અમદાવાદ: કોરોના વાઈરસે સમગ્ર વિશ્વને જ્યારે ભરડામાં લીધું છે ત્યારે જેલમાં રહેતા કેદીને પણ તેમના પરિવારજનોની ચિંતા થાય તે સ્વાભાવિક બાબત છે. સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ દ્વારા હાલના પ્રવર્તમાન સમયમાં કોરોના વાયરસની ગંભીર અસરના કારણે કેદીઓ સાથે પરિવારજનોની મુલાકાત બંધ કરવામાં આવેલ છે.
અમદાવાદ મધ્યસ્થ જેલ દ્વારા જેલમાં રહેલા કેદીઓને તેમના પરિવાર સાથે વીડિયો કોલના માધ્યમથી મુલાકાત થઈ શકે તે માટે ખૂબ જ મોટી સંખ્યામાં ઈ-મુલાકાત ઝૂંબેશ શરૂ કરવામાં આવેલ છે. જેમાં રોજેરોજ મોટી સંખ્યામાં કાચા તથા પાકા કામના કેદીઓને તેમના પરિવાર સાથે ઈ-મુલાકાતના માધ્યમથી સંપર્ક કરાવવામાં આવે છે. અને આ ઈ-મુલાકાત બાદ કેદીઓમાં એક પ્રકારની સંતોષની લાગણી જોવા મળે છે પોતાના પરિવારને ખુશ તથા તંદુરસ્ત જોઈ તેઓ રૂબરૂ મળ્યાનો આનંદ પણ આનંદ અનુભવે છે. આ કારણે કેદીઓને માનસિક તાણમાંથી મુક્તિ પણ મેળે છે.
સાબરમતી મધ્યસ્થ જેલના નાયબ અધિક્ષક ડી. વી. રાણાએ જણાવ્યું કે ” રૂબરૂ મુલાકાત બંધ કરાતા જેલમાં રહેલા કેદીઓને માનસિક રીતે સ્વસ્થ અને મુક્તમને રાખવા માટે આ નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. કેદીઓ એકલતા ન અનુભવે તે હેતુથી ઈ-મુલાકાત દ્વારા દરરોજ 50 જેટલા કેદીઓને તેમના પરિવાર સાથે મુલાકાત કરાવવામાં આવે છે. છેલ્લા પંદર દિવસમાં આશરે ૫૦૦થી વધુ કેદીઓનો તેમના પરિવાર સાથે ઈ-મુલાકાતના માધ્યમથી સંપર્ક કરાવવામાં આવ્યો છે.
મેડ્રિડઃ વિશ્વઆખું જ્યારે કોરોના સામે જંગે ચઢ્યું છે, ત્યારે 107 વર્ષની ઉંમરે જો કોઈ મહિલા સંક્રમિત થઈ હોય અને એ ફરી સ્વસ્થ થઈને ઘરે પરત ફરી છે, એ કોઈ ચમત્કારથી ઓછો નથી. એના ડેલ વાલ્લે (Ana del Valle)નો જન્મ 1913ના ઓક્ટોબરમાં થયો હતો અને આ વર્ષે ઓક્ટોબરમાં તેઓ 107 વર્ષનાં થશે. એની સાથે એવી અટકળો ચાલી રહી છે કે સ્પેનમાં આ રોગચાળાને માત આપનારી આ સૌથી વયસ્ક મહિલા એનાને જ સૌથી વયોવૃદ્ધનો પુરસ્કાર પણ આપવામાં આવશે.
કોવિડ-19ના રોગાચાળાથી ઝઝૂમી રહેલા વિશ્વના તમામ દેશોમાં સ્પેનનો મામલો આશ્ચર્યમાં મૂકનારો છે. આ 107 વયની વયોવૃદ્ધ મહિલા કોરોના વાઇરસના સંક્રમણનો શિકાર થઈ હતી અને સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી છે. આ એ જ નાની એના છે, જેને પાંચ વર્ષની ઉંમરમાં વર્ષ 1918માં સ્પેનિશ ફ્લુને પણ માત આપી હતી. અન્ય મિડિયા અહેવાલો મુજબ સ્પેનમાં બે અન્ય મહિલાઓએ કોવિડ-19 પર જીત હાંસલ કરી છે, જેમની વય 101ની છે.
