Home Blog Page 4819

કોરોના સામે જંગઃ ભારતે 120 દેશોને દવાઓ મોકલી છેઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નોન-અલાઈન્ડ મૂવમેન્ટ (NAM) સમૂહના દેશોના વડાઓની વિડિયો કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને સંબોધન કર્યું હતું.

વડા પ્રધાને જણાવ્યું કે, કોરોના વાઈરસ મહામારી સામે ભારતે આદરેલી લડાઈએ બતાવી આપ્યું છે કે લોકશાહી, શિસ્ત અને નિર્ણાયકતાનો સમન્વય સાધીને કેવું સરસ જનઆંદોલન તૈયાર કરી શકાય છે.

મોદીએ કહ્યું કે, ઘણા દાયકાઓ બાદ આજે ફરીથી માનવજાત સૌથી ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે. આવા સમયે NAM દેશો જાગતિક એકતાને પ્રોત્સાહિત કરવામાં મદદ કરી શકે છે.

કોરોના વાઈરસ કટોકટી સામેના જંગમાં ભારતની સક્રિય ભૂમિકા વિશે મોદીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિ સમગ્ર જગતને એક પરિવારની દ્રષ્ટિએ જુએ છે. અમે જેમ અમારા પોતાના નાગરિકોની સંભાળ લઈએ છીએ તેમ અન્ય દેશોને પણ મદદ કરીએ છીએ.

મોદીએ કહ્યું કે ભારત ‘દુનિયાનું ફાર્મસી’ છે. અમારા દેશે 120થી વધુ દેશોને દવાઓ મોકલી છે.

અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવની પહેલથી અને એમના નેતૃત્ત્વમાં આ બેઠક યોજાઈ હતી. પાકિસ્તાન તરફથી આ બેઠકમાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વી ભાગ લીધો હતો.

આ પહેલાં  2016 અને 2019માં વડા પ્રધાન મોદીએ NAM દેશોની બેઠકમાં ભાગ નહોતો લીધો.

NAM સંગઠનમાં એશિયા, આફ્રિકા ખંડ તથા લેટિન અમેરિકાના દેશો સહિત કુલ 120 દેશો સામેલ છે.

સુરતમાં પોલીસ-પ્રવાસી મજૂરો વચ્ચે અથડામણઃ અશ્રુવાયુ છોડાયો

સુરતઃ સમગ્ર દેશમાં લોકડાઉન-3ના આજથી થયેલા પ્રારંભ સાથે ગુજરાતના પ્રવાસી મજૂરો તેમના વતન જવાનું શરૂઆત થઈ, પરંતુ વાહનવ્યવહાર ઠપ થઈ જતાં પરપ્રાંતીય મજૂરોએ મનેકમને સુરતમાં શહેરમાં રહેવાની ફરજ પડી. વળી, એમાં લોકડાઉનનો તબક્કો લંબાઈ જતાં આ મજૂરોની ધીરજ ખૂટી ગઈ. પોતાના વતન પાછા ફરવા માટે તેમણે ઉધામા શરૂ કર્યા. પરિણામે શહેરમાં પોલીસો અને પ્રવાસી મજૂરો વચ્ચે ઘર્ષણ થયું. આ ઘટના આજે સુરત જિલ્લાના વરેલી ગામ પાસે બની હતી. ત્યાર બાદ મજૂરોએ પોલીસો પર પથ્થરમારો કરતાં પરિસ્થિતિ વધુ વણસી હતી. ટોળાએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં પોલીસે ટિયર ગેસના 10 શેલ છોડ્યા હતા. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. આ ઘટનાના સંબંધમાં પોલીસે 70 જણની ધરપકડ કરી.

 ત્રણેક હિંસાના બનાવ

પ્રવાસી મજૂરોએ ભૂખમરાથી બચવા અને વતનમાં જવાની જિદ્દ સાથે હોબાળો મચાવવાનો શરૂ કર્યો હતો. પોલીસો સમજાવટથી કામ લઈ રહ્યા હતા, તેમ છતાં શહેરમાં ત્રણેક હિંસાના બનાવ બન્યા હતા. સુરત-કડોદરા રોડ પર રહેલાં વાહનોને પણ નુકસાન થયું હતું.

મોટા ભાગના મજૂરો બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિશાના

જે લોકો દેખાવો કરી રહ્યા હતા, એ મજૂરો મોટે ભાગે બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિશાના હતા. આ મજૂરોએ કહ્યું હતું કે તેઓ વતન પરત ફરવા માગે છે, પણ તેમની પાસે ટિકિટ ખરીદવાના પૈસા પણ નથી.

વરેલીમાં તોડફોડ

પલસાણા તાલુકાના વરેલી ગામમાં પરપ્રાંતીય મજૂરો વતન જવાની માગ સાથે પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરી આવ્યા હતા. હજારેકથી વધુ લોકોનું ટોળું રસ્તા પર આવ્યા બાદ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.  પોલીસનો કાફલો વધારે ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે તોફાને ચડેલા ટોળા પર ટિયર ગેસના સેલ છોડ્યા હતા. જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

ખજોદમાં મજૂરો ઉશ્કેરાયા

ખજોદમાં નવ નિર્માણાધીન ડાયમંડ બુર્સનું નિર્માણ કરતા કારીગરો પાસેથી રાશન અને શાકભાજીના વધુ ભાવ લેવાતા હોવાને નામે હોબાળો થયો હતો. એ ધાંધલ બાદ કામ બંધ હતું જ્યારે મહારાષ્ટ્રમાંથી 200 જેટલા મજૂરોને ફરી લાવવામાં આવતાં ફરીથી ડાયમંડ બુર્સના મજૂરોએ હોબાળો મચાવ્યો હતો.

