Home Blog Page 4806

પરપ્રાંતીઓને વતન મોકલવાની કામગીરી પૂરજોશમાં

અમદાવાદ: પરપ્રાંતીય લોકોને એમના વતન તરફ મોકલવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારના ગોતા બ્રિજ પાસેથી મંગળવાર, 12 મે ના રોજ બપોરે 35 જેટલી બસો દ્વારા રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા હતા.

પરપ્રાંતીય લોકો ની નોંધણી કરી ગોતા બ્રિજ નીચે ભેગા કરી ભોજન કરાવી, સુવ્યવસ્થિત રીતે બસોમાં બેસાડીને રવાના કરવામાં આવ્યા હતા.

નોંધણી કરાયેલા શ્રમિકોમાં પુરુષો સાથે પરિવારની મહિલાઓ અને નાના બાળકો પણ હતાં. આ આખીય કામગીરીમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોલીસ તંત્ર અને સ્વયંસેવી સંસ્થા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

કોરોના સામે જંગઃ 20 લાખ કરોડના પેકેજમાં કોને શું મળ્યું?

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને 20 લાખ કરોડ રૂપિયાના પેકેજના પહેલા તબક્કાને રજૂ કર્યો હતો. તેમણે આ વિશે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાને ગઈ કાલે આર્થિક પેકેજની જાહેરાત કરી એમાં કેટલાય નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી. તેમનો ઇરાદો આર્થિક ગ્રોથ ઝડપી કરવાનો અને દેશને આત્મનિર્ભર બનાવવાનો છે. તેમણે આ પેકેજને ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ નામ આપ્યું હતું.  તેમણે કહ્યું હતું કે ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેમોગ્રાફી, સિસ્ટમ અને માગ જેવા પાંચ સ્તંભો પર આ અભિયાન નિર્ભર રહેશે. સ્થાનિક બ્રાન્ડને વૈશ્વિક બનાવવાનું આ અભિયાન ભાગ છે. DBT, માઇક્રો ઇન્શ્યોરન્સ સ્કીમ, ઉજ્જવલા સ્કીમથી ગરીબોને ઘણી મદદ મળી છે. આ બધી યોજનાઓ આર્થિક સુધારાને લીધે શરૂ કરી શકાઈ.

DBT હેઠળ રૂ. 52,000 કરોડ  ટ્રાન્સફર

સરકારે કહ્યું હતું કે 41 કરોડ ખાતાઓમાં DBT હેઠળ રૂ. 52,000 કરોડ  ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઉજ્જવલા યોજના હેઠળ મોટી રાહત આપવામાં આવ્યા છે. નાણાપ્રધાને કહ્યું હતું કે અમે લિક્વિડિટી વધારવા માટે પગલાં લઈ રહ્યા છે. અમે 15 પગલાંની જાહેરાત કરીએ છીએ, જેમાં છ કુટિર ઉદ્યોગ માટે છે, એક પગલું ડિસ્કોમ માટે અને ત્રણ ટેક્સ સાથે સંકળાયેલાં પગલાં છે.

MSME માટે ત્રણ લાખ કરોડનું પેકેજ જાહેર

નાણાપ્રધાને કહ્યું હતું કે  MSME  આશરે 12 કરોડથી વધુ લોકોને રોજગાર આપે છે. જેથી MSME માટે ત્રણ લાખ કરોડની લોન કોલેટરલ ફ્રી આપવામાં આવશે. જે આ ક્ષેત્ર માટે કુલ લોનના 20 ટકા હશે. આ લોન ચાર વર્ષ માટે હશે. આના પર એક વર્ષનું મોરેટોરિયમ હશે, એટલે કે પહેલા વર્ષે મૂળ મુદ્દલ ચૂકવવું નહીં પડે. એનો લાભ 45 લાખ નાની-મોટી કંપનીઓને મળશે. આના માટે કોઈ ગેરન્ટી આપવાની જરૂર નથી.

