Home Blog Page 4808

આ બોક્સમાં ખાદ્યપદાર્થ માત્ર 40 સેકંડમાં જંતુમુક્ત થઈ જાય!

અમદાવાદના એક એપાર્ટમેન્ટમાં લોકોએ એક એવું બોક્સ વસાવ્યું છે જેમાં માર્કેટમાંથી લાવવામાં આવેલી વસ્તુઓ તેમજ ખાદ્યપદાર્થો મૂકતાંવેત જ ૪૦ સેકન્ડમાં જ ડીસઈન્ફેક્ટ થઈ જાય છે. હાલ સર્વત્ર ફેલાયેલ કોરોના વાઈરસના પ્રકોપને કારણે બજારમાંથી લાવવામાં આવેલ શાકભાજી કે કરિયાણાને દરેક લોકો ઘરે જઈને જંતુમુક્ત કરી રહ્યાં છે. શાકભાજીને ખાવાના સોડા તેમજ મીઠાવાળા પાણીમાં પલાળવાથી માંડીને કરિયાણાની સામગ્રીના બોક્સ કે પેકેટને ડિટર્જન્ટ તેમજ બ્લીચના પાણીમાં પલાળેલા કાપડથી લૂછીને ડીસઈન્ફેક્ટ કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો આ બધું ઘણું કડાકૂટભર્યું કામ છે. પણ વાયરસના ચેપના જોખમને ટાળવા માટે આટલું કામ તો કરવું જ રહ્યું.

આ સમય દરમ્યાન અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા સ્ટેટસ ટાવર નામના એપાર્ટમેન્ટના લોકોએ એક અનોખો પ્રયોગ કર્યો છે. બહારથી લાવવામાં આવેલી કોઇપણ વસ્તુ અને ફૂડ આઈટમ્સને તેઓ એકસાથે જંતુરહિત કરી લે છે. એટલે કે, એક મોટાં બોક્સની અંદર બહારથી લાવવામાં આવેલી વસ્તુઓને 40 સેકંડ માટે મૂકવામાં આવે છે. 40 સેકંડમાં આ બધી વસ્તુઓ જંતુમુક્ત થઈ જાય છે!

આ હાઉસિંગ સોસાયટીના ૫૧ વર્ષીય સેક્રેટરી, નીરજ કુમાર સિંહ જેઓ પોતાની ફાર્મા કંપની ધરાવે છે. તેમણે એક દૈનિકને જણાવ્યું, ‘બહારથી લાવવામાં આવેલા શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થો એક મોટા બોક્સમાં મૂકવામાં આવે છે અને એની અંદરની યુવી લાઈટ્સને ૪૦ સેકન્ડ માટે ચાલુ કરવામાં આવે છે. આટલા સમયમાં એટલે કે, ૪૦ સેકન્ડમાં શાકભાજી તેમજ અન્ય વસ્તુઓમાંના બેક્ટેરિયા તેમજ વાયરસનો નાશ થઈ જાય છે, કોવિડ-19ના વાયરસનો સુદ્ધાં તેમાં નાશ થાય છે!’

સિંહ વધુમાં જણાવે છે, ‘આ બોક્સ ચાલુ હોય તે દરમ્યાન કોઈએ પોતાના હાથ બોક્સની અંદર નહીં નાખવા. કોઈ ભૂલથી ચાલુ લાઈટમાં અંદર હાથ ના નાખે તે માટે અમે આ પેટીમાં એવા સેન્સર લગાડી દીધા છે કે, ભૂલેચૂકે જો બોક્સ ખુલ્લું રહી ગયું હોય તો, બોક્સની અંદરની લાઈટ ચાલુ જ ના થાય!

આ બોક્સ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો એના જવાબમાં સિંહ જણાવે છે કે, ‘તેમને અને તેમની ટીમને એવો વિચાર આવ્યો કે કોઈ વસ્તુ વાયરસ વાહક છે કે નહીં તે કોઈપણ રીતે સમજાય એવું નથી. ત્યારે વિચાર આવ્યો કે, એવું ઉપકરણ બનાવવામાં આવે, જેની અંદર વસ્તુ મૂકતાં જ તે વસ્તુ જંતુમુક્ત થઈ જાય.’

