નવી દિલ્હીઃ સોનુ નિગમ, નીતિન મુકેશ, તલત અઝીઝ સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં લાઇવ પર્ફોર્મન્સથી સંકળાયેલા 15 કલાકારોS કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ, હાઇવે અને MSME પ્રધાન નીતિન ગડકરી પાસે કોરોના સંકટમાં મદદ માગી છે. આમાં સંગીતકારો, ટેક્નિશિયન્સ અને ગાયકોનો પણ સમાવેશ થાય છે. તેમણે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા નીતિન ગડકરી સાથે વાતચીત કરી હતી.
લાઇવ પર્ફોર્મન્સ રદ થતાં લોકો પાસે કામ નથી
સોનુ નિગમે વાતની શરૂઆત કરતાં કહ્યું હતું કે લોકડાઉનને કારણે લાઇવ પર્ફોર્મન્સ કેન્સલ થઈ ગયા છે અને લોકોને કામ નથી મળી રહ્યું, કંઈક કરવું જોઈએ. સોનુ નિગમની વાતને ઇન્ડસ્ટ્રીના એક સભ્ય મનીષે આગળ વધારતાં કહ્યું હતું કે આગામી એક વર્ષ સુધીનાં બુકિંગ રદ છે. અમારા પૈસા ફસાઈ ગયા છે. સોશિયલ ડિસ્ટન્સિંગને કારણે ભીડ એકત્ર કરવા ઉપર પણ પ્રતિબંધ છે. IPL, IIFA, Google, Facebook અને IBMએ સત્તાવાર રીતે કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી દીધી છે.
લાઇવ પર્ફોર્મન્સમાં સંકળાયેલા છે કરોડો રૂપિયા
આ ઉદ્યોગમાં ઘણાબધા લોકો જોડાયેલા છે. લાઇવ પર્ફોર્મન્સ માટે કરોડો રૂપિયાની રકમમાં મોટાં-મોટાં ઉપકરણો ખરીદવામાં આવ્યા છે. આ ઉપકરણો EMIથી મેળવવામાં આવ્યાં છે. આ ઉપકરણોને વેરહાઉસમાં પણ રાખવામાં આવે છે અને ત્યાં પણ એનું ભાડું ચૂકવવું પડે છે. આ સાથે જોડાયેલા લોકોને પગાર ચૂકવવો પણ મુશ્કેલ થઈ રહી છે. વિદ્યુત શાહે કહ્યું હતું કે પેકેજ નહીં મળે તો એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી બરબાદ થઈ જશે અને વિદેશો લોકોના કબજામાં જતી રહેશે, કેમ કે તેમની પાસે સાધન અને સંસાધન અમારા કરતાં વધુ છે.
એક ઓર સભ્ય કે જે વકીલ પણ છે એ સોનિયા પણ વાતચીતમાં સામેલ થયાં હતાં. તેમણે કહ્યું હતું કે આવી સ્થિતિમાં લાઇવ ઇવેન્ટ પર્ફોર્મન્સ ઇન્ડસ્ટ્રીઝને MSMEનો દરજ્જો આપવો જોઈએ, રાહતો આપવી જોઈએ, અને EMIમાં રાહત આપવી જોઈએ.
નીતિન ગડકરીએ રજિસ્ટ્રેશન કરાવવા કહ્યું
આના જવાબમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે જે લોકો તમારાથી જોડાયેલા છે, તેમને સરકારી યોજનાઓનો લાભ અપાવો- જેમ કે મેડિકલ ખર્ચ માટે આયુષ્માન યોજના, જન-ધન યોજના, શ્રમિકોની યોજના…
ગડકરીએ કહ્યું કે તમારા લોકોએ MSMEના હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. મારા હિસાબે લોકો રજિસ્ટ્રેશન કરાવવામાં ડરે છે અને એવિચારે છે કે ટેક્સ ઓથોરિટીને જણાવવું પડશે. શરતોનું પાલન કરવું પડશે. આ ચક્કરમાં તેઓ નંબર-એકને બદલે નંબર-બેવાળી લાઇન પસંદ કરે છે, એટલે યોજનાઓનો પૂરો લાભ નથી મળતો.
બધાને મુખ્ય ધારામાં આવવાની જરૂર
તેમણે કહ્યું હતું કે બધાને મુખ્ય ધારામાં આવવાની જરૂર છે. બે નંબરનું કામ તરત જ રોકવાની જરૂર છે. નંબર-એકમાં કામ કરવાથી ટેક્સ પણ બચશે અને બધા પ્રકારના લાભ મળશે. સરકારને પણ જાણમાં રહેશે કે આ સેક્ટરમાં કયા પ્રકારની યોજનાઓ લાવવી જોઈએ.
ગડકરીની વાત સાંભળીને નીતિન મુકેશે કહ્યું કે, અમે પહેલાં ડરતા હતા, પણ તમારી વાત સાંભળીને બહુ સારું લાગ્યું છે.
જોકે કોઈએ પણ ગડકરીની બે-નંબરવાળી વાત પર કોઈ પ્રતિભાવ દર્શાવ્યો નથી.
નવી દિલ્હીઃ બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની પિતરાઈ બહેન (કાકાની દીકરી) મીરા ચોપરાએ એક બહુ ચોંકાવનારા સમાચાર શેર કર્યા છે. મીરાએ એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે દિલ્હીમાં તેનાં પિતાને લૂંટી લેવામાં આવ્યા છે. મીરાએ ટ્વીટમાં દિલ્હી પોલીસ અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ટેગ કરતાં સવાલ કર્યો છે કે શું આને સુરક્ષિત શહેર કહેવાય?
મીરા ચોપરાનું ટ્વીટ
મીરાએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘દિલ્હી પોલીસ, મારા પિતા જ્યારે પોલીસ કોલોનીમાં વોક કરી રહ્યા હતા, ત્યારે બે યુવક સ્કૂટર પર આવ્યા હતા. તેમણે મારા પિતાને ચાકુ બતાવ્યું હતું અને તેમની પાસેથી મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો. શું તમારા દાવા મુજબ, અમે દિલ્હીમાં આ રીતે સુરક્ષિત છીએ?’.
મીરાના ટ્વીટ બાદ ઉત્તર દિલ્હીના ડીસીપીએ ટ્વીટ કર્યું હતું અને મીરાને વધારે વિગત તથા એનો ફોન નંબર આપવા અને કઈ પોલીસો કોલોનીમાં ઘટના બની એ જણાવવા કહ્યું હતું.