લોકડાઉન દરમિયાન શહેરમાં દરેક જગ્યાએ હોબાળા મચ્યા

શહેરમાં પરપ્રાંતીય મજૂરો ડાઈંગ, એમ્બ્રોઇડરી, લૂ્મ્સ, ઝરી અને ડાયમંડ સહિતના ઉદ્યોગ-ધંધામાં કામ કરે છે. પીપોદરાથી લઈને વેડ રોડ, એકે રોડ, બરોડા પ્રિસ્ટેજ, પાંડેસરા, ઉધના અને સચિન તમામ વિસ્તારોમાં પ્રવાસી મજૂરોએ ઉધામા કર્યા હતા

સુરતમાં 18 લાખ પરપ્રાંતીય મજૂરો

હીરા અને ટેક્સટાઈલ હબ મનાતા સુરતમાં પરપ્રાંતિય મજૂરો પણ મોટી સંખ્યામાં કામ કરે છે. અંદાજે 18 લાખ મજૂરોમાંથી ઓડિશાના સાત લાખ, મધ્ય પ્રદેશના એક લાખ, ઉત્તર પ્રદેશના 2.5 લાખ, બિહારના 2.5 લાખ, મહારાષ્ટ્રના 1.5 લાખ, રાજસ્થાનના 2 લાખ સહિતના પ્રવાસી મજૂરો શહેરની વિવિધ ઉદ્યોગો-કારખાનાઓ, જીઆઇડીસી અને યુનિટોમાં કામ કરે છે. લગભગ બધી જ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ઓડિશાના મજૂરો કામ કરી રહ્યા છે.

ત્રણ લાખથી વધુ લોકોને મોકલાયા 

સરકાર દ્વારા છેલ્લા થોડા દિવસોથી પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવા માટેનાં દ્વાર ખોલવામાં આવ્યાં છે. ઓડિશા માટે વિશેષ શ્રમિક ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે યુપી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં લગભગ ત્રણ લાખથી વધુ મજૂરો વતન જતા રહ્યા છે. જોકે હજી બિહાર, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના મજૂરોને મંજૂરી ન મળી હોવાથી તેઓ વતન જવા માટે ઉતાવળા થયા છે.

દિલ્હીના રસ્તાઓ પર અશિસ્ત, ધાંધલ: દારૂની દુકાનો બંધ કરી દેવાઈ

 નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ લોકડાઉન 3.0 દરમ્યાન અનેક રાજ્યોએ દારૂની દુકાનો ખોલવા માટે મંજૂરી આપી તો દીધી, પરંતુ અનેક શહેરોમાં આજે સવારે દારૂની દુકાનો ખૂલે એ પહેલાં જ શરાબી લોકોની લાંબી લાઇનો લાગી ગઈ હતી, જેમાં સામાજિક અંતરના નિયમનો છડેચોક ભંગ કરવામાં આવતો જોવા મળ્યો હતો. લોકો મોટી માત્રામાં દારૂની બોટલો ખરીદી રહ્યા છે. એવું લાગતું હતું કે બધા લોકો સ્ટોક કરવાની હોડમાં લાગેલા છે.

 દિલ્હીમાં દારૂ લેવા માટે પડાપડી

દિલ્હીમાં દારૂના વેચાણને મંજૂરી આપવામાં આવી છે. ઝોનના હિસાબે સવારે સાત વાગ્યે દુકાનો શરૂ થવાની હતી તો ક્યાંક નવ વાગ્યે દુકાનો ખૂલવાની હતી. જોકે આ દારૂની દુકાનો ખૂલે એ પહેલાં લોકોની લાંબી-લાંબી લાઇનો લાગી ગઈ હતી. સોશિયલ ડિસ્ટન્સિંગનું સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. લોકો દારૂ ખરીદવા માટે ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા. પરિસ્થિતિ એટલી બેકાબૂ બની હતી કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. બપોર થતાં-થતાં તો પોલીસે દુકાનો બંધ કરવાનો આદેશ જારી કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં હંગામા પછી દારૂની દુકાનો બંધ થઈ ગઈ. દારૂના ઘણા શોખીનોને ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. આ ઘટના પછી પોલીસ દારૂની દુકાનની બહાર તહેનાત કરવી પડી હતી.

લખનૌમાં પણ એ જ નજારો

લખનૌમાં પણ દારૂની દુકાનો પર ભારે ભીડ ઊમટી હતી. અહીં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું સરિયામ ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતું. લખનૌના ચારબાગ પાન દરીબા, અલીગંજ, ગોમતીનગર, મહાનગર અને ઠાકુરગંજમાં સવારથી દારૂની દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી. અનેક લોકો ફેસ માસ્ક પહેર્યા વગર જ લાઈનમાં ઊભા રહ્યા હતા. લખનઉન મામા ચાર રસ્તા પર ડ્યુટીમાં લાગેલા પોલીસ કર્મચારીઓ પણ માસ્ક વગર ફરજ બજાવતા હતા.

સ્ટોક કરવા માટે લાગી હોડ

અનેક શહેરોમાં દુકાનનો સમય સવારે સાતથી 10 અથવા સાતથી 12 કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો. દુકાનો પર ભારે ભીડ થવાથી ધક્કામુક્કી જોવા મળી હતી. લોકો દારૂનો સ્ટોક ભરવાના પ્રયત્નો કરતા હતા.

કોઈ ગુણી લઈને તો કોઈ મોટી બેગ લઈને આવ્યું

લોકો શરાબનો સ્ટોક કરવા માટે વાઈન શોપ્સ પર મોટા થેલા લઈને પહોંચી ગયા હતા. કોઈ ગુણી લઈને પહોંચ્યું હતું તો કોઈ મોટી બેગ લઈને પહોંચ્યું હતું. લોકો ભારે માત્રામાં રૂપિયા લઈને દારૂનો સ્ટોક ભેગો કરતા નજરે ચઢ્યા હતા.

ભારતીય ટીમનો બોલિંગ કોચ બનવા માગે છે શોએબ અખ્તર

મુંબઈઃ પાકિસ્તાનનો ભૂતપૂર્વ ટેસ્ટ ફાસ્ટ બોલર શોએબ અખ્તર અવારનવાર એવા નિવેદનો કરતો રહે છે જેને કારણે એ ચર્ચામાં રહે છે.

હવે એણે એક નવી વાત કરી છે. એણે ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

અખ્તરની આ ઈચ્છાને કારણે હવે સૌનું ધ્યાન એની તરફ આકર્ષિત થયેલું રહેશે.

ભૂતપૂર્વ ઝંઝાવાતી ફાસ્ટ બોલર અખ્તરે તેની આ ઈચ્છા એક ઈન્ટરવ્યૂમાં વ્યક્ત કરી છે. એના ટેકામાં તેણે એમ કહ્યું છે કે એ ટીમ ઈન્ડિયાનો બોલિંગ કોચ બનીને પોતે ભારતમાં પોતાની જેવા ફાસ્ટ બોલરો બનાવવા માગે છે.

