Home Blog Page 4818

દિલ્હીમાં ભારતીય સેનાની હોસ્પિટલમાં 24 જણને કોરોના થયો

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીસ્થિત ભારતીય સેનાની રિસર્ચ એન્ડ રેફરલ (RR) હોસ્પિટલમાં 24 વ્યક્તિ મેડિકલ જાંચમાં કોરોના વાઇરસથી સંક્રમિત થઈ હોવાનું માલૂમ પડ્યું છે. દેશમાં સંક્રમિત થયેલી વ્યક્તિઓમાં સશસ્ત્ર દળના સેવામાં કાર્યરત અને સેવાનિવૃત્ત કર્મચારીઓ સામેલ છે, એવી માહિતી અધિકારીઓએ આપી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બધાને દિલ્હી કેન્ટોનમેન્ટ સ્થિત આર્મીની બેઝ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ 24 વ્યક્તિઓમાં સેનાના કર્મચારીઓ અને તેમને આશ્રિત વ્યક્તિઓ સામેલ છે. સંક્રમિતોમાં ડોક્ટર અને નર્સ પણ સામેલ છે.

દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 46,433 દર્દીઓની થઈ ગઈ છે. આમાંથી 12,727 લોકો સ્વસ્થ થયા છે અને 1568 લોકોનાં મોત થયાં છે.

ITBPના 45 જવાનો કોરોના પોઝિટીવ

દરમિયાન, ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)ના 45 જવાનોને પણ કોરોના લાગુ પડ્યો હોવાનો અહેવાલ છે. અધિકારીઓએ કહ્યું કે આ 43 જવાનોને દિલ્હીમાં આંતરિક સુરક્ષાની જવાબદારીઓ સંભાળવા માટે તહેનાત કરવામાં આવ્યા હતા જ્યારે બે જવાનને દિલ્હી પોલીસની સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ફરજ પર મૂકવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, સીઆરપીએફના 150 જવાનોને કોરોના થયો છે અને બીએસએફના 67 જવાનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવી ચૂક્યો છે.

લોકડાઉનની અસરઃ દેશમાં દવાઓનું વેચાણ ઘટી ગયું

નવી દિલ્હીઃ માર્ચની તુલનાએ એપ્રિલમાં મેડિસીનના વેચાણમાં આશરે 19 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કોવિડ-19ને ફેલાતો રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની તે અસર છે. દેશની ટોચની 20 કંપનીઓ પૈકી સિપ્લાના વેચાણમાં 28 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે GSK ફાર્મા અને ડો રેડ્ડી-પ્રત્યેક કંપનીના વેચાણમાં 25 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એમાં પણ એપ્રિલના છેલ્લાં બે સપ્તાહમાં ગંભીર બીમારીની મેડિસીન ગભરાટમાં ઓછી ખરીદાઈ હતી.

મેડિસીનના વેચાણમાં 19 ટકાનો ઘટાડો

દેશમાં કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે દેશમાં લોકડાઉનને લાગુ કરાવાને કારણે વિવિધ દવાઓના વેચાણમાં માર્ચની તુલનાએ એપ્રિલમાં આશરે 19 ટકાનો ઘટાડો થયો હતો, કેમ કે બજારની સપ્લાય ચેઇનમાં મોટો વિક્ષેપ પડ્યો હતો, એમ એક પ્રારંભિક ડેટામાં જણાવવામાં આવ્યું છે.

મેડિસીનના ઘટી રહેલા વેચાણને પગલે માર્ચની સરખામણીએ એપ્રિલમાં ઇન્વેન્ટરી (સ્ટોકમાં)ના 30 ટકાનો વધારો થયો હતો, જે ડેટા દર્શાવે છે, જે સ્ટોકિસ્ટ્સ અને વેચાણના ઇન્વેન્ટરીના સ્તરની તુલના દર્શાવે છે. જોકે આ પ્રારંભિક ડેટા છે અને અંતિમ વેચાણ ડેટા આ સપ્તાહના અંતે બહાર આવશે. આ ડેટા દર્શાવે છે કે સામાન્ય રીતે, બહાર ફરતી વખતે લોકોમાં એન્ટી-બાયોટિક દવાઓ લેવાનું ચલણ વધારે રહેતું હોય છે. લોકકડાઉન દરમ્યાન મોટા ભાગના લોકો ઘરે રહેતા હોય છે અને બહાર નીકળતા ન હોવાથી હવાના પ્રદૂષણથી ચેપ લાગવાની સંભાવના ઓછી થઈ ગઈ છે, પરિણામે એવી દવાઓની માગમાં ઘટાડો થયો છે, એમ અહેવાલ કહે છે.