ઉપરાંત તેઓ જણાવે છે, ‘મારો દીકરો અનમોલ રાજ, જે 21 વર્ષનો છે. તેણે યુકે તેમજ યુએસમાં અભ્યાસ કર્યો છે. તે એવા તારણ પર આવ્યો છે કે, યુવી લાઈટ્સના કારણે ખાવાની વસ્તુ એકદમ સુરક્ષિત રહે છે. ફક્ત માનવ શરીર પર એની ઘાતક અસર થાય છે. એટલે કે, ચામડી પર રેશિઝ થાય છે અને રેટિનાને પણ અસર કરે છે. તેમજ પ્રાણીઓ માટે પણ તે ઘાતક છે.’

‘અમે આ બોક્સમાં આઠ યુવી લાઈટ્સ એ રીતે લગાવી છે કે, બોક્સના ખૂણા ખૂણા સુધી લાઈટ પહોંચે. બોક્સમાં સેન્સર એ રીતે લગાડ્યા છે કે, બોક્સ ખુલ્લું રહી જાય તો યુવી લાઈટ ચાલુ જ ના થાય.’

‘અમે સોસાયટીની દરેક વ્યક્તિને સૂચના આપી છે કે, બહારથી કોઈ વસ્તુ લાવ્યા બાદ તેને આ બોક્સમાં મૂકીને જંતુ મુક્ત કરી લેવી.’ આ જ એપાર્ટમેન્ટમાં રહેતાં ડોક્ટર પ્રિયંકા બહલ કહે છે, ‘યુવી લાઈટ્સ જો વધુ તેજ હોય તો શરીર માટે ઘણી ઘાતક નીવડે છે. પરંતુ આ બોક્સમાં યુવી લાઈટનું પ્રમાણ હલકું છે. એમાંની Intensity safe છે. જેથી બોક્સ પૂરી રીતે સુરક્ષિત છે.’

કોરોના મહામારી આ માતાઓની ફરજ નિષ્ઠાને ડગાવી નહીં શકે

ગાંધીનગર: મે માસના બીજા રવિવારને ‘આંતરરાષ્ટ્રીય મધર્સ ડે’ તરીકે ઉજવાય છે. હાલમાં જ ઉજવાઈ ગયેલા આ દિન બાદ આજે અહીં વાત કરીએ એવી માતાઓની કે જે અત્યારના કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં GVK-108 એમ્બ્યુલેન્સ વાનમાં દરરોજ પોતાની ફરજ બજાવે છે. અત્યારે જ્યારે લોકોને પોતાના ઘરમાં રહેવાની ફરજ છે ત્યારે સાબરકાંઠામાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાનની 5 મહિલા ઇ.એમ.ટી એવી છે જે પોતાના નાના સંતાનોને ઘરે મૂકીને લોકોની સેવા માટે ખડેપગે છે.

કોરોનાની વૈશ્વિક મહામારીમાં હાલ લોકડાઉન હોવાથી આરોગ્ય કર્મીઓ દ્વારા તત્પરતાથી લોકોને આરોગ્યની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ઈડર ૧૦૮ એમ્બ્યુલેન્સ વાનમાં ફરજ બજાવતા ભૂમિબેન પટેલ જણાવે છે કે, મારે એક વર્ષની દીકરી છે દિયા, ઘરે જતાં ડર લાગે છે. દિવસેને દિવસે કોરોના વાઈરસનું ફેલાતુ સંક્ર્મણ જોઇ ડર લાગે છે, માતા છું અને મારી દીકરી માત્ર એક વર્ષની છે. નાના બાળકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા પણ ઓછી હોય છે. મારે રોજ કોરોનાના શંકાસ્પદ કેસો કે કોરોનાના દર્દી હોય તેઓને હોસ્પિટલ પહોંચાડવાના હોય છે. પીપીઇ કીટ પહેર્યા પછી પણ ચેપ લાગવાની સંભાવના હોવાથી હું ઘરે જઈને પહેલા સાબુથી સારી રીતે સ્નાન કરૂ છું. પછી જ મારી દીકરીને હું મારી પાસે લઉં છું.

વડાલી ૧૦૮ ઇ.એમ.ટી રીના ચૌધરી જણાવે છે, કે મારી દીકરી ૭ વર્ષની હોવાથી મારૂ કામ થોડું સરળ છે. તેને હું સમજાવું કે મારી પાસે નહીં આવવાનું, મારાથી બે મીટરનું અંતર રાખવાનું તો તે સમજે છે પરંતુ હું માતા છું મારી દીકરીને મારી પાસે આવવું હોય છે, પરંતુ મારી મનાઇને કારણે તે સંકોચાઇને રહી જાય છે. તેને આમ જોઇ મને પણ ઘણું દુ:ખ થાય છે. કારણ કે પહેલા જ્યારે હું ડ્યુટી પૂરી કરીને ઘરે જતી તો તે તરત જ મારા ખોળામાં આવીને બેસી જતી.

