Home Blog Page 4821

લોકડાઉનગ્રસ્ત ક્ષેત્રો માટે નવા આર્થિક રાહત પેકેજની ધારણા

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને દેશમાં રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે જે ક્ષેત્રોને સૌથી વધારે માઠી અસર પડી છે એમને માટે બીજું આર્થિક રાહત પેકેજ આપવાની કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલા માટે જ એમના પ્રધાનમંડળના સાથીઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી હતી. આ પ્રધાનોમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામન અને ગૃહ પ્રધાન અમિત શાહનો સમાવેશ થાય છે.

બેઠકોમાં આર્થિક બાબતોના મંત્રાલયોના ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકો છેલ્લા અમુક દિવસોથી ચાલી રહી છે. લોકડાઉનને કારણે કયા ક્ષેત્રો પર કેવી માઠી અસર થઈ છે એ વિશે વડા પ્રધાન માહિતી મેળવી રહ્યા છે અને આ ક્ષેત્રોને રાહત આપવા તેમજ એમને સજીવન કરવા માટે કેવા પગલાં લઈ શકાય અને કેવી વ્યૂહરચના ઘડી શકાય એની ચર્ચા કરી રહ્યા છે.

વડા પ્રધાન મોદીએ વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ, મુલ્કી ઉડ્ડયન પ્રધાન હરદીપ પુરી સાથે પણ બેઠક કરી હતી. એમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને વડા પ્રધાનના મુખ્ય સચિવે પણ હાજરી આપી હતી.

ગયા માર્ચ મહિનાના અંત ભાગમાં સરકારે રૂ. 1.7 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. એમાં ગરીબ લોકોને મફતમાં અનાજ અને રાંધણ ગેસ તેમજ ગરીબ મહિલાઓ તથા વરિષ્ઠ નાગરિકોને રોકડ નાણાં આપવામાં આવ્યા હતા.

હવે બીજા આર્થિક પેકેજમાં સરકાર દેશની કોર્પોરેટ કંપનીઓને રાહત આપે એવી ધારણા છે.

સરકારે લોકડાઉનને 4 મેથી ફરી બે સપ્તાહ માટે લંબાવ્યું છે, પણ દેશને ત્રણ ઝોનમાં વહેંચી દીધો છે – રેડ, ઓરેન્જ અને ગ્રીન. સરકાર અનેક રીતે આર્થિક પ્રવૃત્તિઓને ફરી શરૂ કરવાની ધીમે ધીમે પરવાનગી આપી રહી છે.

જુદા જુદા ધંધાઓ અને આર્થિક પ્રવૃત્તિઓ જે લોકડાઉનને કારણે ઠપ થઈ ગયા છે એ ફરી નોર્મલ થાય એ માટે એમને કોઈક આર્થિક રાહત પેકેજ આપવા સરકાર વિચારે છે. એ માટે સરકાર અનેક સુધારાવાદી પહેલ કરીને મૂડીરોકાણનું વાતાવરણ વેગ આપવા વિચારે છે.

કેન્દ્ર સરકારે ગઈ 24 માર્ચથી દેશભરમાં લોકડાઉન લાગુ કર્યું છે. એને કારણે વિમાન સેવા, ટ્રેન સેવા, બસ સેવા, ટેક્સી સેવા બંધ છે. પરિણામે આર્થિક પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ છે.

દારૂ, પાન-ગૂટકાની શરતી મંજૂરીથી જાવેદ અખ્તર, રવિના ટંડન ભડક્યાં

મુંબઈઃ કેન્દ્ર સરકારે કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટેના લોકડાઉનને 17 મે સુધી લંબાવ્યું છે. જોકે આ વખતે સરકારે કેટલીક છૂટછાટો પણ આપી છે. ગૃહ મંત્રાલયે આપેલા દિશા-નિર્દેશોમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં દારૂની દુકાનો ખોલવા માટે મંજૂરી આપી દીધી છે. હવે આને લીધે જાવેદ અખ્તર અને રવિના ટંડન જેવી બોલીવૂડ હસ્તીઓ ભડકી ગઈ છે. તેમણે સોશિયલ મિડિયામાં આની સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને ઊભરો ઠાલવ્યો છે.