‘રાવલપીંડી એક્સપ્રેસ’ના હુલામણા નામે ઓળખાયેલા અખ્તરે હેલો એપ મારફત ઈન્ટરવ્યૂ આપતાં આમ કહ્યું.

એણે કહ્યું કે, ભારતીય ટીમમાં હાલ જસપ્રીત બુમહાર અને ભૂવનેશ્વર કુમાર જેવા ફાસ્ટ બોલરો છે, પણ જો મને બોલિંગ કોચ બનવાનો મોકો આપવામાં આવે તો હું ટીમનો બોલિંગ કોચ બનવાનું જરૂર પસંદ કરીશ.

અખ્તરને એ પણ સ્પષ્ટપણે જણાવ્યું કે જો એને આઈપીએલની ટીમનો કોચ બનવાનો મોકો આપવામાં આવે તો એ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ સાથે જોડાવાનું પસંદ કરશે.

શોએબ અખ્તરે ભારતીય ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના બહુ વખાણ કર્યા છે. કહ્યું કે પંડ્યામાં દુનિયાના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બનવાની ક્ષમતા છે.

એક અન્ય સવાલના જવાબમાં અખ્તરે કહ્યું કે, સચીન તેંડુલકર કરતાં એને રાહુલ દ્રવિડને આઉટ કરવાનું વધારે અઘરું પડતું હતું.

રોકાણકારે નોમિનેશન, વસિયતનામું કરાવવું કેમ જરૂરી હોય છે?

આપણાં નાણાકીય રોકાણો પોતાનાં અનેક સ્વપ્નોને સાકાર કરવા માટે થયેલાં હોય છે. આથી એકેએક રોકાણ મહત્ત્વનું હોય છે. તમે નાણાં સૅવિંગ્સ ખાતામાં રાખો કે ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખો કે પછી બીજા કોઈ સ્વરૂપમાં રાખો, સૌથી પહેલાં તમારે સ્વજનોને વીમાની સુરક્ષા આપવી જરૂરી છે. ઈક્વિટીમાં પ્રત્યક્ષ રીતે કે મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણ કરો અથવા પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કે અન્ય સાધનમાં રોકાણ કરો ત્યારે સૌથી પહેલાં તેની પાછળનું નાણાકીય લક્ષ્ય સ્પષ્ટ હોવું ઘટે. એ સ્પષ્ટતા હોવા ઉપરાંત બીજી એક સ્પષ્ટતા ઘણી જરૂરી છે. એ છે નોમિનેશન.

આજે આપણે નોમિનેશનના મહત્ત્વ વિશે વાત કરવાની છે. તમારાં નાણાં જ્યાં પણ રોકાયેલાં હોય ત્યાં નોમિનેશન કરાવી લેવાનું અગત્યનું છે. રોકાણ કરો ત્યારે એ જ ફોર્મમાં એટલે કે એ જ વખતે નોમિનેશનની વિગતો પણ નક્કી કરીને જણાવી દેવી જોઈએ. જો કે, સવાલ એ છે કે શું ફક્ત નોમિનેશન કરાવી લેવાથી એ નાણાં તમારા સ્વજનોને મળી જશે?

નોમિનેશન બાબતે જણાવવાનું કે તેનાથી નોમિનીને એ નાણાં સંભાળનાર વ્યક્તિ એટલે કે ટ્રસ્ટી તરીકેનો જ અધિકાર મળે છે. એ નાણાં મેળવવાનો ખરો અધિકાર તો રોકાણકારના કાનૂની વારસદારને હોય છે.

હું જ્યારે પણ મારા ક્લાયન્ટ્સ સાથે કે સામાન્ય જનતા સાથે વાતચીત કરતી હોઉં છું ત્યારે એમની એક જ માન્યતા ધ્યાનમાં આવે છે કે નોમિનેશન કરાવી દીધું એટલે પત્યું. આ ગેરમાન્યતાને કારણે જ લોકો કાનૂની વસિયતનામું (વિલ) કરાવતા નથી.

અહીં ખાસ જણાવવાનું કે નોમિનેશન અને વસિયતનામું (વિલ) બન્ને અલગ અલગ વસ્તુ છે.

વસિયતનામું કાનૂની દસ્તાવેજ છે, પરંતુ એ જરૂરી નથી કે તેનું લખાણ સ્ટૅમ્પ પૅપર પર જ લખવું જોઈએ. સાદા કાગળ પર હાથેથી લખેલું કે ટાઇપ કરાવાયેલું લખાણ પણ ચાલે છે. ખરું પૂછો તો હાથે લખેલું વિલ વધારે સારું, કારણ કે તેમાં કાનૂની દાવપેચ થવાનું મુશ્કેલ હોય છે. 1925ના ભારતીય વારસા ધારા મુજબ સ્થિર મગજની અને પ્રૌઢ વયની કોઈ પણ વ્યક્તિ પોતાનું વિલ બનાવી શકે છે.

વિલ બાબતે એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટતા કરીએ. ધારો કે રામભાઈએ જીવન વીમો કઢાવ્યો હતો અને એમાં એમણે પોતાના ભાઈ રમેશને નોમિની બનાવ્યા હતા. રામભાઈના અવસાન પછી જ્યારે એમનું વસિયતનામું જોવામાં આવ્યું ત્યારે જાણ થઈ કે એમણે એ પોલિસીની રકમ પોતાનાં પત્ની (કાનૂની વારસદાર) પ્રીતિબેનને મળે એવું લખ્યું હતું.

આ કિસ્સામાં વીમાકંપનીએ રકમ નોમિનીને આપવી પડે, કારણ કે કાયદો નોમિનીને રકમ આપવા માટેનો છે. જો રામભાઈ પોતાનાં પત્નીને જ બધું આપવા માગતા હતા તો એમણે નોમિની તરીકે પ્રીતિબેનનું જ નામ લખવું જોઈતું હતું. જો એમણે એમ કર્યું હોત તો રકમ સીધેસીધી પ્રીતિબેનને મળી ગઈ હોત.

આ કિસ્સામાં ધારો કે રામભાઈએ કોઈ વસિયતનામું બનાવ્યું ન હોત તો એમનાં નાણાંની ફાળવણી ભારતીય વારસા ધારા મુજબ કરવામાં આવી હોત.

હવે કોઈને સવાલ થશે કે જો નોમિનેશન કરતાં વસિયતનામું વધારે મહત્ત્વનું હોય તો નોમિનેશન કરાવવાની જરૂર જ શું છે?  આ સવાલના જવાબમાં કહેવાનું કે બન્ને વસ્તુ મહત્ત્વની છે. નાણાં કે ઍસેટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાનાં બે પાસાં હોય છે.