કોઈ અચરજથી ઓછો નથી એનાનો મામલો
સ્પેનની એના 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લુથી સંક્રમિત થઈ હતી અને સંપૂર્ણ સ્વસ્થ પણ થઈ ગઈ હતી અને હવે 107 વર્ષની વયે 2020માં ઘાતક કોરોના વાઇરસથી સંક્રમિત થઈ હતી અને એનાથી સ્વસ્થ થઈને ઘરે પરત ફરી હતી. એનાનો મામલો કોઈ અચરજથી ઓછો નથી.
એના નર્સિંગ હોમમાં સંક્રમિત થઈ
અહેવાલો અનુસાર એના અલ્કાલા ડેલ વાલ્લે નામના એક નર્સિંગ હોમમાં હતી. અહીં જ એને કોવિડ-19નું સંક્રમણ થયું. તેમની સાથે 60 અને વધુ લોકો હતા. ત્યાર બાદ તેમને લા લિનિયા હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા પછી કેટલાક દિવસો પહેલાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
30 મહિના સુધી સ્પેનિશ ફ્લુ રોગચાળો
સ્પેનના એક અંગ્રેજી અખબાર ધ ઓલિવ પ્રેસમાં પ્રકાશિત અહેવાલ અનુસાર વર્ષ 1918માં બાળકી એના ડેલ વાલ્લે સ્પેનિશ ફ્લુની ઝપટમાં આવી હતી, પરંતુ એ આ રોગમાંથી પણ સાંગોપાગ બહાર આવી હતી. આ ઘાતક ઇન્ફ્લુએન્ઝા રોગચાળો આશરે 36 મહિના (જાન્યુઆરી, 1918થી ડિસેમ્બર, 1929) સુધી રહ્યો અને એનાથી 50 કરોડ લોક સંક્રમિત થયા હતા, જે એ વખતના વિશ્વની વસતિના એક તૃતીયાંશ હતી. તે હવે 102 વર્ષ પછી રોંડામાં પોતાના પરિવારની સાથે 107 વર્ષ વયોવૃદ્ધ એનાને કોરોના વાઇરસને માત આપી હતી.
એનાની વહુએ આભાર વ્યક્ત કર્યો
એનાની વહુ પાકુઈ સાંચેઝે સ્થાનિક મિડિયાથી વાતચીતમાં હોસ્પિટલમાં આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે હોસ્પિલના કર્મચારીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હોસ્પિટલમાં ઓથોરિટીએ ઘણી ધીમી પ્રક્રિયાથી સારવાર કરી હતી, કેમ કે એનાની ઉંમર વધુ હતી. તેમના ડોક્ટરે જણાવ્યું હતું કે તેમના સારા રિપોર્ટ છે, પણ તેમણે વધુ સતર્ક રહેવું પડશે. તેઓ એકલાં જમે છે, કોઈ દિવસ વધુ તો કોઇક દિવસે ઓછું. તેઓ વોકરની મદદથી થઓડી સહેલ પણ કરે છે.
સ્પેનમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધી કુલ 22,524 મોત થયાં છે. જોકે 92,355 દર્દીઓ સ્વસ્થ પણ થયાં છે.
ન્યુ યોર્કઃ કોરોના રોગચાળાના વૈશ્વિક પ્રકોપની વચ્ચે આ સમાચાર રાહત આપનારા છે. સંયુક્ત રાષ્ટ્ર મહા સચિવ એન્ટોનિયા ગુટેરેસે કોરોના વાઇરસ માટે અંડર ટ્રાયલ વેક્સિનની સફળતાની આશા છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે જો આ પ્રયોગ સફળ રહ્યો તો એ વેક્સિનની ઉપલબ્ધતા સરળતાથી થઈ શકશે. ગરીબ રાષ્ટ્રોની ચિંતાને જોતાં ગુટેરેસએ કહ્યું હતું કે આ દેશોને સસ્તા દરે વેક્સિન ઉપલબ્ધ કરાવવી જોઈએ.