એન્ટી-ઇન્ફેક્ટિવ સેગમેન્ટમાં 41 ટકાનો ઘટાડો

એપ્રિલમાં એન્ટી-ઇન્ફેક્ટિવ સેગમેન્ટની મેડિસીનમાં 41 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો, જેમા ઇન્વેન્ટરી સ્તર એક મહિના અગાઉના 39 દિવસથી વધીને 71 દિવસ થયું હતું.

એન્ટી-ડાયાબિટીક અને કાર્ડિયાક-કેર દવાઓની ઇન્વેન્ટરી સ્તર અનુક્રમે 26 અને 31 દિવસ સુધી વધતા એપ્રિલના છેલ્લા બે અઠવાડિયામાં પણ લાંબી બીમારીઓ માટે દવાઓની ખરીદી ઓછી ગભરાઈ હોવાનું જણાય છે.

અગ્રણી કંપનીના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો

ટોચની 20 કંપનીઓમાં વેચાણમાં સૌથી વધુ ફટકો સિપ્લાને પડ્યો હતો, જેના વેચાણમાં 28 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે ઝાયડસ કેડિલા, ગ્લેક્સોસ્મિથક્લાઇન ફાર્માસ્યુટિકલ્સ અને ડો. રેડ્ડીઝ લેબ- પ્રત્યેક કંપનીની મેડિસીનના વેચાણમાં 25 ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે દેશી સૌથી મોટી ડ્રગઉત્પાદક સન ફાર્માસ્યુકિલ્સના ઉત્પાદનમાં 17 ટકાનો ઘટાડો થયો હતો.

લોકડાઉન પછી  ફાર્માનું વેચાણ સતત ઘટ્યું

દેશમાં લોકડાઉન શરૂ થયા પછી ફાર્મા કંપનીઓની દવાઓનું વેચાણ સતત ઘટી રહ્યું છે, ખાસ કરીને ક્રોનિક ડ્રગ સેગમેન્ટમાં. જોકે એપ્રિલના મધ્ય ભાગ સુધી આ સેગમેન્ટમાં ગભરાટમાં ખરીદી ખૂબ થઈ હતી.

કોરોના બાદના વિશ્વમાં કયા બિઝનેસની કઈ હશે સ્થિતિ?

કોરોના બાદ એક નવા સ્વરૂપે જગત આકાર પામશે એવી માન્યતા વધી રહી છે. પરિવર્તન નિશ્ચિત છે. આપણે પણ પરિવર્તન માટે સજજ થવું જોઈશે, પરંપરાગત વિચારધારા તેમ જ માનસિકતાને પકડીને ટકી શકાશે નહીં. કેટલાંક બિઝનેસ સેક્ટર સામે અસ્તિત્ત્વનો સવાલ ઊભો થશે તો કેટલાંક બિઝનેસ સામે તકોના દરવાજા ખૂલશે. લાઈફસ્ટાઈલ, જોબ માર્કેટથી લઈને કોર્પોરેટ વર્કસ્ટાઈલ બદલાશે. નવી સાહસિકતાને અને ઈનોવેશનને નવા અવસર મળશે. આ સેક્ટર કયા હશે તેના કારણો-સંભાવના પર એક નજર.


