Home Blog Page 4837

સરકારનું અમરનાથ યાત્રા અંગે ‘અભી બોલા, અભી ફોક’

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખતાં 2020માં યોજાનારી અમરનાથ યાત્રાને રદ કરવામાં આવી હતી. જોકે ગણતરીના કલાકોમાં જ જમ્મુ અને કાશ્મીર સરકારે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય પાછો લીધો છે. આ પહેલાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટેનન્ટ જનરલ (એલજી) અને અમરનાથ શ્રાઇન બોર્ડના ચેરમેન ગિરીશ ચંદ્ર મુર્મુ વર્ષ 2020 માટે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો હતો. અમરનાથ યાત્રાના રસ્તામાં જ્યાંથી શ્રદ્ધાળુઓ પસાર થાય છે એ રસ્તામાં  77 કોરોના રેડ ઝોન આવે છે, જેને કારણે લંગરોની સ્થાપના, મેડિકલ સુવિધાઓ, કેમ્પ લગાવવા, માલસામાનની આવ-જા અને રસ્તા પરથી બરફને દૂક કરવું સંભવ ના હોવાથી સરકારે આ યાત્રા રદ કરી હતી, પરંતુ ગણતરીના કલાકોમાં આ નિર્ણય પરત લેવામાં આવ્યો છે.  

અમરનાથ યાત્રા  23 જૂનથી શરૂ થશે?

અમરનાથ શ્રાઇન બોર્ડે આ વર્ષની અમરનાથ યાત્રા 23 જૂનથી શરૂ થવાની હતી. આ પહેલી વાર છે જેમાં અમરનાથ યાત્રા અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. હાલ દેશમાં કોરોના વાઇરસને પગલે ચાલી રહેલા લોકડાઉનને લીધે અમરનાથ યાત્રા માટે જે કેમ્પો બનાવવામાં આવે છે એ હાલ ક્વોરોન્ટાઇન સેન્ટર બનેલા છે. વળી જમ્મુ-કાશ્મીરની સરહદ પણ સીલ હોવાથી વાહન-વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જેથી બોર્ડે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ એને ગણતરીના કલાકોમાં પાછો લેવામાં આવ્યો છે.

 

ચિત્રલેખાની વર્ષગાંઠ વાચકે આ સ્કેચ બનાવીને ઉજવી

અમદાવાદ: આજે 22 એપ્રિલે દેશ-વિદેશમાં ફેલાયેલા લાખ્ખો ગુજરાતીઓનું લાડકું ચિત્રલેખા 70 વર્ષ પૂર્ણ કરીને 71માં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. અનેક સંઘર્ષ પછી ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે અવનવી સિદ્ધિનાં અનેક શિખર ચિત્રલેખાએ સર કર્યા છે.

ચિત્રલેખાના 70 વર્ષ પૂર્ણ થવાના આ અનેરા અવસરે અમદાવાદમાં રહેતા 17 વર્ષના જશપ્રીત ઠક્કરે (પ્રીત તેમના પિતાનું નામ છે) ચિત્રલેખાના સંસ્થાપક વજુ કોટકનો એક સુંદર સ્કેચ બનાવીને એક વાચક તરીકે પોતાનો ચિત્રલેખા અને વજુ કોટક પ્રત્યેનો આદર અને સ્નેહ વ્યક્ત કર્યો છે.

વજુભાઈનો આ સ્કેચ બનાવવાનો વિચાર જશને કયાંથી આવ્યો એ અંગે વાત કરતા તેમના પિતા પ્રીત ઠક્કર ચિત્રલેખા.કોમ ને કહે છે, જશે વિશ્વના 19 લીડર્સ-વ્યક્તિત્વના સ્કેચ બનાવ્યા છે. એ પછી એને વિચાર આવ્યો લીજેન્ડ લેખકોના સ્કેચ બનાવવાનો. દેખીતી રીતે જ વર્ષોથી ચિત્રલેખાના વાચક હોવાના કારણે પહેલો વિચાર વજુભાઇનો સ્કેચ બનાવવાનો જ આવે.

જશનો આ વજુ કોટકનું સ્કેચ બનાવવા પાછળનો શોખ આમ તો તેના પિતાને કારણે છે. પ્રીતભાઈ કહે છે, મેં નાનપણથી જો કોઈ મેગેઝિન વાંચ્યું હોય તો એ છે ચિત્રલેખા. અને લિટરેચર, બોલીવુડ, પત્રકારત્વ એમ તમામ ક્ષેત્રોમાં મલ્ટીપર્સનાલિટી તરીકે એમનું યોગદાન અસાધારણ છે એટલે એમનો સ્કેચ બનાવવાનો વિચાર કર્યો અને એમાં ચિત્રલેખાની વર્ષગાંઠ આવી એટલે એનાથી વધારે સારો સમય ક્યો હોઇ શકે?

