સુરત: ગુજરાતના 30 જાણીતા કલાકાર એક જ ગીતમાં આવ્યા એ પહેલી વાર બન્યું છે. પણ આ ગીતને સુરતમાં એકદમ સરસ અને માસૂમ પરિવેશ મળ્યો છે. “દેશ ખીલશે, ગુજરાત ખીલશે”ના શબ્દો ઉપર સુરતના પાલ વિસ્તારમાં આવેલી શ્રીપાદ – અંતેલીયા નામની સોસાયટીના 20 જેટલા બાળકો એટલા ખીલ્યા છે કે “દેશ ખીલશે, ગુજરાત ખીલશે” નું એમનું વર્ઝન પણ દર્શનીય બન્યું છે.
કવિ ચંદ્રેશ મકવાણા “નારાજ” દ્વારા લખાયેલા “દેશ ખીલશે, ગુજરાત ખીલશે” ગીતને અરવિંદ વેગડાનો કંઠ મળ્યો છે. સમીર અને માના રાવલે સંગીતબદ્ધ કરેલા આ ગીતમાં ગુજરાતી ફિલ્મ જગતના સિનિયર મોસ્ટ નરેશ કનોડિયા, હિતેન કુમારથી લઇને સ્મિત પંડ્યા સુધીના 30 જેટલા કલાકારોએ ભાગ લીધો છે. કોરોના સામેની લડતમાં આપણે સૌ સાથે છીએ તેવો સુંદર એક હકારાત્મક મેસેજ આપતા આ ગીતના શબ્દો અનેકને પસંદ આવ્યા છે. આ ગીતને ખુદ વડાપ્રધાને પણ ટ્વિટ કર્યું હતુ. અહીં આપેલી લિંક પર ક્લિક કરી તમે પણ આ સુંદર ગીત સાંભળી શકો છો…https://youtu.be/dGIjmmz3OpA
બધે જ બાળકો માટે અને ઇવન મોટેરા માટે કોઈ ને કોઈ પ્રવૃત્તિ થઇ રહી છે. એવા સમયે સોસાયટીમાં જ રહેતા માર્કેટિંગ પ્રોફેશનલ કૃણાલ દેસાઈ અને વીડિયોગ્રાફી કરતા ગૌરાંગ દેસાઈને એક વિચાર આવ્યો અને જાણીતા લોકો એ બનાવેલા ગીતને આ અજાણ્યા લોકે એ નવી રીતે બનાવ્યું. સોસાયટીના બાળકોને અલગ અલગ રીતે એમના જ મોબાઈલમાં શૂટિંગ કર્યું, કોઈને ભેગા ન કર્યા અને ગીત બન્યું.
ગૌરાંગ દેસાઈ, અપૂર્વ પટેલ, ગૌરવ દેસાઈ અને કૃણાલ દેસાઈના વર્ઝનને પણ લોકો વધાવી રહ્યા છે. સાવ સોસાયટીમાં બેઠા બેઠા પણ કેવા સારા ક્રિયેટિવ આઈડિયા આવે છે અને એનું સારું પરિણામ પણ આવે છે, એનું આ એક ઉદાહરણ સુરતની શ્રીપદ એન્ટેલિયાએ આપ્યું છે.
લંડનઃ ભારતે કરેલા પ્રત્યાર્પણના કેસમાં બ્રિટનની હાઈકોર્ટના ચુકાદા સામે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાના પ્રયાસોને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને આજે મોટો ફટકો પડ્યો છે. અપીલમાં જવાની એની વિનંતીને હાઇકોર્ટે નકારી કાઢી છે. આમ, પ્રત્યાર્પણથી બચવાના માલ્યા માટે બધા રસ્તા બંધ થઈ ગયા છે.
હવે વિજય માલ્યાના પ્રત્યાપર્ણનો માર્ગ મોકળો થયો છે. બ્રિટિશ સરકારે પણ હવે વિજય માલ્યાના પ્રત્યાર્પણનો નિર્ણય લીધો છે. બિઝનેસ ટાયકૂન વિજય માલ્યાએ એની નાદાર કિંગફિશર એરલાઇન્સને પરિણામે છેતરપિંડીના આરોપોનો સામનો કરવા માટે પ્રત્યાર્પણના 2018ના ચુકાદા સામે સુપ્રીમમાં જવાની અરજી કરી હતી, જેને નામંજૂર કરવામાં આવી છે.
હવે 28 દિવસમાં માલ્યા ભારતમાં?
ભારત-યુકે પ્રત્યાર્પણ સંધિ હેઠળ યુકેનાં પ્રધાન પ્રીતિ પટેલ હવે વિજય માલ્યાને 28 દિવસની અંદર ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવે એવા કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યાં છે. ભારત 64 વર્ષીય ઉદ્યોગપતિ વિજય માલ્યાને પાછો લાવવા ધારે છે, કેમ કે એવિયેશનથી લિકર સુધીનો બિઝનેસ કરનાર આ વેપારીની કંપની કિંગફિશરે રૂ. 9000 કરોડની લોન ભારતની બેન્કો પાસેથી લીધી હતી. આ લોનો બેન્કોને ચૂકવવી ન પડે માટે માલ્યાએ બ્રિટનનું શરણું લીધું છે. લોનો ચૂકવવાનો એનો ઇરાદો નથી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. માલ્યા હાલ બ્રિટનમાં જામીન પર છે અને ભારતમાં વોન્ટેડ છે.
વિજય માલ્યાએ કેસોને બંધ કરવા માટે વિનંતી કરી
દેશની કેટલીય બેન્કો પાસેથી આશરે રૂ. 9000 કરોડની લોનો લઈને બ્રિટન ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકારને 100 ટકાનાં દેવાં ચૂકવવાના પ્રસ્તાવનો સ્વીકાર કરવા અને તેની સામે ચાલી રહેલા કેસોને બંધ કરવા માટે ફરી વિનંતી કરી છે. ભાગેડુ વિજય માલ્યાએ એક ટ્વીટમાં કોવિડ-19 રાહત પેકેજ માટે સરકારને અભિનંદન પણ આપ્યાં છે. ‘તમે જેટલી ઇચ્છો એટલી કરન્સી પ્રિન્ટ કરી શકો છે, પણ મારા જેવા એક નાના કોન્ટ્રિબ્યુટરની રજૂઆતનો સ્વીકાર કરવો જોઈએ, જે સરકારી બેન્કોની લોન 100 ટકા પરત કરવા ઇચ્છી રહ્યો છે. મને કેમ ઇગ્નોર કરવામાં આવે છે? કૃપા કરીને મારા પૈસા વગર શરતે લઈ લો અને મારી સામેના કેસ બંધ કરી દો,’ એમ માલ્યાએ કાલાવાલા કરતાં કહ્યું છે. માલ્યા ભાગેડુ જાહેર
વિજય માલ્યાને દેશમાં ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. તે માર્ચ, 2016થી બ્રિટનમાં છે. તેને બ્રિટનમાં સ્કોટલેન્ડ યાર્ડે 18 એપ્રિલ, 2017માં અટકમાં લીધો હતો. ત્યારથી તે જામીન પર છે. બ્રિટનના ગૃહ વિભાગે ભારતીય તપાસ એજન્સીઓની માગ પર તેના પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી છે.
