Home Blog Page 4814

શરાબની હોમ ડિલિવરી વિશે રાજ્યો વિચારેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઈરસ-લોકડાઉન દરમિયાન છૂટછાટોને પગલે દારૂની દુકાનો પર ઊમટેલી ભીડને મામલે સીધો આદેશ આપવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો છે, પણ રાજ્ય સરકારોને કહ્યું છે કે એમણે શરાબનું સીધું વેચાણ કરવાની પરવાનગી આપવાને બદલે હોમ ડિલિવરી અથવા અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. દિલ્હીમાં દારૂની દુકાનો પર રોજ ઊમટતી ભીડને લઈને સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જેના પરની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અરજદાર માટે કોઈ આદેશ આપવાનો ઈનકાર કર્યો હતો.

સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી

ગુરુસ્વામી નટરાજ નામના અરજદારની અરજીમાં કેન્દ્ર સરકારને એ જાહેરનામા પર પડકાર ફેંકવામાં આવ્યો હતો, જેમાં દુકાનો ખોલવા માટે મંજૂરી આપવામાં આવ્યો હતો. અરજદારના વકીલ સાંઈ દીપકનું કહેવું હતું કે દારૂની દુકાનો પર જે રીતે ભીડ ઊમટી પડે છે એ બહુ ખતરનાક છે. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું જરા પણ પાલન કરાતું નથી.

દારૂની દુકાનો આ રીતે ના ખોલવી જોઈએ

અરજદારના વકીલે વધુમાં કહ્યું હતું કે સરકારનું નોટિફિકેશન જ ખોટું છે. દારૂની દુકાનો આ રીતે ન ખોલવી જોઈએ. એમની દલીલ પર ત્રણ-જજની ખંડપીઠના જસ્ટિસ સંજય કિશન કૌલે કહ્યું કે દારૂની હોમ ડિલિવરી જેવા ઉપાયો પર પહેલેથી ચર્ચા થઈ રહી છે. અમે અનુચ્છેદ 32 હેઠળ દાખલ થયેલી એક જનહિત અરજી પર શું આદેશ આપી શકીએ?

વકીલની દલીલ

વકીલે શરાબના સીધા વેચાણને બદલે અન્ય વિકલ્પો અપનાવવા પર ભાર આપતાં કહ્યું હતું કે અમે માત્ર એટલું ઇચ્છીએ છીએ કે દારૂની દુકાનો ખોલવાથી જે પડાપડી થાય છે, એનાથી સામાન્ય વ્યક્તિના આરોગ્ય અને જીવન પર જોખમ ઊભું થાય. એટલા માટે કોર્ટ ગૃહ મંત્રાલય અથવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને આદેશ આપે કે એ દારૂના વેચાણ માટે સ્પષ્ટીકરણ જારી કરે. રાજ્યો તે સ્પષ્ટીકરણ મુજબ ચાલે, કમસે કમ જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી દારૂની દુકાનો ખોલવામાં ન આવે.

કોર્ટે શું કહ્યું

બેન્ચની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટિસ અશોક ભૂષણે સુનાવણીને અંતે કહ્યું હતું કે અમે આ મામલે સીધો કોઈ આદેશ નહીં આપીએ, પણ રાજ્ય સરકારોએ અરજીમાં કહેલી વાતો પર વિચાર કરવો જોઈએ.

ત્રેવડી ચેતવણી: કોરોના ભૂખમરો, કારમી આર્થિક મંદીને નોતરશે

નવી દિલ્હી: વિશ્વભરના દેશો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે. બધાને એક વાતને લઈને ચિંતા છે કે, કોરોના મહાબીમારીનો અંત ક્યારે આવશે અને એ પછી સમગ્ર વિશ્વમાં શું સ્થિતિ હશે? દુનિયાભરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક બે લાખ 70 હજારને પાર પહોંચી ગયો છે. કોરોનાની ચિંતા વચ્ચે આખી દુનિયાના વ્યવહારો પર નજર રાખતી ટોચની ત્રણ સંસ્થાઓએ જે ચેતવણી આપી છે એ ચોંકાવનારી છે.

