Home Blog Page 4820

પંચાંગ 04/05/2020

કોરોના યોદ્ધાઓને ભારતીય સેનાની અવકાશી સલામી…

કોરોના વાઈરસ રોગચાળા સામે દર્દીઓની સારવાર કરનાર અને પોતાના જાનની પરવા ન કરીને સતત સેવા બજાવનાર દેશભરની હોસ્પિટલોના ડોક્ટરો તથા અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓ તેમજ અન્ય કર્મયોદ્ધાઓનો આભાર માનવા માટે ભારતીય સેનાની ત્રણેય પાંખ – હવાઈદળ, ભૂમિદળ અને નૌકાદળે 3 મે, રવિવારે અનોખી રીત અપનાવી હતી. સેનાનાં હેલિકોપ્ટરોમાંથી દેશની કેટલીક હોસ્પિટલો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી તો લડાયક વિમાનોએ ફ્લાયપાસ્ટ કર્યું હતું.

 

‘લંકેશ’ અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર તદ્દન ખોટા

મુંબઈઃ ટેલિવિઝનની લોકપ્રિય સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનાર કલાકાર અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર છેલ્લા અમુક દિવસોથી સોશિયલ મિડિયા પર ફરતા હતા, પણ એ તદ્દન ખોટા છે. અરવિંદભાઈના નિધનની અફવા આજે પણ સોશિયલ મિડિયા પર ચાલી હતી. પરંતુ સાંજે તેમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ ફેસબુક અને ટ્વિટર પર મેસેજ મૂકીને સ્પષ્ટતા કરી હતી કે એમના કાકા અરવિંદ ત્રિવેદી એકદમ સ્વસ્થ અને કુશળ છે અને તેમના નિધન વિશેની ખોટી અફવા કોઈ ફેલાવે નહીં.

કૌસ્તુભે ટ્વીટ કર્યું

ભૂતપૂર્વ રંગભૂમિ કલાકાર અને નિર્માતા કૌસ્તુભ ત્રિવેદીએ ટવીટ કર્યું હતું કે પ્રિય સર્વજન, મારા કારા અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’  સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને સુરક્ષિત પણ છે. તમને સૌને વિનંતી છે કે અફવા ફેલાવશો નહીં અને આવી અફવા માનશો પણ નહીં. કૃપયા તેમના કુશળ હોવાના સમાચાર ફેલાવો. આભાર.

અરવિંદ ત્રિવેદીએ પણ કર્યું ટ્વીટ

 

આ પહેલાં રવિવારે બપોરે અરવિંદ ત્રિવેદીએ પણ એક ટ્વીટ કરીને ‘શ્રીકૃષ્ણ’ સિરિયલમાં સર્વદમન બેનરજીનું સોશિયલ મિડિયા પર સ્વાગત કરતું એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે ‘જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે, તમારું.’

મુંબઈમાં ‘રેડ ઝોન’માં શરાબ વેચવાની છૂટ; ‘કન્ટેનમેન્ટ’ વિસ્તારોમાં નહીં

મુંબઈઃ કોરોના વાઈરસ સામેના જંગમાં લાગુ કરાયેલા લોકડાઉન-3 દરમિયાન મહારાષ્ટ્ર સરકારે આજે એક મોટો નિર્ણય લીધો છે.

સરકારે એક નિયમમાં ફેરફાર કરીને ‘રેડ ઝોન’માં જ અમુક બિન-આવશ્યક દુકાનોને ખોલવાની પરવાનગી આપી છે. તે મુજબ, હવે મુંબઈ, પુણેમાં વાઈન શોપ શરૂ કરી શકાશે. પરંતુ, શોપિંગ મોલ્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્માં શરાબ નહીં મળે. તેમજ રાજ્યના 1000 ઘોષિત કરવામાં આવેલા ‘કન્ટેનમેન્ટ’ વિસ્તારોમાં શરાબની દુકાનો ખોલી નહીં શકાય, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન કાર્યાલયના સિનિયર આઈએએસ અધિકારી ભૂષણ ગગરાનીએ જણાવ્યું છે.