સામાન્ય માનવીથી લઈ વેપાર-ઉધોગ સાથે સંકળાયેલા પ્રત્યેક જણે આ સંભાવનાને સમજવી જોઈશે અને તેના આધારે પોતાના ભાવિ પ્લાનને આકાર આપવો જોઈશે. જગત એક અસાધારણ પરિવર્તનના તબક્કામાંથી  પસાર થઈ રહ્યું છે. હવેપછી માનવજગત પોતાની વરસો જુની પરંપરા, માન્યતા, જડતા, વિચારધારાને પકડીને ચાલી શકશે નહીં. માણસોએ  નોકરીને બદલે ફરજિયાત સાહસિક (એન્ટરપ્રેન્યોર) બનવું પડશે. લોકોએ નવા વિચારોને અપનાવવા પડશે. હવે પછી ‘સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ’ને બદલે ‘સર્વાઈવલ ઓફ ક્વિકેસ્ટ’ ચાલશે. ઝડપથી નિર્ણય લેવા પડશે. ઝડપથી નવી બાબતો અપનાવવી પડશે.  ઉચ્ચ શિક્ષણ, હાઈ ડિગ્રી, મલ્ટીનેશનલ કંપનીઓના હાઈ પેકેજ, મોટા પદ, વગેરેના સમીકરણો બદલાઈ જશે.

કયા સેક્ટર સૌથી વધુ વિપરિત અસર પામશે

કોવિદ-19ની આ ઘટનાથી કયા ક્ષેત્રને અસર થઈ છે અને હજી પણ વિપરિત અસર થશે એ જોઈએ. જેમાં સૌપ્રથમ તો  જોબ માર્કેટમાં અસાધારણ પરિવર્તન આવશે. આમ પણ લાંબા સમયથી આ સમસ્યા ઊભી જ હતી, કિંતુ હવે તો આ માર્કેટ સમગ્રતયા બદલાઈ જશે. નોકરિયાત વર્ગે નવા પડકાર માટે તૈયાર થવું પડશે.

રિટેલ સેક્ટરમાં પણ અનેક પડકાર આવશે. જયાં ઘરાકીમાં ધરખમ પરિવર્તન જોવાશે. લોકો અગાઉની જેમ આડેધડ કોઈ ચીજ-વસ્તુ ખરીદવાને બદલે  જેના વિના ચાલે એમ ન હોય એવી જ ચીજ-વસ્તુ લેશે. નાણાંની બચતનો ટ્રેન્ડ વધશે. ટ્રાવેલ ઉધોગ લગભગ બંધ અથવા નામ પુરતો રહેશે. કોણ ટ્રાવેલ કરશે આ સમયમાં અને આગામી છ મહિનામાં પણ.? એકદમ જરૂરી હશે એ લોકો જ વિમાન યા બસ કે ટ્રેનમાં પ્રવાસ કરશે. વિદેશ ફરવા જવાનું તો વરસ- બે વરસ ભૂલી જ જવાશે. ફરવા જવાનું તો ઠીક, લોકો  બહારનું  ખાવાનું પણ ટાળશે. પરિણામે હોટેલ અને હોસ્પિટાલિટી સેકટર સાવ જ નિરસ થઈ જશે. તેમના બિઝનેસમાં  નફાની સંભાવના  ઘટી જશે અને નફા વિના કોણ કેટલો સમય ધંધો ચલાવી શકે?  આ દરેક સેકટર માટે મેનપાવર પણ મળવો કઠિન બનશે. આમ ટ્રાવેલ, ટુરિઝમ, હોસ્પિટલાલિટીમાં મંદી ફેલાઈ જવાથી  તેને કારણે ચાલતા અન્ય વેપારને પણ ગંભીર અસર થશે. જે-તે સ્થળના સ્થાનિક લોકોની આવક ટ્રાવેલ- ટુરિઝમ-હોટેલ સહિતના સેકટર પર નભતી હોય છે,તેમની માટે અસ્તિત્ત્વનો  સવાલ ઊભો થવાનું નકકી છે, ખાસ કરીને આગામી એક વરસ માટે. બિઝનેસમેન વર્ગનું પણ ટ્રાવેલિંગ સાવ નજીવું થઈ જશે.વેબિનાર , વિડીયો કોન્ફરન્સ,વગેરે  સમાન માધ્યમથી  મિટીંગો થશે. સોશ્યલ ડિસ્ટન્સીંગને કારણે આમ બનશે.