સંયુક્ત રાષ્ટ્ર (UN), IMF (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) અને WHO (વિશ્વ આરોગ્ય સંસ્થા)એ કોરોનાને સમગ્ર વિશ્વ માટે મોટો ખતરો ગણાવતા કહ્યું છે કે, વિશ્વના ગરીબ દેશો મહાભૂખમરાની આરે આવી ગયા છે. આ ઉપરાંત કોરોના મોટી આર્થિક મંદીને પણ નોતરશે.

વિશ્વ આરોગ્ય સંસ્થા લાંબા સમયથી કહે છે કે, કોરોનાથી વિશ્વને સૌથી મોટો ખતરો છે. હવે સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગામે પણ કહી દીધું છે કે, દુનિયાના ગરીબ દેશો મહાભૂખમરાની આરે છે. આ સિવાય દુનિયાભરમાં લોકો નોકરી ગુમાવી રહ્યાં છે. અમેરિકામાં ત્રણ કરોડ 30 લાખ નોકરીઓ ગઈ છે. આઈએમએફ સંસ્થાએ પણ કહ્યું કે, 1930માં આવેલા સૌથી મોટા આર્થિક સંકટથી પણ મોટો ખતરો આ વખતે છે.

દુનિયા પર કોરોનાની મહામારીને ‘ટ્રિપલ એટેક’ કહેવામાં આવી રહ્યો છે, કારણ કે સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે, તેનાથી ભૂખમરો વધશે અને WHO અનુસાર આ સૌથી મોટી મહામારી છે જેનાથી હજી વધારે મોત થઈ શકે છે. જ્યારે IMF નું અનુમાન છે કે, કોવિડ-19ના કારણે વિશ્વભરના દેશોના અર્થતંત્ર પર મોટો ફટકો પડશે.

દુનિયાના ગરીબ દેશોમાં કોરોના હજુ ત્રણથી છ મહિના પછી ચરમસીમા પર પહોંચશે અને ત્યાર પછી મહાભૂખમરાનો સમયગાળો શરૂ થશે. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કાર્યકારી નિદેશક ડેવિડ બિસ્લેના જણાવ્યા અનુસાર, હવે આપણા પર મહામારીનો ડબલ માર પડવાનો છે. આપણે મહાભૂખમરાના દ્વારે ઉભા છીએ.

સંયુક્ત રાષ્ટ્રના આંકડા અનુસાર, દુનિયામાં 13 કરોડ 50 લાખ લોકો ભૂખમરાની કગાર પર છે. જેમાંથી લાખો લોકો એવા છે, જેઓ પેટભરીને ખાઈ પણ નથી શકતા. પરંતુ હવે આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કારણ કે કોરોનાના કારણે સમગ્ર દુનિયામાં સપ્લાઈ ચેન ઠપ થઈ ગઈ છે. જેની અસર ગરીબ દેશો પર પડશે. દુનિયાના 37 દેશ એવા છે જે, ભૂખમરાની આરે છે. જે નવ દેશોને યૂએનમાં સામેલ કર્યાં છે, તેમાં પાકિસ્તાન પણ સામેલ છે. યૂએને આના માટે દુનિયાને 5000 કરોડ રૂપિયા એક્ઠા કરવાની અપીલ કરી છે.

IMF એ આશંકા વ્યક્ત કરી છે કે, 1930ની મંદી કરતા પણ મોટો આર્થિક ખતરો છે. આઈએમએફના એમડી ક્રિસ્ટાલીના જોર્જિવાએ કહ્યું કે, આ સમય ગ્રેટ ડિપ્રેશનની ભયાનક મંદી કરતા મોટો છે, કારણ કે આમા સ્વાસ્થ્ય સંકટ અને આર્થિક સંકટ જોડાઈ ગયું છે.

અર્થવ્યવસ્થાને થઈ રહેલા નુકસાનના ડરથી હવે કેટલીક સરકારો લોકડાઉનની શરતોમાં છૂટછાટ આપી રહી છે પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા ચેતવણી આપે છે કે, એવું કરવામાં આવશે તો કોરોના ફરી તાકાત મેળવી શકે છે અને લોકડાઉન ફરી લાગુ કરવું પડી શકે છે.