આ છે, માલ્યા ટ્વીટ
વિજય માલ્યા હવે સજાથી બચવા માટે સરકાર સામે લટુડોપટુડો થઈ રહ્યો છે. મોદી સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજની પ્રશંસા કરી છે અને સાથે કહ્યું છે કે હું તમામ દેવું ચૂકતે કરવા તૈયાર છું, પણ મારી સામેના કેસ બંધ કરી દો.
હાઈ કોર્ટના ચુકાદાથી વિજય માલ્યાને આંચકો
ગયા મહિને એપ્રિલમાં લંડનની રોયલ કોર્ટ ઓફ જસ્ટિસમાં લોર્ડ જસ્ટિસ સ્ટીફન ઇરવિન અને જસ્ટિસ એલિઝાબેથ લાઇંગના બે સભ્યની બેન્ચે ભારત પ્રત્યાર્પણની સામે દાખલ અરજીને ફગાવી દીધી હતી. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 64 વર્ષીય વિજય માલ્યાએ ભારત પ્રત્યાર્પણની સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ભારતમાં કેટલીય બેન્કોથી માલ્યાની કંપની કિંગફિશર એરલાઇન્સ દ્વારા લોનસ્વરૂપે રૂ. 9000 કરોડના નાણાકીય કૌભાંડ માટે વિજય માલ્યા વોન્ટેડ છે.
આ પહેલાં માલ્યાએ 31 માર્ચે ટ્વીટમાં કહ્યું છે કે હું બેન્કોને તેમના પૂરા પૈસા ચૂકવવા માટે સતત ઓફર કરું છું. ન તો બેન્કો પૈસા લેવા તૈયાર છે અને ન તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મારી સંપત્તિ છૂટી કરવા માટે તૈયાર છે. કાશ! આ સમયે નાણાં પ્રધાન મારી વાત સાંભળે.
વિજય માલ્યાની જેમ મેહુલ ચોકસી અને નીરવ મોદી જેવા હીરાના વેપારીઓ પણ છેતરપીંડીપૂર્વક કરોડો રૂપિયાની લોન લઈને દેશમાંથી ભાગી ગયા છે. તેમના પ્રત્યાપર્ણ માટે પણ ભારત સરકાર પ્રયાસ કરી રહી છે.
રાજ કપૂરની ૧૯૫૫ની ફિલ્મ ‘શ્રી૪૨૦’ના વિશ્વ મશહૂર થયેલાં ગાયનની આ પંક્તિઓ કરન્સી સંબંધી જોખમનો લેખ લખવામાં મારે શા માટે યાદ કરવી પડી? કારણકે, રાજ કપૂરના આ ગીતની જેમ જ આપણા ચલણ રૂપિયાનું દિલ ભારતનું હોવા છતાં તેનું નોંધપાત્ર ટ્રેડિંગ લંડન, ન્યૂયોર્ક અને દુબઈ જેવા સરહદપારના બજારોમાં થાય છે. સિંગાપોર, દુબઈ, યુએસ, કેનેડા અને લંડન તથા ન્યૂયોર્ક જેવાં ઓટીસી બજારો દ્વારા ભારતીય રૂપિયાના ડેરિવેટિવ્ઝમાં કોન્ટ્રાકટ્સની થતી ઑફર બાદ વર્ષ ૨૦૧૮માં તેનું અનુસરણ મોસ્કો એક્સચેન્જે કર્યું હતું. તેમની અખબારજોગી યાદીમાં જણાવાયું હતું કે યુએસડી/આઈએનઆર એફએક્સ ડેરિવેટિવ્ઝ વિશ્વમાં સૌથી વધુ ટ્રેડેડ થતાં એફએક્સ કોન્ટ્રાકટ્સમાંના એક હોઈ અમારા ફ્યુચર્સ અને ઑપ્શન્સના વર્તમાન ઓફરિંગ્સમાં આ નવું સાધન તાર્કિક ઉમેરા સમાન છે.”
સરહદપારના બજારોમાં રૂપિયાનું ટ્રેડિંગ
BISના જણાવ્યા મુજબ ભારતમાં રોજના સરેરાશ ૩૫ અબજ યુએસ ડૉલરના મૂલ્ય જેટલાં રૂપિયાના ટ્રેડિંગની સરખામણીમાં સમગ્ર આંતરરાષ્ટ્રીય બજારોમાં વૈશ્વિક સ્તરે ટ્રેડિંગ ૭૯ અબજ યુએસ ડૉલરનું છે. જેમાં, લંડન એનડીએફ માર્કેટમાં દૈનિક ૪૭ અબજ યુએસ ડોલરના કામકાજ થાય છે. બેન્ક ઑફ ઇંગ્લૅન્ડે ૨૦૧૮માં ૨૩ અબજ યુએસ ડૉલરનો ઑફશોર રૂપી વેપાર નોંધ્યો હતો જ્યારે, આરબીઆઇના સૂત્રો ૨૦૧૯ માટે ૨૧ અબજ યુએસ ડૉલરના ડિલીવરીપાત્ર દૈનિક ઓનશોર ફોરવર્ડ અંદાજે છે. જે એ દર્શાવે છે કે ભારતનું ઑફશોર માર્કેટ સ્થાનિક બજારની સરખામણીમાં વિશાળ છે. સિંગાપોર, યુએસ અને દુબઈ એક્સચેન્જોમાં ૨૦૧૫થી ૨૦૧૯ના ગાળામાં વોલ્યુમ્સ વધ્યું હતું, એ બાબત પણ નોંધવી મહત્વની છે કે મૂલ્યની દૃષ્ટિએ જોતાં ભારતીય રૂપિયાનું મૂલ્ય ૨૦૧૪ના રૂ.૬૧ સામે હાલમાં રૂ.૭૬.૫ જેટલું હોવાથી પણ વૃધ્ધિ ઊંચી રહી છે. ફ્યુચર્સ ઇન્ડસ્ટ્રી એસોસિયેશનના (એફઆઈએ) જણાવ્યા મુજબ વિવિધ ચલણોના વોલ્યુમની દ્રષ્ટિએ વૈશ્વિક ટ્રેડિંગમાં યુએસ ડૉલર/ભારતીય રૂપી ચલણની જોડીના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટનો સમાવેશ ટોચના ત્રણ સાધનોમાં થાય છે.
