Home Blog Page 4828

ઉધ્ધવ ઠાકરેને સીએએ નહીં, એનઆરસી સામે વાંધો

મુંબઈઃ NRC અને CAA મામલે તમામ વિપક્ષી પાર્ટીઓ એકસૂરમાં વિરોધ કરી રહી છે પરંતુ આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો મિજાજ કંઈક અલગ છે. ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યા છે કે તેઓ નાગરિકતા કાયદાની વિરુદ્ધમાં નથી પરંતુ એનઆરસી અને એનઆરપીનો વિરોધ કરશે. જો કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની મહારાષ્ટ્રમાં સહયોગી પાર્ટી કોંગ્રેસ આ મામલે જોરદાર વિરોધ કરી રહી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના મુખપત્ર સામનામાં ઈન્ટરવ્યૂ આપતા કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત કોઈપણને દેશમાંથી બહાર ન કાઢી શકાય. આ સાથે જ તેમણે કહ્યું કે, અમે મહારાષ્ટ્રમાં એનઆરસી લાગૂ નહી થવા દઈએ, કારણ કે આનાથી હિંદુઓને પણ પોતાની નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, એનઆરસી અંતર્ગત ન માત્ર મુસ્લિમ પરંતુ હિંદુઓને પણ પોતાની નાગરિકતા સાબિત કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલા માટે હું એનઆરસીને અહીંયા લાગુ નહી થવા દઉં.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા કાયદાને લઈને દેશના ઘણા ભાગોમાં વિરોધ થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ઘણી જગ્યાઓ પર લોકો ઘણા દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી બહાર ગઈકાલે રાત્રે બે લોકો દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જો કે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

જામિયાઃ ચાર દિવસમાં ફાયરિંગની ત્રીજી ઘટના

નવી દિલ્હી: જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર-5 પાસે રવિવારે મોડી રાત્રે ફાયરિંગ થયું હતું. નજરે જોનારાઓના કહેવા અનુસાર સ્કૂટી સવાર લોકોએ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરનારમાંથી એક એ લાલ જેકેટ પહેર્યું હતું. ફાયરિંગથી કોઇ નુકસાનના સમાચાર નથી. દિલ્હીમાં ગત 4 દિવસથી ફાયરિંગની આ ત્રીજી ઘટના છે. પોલીસે અત્યાર સુધી ફાયરિંગની સત્તાવાર પુષ્ટિ કરી નથી. ફાયરિંગની સૂચના મળતાં જ જામિયા મિલ્લિયા ઇસ્લામિયાના બહાર લોકો એકઠા થયા છે. લોકોએ જામિયા નગર પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા. એસએચઓ ઘટનાસ્થળે હાજર છે. કેસની તપાસ ચાલુ છે. પોલીસે કોઇપણ કાનૂની કાર્યવાહી કરતાં પહેલાં તથ્યોની તપાસ કરી રહી છે.ડીસીપી કુમાર જ્ઞાનેશના જણાવ્યા અનુસાર ‘ઘટના પર બુલેટનું કોઇ કવર મળ્યું નથી. જામિયા કોર્ડિનેશન કમિટી દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે કોઇ પીસીઆર કોલ થયો નથી. ઘણા લોકો જામિયા પોલીસ મથકમાં ફરિયાદ આપવા માટે ગયા હતા. ફરિયાદના આધારે પોલીસ કાર્યવાહી કરશે. અલગ-અલગ નિવેદન લોકોના મળી રહ્યા છે કોઇ ટૂ-વ્હીલ્ર તો કોઇ ફોર વ્હીલર પોલીસને જણાવી રહ્યું છે. પોલીસ ફરિયાદના આધારે તપાસને આગળ વધારશે.