જાવેદ અખ્તરનું ટ્વીટ

જાવેદ અખ્તરે સોશિયલ મિડિયા પર લખ્યું છે કે લોકડાઉનમાં દારૂની દુકાનો ખોલવાનો નિર્ણય ઘણો બૂમરેંગ પુરવાર થશે. સર્વે મુજબ આ દિવસોમાં ઘરેલુ હિંસા ઘણી વધી ગઈ છે. દારૂ મહિલાઓ અને બાળકોને વર્તમાન સમયને વધુ ભયભીત બનાવશે.

રવિના ટંડનનું ટ્વીટ

જાવેદ અખ્તરની જેમ રવિના ટંડન પણ દારૂ ઉપરાંત પાન અને ગૂટકાની દુકાનો ખોલવાના નિર્ણયથી નારાજ છે. રવિના ટંડને સોશિયલ મિડિયા પર લખ્યું છે કે, ‘બહુ સારું, હવે પાન અને ગૂટકાની દુકાનો ખૂલશે. થૂંકવાનું ફરી શરૂ થશે, બહુ સરસ.’

આ વાતોનું ધ્યાન રાખવું પડશે

ગૃહ મંત્રાલયના આદેશ મુજબ દારૂની દુકાનોની સાથે પાનની દુકાનો ખોલવા દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. દારૂની દુકાન પર એક સમયે પાંચ લોકોથી વધુ ભેગા થવાની મંજૂરી નથી અપાઈ. આ ઉપરાંત બે વ્યક્તિ વચ્ચે ઓછામાં ઓછા છ ફૂટનું અંતર રાખવું પડશે.

જાહેર સ્થળો પર દારૂ પીવા અને પાન-ગૂટકા અને તંબાકુ વગેરે ખાવાની મંજૂરી નથી. દારૂ વગેરેનું વેચાણ એકલ (સ્ટેન્ડઅલોન – બજાર વિસ્તારથી દૂરના અંતરે હોય એવી) દુકાનો પર કરી શકાશે. કન્ટેન્મેન્ટ ઝોનમાં ન તો દારૂની દુકાન ખૂલશે, ન તો પાન-ગૂટકા અને તંબાકુ મળશે.

ફ્રાન્સે સ્વાસ્થ્ય ઈમરજન્સીની મુદત 24 જુલાઈ સુધી લંબાવી

પેરિસઃ ફ્રાન્સે કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે આદરેલી લડાઈ માટે લાગુ કરેલી સ્વાસ્થ્ય ઈમરજન્સીને 24 જુલાઈ સુધી લંબાવી દીધી છે. આ જાહેરાત આરોગ્ય પ્રધાન ઓલિવીઅર વેરાને કરી છે.

આ વિશેનો પ્રસ્તાવ આવતા સોમવારે સંસદમાં રજૂ કરવામાં આવશે.

ફ્રાન્સમાં હેલ્થ ઈમરજન્સી ગઈ 24 માર્ચથી લાગુ કરવામાં આવી છે અને તે 23 મેએ ઉઠાવી લેવામાં આવશે એવી વાતો સંભળાતી હતી, પરંતુ હવે પ્રસ્તાવમાં એમ કહેવામાં આવ્યું છે કે આ ઈમરજન્સી હાલને તબક્કે ઉઠાવી લેવી એ કસમયની ગણાશે અને એવા સંજોગોમાં કોરોના વાઈરસનો રોગચાળો તીવ્ર બનવાનું જોખમ ઊભું થશે.

ફ્રાન્સમાં દોઢ મહિનાથી લોકડાઉન લાગુ છે. લોકડાઉન નિયંત્રણોને 11 મેથી ધીમે ધીમે હળવા કરવાની સરકારની યોજના છે, પરંતુ હેલ્થ ઈમરજન્સીને 24 જુલાઈ સુધી લંબાવવામાં આવી હોવાથી લોકડાઉન નિયંત્રણોને હળવા કરવામાં અડચણ ઊભી થશે કે કેમ તે કહી શકાય એમ નથી.

ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોએ કહ્યું છે કે દેશમાં હાલને તબક્કે જનજીવન રાબેતા મુજબનું કરાશે નહીં. દેશને તબક્કાવાર લોકડાઉન-મુક્ત કરવામાં આવશે.