1: નોમિનેશન કરાવેલું હોય તો બૅન્ક કે નાણાકીય સંસ્થા મૃતક વ્યક્તિના નોમિનીને કોઈ પણ પ્રકારની ઝંઝટ કે વિલંબ વગર નાણાં ટ્રાન્સફર કરી શકે છે.

2: વસિયતનામું કરેલું હોય તો એ નાણાં કોને કેટલા પ્રમાણમાં આપવાનાં છે એ સ્પષ્ટ થાય છે. આ રીતે કાનૂની વારસદારોને સહેલાઈથી તેમનો હિસ્સો આપી શકાય છે.

કોરોના વાઇરસને પગલે લોકો જ્યારે મોટી સંખ્યામાં મારી પાસે સલાહ લેવા લાગ્યા ત્યારે એમની સંખ્યાબંધ નાણાકીય ત્રુટિઓ કે ભૂલો જોવા મળી છે. આથી સૌને કહેવાનું કે લોકડાઉનના આ સમયગાળાનો સદુપયોગ કરીને સૌથી પહેલાં બધાં રોકાણોની યાદી બનાવો, તેમાં નોમિનેશન કોનું કરાવ્યું છે એ જોઈ લો અને આ કામ પરિવાર સાથે બેસીને કરો, જેથી દરેક સભ્યને તેના વિશે સ્પષ્ટ ખયાલ આવે. વસિયતનામું બનાવવું હોય તો નાણાકીય સલાહકારની મદદ લઈ શકાય છે.

ઉપર કહ્યું એમ, જો નોમિની અને કાનૂની વારસદાર સમાન હોય તો નાણાં સહેલાઈથી વારસદારને મળી જાય છે, અન્યથા એમણે મૃત્યુનું પ્રમાણપત્ર, સંબંધનો પુરાવો, પ્રોબેટ, વગેરે પૂરાં પાડવાની ઝંઝટમાંથી પસાર થવું પડે છે.

  • ખ્યાતિ મશરૂ-વસાણી (ચાર્ટર્ડ વેલ્થ મેનેજર)

અમેરિકન કંપની સિલ્વર લેકનું રિલાયન્સ જિયોમાં 5655.75 કરોડનું મૂડીરોકાણ

નવી દિલ્હીઃ અમેરિકાની મોટી પ્રાઇવેટ ઇક્વિટી કંપની સિલ્વરલેક રિલાયન્સ જિયો પ્લેટફોર્મમાં 1.15 ટકા હિસ્સો 75 કરોડ ડોલર એટલે કે આશરે રૂ. 5,655.75 કરોડમાં ખરીદશે. આ સોદાના હિસાબે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોની વેલ્યુ રૂ. 5.15 લાખ કરોડ (65 અબજ ડોલર) થઈ ગઈ છે. સિલ્વર લેકના આ સોદાથી ફેસબુક સોદાની તુલનાએ વધુ વેલ્યુએશને થયો છે. સિલ્વર લેક ટેક્નોલોજીએ વર્ષ 2013માં પર્સનલ કોમ્પ્યુટર કંપની ડેલનું હસ્તાંતરણ કર્યું હતું, જે પછી એ લાઇમલાઇટમાં આવી હતી.

12.5 ટકા પ્રીમિયમે સોદો થયો

ફેસબુકના મુકાબલે સિલ્વર લેકની સાથે જિયોનો સોદો વધુ આકર્ષક અને લાભકારક રહ્યો છે, કેમ કે ટેક્નોલોજીથી જોડાયેલી કંપનીઓમાં રોકાણ કરવાને મામલે સિલ્વર લેક વિશ્વની દિગ્ગજ કંપનીઓમાં સામેલ છે. સિલ્વર લેકનું સંયુક્ત AUM (એસેટ અન્ડર મેનેજમેન્ટ) 43 અબજ ડોલરનું છે. કંપનીએ આશરે 100થી કંપનીઓમાં વધુ મૂડીરોકાણ કર્યું છે અને એના અધિકારી સિલિકોન વેલી, ન્યુયોર્ક, હોંગકોંગ અને લંડનમાં મોજૂદ છેરિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ સ્વાગત કર્યું

રિલાયન્સ ઇન્ડ. લિ.ના ચેરમેન મુકેશ અંબાણીએ સિલ્વર લેક સાથેના સોદાનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, ‘અમે સિલ્વર લેકની સાથે પાર્ટનરશિપ કરવા માટે ખુશ છીએ, એટલે ઇન્ડિયન ડિજિટલ સિસ્ટમનું ટ્રાન્સફોર્મ થશે અને એ ઝડપથી ગ્રોથ કરશે. અમે આ સોદાથી ઘણા ઉત્સાહિત છીએ.’ તેમણે કહ્યું હતું કે આ સોદાથી ઇન્ડિયન ડિજિટલ સોસાયટીને બહુ મોટો લાભ થશે. સિલ્વર લેકનો રેકોર્ડ આઉટસ્ટેન્ડિંગ છે અને એ ટેક અને ફાઇનાન્સમાં એક સન્માનિત નામ છે.

ફેસબુકે જિયોમાં 9.9 ટકા હિસ્સો ખરીદ્યો

ગઈ 22 એપ્રિલે ફેસબુક કંપનીએ જિયોમાં 9.9 ટકા હિસ્સો રૂ. 43,574 કરોડમાં ખરીદ્યો હતો. આ સોદા પ્રમાણે જિયોની વેલ્યુ રૂ. 4.62 લાખ કરોડ થાય છે.

દેશની સોથી મોટી ટેલિકોમ કંપની

જિયોનું લોન્ચિંગ વર્ષ 2016માં કરાયું હતું. ત્રણ વર્ષમાં જ એ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની બની ગઈ છે. કંપનીની પાસે આશરે 34 કરોડથી વધુ ગ્રાહકો છે. હવે કંપનીની માર્કેટ વેલ્યુ વધીને રૂ. 5.15 લાખ કરોડ થઈ ગઈ છે.

