નવી દિલ્હીઃ કોરોના વાઇરસના સંકટને લીધે કેન્દ્ર સરકાર આર્થિક તંગી અનુભવી રહી છે.. આવી સ્થિતિમાં સરકાર સેનાના ખર્ચમાં કાપ કરે એવી શક્યતા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કાપ 40 ટકા સુધીનો હોવાની શક્યતા છે. જોકે સરકારે આ કાપને સેનાની સેલરીને આનાથી અલગ રાખવાનો નિર્ણય લીધો છે. સેનાના અન્ય ખર્ચાઓમાં 20થી 40 ટકાનો કાપ મૂકાવાની શક્યતા છે. સંરક્ષણ મંત્રાલયના એક સિનિયર અધિકારીએ આ વાત જણાવી હતી. જો સરકાર ખર્ચમાં 20 ટકા સુધીનો કાપ મૂકે તો રૂ. 40,000 કરોડ સુધીની બચત થશે. આ સિવાય 40 ટકા કાપ મૂકવામાં આવશે તો રૂ. 80,000 કરોડની બચત થશે.
પહેલા ત્રિમાસિક ગાળામાં 15થી 20 ટકાનો કાપ
અહેવાલ મુજબ દિલ્હીમાં સંરક્ષણ વિશ્લેષકોથી વાત કરતાં ડિફેન્સ ઓફિસે એ ખબરોની પુષ્ટિ કરી હતી, જેમાં કહ્યું હતું કે સેનાના ખર્ચામાં કાપ મૂકવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં સરકારે સેનાના ખર્ચમાં 15થી 20 ટકાનો કાપ મૂકવાની વાત કરી હતી. કોરોના સંકટ સામેના જંગમાં જરૂરી ફંડ એકત્ર કરવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે. આના હેઠળ કેન્દ્ર સરકારે 1.5 કરોડ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનનરોના મોંઘનવારી ભથ્થાના વધારાને જુલાઈ, 2021 સુધી અટકાવી દીધો હતો.
રાજ્ય સરકારોએ પણ ખર્ચમાં કાપ મૂક્યો
કેન્દ્ર સરકારના નિર્ણય પછી રાજ્ય સરકારે પણ ખર્ચમાં કાપ મૂકવાની શરૂઆત કરી હતી. યુપી સરકારે રાજ્ય કર્મચારીઓના ડીએ સહિત ભથ્થાંમાં વધારાને અટકાવ્યા હતા. આટલું જ નહીં, પગાર કાપ પછી પેટ્રોલિયમ ઉત્પાદનો પર પણ સરકારે ટેક્સ વધારે એવી શક્યતા છે.
મુંબઈઃ મહાનગર મુંબઈમાં તો કોરોના વાઈરસને રોકવા લાગુ કરાયેલા લોકડાઉનનો કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. પડોશના જિલ્લાઓમાં પણ સત્તાવાળાઓ એમાં જરાય કચાશ રાખતા નથી. પાલઘર જિલ્લાના વસઈ, નાલાસોપારા અને વિરાર ઉપનગરોમાં ત્યાંની મહાનગરપાલિકાએ દુકાનદારો સામે કડક વલણ અખત્યાર કર્યું છે.
વસઈ વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન આ ઉપનગરોમાં જે દુકાનદારો મોઢા પર માસ્ક ન પહેરે કે હેન્ડ સેનિટાઈઝર્સ ન રાખે એમને રૂ. 1000નો દંડ ફટકારે છે.
આવા દંડની રશીદોની અનેક તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ઘણા દિવસો પહેલાં જ જાહેરાત કરી ચૂક્યા છે કે સમગ્ર રાજ્યમાં માસ્ક પહેરવાનું ફરજિયાત છે.