માર્ચ-એપ્રિલમાં દર ચાર ભારતીયમાંથી એક જણે નોકરી ગુમાવી

નવી દિલ્હી: દેશમાં કોરોના વાઈરસ વિરોધી લોકડાઉનનો આજે 45મો દિવસ છે. મહાબીમારીને પગલે લાગુ કરાયેલા લોકડાઉનને લીધે દેશના અર્થતંત્રના કેટલાંક મહત્ત્વનાં ક્ષેત્રોમાં પ્રતિકૂળ અસર થઈ છે. જેથી દેશમાં નોકરીઓ પર મોટું સંકટ ઝળૂંબી રહ્યું છે. દેશના સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને નોકરી ગુમાવવાનું જોખમ લોકોને વધુ ગરીબીની ગર્તામાં ધકેલી દેશે. આર્થિક થિંક ટેન્ક CMIEના તાજા આંકડા દર્શાવે છે કે એપ્રિલમાં દેશનો બેરોજગારી દર 23.5 ટકા વધ્યો છે. અહેવાલ દર્શાવે છે કે તામિલનાડુ, ઝારખંડ અને બિહારમાં અનુક્રમે 49.8  ટકા,  47.1 ટકા અને 46.6 ટકા બેરોજગારી છે. જોકે એ પંજાબ, છત્તીસગઢ અને તેલંગાણામાં અનુક્રમે 2.9 ટકા, 3.4 ટકા અને 6.2 ટકા છે, એમ CMIEના સર્વેના પરિણામો દર્શાવે છે.

ત્રીજી મે સુધીમાં સૌથી વધુ – 27.1 ટકા બેરોજગારીનો દર

આ CMIE જોબ્સ સર્વે અનુસાર ત્રીજી મેએ પૂરા થતા સપ્તાહ સુધીમાં બેરોજગારીનો દર વધીને 27.1 ટકા થયો હતો, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. માર્ચ અને એપ્રિલ, 2020 સુધીમાં અંદાજે 11.4 કરોડ લોકોએ રોજગાર ગુમાવ્યો છે. જોકે રોજગાર મેળવનારાઓની કુલ ગણતરી 40 કરોડ કરવામાં આવી છે, જેમાંથી 11.4 કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. આનો અર્થ એ છે કે દર ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિએ નોકરી ગુમાવી છે, એમ CMIEના CEO અને મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસે કહ્યું હતું. તેમણે પોતાની પોસ્ટમાં ત્રીજી મે સુધીના ડેટામાં સંકેત આપ્યો હતો કે આ દર હજી વધે એવી શક્યતા છે. તેમણે કહ્યું હતું કે રોજગારીને મુદ્દે પરિસ્થિતિ ઘણી ગંભીર છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉનમાં વધારો થવાથી પરિસ્થિતિ ઓર વણસશે.

એપ્રિલમાં બેરોજગારીના દરમાં વધારો

સર્વેમાં જોવા મળ્યું હતું કે પ્રારંભમાં બેરોજગારીનો દર 23 ટકાથી વધીને 24 ટકા થયો હતો અને પછી એ એપ્રિલમાં વધીને 26 ટકા થયો હતો. જોકે ગયા સપ્તાહે એ ઘટીને 21 ટકા થયો હતો., કેમ કે ગ્રામીણ ભારતમાં લોકડાઉનમાં રાહત આપવામાં આવતાં લોકો ફરી કામે વળગ્યા હતા.

 આ ક્ષેત્રો સૌથી વધુ અસરગ્રસ્ત

લઘુ, નાના, મધ્યમ ઉદ્યોગો (MSME), હોટેલ અને રેસ્ટોરાં, મલ્ટિપ્લેક્સ, રિટેલ, એરલાઇન્સ, ઉત્પાદન પ્રવૃત્તિ અને મીડિયા પર સૌથી વધુ ખરાબ અસર પડી છે. જેથી આ ક્ષેત્રે કામ કરતા લોકોની નોકરીઓને ગુમાવવાનો વધુ ડર છે. જોકે કૃષિ ક્ષેત્રમાં બહુ પ્રતિકૂળ અસર નહીં પડે અને ગ્રામીણ વિસ્તારોને ઓછી અસર થશે, પરંતુ ખેડૂતોની ચોખ્ખી આવક અંગે અનિશ્ચિતતા ઊભી થશે. નિષ્ણાતોએ કહ્યું હતું કે અસંગઠિત ક્ષેત્રના લોકોએ આ રોગચાળાને પગલે થયેલા લોકડાઉનનાં ગંભીર પરિણામો ભોગવવાં પડશે.