ત્વરિત પગલું ભરવા બદલ પોલીસનો આભાર માન્યો
એ પછી તરત કાર્યવાહી કરવા બદલ મીરાએ અન્ય ટ્વીટમાં DCP, ઉત્તરીય દિલ્હીનો આભાર માન્યો હતો. તેણે લખ્યું, ‘આભાર,@DcpNorthDelhi આવી ત્વરિત કાર્યવાહી કરવા બદલ. મને ગર્વ છે કે આપણો પોલીસ વિભાગ અમારું રક્ષણ કરે છે. કઈ વસ્તુ છીનવી લેવાઈ એની આ વાત નથી, પણ આપણા વડીલોનું રક્ષણ કરવામાં આવે છે એ મહત્ત્વની વાત છે. દિલ્હી પોલીસ પર અમને માન છે.’
મીરાએ 2014માં ફિલ્મ ‘ગેંગ ઓફ ઘોસ્ટ્સ’થી બોલિવુડમાં શરૂઆત કરી હતી. ત્યાર પછી તેણે ‘1920 લંડન’ અને ‘ધારા 375’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.
ક્રૂડ તેલના ભાવ તૂટીને શૂન્ય સ્તરથી નીચે માઈનસમાં જતાં અને ખરીદનારને તેલની ખરીદી પર પેમેન્ટ લેવાને બદલે સામેથી પૈસા અપાતાં વિશ્વના અખબારોએ ક્રૂડતેલમાં “અહો આશ્ચર્યમ !!!” કે “મહાઅજાયબી !!!” જેવા મથાળાં તાજેતરમાં બાંધ્યાં હતાં. કોરોના વાઇરસની મહામારીએ જાગતિક અર્થતંત્રોની કમ્મર ભાંગી નાખી હોઈ તેલના ભાવ પલકના એક-એક ઝબકારે ઘટતાં વિશ્વ સ્તબ્ધ અને દિગ્મૂઢ છે. આપણે જાણીએ છીએ કે દેખીતી રીતે જ આ પરિસ્થિતિ ચોક્કસ ગ્રેડના તેલમાં ડબલ્યુટીઆઇ ક્રૂડમાં ઉભી થઈ, જેના ભાવ ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે (નાયમેક્સ) ઘટી બેરલદીઠ -૪૦ યૂએસ ડૉલર રહ્યાં હતાં અને આ સમસ્યા ફક્ત અમેરિકા પૂરતી જ સીમિત છે. આથી વિપરીત, વિશ્વભરમાં ટ્રેડેડ તમામ પ્રકારના તેલોમાં બેતૃતિયાંશ હિસ્સો અને ભારતની ક્રૂડ આયાતમાં લગભગ ૯૦ ટકા હિસ્સો બ્રેન્ટ ક્રૂડ માટે બેન્ચમાર્કડ છે, જેના ભાવ હકારાત્મક સ્તરે છે.
ડબલ્યુટીઆઈઅનેબ્રેન્ટવચ્ચેફરક :
ક્રૂડતેલ અનેક પ્રકારના ગ્રેડમાં ઉપલબ્ધ છે. જેમાં, સૌથી લોકપ્રિય ટ્રેડેડ ગ્રેડમાં બ્રેન્ટ નોર્થ સી ક્રૂડ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટનો (ડબલ્યુટીઆઇ) સમાવેશ થાય છે. ડબલ્યુટીઆઇને સામાન્ય રીતે, ટેક્સાસ, લુસિયાના અને નોર્થ ડાકોટા ખાતેના અમેરિકાના તેલ ક્ષેત્રોમાંથી ઉલેચીને તેની ડિલિવરી ઑક્લાહોમા ખાતે કરવામાં આવે છે. જ્યારે, બ્રેન્ટ ક્રૂડને નોર્થ સી ખાતેથી ઉલેચીને ડિલિવરી અલગ-અલગ દેશોમાં થાય છે. આ બન્ને પ્રકારના ક્રૂડતેલમાં સલ્ફરનું પ્રમાણ ઓછું હોઈ તે “સ્વીટ” તરીકે ઓળખાય છે અને તેની ઘનતા પ્રમાણમાં હલકી હોય છે. બ્રેન્ટ ક્રૂડના શીપિંગની પડતર નીચી રહે છે કારણકે, તેનું ઉત્પાદન સમુદ્રની નજીક થતું હોઇ તેની ક્યાંય પણ ડિલિવરી થઇ શકે છે. જ્યારે, ડબલ્યુટીઆઇની પડતર ઉંચી આવે છે કારણકે, તેનું ઉત્પાદન જમીનથી ઘેરાયેલાં પ્રદેશમાં થવા સાથે તેના સંગ્રહ કરવાની સુવિધાઓનું પ્રમાણ પણ મર્યાદિત છે.
બ્રેન્ટના બેન્ચમાર્ક ભાવનો ઉપયોગ યુરોપ અને પેટ્રોલિયમ ઉત્પાદક રાષ્ટ્રોનું સંગઠન (ઑપેક) કરે છે. બીજી તરફ, ડબલ્યુટીઆઇ ક્રૂડ યુએસ તેલના ભાવ માટે બેન્ચમાર્ક છે. યુરોપ, આફ્રિકા અને મધ્યપૂર્વ દેશો ખાતે મોટાભાગના ઉત્પાદિત તેલના ભાવ બ્રેન્ટ ક્રૂડની કોસ્ટના આધારે નક્કી થાય છે. બ્રેન્ટ ક્રૂડ જાગતિક સ્તરે ટ્રેડેડ તેલના લગભગ બેતૃતિયાંશ હિસ્સા માટે આવશ્યકપણે બેન્ચમાર્ક છે. ભારત ક્રૂડની આયાત મુખ્યત્વે ઑપેક દેશોમાંથી કરતું હોઇ સ્થાનિકમાં તેલના ભાવ માટે બ્રેન્ટ વાજબી રીતે બેન્ચમાર્ક છે.
૨૦એપ્રિલ૨૦૨૦નુંદુઃસ્વપ્ન :
કોવિદ -૧૯ મહામારીથી ઘટેલી માગ સામે પુરવઠાની અતિશયતાના પરિણામે ઇતિહાસમાં પહેલીવાર ડબલ્યુટીઆઇ ક્રૂડતેલ વાયદાના વેપારો નકારાત્મક ભાવે થયા હતા. સંગ્રહ કરવા મર્યાદિત પ્રમાણમાં જગ્યાની ઉપલબ્ધિની પરિસ્થિતિમાં અમેરિકા પાસે ઉત્પાદિત તેલના સંગ્રહ માટે જગ્યાની કમી સામે ખરીદદાર સંગ્રહ કરી રાખવા જગ્યા માટે ઘાંઘા થયાં હતાં.