મુંબઈમાં પણ મહાનગરપાલિકાએ જાહેર સ્થળો, હોસ્પિટલો, ઓફિસો, બજાર વિસ્તારો અને વાહનમાં ટ્રાવેલ કરતી વખતે મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત ઘોષિત કર્યું હતું. આ નિયમનો ભંગ કરનાર સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ 188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દેશમાં કોરોનાનાં સૌથી વધારે દર્દીઓ મહારાષ્ટ્રમાં છે, તેમજ આ રોગચાળાને કારણે સૌથી વધુ મરણ પણ આ જ રાજ્યમાં થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાનાં 9,318 કેસ નોંધાયા છે જ્યારે 400ના મરણ થયા છે. ભારતમાં આ બીમારીથી થયેલા મરણનો કુલ આંક 1,074 છે.
‘ચિત્રલેખા’ના પ્રતિનિધિ કેતન મિસ્ત્રી રિશી કપૂર સાથે
એક જમાનામાં ગુજરાતી છાપાંના તંત્રીઓ અગ્રલેખમાં જાણીતી વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપતા. એ કાળની શ્રદ્ધાંજલિનું એક મસ્ટ વાક્ય ઉધાર લઈને કહેવું હોય તો, “હજી તો ઈરફાન ખાનની વિદાયના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં આપણાં ‘ઈશામા’ તરીકે ઓળખાતાં કુંદનિકા કાપડિયા અને અભિનેતા રિશી કપૂરના અવસાન વિશે લખવું પડે છે.”
મારે રિશી કપૂરની વાત કરવાની છે. આજે (ગુરુવાર, 30 એપ્રિલ) સવારે જેમનું 67 વર્ષની વયે અવસાન થયું એ રિશી કપૂર હિંદી સિનેમાના જ નહીં, બલકે કદાચ દુનિયાના એવા એકમાત્ર અભિનેતા હતા, જેમણે પરદા પર બાળકલાકાર (‘શ્રી 420’), કિશોરાવસ્થા (‘મેરા નામ જોકર’), યુવાવસ્થા (‘બૉબી’થી લઈને અઢળક ફિલ્મો) અને 90 વર્ષી વયોવૃદ્ધ (‘કપૂર ઍન્ડ સન્સ’)ની ભૂમિકા ભજવી. રાજેશ ખન્ના અને દેવ આનંદની જેમ વર્સેટાઈલ ઍક્ટર રિશી કપૂર પણ હિંદી સિનેમાના એ નસીબવંતા કલાકાર હતા, જેમની ઝોળીમાં હંમેશાં શ્રેષ્ઠ કહેવાય એવું સંગીત પડ્યું.
રિશી સર સાથે પર્સનલ ઍન્કાઉન્ટર અનેક વેળા થયાં છે, જેમાં એકાદબે હંમેશાં યાદ રહી જશેઃ સંજય છેલની ‘પટેલ કી પંજાબી શાદી’ વખતે થયેલી મુલાકાત અને ઉમેશ શુક્લની ‘102 નૉટઆઉટ’ વખતનો સુદીર્ઘ ઈન્ટરવ્યૂ. જો કે ફિલ્મના પ્રમોશનને ધ્યાનમાં રાખીને લેવામાં આવતા ઈન્ટરવ્યૂનો એમને કંટાળો હતો. એ કહેતા, “તમે યાર, એકના એક ગોખેલા સવાલ મને નહીં પૂછતાઃ ઈસકે સાથે કામ કરકે કૈસા લગા કે પછી ફલાણા સાથે તમે આટલાં વરસ પછી કામ કરી રહ્યા છો તો કેવું લાગે છે?” વગેરે. ભઈ, સારું જ લાગેને”?