આ પૂર્વે, રેડ ઝોનમાં જીવનાવશ્યક ચીજવસ્તુઓને બાદ કરતાં બીજી કોઈ પણ ચીજના વેચાણની પરવાનગી અપાઈ નહોતી.

હવે સરકારે નિયમમાં ઢીલ મૂકી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી મહારાષ્ટ્રમાં ઝોન અનુસાર જિલ્લાઓની યાદી બહાર પાડવામાં આવી હતી.

ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પણ ઝોન મુજબ જિલ્લાઓની યાદી બહાર પાડી હતી.

આ ઝોનમાં કઈ ચીજવસ્તુઓ અને સેવાઓ વેચી શકાશે એની જાણકારી આપતી એક યાદી શનિવારે બહાર પાડવામાં આવી હતી. હવે એ નિયમોમાં રાજ્ય સરકારે અમુક છૂટછાટ આપી છે. તે અનુસાર, હવે રેડ ઝોનમાંના કન્ટેનમેન્ટ વિસ્તારોને બાદ કરતાં અન્ય ભાગોમાં બિન-આવશ્યક દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે.

શું છે આ નવા નિયમમાં…

  • રેડ ઝોનમાં કન્ટેનમેન્ટ વિસ્તારોને બાદ કરતાં અન્ય ભાગોમાં બિન-આવશ્યક દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી
  • સ્પા, હેર કટિંગ સલૂન વિશે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી
  • એક ગલીમાં માત્ર પાંચ દુકાનો જ ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે
  • રાજ્યમાં મુંબઈ, પુણે શહેરોમાં વાઈન શોપ શરૂ કરી શકાશે
  • તમામ દુકાનદાર અને ગ્રાહકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરવું પડશે
  • મોલ્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સમાં દારૂ વેચી શકાશે નહીં
  • અત્યાવશ્યક દુકાનો ખુલ્લી જ રાખી શકાશે, એ બાબતમાં કોઈ ફેરફાર કરાયો નથી.

કશ્મીર એન્કાઉન્ટરમાં ભારતે બાહોશ કર્નલ-મેજર સહિત પાંચ જવાન ગુમાવ્યા

નવી દિલ્હીઃ જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના હંદવાડા ખાતે થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર હૈદરને ઠાર કર્યો છે. આતંકવાદી હૈદર પાકિસ્તાનનો રહેવાસી હતો. પરંતુ, ગઈ કાલે સાંજથી ઉત્તર કાશ્મીરના હંદવાડામાં ચાલી રહેલા એન્કાઉન્ટરની નિરાશાજનક બાબત એ છે કે એમાં એક કર્નલ, એક મેજર અને બે જવાન સહિત પાંચ જણ શહીદ થયા છે. શહીદ થયેલાઓમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટર પણ સામેલ છે.

પાંચ-છ આતંકવાદી છુપાયા હોવાની સૂચના

છંગમુલ્લા વિસ્તારમાં પાંચ-છ આતંકવાદીઓ છુપાયા હોવાની સૂચના હતી. પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીરમાંથી 24 એપ્રિલથી આતંકવાદીઓની ઘૂસણખોરી ચાલુ હતી. એ પછી સુરક્ષા દળોએ તપાસ ઝુંબેશ આદરી હતી. સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે આ ત્રીજી અથડામણ હતી. આ વિસ્તારમાં મોબાઇલ ઇન્ટનેટ સેવા બંધ કરવામાં આવી છે.