25 કરોડ રૂપિયાની લોન એ MSMEને મળશે

25 કરોડ રૂપિયાની લોન એ MSMEને મળશે, જેનું ટર્નઓવર રૂ. 100 કરોડ છે. સરકાર ફંડ્સ ઓફ ફંડ બનાવશે, જેનો હેતુ રૂ. 50,000 કરોડની ઇક્વિટીની વ્યવસ્થા MSME  માટે કરવાની છે. આ ફંડસ ઓફ ફંડનું કદ રૂ. 1000 કરોડ હશે.

સંકકટગ્રસ્ત MSME માટે રૂ. 20,000 કરોડ

જે MSME, કુટિર ઉદ્યોગ આ સમયે સંકટનો સામનો કરી રહ્યા છે. તેમના માટે રૂ. 20,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમાં આશરે બે લાખ MSME , કુટિર ઉદ્યોગને લાભ મળશે. આમાં બધી NPA અથવા તણાવગ્રસ્ત લોનને પણ આ યોજનાનો લાભ મળશે. સરકાર CGTMSE  માટે રૂ. 4000 કરોડ આપવામાં આવશે, જે બેન્કોને આંશિક ગેરન્ટી આપશે. બેન્કો આનો લાભ MSMEsને આપશે.

MSMEની વ્યાખ્યામાં બદલાવ

નાણાપ્રધાને કહ્યું હતું કે MSMEની વ્યાખ્યામાં બદલાવ થશે. પહેલાં MSMEનું કદ વધે તો એને છૂટ નહોતી મળતી પણ હવે MSME માટે રોકાણની મર્યાદા વધારવામાં આવી છે. અને તેમનું ટર્નઓવર વધારવામાં આવ્યું છે. હવે રૂ. એક કરોડથી ઓછા રોકાણ કરવાવાળા અને રૂ. પાંચ કરોડના ટર્નઓવરવાળા યુનિટને માઇક્રો કહેવામાં આવશે. MSME માટે પાંચમું પગલું એ છે કે સરકારી ખરીદી માટે રૂ. 200 કરોડ માટે ગ્લોબલ ટેન્ડર નહીં હોય.

સારી કામગીરીવાળા MSMEને રૂ. 50,000 કરોડનું ઇક્વિટી ઇન્ફ્યુઝન

સરકાર ફ્ડસ ઓફ ફંડ દ્વારા જે MSME સારી કામગીરી નોંધાવશે અને વિસ્તરણ કરવા માગશે એ MSMEમાં  રૂ. 50,000 કરોડની ઇક્વિટી ઇન્ફ્યુઝન કરવામાં આવશે. આને લીધે MSMEનું કદ અને ક્ષમતા વધારવાની તક મળશે.

EPFOમાં સરકાર આગામી ત્રણ મહિના યોગદાન આપશે

સરકાર આગામી ત્રણ મહિના માટે EPFOમાં યોગદાન આપશે. EPFમાં સ્ટેચ્યુટરી કોન્ટ્રિબ્યુશન  12થી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યું છે. જેથી કર્મચારી અને કંપનીને રાહત મળશે, પણ કેન્દ્રીય સરકારી એકમો માટે આ કોન્ટ્રિબ્યુશન 12 ટકા રહેશે. આનાથી રૂ. 6750 કરોડની લિક્વિડિટીનો ટેકો મળશે.

આ ઉપરાંત સરકાર રૂ. 30,000 કરોડની યોજના NBFC માટે શરૂ કરી છે. એનાથી NBFC માટે ડેટ પેપર ખરીદી શકાશે. આમાં હાઉસિંગ કંપનીઓ (HFI) કંપનીઓ પણ સામેલ છે.

NBFC માટે રૂ. 45,000 કરોડની આંશિક ક્રેડિટ ગેરન્ટી સ્કીમ 2.0

સરકાર રૂ. 45,000 કરોડની આંશિક  ક્રેડિટ ગેરન્ટી સ્કીમ 2.0ની જાહેરાત કરી હતી. આ સ્કીમ ભારત સરકાર આશિંક ઋણ ગેરન્ટી યોજના છે. આમાં કેન્દ્ર સરકાર ગેરન્ટર હશે. આમાં ઓછા રેટિંગવાળા પેપર પર પણ પૈસા મળી શકશે. સરકાર 20 ટકા નુકસાન પણ ભોગવશે.