જો કે એકલા પડ્યા બાદ મેં એમને એક કિસ્સો કહી સવાલ પૂછેલો તો એ બેહદ ખુશ થયેલા. કિસ્સો એ કે ફિલ્મ ઍવોર્ડ્સમાં કેવી ઘાલમેલ ચાલે છે એ વિશે મેં ‘ચિત્રલેખા’ માટે એક લેખ લખેલો, જે માટે સિનેમાજગતના પીઢ પ્રચારક તારકનાથ ગાંધીને મળેલો. એમણે કયા અભિનેતાને કઈ ફિલ્મ માટે પૈસા લઈને અમુક ઍવોર્ડ અપાવેલા એનું બયાન મારી સામે કરેલું, જેમાં એમણે રિશી કપૂરનું નામ પણ દીધેલું. મેં તારકનાથ ગાંધીનો ઉલ્લેખ કર્યો તો એ ખડખડાટ હસી પડેલાઃ “યસ, હી વૉઝ રાઈટ. ‘બૉબી’ માટે મેં ત્રીસ હજાર રૂપિયામાં ઍવોર્ડ ખરીદેલો… આ કિસ્સો ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનારી મારી આત્મકથામાં લખ્યો છે.” એ પછી તો એમણે અત્યારના અનેક સ્ટાર્સનાં ઍવોર્ડ વિશેનાં ભોપાળાં કહ્યાં. મારો કાંઠલો ઝાલીને કહેઃ “યે સબ લિખના મત”. એ પછી, મેં ‘આરકે સ્ટુડિયો’ની જમીન વેચવાનો વિષય કાઢ્યો તો કહેઃ “અત્યારે આપણે જ્યાં બેઠા છીએ એ ફાઈવ સ્ટાર હોટેલનો બેન્ક્વે માતબર રકમ ચૂકવીને નિર્માતાએ એમની ફિલ્મની વાત કરવા ભાડે લીધો છે. એવામાં હું ‘આરકે સ્ટુડિયો’ની વિશે બોલવા માંડું તો મારું પ્રોફેસનલીઝમ લાજે. આજે આપણે ‘102 નૉટઆઉટ’ની જ વાત કરીએ… ‘આરકે સ્ટુડિયો’ માટે ફરી મળીશું ક્યારેક…”
બસ, રિશી સરના કોઈ એક ગુણ વિશે મને લખવાનું કહેવામાં આવે તો એ હતો આ- એમની પ્રામાણિકતા. સામેની વ્યક્તિને ક્રૂર લાગે એ હદે એ નિખાલસ હતા. આનો બેસ્ટ એકઝામ્પલ છે એમની આત્મકથા ‘ખુલ્લંખુલ્લા’. ઈન્ડિયન ઍક્ટરોની મેં વાંચેલી કદાચ આ સૌથી ઑનેસ્ટ આત્મકથા છે, જે એના શીર્ષકને સાર્થક કરે છે.
એમની પ્રામાણિકતાનો ઔર એક કિસ્સોઃ ઉમેશ શુક્લની ‘102 નૉટઆઉટ’માં ધીરુનું પાત્ર ભજવતા અદભુત અદાકાર જીમિત ત્રિવેદી સાથે શૂટિંગનો પહેલો દિવસ હતો, મેનલેન્ડ ચાઈના રેસ્ટોરાંમાં. એ દિવસે પૅકઅપ થતાંવેંત એમણે ટ્વિટ કરેલુઃ ‘જીમિત ત્રિવેદી… કમાલનો ઍક્ટર… આત્મવિશ્વાસ-દેખાવ-પ્રતિભાનું જવલ્લે જ જોવા મળતું સંયોજન’.
અફસોસ કે, ‘આરકે સ્ટુડિયો’ની વાત કરવા એ ફરી ક્યારેય મળ્યા જ નહીં. લુકેમિયાની સારવાર માટે એ લાંબો સમય ન્યૂ યૉર્ક જતા રહ્યા. પરત આવ્યા, થોડું કામ કર્યું અને….
અંતમાં ઈશ્વરને એક સવાલઃ પ્રભુ, શું આકાશમાં તારલા ખૂટી પડ્યા કે જમીન પરથી લેવા માંડ્યા?