ભારતમાં નિયમનતંત્રોની ભૂમિકા
વૈશ્વિક બજારમાં આકાર લેતી ઘટનાઓથી સરકાર અને નિયમનતંત્રો વાકેફ હતાં. આથી, તેના પ્રતિસાદરૂપે રિઝર્વ બેન્કે ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર શ્રીમતી ઉષા થોરાટના વડપણ હેઠળ ઑફશોર રૂપી બજારો સંબંધિત મુદ્દાઓનું નિરીક્ષણ કરવા ઉપરાંત, સ્થાનિક ચલણના બાહ્ય મૂલ્યની સ્થિરતા સુનિશ્ચિંત કરવાના નીતિવિષયક પગલાં સૂચવવા આઠ સદસ્યયી કાર્યદળની રચના કરી હતી. કાર્યદળે ઑફશોર રૂપી ટ્રેડિંગથી ઊભી થનાર ચિંતાઓના નિરાકરણના પગલાંઓ સાથે બિનરહીશો સ્થાનિક બજારની પહોંચ કેળવી શકે તે માટે પ્રોત્સાહનો ઘડી કાઢવા પગલાંઓ સૂચવ્યા હતાં. કાર્યદળની મહત્વની ભલામણોમાં, ઓનશોર માર્કેટના કામકાજના સમયગાળામાં વધારો કરવાનો અને રૂપી ડેરિવેટિવ્ઝની પતાવટ વિદેશી ચલણમાં શક્ય બનાવીને ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર સ્થિત એક્સચેન્જોમાં ટ્રેડિંગ શરૂ કરવાનો સમાવેશ થયો હતો.
કરન્સી સંબંધી જોખમોનો હેજિંગ શા માટે મહત્વનું?
કોરોના વાઇરસની મહામારીથી જોખમ ક્ષમતા કમજોર પડતાં અને રોકાણકાર દ્વારા સેફ હેવન મનાતા અમેરિકી ડૉલર તરફ દોટ મૂકાતા ભારતીય રૂપિયો યુએસ ડૉલર સામે ઘટીને ઐતિહાસિક નીચી સપાટી પર રહ્યો છે. છેલ્લાં ૨૫થી વધુ વર્ષોની માસિક ટકાવારીમાં ફેરફારની વાર્ષિક વધઘટ ગણત્રીમાં લેતાં ભારતીય રૂપિયાની વાર્ષિક વધઘટ અંદાજે ૮.૩ ટકા રહી છે. રૂપિયાની ચંચળતા વધવાનું કારણ બાહ્ય પરિબળો જેવા કે ૨૦૧૨-૧૩નું ટેપર ટેન્ટ્રમ પ્રકરણ અને કોરોના વાઇરસની પ્રવર્તમાન પરિસ્થતિ છે. આથી, સંબંધિત વ્યવસાય પર અસર ના થતી હોવા છતાં કરન્સીમાં જોખમ સંચાલન મહત્વનું છે. કરન્સી સંબંધી જોખમને હેજ ના કરીને આંતરરાષ્ટ્રીય વેપારમાં સંકળાયેલો સહભાગી નફાકારકતા અને સ્પર્ધાત્મકતા પર વિપરીત અસરનું જોખમ ઉઠાવે છે. કરન્સી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ, હેજર્સ અને રોકાણકાર માટે રૂપી અને યુએસ ડૉલર જેવી બે ચલણની જોડી વચ્ચેના હૂંડિયામણ દરમાં ફેરફાર સામે પોઝિશન લેવાનું શક્ય બનાવે છે. વર્તમાન નિયમ મુજબ, સહભાગી સંબંધિત એક્સપોઝરની હયાતી સુસ્થાપિત કર્યા વગર રૂપિયા સાથે સંલગ્ન ચલણની બધી જોડીઓમાં તમામ એક્સચેન્જોમાં મળીને એકત્રિતરૂપે ૧૦૦ મિલિયન યુએસ ડૉલર સુધીનું સિંગલ લિમિટ એક્સપોઝર ધરાવી શકે છે.
બીએસઇ પર કરન્સી જોખમનું હેજિંગ
ભારત ખાતે ઓગસ્ટ ૨૦૦૮માં નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જ (એનએસઇ) ખાતે યુએસડી—આઈએનઆર કોન્ટ્રાક્ટ સાથે કરન્સી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગનો શુભારંભ થયો અને તેનું અનુસરણ મેટ્રોપોલિટન્ટ સ્ટૉક એક્સ્ચેન્જે (અગાઉના એમસીએક્સ-એસએક્સ) કર્યું હતું, આ પછી, સેબીએ ૨૦૧૦માં યુરો-આઈએનઆર, જીબીપી-આઈએનઆર, જાપાની યેન-આઈએનઆરમાં કરન્સી વાયદાના કામકાજની મંજૂરી આપી હતી. બીએસઇએ ઘણાં લાંબા બાદ છેક નવેમ્બર ૨૦૧૩માં રૂપી ડેરિવેટિવ્ઝના કામકાજનો પ્રારંભ કર્યો હતો. આમ છતાં, બીએસઇએ ચડિયાતા ટેકનોલોજી પ્લેટફોર્મ અને ભાવ સ્પર્ધાત્મકતાના આધારે ૨૦૧૩થી સતત પ્રગતિ સાથે માર્કેટ લીડરનો દરજજો હસ્તગત કર્યો છે. બીએસઇ પર સહભાગીઓ મહત્તમ ૩ લાખ ભારતીય રૂપિયાની ફી સાથે માસિક રૂ.૨૦,૦૦૦ કરોડથી વધુનું કરન્સી એક્સ્પોઝર હેજ કરી શકે છે, આમ તે કરન્સી જોખમના હેજ માટે ઓછા ખર્ચે ઉપલબ્ધ પ્લેટફોર્મ છે. અન્ય એક્સચેન્જો પર આટલા જ મૂલ્યના હેજિંગનો ખર્ચ રૂ.૧૮ લાખ સુધી આવી શકે છે. આથી, બીએસઇ ભારતમાં ઓછા ખર્ચે હેજિંગ શક્ય બનાવે છે. તેણે અન્ય અગ્રણી એક્સચેન્જો દ્વારા લેવાતી ફીમાં ઘટાડા સંબંધી પુનઃસમીક્ષા સુનિશ્ચિંત કરી છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે સ્પર્ધાત્મકતાની હાજરી તમામને કાર્યક્ષમ ભાવ તરફ દોરી જાય છે એટલું જ નહીં પરંતુ, કાર્યકારી જોખમનું વૈવિધ્યીકરણ થઈ શકે છે, જેની ઓફર બહુવિધ પ્રવાહી ટ્રેડિંગના માધ્યમ થકી થઈ રહી છે.