ફ્રાન્સમાં કોરોનાવાઈરસના 1 લાખ 30 હજારથી વધારે કેસો નોંધાયા છે અને મરણનો આંક 24,594 છે.

દુનિયાભરમાં કોરોના વાઈરસના દર્દીઓનો આંકડો વધીને 34 લાખ પર પહોંચી ગયો છે. મૃત્યુ પામેલાઓનો આંકડો 2 લાખ 39 હજારથી વધારેનો છે.

ઈરફાન ખાન પરિવાર માટે 320 કરોડની સંપત્તિ છોડી ગયા છે

મુંબઈઃ બોલિવુડના એક અદના કલાકાર ઇરફાન ખાન હવે આ દુનિયામાં નથી રહ્યા. 29 એપ્રિલે મુંબઈની કોકિલાબહેન અંબાણી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 53 વર્ષના ઇરફાન ખાન લાંબા સમયથી ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યુમર સામે ઝઝૂમી રહ્યા હતા. તેમણે પોતાની બીમારીની જાહેરાત વર્ષ 2018માં સોશિયલ મિડિયાના માધ્યમથી કરી હતી અને સારવાર માટે લંડન ગયા હતા. બે વર્ષે એ સ્વસ્થ થઈને સ્વદેશ પાછા ફર્યા હતા ત્યારે એમના ચાહકો ખુશ થયા હતા.

સ્વદેશ ફરીને અને સ્વસ્થ થઈને ઈરફાને હિન્દી સિનેમાને ફિલ્મો પણ આપી હતી. તેમની ફિલ્મ ‘અંગ્રેજી મિડિયમ’ તો ગયા મહિને 13 માર્ચે જ રિલીઝ થઈ હતી. જ્યારથી ઇરફાન પરત ફર્યા હતા, ત્યારથી તેમના ચહેરા પર એક નબળાઈ અને થાક વર્તાતો હતો. ‘પદ્મશ્રી’થી સન્માનિત ઇરફાન ખાન પોતાની પાછળ પત્ની અને બે પુત્રોને છોડી ગયા છે. 23 ફેબ્રુઆરીએ 1995એ તેમણે સુતાપા સિકદર સાથે નિકાહ કર્યાં હતાં અને તેમને બે પુત્રો છે – બાબિલ ખાન અને અયાન ખાન. ઇરફાન ખાનનો મૂળ પરિવાર રાજસ્થાનના ટોંક જિલ્લાનો છે. તેમના માતા-પિતા ટોંકમાં જ રહેતા હતા. ઇરફાન ખાનનું બાળપણ પણ ત્યાં જ વીત્યું હતું.

આટલી  મિલકત

ઇરફાન ખાને 30થી વધુ ફિલ્મો તથા અનેક સિરિયલોમાં કામ કર્યું હતું. મિડિયા અહેવાલો અનુસાર ઇરફાન ખાન પત્ની સુતાપા અને બે સંતાન માટે આશરે રૂ. 320 કરોડની પ્રોપર્ટી મૂકતા ગયા છે. તેઓ એક ફિલ્મમાં કામ કરવા માટે રૂ. 15 કરોડ લેતા હતા. ઇરફાન ખાને અનેક ટીવી જાહેરખબરોમાં પણ કામ કર્યું હતું. તેઓ એક જાહેરખબરમાં કામ કરવા માટે રૂ. પાંચ કરોડ લેતા હતા. ઇરફાન ખાનને નામે મુંબઈમાં એક આલીશાન બંગલો અને એક ફ્લેટ પણ છે.

કારોનો કાફ્લો

ઇરફાન ખાન અનેક લક્ઝરી કારના માલિક પણ હતા. તેમની પાસે ટોયોટા સેલિકા, BMW, મસરાટી ક્વાટ્રોપોર્ટે અને ઓડી જેવી લક્ઝરી કારોનું કલેક્શન હતું. ઇરફાન ખાને આશરે રૂ. 110 કરોડનું અંગત મૂડીરોકાણ પણ કરી રાખ્યું હતું.

