Home Blog Page 4836

રાશિ ભવિષ્ય 31/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું,


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે,


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે

મુંબઈમાં મધ્ય રેલવેની પહેલી AC લોકલ દોડતી થઈ

મુંબઈ – પશ્ચિમ રેલવે બાદ મુંબઈમાં મધ્ય રેલવેએ પણ તેની એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન શરૂ કરી છે. આજે એની પહેલી એસી લોકલ પનવેલ સ્ટેશનેથી થાણે સુધી દોડાવવામાં આવી હતી.

રેલવેના રાજ્યકક્ષાના પ્રધાન સુરેશ અંગડીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનના કન્ટ્રોલ રૂમમાંથી વિડિયો લિન્ક મારફત આ ટ્રેનની સફરનો શુભારંભ કરાવ્યો હતો.

આ ઉદઘાટક ટ્રેનને બંને મહિલાએ ચલાવી હતી. મોટરમેન હતાં મનીષા મ્હસ્કે અને ગાર્ડ હતાં શ્વેતા ઘોને.

પનવેલ સ્ટેશનેથી બપોરે અઢી વાગ્યાના સુમારે આ એસી લોકલ ટ્રેનને થાણે રવાના કરવામાં આવી હતી. થાણેથી તે નેરુલ સ્ટેશન સુધી ગઈ હતી અને ત્યાંથી એને કારશેડમાં મોકલી દેવામાં આવી હતી.

શુક્રવારથી આ ટ્રેન રોજ 16 ફેરી કરશે.

મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર વિભાગ પર થાણે-નેરુલ, થાણે-પનવેલ અને થાણે-વાશી સ્ટેશનો વચ્ચે આ ટ્રેનને દરરોજ દોડાવવામાં આવશે.

આ ટ્રેનમાં પ્રવાસીઓ માટે ઈન્ટરકોમ સુવિધા સહિત જીપીએસ-આધારિત ઈન્ફોર્મેશન સિસ્ટમ બેસાડવામાં આવી છે. તે ઉપરાંત દરેક ડબ્બામાં બે-સાઈડવાળા ડિસ્પ્લે અને બે ડબલ-સાઈડવાળા ડિસ્પ્લે મૂકવામાં આવ્યા છે.

ટ્રેનમાં પ્રવાસીઓ માટેની સીટ સ્ટેનલેસ સ્ટીલની બનાવવામાં આવી છે. બારીઓ ઘણી પહોળી અને મોટી ડબલ-ગ્લાસવાળી સીલ્ડ વિન્ડો છે જેમાંથી બહારનું વિશાળ દ્રશ્ય જોઈ શકાય છે.

પ્રવાસીઓની સલામતી માટે ટ્રેનમાં ઓટોમેટિક દરવાજાવાળી સિસ્ટમ છે. તે ઉપરાંત તાકીદની સ્થિતિ માટે એલાર્મ સિસ્ટમ છે. પ્રવાસીઓ અને ટ્રેનચાલકો વચ્ચે સંદેશવ્યવહાર કરવા માટે ટોક-બેક સુવિધા પણ છે.

પશ્ચિમ રેલવે બે વર્ષથી ચર્ચગેટ અને વિરાર વચ્ચે એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન દોડાવે છે.

ગાંધીજી પર શોર્ટ ફિલ્મઃ કોણ જીત્યું આ સ્પર્ધામાં?

ગાંધીનગર:  રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ગાંધીજી વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ચાર કેટેગરીમાં યોજાયેલ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ૨૦૩ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પૂ. ગાંધીજીના નિર્વાણદિને શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટેની કેટેગરીમાં ૫૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કેટેગરીમાં પ્રથમ ક્રમે તેજસ એન. ભાંભરે(એમ.આઇ.ટી.-એ.ડી.ટી.યુનિવર્સિટી, પૂણે) દ્વિતિય ક્રમે ભાર્ગવ આર.પરમાર (ડિપાર્ટમેન્ટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) અને તૃતીય ક્રમે ચિંતન એન.પંડ્યા- એચ.કે.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં સ્મિત એમ.વ્યાસ (એમ.એ.પરીખ ફાઇન આર્ટસ એન્ડ આર્ટ કોલેજ, પાલનપુર) અને અભિષેક એન.પરમાર (એલ.ઇ. કોલેજ ઓફ એન્જિનીયરીંગ, મોરબી)ને  સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે.