 

ઓટો ઉધોગ પણ લાંબા સમયથી વિવિધ કારણસર મંદીમાં છે, તેની મંદી વધુ ઘેરી બનશે. આવામાં નવી કાર કોણ અને કેટલી  ખરીદાય? શેના માટે ખરીદાય? પ્રાઈવેટ ટેકસીમાં બેસવાનું લોકો પસંદ નહી કરે અને તેને સલામત નહી ગણે. તેમછતાં ઓટો સેકટરના રિવાઈવલના તરત કોઈ ઉપાય દેખાતા નથી.  લકઝરી કાર તો લોકો નહી જ ખરીદે.હા, કારમાં ઈનોવેશન આવી શકે અને એ ઈનોવેશન સફળ થાય તો વાત જુદી છે.

મનોરંજનલાઈવ સ્પોર્ટ્સ પર પડદો

મનોરંજન ઉધોગને રિવાઈવ થતા પણ લાંબો સમય લાગશે, કારણ કે સરકાર થિયેટર્સને ઝડપથી ખોલવા દેશે નહીં, જયાં ભીડ થતી હોય અથવા સોશ્યલ ડિસ્ટન્સ જળવાવાનું કઠિન હોય તે બિઝનેસ કે પ્રવૃતિને સરકાર  છુટ આપે તો પણ લોકો જલદીથી ત્યાં જવાનું પસંદ નહી કરે. એને બદલે લોકો  તરફથી  પ્રાઈવેટ ટીવી ચેનલ્સ વધુ જોવાશે. લોજિસ્ટીક ઉધોગ પણ અસર પામશે, જયાં આવશ્યક ચીજોની હેરફેર છે ત્યાં ચાલશે, કિંતુ અન્ય ચીજો માટે લોજિસ્ટીકની ખાસ  જરૂર રહેશે નહીં. ક્રિકેટ સહિતના તમામ લાઈવ સ્પોર્ટસ સદંતર બંધ રહેશે, કમસે કમ એકાદ વરસ માટે તો આ ઘટના ભુલવી જ પડશે. કેમ કે કોઈ લાઈવ સ્પોર્ટસ જોવા જશે નહીં, એટલું જ નહી, ખુદ ખેલાડીઓ પણ આમ કરવાનું ટાળશે. વાસ્તવમાં લાઈવ  સ્પોટર્સ ઈવેન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે અને તેમાં અનેક કંપનીઓ ભાગ લેતી હોય છે, તેમ જ હજારો લોકોને રોજગારી મળતી હોય છે. આ બધાં પાસે હવેપછી વિકલ્પ ઘટી જવાના એ નકકી છે.  બાંધકામ ઉધોગ, રિઅલ એસ્ટેટ, ઓટો ઉત્પાદન ક્ષેત્રમાં  ભાગ્યે જ કોઈ નકકર અથવા ધમધોકાર  પ્રવૃતિ થઈ શકશે. પરિણામે આ સેકટર્સમાં પણ મંદીનો દોર હજી લાંબો ચાલી શકે છે. ઓઈલ- ગેસ સેકટરમાં પણ મંદીનો માહોલ ચાલુ રહેશે. લોકો મોંઘા ટેક ગેજેટસ વગેરે લેવાનું પણ બહુ પસંદ નહી કરે. અર્થાત, હવેપછી દરેકે નવા ક્ષેત્ર માટે, નવા સાહસ  માટે નવેસરથી વિચારવાની ફરજ પડશે. પોતાના બિઝનેસને  તેમ જ પોતાને પણ રિઈન્વેન્ટ કરવા પડશે. તો હવે શું કરવું ?  એ માટે સમજી લઈએ કે કયા ક્ષેત્રોમાં હવેપછી વિકાસનો અવકાશ ખુલશે યા વધશે?