વાહ ભાઈ વાહ! ૮ મે, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૮ મે, ૨૦૨૦

નાણાં પ્રધાને ઈન્ડિયા INX પર રૂપી-ડોલર ડેરિવેટિવ્સ ટ્રેડિંગનું ઉદઘાટન કર્યું

મુંબઈ, 8 મે, 2020: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસીસ સેન્ટર (IFSC)માં ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ બીએસઈના ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્સચેન્જ (IFSC) લિમિટેડ (India INX) પર INR-USD (રૂપી-ડોલર) ડેરિવેટિવ્સનું ઉદઘાટન કર્યું હતું.

દેશભરમાં હાલ કોરોના વાઈરસને રોકવા લોકડાઉન લાગુ હોવાથી નાણાં પ્રધાને આ લોન્ચ વર્ચ્યુઅલી કર્યું હતું, જેમાં તેમણે ઇલેક્ટ્રોનિકલી બેલ વગાડ્યો હતો તથા ઇન્ડિયા આઇએનએક્સ પર ટ્રેડિંગ માટે રુપી-ડોલર ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ શરૂ થયાની જાહેરાત કરી હતી.

ઇન્ડિયા આઇએનએક્સના ચેરમેન આશિષકુમાર ચૌહાણે આ પ્રસંગે કહ્યું હતું કે, “INR-USD કોન્ટ્રાક્ટ ઓફશોર રૂપી ડોલર બજારોને ભારતમાં લાવવાની શ્રેષ્ઠ પહેલ છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગિફ્ટ સિટી આઇએફએસસી સ્થાપિત કરવાના વિઝનની પ્રશંસા કરું છું. હું નાણાં પ્રધાન નિર્મલા સીતારામનના ગિફ્ટ આઇએફએસસીને એના ક્ષેત્રમાં ખરાં અર્થમાં લીડર બનાવવા માટે પ્રયાસો કરવા માટે પ્રશંસા કરું છું, જેમણે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા આઇએનએક્સમાં રુપી ડોલર કોન્ટ્રાક્ટનું ઉદઘાટન કર્યું છે. હું અન્ય તમામ નિયમનકારી સંસ્થાઓ અને અધિકારીઓનો આભાર માનું છું, જેમણે આ લોંચને સફળતા અપાવવામાં પ્રદાન કર્યું છે.”

ઇન્ડિયા આઇએનએક્સે જાન્યુઆરી, 2017માં ટ્રેડિંગ એક્ટિવિટી શરૂ કર્યા પછી અત્યાર સુધી એના પર ટ્રેડિંગ વોલ્યુમમાં અસાધારણ વધારો થયો છે. લોંચ થયા પછી કુલ 822 અબજ ડોલરના સંચિત ટ્રેડિંગ વોલ્યુમ અને અંદાજે 48 અબજ ડોલરના આંતરરાષ્ટ્રીય ડેટ એમટીએન પ્રોગ્રામ સાથે ભારતનું ભારતીય રૂપી-અમેરિકન ડોલર ડેરિવેટિવ આઇએફએસસીમાં વધારે ભાગીદારોને આકર્ષશે એવી અપેક્ષા છે તથા ઇન્ડિયા આઇએનએક્સને દુનિયામાં ઇશ્યૂઅર્સ માટે મૂડી વધારવા અગ્રણી સેન્ટર બનાવશે.

સરકાર ગરીબોને રૂ. 7,500ની રોકડ મદદ કરેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોરોના સંકટ કાળમાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આજે કેટલીક સલાહ આપી છે. રાહુલે કહ્યું છે કે સરકારે ગરીબો, મજૂરો અને નાના વેપારીઓને આર્થિક રાહત પેકેજ આપવું જોઈએ. 50 ટકા ગરીબોને તો રૂ. 7500ની રોકડ રકમની સીધી જ મદદ કરવી જોઈએ. વિડિયો નિવેદનમાં, રાહુલ ગાંધીએ મજૂરોના ઘર-વાપસીની પણ વાત કરી છે. તેમણે કહ્યું છે કે પોતાના ઘરે જઈ રહેલા મજૂરોને સરકાર મદદ કરે, જેથી તેમને હાલાકી ભોગવવી ના પડે.