 

મુંબઈમાં સાર્વજનિક ગણેશોત્સવ સાદાઈથી ઉજવવાનો નિર્ણય લેવાયો

મુંબઈઃ હજી તો મે મહિનાની શરૂઆત થઈ છે, તે છતાં આ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવની સાદાઈપૂર્વક ઉજવણી કરવાનો નિર્ણય અત્યારથી જ લઈ લેવામાં આવ્યો છે, કારણ કે દર વર્ષે મે મહિનાની આખરથી ગણેશોત્સવની તૈયારીઓનો આરંભ કરાતો હોય છે.

આ વર્ષે મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્ય, ભારત અને સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસની જીવલેણ બીમારીએ હાહાકાર મચાવી દીધો છે. સેંકડો, હજારો, લાખો મરણ થયા છે ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી આ વર્ષે ફિક્કી બની રહેવાની શક્યતા છે.

બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ મંડળના પ્રમુખ નરેશ દહિબાવકરે એક મહત્ત્વની અપીલ શહેરના તમામ સાર્વજનિક મંડળોને કરી છે કે આ વર્ષે ગણેશોત્સવ અત્યંત સાદાઈથી ઉજવવાનો છે.

આ માટે મંડળ પ્રમુખે ભૂતકાળનું ઉદાહરણ આપતા કહ્યું કે દાયકાઓ પહેલાં પ્લેગની બીમારી ફાટી નીકળી હતી ત્યારે પણ ગણેશોત્સવ સાદાઈથી ઊજવવામાં આવ્યો હતો.

મંડળ પ્રમુખ દહિબાવકરની આ અપીલને બહુમતી પ્રસિદ્ધ ગણેશોત્સવ મંડળોએ સમર્થન વ્યક્ત કર્યું છે.

મંડળ પ્રમુખે કહ્યું કે સાર્વજનિક ગણેશોત્સવ વખતે ભક્તો-શ્રદ્ધાળુઓની અપાર ભીડ થતી હોય છે, પરંતુ આ વખતે ફેલાયેલા કોરોના વાઈરસનું જોખમ આગામી કેટલાક મહિનાઓ સુધી પણ રહેશે. પરિણામે ભાવિકો તથા ગણેશમંડળોના કાર્યકર્તાઓના જાન જોખમમાં ન આવી પડે એ હેતુથી આ વખતનો સાર્વજનિક ગણેશોત્સવ એકદમ સાદાઈથી ઉજવવાનો રહેશે.

કોરોના બીમારીને કારણે અનેક સપ્તાહો સુધી લોકડાઉન લાગુ કરાતા તમામ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિઓ બંધ છે. લોકડાઉનને કારણે આર્થિક પ્રવૃત્તિઓને કારમો ફટકો પડ્યો છે. એને ધ્યાનમાં રાખીને આ વખતે ભગવાન ગણપતિની મૂર્તિઓ તેમજ સાર્વજનિક ગણેશોત્સવ મંડળોની સજાવટમાં બિનજરૂરી ખર્ચો અને ભપકો ટાળે એવી મંડળમાલિકો-સંચાલકોને અપીલ કરવામાં આવી છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા 42,500ને પાર, 1373 લોકોનાં મોત

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને ફેલાતો રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉન ત્રણના તબક્કાનો આજથી પ્રારંભ થાય છે. દેશમાં કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 42,500ને પાર થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી. મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરાના વાઇરસથી અત્યાર સુધી 1373 લોકોનાં મોત થયાં છે અને આ વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 42,533 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 2,553 નવા કેસ સામે આવ્યા છે અને 72 લોકોનાં મોત થયા છે . થોડા રાહતના સમાચાર એ છે કે આ બીમારીમાંથી અત્યાર સુધી 11,707 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. દર્દીઓનો રિકવરી રેટ 27.52 ટકાએ પહોંચ્યો છે.  

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 35 લાખને પાર

કોરોના વાઇરસ અત્યાર સુધી 187 દેશોમાં  ફેલાઈ ચૂક્યો છે.  વિશ્વભરમાં 35,06,757 કેસો નોંધાઈ ચૂક્યા છે અને 2,47,452 લોકોનાં મોત થયાં છે. જોકે 21,34,137 લોકોની સારવાર ચાલુ છે અને 11,25,168 લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.

દેશમાં કોરોના વાઇરસ કેસોની સંખ્યા રાજ્યવાર નીચે મુજબ છે.

 

ભારતવાસીઓ કેટલીક છૂટછાટો સાથે આજથી ‘લોકડાઉન 3’ હેઠળ

નવી દિલ્હીઃ લોકડાઉન 3.0 આજથી શરૂ થઈ ચૂક્યું છે. કોરોના વાઈરસ મહાબીમારીના કેસોની સંખ્યાને હિસાબે દેશને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. આ હિસાબે ઘણા જિલ્લાઓને રાહત આપવામાં આવી છે. આકરી શરતો સાથે સરકારે આ દરમિયાન મોટી રાહતો આપી છે. ગ્રીન ઝોનવાળા 319 જિલ્લા રાહતના શ્વાસ લેશે, જ્યારે ઓરેન્જ અને રેડ ઝોનમાં પણ કેટલીક રાહતો આપવામાં આવી છે. જોકે ઘણાં રાજ્યોએ સૌથી વધુ સંક્રમિત શહેરોને સંપૂર્ણ લૉકડાઉનમાં રાખ્યાં છે. દેશના કુલ 733 જિલ્લામાંથી 82 ટકા જિલ્લા ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં છે, ત્યાં આજથી વેપાર-ધંધા, ઉદ્યોગો ધીમે-ધીમે વધવાનું શરૂ થશે.

કેન્દ્ર સરકારે દેશભરમાં 319 જિલ્લાને કોરોના ફ્રી માની એમને ગ્રીન ઝોન બનાવ્યા છે. જ્યારે 284 જિલ્લાઓમાં કોરોનાનું સામાન્ય જોખમ છે અને આ ઓરેન્જ ઝોન છે. જોકે 130 જિલ્લા એવા છે, જ્યાં કોરોનાનાં કેસ વધુ છે, એને રેડ ઝોન તરીકે ગણાવવામાં આવ્યા છે.

રેડ ઝોનમાં શું ખૂલશે?

લોકડાઉન-3 દરમ્યાન સાઇકલ રિક્શા, ઓટોરિક્શા, ટેક્સી અને કેબ પર પ્રતિબંધ, હેર કટિંગ સલૂન, સ્પા અને બ્યુટિ પાર્લર પર પણ પ્રતિબંધ છે.