ઉલ્લેખનીય છે કે, જશ 7 વર્ષનો હતો ત્યારથી આ પ્રકારના આર્ટવર્ક બનાવે છે. જશે કોઈની પાસે ટ્રેનિંગ પણ લીધી નથી. 10 ધોરણ પાસ કરીને જશ હાલ પિતાની એડવર્ટાઈઝિંગ એજન્સીમાં જ ઈન્ટર્નશિપ કરી રહ્યો છે. જશ પોતાના દરેક સ્કેચમાં જશપ્રીત તરીકે પોતાની ઓળખ આપે છે.

 

 

 

 

આરોગ્ય કર્મીઓ પર હુમલો કર્યો તો જેલમાં ગયા સમજજો

નવી દિલ્હીઃ દેશભરમાં આરોગ્ય કર્મચારીઓ પર હુમલાના વધતા કેસોને ધ્યાનમાં લઈને કેન્દ્રએ હુમલાખોરો માટે કડક સજાનું એલાન કર્યું છે. સરકારના આ નિર્ણયનું સ્વાગત કરતાં IMAના અધ્યક્ષે આભાર વ્યક્ત કર્યો છે. માહિતી અને પ્રસારણપ્રધાન પ્રકાશ જાવડેકરે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ગંભીર હુમલાના મામલે હુમલાખોરોને છ મહિનાથી સાત વર્ષ સુધીની કેદની સજા અને એકથી પાંચ લાખ રૂપિયાને દંડ ફટકારવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ રોગચાળાથી દેશને બચાવવા માટે જાતને જોખમમાં મૂકતા આરોગ્યના કર્મચારીઓ સખત મહેનત કરી રહ્યા છે. તેમની પર આ પ્રકારનો હુમલો કરવો એ ઘણી દુખદ બાબત છે.  

આરોગ્ય કર્મચારીઓ પર હુમલો અસહનીય

તેમણે કહ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓ પર કોઈ પ્રકારનો હુમલો અથવા શોષણની ઘટના નિંદનીય છે. આના માટે એક વટહુકમ લાવવામાં આવ્યો છે, જે રાષ્ટ્રપતિની મંજૂરી પછી લાગુ કરવામાં આવશે. આ મહામારી રોગ વટહુકમ 1897માં સંશોધનની સાથે વટહુકમ લાગુ કરવામાં આવશે.

ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ પર હુમલાને સાંખી નહીં લેવાય

જાવડેકરે વધુમાં કહ્યું હતું કે ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓ પર હુમલાને સાંખી નહીં લેવામાં આવે. એ બિનજમાનતી ગુણો ગણાશે. આરોગ્ય કર્મચારીઓની ગાડી અથવા ક્લિનિક પર હુમલો થયો તો હુમલાખોરોએ નુકસાન બે ગણું આપવું પડશે. આ લોકોને રૂ. 50,000થી રૂ. બે લાખ સુધીનું વળતર આપવું પડશે. આ સિવાય તેમણે આરોગ્ય કર્મચારીઓ માટે રૂ. 50 લાખના વીમાટ માટેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓનું ધ્યાન રાખશે. રૂ. 1.88 કરોડની PPEનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

દેશમાં મેડિકલ ટીમો પર હુમલો

દેશમાં મુરાદાબાદ, ઇન્દોર અને બિહારના ઔરંગાબાદ જિલ્લામાં મેડિકલ ટીમો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુપીના મુરાદાબાદમાં એમ્બ્યુલન્સમાં તોડફોડની સાથે આરોગ્ય કર્મચારી પર પથ્થરમારો કરવામાં આવ્યા હતા, આ મામલામાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઇન્દોરમાં 18 એપ્રિલે આરોગ્ય કર્મચારીઓની ટીમ પર હુમલો થયો હતો, જેમાં ડોક્ટર, ટીસર, પેરામેડિકલ અને આશા કાર્યકર્તાઓ સામેલ હતા. આ ઉપરાંત બિહારની ઔરંગાબાદ જિલ્લાના ગોહ થાણા ક્ષેત્ર અંતર્ગત મેડિકલ ટીમ પર ગ્રામીણોએ હુમલો કર્યો હતો, જેમાં 10 કર્મચારીઓ ઈજા પામ્યા હતા.

