Home Blog Page 4812

વાહ ભાઈ વાહ! ૧૦ મે, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૧૦ મે, ૨૦૨૦

કોંગ્રેસ પાર્ટીને ઝટકોઃ EDએ AJLની રૂ. 16.38 કરોડની સંપત્તિ જપ્ત કરી

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને સોનિયા ગાંધી પર નવી આફત આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED)કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીની પ્રકાશન સંસ્થા એસોસિયેટડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને પાર્ટીના નેતા મોતી લાલ વોરાની રૂ. 16.38 કરોડની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. એક મની લોન્ડરિંગ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

EDએ કહ્યું હતું કે જપ્ત કરવામાં આવેલી સંપત્તિ મુંબઈમાં નવ માળનું બિલ્ડિંગ છે,એમાં બે બેઝમેન્ટ પણ છે અને 15,000 સ્કવેર મીટરમાં છે. એની કુલ કિંમત રૂ. 120 કરોડની છે. એમાંથી રૂ. 16.38 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ બિલ્ડિંગ બાંદરા-ઇસ્ટમાં EPF ઓફિસ, કલાનગરની પાસે પ્લોટ નંબર બે અને સર્વે નંબર 341 પર છે.

ચાર્જશીટમાં પણ વોરા અને હુડ્ડાનું નામ

EDએ પાછલા વર્ષે મોતીલાલ વોરા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની સામે ચાર્જશીટ દાખલ કરી છે. પંચકુલાના ક્ષેત્ર-છમાં પ્લોટ નંબર C-17ની ખરીદી, કબજાથી જોડાયેલી પ્રક્રિયામાં સીધા સામેલ હોવાને કારણે એમનાં નામ ચાર્જશીટમાં છે. આ તપાસમાં માલૂમ પડ્યું છે કે પ્લોટને AJLને વર્ષ 1982માં ફાળવવામાં આવ્યો હતો. એસ્ટેટ અધિકારીને હુડાએ 30 ઓક્ટોબર, 1992ને પાછો બોલાવ્યો હતો, કેમ કે એણે AJLને ઓફર લેટરની શરતો ફોલો નહોતી કરી.

1996માં પુનર્વિચાર અરજીને ફગાવ્યા પછી પુર્નગ્રહણ આદેશ આપવામાં આવ્યો હતો. હુડ્ડા પર આરોપ છે કે તેમણે તેમના પાવરનો ઉપયોગ કરીને પ્લોટને ફરી ફાળવવાની આડમાં નવેસરથી AJLને ફાળવ્યો હતો. વળી, આની કિંમત એ જ જૂની રાખવામાં આવી. આ આદેશ 28 ઓગસ્ટ, 2008એ આપ્યો હતો. EDએ CBIને આધારે FIRને આધારે 2016માં ફરિયાદ દાખલ કરી હતી.

ગાંધી પરિવારનો AJL પર કન્ટ્રોલ

મોતીલાલ વોરા AJLના મેનેજિંગ ડિરેક્ટર છે. આ કંપની પર ગાંધી પરિવારનો કન્ટ્રોલ છે. AJL જ નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર ચલાવે છે. આ ન્યૂઝપેપરને 1939માં જવાહરલાલ નેહરુએ શરૂ કર્યું હતું. 1956માં AJL એક કંપની બની. વર્ષ 2008માં એનાં બધાં પબ્લિકેશન્સ બંધ કરી દીધાં. ત્યારે કંપની પર 90 કરોડનું દેવું હતું. કોંગ્રેસે યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ નામથી કંપની બનાવી. એના ડિરેક્ટર્સમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, સેમ પિત્રોડા, ઓસ્કર ફર્નાન્ડિઝ અને સુમન દુબેનાં નામ સામેલ છે. આમાં સોનિયા-રાહુલની પાસે 76 ટકા  હિસ્સો છે.

 

શાહના સ્વાસ્થ્ય અંગે અફવા ફેલાવનાર ચારની ધરપકડ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્યને લઈને ખોટી અફવા ફેલાવવા મામલે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે 4 લોકોની અટકાયત કરી છે. આ લોકોએ સોશિયલ મીડિયામાં અમિત શાહના સ્વાસ્થ્ય મામલે ખોટી અફવાઓ ફેલાવી હતી. હાલ તેઓ વિરુદ્ધ આઈટી એક્ટ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. 4 પૈકી 2 આરોપીઓ અમદાવાદના છે જ્યારે અન્ય બે આરોપીઓ ભાવનગરના છે.