કેન્દ્રીય કર્મચારીના પરિવારને રાહત; ફેમિલી પેન્શનના નિયમમાં ફેરફાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને એના પરિવારના સભ્યોને વિવિધ પ્રકારનું પેન્શન આપે છે. ફેમિલી પેન્શન યોજના, 1971 હેઠળ કેન્દ્ર સરકાર તેના એવા કર્મચારીના ફેમિલીના સભ્યને પેન્શન આપે છે, જેનું સર્વિસના સમયગાળા દરમ્યાન મૃત્યુ થયું હોય. આ પહેલા સાતમા પગાર પંચના નિયમો હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓના ફેમિલીના સભ્યોને સામાન્ય પારિવારિક પેન્શન આપવામાં આવ્યું હોય, જેમનું સર્વિસના સમયગાળા દરમ્યાન મૃત્યુ થયું હોય અને એ કર્મચારીનો નોકરીનો સમયગાળો સાત વર્ષથી વધુ રહ્યો હોય. પરંતુ હવે ફેમિલી પેન્શન સ્કીમ 1971માં 54મા સુધારાના માધ્યમથી કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓના એ લાભાર્થીઓ માટે ફેમિલી પેન્શનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે, જેમનું નોકરીના સાત વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું હોય.

બદલાયેલા નિયમ

બદલાયેલા ફેમિલી પેન્શનના નિયમો અનુસાર સાત વર્ષની નોકરી પૂરી કર્યા પહેલાં નિધન પામેલા સરકારી કર્મચારીનું ફેમિલી સાતમા પગાર પંચના નિયમો અનુસાર હવે 10 વર્ષ માટે સદ્દગત કર્મચારીના આખરી પગારની 50 ટકા રકમ પેન્શન માટે હકદાર બનશે. એનાથી પહેલાં તેમના મૃત્યુના મામલામાં, કમસે કમ સાત વર્ષની સર્વિસવાળા સરકારી કર્મચારીઓના પરિવારોને પેન્શનના રૂપમાં આખરી પગારની રકમના 50 ટકા રકમ પેન્શન મળતું હતું. હવે એવા કર્મચારીઓ, કે જેમણે સાત વર્ષથી પણ ઓછી સર્વિસ કરી હશે, તેના ફેમિલીને કર્મચારીના આખરી પગારની 30 ટકા રકમ પેન્શન સ્વરૂપે મળશે.

ફેમિલી પેન્શનનો નિયમ જણાવે છે કે ફેમિલી પેન્શન મુખ્યત્વે કેન્દ્ર સરકારના એવા કર્મચારીની વિધવા અથવા વિધુરને આપવામાં આવે છે, જેનું નોકરીના કાર્યકાળ દરમિયાન મૃત્યુ થયું હોય. કેન્દ્ર સરકારી કર્મચારીનું મૃત્યુના સમયે તેના 25 વર્ષથી નીચેની વયનાં સંતાનો ફેમિલી પેન્શનને પાત્ર બને છે. આ ફેમિલી પેન્શન એવા સંતાનોને આપવામાં  આવે છે, જ્યાં સુધી તેમનાં લગ્ન ના થાય અથવા તેમની માસિક આવક રૂ. 9000થી વધે નહીં. અવિવાહિત પુત્રી, વિધવા પુત્રી અથવા મૃતક કર્મચારીની છૂટાછેડા લેનાર પુત્રી પણ ફેમિલી પેન્શનને પાત્ર બને છે.

પોતાની મરજીથી કામ પર ન આવનારનો પગાર કાપી શકાયઃ હાઈકોર્ટ

મુંબઈઃ મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું છે કે એમ્પલોયર્સ કાયદા અંતર્ગત એવા કર્મચારીઓનો પગાર કાપી શકાય છે જેઓ એમની મરજીથી કામ પર આવતા નથી જે વિસ્તારોમાં કોરોના વાઈરસના સંદર્ભમાં લાગુ કરાયેલા લોકડાઉનમાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે.

ન્યાયમૂર્તિ રવીન્દ્ર ધુગેએ પાંચ મેન્યૂફેક્ચરિંગ એકમો દ્વારા નોંધાવવામાં આવેલી એક પીટિશન પરની સુનાવણી વખતે ઉપર મુજબ ચુકાદો આપ્યો હતો.

અરજદારોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગઈ 29 માર્ચે ઈસ્યૂ કરવામાં આવેલા એક વટહૂકમને પડકાર્યો છે. એ વટહૂકમમાં જણાવવામાં આવ્યું હતું કે માલિકો લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના એવા કર્મચારીઓને પગાર આપે જેમાં પ્રવાસી (માઈગ્રન્ટ), કોન્ટ્રેક્ટ બેઝિસ મજૂરો, પૂર્ણ માસિક વેતન મળવનારાઓ.