લોકડાઉન ખોલવા માટે વ્યૂહરચના જરૂરી

તેમણે કહ્યું હતું કે જે લોકો આ લોકડાઉનને કારણે હેરાન-પરેશાન થઈ રહ્યા છે, તેમની મદદ કર્યા વગર આપણે લોકડાઉનને જારી રાખી ન શકીએ. હું સરકારને વિનંતી કરું છું કે એ રાજ્ય સરકારોને, જિલ્લા અધિકારીઓને પોતાના ભાગીદાર સ્વરૂપે જુએ અને નિર્ણય લેવા માટે કેન્દ્રીકરણ ન કરે. તેમણે કહ્યું હતું કે જે સ્થિતિમાં આપણે છીએ, એમાંથી આપણે આગળ વધવાનું છે. લોકડાઉન થયું એ સારું છે, પણ હવે એ ખોલવાની વ્યૂહરચનાની જરૂર છે, એમાં કોંગ્રેસ પક્ષ સહયોગ આપવા તૈયાર છે.

ગરીબોને સીધા રૂ. 7500 આપવા જોઈએ

જો સરકાર લોકડાઉન ખોલવા ઇચ્છે છે, તો એણે લોકોના મનમાં કોરોના બીમારીના ઘર કરી ગયેલા ડરને વિશ્વાસમાં બદલવાની જરૂર છે. સરકારે કોરોના સંકટથી લડવા માટે પોતાની કામગીરીમાં પારદર્શિતા રાખવાની જરૂર છે. આપણે હાલ ઇમર્જન્સી સ્થિતિમાં છીએ અને ગરીબોના હાથમાં રૂ. 7500 આપવાનો વિચાર મહત્ત્વપૂર્ણ છે, એમ તેમણે કહ્યું હતું.

રાષ્ટ્રીય સ્તરે નહીં રાજ્ય સ્તરે ઝોન બનાવો

રાહુલે કહ્યું હતું કે હાલ રેડ, ગ્રીન અને ઓરેન્જ – એમ જે ત્રણ ઝોન બનાવવામાં આવ્યા છે એ રાષ્ટ્રીય સ્તરે બનાવાયા છે, પરંતુ આ ઝોન રાજ્ય સ્તરે બનવા જોઈએ. રાજ્ય સરકારોએ તે તૈયાર કરવા જોઈએ. રાજ્યોના મુખ્ય પ્રધાનો કહી રહ્યા છે કે જે રાષ્ટ્રીય સ્તરે રેડ ઝોન છે, એ ખરેખર ગ્રીન ઝોન છે. જે ઝોન બની રહ્યા છે, એ DM અને CM દ્વારા મસલતમાં બનવા જોઈએ, એમ રાહુલે વધુમાં કહ્યું.

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ કેર્સ ફંડનું ઓડિટીંગ થવું જોઈએ. કોણે કોણે પૈસા આપ્યા અને કેટલા આપ્યા છે તે સ્પષ્ટ થવું જોઈએ.

લોકડાઉનમાં બેન્કોએ રૂ. 5.66 લાખ કરોડની લોન પાસ કરી

નવી દિલ્હીઃ સરકારી બેન્કોએ માર્ચ અને એપ્રિલમાં નાના વેપારી, રિટેલ, કૃષિ અને કોર્પોરેટ સેક્ટરને બધું મળીને કુલ રૂ. 5.66 લાખ કરોડની લોન પાસ કરી દીધી હતી, એમ નાણાં મંત્રાલયે માહિતી આપી છે. નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું છે કે લોન લેનારાઓમાં MSME, રિટેલ, કૃષિ અને કોર્પોરેટ સેક્ટર્સ છે. લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ આ લોન ઈસ્યૂ કરવામાં આવશે.