વેક્સિનનું માનવ પરીક્ષણ અમેરિકા અને બ્રિટન સહિત કઈ દેશોમાં શરૂ
તેમણે કહ્યું હતું કે કોવિડ-19 વેક્સિનનું માનવ પરીક્ષણ અમેરિકા અને બ્રિટન સહિત કેટલાંક રાજ્યોમાં શરૂ થઈ ચૂક્યું છે. ગુટેરેસએ ટ્વિટર પર લખ્યું હતું કે આ કોરોના પર તૈયાર કરવામાં આવેલી વેક્સિન કોઈ એક રાષ્ટ્ર નહીં, બલકે એ વૈશ્વિક ધરોહર હશે. તેમણે કહ્યું હતું કે આ વેક્સિન સસ્તી, સુરક્ષિત, અસરકારક અને સરળતાથી સુલભ હશે. આ ઉપકરણ કોરોના વાઇરસથી લડવા માટે અસરકારક છે.
કોરોનાથી મુક્તિ માટે સંપૂર્ણ વિશ્વએ એકજૂટ થવું પડશે
તેમણે કહ્યું હતું કે કોરોનાથી મુક્તિ માટે સંપૂર્ણ વિશ્વએ એકજૂટ રહેવું પડશે. કોરોના વાઇરસથી લડવા માટે વૈશ્વિક ઇતિહાસમાં વિશ્વમાં સૌથી મોટા જાહેર આરોગ્ય પહેલ અને પ્રયાસની જરૂર છે. યુએન પ્રમુખે કહ્યું હતું કે દેશોએ કોરોનાથી જોડાયેલા બધા ડેટાને એકબીજા સાથે વહેંચવા જોઈએ.
કોરોના રોગચાળા માટે અમેરિકામાં ટ્રાયલ શરૂ
કોરોના રોગચાળાથી ઝઝૂમી રહેલા અમેરિકામાં વાઇરસની સારવામાં લાગેલું છે. ટ્રમ્પ વહીવટી તંત્રના એક ઉચ્ચ આરોગ્ય અધિકારીએ કહ્યું હતું કે હાલમાં એના માટે 72 મેડિકલી ટ્રાયલ ચાલી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે FDAની દેખરેખમાં સંયુક્ત રાજ્ય અમેરિકામાં 72 પરીક્ષણ ચાલી રહ્યા છએ અને 211 યોજનાઓ ચાલી રહી છે. આમાં કંવલસેન્ટ પ્લાઝમા અનમે એન્ટિ વાઇરલ થેરેપી પણ સામેલ છે. જોકે વેક્સિન શોધવાનું કામ સતત જારી છે.
ગાંધીનગર: રાજ્યમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે રાજ્ય સરકારે રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલ એટલે કે ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવી છે. જો કે આ છૂટછાટ નિયમો અને શરતોને આધિન રહેશે.
નાના મોટા ધંધાર્થીઓને આપવામાં આવેલી છૂટ શરતોને આધિન છે. જેમાં ધંધો કે દુકાનનું સ્થળ કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવું જરૂરી છે.તેમાં 50 ટકા સ્ટાફ જ રાખવાનો રહેશે. માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ પાળવું ફરજિયાત છે. કન્ટેઇનમેન્ટ વિસ્તારો સ્થાનિક સત્તામંડળે નક્કી કરેલા હોવા જોઈએ. સાથે જ IT તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ 50 ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.