ગિફ્ટ સિટી આઈએફએસસી ખાતે રૂપિયામાં ટ્રેડિંગ
અત્યારસુધીમાં આઇએફએસસી ગિફ્ટ સિટી સ્થિત એક્સચેન્જોમાં ક્રોસ-કરન્સી ટ્રેડની છૂટ હતી, આ પછી, તમામ રૂપિયાના કામકાજોને ઑફશોરમાંથી ઓનશોર લાવવા છેલ્લાં જાહેર થયેલા અંદાજપત્રમાં રૂપી ડેરિવેટિવ્ઝના કામકાજની મંજૂરી અપાઈ હતી અને ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટમાં (ફેમા) સુધારો કરતું ગેઝેટ નોટિફિકેશન જાહેર કરાયું હતું અને આ રીતે, ગિફ્ટ સિટીમાં રૂપી ડેરિવેટિવ્ઝમાં કામકાજનો માર્ગ મોકળો કરાયો હતો. આ બાદ, આરબીઆઇ અને સેબીએ ઈન્ડિયા આઇએનએક્સ સહિતના ભારતીય એક્સચેન્જોને ભારતીય રૂપિયાને સાંકળતાં કરન્સી ફ્યુચર્સ અને ઓપ્શન્સના પ્રારંભની છૂટ આપી હતી. તાજેતરમાં, કેન્દ્રીય નાણાંપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને ઈન્ડિયા આઇએનએક્સ ખાતે આઈએનઆર—યુએસ ડૉલરમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રાકટનો શુભારંભ કરતાં તે આવા કોન્ટ્રાક્ટ ઑફર કરનારું પ્રથમ એક્સચેન્જ બન્યું છે. આ કોન્ટ્રાક્ટની યુએસ ડૉલરમાં રોકડમાં પતાવટ કરાશે અને ક્લિયરિંગ કોર્પોરેશન ઈન્ડિયા આઇસીસી સોદા ક્લિયર કરવા ઉપરાંત, મુખ્ય કાઉન્ટરપાર્ટીની ભૂમિકા નિભાવવા સાથે પતાવટની પણ બાંયધરી આપશે. તમામ આઈએફએસસી બેન્કિંગ યુનિટો અને વિદેશી ગ્રાહકો (એફપીઆઇ અને ઈએફઆઈ) અને ટ્રેડિંગ મેમ્બરો આ કોન્ટ્રાકટ્સમાં કામકાજ કરી શકે છે અને એક અબજ યુએસ ડૉલર કે કુલ ઓપન ઇન્ટરેસ્ટના (કુલ ઊભાં ઓળિયાં) ૧૫ ટકા, એ બન્નેમાંથી જે વધુ હોય તે પ્રમાણે પોઝિશન લઈ શકશે. તમામ પાત્ર વિદેશી રોકાણકાર (ઇએફઆઇ) સેબીએ લાગુ કરેલાં કેવાયસીના ભાગરૂપે પેનકાર્ડની કોઈ જરૂરિયાત વગર ઈન્ડિયા આઇએનએક્સના સભ્ય પાસે સીધું અકાઉન્ટ ખોલાવી શકે છે. એક્સ્ચેન્જ દ્વારા વસૂલાતા ટ્રાન્ઝક્શન ચાર્જિસમાં મુક્તિ આપીને ઈન્ડિયા આઈએનએક્સ સ્પર્ધાત્મક લાભ પૂરો પાડે છે. આઇએફએસસી ઝોન કોઈપણ જાગતિક નાણાં કેન્દ્રો સાથે તુલનાત્મક એવું ટેક્સ રાહત અને આધારરૂપ બનતું નિયમનકારી માળખું ઑફર કરે છે. જેમાં, કેટલાંક જેવા કે ટ્રાન્ઝકશન ટેક્સ, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ, કેપિટલ ગેઇન્સ ટેક્સ અને જીએસટીનો સમાવેશ થાય છે. ઈન્ડિયા આઈએનએક્સ આંતરરાષ્ટ્રીય સહભાગીઓને યુએસ ડૉલરમાં ટ્રેડેડ અને પતાવટવાળા કોન્ટ્રાકટ્સમાં દિવસભર દરમિયાન ૨૨ કલાક કામકાજ કરવાની સુવિધા પૂરી પાડે છે, જે ભારતને આદર્શ ઑફશોર પ્રવેશદ્વાર બનાવે છે. આના પરિણામે, ગિફ્ટ સિટી આઇએફએસસી ખાતેનું ઈન્ડિયા આઈએનએક્સ હાલમાં જાગતિક અધિકારક્ષેત્રના વર્ચસ્વવાળા ઑફશોર (સરહદપાર થતાં) રૂપી-ડૉલર એક્સચેન્જ ટ્રેડેડ ડેરિવેટીવ્ઝને ઑનશોર (સ્થાનિકમાં) લાવી શકશે.
એકંદરે, બીએસઇ ખાતે અમે હિસ્સાધારકો અને સહભાગીઓને ઇક્વિટીઝ અને કોમોડિટીઝ સંબંધિત એકસ્પોઝર ઉપરાંત કરન્સી બજારની અનિશ્ચિંતતા સામે અસરકારક સાધન પૂરું પાડવાની માન્યતા ધરાવીએ છીએ. બીએસઇ હેજર્સ, ટ્રેડર્સ, રોકાણકાર અને બજારના સહભાગીઓને તેમના કરન્સી જોખમો હેજ કરવા સાનુકૂળ અને ઓછા ખર્ચે ઑનશોર પ્રોડક્ટ ઉપલબ્ધ બનાવીને ભારતીય મૂડી બજારોમાં ઊંડાણ લાવવા પ્રતિબદ્ધ છે.