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માનો આજે 33મો જન્મદિવસ છે. ક્રિકેટ જગતમાં ‘હિટમેન’ નામથી મશહૂર આ ભારતીય ક્રિકેટરે એવા કેટલાય રેકોર્ડ બનાવ્યા છે, જેને તોડવા બીજા બેટ્સમેનો માટે મુશ્કેલ છે. 1987માં નાગપુરમાં જન્મેલા આ દિગ્ગજ ખેલાડીએ 2007માં આંતરરાષ્ટ્રીય વન-ડે કેરિયરની શરૂઆત કરી હતી અને થોડાંક વર્ષોમાં એ સિદ્ધિ હાંસલ કરી હતી, જેનું સપનું દરેક યુવા ક્રિકેટર જોતો હોય છે. આ બર્થડે બોયે અત્યાર સુધીમાં એવા રેકોર્ડ બનાવ્યા હતા, જેને તોડવા કોઈ પણ ક્રિકેટર માટે સરળ નહીં હોય.
વનડેમાં ત્રણ બેવડી સેન્ચુરી
વન-ડે મેચમાં કોઈ બેટ્સમેનની ડબલ સેન્ચુરી થાય એ મોટી વાત છે. વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધી આઠ વાર એવું થયું છે, જેમાં ત્રણ વાર રોહિત શર્માએ બેવડી સેન્ચુરી મારી છે. આ સિવાય બેવડી સેન્ચુરી મારનાર ક્રિકેટરો છે – સચિન તેન્ડુલકર, વિરેન્દ્ર સહેવાગ, ક્રિસ ગેઇલ, માર્ટિન ગપ્ટિલ અને ફખર જમાં છે.
વન-ડે મેચમાં સૌથી વધુ રન
વર્ષ 2014માં શ્રીલંકાની સામે રમતા રોહિત શર્માએ 264 રન ફટકાર્યા હતા. વન-ડે ઇન્ટરનેશનલના ઇતિહાસમાં આનાથી વધુ રન અત્યાર સુધી કોઈ બેટ્સમેને કર્યા નથી.
T20 આંતરરાષ્ટ્રીયની સૌથી ઝડપી સદી
T20 ઇન્ટરનેશનલમાં પણ રોહિત શર્મા સૌથી ઝડપી સદીનો રેકોર્ડની બરોબરી કરી ચૂક્યો છે. ગયા વર્ષે રોહિતે શ્રીલંકાની સામે 35 બોલમાં સદી ફટકારીને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરની બરોબરી કરી હતી. તેણે શ્રીલંકાની સામે 43 બોલમાં 118 રન કર્યા હતા. આ કોઈ પણ ભારતીય ક્રિકેટર દ્વારા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે.
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ચાર સેન્ચુરી
રોહિત શર્મા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ચાર સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. ન્યુ ઝીલેન્ડના કોલિન મુનરો અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે આ કરિશ્મા 3-3 વાર કરી બતાવ્યો છે.
IPLનો સૌથી સફળ કેપ્ટન
રોહિત શર્માની કેપ્ટનશિપમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચાર વિજેતા ટ્રોફી જીતી છે. જે અન્ય કોઈ પણ કેપ્ટન કરતાં વધુ છે. એમ.એસ. ધોની તેની પાછળ છે. ધોનીની કેપ્ટનશિપ હેઠળ ચેન્નઇ સુપર કિંગ્સે ત્રણ વાર વિજેતા ટ્રોફી જીતી છે.
Exclusive chat with Corona warriors MLA(surat)- Harsh Sanghvi, Youth Leader(Ahmedabad)- Madhish Parikh and Trupti Gajera from Krishna International School Rajkot
મુંબઈઃ બોલીવૂડના દિગ્ગજ અભિનેતાઓમાંના એક, રિશી કપૂરનું આજે સવારે અહીં અવસાન થયું છે. એ 67 વર્ષના હતા. એમના નિધનના સમાચાર મહાનાયક અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આપ્યા હતા.