લાઈફસ્ટાઈલ વર્કસ્ટાઈલ

કોરોનાની અસર એટલી ગહન અને ગંભીર થઈ રહી છે કે લાઈફસ્ટાઈલ, કન્ઝમ્પશન પેટર્ન બદલાયા વિના રહેશે નહીં.  જેને પરિણામે કોર્પોરેટ સેકટરે પણ તેની બિઝનેસ પોલિસી અને વિઝન બદલવા પડશે. કોર્પોરેટ વર્કસ્ટાઈલ પણ ફેરફાર પામશે. વર્ક ફ્રોમ હોમ કલ્ચર શરૂ થયું છે, જે હજી લાંબો સમય ચાલી શકે છે. આમાં ઘણાની જોબ જઈ શકે. અન્યથા નવી જોબ સર્જાઈ શકે એમ પણ બને. કિંતુ કોર્પોરેટ કામકાજની વ્યાખ્યા જરૂર બદલાશે, તેમની ઈવેન્ટ, સેમિનાર, માર્કેટિંગ પોલિસી પણ બદલાશે. હા, ઓનલાઈન વર્ક સતત વધ્યા કરશે, જેને પગલે  ઈન્ટેરનેટનો વપરાશ ખૂબ વધશે. જેથી આ સેગમેન્ટ માટે નવી તક ઊભી થશે. લોકોની પ્રાયોરિટીઝ બદલાવાથી  બિઝનેસ મોડેલ બદલાશે. પબ્લિકના ખર્ચમાં ધરખમ ઘટાડો થશે. લોકો પૈસા વાપરવા કરતા હાથ પર રાખવાનું વધુ પસંદ કરશે. શિક્ષણ -એજયુકેશન સેકટર આજે મસમોટો બિઝનેસ છે, તેના પ્રવાહ પણ બદલાશે,  શૈક્ષણિક પધ્ધતિ બદલાશે. તેના વિષયોમાં પણ પરિવર્તન આવી શકે. લોકોએ શું શીખવું જોઈએ, શેનું વધુ શિક્ષણ મેળવવું જોઈએ એ માટે નવા રિસર્ચ થશે. પર્યાવરણ બાબતે જાગ્રતિ  વધશે, પ્રદુષણ ઘટશે. આમ સામાજીક અને આર્થિક ક્ષેત્રે અસર કરે તેવા અસંખ્ય ફેરફાર જોવા મળશે એ સમજશે તે એનો લાભ લઈ શકશે.

ડિજિટલ ઈન્ડિયા અને ગિગ ઈકોનોમી

હવેપછી  મહત્તમ કામકાજ ઓનલાઈન  થતા જવાને કારણે અને બદલાતા વર્ક કલ્ચર તેમ જ લાઈફસ્ટાઈલને પગલે ડિજિટલ પ્રોજેકટનું ચલણ વધશે. ગિગ ઈકોનોમી વધુ વિકસશે, ગિગ ઈકનોમી એટલે કોઈને નોકરી પર રાખવાને બદલે તેને એક કામ યા પ્રોજેકટ અપાશે એ કામ કે પ્રોજેકટ પૂર્ણ કર્યા બાદ તેને પેમેન્ટ કરાશે. પરમેનન્ટ કામકાજ મળવા મુશ્કેલ બનશે. નેટવર્કીગ માર્કેટિંગ વધશે, લોકો વધારાની આવક માટે નવા પ્રયોગ કરશે. ટેકનોલોજીનું મહત્ત્વ સતત વધ્યા કરશે. ઈનોવેશનની બોલબાલા  થશે.

ઈન્વેસ્ટમેન્ટ કલ્ચર વધશે

નાણાં વૃધ્ધિ માટેની જરૂરીયાતને ધ્યાનમાં રાખી શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ સહિતના  સાધનોમાં રોકાણનું ચલણ વધશે.  વીમા ક્ષેત્ર અને હેલ્થ સેકટરનો દોર કે વિકાસ માર્ગ વધુ ઝડપ પકડશે. આ સેકટરમાં કામ કરતા લોકો માટે તક વધશે. તેનો અભ્યાસ વધશે, આ ક્ષેત્રે સલાહ આપતા વર્ગની જરૂર પણ વધશે. સોલાર એનર્જી કે ઓલ્ટરનેટ એનર્જી, ઓલ્ટરનેટ મેડિસીનનું મહત્વ  વધશે.