મેચ્યોર ફિલ્મ મેકર્સની કેટેગરીની સ્પર્ધામાં ૧૨૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કેટેગરીમાં પ્રથમ સ્થાને કુમાર ભોઇ (આણંદ), દ્વિતિય ક્રમે ડૉ.જીગર સુથાર (અમદાવાદ) અને તૃતીય ક્રમે ડૉ.પ્રસન્નકુમાર ગાંધી (અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં મિતુલ પી. ગુપ્તે (વડોદરા)ને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે.

પ્રોફેશનલ ફિલ્મ મેકર્સની કેટેગરીમાં તૃતીય સ્થાને વિજયસિંહ એમ.ઝાલા(અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે કોઇ કૃતિ પસંદગી પામી નથી. આ કેટેગરીમાં ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

જ્યારે માહિતી ખાતાની ફિલ્મ મેકર્સની પેનલના નિર્માતાઓ માટેની કેટેગરીમાં પ્રથમ ક્રમે સંદિપ રાજપુત, અમદાવાદ અને દ્વિતિય ક્રમે નિમેષ શાહ, અમદાવાદ વિજેતા થયા છે.

ગાંધીજી-શોર્ટ ફિલ્મ સ્પર્ધાના પ્રથમ ક્રમાંકના વિજેતાઓને રૂા.બે લાખ, દ્વિતિય ક્રમના વિજેતાઓને રૂા.એક લાખ અને તૃતીય ક્રમાંકના વિજેતાઓને રૂા.પચાસ હજારનું ઇનામ આપવામાં આવશે.

BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નવસારીમાં નૂતન શિખરબદ્ધ મંદિરમાં ઊજવાયો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

દક્ષિણ ગુજરાતના નવસારી શહેરની પાવન ભૂમિ ઉપર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે 2012માં સંગેમરમરના ભવ્ય શિખરબદ્ધ મંદિરના નિર્માણનો શુભારંભ કર્યો હતો. એમની પાવન પ્રેરણા અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે બીએપીએસ નૂતન મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ આજે (30-01-2020), વસંત પંચમીના દિવસે ઊજવાયો. 10 એકરના પરિસરમાં આ મંદિરની લંબાઈ 205 ફૂટ, 188 ફૂટ પહોળાઈ તથા ઊંચાઈ 82 ફૂટ છે, જેમાં બારીક કોતરણીવાળા કલામંડિત 222 સ્તંભો, 150 તોરણો, 900 ફૂટ લાંબી બેનમૂન ગજેન્દ્ર-પીઠ અને અવતારો, દેવી-દેવતા અને મહાન ભક્ત-પરમહંસોની સુંદર રુપપ્રતિમાઓ, ભગવાન સ્વામિનારાયણની લીલાના 44થી વઘુ પથ્થરમાં કંડારાયેલી શિલ્પકૃતિઓ અને કલાત્મક 5 શિખર, 2 ઘુમ્મટ તથા 17 ઘુમ્મટીઓ અને તેના ઉપર 19 સુવર્ણરહિત કળશો છે.

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા રાધાકૃષ્ણ દેવ, અભિષેક મંડપમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજ, શ્રી સીતા-રામ-હનુમાનજી તથા શ્રી શિવ-પાર્વતી-ગણેશજી અને ગુરુપરંપરાની મૂર્તીઓની પ્રતિષ્ઠા વૈદિક વિધિથી શાસ્ત્રોક રીતે સંપન્ન થઈ. સમગ્ર ભારતભરમાંથી 51 પવિત્ર નદીઓના જળ અને ઔષધી કળશમાં ભેગા કરવામાં આવ્યાં હતાં અને કળશનું શાસ્ત્રોક વિધિથી પૂજન થયું અને ત્યાર બાદ આ પવિત્ર જળથી મૂર્તિઓનો અભિષેકવિધિ કરવામાં આવ્યો હતો. સંસ્થાના વિદ્વાન સંતો અને બ્રાહણો દ્વારા સમગ્ર વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવ્યો હતો. જેમાં ઉડ્ડપી, દક્ષિણ ભારતમાંથી 9 બ્રાહ્મણોએ વાદ્યનું વાદન કર્યું હતું. મહાપૂજામાં પ. પૂ. મહંતસ્વામી મહારાજ, સદગુરુ સંતો, દેશ-વિદેશના હજારો હરિભક્તો જોડાયા હતા. પ. પૂ. મહંતસ્વામી મહારાજે મંદિર પરિસરના મુખ્ય દરવાજાનું વૈદોક્ત વિધિથી અનાવરણ કરી નૂતન શિખરબદ્ધ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