નવી દિલ્હીઃ રેલવેએ આજે જાહેરાત કરી છે કે જે પ્રવાસીઓને કોરોના વાઈરસ બીમારીના લક્ષણને કારણે ટ્રેનોમાં પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે એમને એમની ટિકિટનું પૂરેપૂરું રીફંડ આપવામાં આવશે.
રેલવેએ ઈસ્યૂ કરેલા એક ઓર્ડરમાં જણાવાયું છે કે મેડિકલ સ્ક્રીનિંગ વખતે જો કોઈ પ્રવાસીને કોરોના વાઈરસના લક્ષણો સાથેનો ઊંચો તાવ કે અન્ય લક્ષણો હશે તો એને તેની પાસે કન્ફર્મ્ડ ટિકિટ હશે તો પણ સફર કરવા દેવામાં નહીં આવે. એવા પ્રવાસીને એની ટિકિટનું પૂરેપૂરું રીફંડ આપવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રેલવે પ્રવાસીઓ માટે મેડિકલ સ્ક્રીનિંગ ફરજિયાત બનાવ્યું છે અને જેમને કોરોનાનાં કોઈ લક્ષણ નહીં હોય એમને જ ટ્રેનોમાં ચડવા દેવામાં આવશે.
રેલવેના ઓર્ડરમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ધારો કે કોઈએ ગ્રુપમાં ટિકિટો લીધી હોય અને એમાંના કોઈ એક પેસેન્જર સફર માટે ફિટ ન ગણાય અને એની સાથેના બીજા તમામ પેસેન્જરો પણ પ્રવાસે ન જવાનું ઈચ્છે તો તે બધાયને ટિકિટનું પૂરું રીફંડ આપી દેવામાં આવશે. બીજી બાજુ, ધારો કે આવી જ પરિસ્થિતિમાં કોઈ અન્ય પ્રવાસીઓ સફર પર જવાનું ઈચ્છે તો એમને સફર પર જવા દેવામાં આવશે.
આવા તમામ કેસોમાં, આરંભિક સ્ટેશન પર જ ટિકિટ ચેકર પેસેન્જરને સર્ટિફિકેટ ઈસ્યૂ કરશે કે તે કોરોના વાઈરસના લક્ષણ હોવાને કારણે સફર કરી શકશે નહીં.
નવી દિલ્હીઃ કોરોના વાઇરસના કેસમાં સતત વધારો ચાલુ છે. કોરોના કેસના વધારાને લીધે દેશમાં લોકડાડાઉન 4.0 જારી રહેશે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 78,003 થઈ ગઈ છે. આમાં 49,219 સક્રિય કેસો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 2549 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. પાછલા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધી 3722 નવા દર્દીઓ સામે આવ્યા છે અને 134 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે કોરોનાને હવે 26,235 લોકો માત આપી ચૂક્યા છે. રિકવરી રેટ સુધરીને 33.63 ટકા થયો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસો વધીને 25,000ને પાર
મબારાષ્ટ્રમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 25,000ને પાર થઈ છે. એમાં પણ મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15,000ને પાર થઈ છે. મહારાષ્ટ્રમાં 1495 નવા કેસો સામે આવ્યા છે અને 54 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધી રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 25,922 થઈ છે અને અત્યાર સુધી આ વાઇરસથી 975 લોકોનાં મોત થયાં છે. જ્યારે મુંબઈમાં 595 કેસ સામે આવ્યા છે અને 40 લોકોનાં મોત થયાં છે. દેશમાં રાજ્યવાર કોરોના સંક્રમિતોની સ્થિતિ નીચે મુજબ છે.
ભાજપના નેતા અરવિંદ રૈયાણી માવો ખાઈને થૂંકતા હતા તે વીડિયો તમે જોયો હશે. સામાન્ય સંજોગોમાં કેન્સરનો ડર હોય અને અત્યારે તો કેન્સરનો ય બાપ કોરોના ફેલાયો છે ત્યારે વ્યસનીઓ ડરતા હશે એવી આપણા સોજ્જા લોકોની ધારણા કેટલી ખોટી હોય છે તે રૈયાણીએ દેખાડ્યું. કેન્સર થાય કે કોરોના થાય માવો ખાવા જોઈએ. તમાકુ ને બીડી-સિગારેટ વિના ના ચાલે. આ તમે જોયું નહિ, દારૂની દુકાન ખૂલી ત્યાં લોકો ધક્કામુક્કી કરી રહ્યા હતા. પીવા જોઈએ બસ, પી ગયા પછી અંતર જાળવવાનું ભાન ના રહે તે પછીની વાત છે, પહેલાં પેગ મારી લેવા દો.
પીનારા કરતાંય પીવડાવનારાઓનો વાંક વધારે છે. રાજ્ય સરકારો જ આતુર છે કે શરાબની દુકાનો ખૂલે.
મેઘાલય અને આસામમાં દારૂની દુકાનો ખૂલવાની વાત પ્રથમ લૉકડાઉનના મધ્યમાં જ આવી હતી. કેરળ સરકારે પણ દારૂની દુકાનો ખોલી ને વળી હાઈ કોર્ટે કહ્યું એટલે બંધ કરવી પડી. પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહ પણ ક્યારનાય ખોલું ખોલું કરતા હતા. કેજરીવાલે જોયું કે દારૂની લાઈન તો લાંબી થઈ એટલે વળી પાછી બંધ કરાવવી પડી. કારણ એ કે રાજ્ય સરકારો માટે કમાણીનું આ એક જ મોટું સાધન છે. દારૂ પર ઊંચો ટેક્સ લેવાય છે. દારૂની આવક લેવા જતા મુશ્કેલી થશે એમ સમજીને કેજરીવાલ સરકારે હવે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધાર્યા.
દુનિયા થંભી ગઈ છે એટલે ક્રૂડના ભાવ તળિયે ગયા છે, તેનો લાભ ગ્રાહકોને ના અપાય તે વાત સમજી શકાય. અત્યારે ભાવ ઘટાડો થાય તો સરકારની આવક વધારે ઘટે. પણ ભાવવધારો? જોજો હવે બીજા રાજ્યો પણ પેટ્રોલિયમ પરનો વેટ વધારશે. રાજ્યોમાં બૂમ પડી ગઈ છે, કેમ કે વેરાની આવકો બંધ થઈ ગઈ છે અને કેન્દ્ર સરકાર તરફથી ધારી નાણાકીય મદદ મળી રહી નથી. જીએસટીના હિસ્સાના નાણાં પણ રાજ્યોને મળી રહ્યા નથી.