મહત્વનું છે કે, રાજ્યમાં હેરકટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં, આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ દેશભરમાં લગાવવામાં આવેલા લોકડાઉનની વચ્ચે ગૃહ મંત્રાલયે શુક્રવારે કેટલીક દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. ગૃહ મંત્રાલયનાં પ્રવક્તાએ સ્પષ્ટીકરણે કર્યું હતું કે જે દુકાનો માલસામાન વેચી રહી છે એ ખોલી શકાશે, પણ જે દુકાનો સે્વા આપી રહી છે, જેમ કે સલૂન, બ્યુટી, ટ્રીટમેન્ટ અને સ્પાને ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી. મંત્રાલયના નવા આદેશ મુજબ કોઈ પણ રેસ્ટોરાં ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી.
ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે ગ્રામીણ ક્ષેત્રોમાં બધી દુકાનો ખોલવાની મંજૂરી છે. જોકે શોપિંગ મોલમાં દુકાનો આમાં સામેલ નથી. શહેરી ક્ષેત્રોમાં બધી એકલદોકલ દુકાનો, આસપાસની દુકાનો અને રહેઠાણો સ્થિત દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે બજારો-સાપ્તાહિક બજારો અને શોપિંગ મોલમાં સ્થિત દુકાનોને ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી.
ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે ઈ-કોમર્સ કંપનીઓને માત્ર આવશ્યક ચીજવસ્યુઓના વેચાણને મંજૂરી છે. એ પણ સ્પષ્ટ કર્યું હતું કે દારૂના વેચાણની સાથે-સાથે અન્ય ચીજવસ્તુઓના વેચાણ પર પ્રતિબંધિત રહેશે. જોકે મંત્રાલયના દિશા-નિર્દેશો અનુસાર રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જે વિસ્તારોમાં કોરોના કેસ વધુ છે એટલે કે હોટ સ્પોટ વિસ્તારોમાં દુકાનો ખોલવાની મંજૂરી નથી આપવામાં આવી.
લોકડાઉન હજી ત્રીજી મે સુધી લાગુ છે. કેટલાંક રાજ્યો એને વધારવા માટે મન બનાવી લીધું છે. જેમાં લોકડાઉન દરમ્યાન માત્ર જરૂરી માલસામાનવાળી દુકાનોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આમાં કરિયાણું અને શાકભાજી અને ફળફળાદિની દુકાનો ખૂલી રાખી શકાશે. લોકડાઉનને લીધે દુકાનો બંધ રહેતાં વેપારીઓને કરોડોનું નુકાસન થઈ ચૂક્યું છે.
નવી દિલ્હી: કોરોનાને પગેલ સમગ્ર દેશમાં ચાલી રહેલા લોકડાઉને પગલે ટ્રેન સહિતનું જાહેર પરિવહન સંપૂર્ણપણે બંધ છે. લોકડાઉન હજુ 3 મે સુધી ચાલવાનું છે. ત્યારે ભારતીય રેલવે લોકડાઉન પછી કેટલીક સ્પેશિયલ ટ્રેન દોડાવવાના ફોર્મ્યૂલા પર વિચારણા કરી રહ્યું છે.
લોકડાઉન પૂર્ણ થયા બાદ કેટલીક સ્પેશિયલ પેસેન્જર ટ્રેનને ચલાવવાનો પ્રસ્તાવ છે. આ ટ્રેન ગ્રીન ઝોનમાં ચલાવવામાં આવશે અને માત્ર ઈમર્જન્સીમાં જ લોકોને મુસાફરીની મંજુરી હશે. જો કે કન્ટેનમેન્ટ ઝોન અને હોટસ્પોટ વિસ્તારમાં ટ્રેન ચલાવવામાં આવશે નહી.
પ્રસ્તાવ પ્રમાણે સ્લીપર ટ્રેન ચલાવવામાં આવી શકે છે. એસી કોચ અને જનરલ કોચવાળી ટ્રેનો નહીં ચલાવવામાં આવે. જે લોકોની ટીકિટ કન્ફર્મ થશે તે જ યાત્રા કરી શકશે. ટીકિટ કન્ફર્મ નહીં થવા પર મુસાફરી કરવાની મંજૂરી નહીં મળે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવશે. રેલવેએ કોરોના વાઈરસનો સામનો કરવા માટે પાંચ હજાર આઈસોલેશન બેડ પણ બનાવ્યા છે.