હાલની સ્થિતિમાં કોઇ પણ જાતની પરવા કર્યા વિના પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતી આ માતાઓમાં ખેરોજ ૧૦૮ ઇ.એમ.ટી ગીતા દામાનો બાબો શિવમ 3 વર્ષનો છે. તે જણાવે છે કે હું માતા છું મારી જવાબદારી માત્ર માતા તરીકે જ નહીં પરંતુ મારી ફરજ પરત્વે પણ છે. દેશ અને દુનિયા જ્યારે કોરોના સામે લડી રહ્યા હોય ત્યારે એક આરોગ્ય કર્મી તરીકે મારી જવાબદારી બેવડાઇ જાય છે. જેથી મારે બંને જગ્યાએ યોગ્ય રીતે ફરજ નિભાવવાની થાય છે. બાબો નાનો હોવાથી કેટલીક ખાસ તકેદારી અને અંતર રાખવુ મારે જરૂરી બને છે. પોતાના નાના ભૂલકાઓને પોતાનાથી સુરક્ષિત અંતરે રાખીને પોતાની મમતા તેમની ઉપર વરસાવી રહી છે તો પોતાના દર્દીઓને જરૂરી આરોગ્ય સેવા કરવામાં પણ તેઓ પાછી પાની નથી કરતા.

લોકડાઉન ચાલુ રહેશે, પણ રાહતો અપાશેઃ બ્રિટિશ PM જોન્સન

લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું છે કે દેશમાં કોરોના વાઇરસ લોકડાઉન તાત્કાલિક ઉઠાવવામાં નહીં આવે. બ્રિટનમાં પહેલી જૂન સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉનને સરળ બનાવવા માટે કેટલીક યોજનાઓ પર સરકાર કામ કરી રહી છે.  તેમણે કહ્યું હતું કે આ સપ્તાહ દરમ્યાન તો લોકડાઉન હટાવવામાં નહીં જ આવે. એના સિવાય અમે ઉપાયોને સંશોધિત કરવા માટેના કેટલાંક પ્રારંભિક મહત્ત્વનાં પગલાં ઉઠાવી રહ્યા છીએ.

ઓફિસ જવાની મંજૂરી

બોરિસ જોન્સને કહ્યું હતું કે જે લોકો ઘરેથી કામ નથી કરી શકતા, તેમને ઓફિસ જવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે જે લોકો કસરત અને સ્પોર્ટ્સ વગેરે કામગીરી માટે બહાર જઈ શકશે, પરંતુ ત્યારે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.

લોકડાઉનમાં અનેક છૂટછાટ

તેમણે કહ્યું હતું કે તમે તમારા સ્થાનિક પાર્કમાં તડકામાં બેસી શકો છો. તમે ડ્રાઇવ કરીને એકથી બીજી જગ્યાએ જઈ શકો છો. તમે રમત રમી શકો છો, પણ માત્ર તમારા ઘરના સભ્યોની સાથે.

પાંચ સ્તરની એલર્ટ સિસ્ટમ

બ્રિટિશ વડા પ્રધાને એક પાંચ સ્તરની એલર્ટ સિસ્ટમ રાખી છે, જેનો ઉપયોગ સરકાર વૈજ્ઞાનિક ડેટાનો ઉપયોગ કરીને વાઇરસના પ્રસારના દરને મોનિટર અને ટ્રેક કરવા માટે કરશે, એને R દર કહેવામાં આવશે. બોરિસ જોન્સને પોતાની એલર્ટ સિસ્ટમના લેવલ વિશે જણાવતાં કહ્યું હતું કે લેવલ એકનો અર્થ એ છે કે આ બીમારી હવે બ્રિટનમાં મોજૂદ નથી. લેવલ પાંચ સૌથી ગંભીર છે. લોકડાઉન દરમ્યાન અમેલેવલ ચારમાં રહી રહ્યા છીએ અને તમારા ત્યાગ માટે ધન્યવાદ કે જેથી હવે આપણે લેવલ ત્રણમાં જવાની સ્થિતિમાં છીએ.