સ્પિરિચ્યુઅલ પ્રવૃતિ વધી શકે

આ બધાં સાથે  આધ્યાત્મિક પ્રવૃતિ અને અભિગમ વધશે. કોરોના કાળના અનુભવમાંથી પસાર થનાર બહુ મોટો  વર્ગ  આધ્યાત્મ તરફ વળશે. આમ કોરોનાને પગલે અને પરિણામે જગત એક ધરખમ ટ્રાન્સફોર્મેશનમાંથી પસાર થશે. 2020 તો આ ઘટનાને સામાન્ય સ્તરે લાવવામાં પસાર થઈ જશે. આપણે દરેકે 2021 માટે નવી તૈયારી કરવાની છે. બાકી હાલ તો માત્ર અને માત્ર એક જ બાબત નિશ્રિંત છે, જેનું નામ છે અનિશ્રિંતતા . યાદ રહે, દરેક નાની-મોટી સમસ્યા યા કટોકટી  તેની સાથે નવી તકો પણ લઈને આવે છે.

  • જયેશ ચિતલિયા (આર્થિક પત્રકાર)

અમેરિક પર અધધધ દેવું: 2008 કરતાંય કારમી મંદીના એંધાણ

વોશિંગ્ટનઃ કોરોના સંક્રમણે વિશ્વના સૌથી મજબૂત અર્થતંત્ર અમેરિકાની હાલત કફોડી કરી દીધી છે. લોકડાઉન અને અન્ય ખર્ચ પછી અમેરિકાની હાલત એવી છે કે હવે એને 30 ટ્રિલિયન ડોલરનું ઋણ કરવું પડશે. એની સાથે અમેરિકી સરકાર પર દેવું વધીને 250 ટ્રિલિયન ડોલરથી પણ વધુ થઈ ગયું છે. આ અત્યાર સુધીમાં કોઈ પણ ત્રિમાસિક ગાળામાં સરકાર દ્વારા કરવામાં આવેલાં ઋણથી પાંચ ગણું વધુ છે. વિશ્લેષકોનું માનવું છે કે દેવાંની રકમ જોઈને લાગે છે કે સ્થિતિ હવે 2008ની મંદી કરતાં પણ ખરાબ છે.

આ વર્ષે 37 ટ્રિલિયન ડોલર રાજકોષીય ખાધ રહેવાનું અનુમાન

વર્ષ 2019માં અમેરિકાએ 12.8 ખર્વ ડોલરનું દેવું લીધું હતું. કોરોના સંક્રમણને લીધે દેશની આરોગ્ય વ્યવસ્થા સંપૂર્ણ રીતે કથળી ગઈ છે. જેથી હેલ્થ સેક્ટર માટે 30 ટ્રિલિયન ડોલરના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. આ રાહત પેકેજ અમેરિકાના અર્થતંત્રના 14 ટકા છે. કોરોનાને લીધે ટેક્સ લેવાની તારીખને 15 એપ્રિલથી આગળ વધારવી પડી, જેથી સરકારે પાસે દેવાં લેવા સિવાય કોઈ રસ્તો રહ્યો નહીં. જોકે અમેરિકી અર્થતંત્ર કોરોના સંકટ પહેલાં પણ દેવાંમાં ડૂબેલી હતી. આ વર્ષે 37 ટ્રિલિયન ડોલર રાજકોષીય ખાધ રહેવાનું અનુમાન હતું. આ અમેરિકી GDPના 100 ટકા હતી.

ટ્રમ્પે લોકોના જીવ જોખમમાં મૂક્યા પહેલાં આર્થિક કામકાજ પુનઃ શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે લોકડાઉન ધીમે-ધીમે ખોલવા સાથે લોકોને સુરક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકોની ચિંતા બીમાર પડી જવાની છે, જ્યારે અન્ય લોકો નોકરી અને અર્થોપાર્જન જવાની આશંકાથી ભયભીત છે. તેમણે કહ્યું હતું કે અર્થતંત્રને સુરક્ષિત રીતે ખોલવું છે, પણ જેમ બને એટલું જલદી.