અમદાવાદ ક્રાઈમબ્રાન્ચના અજય તોમરે આજે આ મામલે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું કે, કોરોનાની મહામારી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈ ટ્વીટર પર પોસ્ટ શેર કરવામાં આવી હતી. જે મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં ખોટી ઓળખ ઉભી કરી ખોટી માહિતી ફેલાવવા બદલ ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી. અને તેઓની પુછપરછ હાલ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના સ્વાસ્થ્ય અંગે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાઈ રહી છે. હવે ખુદ અમિત શાહે તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે. આની સાથે અફવાઓને અંત આવી ગયો છે. અમિત શાહે કહ્યું કે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમને કોઈ પણ પ્રકારનો રોગ નથી. આ સાથે અમિત શાહે કહ્યું કે, કોરોના વાયરસના રોગચાળાના આ સમયમાં મોડી રાત સુધી કામ કરવાને કારણે આ બધી અફવાઓ પર ધ્યાન આપ્યું ન હતું.

શાહે વધુમાં કહ્યું કે, ‘હું મારા શુભેચ્છકો અને પાર્ટીના તમામ કાર્યકરોને મારી સુખાકારી પૂછવા અને ચિંતા કરવા બદલ આભાર માનું છું. જે લોકોએ આ અફવાઓ ફેલાવી છે તે લોકો પ્રત્યે મારી પાસે કોઈ ઇચ્છાશક્તિ અથવા દ્વેષ નથી.

 

મોનેટાઇઝેશન મોટું પરિવર્તન લાવવામાં સક્ષમ નથી: રાજન

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને વર્તમાન અસાધારણ પરિસ્થિતિઓમાં અર્થતંત્રને બચાવવા માટે સરકારને એક મર્યાદા સુધી મુદ્રીકરણ (મોનિટાઇઝેશન)નું સૂચન કર્યું છે. મોનેટાઇઝેશનને સામાન્ય રીતે RBI દ્વારા નોટોને છાપવા સાથે જોડીને જોવામાં આવે છે. રાજને એવા સમયે એ સૂચન કર્યું છે જ્યારે સરકાર અર્થતંત્ર પર પડતા કોરોના વાઇરસના પ્રભાવથી ઉગારવા માટે પૈસા એકત્ર કરવાના પ્રયાસ કરી રહી છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન બજારથી ઋણ લેવાની મર્યાદામાં 54 ટકાનો વધારો કરતાં એને 12 લાખ કરોડ કરી દીધા છે.

સરકારે રાજકોષીય ખાધને પણ ધ્યાન રાખવી જોઈએ

રાજને એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે સરકારે અર્થતંત્રની ચિંતા કરવી જોઈએ અને આવશ્યક ચીજવસ્તુઓ પર ખર્ચ કરવો જોઈએ. પ્રાથમિકતાને આધારે ખર્ચ કરવો જોઈએ અને અનાવશ્યક ખર્ચામાં ઘટાડો કરવો જોઈએ. રાજને બ્લોકમાં લખ્યું છે કે સરકારે રાજકોષીય ખાધને પણ ધ્યાન રાખવી જોઈએ. તેમણે કહ્યું હતું કે મોનેટાઇઝેશન ક્યારેય મોટું પરિવર્તન લાવવામાં સક્ષમ સાબિત નથી થયું.

મોનેટાઇઝર ના તો ગેમ ચેન્જર છે અને ના તો બહુ મોટી ખાનાખરાબી કરશે

તેમણે કહ્યું હતું કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં મોનેટાઇઝર ના તો ગેમ ચેન્જર છે અને ના તો બહુ મોટી ખાનાખરાબી લાવશે. હા, આનાથી થોડી મદદ મળી શકે છે, પણ આનાથી સરકારની નાણાકીય મુશ્કેલીઓને હલ ના  કરી શકાય અને ના તો આનાથી મોંઘવારી દર બહુ ઉપર જતો રહેશે. જો આનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવ્યો તો એ સમસ્યા ઊભી કરશે.