ગર્ભાવસ્થાના આઠમા મહિને પણ ફરજ બજાવે છે નર્સ અર્ચનાબહેન

વડોદરા: દર વર્ષે 12મી મે ના દિવસે નર્સિંગ સમુદાયની સેવાઓને પ્રોત્સાહિત કરવા વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આમ તો, 11 મી મે થી સાત દિવસના નર્સિંગ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, અને નર્સિંગ વ્યવસાયના રોલ મોડેલ ફ્લોરેન્સ નાઈટિંગેલના જન્મ દિવસે એનું સમાપન કરવામાં આવે છે.

 

નર્સિગમાં માતૃત્વની મમતાના ગુણ આધારિત હોવાથી મોટાભાગે આમાં મહિલાઓ જ જોવા મળે છે તેમ છતાં,આ ક્ષેત્રમાં પુરુષોના પ્રવેશની મનાઈ નથી અને ભલે ખૂબ ઓછી સંખ્યામાં પરંતુ, જેમ નર્સ બહેનોને સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે તેમ બ્રધર તરીકે ઓળખાતા પુરૂષ નર્સ ભાઈઓ પણ આ વ્યવસાયમાં છે. નર્સિંગ ના વ્યવસાયની કર્તવ્ય પરાયણતાનું ઉજળું ઉદાહરણ ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતા અર્ચનાબેન જોષી એ પ્રસ્તુત કર્યું છે.

હાલમાં કોરોનાનો કહેર છે ત્યારે હોસ્પિટલમાં જતાં પણ ડર લાગે એવા સમયે તેઓ ગર્ભાવસ્થાના આઠમા મહિને પણ નર્સ તરીકેની તેમની ફરજ બજાવી રહ્યા છે. એમણે જણાવ્યું કે તકેદારીના ભાગરૂપે સગર્ભા બહેનોને કોરોના વોર્ડની ડ્યુટીમાંથી બાકાત રાખવામાં આવે છે .પરંતુ હાલ નર્સિંગ સ્ટાફની ખૂબ જ જરૂર છે તેને અનુલક્ષીને થાય ત્યાં સુધી સેવા આપવાનો મારો નિર્ધાર છે. હાલમાં હું ઓપરેશન થિયેટર માટે પાટાપીંડી તૈયાર કરવા,સાધનોને ઓટોકલેવ કરવાની કામગીરી સાથે સંકળાયેલા વિભાગમાં કામ કરું છું.

 

અર્ચનાબહેન વધુમાં કહે છે કે, ભલે તમે કોરોના વોર્ડમાં કામના કરતાં હો પરંતુ હાલમાં હોસ્પિટલમાં અવર જવર કરતાં લોકોમાં સંક્રમિત વ્યક્તિઓ હોવાની શક્યતા રહે છે. અને મારે તો મારી સાથે આવનારા બાળકની સુરક્ષા કરવાની છે એટલે ખૂબ સાવચેતી લઉં છું. સેનિટાઈઝર સાથે જ રાખું છું અને ડગલે ને પગલે તેનો ઉપયોગ કરું છું.
હાલમાં ચેપમુક્ત રહેવાની તકેદારી રૂપે લિફ્ટ વાપરવી હિતાવહ નથી. પણ હું આ અવસ્થામાં દાદરા ન ચડી શકું એટલે લિફ્ટનો ઉપયોગ કરતી વખતે ટિસ્યુ પેપર સાથે રાખું છું. લિફ્ટના હેન્ડલને હાથથી સીધો સ્પર્શ ન કરતા ટિસ્યુ પેપરથી પકડું છું અને બહાર નીકળીને તુરત જ સેનેટાઈઝ કરું છું.

તેઓ કહે છે કે આ અમે સ્વેચ્છા એ સ્વીકારેલી જોબ છે એટલે સંજોગો ગમે તેવા અઘરાં હોય અમારે ફરજો બજાવવી જોઇએ. તેમણે જણાવ્યું કે હાલમાં જોખમી અને અઘરી ગણાતી કોરોના વોર્ડની ફરજો બાળ બચ્ચા અને પરિવારથી અળગી રહીને નર્સિંગની બહેનો અદા કરી રહી છે. અહી સતત સાત દિવસ ફરજો બજાવવાની હોય છે અને ચેપ પ્રસરતો અટકાવવા ઘેર જવાને બદલે હોસ્ટેલમાં રહેવું પડે છે.