રાહત

સ્પેશિયલ ઇકોનોમિત ઝોન, નિકાસ કરતી કંપનીઓ, ઔદ્યોગિક એસ્ટેટ અને ઔદ્યોગિક ટાઉનશિપ સહિત શહેરી ક્ષેત્રોમાં ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રિયલમાં નિયંત્રણ સાથે કામકાજને મંજૂરી.

શહેરી ક્ષેત્રોમાં બાંધકામ પ્રવૃત્તિને શરતી મંજૂરી – શ્રમિકોને બહાર નહીં નીકળવા દેવાય.

મોલ્સ-બજારોને ખોલવા નહીં દેવાય.

એકલદોકલ દુકાનો ખોલી શકાય છે અને અહીં વેચાણમાં આવશ્યક અને બિન-આવશ્યક ચીજવસ્તુઓનો ભેદભાવ નહીં રહે.

રેડ ઝોનમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓ માટે ઈ-કોમર્સ કામકાજને મંજૂરી.

ખાનગી ઓફિસો એક તૃતિયાંશ કર્મચારીઓ સાથે ખોલી શકાય. બધી સરકારી ઓફિસોમાં ઉપ સચિવ સ્તરની ઉપરના અધિકારીઓ કામ કરશે અને બાકી કર્મચારીઓમાં એક તૃતીયાંશ કર્મચારીઓ ઓફિસ આવશે.

ઓરેન્જ ઝોનમાં કેટલી રાહત?

ઓરેન્જ ઝોનના 284 જિલ્લાઓને પણ લોકડાઉન 3.0માં રાહત મળી છે. અહીં દારૂ, પાનની દુકાનો ખૂલશે. હેર કટિંગ સલૂન, સ્પા ખોલવા માટે મંજૂરી, મેડિકલ ક્લિનિક અને ઓપીડી સર્વિસ શરૂ કરી શકાશે. ઓટો રિક્ષા, ટેક્સીમાં બે મુસાફરોને સાથે પ્રવાસ કરવાની મંજૂરી. ઇન્ડસ્ટ્રી, ઈ-કોમર્સ સર્વિસ, ખેતીથી જોડાયેલાં કામ અને બેન્કથી જોડાયેલાં કામને મંજૂરી અપાઈ છે.

ગ્રીન ઝોનમાં આટલી રાહત

બધી શિક્ષણ સંસ્થાઓ, કોલેજ, સ્કૂલ અને કોચિંગ સેન્ટર બંધ રહેશે, માત્ર ઓનલાઇન ટીચિંગની મંજૂરી છે.

બધા પ્રકારની હોટલ બંધ, જેને મંજૂરી મળી છે, એ ખૂલી રહી શકશે.

તમામ પ્રકારના સમારોહના આયોજન પર પ્રતિબંધ,

બધા પ્રકારનાં ધાર્મિક સ્થળો બંધ રહેશે.

સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા 144 કલમ લાગુ. સાંજે સાત વાગ્યાથી સવારે સાત સુધી પ્રતિબંધ લાગુ રહેશે.

મેડિકલ તપાસ સિવાય સિનિયર સિટિઝન અને 10 વર્ષની નીચેનાં બાળકો અને ગર્ભવતી મહિલાઓને બહાર નીકળવાની મનાઈ રહેશે.

રેડ ઝોનના કન્ટેનમેન્ટ વિસ્તારોમાં હોસ્પિટલો અને ક્લિનિકના ઓપીડી બંધ રહેશે, રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં મંજૂરી લઈને ખુલ્લાં રહી શકશે.

આજે મજૂરો માટે લડનારા દત્તા સામંત નથી

બિહારના નિતિશ કુમારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. પ્રથમ તો તેમણે કહ્યું કે રોજમદારોને રાજ્યમાં બોલાવવાની મંજૂરી ઉત્તર પ્રદેશ સરકારને અપાઈ તે એક પ્રકારનો ભેદભાવ છે. ભાજપની ઉત્તર પ્રદેશની સરકારના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ એક માત્ર એવા મુખ્ય પ્રધાન છે જે પોતાની રીતે નિર્ણયો કરી રહ્યા છે. બાકીના મુખ્ય પ્રધાનો દિલ્હીથી આદેશ આવે તેની રાહ જોઈને બેઠા હોય છે. યોગીએ જ સૌ પ્રથમ 1000 બસો નોઇડા મોકલી હતી, જેથી દિલ્હીથી કામદારોને વતનમાં લાવી શકાય. તે પછી તેમણે 300 બસો રાજસ્થાનના કોટા મોકલીને વિદ્યાર્થીઓને વતન પરત લાવ્યા. તે વખતે બિહારના વિદ્યાર્થીઓનું કોણ એવો સવાલ થયેલો.

નિતિશ બરાબરના મૂંઝાયા, કેમ કે સુશાસન બાબુની છાપ ઊભી કરવાની કોશિશ કરનારા નિતિશ તદ્દન નાકામ મુખ્ય પ્રધાન સાબિત થયા છે. તેમનો વહિવટ અત્યંત કંગાળ સાબિત થઈ રહ્યો છે. હું તો વિદ્યાર્થીઓને પરત બોલાવીશ નહિ તેવું કહ્યું ત્યારે તેમનું અમાનવીય પાસું પણ બહાર આવી ગયું. પરંતુ કદાચ તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થવાની છે. કેમ કે વિદ્યાર્થીઓને તમે પરત લાવો, એટલે કે મધ્યમ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લાખો રૂપિયાની ફી ભરીને છેક કોટા ભણવા ગયેલા વિદ્યાર્થીઓ માટે બસ દોડાવો… ને બિચારા પેટિયું રળી ખાતા, ગરીબ વર્ગના કામદારો ને રોજમદારોનું શું? રોજમદારોને ડંડા મારીને ઠેર ઠેર શાળા જેવી સરકારી જગ્યાઓમાં પૂરી દેવાયા છે.