બીએસઇ નકારાત્મક ભાવે ઓર્ડર્સનો સ્વીકાર અને સોદાની અમલ બજાવણી કરનાર સૌપ્રથમ ભારતીય એક્સચેન્જ છે. બીએસઇ પબ્લિકને કોન્ટ્રાક્ટ વેચવાની એવી જરૂરિયાત હતી કારણકે ૨૦ એપ્રિલના રોજ ડબલ્યુટીઆઇ મે વાયદાનો કોન્ટ્રાક્ટ -૪૦.૩૨ યુએસ ડોલરના જેટલો તૂટી ૩૦૬ ટકાના ઘટાડે ટ્રેડિંગ થઇ અંતે બેરલદીઠ -૩૭.૬૩ યુએસ ડોલર બંધ થયો હતો. જોકે, અનેક સ્થળો પર સંગ્રહની વધુ જગ્યાની ઉપલબ્ધિને ડિલિવરીમાં સુલભતાથી આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટની કોસ્ટ ઉંચી રહી હતી. આ ૨૦ એપ્રિલના દિવસે બ્રેન્ટ વાયદા બેરલદીઠ ૨૫.૫૭ યુએસ ડોલર ભાવે બંધ થયાં હતાં. બ્રેન્ટ વાયદાનો વેપાર મુખ્યત્વે લંડન ખાતે ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જમાં (આઈસીઇ) થાય છે અને ડબલ્યુટીઆઇ ક્રૂડ નાયમેક્સ પર તેલ વાયદા સાથે સંબંધિત સાધન છે. આ બન્ને વચ્ચે મોટો ફરક એ છે કે નાયમેકસ પર ડબ્લ્યુટીઆઇના કોન્ટ્રાક્ટની પતાવટ ફિઝિકલી થાય છે. જ્યારે, બ્રેન્ટ ક્રૂડ કોન્ટ્રાકટની પતાવટ રોકડમાં થાય છે. જોકે, ભારતમાં ડબ્લ્યુટીઆઇ કોન્ટ્રાક્ટમાં ટ્રેડિંગ કરનાર સહભાગી પાસે રોકડમાં પતાવટ કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ઉપલબ્ધ હોતો નથી.
સીએમઇ જૂથના ચેરમેન અને સીઇઓ ટેરી ડફી ભારપૂર્વક કહે છે કે તેલના કોન્ટ્રાક્ટ પરિપૂર્ણતા માટે કાર્યરત હોઇ અને નિયમો ન જાણતા રિટેલ રોકાણકારોને આકર્ષવાના પ્રયાસો એક્સચેન્જ કરતું નથી. તેમણે આ સાથે ઉમેર્યું હતું કે “નાના રિટેલ રોકાણકારો અમારું લક્ષ્ય નથી. અમારા બજારમાં અમે ધંધાર્થીઓને આકર્ષવા માગીએ છીએ.”
ભારતમાટેબ્રેન્ટશામાટેવાજબીછે :
ક્રૂડતેલની તારવેલી ભારતીય બાસ્કેટમાં ખટાશ (sour) ધરાવતાં ગ્રેડના (ઓમાન અને દુબઈ એવરેજ) મીઠાશ (sweet) ધરાવતાં ગ્રેડનો (બ્રેન્ટ ડેટેડ) સમાવેશ થાય છે. ભારતીય રિફાઈનરીઓમાં જેનું પ્રોસેસિંગ ૭૫.૫૦:૨૪.૫૦ ધોરણે થાય છે. કુલ ભારતીય ક્રૂડ સપ્લાયમાંથી નોર્થ અમેરિકાના ડબલ્યુટીઆઇ-2ના ૯ ટકા સામે ઓપેક દેશોનો હિસ્સો ૮૦ ટકા (જેમાં, બેન્ચમાર્ક તરીકે બ્રેન્ટ ક્રૂડ) છે. વર્ષ ૨૦૧૯માં ડબલ્યુટીઆઇના ૮૮ ટકાની તુલનામાં બ્રેન્ટ ક્રૂડની સહસામ્યતા ભારતીય ક્રૂડ બાસ્કેટ સાથે ૯૮ ટકા જેટલી હતી. ભારતીય ક્રૂડતેલ બાસ્કેટમાં બ્રેન્ટ ક્રૂડના નોંધપાત્ર ઉંચા હિસ્સા અને મોટી સહસામ્યતાને કારણે ભારતમાં હેજર્સ માટે બ્રેન્ટ પસંદગીનું બેન્ચમાર્ક છે.
ઑક્લોહામાની જમીનથી ઘેરાયેલાં સંગ્રહના સ્થળો પર ફિઝીકલી પતાવટ ધરાવતા ડબ્લ્યુટીઆઇ કરતાં સંગ્રહીકરણ માટે ઓછી મર્યાદા ધરાવવા સાથે બ્રેન્ટ સામુદ્રીવાહક ક્રૂડ તરીકે સંકળાયેલું છે. વધુમાં, આંતરરષ્ટ્રીય કોન્ટ્રાકટમાં ખાસ કરીને ભારતીય પતાવટના રેફરન્સ ભાવ માટે નાયમેક્સ ડબ્લ્યુટીઆઇ ક્રૂડ કોન્ટ્રાક્ટ બિનતુલનાત્મક છે કારણકે તેમાં ફિઝિકલ ડિલિવરી આપવા અને લેવાનો કોઈ વિકલ્પ નથી. આથી, બિનશંકાસ્પદપણે, વૈશ્વિક અને ભારતીય હેજર્સ, ટ્રેડર્સ અને સહભાગીઓ માટે ઉચિત સંકેતક છે.