મહત્વનું છે કે, વર્ષ 2020ને વિશ્વ આરોગ્ય સંસ્થાએ નર્સિંગના સેવા વ્યવસાયને સમર્પિત કર્યું છે અને કુદરત પણ જાણે એમની નિષ્ઠાની કસોટી કરતી હોય તેમ આ વર્ષે જ વિશ્વ કોરોનાની વિરાટ મહામારીના રૂપમાં આરોગ્ય કટોકટીનો સામનો કરી રહ્યું છે.

બોરીવલી રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા માઈગ્રન્ટ કામદારો…

મહિલાઓ અને બાળકો સહિત અનેક પરપ્રાંતિય કામદારો ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જવા માટે રવિવાર, 10 મેની મોડી રાતે મુંબઈના બોરીવલી સ્ટેશન ખાતે વિશેષ ટ્રેનમાં જવાની રાહ જોતા બેઠેલા જોવા મળ્યા હતા. સ્ટેશનની બહાર આ તમામ લોકોનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. (તસવીરોઃ દીપક ધુરી)






















મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોએ કોરોના-લોકડાઉન લંબાવવા કહ્યું

મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોએ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા લાગુ કરાયેલા દેશવ્યાપી લોકડાઉનની મુદત લંબાવવા કહ્યું છે. આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વર્ચુઅલ બેઠકમાં મહારાષ્ટ્ર ઉપરાંત તેલંગાણા, પંજાબ અને ઓડિશાના મુખ્ય પ્રધાનોએ લોકડાઉન લંબાવવા કહ્યું હતું.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, કે લોકડાઉન લંબાવવું જરૂરી છે. એ ઉઠાવી લેવું ન જોઈએ, પરંતુ એનું નિયમન કરવું જોઈએ અને થોડીક છૂટછાટો આપવી જોઈએ.

એમણે વડા પ્રધાનને એવી વિનંતી પણ કરી છે કે રાજ્યોના પોલીસોકર્મીઓ સતત ફરજ બચાવી રહ્યા છે એટલે એમને આરામની જરૂર હોવાથી કેન્દ્ર સરકારે કેન્દ્રીય સુરક્ષા દળોને રાજ્યોમાં તહેનાત કરવા જોઈએ.

દેશભરમાં કોરોના-લોકડાઉન લાગુ કરાયા બાદ આજની બેઠક વડા પ્રધાન અને મુખ્ય પ્રધાનો વચ્ચે પાંચમી હતી. એ બે સત્રમાં ચાલી હતી. પહેલા સત્રમાં બેઠક બપોરે 3થી 5.30 વાગ્યા સુધી ચાલી હતી. ત્યારબાદ અડધા કલાકનો વિરામ અપાયો હતો. બીજું સત્ર – ત્રણ કલાકનું, છ વાગ્યાથી શરૂ થયું હતું.

કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કાપ નહીં મૂકાયઃ નાણાં મંત્રાલય

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં મંત્રાલયે આજે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાનો કોઈ વિચાર નથી. છેલ્લા કેટલાક દિવસોમાં એવી અફવા ઊડી હતી કે કોરોના વાઇરસના સંકટને પગલે સરકાર કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં કાપ મૂકે એવી શક્યતા છે. પરંતુ, કર્મચારીઓની સેલેરીમાં કોઈ કાપ મૂકવામાં નહીં આવે, તેમને પૂરી સેલેરી આપવામાં આવશે. મંત્રાલયે પગાર મામલે ચાલતી અફવાને પાયાવિહોણી ગણાવી છે.

નાણાં મંત્રાલયે સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની કોઈ પણ શ્રેણીના હાલના પગાર કોઈ પણ પ્રકારનો કાપ મૂકવા માટે સરકાર પાસે કોઈ પ્રસ્તાવ નથી. મિડિયાના અમુક વર્ગોના અહેવાલ ખોટા છે અને જેનો કોઈ આધાર નથી.

આનાથી વિપરીત વેપાર મંત્રાલયે લોકડાઉનમાં કંપનીઓને અમુક રાહત આપી છે. પ્રાપ્ત માહિતી મુજબ વિવિધ રાજ્યોમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં હાલની કંપનીઓના યુનિટ માટે આ વર્ષે લીઝ ભાડું વધારવામાં નહીં આવે. આ કંપનીઓ ચાલુ ત્રિમાસિકનું લીઝ ભાડું 31 જુલાઈ સુધી ભરી શકે છે અને એના પર કોઈ વ્યાજ પણ નહીં લાગે.