અમેરિકાના કેન્દ્રીય બેન્કના અધ્યક્ષ જેરોમ પોવેલે કહ્યું હતું કે અર્થતંત્રને સંભાળવા માટે આ સમય ખર્ચ કરવાની જરૂર છે, કેમ કે લોકડાઉને ત્રણ કરોડ લોકોની નોકરીઓ છીનવી લીધી છે. અહેવાલ મુજબ પાછલા સપ્તાહે ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ ચીનથી મળનારી લોનને રદ કરવાની વાત કરી હતી. જોકે ટ્રમ્પ આ વિચારથી સંમત નથી. પ્રિન્સટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્ર અને લોકનીતિના પ્રોફેસર એલન બ્લાઇન્ડરએ જણાવ્યું હતું કે સતત ઓછા વ્યાજદરને કારણે રોકાણકારોનો રસ અમેરિકાને દેવાં આપવામાં છે.

 

ડોનટ્સ

બાળકોને ભાવતું ડેઝર્ટ ડોનટ્સ!
ઓછી સામગ્રીમાં બની જાય છે અને બનાવવાનું પણ સહેલું છે! તો બનાવી લો ડોનટ્સ અને ખુશ કરી દો બાળકોને, આ લૉકડાઉનમાં!


સામગ્રી:

  • મેંદો ૧ કપ,
  • દળેલી સાકર 1/4 કપ,
  • બેકિંગ પાવડર 3/4 ટી.સ્પૂન,
  • ખાવાનો સોડા 3/4 ટી.સ્પૂન,
  • હુંફાળું દૂધ 1/2 કપ,
  • લીંબુનો રસ 2 ટેબલ સ્પૂન,
  • મીઠું 2 ચપટી,
  • માખણ 2 ટી.સ્પૂન,
  • તળવા માટે તેલ

ચોકલેટ ગાર્નીશિંગ માટે:

  • લિક્વિડ કોકો,
  • ચોકલેટ સ્પ્રિંકલ અથવા કલરિંગ સ્પ્રિંકલ અથવા વરિયાળી પીપર

રીતઃ

સૌપ્રથમ લોટ બાંધવાના વાસણમાં મેંદો લો. તેમાં બેકીંગ પાવડર, ખાવાનો સોડા, દળેલી સાકર તેમજ મીઠું મિક્સ કરો. હવે મેંદામાં લીંબુનો રસ તેમજ હુંફાળું દૂધ ઉમેરીને લોટ બાંધો.

લોટ બંધાઈ જાય એટલે લોટમાં માખણ લગાડીને લોટને કુણી લો. લોટને ઢાંકીને એક કલાક માટે રહેવા દો.

એક કલાક બાદ લોટ લો. લોટના બે ભાગ કરો. એમાંથી એક ભાગ લઇ લુવો બનાવીને જાડો રોટલો વણો. હવે પુરી જેટલા આકારની એક વાટકી લો. એ વાટકીની મદદથી ડોનેટ કટ કરો. કટ કરેલા ડોનેટની વચ્ચેનો ભાગ કોઈ બોટલના નાના ઢાંકણ વડે કટ કરો.

એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી મધ્યમ કરી દો. હળવેથી એક ડોનટ ઉંચકો અને હળવેથી તેલમાં તળવા માટે નાખો. બધા ડોનટ્સને ગુલાબી રંગના તળી લો. ડોનટ્સને એક ઝારા વડે બહાર કાઢી પ્લેટમાં ગોઠવી દો અને ઠંડા થવા દો.

એક બાઉલમાં લિક્વીડ ચોકલેટ લો. ડોનટની એક સાઈડ ચોકલેટ લીક્વીડમાં ડીપ કરો અને બહાર કાઢીને ચોકલેટની લેયર ઉપર રહે એમ પ્લેટમાં ગોઠવી દો. બધા ડોનટ્સ પર ચોકલેટની લેયર કર્યા બાદ ડોનેટના ચોકલેટ વાળા ભાગ પર સુગર સ્પ્રિંકલ અથવા ચોકલેટ સ્પ્રિંકલ અથવા વરીયાળી પીપરનો છંટકાવ કરી દો.

બાળકો માટે ડેઝર્ટ તૈયાર છે!