ભારતખાતેબ્રેન્ટક્રૂડમાંવાયદાનોવેપાર :
ભારતના અગ્રણી એક્સચેન્જ ગ્રુપ અને છ માઇક્રોસેકંડની ગતિ સાથે વિશ્વના સૌથી ઝડપી સ્ટોક એક્સચેન્જ બીએસઇએ રૂપિયાના ચલણમાં શરૂ કરેલા બ્રેન્ટ વાયદાના કોન્ટ્રાક્ટની પતાવટ ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ (આઈસીઇ) યુરોપ બ્રેન્ટના ભાવે થાય છે. બીએસઇ ખાતે બ્રેન્ટ ક્રૂડના ભાવ વિશ્વના અગ્રણી એનર્જીના બજાર આઈસીઇ યુરોપ પાસેથી મેળવાય છે. આથી, ભારતીય ટાઈમ ઝોનમાં સ્થાનિક ફંડામેન્ટલ્સના આધારે બ્રેન્ટ ક્રૂડમાં ભાવશોધ શક્ય બને છે. ભારતમાં તેલ ઉત્પાદકો, રિફાઇનર્સ, હેજર્સ, વપરાશકાર અને રોકાણકારોને બ્રેન્ટ ક્રૂડના આંતરરાષ્ટ્રિય સ્તરે સંલગ્ન ભાવો અને ટ્રેડિંગના વ્યવહારો સુધી પહોંચનો લાભ મળે છે. વધુમાં, બીએસઇએ પોતાની બોલ્ટ પ્લસ ટ્રેડિંગ સિસ્ટમમાં નકારાત્મક ભાવે ઓર્ડર સ્વીકારવાની અને સોદાની અમલબજાવણી કરવાની સુવિધા શક્ય બનાવી છે. આ સુવિધા અમલી બનાવનાર બીએસઇ ભારતનું પહેલું એક્સચેન્જ છે.
બીએસઇના તૈયાર કરાયેલાં બ્રેન્ટ ક્રૂડના કોન્ટ્રાક્ટ હિસ્સાધારકોને તેલ બજારની અનિશ્ચિતતાઓ સામે સલામતી પૂરી પાડે છે એટલું જ નહીં, પણ ભારતમાં સહભાગીઓને વધારાની પારદર્શિતા, કાર્યક્ષમતા અને ઓછા ખર્ચે હેજિંગનું સાધન પણ ઉપલબ્ધ બનાવે છે.
સંક્ષિપ્ત :
વૈશ્વિક ક્રૂડ માટે બેન્ચમાર્કના દરજ્જાથી પ્રત્યક્ષતા અને ભારતીય તેલના ભાવ સાથે મોટી સહસામ્યતા હોઈ ભારતના એનર્જી કોમોડિટીઝના સહભાગીઓ માટે બ્રેન્ટ ક્રૂડ એકદમ સચોટ પ્રોડક્ટ છે. આ કોન્ટ્રાકટ સાથે હેજર્સ, ટ્રેડર્સ, રોકાણકારો અને બજારના સહભાગીઓ તેમના ભાવ જોખમોનું હેજ કરી શકે તે માટે તેમને સાનુકૂળ અને ઓછા ખર્ચે ઓનશોર પ્રોડક્ટ પૂરી પાડીને બીએસઇ ભારતીય કોમોડિટી બજારમાં ઊંડાણ લાવવા કટિબદ્ધ છે. બીએસઇને વિશ્વાસ છે કે તમામ હિસ્સાધરકો આ કોન્ટ્રાકટને બહોળા પ્રમાણમાં સ્વીકૃતિ આપશે અને ખાસ કરીને વર્તમાન પરિસ્થિતિમાં તમામ હિસ્સાધારકોના જોખમ સંચાલનના પસંદગીના સાધન તરીકે ઉભરી આવશે.
અમદાવાદ: સમગ્ર વિશ્વમાં કોરોનાની સર્જાયેલી મહામારીને પરિણામે દુનિયા આખી ઘરમાં બેઠી હોય ત્યારે આપણને કોઇ પ્રવાસન સ્થળો બતાવવાની વાત કરે તો? નવાઇ લાગે, પણ ગાંધીનગરમાં રહેતી આ યુવતીએ નક્કી કર્યું છે બધાને ગુજરાત દેખાડવાનું. અલબત્ત, ઇ-રસ્તે થી જ!
વાત છે ગાંધીનગરમાં રહેતી નીકી કથિરીયાની. લોકડાઉનના આ સમયમાં બધા લોકો અત્યારે ઘરમાં કાંઇક ને કાંઇક પ્રવૃત્તિ કરી રહયા છે ત્યારે નીકીને પણ કાંઇક પ્રવૃત્તિ કરવાનું મન થયું. પેન્ટીંગ્સનો એને બાળપણથી જ શોખ એટલે લોકડાઉનમાં રંગ અને પીંછી પકડયા. એ પોતે વળી પ્રોફેશનલી ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ સાથે સંકળાયેલી એટલે એને થયું કે શા માટે પ્રવાસનને લગતું કાંઇ ન કરી શકાય?
નીકી ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે, ‘અત્યારે બધાને ઘરમાં જ રહેવાની ફરજ પડી છે ત્યારે લોકો ઘરે બેઠાં જ સરસ મજાના પ્રવાસનો અનુભવ કરી શકે તે માટે મને આ વિચાર આવ્યો. ગુજરાતના સરસ મજાના પ્રવાસન સ્થળોની સફર હું પેઇન્ટિંગ્સ દ્વારા કરાવીશ અને લોકડાઉનનાં સમયમાં હું બધાને ગુજરાતનાં અદભુત સ્થળોની સેર કરાવીશ.
આ પેન્ટીંગ સિરીઝ શરૂ કરવાનો ઉદ્દેશ વધુને વધુ લોકો ગુજરાત અને ગુજરાતમાં આવેલા અનેક પ્રવાસન ક્ષેત્રોને માણી શકે એ છે.’
એનું જન્મસ્થળ જૂનાગઢ હોવાથી સિરીઝની શરૂઆત જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક સ્મારક મહાબત ખાનના મકબરાથી કરી. બીજું પેઈન્ટિંગ બનાવ્યું ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લા ખાતે આવેલા સુપ્રસિધ્ધ ‘ઈડરિયા ગઢ’નું. એ પછી સુરત ખાતે આવેલા ઐતિહાસિક ઈંગ્લિશ ટોમ્બનું પેન્ટીંગ પણ બનાવ્યું. મોઢેરાનું સૂર્ય મંદિરનું પેન્ટીંગ પણ બનાવ્યું. ઈંગ્લિશ ટોમ્બમાં એક વિદેશી મહિલા પ્રવાસીને દર્શાવીને નીકી કહેવા માગે છે કે ગુજરાત
એકલા પ્રવાસ કરતી મહિલાઓ માટે સેફ છે
હવે પછી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ અને રણોત્સવ જેવા સ્થળો પણ કેનવાસ પર જીવંત કરવાનો પ્રયત્ન કરશે.