કંપનીઓના વકીલે દલીલ કરી હતી કે લોકડાઉનને કારણે ઉત્પાદન પ્રવૃત્તિઓ બંધ છે અને ઘણા કામદારો કામ પર આવવા માટે ઈચ્છુક નહોતા. એવામાં, કંપનીઓ એમના કામદારોને પગાર ન આપવાની છૂટ માગતી હતી. ફેક્ટરીમાલિકોનું કહેવું છે કે ન્યૂનતમ મજૂર કાયદા અંતર્ગત 50 ટકા વેતન ચૂકવવા તેઓ તૈયાર હતા.

કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વતી ઉપસ્થિત થયેલા વકીલોએ કહ્યું કે

કોર્ટે એ વાતની નોંધ લીધી હતી કે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં અમુક ઔદ્યોગિક વિસ્તારોમાં લોકડાઉનના નિયમોમાં રાહત આપી છે.

કોર્ટે તમામ ફેક્ટરી માલિકોને આદેશ આપ્યો કે જે કામદારો કામ પર આવે એમને તેઓ પૂરો પગાર ચૂકવે અને જે લોકો એમની મરજીથી કામ પર હાજર થયા નથી એમનો પગાર કાપી શકો છો.

ફેક્ટરીમાલિકોએ એવો દાવો કર્યો હતો કે કારખાનાઓમાં કામ બંધ કરવું પડ્યું હોવાથી તેઓ કામદારોને પગાર ચૂકવી શકે એમ નથી. તે છતાં એમણે કામદારોને લઘુત્તમ 50 ટકા પગાર આપવાની તૈયારી બતાવી હતી.

ફેક્ટરીમાલિકોએ જજને જાણકારી આપી હતી કે સુપ્રીમ કોર્ટમાં આ મામલે કેસ ચાલે છે.

બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે કહ્યું કે હું ઈચ્છીશ કે માલિકો એમના એવા કામદારોને મહિનાનો પૂરો પગાર આપે, જેમણે કામ પર હાજર થવાની આવશ્યક્તા નથી, ભલે એમના પગારમાંથી કન્વેયન્સ અને ફૂડ અલાવન્સ કાપી લો.

કોર્ટે એવી નોંધ લીધી હતી કે રાજ્ય સરકારે અમુક ઔદ્યોગિક વિસ્તારોમાં લોકડાઉનના નિયંત્રણોમાં રાહત આપી છે તેથી કામદારોએ શિફ્ટના શેડ્યૂલ પ્રમાણે કામ પર હાજર થાય એવી આશા રાખી શકાય. જો કે એ શરતે કે માલિક દ્વારા એમને કોરોનાવાઈરસ રોગ સામે પર્યાપ્ત રક્ષણ આપવામાં આવે.

કોર્ટે કહ્યું કે, આમ છતાં જે કામદારો એમની મરજીથી કામ પર ગેરહાજર રહે છે એમનો પગાર કાપવાની માલિકોને છૂટ છે, જો કે એ માટે માલિકોએ કાયદાનુસાર પગલાં લેવાના રહેશે.

કોર્ટે આ કેસમાં ટ્રેડ યુનિયનો અને કામદારોના પ્રતિનિધિઓને હસ્તક્ષેપ પીટિશન નોંધાવવાની પણ છૂટ આપી છે અને કેસમાં વધુ સુનાવણી 18 મેએ યોજવાનું નક્કી કર્યું છે.

દક્ષિણ કોરિયા, સ્વીડનની કમાલઃ લોકડાઉન વગર કોરોના પર કાબૂ મેળવ્યો

સોલઃ દક્ષિણ કોરિયાની પશ્ચિમી સરહદ ચીનને અડીને હોવા છતાં આ દેશ કોરોના વાઈરસના ચેપથી મોટે ભાગે સુરક્ષિત રહી શક્યો છે. ખાસ કરીને અહીં આ વાઇરસને લીધે મૃત્યુદર ઓછો છે. આવો જ એક અન્ય દેશ સ્વીડન છે, જે વગર લોકડાઉને પડોશી દેશોની તુલનાએ ઘણો આગળ દેખાઈ રહ્યો છે. ચીનનો પડોશી દેશ હોવા છતાં દક્ષિણ કોરિયામાં ઇન્ફેક્શનના આંકડા અત્યાર સુધી 10,000 સીમિત છે. અહીં 250 જણના મોત થયાં છે.