આ પહેલાં શનિવારે સાંજે એક યુવકે શાહિન બાગમાં ગોળીબારી કરી હતી. ત્યાં હાજર પોલીસે ગોળી ચલાવનાર યુવકને તાત્કાલિક પકડી પાડ્યો હતો. ગોળીબારીની આ ઘટના શાહીબાગમાં તે સ્થળથી થોડે દૂર થયું હતું, જ્યાં દોઢ મહિનાથી સીએએના વિરોધી ધરણા કરી રહ્યા છે. ગોળી ચલાવનાર યુવક પૂર્વી દિલ્હીના દલ્લૂપુરા ગામનો રહેવાસી છે. આરોપીનું નામ કપિલ ગુર્જર છે અને તે એક પ્રાઇવેટ કોલેજમાં અભ્યાસ કરે છે. આરોપીએ હવામાં ફાયરિંગ કર્યું હતું.

ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનું રાષ્ટ્રપિતા ગાંધીજી વિરુદ્ધ શરમજનક નિવેદન

બેંગલુરુ – ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અનંતકુમાર હેગડેએ ગઈ કાલે એક જાહેર સભામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે અત્યંત શરમજનક નિવેદન કર્યું હતું. આ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને ગાંધીજી પર પ્રહારો કરતાં એમ કહ્યું હતું કે એમની આઝાદીની ચળવળ એક નાટક હતું.

હેગડે ઉત્તર કનાડા મતવિસ્તારમાંથી છ વખત લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે. એમણે કહ્યું કે આઝાદીની ચળવળ બ્રિટિશરોના ટેકા અને મંજૂરી મુજબ લડવામાં આવી હતી.

હેગડે અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યા છે.

ગાંધીજી વિશે હેગડેના નવા નિવેદનને કારણે મોટો ઉહાપોહ થાય એવી શક્યતા છે.

બેંગલુરુમાં એક જાહેર કાર્યક્રમમાં હેગડેએ કહ્યું હતું કે કથિત નેતાઓમાંના એકેય જણે પોલીસની લાઠીનો માર ખાધો નહોતો. એ આઝાદીની સાચી લડાઈ નહોતી. એ તો પરસ્પર સહમતિથી રચાયેલું એક નાટક હતું.

હેગડેએ ત્યાં ન અટકતાં વધુમાં એમ કહ્યું હતું કે ગાંધીજીના ઉપવાસનું આંદોલન પણ એક નાટક હતું. કોંગ્રેસના સમર્થકો કહે છે કે ગાંધીજીએ આમરણ ઉપવાસ અને સત્યાગ્રહ કરીને ભારતને આઝાદી અપાવી હતી, પણ એ સાચું નથી. અંગ્રેજોએ કંઈ ગાંધીજીના સત્યાગ્રહને કારણે દેશ છોડ્યો નહોતો. એ લોકો નિરાશ થઈને દેશ છોડી ગયા હતા. એવા લોકો આપણા દેશના મહાત્મા બની ગયા.

ચીનમાં કોરોના વાઈરસના મૃતકોના અંતિમસંસ્કાર પર પ્રતિબંધ

બીજિંગ – ચીનની સરકારે એકદમ નવી એવી કોરોના-વાઈરસ બીમારીને કારણે મૃત્યુ પામેલા લોકોના દેહને અગ્નિદાહ આપવા, દફનવિધિ કરવા કે એની અંતિમયાત્રા કાઢવા જેવી વિધિઓ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

ઉલ્લેખનીય છે કે ચીનમાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 304 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે અને બીજાં હજારો લોકોને તે બીમારી લાગુ પડી છે.

આ રોગના ફેલાવાને નિયંત્રણમાં રાખવા માટે ચીને અંતિમસંસ્કાર વિધિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

જાહેર સુરક્ષા મંત્રાલય અને નાગરિક બાબતોના મંત્રાલયે તેમજ નેશનલ હેલ્થ કમિશને માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં જણાવાયું છે કે મૃતદેહોના એમનાં લોકેશનની નજીકના નિર્ધારિત સ્મશાનગૃહોમાં જ અંતિમસંસ્કાર કરવા અને મૃતદેહોને એક શહેર કે પ્રદેશમાંથી બીજા શહેરમાં લઈ જવા નહીં. એવી જ રીતે એને દફનવિધિ કરવા માટે કે કોઈ અન્ય કારણસર સાચવી રાખવા નહીં.