 

 

 

 

 

હરીફ કંપનીને પાછળ રાખી ફરી જિયો નંબર વન

નવી દિલ્હી: રિલાયન્સ જિયો સબ્સક્રાઈબર બેઝની રેસમાં ફરી એક વખત એરટેલ અને આઈડિયા વોડાફોનને પાછળ રાખી આગળ નીકળી ગયું છે. ટ્રાઈના તાજેતરના રિપોર્ટ અનુસાર રિલાયન્સ જિયોએ જાન્યુઆરી 2020માં 65.5 લાખ નવા યુઝર્સ જોડ્યા હતા. હવે કંપનીના કુલ યુઝર્સની સંખ્યા વધીને 37.6 કરોડ પર પહોંચી છે.

રિલાયન્સ જિયોના આ જબરજસ્ત પ્રદર્શનને જોતા સ્પષ્ટ થયું છે કે, ડિસેમ્બર 2019થી ટેરિફ મોંઘા થયા હોવા છતાં યુઝર્સને કોઈ ખાસ ફરક નથી પડ્યો. એરટેલની વાત કરીએ તો કંપનીએ જાન્યુઆરીમાં 8.5 લાખ નવા યુઝર્સ જોડયા છે. તો નુકસાનીમાં ચાલી રહેલ વોડાફોન-આઈડિયાને ડિસેમ્બરમાં ટેરિફના ભાવમાં વધારા પછી 30.62 લાખ યુઝર્સનું નુકસાન થયું છે.

જિયોના યુઝર બેઝ જાન્યુઆરીમાં વધીને 37.65 કરોડ અને એરટેલનું યુઝર બેઝ વધીને 32.81 કરોડ થયું છે. તો વોડાફોન આઈડિયાનું યુઝર બેઝ 32.89 કરોડ રહ્યું. ટ્રાઈના ડેટા અનુસાર જાન્યુઆરી 2020માં ભારતના મોબાઈલ યુઝર બેઝમાં 50 લાખનો વધારો થયો છે.

માઇગ્રન્ટ્સની સમસ્યાઃ મમતાની મમત અને અમિત શાહનો પત્ર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે કેટલાય ચકમક થતી જ રહે છે. હવે પ્રવાસી મજૂરોને લઈને બંને સામસામે આવી ગયા છે. ગૃહપ્રધાન અમિત શાહે બંગાળનાં મુખ્ય પ્રધાનને એક પત્ર લખ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે પ્રવાસી મજૂરોને ટ્રેનથી ઘેર પહોંચવામાં મમતા સરકાર કેન્દ્રની મદદ નથી કરી રહી. તેમણે કહ્યું હતું કે બંગાળ સરકાર ટ્રેનને રાજ્યમાં પ્રવેશ નથી કરવા દેતી.

શાહે મમતા બેનરજીને આડે હાથ લીધા

એક બાજુ કેટલીક રાજ્ય સરકારો પ્રવાસી મજૂરો માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરી રહી છે, ત્યારે બંગાળ સરકાર આવું કોઈ વ્યવસ્થા નથી કરી રહી. મુખ્ય પ્રધાન મમતા બેનરજીને લખેલા પત્રમાં કહ્યું હતું કે પ્રવાસીઓને ઘેર પહોંચવામાં મદદ કરવા માટે રાજ્ય સરકારનો સહયોગ નથી મળી રહ્યો. બંગાળ સરકાર રાજ્યમાં પ્રવાસીઓને ટ્રેન સુધી નથી પહોંચવા દેતી. પશ્ચિમ બંગાળ સુધી ટ્રેનો નહીં આવવા દેવા પ્રવાસી મજૂરોની સાથે અન્યાય છે. એ આ મજૂરો સામે વધુ મુશ્કેલીઓ ઊભી કરે છે.  

શાહે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે કેન્દ્રની મદદથી બે લાખથી વધુ મજૂરોને તેમના રાજ્યમાં પહોંચાડ્યા છે.  આ પત્રમાં શાહે કહ્યું હતું કે પશ્ચિમ બંગાલમાં હાલ પ્રવાસી મજૂરો ઘેર પહોંચવા ઉત્સુક છે અને કેન્દ્ર સરકાર પણ ટ્રેન સેવાઓની સુવિધા આપી રહી છે, પણ પશ્ચિમ બંગાળથી અપેક્ષિત સમર્થન નથી મળી રહ્યું. રાજ્ય સરકાર ટ્રેનને બંગાળ પહોંચવાની મંજૂરી નથી આપી રહી.