એ કહે છેઃ ‘આ એક કેમ્પેઈન છે. એ પૂરૂં થયા પછી એ એનું એક્ઝિબિશન પણ યોજવા માગે છે અને એમાંથી જે ફંડ એકત્ર થશે એ મુખ્યમંત્રી અને વડા પ્રધાનના રાહતફંડમાં ડોનેટ કરવા માગે છે.’
બુધવારથી દક્ષિણ કોરિયામાં લગભગ બધું જ ખૂલી ગયું છે. બગીચા, લાયબ્રેરી, શાળાઓ હજી બંધ રહેશે અને તબક્કાવાર મે મહિના અંત સુધીમાં તેને પણ ખોલાશે, કેમ કે કોરિયામાં નવા કોરોના કેસની સંખ્યા કાબૂમાં આવી ગઈ છે. ગત ગુરુવારે એપ્રિલ મહિનાના છેલ્લા દિવસે સ્થાનિક ચેપનો એક પણ કેસ નોંધાયો નહોતો (ચાર કેસ થયા, પણ તે વિદેશથી આવેલા, ક્વૉરેન્ટાઇન કરાયેલા લોકોના હતા). તે પછી બુધ, ગુરુ, શુક્ર અને શનિ એમ ચાર દિવસ ચેપ એક અંકમાં જ રહ્યો એટલે 9થી નીચે.
રવિવારે વળી બે અંકમાં એટલે કે 13નો આંકડો આવ્યો પણ છેલ્લા પંદર દિવસથી આંક 20ની ઉપર નથી ગયો તેના કારણે વડા પ્રધાન ચુંગ સિ-ક્યૂને રવિવારે જાહેરાત કરી કે બુધવાર છ તારીખથી એક પછી એક નિયંત્રણો તબક્કાવાર હટવા લાગશે. ઘણા બધા બિઝનેસને ખોલવાની મંજૂરી મળેલી જ છે અને બાકી રહી ગયેલા વેપારધંધા પણ તબક્કાવાર ખુલવા લાગશે. વડા પ્રધાને કહ્યું કે લોકોને કાર્યક્રમ માટે એકઠા પણ થવા દેવામાં આવશે, પણ સ્થળ અને લોકોને જંતુમુક્ત કરવા માટેની ગાઇડલાઇન બરાબર પાળવાની રહેશે.
20 એપ્રિલથી સ્થિતિ ઘણી બધા કાબૂમાં હતી તો પણ પાંચ મે સુધી લોકોને ભેગા થવા પર પ્રતિબંધો સહિતના નિયમો લાગુ રાખ્યા અને હવે તેમાં છૂટછાટ આપી હતી. વચ્ચેના સમયે તબક્કાવાર કેટલાક વેપારધંધા શરૂ પણ કરી દેવાયા હતા, કેમ કે ફેબ્રુઆરીમાં એક તબક્કે કેસમાં ભારે ઉછાળા પછી દક્ષિણ કોરિયાએ જોરદાર કામગીરી કરી અને એક જ મહિનામાં સ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી. આખો માર્ચ ઝુંબેશ ચાલુ રખાઈ અને મધ્ય માર્ચથી રોજિંદા કેસ સરેરાશ દોઢસોની આસપાસ જ રહ્યા.
ફેબ્રુઆરીમાં સમસ્યા વકરવા લાગી અને ફેબ્રુઆરીના અંતે અને માર્ચના પ્રથમ અઠવાડિયે સંકટ પીક પર પહોંચ્યું હતું. રોજના કેસ 900 સુધી પહોંચ્યા, પણ ત્યાં જ સ્થિતિમાં કાબૂ લઈ લેવાઈ અને એકપણ વાર રોજિંદા ચેપનો આંકડો ચાર અંકમાં એટલે કે 1000થી ઉપર ગયો નહિ. દુનિયામાં અત્યાર રશિયામાં સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે અને રોજના 10,000 કેસ થઈ રહ્યા છે અને અમેરિકામાં હજીય રોજના 25,000 કેસ થઈ રહ્યા છે, ત્યારે કલ્પના કરો કે દક્ષિણ કોરિયાએ પીક પોઇન્ટને 900થી આગળ વધવા દીધો નહોતો. માર્ચ આખો આંકને નીચે લાવવામાં ગયો અને એપ્રિલ આખો આંકને નીચે જાળવી રાખવામાં ગયો.
હવે મે મહિનામાં કોરિયા કદાચ પોતાને કોરાનાથી મુક્ત (લગભગ મુક્ત, કેમ કે કોરોનાથી મુક્ત વિશ્વ થવાનું નથી, બીજા વાઇરસની જેમ કોરોના નોવેલ-2 વાઇરસ મનુષ્યની વચ્ચે રહેવાનો જ છે) જાહેર કરી શકશે. ફેબ્રુઆરીમાં ચીન પછી વિશ્વમાં બીજા નંબરે સૌથી વધુ કેસ દક્ષિણ કોરિયામાં જ હતા, પણ તે દેશ જાગી ગયો અને માર્ચના અંત સુધીમાં યુરોપના દેશો તેનાથી ક્યાંય આગળ નીકળી ગયા હતા. તાઇવાન, ન્યૂ ઝિલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ કસોટીમાંથી પાર નીકળી ગયા છે, દક્ષિણ કોરિયાએ પ્રારંભિક મુશ્કેલી પછી માર્ગ કાઢ્યો હતો તે અગત્યનું રહેશે. જાપાન અને સિંગાપોરમાં સ્થિતિ વકરી નથી, પણ છેલ્લે છેલ્લે સિંગાપોરમાં આંકડાં ફરી વધ્યા એટલે નવસેરથી ઝુંબેશ ચલાવવી પડી છે.
કોરોના સામેની લડાઈમાં દુનિયાનો કોઈ દેશ સફળ રહ્યાનો દાવો કરી શકશે નહિ. બણગાં ફૂંકનારા નેતાઓની આપવડાઈ આંકડો મોં ફાડી ફાડીને જણાવી રહ્યા છે. તે વચ્ચે કદાચ આ ચાર પાંચ દેશ જ કહી શકશે કે અસરકારક રીતે કોરોનાને કાબૂમાં કર્યો. આફ્રિકામાં આંકડા નાના દેખાય છે, પણ તેના કારણો અને પરિબળો જુદા છે. આફ્રિકામાં જો દક્ષિણ આફ્રિકા પણ હવે આંકડાંને વધવા ના દે અને દક્ષિણ કોરિયાની જેમ લૉકડાઉન ખોલવા તરફ જશે તો સફળતાનો દાવો કરી શકશે. તે સિવાયના ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતીન જેવા નેતાઓના ગ્રેટ ગ્રેટ સક્સેસ સક્સેસના દાવાઓને પ્રચારના ઢોલ અને માંહી પોલંપોલ જ ગણવાના રહેશે.