આ બધા જ રોજમદારો સમસમીને બેઠા છે, કેમ કે તેમને વગર વાંકે અટકાવી દેવાયા છે. કોરાના ચેપ તો વિમાનોમાં ઉડનારા ધનપતિઓ લાવ્યા અને રસ્તા પર ચાલીને જઈ રહેલા રોજમદારો અને કામદારો ફસાઈ ગયા. તેથી હવે તેમને વતન પહોંચાડવા પણ જરૂરી બન્યા. તે માટે ચૂપચાપ ટ્રેનો પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે નિતિશકુમારની હાલત કફોડી થઈ ગઈ – કેમ કે દેશભરમાંથી 28 લાખ કામદારોએ વતન બિહારમાં જવા માટે નોંધણી કરાવી છે. આ તો પ્રાથમિક આંકડો છે, જાણકારો કહે છે કે આંકડો 35થી 40 લાખ સુધી પહોંચી શકે છે. રાજસ્થાનમાંથી 12 લાખ કામદારોએ બહાર જવા માટે નોંધણી કરાવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર, તમિલનાડુ વગેરે ઔદ્યોગિક રાજ્યોના આંકડાં આવશે ત્યારે આંકડો કરોડ ઉપર પહોંચી જાય તો નવાઈ નહિ.

નિતિશકુમાર ફફડ્યા છે કે તેમણે 40થી 50 લાખ કામદારોને વતન બોલાવીને કમસે કમ બે મહિના સાચવવા પડશે. આગળ શું પરિસ્થિતિ આકાર લે છે તે સ્પષ્ટ નથી, પણ મજૂર દિવસ પહેલી મેએ પસાર થયો ત્યારે ઘણાએ અફસોસ કર્યો હશે કે આજે કામદારો માટે બોલનારા કોઈ નેતા નથી. દેશનું રાજકારણ એવું બદલાયું છે કે ધનિક અને વગદાર લોકોના જ હિતો જોવામાં આવે છે, ખેડૂતો અને કામદારોની કોઈને પરવા નથી. ખેડૂતો અને કામદારો કોઈની વૉટબેન્ક રહ્યા નથી. મધ્યમ વર્ગ માત્ર વૉટબેન્ક તરીકે રહી છે ત્યારે મધ્યમ વર્ગને માફક આવે તે રીતે કામ થાય છે, રોજમદારો તો રખડી ખાય…

મુંબઈમાં પણ લાખોની સંખ્યામાં કામદારો છે તે વતન જવા માગે છે. પ્રથમ લૉકડાઉનના અંતે બીજા લૉકડાઉનની જાહેરાત થઈ ત્યારે રેલવે સ્ટેશને કામદારો એકઠા થઈ ગયા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે માટે ભારે મૂઝવણ ઊભી થઈ હતી. આખા મામલાએ રાજકીય અને ધાર્મિક વિભાજનનો પણ રંગ લીધો હતો, ત્યારે તેમણે સંભાળીને કામ લેવું પડે તેમ હતું. ઉદ્ધવ ઠાકરેએ ત્યારે કામદારોએ વિનંતી કરેલી કે તમે અહીં જ રહો, તમારી બધી જ સગવડો સરકાર સાચવશે. પરંતુ હવે ત્રીજા લૉકડાઉન વચ્ચે તેમણે પણ વાસ્તવિકતા સ્વીકારવી પડી છે કે કામદારોને તેમના વતન મોકલવા સિવાય છૂટકો નથી. તેથી ટ્રેનો માટેની માગણી તેમણે પણ કરી છે.
આ નિર્ણયો સ્થિતિને કારણે અને હવે ઠેર ઠેર કામદારો અને મજૂરોને સાચવીને રખાયા છે તેમાં રોષ ઊભો ના થાય તે માટે લેવા પડ્યા છે. તેમનો કોઈ નેતા નથી કે તેમના વતી બોલનારો કોઈ કામદાર નેતા કે કામદાર સંઘ પણ નથી. તેથી જ ઘણાએ દત્તા સામંતને યાદ કર્યા હતા કે કેવી રીતે એક જમાનામાં મુંબઈના મીલ કામદારો માટે તેમણે લડત આપેલી.

દત્તા સામંત સીટુ સાથે જોડાયેલા કામદાર નેતા હતા. કોંગ્રેસના ધારાસભ્ય પણ બનેલા, પરંતુ પોતાને પ્રથમ કામદાર નેતા ગણતા હતા. તેથી કોંગ્રેસની નીતિઓ ના ફાવી ત્યારે કોંગ્રેસ પણ છોડી દીધેલી. મુંબઈની મીલોમાં કામ કરતાં કામદારોમાં તેમની ભારે પકડ હતી. મીલ માલિકો પાસેથી તેમણે વારંવાર પગાર વધારો મીલ કામદારોને અપાવેલો. ગીરગામ વિસ્તાર મધ્ય મુંબઈમાં હતો ત્યાં સેંકડો ટેક્સટાઇલ મીલો ધમધમતી હતી. મીલ કામદારોના નેતા તરીકે દત્તા સામંતની વગ એટલી ભારે હતી કે રાષ્ટ્રીય નેતાઓ પણ તેમનાથી ફફડતા હતા. કટોકટી વખતે દત્તા સામંતને પણ ઇન્દિરા ગાંધીએ જેલમાં નાખી દીધા હતા. સામંતને તોડવા માટે ઇન્દિરા ગાંધીએ ઘણી કોશિશ કરી હતી, પણ સામંત સહેલાઈથી હાર માને તેવા નહોતા.

જોકે આખરે કામદારો માટેની લડાઈમાં જ દત્તા સામંત ખપી ગયા. તેમની હત્યા થઈ ગઈ હતી અને હત્યા પાછળ છોટા રાજનની ગેંગનો હાથ હોવાનું માનવામાં આવતું હતું. જોકે હત્યા પહેલાં જ તેઓ એક રીતે ખતમ થવાની તૈયારીમાં હતા. આ વાત છે તેમણે પાડેલી છેલ્લી મોટી મીલ હડતાળ. ગીરગામના મીલ માલિકો પાસે તેમણે 1981ના મધ્યમાં ફરી એકવાર પગાર વધારો માગ્યો. કામદારોનું લઘુમત વેતન 670 રૂપિયાથી વધારીને 940 રૂપિયા કરવાની તેમની માગણી હતી.

આ વખતે મીલમાલિકો પણ ઝૂકવા તૈયાર નહોતા. મીલમાલિકોને રાજકારણીઓ અને લાલચુડા બિલ્ડરોનો પણ સાથ મળ્યો હતો. ગીરગામ મધ્ય મુંબઈમાં અને ફાટફાટ થતા મુંબઈના બિલ્ડરોનો ડોળો કોઈ પણ ખુલ્લી અને વિશાળ જમીન પર હોય. ગીરગામમાં ગંજાવર પ્લોટમાં ટેક્સટાઇલ મીલો આવેલી હતી. આ મીલોને બંધ કરીને જમીન ખાલી કરાવાય તો ત્યાં બહુમાળી ઈમારતો બની જાય. 1981માં માગણી થઈ અને વાટાઘાટો ચાલી પણ આ વખતે દત્તા સામંતની હડતાળનો ખોફ પણ ના ચાલ્યો. આખરે 18 જાન્યુઆરી 1982ના રોજ દત્તા સામંતે હડતાળનું એલાન આપ્યું. ગીરગામની મીલોના ભૂંગળા બંધ થઈ ગયા અને સંચાનો ધમધમાટ થંભી ગયો.