આશુતોષ શર્માથી આતંકવાદીઓ થરથર કાંપતા

સુરક્ષા દળો અને આતંકવાદી વચ્ચેની અથડામણમાં એક કર્નલ, એક મેજર, એક પોલીસ અધિકારી સહિત પાંચ જવાન શહીદ થયાં હતા. આ ઓપરોશનમાં બે આતંકવાદી પણ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાનોમાં કર્નલ આશુતોષ શર્માનું નામ સામેલ છે, જેમની આગેવાનીમાં સુરક્ષા દળોએ આતંકવાદીઓની સામે અનેક ઓપરેશનો પાર પાડ્યાં હતાં. કર્નલ આશુતોષ શર્માની બહાદુરી એવી હતી કે તેમના નામે આતંકવાદીઓ થરથર કાંપતા હતા. 21-રાષ્ટ્રીય યુનિટના કમાન્ડિંગ ઓફિસર રહેલા કર્નલ આશુતોષ શર્માને તેમના આંતકવિરોધી ઓપરેશનોમાં સાહસ અને વીરતા માટે બે વાર વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં જીવ ગુમાવવો પડ્યો હોય એવા શહીદ આશુતોષ શર્મા રેન્કના પહેલા કમાન્ડિંગ અધિકારી છે. એમના પરિવારમાં એમના પત્ની અને 12 વર્ષની દીકરી છે.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે શ્રદ્ધાંજલિ આપી

હંદવાડામાં આતંકવાદીવિરોધી ઓપરેશનમાં બે લશ્કરી અધિકારી સહિત પાંચ જવાન શહીદ થતાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આપણા સુરક્ષા જવાનોની આ ખોટ બહુ પરેશાન કરનારી અને દર્દભરી છે. તેમણે આતંકવાદીઓ સામે અદમ્ય સાહસ બતાવ્યું હતું. દેશ સેવામાં મોટું બલિદાન આપ્યું છે. દેશ તેમની બહાદુરી અને સંઘર્ષને ક્યારેય નહીં ભૂલે.

રાજનાથ સિંહે શહીદ જવાનોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દેશ શહીદોના પરિવારોની પડખે ઊભો છે.

 

 

Exclusive chat with well known educationist Tejal Amin

Stay connected with chitralekha.com during lockdown.
Exclusive chat with well known educationist Tejal Amin

‘વિશ્વ હાસ્યદિવસ’: હસતા રહો, ખીલતા રહો અને સ્વસ્થ રહો…

તમારું સ્મિત મારો દિવસ સારો બનાવે છે. એટલે હસતા રહો અને બીજાને પણ ખુશ રાખો. ‘હેપ્પી વર્લ્ડ લાફ્ટર ડે 2020’. ‘વર્લ્ડ લાફ્ટર ડે’ દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારે દુનિયાભરમાં ખુશી ફેલાવવા માટે ઊજવવામાં આવે છે. આ વખતે આ દિવસ ત્રીજી મેએ આવ્યો છે. આ વાર્ષિક સ્તરીય ઉજવણીનો દિવસ છે, જેમાં વિશ્વભરમાં હાસ્ય અને તેનાથી થતા લાભાલાભ વિશે જાગરુકતા લાવવા માટે ઊજવવામાં આવે છે. આ વર્ષે આ ઉત્સવ કોવિડ-19ના ફેલાવાને કારણે ઓનલાઇન જ ઊજવાઈ રહ્યો છે.

જ્યારે તમે હસો છો, ત્યારે તમે તમે બદલાઈ જાઓ છો અને જ્યારે તમે બદલાઓ છો ત્યારે તમારી આસપાસની દુનિયા પણ બદલાઈ જાય છે.

શું તમે જાણો છો કે વિશ્વમાં લાફ્ટર ક્લબના રૂપમાં અગણિત સામૂહિક જૂથો છે, જે નિયમિત રૂપે આંતરરાષ્ટ્રીય હાસ્ય ટેક્નિકનો અભ્યાસ કરે છે, જે સમગ્ર જગતના કલ્યાણને પ્રોત્સાહન આપે છે. આમ તો આપણે જાણીએ જ છીએ કે હસવાથી આપણને સુખદ અનુભવ થાય છે, પણ બહુ ઓછા લોકોને માલૂમ હશે કે હાસ્ય એ એક સારો વ્યાયામ પણ છે, જે આપણા રોજિંદા સ્વાસ્થ્યને સારું બનાવે છે. એમાં કોઈ શંકા નથી કે હસવું તે માનસિક તંગદિલી અને દર્દને દૂર કરવાનો કે એને હળવું કરવાનો પ્રકાર પણ છે. આ હાસ્ય અને એના અનેક સ્વાસ્થ્યના લાભો વિશે જાગરુકતા વધારવાનો દિવસ છે.