બીજી બાજુ, સ્વીડન પણ અન્ય દેશોની તુલનાએ સારી કામગીરી કરી છે. અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 21,520એ પહોંચી છે અને 2653 લોકોનાં મોત થયાં છે. આ દેશોએ કોરોના પર જીત મેળવી છે અને અહીં અન્ય દેશોની તુલનાએ સખ્તાઈભર્યું અને સંપૂર્ણ લોકડાઉન પણ લાગુ નથી કરાયું.

દક્ષિણ કોરિયાની કોરોના સંક્રમિતોની સંખ્યા સિંગલ ડિજિટ 

સૌથી પહેલા દક્ષિણ કોરિયાની વાત કરીએ તો ફેબ્રુઆરીના અંતમાં એક દિવસમાં અહીં 900થી વધુ કેસ સામે આવ્યા હતા, પણ તે પછીના બે મહિનામાં એમાં ઝડપથી ઘટાડો થયો હતો. ગત્ સપ્તાહમાં અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા સિંગલ ડિજિટ રહી ગઈ હતી. આ દરમ્યાન નેશનલ એસેમ્બલી માટે ચૂંટણી પણ યોજાઈ ગઈ. આ એક એવું પગલું હતું જે વિશે વિશ્વના મોટા ભાગના દેશો વિચારી પણ ના શકે, કેમ કે એવા દેશોની સંપૂર્ણ તાકાત લોકડાઉનનું પાલન કરાવવામાં અને કોરોના સંક્રમિતોની સારસંભાળમાં જ લગાડવામાં આવી હતી.

આટલી છૂટ પછી પણ દેશ સુરક્ષિત કેવી રીતે?

આ દેશમાં બાર, કેફે, દુકાનો અને બધી હોટલો ખૂલી છે. ટૂંક સમયમાં ચર્ચને ચાલુ રાખવા પર પણ લાગેલો પ્રતિબંધ પણ દૂર થવાનો છે. આ મહિનાથી દક્ષિણ કોરિયાની ફૂટબોલ અને બેઝબોલ ટીમો પણ રમવાનું શરૂ કરશે. આટલી છૂટ પછી પણ દેશ સુરક્ષિત કેવી રીતે? આનું કારણ એ છે કે દેશની સ્પષ્ટ નીતિ – જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, તપાસ અને સારવાર પર ભાર આપવામાં આવ્યો છે.

વળી આ પહેલાં ‘સાર્સ’ અને ‘મર્સ’ વાઈરસોથી પ્રભાવિત થઈ ચૂકેલા દક્ષિણ કોરિયાએ એમાંથી ઘણું શીખી લીધું છે. વર્ષ 2015માં ‘મર્સ’ને કારણે અહીં 38 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેને લીધે સરકાર પર ઘણા આરોપ પણ લાગ્યા હતા. આ બીમારીમાંથી શીખ લઈ ચૂકેલી સરકારે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને તપાસ પર વધુ ભાર મૂક્યો છે. કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સ બનાવી, જેનો મંત્ર હતો- ટેસ્ટ, ટ્રેસ અને કન્ટેઇન. દેશમાં કોરોનાની તપાસ માટે 600 સેન્ટર બનાવાયા, જેમાં એક દિવસમાં 20,000 સુધી તપાસ થવા માંડી.

કોરિયન સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન સતત બતાવી રહ્યું છે કે તમારી આસપાસ કોઈ સંદિગ્ધ છે. આનાથી લોકો સતર્ક રહ્યા અને અહીં સુધી કે કોઈ સંક્રમિતના સંપર્કમાં આવી ચૂકેલા લોકો પોતે આગળ આવીને ટેસ્ટિંગ કરવા સેન્ટર પહોંચવા માંડ્યા. દેશના લોકોની જાગરુકતાએ પણ કોરોનાથી જીત મેળવવાનું એક કારણ છે. આ સાથે દક્ષિણ કોરિયાની હેલ્થકેર સિસ્ટમ પણ ઘણી સારી છે.