 ડિસ્કોમ માટે રૂ. 90,000 કરોડની ફાળવણી

ડિસ્કોમ કંપનીઓએ બહુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આમા માટે સરકારે રૂ. 90,000 કરોડની ફાળવણી કરી છે. PFC અને REC ડિસ્કોમને એ પૈસા આપશે. આનાથી ડિસ્કોમ કંપનીઓને મદદ મળશે.

કોન્ટ્રેક્ટર્સ માટે રાહત

બધી કેન્દ્રીય એજન્સીઓ માટે છ મહિના સુધીની મુદત વધારવામાં આવી છે. તેમને પૈસાની ખેંચ ના પડે એટલા માટે આંશિક રિલીઝની જોગવાઈ કરવામાં આવી છે.

રિયલ એસ્ટેટ માટે જાહેરાત

નાણાપ્રધાને કહ્યું હતું કે રિયલ એસ્ટેટ માટે અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી રાજ્યો માટે એડવાઇઝરી મોકલશે, જેથી રેરા હેઠળ કમ્પિલશન અને રજિસ્ટ્રેશન તારીખ છ મહિના માટે આગળ વધારવામાં આવી છે. રેગ્યુલેટરી ઓથોરિટીને પણ આના માટે અરજ કરવામાં આવશે. આના માટે અલગથી અરજી મગાવવાની જરૂર નહીં પડે.

TDS  રેટ ઘટ્યો

રેસિડેન્ટ્સ માટે નોન સેલરી પેમેન્ટ માટે TDS/TCSનો રેટ 31 માર્ચ, 2021 સુધી ઘટાડીને 25 ટકા કરવામાંઆવ્યા છે. આનો અર્થ એ થયો કે હવે રૂ. 100 TDSની જગ્યાએ રૂ. 75 આપવા પડશે. રૂ. 50,000 કરોડની લિક્વિડિટી લોકોના હાથમાં આવશે.

ઇન્કમ રિટર્નની પણ મુદતમાં વધારો

આ ઉપરાંત સરકારે ઇન્કમ રિટર્નની ફાઇલિંગની મુદતમાં વધારો કર્યો હતો. સરકારે કહ્યું છે કે ટેક્સના રિફંડ જલદી જારી કરવામાં આવશે. આના હેઠળ ચેરિટેબલ ટ્રસ્ટ  ઇન્કમ ટેક્સ રિટર્ન પાછલા નાણાકીય વર્ષ 2019-20 માટે 30 નવેમ્બર સુધી વધારવામાં આવી છે. આ સાથે વિવાદથી વિશ્વાસ યોજનાની સમયમર્યાદા વધારવામાં આવી છે, જે હવે આ વર્ષના અંત સુધી લાગુ રહેશે.

વડા પ્રધાન મોદીએ મંગળવારે આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ પેકેજ GDPના 10 ટકા બરાબર છે. આનાથી ભારતને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે.

 

 

 

 

 

 

 

16 મેએ વાવાઝોડું ફૂંકાવાની સંભાવનાઃ IMD

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ ભાગમાં હવાનું નીચું દબાણ સર્જાઈ રહ્યું છે. આને લીધે આવતી 16 મેએ ચક્રવાતી વાવાઝોડું આવવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે દક્ષિણ આંદામાન સાગર અને બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ ભાગમાં એક લો પ્રેશર બની ગયું છે. 15 મેએ ચક્રવાતી વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે એવી શક્યતા છે. તે વાવાઝોડું 16 મેએ બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય વિસ્તાર તરફ આગળ વધે એવી સંભાવના છે.