બંગાળના પ્રવાસી મજૂરોને પાછા લેવાની અપીલઃ અધીર રંજન

ગૃહપ્રધાન અમિત શાહના પત્ર પછી કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ ગૃહપ્રધાન અમિત શાહ સાથે ચર્ચા કરી હતી. તેમણે મને જણાવ્યું હતું કે તેઓ બંગાળ સરકારને સતત પૂછી રહ્યા છે કે તેમને પ્રવાસી મજૂરોને પાછા લાવવા માટે કેટલી ટ્રેનોની જરૂર છે, પણ બે દિવસ પહેલાં સુધી રાજ્ય સરકારે કોઈ યાદી નહોતી મોકલી.

 

 

ભારત PoK પરત લઇ લેશે એવો ડર છે પાકિસ્તાનને…

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન હાલના દિવસોમાં ભારતથી ત્રસ્ત છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદને ભારતીય મોસમ વિભાગે (IMDએ) બુલેટિનમાં સામેલ કર્યું છે. એનો અર્થ સ્પષ્ટ છે કે ભારતે આ વિસ્તારોને પોતાના અભિન્ન અંગ ગણાવ્યા છે. ભારતના આ પગલાથી ઉશ્કેરાયેલા પાકિસ્તાને હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના પ્રસ્તાવોનું ઉલ્લંઘન ગણાવ્યું છે. પાકિસ્તાને ભારતના બિનજવાબદાર પગલું ગણાવતાં આ દાવાને નકારી કાઢ્યો હતો. જોકે ભારતે પહેલેથી કહ્યું છે કે પાકિસ્તાન આ વિસ્તારો પર પોતાનો હક ના બતાવે, જે એણે ગેરકાયદે રીતે અને જબરદસ્તીથી કબજો કરી લીધો છે.  

પાકિસ્તાની વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયા

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ભારતના આ દાવા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે પાછલા વર્ષે ભારત દ્વારા જારી કરવામાં આવેલા રાજકીય નક્શાની જેમ આ પગલું સંપૂર્ણ રીતે ગેરકાયદે, વાસ્તવિકતાની વિપરીત અને UNSCના પ્રસ્તાવોનું ઉલ્લંઘન છે. પાકિસ્તાન ભારતના આ વેધર બુલેટિનને નકારી કાઢે છે.

વેધર બુલેટિનને બહાને કાશ્મીર રાગ

પાકિસ્તાને આ વેધર બુલેટિનને બહાને એ વાર ફરી પાકિસ્તાને કાશ્મીર રાગ છેડ્યો છે. પાકિસ્તાને ભારતને અપીલ કરતાં કહ્યું હતું કે આ પ્રકારના નિરાધાર દાવાઓથી દૂર રહો.

ભારતનો ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફારાબાદ હિસ્સો

IMD દ્વારા બુલેટિનમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદને સામેલ કરવા મહત્ત્વની વાત છે. IMDના ડિરેક્ટર જનરલ મૃત્યુજંય મહાપાત્રાએ કહ્યું હતું કે IMD જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે વેધર બુલેટિન જારી કરે છે. તેમણે કહ્યું હતું કે ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદનો ઉલ્લેખ કર્યો છે, કેમ કે એ ભારતનો હિસ્સો છે. આ મહિનાના પ્રારંભે ભારતે સાફ કર્યું હતું કે પાકિસ્તાનનો આ વિસ્તારો પર કોઈ હક નથી.

ભારતે કાનૂનો હવાલો આપ્યો

પાકિસ્તાનને ભારતે કહ્યું હતું કે સંસદથી 1994માં પસાર એક પ્રસ્તાવમાં જમ્મુ-કાશ્મીર પર સ્થિતિ સ્પષ્ટ છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પાકિસ્તાનના હાલના પગલાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક હિસ્સા પર એના ગેરકાયદે કબજાને છુપાવી ના શકાય અને ના આંખ આડા કાન કરી શકાય કે પાછલા સાત દાયકાથી આ ક્ષેત્રોમાં રહેતા લોકોના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, શોષણ કરવામાં આવ્યું છે અને તેમને સ્વતંત્રતાથી વંચિત રાખવામાં આવ્યા છે.