લોકડાઉન પછી શરુ કરવામાં આવનાર ટ્રેનોનું ભાડું પણ વધાર રાખવાનો પ્રસ્તાવ છે જેથી લોકો માત્ર ઈમર્જન્સીમાં જ મુસાફરી કરે. રેલવેનો પ્રયત્ન છે કે જ્યાં સુધી કોરોના વાઈરસ સંપૂર્ણપણે ખતમ થાય નહી ત્યાં સુધી ઓછામાં ઓછા લોકો મુસાફરી કરે.
અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ફ્રેન્કલિન ટેમ્પલટને એકસાથે તેની છ સ્કીમ્સ બંધ કરી દેવાની જાહેરાત તાજેતરમાં કરતા બજારમાં અને મ્યુચ્યુઅલ ફંડ ઉધોગમાં ચિંતા અને શંકા ફેલાઇ ગયા . શું થઈ ગયું આ? હવે શું થશે? એવા સવાલો થવા લાગ્યા. રોકાણકારો ગભરાટમાં આવી ગયા. ખરેખર શું થયું છે એ સમજીએ અને સાવચેત પણ થઈએ. શેરબજારમાં તો વોલેટિલિટી ચાલુ જ છે, કિંતુ હવે મ્યુચ્યુઅલ ફંડ ઉધોગમાં પણ કંઈક અંશે ગભરાટનો કરન્ટ લાગ્યો હોવાની ઘટના બની છે.
આ વાત છે ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડની, જેણે તાજેયરમાં પોતાની છ ડેટ સ્કીમ્સ એકસાથે અચાનક જ બંધ કરી દેવાની જાહેરાત કરી દઈને રોકાણકારો, બજાર અને મ્યુચ્યુઅલ ફંડ ઉધોગને આંચકો આપ્યો છે, જેને પગલે આ યોજનાના ધારકોમાં ગભરાટ ફેલાઈ જવો સ્વાભાવિક છે, હવે આ ગભરાટ અન્ય મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોમાં પણ વાઈરસની જેમ ફેલાઈ જાય તો નવાઈ નહીં. અલબત્ત, સમગ્ર ઉધોગ માટે પેનિકમાં આવવાની જરૂર નથી.
સ્પષ્ટ સમજવાની વાત એ છે કે આ સમસ્યા ફ્રેન્કલિન ટેમ્પલટનની જ નથી, આ સમસ્યા સમગ્ર અર્થતંત્રની સ્થિતીની છે, જેનો વિસ્તાર હજી ગંભીર થઈ શકે છે. ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે તેની છ યોજના બંધ કરી તેમાં અલ્ટ્રા લિકવિડ સ્કીમ, શોર્ટ ટર્મ ઈન્કમ સ્કીમ,ક્રેડિટ રિસ્ક સ્કીમ, વગેરે સમાન ડેટ સ્કીમ્સનો સમાવેશ થાય છે. આમાંથી અમુક સ્કીમમાં ઊંચા વળતર સાથે ઊંચું જોખમ જોડાયેલું હોવાનું જાહેર હતું તેમછતાં એજન્ટો-બ્રોકરોએ પોતાના ગ્રાહકોને ઊંચું વળતર આપાવવા આ યોજનામાં બેધડક રોકાણ કરાવ્યું હતું. ફ્રેન્કલિન ટેમ્પલટને આ યોજનાઓમાં લો રેટેડ (નીચા રેટિંગવાળા) સાધનોમાં રોકાણ કર્યુ હતું, જેને રિસ્ક ક્રેડિટ કહેવાય છે. આ રિસ્કને લીધે તે વળતર ઊંચું આપતું હતું, જે હવે તેને ભારે પડી ગયું હોવાનું જણાય છે. આને પગલે હવે પછી ડેટ સાધનો પ્રત્યે વધુ સાવચેતીપૂર્વક જોવાશે એવું જાણકારો કહે છે. અગાઉના વરસોમાં ફ્રેન્કલિન ટેમ્પલટને સારું વળતર આપ્યું હતું. અત્યારે તેને લોક ડાઉન મોંધું પડી ગયું હતું. એક અંદાજ મુજબ ફંડે આ યોજનાઓ પેટે આશરે 28000 કરોડ જેટલી રક ચુકવવાની આવશે. આ માટે સમય છે, કિંતુ આ સમય સુધીમાં અર્થંતંત્રમાં સુધારો થાય તો જ વાત બને.