લિક્વિડિટી જાળવી રાખવાના પ્રયાસ

મંત્રાલયે જણાવ્યું હતું કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFC’s) અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFC’s)માં ક્રેડિટ ફ્લો સતત બનેલો છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે એક માર્ચથી ચોથી મે દરમ્યાન સરકારી બેન્કોએ રૂ. 77,383 કરોડની મંજૂરી આપી હતી. ટાર્ગેટેડ લોન્ગ ટર્મ રેપો ઓપરેશન (TLTRO) ફંડ્સને મળીને એ રૂ. 1.08 લાખ કરોડ થયા છે. એનાથી વેપાર-ધંધામાં સ્થિરતા આવશે અને એ આગળ વધી શકશે.

સરકારે અનેક પગલાં લીધાં

દેશભરમાં 14 માર્ચથી લોકડાઉન પછી બધી આર્થિક કામગીરી સંપૂર્ણ રીતે ઠપ છે. એને કારણે કેટલાય પ્રકારના વેપાર સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યા છે અને એમાંથી કેટલાક તો બંધ થવાને આરે છે. આને ધ્યાનમાં રાખતાં સરકારે અને રિઝર્વ બેન્કે કેટલાંક પગલાં લીધાં છે.  

રિઝર્વ બેન્કે માર્ચમાં રેપો રેટમાં 75 બેઝિસ પોઇન્ટમો કાપ મૂક્યો હતો, જે પછી એ 4.4 ટકાના દરે આવી ગયો છે. આ સિવાય કેટલાક અન્ય પ્રકારે રિઝર્વ બેન્કે સિસ્ટમમાં રૂ. 3.74 લાખ કરોડની મૂડી નાખવાના પ્રયાસ કર્યા છે. પાછલા મહિને રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટમાં કાપ કરીને NBFC માટે સ્પેશિયલ લિક્વિડિટીની વ્યવસ્થા કરી હતી.

3.74 લાખ એકાકઉન્ટ્સને મોરિટોરિયમનો લાભ

રિઝર્વ બેન્કે બેન્કો અને નાણાસંસ્થાઓને એ પણ કહ્યું છે કે એ લોન EMI પર ગ્રાહકોને ત્રણ મહિનાની છૂટ આપે. એ એક માર્ચથી 31 મે સુધી માટે હશે. નાણાપ્રદાન નિર્મલા સીતારામનની ઓફિસ દ્વારા ટ્વીટમાં કહ્યું છે કે RBIના મોરિટોરિયમનો લાભ 3.2 કરોડ એકાઉન્ટ્સને મળ્યો છે.

ઇમર્જન્સી ક્રેડિટ લાઇન્સ દ્વારા રૂ. 26,500 કરોડ આપવામાં આવ્યા

એક અન્ય ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ સ્તરના વેપાર અને અન્ય પ્રી એપ્રુવ્ડ ઇમરજન્સી ક્રેડિટ લાઇન્સ અને વર્કિંગ કેપિટલ વધારવા માટે સરકારી બેન્કોએ પગલાં લીધાં છે. 20 માર્ચ પછી 27 લાખ ગ્રાહકોનો સંપર્ક કરવામાં આવ્યો અને 2.37 લાખ કેસમાં રૂ. 26,500 કરોડની મંજૂરી આપવામાં આવી. આ સિવાય પણ હજી કામ ચાલુ છે.

 

અમદાવાદ:  કોરોનાના દર્દીઓને થયું હર્બલ ટીનું બંધાણ!

અમદાવાદ: અહીંની સિવિલ હોસ્પિટલમાં COVID-19ની સારવાર લઈ રહેલા દર્દીઓને સૂંઠ, મરી, તજ, ફૂદીનો, લીંબુ, કાળી દ્રાક્ષ અને દેશી ગોળના મિશ્રણયુક્ત આયુર્વેદિક ચા એટલે કે હર્બલ ટી આપવામાં આવે છે. આ તમામ દર્દીઓને એલોપથીની સારવારની સાથોસાથ તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા માટે (દશમૂલ ક્વાથ + પથ્યાદિ ક્વાથ) 40 મિલી તેમજ એક ગ્રામ ત્રિકટુ મિશ્રિત ઉકાળો સવાર-સાંજ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત, દર્દીઓ માટે નિયત ડાયેટ પ્લાન પણ લાગુ કરવામાં આવ્યો છે.