ભારતના નવા નકશામાં PoKનો સમાવેશ

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા પછી ભારત સરકારે જે નવો નકશો જારી કર્યો છે, એમાં પાકિસ્તાન કબજાબાળા કાશ્મીર (PoK)ના હિસ્સાઓને પણ ભારતના કાશ્મીર ક્ષેત્રમાં દર્શાવવામાં આવ્યા છે. PoKના ત્રણ જિલ્લા મુઝફ્ફરાબાદ, પંચ અને મીરપુરને સામેલ કરવામાં આવ્યા છે. હાલ આ જિલ્લા પાકિસ્તાનના કબજાવાળા ક્ષેત્રમાં છે.

 

 

 

શા માટે લોકોએ બીગ બીને ગણાવ્યા વોટ્સએપ યુનિવર્સિટીના VC?

નવી દિલ્હી: અમિતાભ બચ્ચને 8 મેના દિવસે ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરીને વિશ્વના તમામ લોકોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે એક વીડિયોમાં કહ્યું હતું કે આ વિશેષ દિવસ છે અને આમ એક હજાર વર્ષમાં એકવાર થાય છે.

અમિતાભ બચ્ચને પોસ્ટ કરીને કહ્યું હતું, તમામને જન્મદિવસની શુભેચ્છા…વિશેષ દિવસ… આવું 1000 વર્ષમાં એકવાર થાય છે. તમારી ઉંમર + તમારા જન્મનું વર્ષ, જવાબમાં દરેક વ્યક્તિને વર્ષ 2020 આવશે. તેમના મતે, જે-તે વ્યક્તિ પોતાની ઉંમર તથા જે વર્ષમાં જન્મ થયો તે વર્ષનો સરવાળો કરે તો જવાબ વર્ષ 2020 આવશે. તેમણે ગણિતનાં નિયમનો ઉપયોગ કરીને આ હળવાશ ભર્યો વીડિયો શેર કર્યો હતો.

અમિતાભનું આ ટ્વીટને લઈને ટ્રોલર્સના નિશાના પર આવી ગયા અને લોકોએ અમિતાભને અપીલ કરી કે તે તેમના મોબાઈલમાંથી વોટ્સએપ ડિલિટ કરી દે. છેલ્લા થોડા સમયથી અમિતાભ ફેસબુક અને ટ્વિટર પર અજીબોગરીબ પોસ્ક કરતા જોવા મળ્યા છે. તેમના લોજીકને જોઈને અનેક લોકો એવુ માને છે કે, અમિતાભ બચ્ચન વોટ્સએપ પરથી મેળવેલા જ્ઞાનને જ સાચુ માનીને ટ્વિટર પર તેમના ચાહકો સાથે શેર કરે છે.

કોઈ પણ વર્ષમાં આ વાત શક્ય છે

અમિતાભ બચ્ચને જે વાત કરી હતી, આવું માત્ર 1000 વર્ષમાં જ થાય છે એવું નથી. તમારી ઉંમર અને તમારા જન્મ વર્ષનો સરવાળો કરવામાં આવે તો જે વર્ષ ચાલતું હોય તે જ આવે છે. આ તો દર વર્ષની વાત છે.

અમિતાભ ટ્વીટના જવાબમાં એક યુઝરે લખ્યું કે, જો 11 મુલ્કોની પોલીસે આ કામ કરી લીધુ હોત તો આજે આ દિવસ ન જોવો પડત. તો અન્ય એક યુઝરે લખ્યું કે, તમારે આના માટે 1000 વર્ષ રાહ જોવાની જરૂર નથી તમે આ ગણતરી દર વર્ષે કરી શકો છો. પ્લીઝ તમે 2019માં પરત જાઓ અને ગણતરી કરીને જુઓ.

 

કોરોના જેવા કાંઇક આવ્યા ને વગર વેક્સિને ગયાઃ ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે કહ્યું હતું કે કોરોના વાઇરસ વેક્સિન વગર જ ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે અમેરિકા મહાનતા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે આ વાતો વાઇટ હાઉસમાં પોતાની રિપબ્લિકન પાર્ટીના સંસદસભ્યોની વાતચીત દરમ્યાન કહી હતી. ટ્રમ્પનું આ નિવેદન આવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકામાં મંદી પછી બેરોજગારીનો દર સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો છે અને અત્યાર સુધી કોરોનાથી 76,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