લોકડાઉનનીઅસરકોર્પોરેટસને
આ ફંડની સ્કીમ્સનું રોકાણ બોન્ડ, ડિબેન્ચર્સ, વગેરે જેવા સાધનોમાં થયું છે. જેમાં અમુક નિમ્ન જોખમવાળી સ્કીમ છે, જયારે અમુક હાઈ રિસ્કવાળી છે, હાઈ રિસ્કમાં હાઈ રિટર્ન પણ હતું. કિંતુ હાલ આર્થિક મંદીની જાળ સતત ઊંડી અને ગંભીર બનતા બોન્ડસમાં કરાયેલું અટવાઈ ગયું છે, કેમ કે વર્તમાન મંદીમાં બોન્ડસ માર્કેટમાં ખરીદનારા નથી. અલબત્ત, આ બોન્ડસ ચોકકસ મસયગાળાની મુદ્તના છે. કિંતુ અમુક કોર્પોરેટ વર્ગ લોક ડાઉનની સ્થિતીને લીધે નાણાં છુટા કરવા પોતાનું રોકાણ વેચવા જતા સ્કીમ્સ પર દબાણ વધી ગયું હતું. જેથી અન્ય રોકાણકારોને મળેલી નિરાશાએ મામલો વધુ ચિંતાજનક કરી નાંખ્યો. ફંડે ખોટ કરીને બોન્ડસ વેચવા કરતા પાકતી મુદત સુધી રાહ જોવાનું સલાહભર્યુ ગણીને સ્કીમ્સને બંધ જાહેર કરી દીધી. જેથી પાકતી મુદતે અન્ય નાના-મોટા રોકાણકારોએ ખોટ સહન કરવાની આવે નહીં. આમ જોવા જઈએ તો આ બોલ્ડ નિર્ણય ગણાય. જેમાં કંપનીની પ્રતિષ્ઠા દાવ પર લાગી કહેવાય, કિંતુ રોકાણકારોને સહન ઓછું કરવું પડે એવું થયું છે.
રોકાણકારોનાહિતમાંનિર્ણયગણાય?
અહીં એ નોંધવું જરૂરી છે કે ફ્રેન્કલિન ફંડે પોતે રોકાણકારો પાસેથી નાણાં એકઠાં કરી તેને વિવિધ ડેટ સાધનોમાં રોકયા છે, આ નાણાં કોર્પોરેટ ઈન્વેસ્ટર્સ પાછાં (રિડમ્પશન) લેવા ગયા ત્યારે જે સ્કીમનાં નાણાંનું રોકાણ બોન્ડમાં થયું છે, તેમાં ફંડ એ બોન્ડસ વેચવા જતા મંદીને લીધે ખરીદનાર મળવાના બંધ થઈ ગયા. પરિણામે ફંડે પોતાની આ સ્કીમ બંધ કરી દેવાની ફરજ પડી છે. અન્યથા બધાં જ જો ગભરાટમાં રિડમ્પશન માટે આવી જાય તો ડિફોલ્ટ સિવાય કોઈ ઉપાય રહે નહીં. જેથી ફંડે શાણપણ વાપરી હાલ સ્કીમ બંધ જાહેર કરી લોકોને આંચકો ભલે આપ્યો હોય, કિંતુ વાસ્તવમાં વધુ જોખમને ટાળવાનો આ પ્રયાસ કહી શકાય. અલબત્ત, પાકતી મુદતે ફંડે આ નાણાં પરત કરવાના આવશે, જો કે આ માટે ફંડને સમય મળશે, ફંડ તેની વ્યવસ્થા કરી શકે એવા પ્રયાસ કરી શકે, બેંકો પાસેથી ધિરાણ મેળવીને પણ નાણાંની વ્યવસ્થા કરી શકે. અલબત્ત, પાકતી મુદતને હજી વધુ સમય છે અને એ સમયે નાણાં પરત મળશે જ એની ખાતરી હાલ કોઈ આપી શકે નહીં.