આ અવસરે પ. પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, ‘’નવસારી ખાતે અક્ષરપુરુષોત્તમ મહારાજ અને સનાતન દેવોની અહીં વૈદોક્ત વિધીથી પ્રતિષ્ઠા કરવામાં આવી છે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, તમામ ભક્તો અને નવસારી શહેરની પ્રજાજનો સુખી થાય તથા આખા વિશ્વમાં સંપ, શાંતિ, શ્રદ્ધા અને એકતા જળવાઈ રહે અને તમામ ભક્તજનોના દેશકાળ સારા થાય.’’

પ.પૂ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા દેશ-વિદેશમાં 1100 કરતાં વધુ મંદિરોનાં નિર્માણ થયાં છે જે, ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો અને સમાજસેવાનાં ધબકતાં ઊર્જાકેન્દ્ર બની રહ્યાં છે.જેમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નવસારીનાં નેજા હેઠળ 162 પ્રકારની પ્રવૃત્તિઓનું સફળતા પૂર્વક સંચાલન પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી થઈ રહ્યું છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આદિવાસી ઉત્કર્ષ માટે અનેક કાર્યો ચાલી રહ્યાં છે. રંભાસ ખાતે ચાલતી આદિવાસી છાત્રાલય અને સ્કૂલ દ્વારા 200થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સંસ્કારયુક્ત શિક્ષણ આપવામાં આવે છે.

નૂતન મંદિર મૂર્તિ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 3800 કરતા વધારે યજમાનોએ વિશ્વશાંતિ મહાયજ્ઞમાં આહુતી અર્પણ કરી હતી.

દરેક મુદ્દે વિપક્ષ સાથે ચર્ચા માટે સરકાર તૈયાર: પીએમ મોદી

નવી દિલ્હી: સંસદમાં બજેટ સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ આજે સર્વપક્ષીય બેઠકમાં કહ્યું કે, સરકાર વિપક્ષના મંતવ્યો સાંભળવા અને દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી કહ્યું કે અર્થવ્યવસ્થા સહિત તમામ મુદ્દાઓ પર સાર્થક અને વિસ્તૃત ચર્ચા થવી જોઈએ.  અર્થવ્યવસ્થાને વૈશ્વિક સંદર્ભે જોવાની જરૂર છે, ભારત તેનો ફાયદો ઉઠાવી શકે છે. સંસદના 31 જાન્યુઆરીથી શરુ થતાં બજેટ સત્ર પહેલા આયોજીત સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષી દળોએ સીએએ, એનપીઆર, એનઆરસી, અર્થવ્યવસ્થાની સ્થિતિ, કશ્મીરની સ્થિતિ સહિત અનેક મુદ્દા ઉઠાવ્યા અને તેના પર ચર્ચાની માંગ કરી.

બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી વગેરે હાજર રહ્યા. બેઠક પછી રાજ્યસભમાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, સીએએ વિરુદ્ધ પ્રદર્શનો પર સરકારનું વલણ તેનો અંહકાર બતાવે છે, સરકારે પ્રદર્શનકારીઓ સાથે સંપર્ક કરવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો.  આઝાદે વધુમાં કહ્યું કે, દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે, બેરોજગારી આકાશ આંબી રહી છે, કશ્મીરમાં ત્રણ ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓને નજરકેદ રાખવામાં આવ્યા છે. અમે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માગીએ છીએ.

જામીયા પ્રદર્શન વખતે ગોળી ચલાવવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ જામિયા યૂનિવર્સિટી પાસે પ્રદર્શન દરમ્યાન ખુલ્લેઆમ ગોળી ચલાવવાની ઘટનાને લઇને દિલ્હીમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ફાયરિંગમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ગોળી શાદાબ ગામના એક વિદ્યાર્થીના હાથ પર વાગી હતી. શાદાબને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ ગોપાલ છે. તેણે ગોળી ચલાવતા પહેલા ફેસબુક લાઈવ પણ કર્યું હતું.