 

 

 

 

 

લોકડાઉનઃ BSE બોન્ડ પ્લેટફોર્મે કંપનીઓને 51,989 કરોડ એકત્ર કરવામાં સહાય કરી

મુંબઈ તા. 22 એપ્રિલ: 23 માર્ચથી શરૂ થયેલા લોકડાઉન બાદ 20 એપ્રિલ સુધીમાં વિવિધ કંપનીઓએ બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ પરથી ભંડોળ એકત્ર કર્યું છે. 27 કંપનીઓએ કમર્શિયલ પેપરના ઈશ્યું મારફત રૂ.26,666 કરોડ અને 18 કંપનીઓએ લોન્ગ ટર્મ બોન્ડ્સ દ્વારા રૂ.25,323 કરોડ એકત્ર કર્યા છે.

ઉક્ત ઈશ્યુઓમાં જાહેર ક્ષેત્રની 6 અને 21 ખાનગી કંપનીઓના કમર્શિયલ પેપર્સ અને  જાહેર ક્ષેત્રની 3 કંપનીઓ અને 15 ખાનગી કંપનીઓના મીડિયમ અને લાંબા ગાળાના મુદતી બોન્ડ્સ ઈશ્યુઓનો સમાવેશ થાય છે.
બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ સંપૂર્ણ ઓટોમેટેડ હો ઈ  તે કંપનીઓ માટે ભંડોળ એકત્ર કરવાનો  સૌથી મોટો મંચ બની રહ્યો છે. નાણાકિય વર્ષ  2018-19માં 124 ઈશ્યુઅરોએ રૂ.3,10,939 કરોડ અને 2017-18માં 78 ઈશ્યુઅરોએ રૂ.2,03,932 કરોડ એકત્ર કર્યા છે.

પાલઘર મોબ-લિન્ચિંગ ઘટનામાં સીબીઆઈ તપાસ કરાવોઃ મુંબઈ હાઈકોર્ટમાં પીટિશન

મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લાના ગડચિંચલે-ચૌકીપાડા ગામમાં ગયા ગુરુવારે રાતે લોકોના ટોળાએ ઉત્તર પ્રદેશના જૂના અખાડાના બે સાધુ અને એમની કારના ડ્રાઈવર, એમ ત્રણ જણની નિર્દયતાપૂર્વક કરેલી હત્યાના બનાવમાં સીબીઆઈ જેવા ઉચ્ચ સ્તરે તપાસ કરાવવામાં આવે એવી માગણી સાથે મુંબઈ હાઈકોર્ટમાં આજે પીટિશન નોંધાવવામાં આવી છે.

આ પીટિશન અલખ શ્રીવાસ્તવ નામના સુપ્રીમ કોર્ટના એક એડવોકેટે કરી છે. એમણે એવો આરોપ મૂક્યો છે કે હત્યાકાંડ થયો ત્યારે ત્યાં ઉપસ્થિત પોલીસોએ ટોળાને નિયંત્રણમાં રાખવાને બદલે ત્રણેય જણને ટોળાને હવાલે કરી દીધા હતા. તેથી આ ઘટનાની તપાસ સીબીઆઈ અથવા કોઈ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરાવીને અદાલતમાં ખટલો ચલાવવો જોઈએ.

પોતાની ફરજમાં ભૂલ કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થવી જોઈએ અને હત્યાકાંડમાં માર્યા ગયેલા ત્રણેય જણના કુટુંબીજનોને આર્થિક મદદ મળવી જોઈએ એવી પણ અરજદારે પીટિશનમાં માગણી કરી છે.

તેમણે એમ પણ કહ્યું કે લોકડાઉનના સમયમાં આવી ઘટના બની એ ગંભીર બાબત કહેવાય. તેથી સીબીઆઈને નિશ્ચિત સમયગાળામાં તપાસ કરવાનો આદેશ આપવો જોઈએ.

આ પીટિશન પર જલદી સુનાવણી કરવામાં આવે એવી ધારણા છે.