મૃતદેહોની અંતિમયાત્રા જેવી વિધિઓ ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે. એવી જ રીતે વધુ સૂચના એ આપવામાં આવી છે કે મૃતદેહો મેડિકલ કર્મચારીઓ દ્વારા ચેપમુક્ત કરાય અને સીલ કરેલી બેગમાં મૂકી દેવામાં આવશે અને ત્યારબાદ એને બેગ ફરી ખોલી શકાશે નહીં.

સ્મશાનગૃહોને પણ આદેશ આપવામાં આવ્યો છે કે એમણે મૃતદેહો લઈ આવવા માટે કર્મચારીઓને વિશેષ વાહનો સાથે મોકલવા તથા વાહનોને નિર્ધારિત રૂટ પરથી જ સ્મશાનગૃહે લઈ જવા.

ચીનનું વુહાન શહેર કોરોના રોગચાળાનું કેન્દ્રબિંદુ ગણાય છે. ચીનમાં હજી 400થી વધારે કોરોનાગ્રસ્ત લોકોની હાલત અત્યંત ગંભીર છે અને 1,118 જણની હાલત ગંભીર છે.

ચીનમાં કોરોનાનાં શંકાસ્પદ કેસોની સંખ્યા 19,544 છે.

ચીનમાંથી રોગ ભારત સહિત ઓછામાં ઓછા 23 દેશોમાં ફેલાયો છે. ભારતમાં બે કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ ઉપદ્રવને આંતરરાષ્ટ્રીય કટોકટી તરીકે ઘોષિત કરી છે.

NRI લોકોએ માત્ર ભારતમાં કમાયેલી આવક ઉપર જ ટેક્સ ભરવો પડશે

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે કહ્યું છે કે નોન-રેસિડન્ટ ઈન્ડિયન્સ (NRIs) વ્યક્તિઓએ માત્ર ભારતમાં મેળવેલી કમાણી ઉપર જ ટેક્સ ભરવો પડશે, ભારતની બહાર કમાયેલી આવક પર નહીં.

સીતારામને એમ પણ જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21 માટેના કેન્દ્રીય બજેટમાં સૂચવાયેલા નવા ટેક્સ નિયમ અંગે અધિકારીઓ ગૂંચવણમાં પડી જાય એવું હું ઈચ્છતી નથી.

નાણાં ખરડા 2020માં દર્શાવેલી જોગવાઈ, જેનો વિવાદ થયો છે, એમાં જણાવાયું હતું કે જે કોઈ ભારતીય નાગરિક, કે જેની આવક પર બીજા કોઈ પણ દેશ કે પ્રદેશમાં વેરો વસૂલાતો નથી, તેઓ ભારતીય રહેવાસી ગણાશે. વર્તમાન કાયદા અનુસાર, ભારતીય રહેવાસીની દુનિયાભરમાંની આવક પર ભારતમાં ટેક્સ લાગુ કરવામાં આવશે.

આને કારણે જ્યાં વ્યક્તિગત આવક પર વેરો વસુલ કરાતો નથી એવા સંયુક્ત આરબ અમિરાત (યુએઈ) જેવા દેશોમાં કામ-ધંધો કરતા બિનનિવાસી ભારતીયોને ચિંતા પેઠી છે, કારણ કે એમણે ભારતમાં કરવેરો ચૂકવવો પડશે. NRIs વ્યક્તિઓએ વિદેશમાં મેળવેલી આવક ઉપર 30 ટકા ટેક્સ ઉપરાંત સેસ અને સરચાર્જ લાગુ કરાશે.

 

સીતારામનનું કહેવું છે કે કરવેરાના હેતુઓ માટે રહેવાસી (રેસિડન્ટ) કોન્સેપ્ટની પરિભાષામાં ફેરફાર કરવા પાછળનો હેતુ ભારતમાં રહેતા નથી એવા NRIsની ભારતમાંની આવક કરવેરાની જાળથી બાકાત રહી જતી હોવાથી એને પણ જાળની અંદર લાવવાનો છે.