સુવિચાર – ૫ મે, ૨૦૨૦

સુવિચાર – ૫ મે, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 05/05/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે, મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું  સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહ કે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગ ક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ જે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.


આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે  તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ, સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ,વીમા,મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી રેકોર્ડ 4,000 પોઝિટિવ કેસ, 195નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 46,000ને પાર થઈ ગઈ છે અને આ વાઇરસથી અત્યાર સુધી 1568 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં 4000 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને સૌથી વધુ 195 લોકોનાં મોત થયાં છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ કોરોના સંક્રમિતોની સંખ્યા 46,433 થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે રિકવરી રેટ 27 ટકાએ પહોંચ્યો છે. અત્યાર સુધી 12,0727 લોકો સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં 14,541 કેસ સામે આવ્યા છે. આ સિવાય ગુજરાતમાં 5,804 કેસ સામે આવ્યા છે, જ્યારે  દિલ્હીમાં 4,898 કેસ નોંધાયા છે. મુંબઈમાં 17 મે સુધી 144 લાગુ કરવામાં આવી છે.

પાછલા ચાર દિવસમાં સતત કેસમાં વધારો

પાછલા ચાર દિવસમાં દેશમાં કોરોનાના 10,462 કેસ નોંધાયા છે. આ આંકડો અત્યાર સુધીમાં કુલ સક્રિય કેસોના 34 ટકા છે.

વિશ્વમાં કોરોનાથી અઢી લાખનાં મોત

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 35,82,465 થઈ છે અને આ વાઇરસથી અત્યાર સુધીમાં 2,51,512 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાં 11,62,418 લોકો ઠીક થઈ ચૂક્યા છે. હાલ આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા 21,68,535 સક્રિય છે.

દેશમાં રાજ્યવાર કોરોના કેસોની સંખ્યા આ પ્રમાણે છે.

 

 

પંચાંગ 05/05/2020

લો, પીઓ હવે!  દિલ્હીમાં શરાબ પર 70% કોરોના ટેક્સ     

નવી દિલ્હીઃ  ‘હુઇ મહંગી બહુત હી શરાબ કે થોડી થોડી પિયા કરો, પિયો લેકિન રખો હિસાબ કે થોડી થોડી પિયા કરો’

દિલ્હીમાં દારૂ પર દિલ્હી સરકારે ‘કોરોના ટેક્સ’ લગાડી દીધો છે. દિલ્હીમાં આજથી શરાબ 70 ટકા મોંઘો મળશે. સરકારના આદેશ અનુસાર દારૂના વેચાણ પર ‘સ્પેશિયલ કોરોના ફી’ના નામથી ટેક્સ લગાડી દીધો છે. હવે MRP પર 70 ટકા આ નવો ટેક્સ લાગશે.

મુખ્ય પ્રધાનનું કડક વલણ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે દારૂની દુકાનો પર અફરાતફરી જોવા મળી. અમને સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય નિયમોના ઉલ્લંઘનની માહિતી મળશે તો એ વિસ્તારને અમારે સીલ કરવો પડશે. દુકાનમાલિકોએ જવાબદારી લેવી પડશે. જો કોઈ દુકાન પર સામાજિક અંતર નિયમનું ઉલ્લંઘન થશે તો એ દુકાન બંધ કરાવી દેવામાં આવશે. હું દિલ્હીવાસીઓને અપીલ કરું છું કે બહાર નીકળતી વખતે માસ્ક લગાવો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને હાથ ધોતા રહો.

700થી વધુ દુકાનો ખૂલી

સોમવારે લોકડાઉન-3 અંતર્ગત અપાયેલી અમુક છૂટછાટોને પગલે દિલ્હીમાં વાઈન શોપ્સ સહિત 700થી વધુ દુકાનો ખૂલી હતી. પરંતુ ભારે ભીડ અને લોકડાઉનના નિયમોનું પાલન નહીં કરવાને કારણે માત્ર બે જ કલાકમાં પોલીસે બધી દુકાનો બંધ કરાવી દીધી હતી. લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમની ઐસીતેસી કરી હતી અને મોટા ભાગના લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા.