટી આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે પણ એ આરોપ લાગ્યા હતા કે અમેરિકા ભારતથી આશરે બે ગણી મદદ કરવાની જાહેરાત પાકિસ્તાન માટે પણ કરી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વાસ દર્શાવ્યો હતો કે આ વર્,ના અંત સુધીમાં દેશની પાસે કોવિડ-19ની વેક્સિન હશે. અત્યાર સુધી અમેરિકી સરકારના સ્વાસ્થ્ય નિષ્ણાતોએ જાન્યુઆરી, 2021 સુધીમાં કોવિડ વેક્સિન બનાવી લેવાની વાત કહી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે તેમનું માનવું છે કે દેશની પાસે જલદી વેક્સિન હશે.

 

 

 

 

કોરોના સંક્રમિતોને મામલે હવે વિશ્વમાં ભારતનું સ્થાન 11મું

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ઝડપથી વધી રહ્યો છે. દેશમાં કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા 85,000ને પાર પહોંચીને 85,940 થઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 2752 દર્દીઓનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં 3970 નવા કેસ નોંધાયા છે અને 103 લોકોનાં મોત થયાં છે. આમ ભારત કોરોના સંક્રમિતોને મામલે ચીનથી આગળ નીકળી ગયું છે. કોરોના વાઇરસ સંક્રમિતોને મામલે હવે વિશ્વમાં ભારતનું સ્થાન 11મું છે. જોકે જીવલેણ વાઇરસથી થનારાં મોતોનો દર ચીનની તુલનાએ ભારતમાં ઘણો ઓછો છે. ચીનમાં એ 5.5 ટકા છે, જ્યારે ભારતમાં એ 3.2 ટકા છે. રિકવરી રેટ સુધરીને 34.06 ટકા થયો છે.

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 46 લાખને પાર

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 46 લાખને પાર થઈ છે. 213 દેશોમાં પાછલા 24 કલાકમાં 99,116 કોરોનાના નવા કેસ સામે આવ્યા છે અને 5050 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.  અત્યાર સુધીમાં આ વાઇરસથી ત્રણ લાખથી વધુ લોકોનં મોત થયાં છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 17,55,000 લોકો સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. વિશ્વના 72 ટકા કોરોનાના કેસો માત્ર 10 દેશોમાં છે.  આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 33 લાખ છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.