વાઇરસ વગર વેક્સિને જતો રહેશે

તેમણે કહ્યું હતું કે આ વાઇરસ વગર વેક્સિને જ જતો રહેશે. એ જશે અને આપણે એને ફરી નહીં જોઈએ. તમે થોડા નારાજ થઈ શકો છો. તેમણે તો ત્યાં સુધીનો દાવો કર્યો હતો કે વિશ્વમાં આવી અનેક બીમારીઓ આવી અને વગર વેક્સિને ખતમ થઈ ગઈ. અહીં કેટલાક વાઇરસ અને ફ્લુ છે, જે આવ્યા અને જ્યારે એમના માટે વેક્સિન શોધાઈ, પણ વેક્સિન ના મળી અને એ વાઇરસ ગાયબ થઈ ગયા. એ ફરીથી નથી આવ્યા, એમ તેમણે કહ્યું હતું.

 હું માત્ર ડોક્ટરોની વાત પર વિશ્વાસ કરું છું

તેમને જ્યારે પત્રકારોએ આ દાવાનો અર્થ પૂછ્યો અને શું તેમનું એ કહેવું છે કે વેક્સિનની કોઈ જરૂર નથી? આના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે હું માત્ર ડોક્ટરોની વાત પર વિશ્વાસ કરું છું. તેઓ કહી રહ્યા છે કે આવું થવાનું છે. એનો મતલબ એ નથી કે આ વર્ષે એ જતો રહેશે, પરંતુ એ ચાલ્યો જશે. જ્યાં સુધી વેક્સિનનો સવાલ છે –તો એ આપણી પાસે હોત તો વધુ મદદગાર સાબિત થાત.

ટ્રમ્પના વિચાર કરતાં વિરુદ્ધ ડોક્ટરની સલાહ

વાઇટ હાઉસમાં કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સની જવાબદારી સંભાળી રહેલા ડોક્ટર એટર્ની ફોસીએ પાછલા સપ્તાહે કહ્યું હતુ કે જ્યાં સુધી અમારી પાસે અસરકારક વેક્સિન નથી આવતી, ત્યાં સુધી આ વાઇરસ ખતમ થવાનો નથી.

 

 

 

 

વતનની વાટે નીકળેલા શ્રમિકો પ્રત્યે તંત્ર નિષ્ઠુર કેમ?

અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં આવેલ મામલતદાર કચેરી એ વતન પાછા જવાની આશા સાથે મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા હતા. પુરુષો, મહિલાઓ, બાળકો અને સામાન સહિત જુદા જુદા પ્રાંતના મજુરો એકઠાં થતાં તંત્ર દોડતુ થઇ ગયું હતું. ઉનાળાની બળબળતી બપોરે પોતાના વતન જવા પરમિશનનું કાગળીયુ અને વાહનની વ્યવસ્થાની આશા એ ભેગા થયેલા અસંખ્ય લોકોની આશા પર પાણી ફરી વળ્યું હતું.

પરિસ્થિતિ ને નિયંત્રણમાં રાખવા આવી પહોંચેલી પોલીસે લોકોને ઘેટાં બકરાંની જેમ એ એમ ટી એસ બસોમાં ભરી દેવાનો પ્રયાસ કર્યો હતો. ઉત્કૃષ્ટ કામગીરી બજાવતી પોલીસના કેટલાક કર્મચારીઓ પણ તંત્ર ના અણઘડ વહિવટી, દિશા વિહોણા નિર્ણયો થી આક્રોશ ઠાલવતા હતા.

AMTS બસોમાં ખીચોખીચ સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ભરેલા પરપ્રાંતિય શ્રમિકોને રેલવે સ્ટેશન પર લઇ જવાના હતા કે સ્થાનિક ઠેકાણે એની કોઈ ઠોસ જાણકારી નહોતી. કોરોનાની આ મહામારીમાં મજુરો કાળઝાળ ગરમીમાં માર્ગદર્શન વગર અહીંથી તહીં ભૂખ્યા તરસ્યા અટવાઈ પડ્યા છે. મંજૂરી ક્યાં..કોણ..અને કેવી રીતે આપે છે..એ માહિતી વગર પગપાળા ચાલી હેરાન પરેશાન થઈ રહ્યા છે. મેટ્રો રેલ, કલરકામ, કડિયા કામ , ઓવરબ્રિજ જેવા અનેક કામો કરવા આવેલા ખાસ કરીને ઉત્તર ભારતના શ્રમિકો સંકલનના અભાવે પીડા ભોગવી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)