નૈઋત્યનું ચોમાસું સમયસર આગળ વધે છે

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે નૈઋત્યનું ચોમાસું 16મેની આસપાસ આંદામાન સમુદ્ર અને આંદામાન-નિકોબાર દ્વીપ તરફ આગળ વધશે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને એની સાથેના આંદામાન સમુદ્રમાં લો પ્રેશર બની રહ્યું છે. જે સંભવિત રીતે 15 મેએ દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો તરફ આગળ વધશે અને 16 મેની સાંજ સુધીમાં દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે. આ વાવાઝોડું ચોમાસાને આગળ વધવામાં મદદ કરશે, જે આ વર્ષે સામાન્ય રહેવાની સંભાવના છે, એમ IMDના ડિરેક્ટર મૃત્યુજંય મહાપાત્રાએ જણાવ્યું હતું.

કેરળમાં ચોમાસું પહેલી જૂને બેસશે

આ વર્ષે ચોમાસું કેરળમાં પહેલી જૂને બેસશે. આ વર્ષે દેશમાં ચોમાસું ચાર મહિના ચાલે એવી ધારણા છે. જોકે મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના જેવાં રાજ્યોમાં ચોમાસું બેસવામાં સામાન્ય તારીખોની તુલનાએ 3-7 દિવસનો વિલંબ થશે જ્યારે દિલ્હીમાં ચોમાસું  23-27 જૂન સુધીમાં બેસશે. એ જ રીતે મુંબઇ અને કોલકાતા માટે 10થી 11 જૂન અને ચેન્નઈ માટે એકથી ચાર જૂન સુધીની ચોમાસું બેસશે.

 

પાંચ દેશોએ કોરોના વેક્સિન બનાવ્યાનો દાવો કર્યો, કોનો સાચો?

ન્યૂયોર્કઃ વિશ્વભરમાં કોરોના વાઈરસ બીમારીને નાથવા માટેની રસી બનાવવાના પ્રયાસો પુરજોશમાં ચાલુ છે. દરેક દેશ હરીફાઈમાં લાગેલો છે કે એ સૌથી પહેલા વેક્સિન કોણ બનાવી લે, કેમ કે જે દેશ સૌપ્રથમ વેક્સિન બનાવી લેશે એને માન-સન્માન સાથે કરોડોનો બિઝનેસ પણ મળશે. આમ તો કેટલાય દેશો વેક્સિન બનાવવાનો દાવો કરી રહ્યા છે, પણ પાંચ દેશ એવા છે, જેની શોધ અને દાવામાં દમ નજરે પડે છે. વિશ્વના આ પાંચ દેશો એટલે અમેરિકા, બ્રિટન, ચીન, ઇટાલી અને ઇઝરાયલ છે. આવો જોઈએ કયા દેશમાં વેક્સિનને લઈને શી સ્થિતિ છે.  

અમેરિકા
અમેરિકાની બે કંપનીઓ કોરોનાની રસી તૈયાર કરી રહી છે. એક, મોડર્નો – જે અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝની સાથે શોધ કરી રહી છે. અન્ય કંપની ફાઇઝર છે.

બ્રિટન

બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કોરોના વેક્સિન બનાવ્યાનો દાવો કર્યો છે. બ્રિટનના દાવા મુજબ હાલ વેક્સિનની 200 હોસ્પિટલોમાં આશરે 5000થી વધુ લોકો પર પરીક્ષણ થયું છે, એટલે કે માણસ પર ટ્રાયલ થઈ રહ્યું છે.
ચીન

ચીનમાં કોરોનાની ત્રણ વેક્સિનનું માનવ એટલે કે હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. પહેલી વેક્સિન ચીનની કૈંસિનો બાયોલોજિક્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક્નોલોજી અને ચાઇનીઝ એકેડેમી ઓફ મિલિટરી મેડિકલ સાયન્સિઝ મળીને ટેસ્ટ કરી રહી છે. બીજી, વેક્સિન LV-SMENP-DCની શેંજેન જિનોઇમ્યુન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રાયલ ચાલી રહી છએ. ત્રીજી, વેક્સિન –ચીનની વુહાનમાં ટ્રાયલ ચાલી રહી છે.