બે લાખ જેટલા મીલ કામદારો હડતાળમાં જોડાયા હતા. શરૂઆતમાં ધરણા પ્રદર્શન પછી ધીમે ધીમે ગીરગામમાં સન્નાટા જેવું થઈ ગયું હતું. અત્યારે કોરોનાને કારણે સન્નાટો છે તેવો સન્નાટો મીલો બંધ અને કામદારોની આવનજાવન બંધ થઈ એટલે છવાયો હતો. જોકે રાજકારણીઓ અને બિલ્ડરોએ ભેગા મળીને આ વખતે કામદારોનો ખો કાઢી નાખવાનો નિર્ણય કરી નાખ્યો હતો. એટલે મીલો કાયમી બંધ થવા લાગી. મીલમાલિકો સુરત અને અમદાવાદમાં ટેક્સટાઇલ યુનિટો ખસેડવા લાગ્યા અને અહીંની લગડી જેવી જમીનો ભૂમાફિયા નેતાઓ અને બિલ્ડરોને હવાલે કરી દીધી. ભારતના કામદાર સંઘના ઇતિહાસમાં સૌથી લાંબી એવી બે વર્ષ સુધી હડતાળ ચાલી. અનેક કામદારો બરબાર થઈ ગયા. અનેક કુટુંબો વતન પરત જતા રહ્યા. અનેક લોકો બીજી મજૂરીએ લાગી ગયા. દત્તા સામંત જીદે ચડ્યા હતા અને સમાધાન કરવા તૈયાર નહોતા. મીલમાલિકો પણ આ વખતે સમાધાન કરવાના બદલે મીલો મુંબઈની બહાર લઈ જવા લાગ્યા હતા.

આખરે એમ જ બે વર્ષ પછી આખી હડતાળ પોતાને જ ખાઈ ગઈ હોય તે રીતે ખતમ થઈ ગઈ. સૌથી સફળ રહેલા દત્તા સામંતને તેમની જ સફળતા ખાઈ ગઈ. હડતાળ, ધરણાં, પ્રદર્શન, દેખાવો હવે હિંસક બનવા લાગ્યા. એવું કહેવાય છે કે ઇરાદાપૂર્વક હિંસા થાય તે રીતે મુંબઈના માફિયાના ગુંડાઓને પણ ઉતારવામાં આવ્યા હતા. હડતાળ હિંસક બનતી ગઈ તે સાથે કામદારો, કામદાર સંઘ, દત્તા સામંતની બદનામી પણ વધતી ગઈ. હિંસા વધી તે પછી સીઆરપીએફને પણ બોલાવવી પડી હતી.

ધીમે ધીમે હડતાળ તૂટી ગઈ. કામદારો વિખેરાવા લાગ્યા. તેમનું જીવન પણ વિખેરાઈ ગયું હતું. બાદમાં 1997માં દત્તા સામંતની હત્યા થઈ ગઈ, પણ ત્યાં સુધીમાં દત્તા સામંત જેવા કામદાર નેતાઓ અને કામદાર ચળવળોનો યુગ આથમી ગયો હતો. 1991 પછી દેશમાં ખાનગીકરણની હવા ચાલી હતી, તેમાં હવે કામદારોના અધિકારોનું અને યુનિયનબાજીનું કોઈ મૂલ્ય નહોતું. જોકે તેનું સારું પાસું એ પણ હતું કે ખોટી યુનિયનબાજી પણ બંધ થઈ અને ઉદ્યોગોના વિકાસને મોકળો માર્ગ મળ્યો. કાર્યદક્ષતા વધી અને જે ઉદ્યોગમાં તેજી હોય ત્યાં વધુ કામદારોને, વધારે વળતર સાથે નોકરીઓ પણ મળતી થઈ.

ત્યારથી શરૂ થયેલો સીલસીલો આજ સુધી ચાલતો રહ્યો છે. લોકો ગામડાંમાંથી કમાણી ખાતર શહેરમાં આવે છે. શહેરમાં હવે યુનિયનબાજી ચાલતી નથી, પણ કાળી મજૂરી ચાલે છે. આ રોજમદારોને કાળી મજૂરી કરવાનો પણ વાંધો નથી, કેમ કે ગામડે કશું નથી મળતું ત્યારે અહીં કંઈક તો મળે છે. પણ કોરોના સંકટે અચાનક આ રોજમદારોને ત્રીભેટે મૂકી દીધા. તેમને શહેર સાચવવા તૈયાર નહોતું અને પોલીસ દંડો લઈને તેમને ગામડે જવા દેતી નહોતી. ગામડે પણ ચેપનો ભય વધ્યો એટલે આવકાર ઘટ્યો. રાજ્ય સરકારો હવે વિમાસણમાં છે કે રોજમદારોનું કેમનું કરીશું. ઉદ્યોગોને પણ ચિંતા છે કે હવે છેક 40 દિવસ પછી તેમને વતનમાં મોકલવાનું શરૂ કર્યું છે તો પરત ક્યારે આવશે.

આ બધા વચ્ચે રોજમદારોનો કોઈ કશું પૂછતું નથી કે તમારે શું કરવું છે. લૉકડાઉન કરતી વખતે પણ તેમને પૂછાયું નહોતું. તેમનો હકીકતમાં વિચાર જ નહોતો કરાયો અને એ તો સૌએ રસ્તા પર હજારો કિલોમિટર પગપાળા ચાલીને વતન જવાની વાત પકડી ત્યારે ખ્યાલ આવ્યો કે આપણી વચ્ચે રોજમદારો નામના મનુષ્યો પણ વસે છે. તેમના વિશેનો વિચાર કોઈને ના આવ્યો, કેમ કે તેમન માટે બોલનારા દત્તા સામંત જેવા યુનિયન નેતાઓ રહ્યા નથી. યુનિયન નેતાઓની આજના વૈશ્વિકરણમાં જરૂર પણ નથી, …કે પછી હજીય છે ખરી?