સેબી–આરબીઆઈકંઈકકરશે?
અહીં એ નોંધવું પણ જરૂરી છે કે આ સમસ્યા જે સમયમાં બહાર આવી છે તે સમય આમ પણ કોવિદ-19ને કારણે વધુ સંવેદનશીલ છે ત્યારે લોકો ગભરાટમાં ન મુકાય અને લોકો બધાં જ મ્યુચ્યુઅલ ફંડમાં રિડમ્પશન માટે દોડી ન પડે એ માટે સરકારે તેમ જ સેબી અને રિઝર્વ બેંકે દરમ્યાનગીરી કરવી પડશે એમ જણાય છે. અલબત્ત, સરકારે આમ કરવું પણ જોઈએ, કારણ કે મ્યુચ્યુઅલ ફંડના કરોડો રોકાણકારોના વિશ્વાસનો સવાલ છે. અગાઉ 2013માં આવી કટોકટી આવી ત્યારે રિઝર્વ બેંકે મ્યુચ્યુઅલ ફંડસને ધિરાણ આપવાનું બેંકોને કહયું હતું, જો કે એ સમય આવી કારમી –ગંભીર કટોકટીનો નહોતો. અત્યારે તો બેંકો પાસે પ્રવાહિતા હોવા છતાં તે આમાં ધિરાણ કરશે કે નહીં એ સવાલ છે.
વાસ્તવિકતા સમજો
મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રના નિષ્ણાંત કહે છે, અત્યારની દશાને સમજવી હોય તો આ કેટલાંક દાખલા સમજવા જોઈએ. દાખલા તરીકે સરકાર કોઈ એરલાઈન્સને ઉડવાની જ મનાઈ ફરમાવે અને પછી તેના કર્મચારીઓને પગાર ચુકવવાનું કહે તો કયાં સુધી ચાલી શકે? રેલ્વેને બંધ રાખે, જેથી તેને કોઈ આવક થાય નહીં, પણ રેલ્વે કર્મચારીઓને પગાર ચુકવવો પડે તો કયાંસુધી ચાલી શકે?. કોઈ ફેકટરી સાવ બંધ હોય અને તે ખોલી શકવાની સ્થિતી પણ ન હોય, ઉત્પાદન-વેચાણ બંધ થઈ ગયા હોય અને સરકાર એ ફેકટરીના કામદારોને-અધિકારીઓને પગાર તો આપવાનો જ એવી ફરજ પાડે તો એ મામલો કેટલો ચાલી શકે? આ કઠોર વાસ્તવિકતા સમજવી આવશ્યક છે.