રિશીને શ્વાસ લેવામાં તકલીફ પડતાં ગઈ કાલે રાતે મુંબઈની HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં આજે સવારે એમણે અંતિમ શ્વાસ લીધો હતો. એમને હોસ્પિટલમાં દાખલ કરાયાની માહિતી તેમના મોટા ભાઈ રણધીર કપૂરે આપી હતી. અમેરિકામાં કેન્સરની સારવાર કરાવ્યા પછી રિશી કપૂર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત ફર્યા હતા. હવે એમની તબિયત ફરી ખરાબ થતાં એમને રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રિશી કપૂર ભારતીય સિનેમાના દંતકથાસમાન અભિનેતા અને દિગ્દર્શક રાજ કપૂર અને ક્રિષ્ના રાજ કપૂરના પુત્ર હતા. એમણે અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું હતું. પોતે નિર્માતા પણ બન્યા હતા.
રિશી કપૂરે 1970માં રાજ કપૂરની ‘મેરા નામ જોકર’ સાથે ફિલ્મ કારકિર્દીનો આરંભ કર્યો હતો. પણ હિરો તરીકે એમની પહેલી ફિલ્મ હતી ‘બોબી’, જે 1973માં રિલીઝ થઈ હતી, જેમાં એમની હિરોઈન હતી ડિમ્પલ કાપડિયા.
પાંચ દાયકાની કારકિર્દીમાં રિશીએ અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો, જેમ ‘કર્ઝ’, ‘ખેલ ખેલ મેં’, ‘અમર અકબર એન્થની’, ‘લૈલા મજનૂ’, ‘નગીના’, ‘સાગર’, ‘હમ કિસી સે કમ નહીં’, ‘ચાંદની’, ‘દામિની’, ‘દો દૂની ચાર’, ‘અગ્નિપથ’, ‘કપૂર એન્ડ સન્સ’ વગેરે.
‘મેરા નામ જોકર’માં બાળ કલાકાર તરીકે કરેલી ભૂમિકા બદલ એમને રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો.
રિશીને અગાઉ ફેબ્રુઆરીમાં પણ હોસ્પિટલાઇઝ્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે એમને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ દિલ્હીથી મુંબઈ આવ્યા પછી તેમને વાઇરલ ફીવરને કારણે ફરી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. રિશી કપૂર એમના અભિનયની સાથોસાથ સોશિયલ મિડિયા પર પોતાના વિચારો રજૂ કરવા માટે પણ જાણીતા છે. તેઓ ખાસ કરીને ટ્વિટર પર સક્રિય હતા. જોકે બીજી એપ્રિલ પછી તેમણે એકેય ટ્વીટ કર્યું નહોતું.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 33,050 થઈ ગઈ છે અને આ વાઇરસને લીધે 1074 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં આ વાઇરસના સંક્રમિતોના 1813 નવા કેસ સામે આવ્યા છે અને 71 લોકોનાં મોત થયાં છે. થોડા રાહતના સમાચાર એ છે કે દેશમાં અત્યાર સુધીમાં 8,325 લોકો આ બીમારીમાંથી સાજા થયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં 313 લોકો આ બીમારીમાંથી ઠીક થયા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 32,20225 થઈ છે અને 2,28,233 લોકોનાં મોત થયાં છે. વળી, આ બીમારીમાંથી અત્યારપ સુધી 10,00,351 ઠીક થઈ ચૂક્યા છે.