નાણાં મંત્રાલયે આજે ઈસ્યૂ કરેલા નિવેદનમાં એવી સ્પષ્ટતા કરી છે કે જો કોઈ ભારતીય નાગરિક ભારતના રહેવાસી હોય તો એમણે ભારતની બહાર મેળવેલી આવક પર ભારતમાં કોઈ ટેક્સ નહીં લાગે, પણ એ શરતે કે એમણે તે આવક કોઈ ભારતીય બિઝનેસમાંથી કે વ્યવસાયમાંથી મેળવેલી હોવી ન જોઈએ.

આ સ્પષ્ટતાની જરૂર જણાશે તો એને કાયદાની સંબંધિત જોગવાઈમાં જોડી દેવામાં આવશે, એમ પણ નિવેદનમાં જણાવાયું છે.

ધારો કે કોઈ ભારતીય પાસે ભારતીય પાસપોર્ટ હોય અને પોતે નોન-રેસિડન્ટ ઈન્ડિયન છે એવો તે દાવો કરે તો અન્ય કોઈ દેશમાંનું પોતાનું રહેવાસી સ્ટેટસ એણે સાબિત કરવાનું રહેશે.

પાંચમી T20Iમાં 7-રનથી હરાવી ભારતે NZનો કર્યો વ્હાઈટવોશ

માઉન્ટ મોન્ગેનુઈ – વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે એક વધુ ઈતિહાસ સર્જ્યો છે. આજે અહીં બૅ ઓવલ મેદાન પર રમાઈ ગયેલી પાંચમી અને શ્રેણીની છેલ્લી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ પણ જીતીને લઈને ન્યૂઝીલેન્ડને એની જ ધરતી પર T20 સિરીઝમાં 5-0થી હરાવી વ્હાઈટવોશ પરાજય આપનાર ટીમ ઈન્ડિયા દુનિયાની પહેલી જ ટીમ બની છે.

આજની મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ, બંને ટીમ તેમના રેગ્યૂલર કેપ્ટન વિના રમી હતી. વિરાટ કોહલી અને કેન વિલિયમ્સન મેચમાં રમ્યા નહોતા અને એમની જગ્યાએ અનુક્રમે રોહિત શર્મા તથા ટીમ સાઉધીએ પોતપોતાની ટીમનું નેતૃત્ત્વ કર્યું હતું. રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.

ભારતે તેના હિસ્સાની 20 ઓવરમાં 3 વિકેટે 163 રન કર્યા હતા. ઓપનિંગમાં લોકેશ રાહુલ (45)ની સાથે સંજુ સેમસન જોડાયો હતો. પણ એ માત્ર 2 જ રન કરી શક્યો હતો. રોહિત શર્મા વન-ડાઉન આવ્યો હતો અને 41 બોલમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 60 રન કર્યા હતા. પગની પીંડીમાં દુખાવો થતાં એને દાવ પડતો મૂકીને પેવિલિયનમાં પાછા ફરવું પડ્યું હતું. શિવમ દુબે માત્ર પાંચ રન કરીને આઉટ થયો હતો. છેલ્લે, શ્રેયસ ઐયર 33 રન કરીને અને મનીષ પાંડે 11 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ન્યૂઝીલેન્ડના દાવમાં બે અડધી સદી નોંધાઈ હતી. વિકેટકીપર ટીમ સાઈફર્ટે 30 બોલમાં 50 રન (પાંચ ચોગ્ગા, 3 છગ્ગા) સાથે ફટકાર્યા હતા તો રોસ ટેલર 53 રન કરીને આઉટ થતાં ન્યૂઝીલેન્ડની લડતનો અંત આવી ગયો હતો.

જસપ્રિત બુમરાહ ભારતનો સૌથી સફળ બોલર રહ્યો હતો. એણે 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 3 વિકેટ લીધી હતી. એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાયો હતો. અન્ય બે ફાસ્ટ બોલર – નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી. શિવમ દુબેએ એક જ ઓવર ફેંકી હતી અને એમાં 34 રન આપ્યા હતા.

ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં એક જ ઓવરમાં સૌથી વધારે રન આપનાર બોલરોમાં દુબે બીજા નંબરે છે. પહેલા નંબરે ઈંગ્લેન્ડનો ક્રિસ બ્રોડ છે – 36 રન. 2007માં ડરબનમાંની મેચમાં યુવરાજ સિંહે બ્રોડની ઓવરમાં 36 રન ફટકાર્યા હતા.

લોકેશ રાહુલને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

વિદેશની ધરતી પર ભારતે મેળવેલા ક્લીન સ્વીપ વિજય (3 કે તેથી વધુ મેચો)

3-0 ઓસ્ટ્રેલિયા સામે – ઓસ્ટ્રેલિયામાં 2015/16

3-0 વેસ્ટ ઈન્ડિઝ સામે – અમેરિકા/વેસ્ટ ઈન્ડિઝમાં 2019

5-0 ન્યૂઝીલેન્ડ સામે – ન્યૂઝીલેન્ડમાં 2020

























મહારાષ્ટ્રમાં NRC લાગુ કરવામાં નહીં આવેઃ CM ઠાકરેની જાહેરાત

મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ને સમર્થન આપ્યું છે, પણ એમ કહ્યું છે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ને તેઓ મહારાષ્ટ્રમાં લાગુ નહીં કરાવે.

ઠાકરેએ કહ્યું છે કે CAA કાયદો કોઈનું નાગરિકત્વ છીનવી લેવા માટેનો નથી, પરંતુ દેવા માટેનો છે. પરંતુ, જો દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે તો હિન્દુઓ અને મુસલમાનો, બંને કોમનાં લોકો માટે એમનું નાગરિકત્વ સાબિત કરવાનું મુશ્કેલ બની જશે. એટલે હું મહારાષ્ટ્રમાં એને લાગુ થવા નહીં દઉં.

અત્યાર સુધીમાં દેશના 10 રાજ્યો CAA કે NRC અથવા બંનેને લાગુ કરવાનો ઈનકાર કરી ચૂક્યા છે. અન્ય રાજ્યો છે – રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, દિલ્હી, ઓડિશા, પંજાબ, કેરળ.

ઠાકરેએ આ નિવેદન એમની શિવસેના પાર્ટીના મુખપત્ર અને મરાઠી અખબાર ‘સામના’નાં તંત્રી તથા પક્ષના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતને આપેલી એક મુલાકાતમાં ઉપર મુજબ કહ્યું છે.

ઉલ્લેખનીય છે કે સીએએ અને એનઆરસી, બંને મુદ્દે હાલ દિલ્હીમાં શાહીનબાગ વિસ્તારમાં વ્યાપક વિરોધ-દેખાવો ચાલી રહ્યા છે.

‘નાગરિકતાને લગતા કાયદાઓ વિશે તમારું શું વલણ છે?’ એવા સવાલના જવાબમાં ઠાકરેએ કહ્યું કે ‘સીએએ અંતર્ગત કોઈને પણ ભારત દેશમાંથી બહાર કાઢવાની જોગવાઈ નથી, પરંતુ એનઆરસી અંતર્ગત માત્ર મુસ્લિમોને જ નહીં, પણ હિન્દુઓને પણ એમની નાગરિકતા સાબિત કરવાનું મુશ્કેલ બની જશે. એટલે એ કાયદાને હું મહારાષ્ટ્રમાં લાગુ કરવા નહીં દઉં. મેં મારા પિતા (શિવસેના સ્થાપક સ્વ. બાલ ઠાકરે)ને જે વચન આપ્યું હતું તે પૂરું કરીને જ રહીશ.’

ઠાકરેની આ મુલાકાત 3, 4 અને પાંચ ફેબ્રુઆરીએ સામના અખબારની વેબસાઈટ http://www.saamana.com પર જોવા મળશે.