કોરોના કસોટી વચ્ચે રાજકીય કસોટી
અસલી સક્સેસ સ્ટોરી દક્ષિણ કોરિયા જ સાબિત થશે તેમ લાગે છે, કેમ કે તમને ખબર છે – આ દરમિયાન દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રીય સંસદની ચૂંટણી પણ યોજાઈ ગઈ. હા, આખા દેશમાં બાકાયદા ચૂંટણી યોજાઈ; ચેપ લાગેલા, ક્વૉરેન્ટાઇન થયેલા 60,000 જેટલા મતદારો સહિત અગાઉ કરતાં વધારે ટકાવારીમાં મતદાન થયું. રાષ્ટ્રીય સંસદ માટે ત્રણ દાયકામાં સૌથી ઊંચું 66.20 ટકા મતદાન થયું હતું (દક્ષિણ કોરિયામાં પ્રમુખની ચૂંટણીનું મહત્ત્વ વધારે હોય, તેની ચૂંટણી અલગથી થાય, જેમાં છેલ્લે 2009માં 77.23 ટકા મતદાન થયું હતું). પરિણામ પણ આવી ગયું. ધાર્યા પ્રમાણે જ શાસક પક્ષ, હાલના પ્રમુખ મૂન જે-ઇનના ડેમોક્રેટિક પક્ષને 300માંથી 180 બેઠકો મળી. ડેમોક્રેટિક પક્ષ ડાબેરી ઝોક ધરાવે છે, પણ દુનિયાના અગ્રણી ઔદ્યોગિક દેશોમાંના એક દક્ષિણ કોરિયાને સંભાળે છે તે પણ વક્રતા છે. બીજું કે છેલ્લે 2009માં મૂન પ્રમુખ તરીકે જીતીને આવ્યા પછી વૈશ્વિક મંદીની અસર તેમના દેશમાં પણ થઈ હતી. તેથી મૂનની સ્થિતિ કફોડી હતી. ચીન પછી સૌથી વધુ કેસ દક્ષિણ કોરિયામાં થવા લાગ્યા અને શિન્ચેઓન્જી નામના ખ્રિસ્તી પંથના અણઘડ અનુયાયીઓએ કોરોનાને વકરાવ્યો (ભારત સાથે સરખારણી થાય તેવી છે અને તેથી જ ભારતે દક્ષિણ કોરિયામાંથી શીખ લેવાની જરૂર હતી, જે લગભગ નથી લેવાઈ, તે વિશે પછી) અને આંકડાં ધડાધડ વધવા લાગ્યા. પ્રમુખ મૂને આફતને અવસરમાં પલટી નાખવા નિષ્ણાતોની સલાહ પ્રમાણે નીતિ બનાવી અને તેમના પક્ષને ચૂંટણીમાં પણ તે ફળી. મુશ્કેલીઓમાંથી માર્ગ
બધા દેશોમાં થયું તે રીતે માસ્ક, પીપીઈ, ટેસ્ટ કિટ્સની અછત હતી. મૂન પર ટીકાનો મારો ચાલ્યો હતો, પણ તેમણે શાણપણનું કામ કર્યું. નિષ્ણાતોની સલાહ લીધી, સલાહ પ્રમાણે કામ થવા દીધું અને જશ પણ લેવા દીધો. દક્ષિણ કોરિયાની મુખ્ય આરોગ્ય સંસ્થા કોરિયા સેન્ટર્સ ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (KCDC)ના ડિરેક્ટર જુંગ એઉન-ક્યોંગ છવાયેલા રહ્યા. તેઓ નિયમિત પત્રકાર પરિષદ કરીને માહિતી આપતા હતા અને કોરોના સંકટની સમગ્ર કામગીરી તેમની દેખરેખમાં ચાલતી હોય તેવું દેખાઇ આવતું હતું. (ભારતમાં કોણ કામગીરી કરે છે તે નક્કી કરવું મુશ્કેલ છે. આરોગ્ય મંત્રાલય અને આઇસીએમઆરની શી ભૂમિકા નક્કી કરવું મુશ્કેલ. યોગી આદિત્યનાથ જેવા હિંમતવાળા અને એકબે વિપક્ષી મુખ્યપ્રધાનોએ પોતાની રીતે કેટલાક નિર્ણયો લીધા. બાકીના મુખ્યપ્રધાનો દિલ્હીની સૂચનાની રાહ જોઈ, ને સૂચના અધિકારીઓને પાસ કરવા સિવાય ખાસ કંઈ કર્યું જણાતું નથી.)
સાધનોની અછત ઝડપથી પૂરી કરવા પર ધ્યાન અપાયું. દક્ષિણ કોરિયા ઔદ્યોગિક છે તેથી જરૂરી ઉપકરણો બનવા લાગ્યા. એક તબક્કે અમેરિકા, કેનેડા અને યુરોપના દેશો પણ ત્યાં ફોન કરીને મેડિકલ સાધનો મોકલવા વિનંતીઓ કરતા થયા હતા. સાધનો ઊભા થવા લાગ્યા તે પછી ઝડપથી ટેસ્ટ કરવા પર ધ્યાન અપાયું.
ટેસ્ટ, ટેસ્ટ અને ટેસ્ટ
કુલ ટેસ્ટ કેટલા થયા, દસ દસ લાખની વસતિએ કેટલા થયા અને કુલ ટેસ્ટમાંથી કેટલા પોઝિટિવ નીકળ્યા તેમ અલગ અલગ રીતે આંકડાંને જોઈ શકાય. 10 લાખની વસતિના પ્રમાણમાં સૌથી વધુ ટેસ્ટ (બે નાના ટાપુ રાષ્ટ્રને બાદ કરતાં) સંયુક્ત આરબ અમિરાતે કર્યા છે. મે મહિનાના પ્રારંભે કુલ 12,00,000 ટેસ્ટ અને દસ લાખે 1,21,330 ટેસ્ટ કર્યા હતા. ઇટાલીએ 21,53,772 જેટલા ટેસ્ટ કર્યા છે, પણ વસતિ પ્રમાણે 35,622 છે. અમેરિકામાં આંકડો 72 લાખને વટી જવાનો છે, પણ વસતિ પ્રમાણે 21,700 છે.