નવાઈની વાત એ છે કે, અહીંના દર્દીઓને હવે હર્બલ ટીનો ટેસ્ટ એટલો ગમી ગયો છે, જાણે એક પ્રકારનું બંધાણ થઈ ગયું છે. હોસ્પિટલના તંત્ર દ્વારા થોડું પણ મોડું થાય તો દર્દીઓ સામેથી માંગણી કરે છે કે હર્બલ ટી આપો. અહીં રોજ સવારે છ વાગ્યે તમામ દર્દીઓને હર્બલ ટી આપવામાં આવે છે. ગળામાંનું ઇન્ફેકશન ઘટાડવાની સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ હર્બલ ખૂબ ઉપયોગી પુરવાર થઇ છે.

અહીં સારવાર લઈ રહેલા એક દર્દી આ હર્બલ ટી ફાયદાકારક હોવાનું જણાવતાં કહે છે કે, ‘અમે જ્યારથી હર્બલ ટી પીવાનું શરૂ કર્યું છે ત્યારથી શરીરમાં એક પ્રકારની નવી ચેતનાનો સંચાર થયો છે અમે સ્પષ્ટ માનીએ છીએ કે અન્ય એલોપેથિક દવાઓની સાથે સાથે આ હર્બલ-ટી ના પ્રયોગથી અમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયો છે.

આ લોકડાઉનમાં તમે ઘરે પણ આ હર્બલ ટીનો પ્રયોગ કરી શકો છો

ઘરે હર્બલ ટી કેવી રીતે બનાવશો? (100 મિલી ચા માટે)તજ – 1 ગ્રામ, મરી – 3 નંગ, સૂંઠ – 1 ગ્રામ, મુન્નકા (કાળી) દ્રાક્ષ – 10 નંગ, તુલસી/ફૂદીનાનાં પાન – 20 નંગ, દેશી ગોળ – 5 ગ્રામ, લીંબુ – અડધી ચમચી.

આ પ્રકારે બનાવેલી આયુર્વેદિક ચાનું દરરોજ સવારે સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

સુરતમાં ભાજપના કાર્યકર્તાએ શ્રમિકોને છેતર્યા; ધરપકડ કરાઈ

સુરત: ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસના કેર વચ્ચે પરપ્રાંતિય મજૂરોએ પોતાના વતનની વાટ પકડી છે. પરપ્રાંતિય શ્રમિકો હોય કે રાજ્યના બીજા જિલ્લામાંથી કામને લઇને આવેલા લોકો હોય તેઓની પરિસ્થિતિ સૌથી વધુ કપરી જોવા મળી રહી છે. આ બધા વચ્ચે એક શરમજનક ઘટના સામે આવી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા ભાજપના આગેવાન રાજેશ વર્માએ મુસીબતમાં ફસાયેલા મજૂરો પાસેથી ટ્રેનની ટિકિટ અપાવવાના બહાને લાખો રૂપિયા ઉઘરાવી લીધા હોવાનું સામે આવ્યું છે. મજૂરો ટિકિટ લેવા વર્માની ઓફિસ કે ઘરે જાય ત્યારે તેઓ મજૂરો સાથે ઝઘડો કરતા, ગૂંડાગીરી કરતા હતા. એક મજૂરે તેના ગ્રુપના સભ્યોએ આપેલા 1.16 લાખ રૂપિયા પરત માંગતા રાજેશ વર્માએ તેને લાકડાનો ફટકો મારી એનું માથું ફોડી નાખ્યું હતું. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. શ્રમિકોની ફરિયાદના આધારે કટકીબાજ રાજેશ વર્માની ધરપકડ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, હાલમાં શહેરમાં રહેતા અન્ય રાજ્યના મજૂરોને તેમના વતન જવા માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેન ચલાવાઈ રહી છે. આ ટ્રેનોમાં જવા માટે ભાજપના કાર્યકરો મજૂરોનું રજીસ્ટ્રેશન કરીને તેમની પાસેથી રૂપિયા લઈને પછી રેલવે સ્ટેશનેથી ટિકિટો ખરીદીને મજૂરોને તે ટિકિટ આપી રહ્યા છે. ભાજપે ઝારખંડ જનાર મજૂરોની વ્યવસ્થાનું કામ જે ચારેક જણાને સોપ્યું છે તેમાં એક રાજેશ વર્મા છે. તેને લિંબાયતમાં મહારાણા ચોક પાસે આવેલ તેની ઓફિસમાં સેંકડો મજૂરો પાસેથી લાખો રૂપિયા લઈ લીધા છે. તેને જેમની પાસેથી રૂપિયા લીધા તે તમામને ટિકિટો આપી નથી. ઝારખંડના સેંકડો મજૂરો તેની ઓફિસે જઈને ધક્કા ખાઈ રહ્યા છે. મજૂરોનો આક્ષેપ છે કે, રાજેશ વર્માએ બે-બે હજાર રૂપિયામાં ટિકિટ બ્લેકમાં વેચી નાખી છે.