ઇઝરાયલ

કોરોના વેક્સિન પર સૌથી મોટો દાવો ઇઝરાયલે કર્યો છે. ઇઝરાયલમાં મોજૂદ વિશ્વની સૌથી રહસ્યમયી બાયોલોજિકલ રિસર્ચ લેબમાં કોરોનાની વેક્સિન બની ચૂકી છે. ઇઝરાયલના સંરક્ષણપ્રધાન નૈફતાલી બેન્નેટે કહ્યું છે કે અમે આ બીમારીની વેક્સિન શોધી લીધી છે અને ટેસ્ટ ઘણી આગળના તબક્કામાં છે, બહુ જલદી એને પેન્ટેટ પણ કરાવવાની તૈયારી છે. આ વેક્સિન શરીરમાં એન્ટિબોડી બનાવે છે.

ઇટાલી

ઇટાલીએ પણ કોરોનાની વેક્સિન તૈયાર કરવાનો દાવો કર્યો છે. આ દાવા મુજબ ઇટાલીએ રોમના સ્પલ્નજાની હોસ્પિટલમાં કરવામાં આવેલાં પરીક્ષણોના પરિણામોને આધારે એન્ટિ બોડીઝ શોધી કાઢવાની વાત કરી છે. આ દાવાઓથી કોરોનાથી ખુવાર થયેલા વિશ્વમાં આશા જાગી છે. હવે જોવાનું એ છે કે વેક્સિન ક્યારે આવે છે અને કઈ વેક્સિન સૌથી વધુ અસરકારક છે.

લોકડાઉનઃ હોમ લોન પરના વ્યાજદર બાબતે ચોખવટ જરૂરી

ભારતીય રિઝર્વ બૅન્કે પ્રાદેશિક ગ્રામીણ બૅન્કોને બાદ કરતાં તમામ શેડ્યુલ્ડ કોમર્શિયલ બૅન્કો, સ્થાનિક બૅન્કો અને સ્મૉલ ફાઇનાન્સ બૅન્કોને રિટેલ લોન અને એમએસએમઈ (માઇક્રો સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ) લોન માટેના તેમના વ્યાજના દર 1 ઑક્ટોબર, 2019થી એક્સટર્નલ બેન્ચમાર્ક રેટને સંલગ્ન કરવાનું કહ્યું છે.

રિઝર્વ બૅન્કે તેના પરિપત્રમાં કહ્યું હતું કે બૅન્કો જે એક્સટર્નલ બેન્ચમાર્ક સાથે પોતાના ધિરાણના દર સાંકળી શકે છે એમાં રિઝર્વ બૅન્કના રેપો રેટ, ભારત સરકારના ત્રણ મહિનાની મુદતના ટ્રેઝરી બિલ્સની ઊપજ, છ મહિનાના ટ્રેઝરી બિલ્સની ઊપજનો તથા એફબીઆઇએલ (ફાઇનાન્શિયલ બેન્ચમાર્ક ઇન્ડિયા લિમિટેડ) દ્વારા જાહેર કરાતા અન્ય કોઈ બેન્ચમાર્ક દરનો સમાવેશ થાય છે.

બૅન્કો ધિરાણના વ્યાજદરને આ પ્રમાણેના બેન્ચમાર્ક રેટ સાથે સાંકળી શકે છેઃ
દર સ્રોત
રિઝર્વ બૅન્કે જાહેર કરેલો રેપો રેટ રિઝર્વ બૅન્ક
ત્રણ મહિનાની મુદત ધરાવતા ભારત સરકારના ટ્રેઝરી બિલ્સની ઊપજ એફબીઆઇએલ
છ મહિનાની મુદત ધરાવતા ભારત સરકારના ટ્રેઝરી બિલ્સની ઊપજ એફબીઆઇએલ
અન્ય કોઈ બેન્ચમાર્ક દર એફબીઆઇએલ
એફબીઆઇએલ = ફાઇનાન્શિયલ બેન્ચમાર્ક ઇન્ડિયા લિમિટેડ