વર્લ્ડ લાફ્ટર ડેનો ઇતિહાસ

શું તમે જાણો છો કે વિશ્વવ્યાપી હાસ્ય યોગ આંદોલનના સંસ્થાપક ડો. મદન કટારિયા દ્વારા 1998માં વર્લ્ડ લાફ્ટર ડેની શરૂઆત કરવામાં આવી હતી. 70થી વધુ દેશોમાં વર્લ્ડ લાફ્ટર ડે મેના પહેલા રવિવારે ઊજવવામાં આવે છે. ડો. કટારિયાએ 1995માં લાફ્ટર યોગ આંદોલનની શરૂઆત એ ઉદ્દેશ સાથે કરી હતી કે ચહેરાની પ્રતિક્રિયા એ દર્શાવે છે કે કોઈ પણ વ્યક્તિના ચહેરા પરના ભાવ તેની ભાવનાઓ પર અસર કરે છે. એ હાસ્યના માધ્યમથી ભાઈચારા અને દોસ્તીની વૈશ્વિક ચેતનાનું નિર્માણ પણ કરે છે.

“HAPPY-DEMIC”

“HAPPY-DEMIC” શું છે એ તમે જાણો છો? એ હતો, ભારતની બહારનો પહેલો વર્લ્ડ લાફ્ટર ડે. એ 2000માં ડેન્માર્કના કોપનહેગનના ટાઉન હોલ સ્કેવેરમાં યોજાયો હતો જેમાં 10,000થી વધુ લોકો એકત્ર થયા. એ ઘટના ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવી છે.

વર્લ્ડ લાફ્ટર ડે કેવી રીતે ઊજવાય છે?

આવા દિવસે લોકો લાફ્ટર ક્લબમાં જાય છે, એકત્ર થાય છે અને એકસાથે હસે છે. કેટલાક લોકો સોશિયલ મિડિયા પર હેશટેગ ‘વર્લ્ડ લાફ્ટર ડે’ પર સરસ મજાના જોક્સ શેર કરે છે. કોમેડી અને મનોરંજનથી ભરપૂર દોસ્તોની સાથે ફિલ્મો જુએ છે, આટલું જ નહીં લોકો પાર્કમાં એકત્ર થઈને હાસ્યના યોગનો અભ્યાસ પણ કરે છે.

પરંતુ હાલ કોવિડ-19ને કારણે દુનિયા આખી એક મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહી છે અને હાસ્ય સમારોહ ઓનલાઇન આયોજિત કરવામાં આવે છે.

હાસ્યના સ્વાસ્થ્ય લાભ કયા છે?

  • એ સંપૂર્ણ શરીરને આરામ આપે છે.
  • એ શરીરની રોગપ્રતિકારક શક્તિને બળવાન બનાવે છે, માનસિક તાણના હોર્મોનને ઘટાડે છે, સંક્રમણથી લડતા એન્ટિબોડીઝને વધારે છે.
  • એ હૃદયને મજબૂત કરે છે. હાસ્યથી રક્તવાહિનીઓની કામગીરીમાં સુધારો થાય છે અને બ્લડ સરક્યુલેશન પણ સારું થાય છે.
  • હાસ્યથી કેલરી બર્ન થાય છે. એક અભ્યાસ મુજબ દિવસમાં 10થી 15 મિનિટ સુધી હસવાથી આશરે 40 કેલેરી બર્ન થાય છે.
  • હાસ્ય લાંબો સમય સુધી જીવવામાં પણ મદદ કરે છે.
  • એ ગુસ્સાને શાંત કરે છે.
  • હાસ્ય તમને આરામ કરવામાં અને રિચાર્જ થવામાં મદદ કરે છે.
  • હાસ્ય ચિંતા અને માનસિક તાણને ઘટાડે છે.
  • આનાથી દર્દ ઓછું થઈ જાય છે.
  • માંસપેશીઓને આરામ મળે છે.
  • હાસ્ય T-કોશિકાઓને વધારે છે. આ T-કોશિકાઓ તમને બીમારી સામે લડવામાં મદદ કરે છે.
  • હાસ્ય એક કુદરતી વ્યાયામ છે.
  • આ એક પૂરક કેન્સર થેરપી છે. કેટલાક અભ્યાસ કેન્સર સારવારમાં હાસ્યનો સીધો સકારાત્મક પ્રભાવ બતાવે છે.
  • હાસ્યથી લોહીમાં ઓક્સિજન વધી જાય છે.
  • હાસ્ય યાદશક્તિમાં સુધારો કરે છે.
  • હાસ્ય રચનાત્મકતાને વધારે છે.
  • હાસ્ય સંબંધોને મજબૂત બનાવે છે.