તેની સામે દક્ષિણ કોરિયાએ 6,34,000 જેટલા ટેસ્ટ કર્યા છે, દસ લાખે 12,365. હવે ભારતનો આંકડો જોઈ લઈએ – રોજના 75,000 ટેસ્ટ સાથે 11 લાખથી આંકડો આગળ વધ્યો છે; પરંતુ 10 લાખની વસતિએ 800થી થોડા વધારે જ ટેસ્ટ થયા છે. ભારત માટે રાહતની વાત એ છે કે 10 લાખની વસતિએ 31 જ કેસ નીકળ્યા છે.
અહીં ઇટાલી અને અમેરિકાના આંકડાં મોટા લાગશે, પણ તેની સામે ત્યાં જંગી પ્રમાણમાં ચેપ ફેલાયો છે. ભારત અને ઇટાલીમાં ચેપ ઓછો ફેલાયો છે. ઇટાલીમાં 10 હજારથી વધારે અને ભારતમાં 45000ને વટાવવાની તૈયારીમાં છે. આ બે આંકડાના ફરક કરતાં 12000 ટેસ્ટ સામે 800નો ટેસ્ટનો આંક બહુ લાગે છે. એટલે સાર કાઢી શકાય કે ભારતે લૉકડાઉન કર્યા પછી તરત જ વધારે ટેસ્ટ કરવાના કામમાં લાગી જવાની જરૂર હતી. અગાઉનો અનુભવ અને ટેક્નોલૉજીનો ઉપયોગ
તાઇવાનને SARS ફેલાયો ત્યારે બૂરો અનુભવ થયો હતો. તેમાંથી અનુભવ લઈને ચીનમાં વાઇરસ ફેલાયો છે તેની જાણ થતાં જ એરપોર્ટ અને બંદર પર ચૂસ્ત ચેકિંગ ચાલુ કરી દેવાયું હતું. ચીનથી અને વિદેશી આવનારાને સીધા જ ક્વૉરેન્ટાઇન કરવાના શરૂ કર્યા અને ટેક્નોલૉજીની મદદથી સતત ટ્રેસિંગ અને ટ્રેકિંગ થતું રહ્યું. દક્ષિણ કોરિયાને 2016માં MERS (મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ)નો અનુભવ થયો હતો. મધ્ય પૂર્વના દેશમાંથી આવેલો માણસ ચેપ લઈને આવ્યો. તેણે ત્રણ દવાખાને સારવાર કરાવી અને પછી ખ્યાલ આવ્યો કે તેને MERS વળગ્યો છે. ત્યાં સુધીમાં ત્રણ દવાખાનેથી ચેપ ફેલાઈ ગયો હતો. 186 કેસ મળી આવ્યા અને 36ના મોત થઈ ગયા.
થોડું મોડું થયું અને ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે 17,000 જેટલા લોકો જોખમી લાગ્યા. તેમને ક્વૉરેન્ટાઇન કરવા પડ્યા, પ્રતિબંધો મૂકવા પડ્યા અને વેપાર ધંધા અટકી પડ્યા તેનું નુકસાન અર્થતંત્રને થયું. બે મહિના સુધી ચેપ કાબૂમાં આવ્યો નહોતો.
તેમાંથી શીખ લેવામાં આવી અને હોસ્પિટલમાં તબીબી સ્ટાફની સુરક્ષાની કાયમી વ્યવસ્થા કરાઈ. આજે કોરોનામાં દુનિયાભરમાં ડૉક્ટર્સ અને નર્સને પણ ભોગવું પડે છે, ત્યારે દક્ષિણ કોરિયામાં તબીબી સ્ટાફને ભાગ્યે જ ચેપ લાગ્યો છે. મોબાઇલ ફોન ચેપ લાગ્યો હોય તે વ્યક્તિની મૂવમેન્ટ જાણવામાં ઉપયોગી થાય છે તેવો ખ્યાલ આવ્યો. તેથી કાયદો કરાયો અને ચેપ લાગ્યો હોય તે વ્યક્તિ માટે ફોનનંબર, ક્રેડિડ કાર્ડ વગેરે જેવી માહિતી આપવાનું ફરજિયાત કરાયું. આ વખતે તેનો મહત્તમ ઉપયોગ થયો. ક્વૉરેન્ટાઇન કરાયેલી વ્યક્તિ બહાર નીકળે તો તરત ખબર પડી જાય. બીજું કે સીસીટીવીનો ઉપયોગ કરીને ટેસ્ટ પોઝિટિવ આવ્યો તે પહેલાં તે વ્યક્તિ ક્યાં ક્યાં ફરી હતી, કોને મળી હતી તેની પણ માહિતી મેળવી લેવાઈ. તેનો ઉપયોગ કરીને કોન્ટેક્ટ કરાયું, ટેસ્ટિંગ કરાયું અને તેમનું ટ્રેકિંગ પણ શરૂ થઈ ગયું.
ટેસ્ટિંગમાં ઝડપ માટે અવનવા ઉપાયો કરાયા. લોકો પોતાની કારમાં ટેસ્ટ બૂથ પાસે આવે. કારમાં જ બેસીને પોતાના નમૂના આપી દે અને ફોન નંબર આપીને ઘરે જતા રહે. તેમને મોબાઇલ પર જ રિઝલ્ટ મળી જાય. રિઝલ્ટ પણ ઝડપથી મળે. ટ્રેકિંગની ખૂબ સારી સુવિધા હોવાથી હોમ ક્વૉરેન્ટાઇન અને ઘરે જ સારવાર વધારે વ્યાપક રીતે થઈ શક્યું. તેના કારણ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પણ ભીડ પણ ના થઈ.
દિલ્હીની કેજરીવાલ સરકારે અને ગુજરાતની રૂપાણીની સરકારે દાવા કરેલા કે તેઓ પણ કારમાં લોકો આવે તે રીતે ટેસ્ટ કરશે. તેનું શું થયું અને કેટલા ટેસ્ટ થયા અને મોબાઇલ ટેસ્ટ વાનમાં કેટલા ટેસ્ટ થયા તે આંકડાં સહેલાઈથી મળતા નથી અને ખાંખાખોળા કરવા પડે છે. વચ્ચે તો ગુજરાતમાં ટેસ્ટ પણ ઓછા કરી નખાયા. પછી એપ્રિલના છેલ્લા અઠવાડિયે દાવો કરાયો કે રોજના 3000 ટેસ્ટ કરવાની ક્ષમતા છે. મેના પ્રથમ અઠવાડિયે દાવો થયો કે 5300 ટેસ્ટ થયા છે. સમરસ હોસ્ટેલમાં રખાયેલા લોકોની ફરિયાદ છે કે ટેસ્ટ કર્યા પછી ત્રણ-ચાર-પાંચ દિવસ સુધી રિઝલ્ટ મળતા નથી.