મોટાભાગની બૅન્કોએ એક્સટર્નલ બેન્માર્ક તરીકે રિઝર્વ બૅન્કના રેપો રેટની પસંદગી કરી છે. રેપો રેટની સાથે સાંકળવામાં આવતા ધિરાણના વ્યાજદરને રેપો રેટ લિંક્ડ લેન્ડિંગ રેટ (આરએલએલઆર) કહેવાય છે. રેપો રેટમાં બૅન્કના સ્પ્રેડ કે માર્જિનને ઉમેરીએ તો આરએલએલઆર મળે છે.

નોંધનીય છે કે રિઝર્વ બૅન્કે ગત 27મી માર્ચે નાણાં નીતિની સમીક્ષા વખતે નીતિવિષયક વ્યાજદરની જાહેરાત કરી હતી. એ દિવસથી લાગુ થયેલો રેપો રેટ 4.40 ટકા છે. એમાં બૅન્કો પોતપોતાનું માર્જિન ઉમેરી શકે છે.

કોઈ પણ બૅન્કના તમામ કરજદારોને એકસમાન વ્યાજદર લાગુ પડે છે. જો કે, રિઝર્વ બૅન્કના પરિપત્રમાં કહેવાયું છે કે બૅન્કો કરજદારો પાસેથી રિસ્ક પ્રીમિયમ પણ વસૂલ કરી શકે છે. આમ, બૅન્કોને દરેક કરજદાર પાસેથી નાણાં પાછાં મળવાની બાબતે જે જોખમ લાગે એના પ્રમાણમાં એ રિસ્ક પ્રીમિયમ વસૂલ કરી શકે છે. નોંધનીય છે કે રિઝર્વ બૅન્કના અનેક પ્રયાસ છતાં ઘણી બૅન્કોએ વ્યાજદરના ફેરફારની વાત ગ્રાહકો સુધી પહોંચાડી નથી.

અમારા ક્લાયન્ટ્સના પોર્ટફોલિયોની સમીક્ષા વખતે અમે આ મુદ્દે ચર્ચા કરી ત્યારે જાણ થઈ કે બૅન્કોએ તેમને ધિરાણના દર નક્કી કરવાની નવી પદ્ધતિ વિશે કંઈ કહ્યું જ નથી. આમ, તેઓ જે વખતે લોન લીધી હતી એ વખતના ઉંચા દરે વ્યાજ ચૂકવી રહ્યા હતા.

લોનની બાબતે લોકોને જણાવવાના કેટલાક મુદ્દાઓની આજે ચર્ચા કરી લઈએઃ

લોનની વહેલી ચૂકવણીઃ જો સંપૂર્ણ લોનની વહેલી ચૂકવણી કરી દેવાય તો ગ્રાહકને વ્યાજની ઘણી મોટી બચત થઈ જાય છે. સામાન્ય રીતે પર્સનલ લોનમાં એક વર્ષનો લોક ઇન સમયગાળો હોય છે. ત્યાર બાદ બાકી બચેલી રકમ સંપૂર્ણપણે વહેલી ચૂકવી શકાય છે.

લોનની આંશિક ચૂકવણીઃ જો સંપૂર્ણ લોન ચૂકવવા જેટલી રકમ ન બચી હોય તો આંશિક ચૂકવણી પણ થઈ શકે છે. આ સંજોગોમાં ઈએમઆઇ ઘટે છે અને વ્યાજની પણ બચત થાય છે.

કોરોના વાઇરસને કારણે ઊભી થયેલી અનિશ્ચિતતાભરી પરિસ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાના બજેટમાં આવશ્યક ફેરફારો કરવાનું જરૂરી બન્યું છે.