ટેસ્ટિંગ અને સારવાર પર વધુ ભાર

હવે સ્વીડન વાત કરીએ તો આ દેશે અન્ય યુરોપિયન દેશોના લોકડાઉનને નથી અપનાવ્યું. તેમ છતાં અહીં કોરોના સંક્રમણ અને મોતનો આંકડો ઓછો છે. 28 માર્ચે 2000 સ્વિડિશ સંશોધકોએ એક પિટિશન પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંશોધકોએ WHOની ભલામણો પર કામ કરવાનું જલદી શરૂ કર્યું હતું. આ દેશે ટેસ્ટિંગ અને સારવાર પર વધુ ભાર મૂક્યો હતો.

સ્વીડનની હેલ્થકેર સિસ્ટમ વગર લોકડાઉને પણ કોરોના દર્દીઓની દેખરેખ કરી શકે છે. અહીં સિનિયર સિટિઝનોની સંભાળ લેવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો.

સ્વીડનમાં લોકડાઉન નહીં, સતત ટેસ્ટિંગ

સ્વીડને કોરોના પર જીત હાંસલ કરી લીધી છે, એ કહે છે કે અમે લોકડાઉન નથી કર્યું, પણ બધા વેપાર પહેલાંની જેમ ચાલી રહ્યા છે, એવું નથી, અમે સતત ટેસ્ટિંગ કરી રહ્યા છે. હાલ સ્વીડનમાં રેસ્ટોરાં-બાર, સલૂન અને કેટલીક સ્કૂલો પણ ચાલુ છે. જોકે 50થી વધુ લોકોના એકત્ર થવા પર મનાઈ છે.

ઈરફાન ખાન, રિશી કપૂરને અમૂલની હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ

મુંબઈઃ ભારતે 24 કલાકના સમયની અંદર બે દિગ્ગજ ફિલ્મ અભિનેતા – ઈરફાન ખાન અને રિશી કપૂરને ગુમાવી દીધા. આ બંને અભિનેતાના નિધને માત્ર દેશભરમાં જ નહીં, વિદેશમાં વસતા આ બંને અભિનેતાના પ્રશંસકોને પણ આંચકો આપ્યો છે. દુનિયાભરમાંથી શોકસંદેશાઓનો ઠલવાઈ રહ્યા છે. બંને અભિનેતાનું મુંબઈમાં અવસાન થયું છે.

ભારતમાં સહકારી દૂધ ઉત્પાદન ઉદ્યોગની અગ્રગણ્ય કંપની અમૂલ સાંપ્રત ઘટનાઓ પર આધારિત તેની રસપ્રદ જાહેરખબરો માટે જાણીતી છે.

અમૂલે આ વખતે તેની અત્યાર સુધીની સૌથી વધુ હૃદયસ્પર્શી એડ-ટોપિકલ આ વખતે રિલીઝ કરી છે જેમાં તેણે ઈરફાન અને રિશીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

આ છે એ બંને જાહેરખબરના ટ્વીટ…

53 વર્ષીય ઈરફાન ખાને ગયા બુધવારે સવારે (29 એપ્રિલ, 2020)ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આંતરડામાં ઈન્ફેક્શન લાગવાથી એમને અંધેરી (વેસ્ટ)ની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમને દુર્લભ એવું ન્યુરોએન્ડોક્રાઈન ટ્યૂમર કેન્સર થયું હતું.

હજી બધા ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં હતાં ત્યાં બીજા જ દિવસની સવારે રિશી કપૂરના નિધનના આઘાતજનક સમાચાર આવ્યા હતા. રિશીને બ્લડ કેન્સર થયું હતું.

એમણે 30 એપ્રિલના ગુરુવારે સવારે 8.45 વાગ્યે દક્ષિણ મુંબઈના ચર્ની રોડસ્થિત સર હરકીસનદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો.

ઈરફાન અને રિશી, બંનેને બે વર્ષથી કેન્સરની બીમારી હતી. ઈરફાને લંડનમાં જઈને અને રિશીએ ન્યૂયોર્કમાં જઈને સારવાર કરાવી હતી.

બંને અભિનેતાએ D-Day ફિલ્મમાં સાથે કામ પણ કર્યું હતું.