 હાસ્ય એક ટોનિક છે, રાહત છે, દર્દ માટે દવા સમાન છે અને હાસ્ય વિના એક દિવસ પણ વ્યર્થ છે.

મોબાઇલ, લેપટોપની ઓનલાઈન ડિલીવરીને મંજૂરી; રેડ ઝોનમાં નહીં

મુંબઈઃ જો તમે ઓનલાઇન મોબાઇલ અથવા અન્ય ઇલેક્ટ્રોનિક્સ માલસામાન ખરીદવા ઇચ્છતા હો તો તમારે આવતી કાલે, સોમવારથી વધુ રાહ જોવી નહીં પડે, કારણ કે કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓને ચોથી મેથી બિનજરૂરી ચીજવસ્તુઓની ડિલિવરીની મંજૂરી આપી છે. જોકે આ શરતી મંજૂરી છે.

 

કેન્દ્ર સરકારે ચોથી મેથી એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ સહિત બધી ઈ-કોમર્સ કંપનીઓને બિનજરૂરી માલસામાનની ડિલિવરી કરવાની મંજૂરી આપી દીધી છે, પણ આ મંજૂરી માત્ર ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં રહેતા લોકો માટે જ છે.

જો તમારો વિસ્તાર ગ્રીન અથવા ઓરેન્જ ઝોનમાં છે તો તમે ચોથી મેથી મોબાઇલ, લેપટોપ સહિત અન્ય માલસામાનની ઓનલાઇન ખરીદી પણ કરી શકશો. સરકારે ચોથી મેથી આ ચીજવસ્તુઓની ડિલિવરીની મંજૂરી આપી દીધી છે.

જો તમે જ્યાં રહેતા હો વિસ્તાર રેડ ઝોન ઘોષિત કરાયો હશે, તો આ છૂટનો લાભ નહીં મળે. એટલે કે રેડ ઝોન વિસ્તારમાં હજી માત્ર આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાયની જ છૂટ છે. રેડ ઝોન વિસ્તારમાં 17 મે સુધી પહેલાંની જેમ બધા પ્રકારના પ્રતિબંધ જારી રહેશે. રેડ ઝોનમાં રહેતા લોકોને મોબાઇલ-લેપટોપની હોમ ડિલીવરીનો લાભ હમણાં નહીં મળે.

સરકારના આ સુવિધાથી ઘણા લોકોને રાહત મળશે. છેલ્લા 40 દિવસથી લોકોને બિનજરૂરી માલસામાનના વેચાણ પર પ્રતિબંધ ચાલુ છે. સરકારે લોકડાઉનનો સમયગાળો ત્રીજી વાર – 17 મે સુધી લંબાવી દીધો છે.

ગૃહ મંત્રાલયે દેશના 700થી વધુ જિલ્લાઓને રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં વહેંચી દીધા છે. આમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા બિનજરૂરી ચીજવસ્તુઓની હોમ ડિલિવરીની મંજૂરી આપી છે. જ્યારે આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરી રેડ ઝોનમાં કરી શકાશે.

કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 40,000ની નજીક, 83 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં કોવિડ-19 સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો વધીને 39,980 પર પહોંચ્યો છે. અત્યાર સુધી આ વાઇરસે 1301 લોકોનો ભોગ લીધો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. પાછલા 24 કલાકમાં 83 લોકોનાં મોત થયાં છે, જ્યારે 2644 નવા કેસ સામે આવ્યા છે. થોડા રાહતના સમાચાર એ છે કે આ બીમારીમાંથી અત્યાર સુધી 10,633 દર્દીઓ સ્વસ્થ થયા છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 34 લાખને પાર

વિશ્વમાં કોરોના વાઇરસ 187 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં કુલ 34,28,395 કેસો નોંધાયા છે અને આ વાઇરસથી અત્યાર સુધી 2,43,807 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. થોડા રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી આ બીમારીમાંથી 10,92,951 દર્દીઓ સ્વસ્થ થયા છે.

 ‘કોરોના વોરિયર્સ ડે’

દેશમાં સૌથી મોટા દુશ્મન કોરોના વાઇરસની સામે લડી રહેલા કોરોના યોદ્ધાઓને આજે ભારતીય સેનાઓએ વિશેષરૂપે આભાર વ્યક્ત કર્યો હતો. આ યોદ્ધાઓમાં ડોક્ટર્સ, નર્સ, પોલીસ, ડિલિવરી કર્મચારીઓ, બેન્ક કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ અને મિડિયા કર્મચારીઓ સામેલ છે. આ દિવસ બહુ અદભુત છે. સેનાએ કોરાન યોદ્ધાઓનો આત્મવિશ્વાસ વધારી રહી છે. આ એ લોકો છે, જે પોતાનો જીવ જોખમમાં મૂકીને કોરોના પીડિતોની સેવામાં લાગેલા છે. સેનાએ આજના દિવસને કોરોના વોરિયર્સ ડે નામ આપ્યું છે.

દેશમાં કોરોના વાઇરસની રાજ્યવાર નીચે મુજબ રહી હતી.

 

કોરોના યોદ્ધાઓનું આકાશમાંથી સમ્માન; ભારતીય સેનાએ આપી હવાઈ સલામી

નવી દિલ્હી/મુંબઈઃ પોતાનો જાન જોખમમાં મૂકીને કોરોના વાઈરસની જીવલેણ બીમારીથી દર્દીઓને બચાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહેલા સ્વાસ્થ્યકર્મીઓને આજે ભારતીય સેનાની ત્રણેય પાંખે અનોખી રીતે સલામી આપી હતી. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી, મુંબઈ, પણજી (ગોવા) સહિત અનેક શહેરોમાં હોસ્પિટલો પર હવાઈદળ, નૌકાદળ અને ભૂમિદળના હેલિકોપ્ટરોમાંથી ગુલાબના ફૂલોની પાંખડીઓની પુષ્પવર્ષા કરવામાં આવી હતી તો સશસ્ત્ર દળોના વિમાનોએ આકાશમાં ફ્લાય-પાસ્ટ કર્યું હતું.

દિલ્હીમાં પોલીસ વોર સ્મારક પર હવાઈદળના હેલિકોપ્ટરોમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

મુંબઈમાં, હવાઈદળના સુખોઈ (SU-30) વિમાનોએ મરીન ડ્રાઈવ વિસ્તાર પરના આકાશમાં ફ્લાય-પાસ્ટ કર્યું હતું અને કોરોના રોગ સામે લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ તથા અન્ય તમામ કોરોના-યોદ્ધાઓ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો.

 

ગોવાના પાટનગર પણજીમાં, ગોવા મેડિકલ કોલેજ પર હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

મુંબઈમાં, મહાનગરપાલિકા સંચાલિત J.J. હોસ્પિટલ ઉપર પણ હવાઈદળના હેલિકોપ્ટરોમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

 

નવી દિલ્હીના રાજપથ ઉપરના આકાશમાં હવાઈદળના વિમાનોએ ફ્લાય-પાસ્ટ કર્યું હતું.