રાજેશની ઓફિસે આવેલા રાજકુમાર રાયના જણાવ્યા અનુસાર બે ટિકિટના 1600 રૂપિયા રાજેશને 5 મી તારીખે આપ્યા હતા. તેને 6 તારીખે ટિકિટ આપવાની વાત કરી પરંતુ હજી સુધી ટિકિટ આપી નથી. વાસુદેવ નામના યુવકને એમણે માર માર્યો હતો.

શરાબની દાણચોરી રોકવા મહારાષ્ટ્રએ સરહદ સીલ કરી

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળો ફેલાતો રોકવા માટે હાલ જ્યારે લોકડાઉન લાગુ છે ત્યારે શરાબની દાણચોરી રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે પડોશના રાજ્યો સાથે રાજ્યની સરહદોને સીલ કરી દીધી છે.

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની સરકારે ડઝન જેટલા ચેકનાકાઓ ખાતે સરકારી તેમજ સુરક્ષા કર્મચારીઓને પૂરતી સંખ્યામાં તહેનાત કરી દીધા છે.

આંતર-રાજ્ય ટોળકીઓ દ્વારા મહારાષ્ટ્રમાં શરાબની દાણચોરીની સંભાવના વધી ગઈ હોવાથી રાજ્યના આબકારી જકાત વિભાગે રાજ્યની સરહદોને સીલ કરવાનો નિર્ણય લીધો છે.

એક્સાઈઝ ડ્યૂટી વિભાગે દાણચોરોની ટોળકીઓ તરફથી રહેલા જોખમને ધ્યાનમાં લઈને પડોશના રાજ્યો સાથેની સરહદોને અડીને આવેલા જિલ્લાઓમાં ફ્લાઈંગ સ્ક્વોડ્સ તથા વિજિલન્સ ટૂકડીઓ તહેનાત કરી છે.

દાણચોરીની પ્રવૃત્તિઓને રોકવા માટે મહારાષ્ટ્ર પોલીસે પણ 12 ચેકનાકાઓ પર જાપ્તો વધારે કડક બનાવી દીધો છે અને સરકારના આદેશ મુજબ, પડોશના રાજ્યો સાથેની સરહદોને સીલ કરી દીધી છે.

સ્થાનિક પોલીસની મદદથી આબકારી જકાત વિભાગ આ મામલે ચાંપતી નજર રાખશે, કારણ કે મહારાષ્ટ્રમાં શરાબની માગ ઘણી ઊંચી જોવા મળી છે.

છેલ્લા 50 દિવસમાં, પોલીસે શરાબની દાણચોરીના કિસ્સાઓમાં 2,100 વ્યક્તિની ધરપકડ કરી છે અને એમની પાસેથી રૂ. 12.03 કરોડની કિંમતનો શરાબ જપ્ત કર્યો છે.

દેશમાં કોરોના વાઈરસના સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. આ આંકડો વધીને 18 હજારને પાર થઈ ગયો છે અને 600થી વધારે લોકો મૃત્યુના મુખમાં જતા રહ્યા છે.

મહારાષ્ટ્રમાં, કોરોનાનાં સૌથી વધુ કેસ અને મૃત્યુ પાટનગર મુંબઈ શહેરમાં નોંધાયા છે.

મુંબઈમાં મહાનગરપાલિકાએ શરાબના વેચાણ-ખરીદી માટે અગાઉ લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટને પાછી ખેંચી લીધી છે, કારણ કે વાઈન શોપ્સ ખાતે શરાબી ગ્રાહકોએ બેફામ ભીડ જમાવી હતી અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો સદંતર ભંગ કરવામાં આવ્યો હતો.