ઈરફાનના પરિવારમાં એમના પત્ની અને બે પુત્ર છે, જ્યારે રિશીના પરિવારમાં એમના અભિનેત્રી પત્ની નીતૂ કપૂર, પુત્ર રણબીર અને પુત્રી રિધીમા કપૂર-સાહની છે.

મોતની અટકળો વચ્ચે પહેલી વાર જાહેરમાં આવ્યા કિમ જોંગ ઉન

સોલઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના આરોગ્યને લઈને છેલ્લા એક મહિનાથી અટકળોનો દોર જારી હતો. તેમના વિશેના સારામાઠા અહેવાલોની વચ્ચે શુક્રવારે કિમ જોંગ પહેલી વાર જાહેરમાં એક ફર્ટિલાઇઝર ફેક્ટરીનું ઉદઘાટન કરતા સામે આવ્યા હતા. ન્યૂઝ એજન્સી KCNAના અહેવાલ મુજબ કિમ શુક્રવારે પાટનગર પ્યોંગયાંગની નજીક સુનચોનમાં એક જાહેર કાર્યક્રમમાં આવ્યા હતા.

કિમ જોંગે ફેક્ટરીની મુલાકાત લીધી

કોરિયાની કેન્દ્રીય એજન્સીના જણાવ્યા મુજબ કિમ હવે જ્યારે આ કાર્યક્રમમાં સામેલ થયા ત્યારે બધા લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે ફેક્ટરીની મુલાકાત લીધી હતી અને ઉત્પાદન પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કિમે કહ્યું હતું કે જો તેમના દાદા અને પિતાએ આ સમાચાર સાંભળ્યા હોત કે આધુનિક ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર ફેક્ટરી બનીને તૈયાર થઈ ગઈ તો તેઓ બહુ ખુશ થયા હોત.

કિમ જોંગ ઉનની મોતની અટકળો

કિમ જોંગ ઉન 15 એપ્રિલે તેમના દાદાના જન્મદિવસના સમારોહમાં સામેલ નહોતા થયા, એ પછી તેમના સ્વાસ્થ્યને લઈને જાતજાતના તર્ક-વિતર્કના અહેવાલો સામે આવી રહ્યા હતા. કેટલાક અહેવાલોમાં તો તેમના મોતની આશંકા પણ દર્શાવવામાં આવી હતી.

આ પહેલાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇનના ટોચના સુરક્ષા સલાહકાર મૂન ચુંગ-ઇને કિમના સ્વાસ્થ્યની લઈને આવી રહેલી અફવાઓ વચ્ચે દાવો કર્યો હતો કે કિમ જોંગ ઉન જીવિત થે અને સ્વસ્થ છે. એ અધિકારીએ કહ્યું હતું કે 13 એપ્રિલથી કિમ વોનસાનમાં રહી રહ્યા છે.

કિમ જોંગના મોતની અફવા

એક ઓનલાઇન ન્યૂઝપેપરે ડેલી એનકેના ન્યૂઝમાં કહેવામાં આવ્યું હતું કે કિમ 12 એપ્રિલે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ (હ્દય સંબંધી ઓપરેશન) પ્રક્રિયામાંથી પસાર થયા છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે વધુપડતું સ્મોકિંગ, ઓબેસિટી અને કામના ભારણને કારણે તેમની આ સારવાર કરવામાં આવી છે.

‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાતમાં CM વિજય રૂપાણીએ કહ્યું, ‘લોકડાઉન ઉઠાવવાનું તબક્કાવાર વિચારાશે’

વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો તે પછી એમના શાસનકાળમાં કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવામાંથી રાજ્યને બચાવવાનો સૌથી મોટો પડકાર આવી પડ્યો છે.

આ મહાબીમારીને રોકવામાં સરકાર કઈ કામગીરીઓ હાથ ધરી રહી છે અને એણે કયા નિર્ણયો લીધા એ વિશે રૂપાણીએ ‘ચિત્રલેખા’ સાથેની વિશેષ વિડિયો મુલાકાતમાં જણાવ્યું છે. જુઓ…

‘ચિત્રલેખા’ના તાજા ઈ-આવૃત્તિ અંકમાં પ્રકાશિત રૂપાણીની મુલાકાત વિગતવાર વાંચવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…

http://chitralekha.com/vijayrupani.pdf