ને પાના-માવા-ગુટકાની દુકાનો ખોલવા માટે દબાણ તો થઈ જ રહ્યું છે. અહીં તો ખાનારા અને ખવરાવનારા બંનેનું દબાણ છે.
સુરતમાં માવો ના આપ્યો એટલે એક જણનું ખૂન પણ થઈ ગયું! ગુટકા અને તમાકુ લોબી બહુ તગડી છે અને રાજકારણીઓ તેમના ખિસ્સામાં છે. સામે મોટો ગ્રાહક વર્ગ એ મતદાર વર્ગ છે એટલે માવા ખાવાની વ્યવસ્થા સરકાર કરી આપેને તો આ આપણી પ્રજા વળી તેનેય સંવેદનશીલ ગણે તેવી છે! વાત મજાકની નથી, કેમ કે તમાકુ અને નિકોટીન કોરોનાને અવરોધે છે તેવી ગંભીર ચર્ચાઓ પણ થયેલી. સિગારેટ પીનારા લોકોના ગળામાં ઇન્ફેક્શન જલદી ચોંટતું નથી, તે કેમ અને કેટલા પ્રમાણમાં તેના ગંભીર પ્રયોગો પણ થયા છે. એટલે બીડી અને માવા અને ગુટકા અને સીધી જ તમાકુ ગલોફામાં ભરાવનારા કહેવાના કે તો પછી ખાવા દ્યોને – ઇ બહાને ચેપ ફેલાતો અટકશે ને અમને મોજ આવશે.
સેનિટાઇઝર્સ પણ આલ્કોહોલ બેઝ હોય છે. એટલે દોઢ ડાહ્યાઓએ કહેલું પણ ખરું કે દારૂ પીવા દોને, જંતુઓને ગળામાં જ આલ્કોહોલ મારી નાખશે. એટલે તમે પણ ‘માળી હાળી વાત તો હાચી હો… એમ કહીને દારૂ, માવા, ગુટકા, તમાકુ, બીડી, સીગરેટની છૂટ મેલી દ્યોને બાપલા’… એવી વાતો ના કરતા. તમને મૂળ પ્રયોગની વાત જણાવીએ તે પહેલાં બીજા નકાર કરનારા પ્રયોગની વાત કરી દઈએ, તો તમેય જરાક હેઠા બેહો.
વાત એમ છે કે નિકોટીન કોરોના વાઇરસને અવરોધે છે તેવા દાવામાં દમ નથી તેવું સંશોધન ભારતની જોધપુરની આઈઆઈટીએ કર્યું છે. નિકોટીન વિશેનું સંશોધન ફ્રાન્સમાં થયેલું તેનો નકાર જોધપુરના નિષ્ણાતોએ કર્યો છે. સિગારેટ પીનારા લોકોમાં ચેપનું પ્રમાણ થોડું ઓછું જોવા મળ્યું હતું તેવું ફ્રાન્સના એક અભ્યાસમાં કહેવાયું. જોધપુરના સંશોધકોએ અભ્યાસ પેપર તૈયાર કરીને આંતરરાષ્ટ્રીય જર્નલ અમેરિકન કેમિકલ સોસાયટીમાં ફ્રેન્ચોના દાવાને ખોટો ઠરાવ્યો છે. ઉલટાનું ધૂમ્રપાન કરનારા ચેપનો ભોગ બને તેવી શક્યતા વધુ હોવાનું તારણ જોધપુર-આઈઆઈટીના સંશોધકોએ કહ્યું છે.
એટલે કે સીધી રીતે નહિ, પરંતુ બીડી સિગારેટ પીનારા લોકોની રોગ પ્રતિકારશક્તિ નબળી હોય છે તે એક કારણ. બીજું કારણ મનુષ્યના રિસેપ્ટરમાં કોરોના વાઇરસ ઘૂસી જાય છે. એ જ રીતે નિકોટિન રિસેપ્ટર પણ હોય છે એટલે તેના માધ્યમથી પણ નોવેલ કોરોના વાઇરસ ઘૂસી શકે છે. સિગારેટ પીવાથી ગળામાં નાના મોટા જંતુઓ મરી જાય તેવું બિલકુલ ના માનશો, ઉલટું ધૂમાડા સાથે અત્યંત સુક્ષ્મ જંતુઓ ફેફસા સુધી પહોંચી જશે.
ફ્રેન્ચ અભ્યાસ અને ભારતના રિસર્ચરોનો અભ્યાસ બંને સ્વતંત્ર રીતે થયેલા છે અને તેના પિયર-રિવ્યૂ થયા નથી. એટલે કે વિજ્ઞાનીઓ એક સંશોધન કરે ત્યારે સાથી વિજ્ઞાનીઓ તેને ચકાસતા હોય છે. પોતાની રીતે પણ પ્રયોગો કરતાં હોય છે અને ખરાઇ કરતા હોય છે. બંને પ્રયોગોની ખરાઈ થઈ નથી, એટલે બેમાંથી એકેય માનવાની જરૂર નથી. આમ પણ માવા અને ગુટકા, બીડી અને સિગારેટ સારા નથી એ વાત યથાસ્થાને ઊભી જ રહે છે.
હવે ફ્રેન્ચ સંશોધન શું હતું તે જોઈ લઈએ. ફ્રાન્સની પાશ્ચર ઇન્સિટ્યૂટના ન્યુરોસાયન્સના પ્રોફેસર જ્યાં-પિયરે શેન્યૂ અને પારીસની પિટિ-સેલ્પેટિયર યુનિવર્સિટી હોસ્પિટલના ઝહિર અમોરાએ આંકડાઓ તપાસીને તારણ કાઢ્યું કે સમાન ઉંમર અને લિંગની વ્યક્તિઓમાં ધૂમ્રપાન કરનારી વ્યક્તિમાં કોરોના ચેપ લાગવાની શક્યતા 80 ટકા ઓછી હોય છે. ચીનના તથા અન્ય દેશોના આંકડાંમાંથી પણ આવું તારણ કાઢવામાં આવ્યું હતું. જેમ કે દેશમાં કુલ કેટલા ટકા લોકો ધૂમ્રપાન કરે છે – તેની સામે કોરોના ચેપના કુલ કિસ્સામાંથી કેટલા ટકા ધૂમ્રપાન કરનારા છે. દેશની કુલ ટકાવારી વધુ હોય અને દર્દીઓની ટકાવારી નીચે હોય એટલે તારણ નીકળે કે કોઈક કારણસર સિગારેટ પીનારા દર્દી તરીકે ઓછા આવ્યા.