જેના માથે કોઈ લોન હોય એમણે લોનની બધી વિગતો તપાસી લેવી અને બજારમાં પ્રવર્તમાન વ્યાજદર કરતાં ઉંચા દરે વ્યાજ જતું નથી એની ખાતરી કરી લેવી. લોકડાઉનના આ સમયગાળામાં પોતપોતાની બૅન્કનો સંપર્ક કરીને વ્યાજદર બાબતે સ્પષ્ટતા કરી લેવી.

અલગ અલગ બૅન્ક કરજ લેનારની ઉંમર, નોકરી, રોજગારની સ્થિરતા, ક્રેડિટ હિસ્ટરી તથા અન્ય પરિબળોના આધારે લોન પાસ કરતી હોય છે. તમે જેની પાસે લોન લેવા માગતા હો તેની પાસેથી કયા દરે લોન મળશે તેની તપાસ કરીને સારામાં સારી ઓફર મેળવવાનો પ્રયાસ કરવો.

નોંધનીય છે કે અન્ય બેન્ચમાર્ક રેટની તુલનાએ રેપો રેટમાં ઓછા ઉતાર-ચડાવ થતા હોય છે. આથી રેપો રેટને સંલગ્ન દર ધરાવતી લોન લેવી.

લોકડાઉને દરેક પરિવારને પોતાની નાણાકીય સમીક્ષા કરવા માટે પૂરતો સમય આપ્યો છે, રખે ચૂકી જતા.

  • ખ્યાતિ મશરૂ-વસાણી (ચાર્ટર્ડ વેલ્થ મેનેજર)

હોટ અંદાઝવાળા વિડિયોઃ શમીની પત્ની હસીન જહાં ટ્રોલ થઈ

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉન લાગેલું છે, ત્યારે સેલિબ્રિટી વ્યક્તિઓ પણ લોકડાઉન દરમ્યાન ઘરમાં કેદ છે. આવા સમયમાં ક્રિકેટરો પણ સોશિયલ મિડિયા દ્વારા એમના ચાહકો સાથે જોડાયેલા છે. ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીની તેનાથી અલગ રહેતી પત્ની હસીન જહાં એક વિડિયોને કારણે સોશિયલ મિડિયા પર ટ્રોલ થઈ હતી. પરંતુ ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપતાં હસીન જહાંએ એક વધુ વિડિયો શેર કર્યો છે.  

હસીન જહાંએ વિડિયો શેર કર્યો

હસીન જહાંએ વિડિયો શેર કરતાં કહ્યું છે કે ‘તૈયાર થઈ જાઓ, ઈર્ષા કરવા માટે.’ આ પહેલાં હસીન જહાંએ બે વિડિયો શેર કર્યા હતા. એ વખતે પણ એણે લખ્યું હતું ‘મેં આગ લગાવી દીધી છે, હવે તમે જીવ બાળ્યા કરો.’

ટ્રોલ થયા બાદ ત્રણ વિડિયો શેર કર્યા

હસીન જહાં વારંવાર પોતાના વિડિયોને લીધે સોશિયલ મિડિયા પર ચર્ચામાં રહે છે. એ હાલમાં જ એક વિડિયોને કારણે ઘણી ટ્રોલ થઈ હતી. ટ્રોલ થયા પછી એ સોશિયલ મિડિયા પર વધારે સક્રિય થઈ ગઈ છે અને સતત ટ્રોલ કરનારાને જડબાતોડ જવાબ આપી રહી છે.

શમી પર ફિક્સિંગ અને ઘરેલુ હિંસાના આરોપ

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં હસીન જહાંએ મોહમ્મદ શમી પર ફિક્સિંગ અને ઘરેલુ હિંસાના આરોપ લગાવ્યા હતા. જોકે તપાસ પછી BCCIએ શમીને મેચ ફિક્સિંગને મામલે ક્લીન ચિટ આપી હતી. એ સમયે બંને વચ્ચેનો ઘરેલુ વિવાદ સમાચારોમાં રહ્યો હતો. વિવાદ થયો ત્યારથી હસીન જહાં અને મોહમ્મદ શમી અલગ-અલગ રહે છે.