જિતેન્દ્ર સિંહે ટ્વીટ કર્યું

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં કોઈ પણ પ્રકારનો કાપ મૂકવાનો પ્રસ્તાવ વિચારાધીન નથી. જિતેન્દ્ર સિંહે ટ્વીટ કરીને કહ્યું છે કે કૃપયા મિડિયાના એક સેક્શનમાં પ્રસારિત થઈ રહેલા FAKE NEWSની અવગણના કરો.

MF ઈન્ડસ્ટ્રીના નેટ ઈક્વિટી પ્રવાહમાં BSE સ્ટાર MFનો 66% હિસ્સો

મુંબઈ 11 મે, 2020: દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફના નાણાકીય વર્ષ 2019-20માં સંપૂર્ણ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના નેટ ઈક્વિટી ઈન્ફ્લોમાં 66 ટકા હિસ્સો રહ્યો છે. આનો અર્થ એ થાય કે સંપૂર્ણ મ્યુચ્યુઅલ ઉદ્યોગમાં ચોખ્ખા ઈક્વિટી રોકાણ પ્રવાહના 66 ટકા બીએસઈ  સ્ટાર એમએફ પ્લેટફોર્મ મારફત આવ્યા છે.

વર્ષ 2019-20માં નેટ ઈક્વિટી ઈન્ફ્લોમાં બીએસઈ સ્ટાર એમએફનો હિસ્સો રૂ.56,038 કરોડ (રૂ.1,41,473 કરોડ – રૂ.85,435 કરોડ રિડમ્પશન) રહ્યો હતો, જે સંપૂર્ણ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના રૂ.83,781 કરોડના નેટ ઈક્વિટી ઈન્ફ્લોના 66 ટકા છે.

એ જ રીતે એપ્રિલ, 2020માં સંપૂર્ણ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનો નેટ ઈક્વિટી ઈન્ફ્લો રૂ.6212 કરોડ રહ્યો હતો, જેમાં બીએસઈ સ્ટાર એમએફનો હિસ્સો રૂ.3806 કરોડ એટલે કે 61 ટકા  હતો.

એપ્રિલ 2020માં બીએસઈ સ્ટાર એમએફ પર 63.17 લાખથી અધિક સોદા કરવામાં આવ્યા હતા. આ મહિનામાં ટર્નઓવર એપ્રિલ, 2019ની તુલનામાં 157 ટકા વધીને રૂ.37,200 કરોડ થયું હતું.

એપ્રિલ મહિનામાં ટ્રાન્ઝેક્શનની સંખ્યા 2019 એપ્રિલના 42.61 લાખથી 48 ટકા વધીને 63.17 લાખ  થઈ છે. આગલા વર્ષની તુલનાએ ટ્રાન્ઝેક્શનની સંખ્યા ગત વર્ષની તુલનાએ 61 ટકા વધીને 5.75 કરોડની થઈ છે.

એપ્રિલ મહિનામાં સ્ટાર એમએફની એસઆઈપી બુક સાઈઝ રૂ.1,180.09 કરોડના 39.54 લાખની થઈ છે. આ મહિનામાં નવી 2.54 લાખ એસપીઆઈ નોંધાઈ હતી. એપ્રિલમાં જે નવી એસઆઈપી ઉદ્યોગમાં નોંધાઈ એમાં બીએસઈ સ્ટાર એમએફનો હિસ્સો 35 ટકા રહ્યો હતો.

લોકડાઉનના ઉલ્લંઘન બદલ મુંબઈ પોલીસે પૂનમ પાંડેને પકડી

મુંબઈઃ લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે ગઈ કાલે મોડલ-એક્ટ્રેસ પૂનમ પાંડેને અટકમાં લીધી હતી. પૂનમ ગઈ કાલે રાતે એનાં બોયફ્રેન્ડ સેમ એહમદ સાથે એક લક્ઝરી કારમાં ઘૂમતી હતી. દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવ વિસ્તારમાં પોલીસે બંને અટકાવ્યા હતા અને લોકડાઉન નિયમનો ભંગ કરવા બદલ FIR નોંધી હતી. બંનેને અટકમાં લીધા બાદ પોલીસે એમને છોડી દીધા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પૂનમ પોતાની કારમાં મરીન ડ્રાઇવ પર એમ જ ફરવા નીકળી હતી. પોલીસે પૂનમની કાર જપ્ત કરી લીધી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી મૃત્યુંજય હિરેમઠે જણાવ્યું હતું કે પૂનમ પાંડે અને તેના બોયફ્રેન્ડ સેમ અહેમદ (46) સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 269 અને 188 તથા નેશનલ ડિઝાસ્ટર એક્ટની જોગવાઈ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.  