ફેસબુક લાઈવ કરતા પહેલા તેણે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, શાહીનબાગ ખેલ ખતમ. આ પહેલા તેણે એક પોસ્ટમાં લખ્યું હતું કે, “મારી અંતિમ યાત્રા પર, મને ભગવામાં લઈ જવામાં આવે અને જય શ્રીરામના નારા લાગે”. પછી તેણે લખ્યું કે, મારા ઘરને સાચવજો, અને તેણે પોતાના ફેસબુક પેજ પોતાનું નામ “રામભક્ત ગોપાલ”રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે જામિયા મિલિયા ઈસ્લામિયા યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાજઘાટ સુધી પદયાત્રા કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે જ અચાનક એક યુવાન આવ્યો અને તેણે આ લો આઝાદી અને દિલ્હી પોલીસ જિંદાબાદ કહેતા ગોળી ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં સીએએના વિરોધમાં ઉતરેલા હજારો લોકો અને વિદ્યાર્થીઓએ જંતર-મંતર પર પ્રદર્શન કર્યું.

કોરોના વાયરસઃ શું કરી છે રાજ્ય સરકારે તૈયારી?

ગાંધીનગરઃ ચીનમાં અત્યારે કોરોના વાયરસે જોર પકડ્યું છે. ચીનમાં રહેતા હજારો લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. મહત્વનું છે કે બે દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા, ચીનમાં રહેતા ગુજરાતના યુવાનોને ત્યાંથી પાછા લાવવા માટે એક ખાસ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને હેલ્પલાઈન નંબરો પણ શરુ કરવામાં આવ્યા છે જેની વિગતો સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી.

રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે જણાવ્યું કે અત્યારે ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. નાગરિકોએ ગભરાવાની જરુર નથી અને તમામ પ્રકારની આરોગ્યની સેવાઓ પૂરી પાડવા માટે રાજ્યનું આરોગ્ય તંત્ર સજ્જ છે.

આજે ગાધીનગર ખાતે નોવેલ કોરોના વાયરસ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની વિગતો આપવામાં આવી હતી. રોગના લક્ષણો સંદર્ભે બહારથી આવતા નાગરિકો સ્વયં જાણ કરે તે અત્યંત અનિવાર્ય છે. નાગરિકોને ત્વરિત સારવાર મળી રહે તે માટે અમદાવાદ એરપોર્ટ ખાતે ૨૪ કલાક સ્ક્રીનીંગ માટે ટર્મિનલ-૨ ઉપર ૨૪ કલાક એક ડૉક્ટર તેમજ બે પેરા મેડીકલ સ્ટાફ સાથેની મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે તૈનાત કરવામાં આવી છે.

મેડીકલ ટીમની સાથે થર્મલ સ્કેનર, પી.પી.ઈ.કીટ, એન-૯૫ માસ્ક, થ્રી લેયર માસ્ક, ઓક્સિજન, ઈમરજન્સી દવાઓ તથા સેલ્ફ ડિક્લેરેશન અંગેના ફોર્મ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨૪x૭ એડવાન્સ લાઈફ સપોર્ટ સાથેની એમ્બ્યુલન્સ રાખવામાં આવી  છે. આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ ખાતે ટર્મિનલ ૧ તેમજ વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર પણ હેલ્થ એલર્ટ ડિસ્પ્લે કરવામાં આવી છે. કોરોના વાયરસ માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદને બેઝ હોસ્પિટલ બનાવવામાં આવી છે. જેમાં અધતન સાધનો અને દવા સાથેનો આઈસોલેશન વોર્ડ શરુ કરવામાં આવ્યો છે. આરોગ્ય કમિશનરની કચેરી અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC), ગાંધીનગર ખાતે કોરોના વાયરસ અંગે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

રાજ્યના આરોગ્ય કમિશનરે જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા મળેલી સુચના અનુસાર અમદાવાદ એરપોર્ટ પર ચાઈના, હોંગકોંગ, સીંગાપુર, થાઈલેન્ડ, જાપાન અને સાઉથ કોરિયા દેશમાંથી આવતાં મુસાફરોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. સેટકોમનાં માધ્યમથી તમામ આરોગ્યકર્મીઓને આ રોગ વિષે માહિતીગાર પણ કરવામાં આવ્યા છે અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાકક્ષાના અધિકારીઓ સાથે આ રોગની સમીક્ષા કરવામાં આવી રહી છે. આઈ.એમ.એ.ના સહકારથી તમામ ખાનગી ડૉકટરોને સેન્સેટાઈઝ કરવામાં આવ્યા છે. ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય સચિવ, સ્પેશિયલ સેક્રેટરી, ડાયરેક્ટર એન.સી.ડી.સી. જેવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત ધોરણે વીડિયો કોન્ફરન્સ કરી માર્ગદર્શન આપવામાં આવે છે.