ભારતમાં 24 કલાકમાં કોરોનાના 3525 નવા કેસ, 122નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ મહાબીમારીના કેસની સંખ્યામાં સતત વધારો ચાલુ જ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 74,281 થઈ ગઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધીમાં 2415 જણના મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3525 નવા કેસ નોંધાયા હતા અને 122 જણના મોત થયાં છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 24,386 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે રિકવરી રેટ સુધરીને 32.82 ટકા થયો છે.

કોરોના વાઇસર ગ્રામીણ વિસ્તારોમાં પ્રસર્યો

કોરોના વાઇરસ ધીમે-ધીમે ગ્રામીણ વિસ્તારોમાં પ્રસરી રહ્યો છે. જે જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઇરસના કેસ નહોતા ત્યાં આ વાઇરસ પ્રસરી રહ્યો છે. પહેલી મે પછી મધ્ય પ્રદેશના આઠ નવા જિલ્લામાં કોરોના નવા કેસ નોંધાયા છે. આ જિલ્લામાં આશરે 50 નવા કેસ થયા છે. રાજસ્થાનના બે નવા ગ્રામીણ જિલ્લામાં તાજેતરના દિવસોમાં પહોચ્યો છે. રાજસ્થાનના કુલ કોરોના કેસમાં 10 ટકા ગ્રામીણ વિસ્તારોમાંથી કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં બિહારમાં કોરોનાના કુલ નવા કેસો નોંધાયા એમાં 65 ટકા કેસો તો ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોના છે.

દેશમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોવાર કોરોના કેસોની સંખ્યા નીચે મુજબ છે.

 

રાશિ ભવિષ્ય 13/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂની ઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.


તમારા સગાસ્નેહી, જુના પરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.


નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.


લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર  આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.


આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકસ્મિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.


આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.


થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને  કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.


તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.

પંચાંગ 13/05/2020

મિશન સાગરઃ 580 ટન ખાદ્યસામગ્રી સાથે નેવી જહાજ માલદીવ પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળે જણાવ્યું છે એનું ‘INS કેસરી’ જહાજ ‘મિશન સાગર’ યોજના હેઠળ માલદીવ માટે 580 ટન ખાદ્યસામગ્રી લઈને ગઈ કાલે માલે પાટનગર શહેર પહોંચ્યું હતું. ભારત સરકાર દ્વારા આ મિશન કોરોના વાઇરસના રોગચાળા સામેના વૈશ્વિક જંગ અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. નૌસેનાએ એક જાહેરાતમાં જણાવ્યું છે કે આ ક્ષેત્રમાં કોરોના વાઇરસની મહામારી અને સામાજિક અંતરના નિયમને ધ્યાનમાં રાખીને 12 મે, 2020એ ઓનલાઇન સમારોહમાં માલદીવના સત્તાવાળાઓને ખાદ્યસામગ્રી સોંપવામાં આવી હતી.

‘ઓપરેશન સમુદ્ર સેતુ’ની સાથે ‘મિશન સાગર’નો પણ પ્રારંભ

એ સમારોહમાં માલદીવના વિદેશપ્રધાન અબદુલ્લા શાહિદ, સંરક્ષણપ્રધાન મારિયા અહમદ દીદી અને માલદીવમાં ભારતીય ઉચ્ચાયુક્ત સંજય સુધીર હાજર હતા. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ‘ઓપરેશન સમુદ્ર સેતુ’ની સાથે ‘મિશન સાગર’ પણ શરૂ કરવામાં આવ્યું છે.

નૌકાદળે જણાવ્યું છે કે ભારત સરકાર કોરોના સંકટમાં મિત્ર દેશોને મદદ પહોંચાડી રહ્યું છે અને એ મિશન હેઠળ માલદીવના લોકો માટે 580 ટન ખાદ્યસામગ્રી લઈને ‘INS કેસરી’ પહોંચ્યું છે.