આ સંશોધકે આ રીતે આંકડા તપાસ્યા હતાઃ “ફ્રેન્ચના નાગરિકોમાં જેટલા પ્રમાણમાં ધૂમ્રપાન કરનારા છે તેના કરતાં આઉટપેશન્ટના કુલ દર્દીઓમાં 80.3 ટકા ઓછા દર્દી ધૂમ્રપાન કરનારા છે, જ્યારે દાખલ થયેલા દર્દીઓમાં તેનું પ્રમાણ 75.4 ટકા છે.” 28 ફેબ્રુઆરીથી 9 એપ્રિલ સુધીમાં Covid-19ના 482 દર્દીઓ આવ્યા તેની તપાસ કરાઈ. તેમાંથી ફક્ત 5 ટકા એવા હતા જે રોજ સિગારેટ પીતા હતા. 95 ટકા દર્દીઓ સિગારેટ ના પીનારા હતા. ફ્રેન્ચના નાગરિકોમાં સરેરાશ 25 ટકા સિગારેટના વ્યસની છે.
આવું આંકડાકિય તારણ કાઢ્યા પછી નિકોટીનની શી અસર કોરોના પર થાય છે તેની હ્મુમન ટ્રાયલ બંને સંશોધકોએ શરૂ કરી છે. નિકોટીન આડકતરી રીતે અસર કરતું હોવાનું અનુમાન કરાયું છે. ACE2 નામનું કોષનું એક મેમ્બ્રેન હોય છે, જેની અંદર વાઇરસ ઘૂસે છે. સિગારેટ પીતી વખતે નિકોટીનનો અંશ પણ ACE2 મેમ્બ્રેનને જ ચોંટી જાય છે. એટલે ધારણા એવી છે કે તેના પર નિકોટીન ચોંટેલું જ હોય એટલે કોરોના નોવેલ-ર વાઇરસને ચોંટવા માટેનો ચાન્સ મળે નહિ. આવું ખરેખર થાય છે કે કેમ તે જોવા માટે 1500 આરોગ્ય કર્મચારીઓ અને 400 દર્દીઓ પર પ્રયોગો થવાના છે. આ લોકોને નિકોટીન આપવામાં આવશે અને પછી ચકાસણી કરાશે કે તેમને ચેપ લાગવાની શક્યતા કેટલી ઘટી.
નિકોટીનના પેચ લીધા હોય તેને નિકોટીનના પેચ લીધા વિનાના સાથી આરોગ્ય કર્મચારીઓ કરતાં વધારે ચેપ લાગ્યો કે કેમ તેના આંકડાં તપાસવામાં આવશે. જોકે આ સંશોધકો પણ કંઈ સિગારેટ કંપનીના એજન્ટ નથી એટલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સિગારેટ ફૂંકવાનું પ્રમાણે વધારી ના દેશો. બીડી સિગારેટને કારણે જ નુકસાન થાય છે તે થવાનું જ છે, માટે તેને ભૂલવાનું નથી. સંશોધકોએ કહ્યું કે “નિકોટીન એવું ડ્રગ છે, જે ધૂમ્રપાનની લત લગાવે છે અને તે મોટો ખરતો છે. માત્ર નિયંત્રિત સ્થિતિમાં કદાચ નિકોટીન વાઇરસના ચેપ સામે અસરકારક થાય પણ ખરું.”
સંશોધકોએ ભલે ચેતવણી આપી, ફણ ફ્રાન્સની સરકાર જાણે છે કે વ્યસનીઓને કોઈ ચેતવણીની અસર થતી નથી. સિગારેટ અને ગુટકાના પેકેટ પર વિકૃત્ત કેન્સર થયાની તસવીરો છાપો તોય પીનારા પીવે છે. ભારત હોય કે ફ્રાન્સ મારા ભાઈ, પીનારા બધે સરખા… એટલે ફ્રેન્ચ સરકારે નિકોટીન એટલે કે તમાકુનું વેચાણ મર્યાદિત કરી દીધું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ નવેસરથી ધૂમ્રપાન સામે ચેતવણી ઉચ્ચારી.
ભારતના જોધપુરના નિષ્ણાતોએ કહ્યું હતું તેવું જ WHOની ચેતવણીમાં કહેવાયું છે, “સ્મોકર્સને ઉલટાનો વધારે ચેપ લાગશે, કેમ કે તેઓ સિગાટેપ પીતી વખતે વારંવાર પોતાની આંગળીઓ હોઠને અડાડશે. સ્મોકર્સના ફેફસા આમ પણ નબળા થઈ ગયા હોય એટલે તેમને ચેપ લાગવાનું જોખમ વધારે છે.”
તો સંશોધકોની પોતાની, ફ્રાન્સ સરકારે ગભરાઈને નિકોટીનનું વેચાણ ઘટાડ્યું તેનો ઈશારો સમજી અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી અને અમારી ચેતવણી તો ખરી જ વળી… તમે ગાંડી સોશ્યલ મીડિયાની દુનિયાના વાહિયાત વાતોમાં પડતા નહિ. તમાકુ, માવા, ગુટકા ને બીડી-સિગારેટની કોઈ અસર કાળઝાળ કોરોના વાઇરસને થતી નથી. અમસ્થા પણ પીતા હો ને અત્યારે પરાણે તેના વિના ચલાવવું પડ્યું હોય (જો વ્યસન વિના ચલાવી લીધું હોય તો, બાકી તો ભાઈડાઓએ મેળ પાડી જ દીધો હશે) તો કાયમ માટે આ લત છોડી દોને બાપા, કાકા, ભઈલા…
આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.
આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.
આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.
આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.
આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.
તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિક અશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.
આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.
જાહેરજીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.
નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં લોકડાઉનને કારણે આવશ્યક ચીજવસ્તુઓ જ મળવાની છૂટ હોવાને કારણે અન્ય વેપાર-ધંધા ઠપ થયા છે. જેથી જ્યારે પણ લોકડાઉન ઉઠાવી લેવામાં આવશે ત્યારે પણ દુકાનોનાં ઊંચાં ભાડાં અને વેચાણમાં આવેલા ધરખમ ઘટાડા (બંધ)ને કારણે દરેક પાંચમી રિટેલ શોપ એનો વેપાર સમેટી લે એવી શક્યતા છે, એવું વેપારી સંગઠનોનું કહેવું છે. દેશના શહેરી વિસ્તારો – ગીચ વિસ્તારોમાં જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અશક્ય છે, ત્યાં પણ વેપારીઓએ પ્રતિબંધો હળવા થયા પછી પણ તેમણે દુકાનો (ખાસ કરીને ભાડાની) બંધ રાખવાનું નક્કી કર્યું છે અથવા હજી આગામી સમયમાં કોરોના વાઇરસને પગલે માહોલ અનિશ્ચિત રહેવાને લીધે વેપારીઓ વધુ નુકસાન ઉઠાવી શકે એમ નથી.
મુંબઈના કોલાબા, નરીમાન પોઇન્ટ, અંધેરી-મુંબઈ, ખાન માર્કેટ અને નવી દિલ્હીમાં કોનોટ પ્લેસ અને સદર બજાર સહિતનાં મુખ્ય બજારોમાં 60 ટકા વધુ રિટેલ આઉટલેટ્સ ભાડૂતોના કબજામાં છે, એમ વેપારીઓએ જણાવ્યું હતું. આ વેપારીઓમાં ઘણા લોકોએ ભાડાં ભર્યાં નથી અથવા ડિફોલ્ટ થયા છે, એમ તેમણે કહ્યું હતું.
મસમોટાં ભાડા સહિત અન્ય સ્થિર ખર્ચા
ખાન માર્કેટમાં 1000 સ્ક્વેર ફૂટની શોપનું ભાડું રૂ. પાંચ લાખ છે અને બ્રીચ કેન્ડી જેવા વિસ્તારમાં રૂ. ત્રણ લાખ ભાડું છે. આ જ પરિસ્થિતિ મોટા ભાગનાં શહેરોમાં પ્રવર્તે છે. હવે આ ભાડાં ઉપરાંત કર્મચારીઓનો પગાર સહિત અન્ય સ્થિર ખર્ચા હોવાને કારણે વેપારીઓની નાણાકીય સ્થિતિ કફોડી બની ગઈ છે, જેથી આવા વેપારીઓ વધુ નુકસાન કરવાની ક્ષમતા ના હોવાને કારણે બિઝનેસને બંધ કરશે. આમ દેશમાં આશરે 20 ટકા રિટેલ આઉટલેટ્સ બંધ થવાની ધારણા છે, એમ તેમણે કહ્યું હતું. આ ઉપરાંત અન્ય 10 ટકા વેપારીઓ જે 20 ટકા આ વેપારીઓ પર નિર્ભર હતા, એ પણ તૂટી જશે અને ધંધો બંધ કરશે, એમ તેમણે કહ્યું હતું.
વધુ ભાડાં ચૂકવનારા દુકાનદારો ભયભીત
દિલ્હીના જૂના માર્કેટમાં ચારથી પાંચ લાખ રૂપિયાનાં ભાડાં ચૂકવનારા દુકાનદારો ભયભીત છે, કેમ કે મોટા ભાગના ભાડા કરારોમાં જો ધંધો બંધ કરવામાં આવે તો કરાર મુજબ બાકીના સમયનું ભાડું ચૂકવવાની જોગવાઈ હોય છે. વેપારીઓ આમાંથી વચલો રસ્તો કાઢવાના પ્રયાસ કરી રહ્યા છે, એમ ચાંદની ચોક સર્વ વેપાર મંડળના પ્રમુખ સંજય ભાર્ગવે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે વેપારમાં નુકસાન હોવા છતાં અમે સરકારને રાહત આપવાની માગ નહીં કરીએ.
ભાડામાં 50 ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના
લોકડાઉને વેપાર-ધંધાની કમર તોડી નાખી છે. ખાસ કરીને ભાડેથી દુકાન લઈને ધંધો કરતા વેપારઓની તો માઠી દશા બેઠી છે. દિલ્હીના સદર બજારના ટ્રેડર્સ એસોસિયેશનના વરિષ્ઠ સલાહકાર અજય બજાજે કહ્યું હતું કે લોકડાઉન પછી દુકાનોનાં ભાડામાં 50 ટકા ઘટાડો થવાની શક્યતા છે.
નવી દિલ્હીઃ 12 મેથી 15 રાજધાની વિશેષ ટ્રેનો શરૂ કર્યા બાદ ભારતીય રેલવે હવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો પણ દોડાવવાની છે. રેલવે દ્વારા જારી કરવામાં આવેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે 22 મેથી શરૂ થનારી બધી સર્વિસિસ માટે 15 મેથી ટિકિટની બુકિંગ પણ શરૂ કરશે. આ બુકિંગ 22 મેથી શરૂ થતી યાત્રા માટે હશે.
કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ યાત્રાની મંજૂરી
રેલવેએ યાત્રીઓની સંખ્યા પણ નિર્ધારિત કરી દીધી છે. સ્લીપરમાં 200, એસી ચેરકાર અને થર્ડ એસીમાં 100, જ્યારે સેકન્ડ એસીમાં 50 લોકો યાત્રા કરી શકશે. રેલવે મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ચાર્ટ મુજબ કન્ફર્મ ટિકિટવાળા મુસાફરોને જ યાત્રાની મંજૂરી આપવામાં આવશે.
કોરોનાના લક્ષણવાળા યાત્રીને મંજૂરી નહીં
કોરોના વાઇરસના લક્ષણવાળા કોઈ પણ યાત્રીને યાત્રાની મંજૂરી નહીં આપવામાં આવે. એની સાથે એ યાત્રીને ટિકિટનું પૂરેપૂરું રિફન્ડ પણ આપવામાં આવશે, જેનામાં કોરોનાનાં લક્ષણ નહીં દેખાય એ લોકોને યાત્રાની પરવાનગી મળશે. આ સિવાય યાત્રાથી પહેલાં યાત્રીઓની સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો સ્ક્રીનિંગ દરમ્યાન કોઈને પણ તાવ અથવા કોરોના વાઇરસના લક્ષણ જોવા મળ્યાં તો તેને ટિકિટના પૂરા પૈસા પરત કરવામાં આવશે.
રેલ ભવનને સંપૂર્ણ સીલ કરવામાં આવ્યું છે. આ ભવનમાં એક કલાર્કને કોરોના વાઇરસ પોઝિટિવ આવ્યો હતો. આ પહેલાં રેલવે દ્વારા શ્રમિક સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવી હતી, જેના દ્વારા મજૂરોને તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.