તાપસીની આગામી ફિલ્મ “થપ્પડ”નું પોસ્ટર રિલીઝ

નવી દિલ્હીઃ બોલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુની આગામી ફિલ્મ “થપ્પડ” નો ફર્સ્ટ લૂક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. તાપસીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં તાપસીનો માત્ર ચહેરો દેખાઈ રહ્યો છે જેને જોતા લાગી રહ્યું છે કે જાણે કોઈ તાપસીના ગાલ પર લાફો મારી રહ્યું હોય. પોસ્ટર શેર કરતા તાપસીએ એક દમદાર કેપ્શન પણ લખી છે. તાપસીએ લખ્યું કે, શું આ સામાન્ય વાત છે? શું પ્રેમમાં આ યોગ્ય છે? આ થપ્પડની પ્રથમ ઝલક છે.

પોસ્ટરમાં એ વાતની પણ જાણકારી આપવામાં આવી છે કે ફિલ્મનું ટ્રેલર આવતીકાલે એટલે કે 31 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મ 28 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. ફિલ્મનું ડિરેક્શન અનુભવ સિન્હા કરી રહ્યા છે. આ પહેલા વર્ષ 2019 માં અનુભવ સિન્હાની “આર્ટિકલ 15” ફિલ્મ રિલીઝ થઈ હતી જેને લોકોએ ખૂબ વખાણી હતી. તાપસી પણ અનુભવ સિન્હા સાથે બીજીવાર કામ કરી રહી છે. આ પહેલા તેણે “મુલ્ક” ફિલ્મમાં તેમની સાથે કામ કર્યું હતું.

થપ્પડ સિવાય આ વર્ષે તાપસી “શાબાશ મિટ્ઠૂ” નામની ફિલ્મમાં પણ દેખાશે. આ ફિલ્મ મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજના જીવન પર આધારિત હશે. આ ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પોસ્ટરમાં તાપસી પોતાના માથા પર હેટ લગાવીને હાથમાં બેટ લઈને શોટ મારવાનો પ્રયત્ન કરી રહી છે. પોસ્ટર શેર કરતા તાપસીએ લખ્યું હતું કે, મને હંમેશા પૂછવામાં આવ્યું કે આપનો ગમતો ક્રિકેટર કોણ છે. પરંતુ તમારે પૂછવું જોઈએ કે તમારી ગમતી મહિલા ક્રિકેટર કોણ છે? આ નિવેદનથી ખ્યાલ આવે કે ક્રિકેટ લવર હકીકતમાં ક્રિકેટને પ્રેમ કરે છે કે પછી એ જેન્ડરને કે જે રમી રહ્યા છે. મિતાલી રાજ તમે એક ગેમ ચેન્જર છો.

વસંત પંચમીની ઉજવણી

હિન્દુ પંચાગ પ્રમાણે મહા સુદ પાંચમના દિવસે વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાદેવી માઁ શારદાની પુજા થાય છે. આ વર્ષે 30 જાન્યુઆરી એટલે કે આજે વસંત પંચમી છે.

વસંત પંચમીએ પ્રકૃતિનો ઉત્સવ છે. આ દિવસે કોઇ પણ કાર્યનો શુભઆરંભ મુહર્ત જોયા વિના કરી શકાય છે. આ પર્વ અજ્ઞાનનો નાશ કરી પ્રકાશ તરફ લઇ જાય છે. સુર્યના ઉતરાયણ થયા બાદ વસંત પંચમી પહેલો ઉત્સવ આવે છે.

હૈદરાબાદની નીલકંઠ વિદ્યાપીઠ આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં વસંત પંચમીની ભાવભરી ઉજવણી થઈ. વિદ્યાર્થીઓએ વિદ્યાની દેવી સરસ્વતીની પરંપરાગત રીતે આરાધના કરી.

વિદ્યાર્થીઓએ શિક્ષાપત્રીના શ્લોકોનો પાઠ કરી સરસ્વતીની આરાધના કરી હતી. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.