વિશ્વાસટકાવવોજોઈશે
સરકારે બેંકોને કહયું તમે ત્રણ મહિના સુધી લોન પર વ્યાજ ન લો, તો બેંકો કઈ રીતે મેનેજ કરશે? કેટલો સમય મેનેજ કરશે? તેના બચતકારો-ડિપોઝિટ ધરાકોને તો બેંકોએ વ્યાજ આપવું જ પડશે. ઈન શોર્ટ, આ જ રીતે ફ્રેન્કલિન ટેમ્પલટનના કિસ્સામાં હાલ ઉપાય દેખાતો નથી, કિંતુ ઉપાય કરવો પડશે. સેબી અને રિઝર્વ બેંકે ઉપાયનો માર્ગ કાઢવો પડશે. સરકારે જરૂર પડે તો દરમ્યાગીરી કરવી અનિવાર્ય બનશે. જેમ યસ બેંકમાં સરકારે બચતકારોના હિતમાં ઉપાય કર્યો અને બાજી સાચવી લીધી તેમ ફ્રેન્કલિન ટેમ્પલટનના કિસ્સામાં પણ સરકારે કરોડો ઈન્વેસ્ટર્સના હિતમાં અને મ્યુચ્યુઅલ ફંડ ઉધોગના વિશ્વાસ માટે પણ ઉપાય કરવો અનિવાર્ય છે. તેમછતાં હાલ રોકાણકારો સંયમ જાળવી, પેનિકમાં નહીં આવી રાહ જોશે તો આ ઉપાય આગામી સમય કરશે એવી નિષ્ણાંતો અને ફંડ ઉધોગની આશા છે.
ગાંધીનગર: કોરોના સંક્રમણથી બચવા ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ અપનાવવામાં આવી રહી છે અને તે ખૂબ કારગત સાબિત થઈ રહી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ અને હોમીયોપેથી દવાઓને વધુને વધુ નાગરિકો પ્રાથમિકતા આપી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ કે જેમને કવોરંટાઇન કરાયેલા છે તે પૈકી ૯૧,૩૪૧ વ્યકિતઓએ આયુર્વેદ – હોમીયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે કવોરંટાઇન વ્યક્તિઓમાં જે ૯૧,૩૪૧ લોકોએ આયુર્વેદ – હોમીયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી હતી તે પૈકી માત્ર ૧૫ દર્દીઓના જ રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે, જે તમામ ૧૫ દર્દીઓએ ત્રણ દિવસથી પણ ઓછો સમય આ રોગ પ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું સેવન કર્યું હતું.
આ સમયમાં શરીરની કુદરતી રોગ પ્રતિકારક શકિતને વધારવી એ મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે. આપણે બધા જાણીએ છીએ કે શ્રેષ્ઠ આરોગ્ય જાળવવામાં બીમાર થયા બાદ સારવાર કરતા પૂર્વ સંભાળ લેવીએ અત્યંત અનિવાર્ય છે. આયુષ મંત્રાલયે ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિથી ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉપાયો સૂચવ્યા છે.
ડૉ. જયંતિ રવિએ કહ્યું કે, કોરોના સંક્રમણથી બચવા રોગ પ્રતિકારક શકિતવધારવી એ જ ઉત્તમ ઔષધ અને શ્રેષ્ઠ ઉપચાર છે. રાજ્યમાં દોઢ મહિનામાં ૧.૧૮ કરોડ ઉકાળા, ૩.૦૮ લાખ શમશમવટી અને ૮૨.૭૧ લાખ આર્સેનીકમ આલ્બમ -૩૦ પોટેન્સી હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે.
આયુર્વેદના રોગ પ્રતિરોધક અમૃતપેયનું તમામ સરકારી આયુર્વેદ દવાખાના ,હોસ્પીટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આયુષ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર ઉકાળા-શમશમવટીનો ઉપયોગ વધારવા નાગરિકોને અપીલ કરી છે. રાજય સરકાર હસ્તકના પ૬૮ આયુર્વેદ દવાખાના, ૩૮ આયુર્વેદ હોસ્પીટલ અને ૨૭૨ હોમીયોપેથી દવાખાનામાં ઉપલબ્ધ છે આ દવાખાના/હોસ્પીટલ કયાં આવેલ છે તેની જાણકારી માટે હેલ્પલાઈન નંબર ૧૦૪ ઉપરથી જાણી શકાશે. આ ઉપરાંત ગુજરાત રાજયની વેબસાઈટ https://ayush.gujarat.gov.in/index.htm ઉપરથી પણ મેળવી શકાશે.