રૂમાલનો માસ્ક પહેરીને કિસ કરી

પૂનમ લોકડાઉનમાં બોયફ્રેન્ડની સાથે કેટલાય ફોટો અને વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરતી રહે છે. હાલમાં તેણે ચહેરા પર માસ્કની જેમ રૂમાલ પહેરીને બોયફ્રેન્ડ સેમને કિસ કરતો ફોટો પોસ્ટ કર્યો હતો. સોશિયલ મિડિયા પર તે વાઇરલ થયો હતો.

સ્ટેટ બેન્કે છેતરપીંડીવાળા SMS વિશે પોતાના ખાતેદારોને ચેતવ્યા

નવી દિલ્હીઃ જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ખાતેદાર છો તો તમારે નેટ બેન્કિંગને લઈને વધુ સાવધ રહેવાની જરૂર છે. વાસ્તવમાં SBIએ પોતાના ગ્રાહકોને એક મેસેજ મોકલીને સાવધ કર્યા છે કે જો તમે છેલ્લા 180 દિવસો (છ મહિના)માં તમારો નેટ બેન્કિંગ પાસવર્ડ અપડેટ કર્યો ન હોય તો એને વહેલામાં વહેલી તકે અપડેટ કરી દો. બેન્કે ગ્રાહકોને કહ્યું છે કે તેઓ SBIના ઓનલાઇન પોર્ટલ પર જઈને પોતાના ખાતાની માહિતીને અપડેટ કરી શકે છે.

જો કોઈ મેસેજ આવે તો એને તરત ડિલીટ કરો

બેન્કે કહ્યું છે કે જો તમારી પાસે આવો કોઈ મેસેજ આવે તો તમે તેની અવગણના કરજો અને એ મેસેજને તરત જ ડિલીટ કરી દો. બેન્કના જણાવ્યા મુજબ તમારી પાસે એવો કોઈ મેસેજ આવે છો તો તમે એની માહિતી SBIના અન્ય ગ્રાહકોને પણ જણાવી શકો છો.

ટેક્નોલોજી સાથે કેટલાંક જોખમો પણ

ટેક્નોલોજીથી આપણાં ઘણા કામ સરળ થાય છે, પણ એનાથી કેટલાંક જોખમો પણ રહે છે. કેટલીક વાર નકલી સિમ ક્લોનિંગ અથવા સિમ સ્વેપિંગ દ્વારા છેતરપીંડી થઈ જાય છે. હકીકતમાં ફ્રોડ કરનાર વ્યક્તિ તમારા સિમનું ડુપ્લિકેટ સિમ બનાવી લે છે. સિમ સ્વેપનો અર્થ છેતરપીંડી કરનારો સિમ બદલી નાખે છે. પછી એ વ્યક્તિ તમારા ફોન નંબરથી એક નવા સિમનું રજિસ્ટ્રેશન કરાવી લે છે. ત્યાર બાદ તમારું સિમ બંધ થઈ જાય છે. સિમ બંધ થયા પછી તમારા નંબર પર રજિસ્ટર્ડ થયેલા બીજા નંબર પર આવતા OTP દ્વારા કોઈ પણ વ્યક્તિ તમારા ખાતામાંથી પૈસા કાઢી લઈને તમને ચૂનો લગાવી શકે છે.

સાવધ રહો

આનાથી બચવા માટે જો તમારા સિમ કાર્ડ પર નેટવર્ક ઠીક ચાલતું ન હોય અથવા તમારા ફોન પર ન તો કોઈ કોલ્સ આવે કે ન તો કોઈ અલર્ટ આવે તો તરત એની ફરિયાદ તમારા મોબાઇલ ઓપરેટરને કરો. તમારે સિમ ક્લોનિંગ જેવા છટકાથી બચવા માટે અલર્ટ રહેવું જરૂરી છે.