કોરોના વચ્ચે દાવા પ્રતિદાવા ચાલતા રહેવાના અને સફળતાના સરકારી દાવા થવાના, પણ દુનિયામાં અડધો ડઝન દેશથી વધારે દેશ સફળતાની ગુલબાંગ નહિ જ પોકારી શકે તે નક્કી છે. વાત પણ સાચી કે આ મહાસંકટ હતું, તેથી નિષ્ફળતાની નિંદાનું કામ નથી કરવાનું, પણ ખોટા દાવા પણ ના થવા જોઈએને…. ને વિવાદો પણ ના થવા જોઈએ, માનીએ છીએ.
આવતા હપ્તામાં જણાવીશું કે ટેક્નોલૉજીના ઉપયોગ સામે નાહકનો વિવાદ થઈ રહ્યો છે. દક્ષિણ કોરિયા અને સિંગાપોર જેવા દેશોએ મોબાઇલ ટેક્નોલૉજીનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કર્યો તેની ચર્ચા નવા લેખમાં કરીશું, વાંચતા રહેજો…
મુંબઈઃ મુંબઈમાં વાઈન શોપ્સની બહાર શરાબી લોકોની બે દિવસથી અપાર ભીડ થતી હોવાને કારણે અને લોકો તથા દુકાનના માલિકો સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરતા ન હોવાથી શરાબની દુકાનોને બુધવારથી બંધ રાખવાનો મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે.
મુંબઈના મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેસીએ મંગળવારે એક સર્ક્યૂલર બહાર પાડીને જાહેરાત કરી હતી કે બુધવારથી મુંબઈમાં માત્ર કરિયાણા અને મેડિકલ સ્ટોર્સ જ ખુલ્લા રાખી શકાશે.
કમિશનર પરદેસીએ કહ્યું કે, સોશિયલ મિડિયામાં, પોલીસ તથા વોર્ડ સત્તાવાળાઓ તરફથી અનેક અહેવાલો મળ્યા છે જેમાં જોવા મળ્યું છે કે લોકડાઉનમાં છૂટ અપાતાં દુકાનોની બહાર લોકોની ખૂબ ભીડ થાય છે. એને કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અસંભવ બની ગયું છે. અમુક જગ્યાએ તો લોકો એટલી બધી મોટી સંખ્યામાં ભેગા થાય છે કે કાયદો અને વ્યવસ્થા સંભાળવાનું પણ મુશ્કેલ બની ગયું હતું.
મહારાષ્ટ્રમાં બે દિવસમાં 16.10 લાખ લીટર અને રૂ. 62.55 કરોડની કિંમતનો શરાબ વેચાયો છે.
રોમઃ ઈટાલીએ દાવો કર્યો છે કે એણે કોરોના વાઇરસ મહામારી-વિરોધી વેક્સિન તૈયાર કરી લીધી છે. ઈટાલીની સરકારે કહ્યું છે કે એણે એવા એન્ટી-બોડીઝ શોધી કાઢ્યા છે, જે માનવ કોશિકામાં મોજૂદ કોરોના વાઇરસને ખતમ કરે છે. જો આ દાવો સાચો હોય તો વિશ્વ માટે આ મોટા રાહતના સમાચાર છે. ઈટાલીની સમાચાર સંસ્થા ANSA અનુસાર રોમની સંક્રમક બીમારીથી જોડાયેલી સ્પાલનજાની હોસ્પિટલમાં આ રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને ઉંદરમાં એન્ટી-બોડીઝ તૈયાર કરવામાં આવ્યા છે. એનો પ્રયોગ માનવશરીર ઉપર પર કરવામાં આવ્યો તો એણે અસર બતાવી હતી.
વૈજ્ઞાનિકોએ એક ઉંદર પર રસીનું પરીક્ષણ કર્યું હતું. પહેલી જ વાર રસી આપ્યા બાદ ઉંદરમાં એન્ટી-બોડીઝ તૈયાર થયા હતા, જેણે વાઇરસની કોશિકાઓને સંક્રમિત કરવાનું અટકાવી દીધું હતું. આ પ્રકારે પાંચ અલગ-અલગ રસીના ઉપયોગથી ઘણા બધા એન્ટી-બોડીઝ તૈયાર કરાયા, જેમાંથી સૌથી સારાં પરિણામ આપનાર બે એન્ટી-બોડીઝને સંશોધનકર્તાઓએ પસંદ કર્યા.
રોમની લઝારો સ્પાલનજાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ફેક્શન ડિસિઝના સંશોધનકર્તાઓ કહ્યું છે કે જ્યારે રસીનો ઉપયોગ માનવશરીર પર કરવામાં આવ્યો હતો તો જોવા મળ્યું હતું કે આ રસીએ માનવ કોશિકામાં મોજૂદ વાઇરસને ખતમ કરી દીધા હતા.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 50,000ની નજીક પહોંચી છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 1,694 જણનાં મોત છે અને સંક્રમિતો લોકોની સંખ્યા 49,391 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,958 નવા કેસ સામે આવ્યા છે અને 126 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ બીમારીમાં અત્યાર સુધી 14,183 દર્દીઓ સ્વસ્થ પણ થઈ ચૂક્યા છે. દર્દીઓનો રિકવરી રેટ 28.72 ટકા થયો છે.
તેલંગાણામાં લોકડાઉન વધારાયું
કોરોના સંકટની વચ્ચે તેલંગાણા રાજ્યમાં લોકડાઉન 29 મે સુધી લંબાવવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે એની જાહેરાત કરી છે. લોકડાઉન વધારવાની સાથે નવા દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા છે.
વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 36 લાખને પાર
કોરોના વાઇરસ અત્યાર સુધી 187 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 36,63,815 થઈ ગઈ છે અને 2,57,278 લોકોનાં મોત થયાં છે. જોકે 11,99,295 લોકો સારવારમાં સાજા થયા બાદ એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.