અમેરિકામાં 24 કલાકમાં 2502 લોકોનાં મોત
અમેરિકામાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસથી 2502 લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં રવિવારે અને સોમવારે મૃતકોની સંખ્યા ઓછી થયા પછી પાછલા બે દિવસમાં મૃતકોની સંખ્યામાં વધારો થયો હતો. અમેરિકામાં આ વાઇરસથી અત્યાર સુધી કમસે કમ 60,853 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
દેશમાં રાજ્યવાર કોરોના વાઇરસની સ્થિતિ આ મુજબ રહી હતી.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પોતાના બધા કર્મચારીઓ માટે ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત કર્યું છે. પર્સોનેલ મંત્રાલય દ્વારા આ વિશે આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ મુજબ બધા અધિકારીઓ અને કર્મચારીઓ માટે તરત એપ ડાઉનલોડ કરવી અનિવાર્ય છે. આમાં એ કર્મચારીઓ પણ સામેલ છે, જે કોન્ટ્રેક્ટ પર કામ કરી રહ્યા છે.
કર્મચારીઓની સુરક્ષા માટે એપ
કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના ઘરેથી ઓફિસ માટે ત્યારે જ નીકળે જ્યારે આરોગ્ય સેતુ એપમાં સ્ટેટસ ‘સુરક્ષિત’ અથવા ‘ઓછું જોખમ’ દેખાઈ રહ્યું હોય. જો એપમાં ‘મધ્યમ’ અથવા ‘વધુ જોખમ’વાળું સ્ટેટસ દેખાઈ રહ્યું હોય તો કર્મચારીઓને ત્યાં સુધી ઘરમાં રહેવું જોઈએ- જ્યાં સુધી સ્ટેટસ ફરીથી ‘સુરક્ષિત’ અથવા ‘ઓછું જોખમ’ની શ્રેણીમાં ના આવે. કેન્દ્ર સરકારે બધાં મંત્રાલયો અને વિભાગોને તેમના આધીન આવતા સરકારી કંપનીઓના કર્મચારીઓ માટે એપ ડાઉનલોડ કરવાનું ફરજિયાત છે.
એપ મૂળ રૂપે કોન્ટેક્ટ ટ્રેસિંગ
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલયની અંદર કામ કરતી એજન્સી નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર (NIC)એ એપ તૈયાર કરી છે. એપ મૂળ રૂપે કોન્ટેક્ટ ટ્રેસિંગ દ્વારા કામ કરે છે. યુઝરના બ્લુ ટ્રુથથી માલૂમ પડે છે કે તે કોઈ કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યો છે કે નહીં… અને આવ્યો પણ છે તો કેટલા દૂરથી આવ્યો છે. જો આવું થાય તો એપમાં સ્ટેટસ ગ્રીન (સુરક્ષિત)થી નારંગી અથવા લાલ થઈ જશે. સ્ટેટસ બદલાતાં યુઝરને એક નોટિફિકેશન પણ મોકલવામાં આવશે.અત્યાર સુધી 7.5 કરોડ યુઝર્સ
કોરોનાની સામેના જંગમાં આરોગ્ય સેતુ મોબાઇલ એપને એક ધારદાર હથિયાર તરીકે ઉતારવામાં આવી છે. બીજી એપ્રિલે લોન્ચ થયા પછી માત્ર 13 દિવસોની અંદર આ એપને પાંચ કરોડ યુઝર્સએ જ્યારે 15 દિવસોમાં છ કરોડ યુઝર્સએ ડાઉનલોડ કરી લીધી છે, જે વિશ્વભરમાં એક રેકોર્ડ છે. નીતિ આયોગના CEO અમિતાભ કાંતે આ પ્રસંગે ટ્વીટ કરતાં લખ્યું હતું કે પાંચ કરોડ યુઝર્સ સુધી પહોંચવામાં ટેલિફોનને 75 વર્ષ, રેડિયોને 38 વર્ષ, ટેલિવિઝનને 13 વર્ષ, ઇન્ટનેટને ચાર વર્ષ અને ફેસબુકને 19 મહિના લાગ્યા હતા. અત્યાર સુધી આ આંકડો 7.5 કરોડ યુઝર્સ સુધી પહોંચી ગયો છે.