મૃત્યુ પામનારના નામ છેઃ મહંત કલ્પવૃક્ષગિરી ઉર્ફે ચિકણે મહારાજ (70), એમના સહયોગી મહંત સુશીલગીરી (35) અને કાર ડ્રાઈવર નિલેશ તેલગડે (30). ચિકણે મહારાજ વારાણસીસ્થિત શ્રી પંચ દશનામ જૂના અખાડા સાથે સંકળાયેલા હતા અને મુંબઈના કાંદિવલી (પૂર્વ)ના ઠાકુર વિલેજ મોહલ્લામાં એક મંદિર-કમ-નિવાસસ્થાનમાં રહેતા હતા. સુરતમાં એક અન્ય સાધુના અંતિમસંસ્કારમાં હાજરી આપવા માટે 15 એપ્રિલના ગુરુવારની રાતે ચિકણે મહારાજ, સુશીલગીરી અને તેલગડે કાંદિવલીથી કારમાં રવાના થયા હતા. કહેવાય છે કે એમની કાર ગડચિંચલે-ચૌકીપાડા ગામમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એમને ચોર સમજીને ગામના લોકોએ એમની કારને રોકી એમને કારમાંથી બહાર ખેંચીને મારપીટ કરી હતી. ત્યારબાદ મામલો નજીકના કાસા ગામના પોલીસ સ્ટેશને ગયો હતો. ત્યાં પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થયેલા લોકોના ટોળાએ મહંતની ફરી મારપીટ કરી હતી જેને કારણે એમનું મૃત્યુ થયું હતું.

દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે ફરજમાં બેદરકારી બતાવવા બદલ કાસા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર આનંદરાવ કાળે અને કોન્સ્ટેબલ સુધીર કટારેને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કર્યા છે.

અમદાવાદમાં હવે આ બેંકની મોબાઇલ ATM સેવા

અમદાવાદઃ દેશમાં કોરોના વાઇરસના 2272 કેસોની સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે, જ્યારે રાજ્યમાં કોરોના વાઇસના સૌથી વધુ કેસોમાં અમદાવાદ મોખરે છે. જેથી રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પણ 24 એપ્રિલ સુધી સવારે છ વાગ્યા સુધી કરફ્યુ લગાવી દીધો છે. હવે આવા લોકડાઉન અને કરફ્યુના સમયગાળામાં શહેરીજનોને સહાયરૂપ થવા માટે HDFC બેન્કે લોકોને કેશ (રોકડ) ઉપાડવા માટે પોતાના વિસ્તારની બહાર ના જવું પડે એ માટે મોબાઇલ ATMની સેવા શરૂ કરી છે. જોકે બેન્કે આ પ્રકારની સેવા મુંબઈ, નવી દિલ્હી, અલાહાબાદ, કોઇમ્બતુર, ચંડીગઢ, ચેન્નઈ, પુણે, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં પણ શરૂ કરી છે.

 

HDFC બેન્કે શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સલાહ અનુસાર ઓળખી કાઢવામાં આવેલાં સ્થળોએ શરૂ કરી છે. બેન્ક આ મોબાઇલ ATM નિશ્ચિત સમયગાળા માટે પ્રત્યેક સ્થળે સંચાલન કરશે. આ મોબાઇલ ATM સવારે 10 કલાકથી સાંજે પાંચ વાગ્યાની વચ્ચે ત્રણથી પાંચ સ્થળોને આવરી લેવામાં આવશે.

મોબાઇલ ATM ખાતે કર્મચારીઓ અને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ATM લાઇન લગાવતી અને સામાજિક અંતર બાબતે તમામં તકેદારીમાં લેવામાં આવે છે.

HDFC બેન્કની શાખાના બેન્કિંગ વડા થોમસન જોસે જણાવ્યું હતું કે આ લોકડાઉનના કપરા સમયમાં બેન્ક મોબાઇલ ATM સુવિધા ગ્રાહકો અને જનતાને સરળતાથી નાણાં ઉપાડવા તથાય અન્ય સુવિધાનો ઉપયોગ કરવામાં મદદરૂપ થશે.

કિમ જોંગ મામલે નોર્થ કોરિયાનું મૌન શું સૂચવે છે?

સિઓલ: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની હાલત અત્યંત નાજૂક છે. અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનએ આ દાવો કર્યો છે. અમેરિકન ગુપ્ત અધિકારીનું કહેવું છે કે, ઓપરેશન પછી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની હાલત અત્યંત નાજૂક છે. તો આ તરફ ઉત્તર કોરિયન મીડિયાએ બુધવારે પણ કિમની તબિયત કે તેમના ઠેકાણાનો કોઈ ઉલ્લેખ નથી કર્યો. આંતરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટોમાં કિમ જોંગની તબીયત નાજૂક હોવાનો દાવો કરવામાં આવ્યો છે પણ ઉત્તર કોરિયન મીડિયા તરફથી હજુ કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી.

ઉત્તર કોરિયાના મીડિયાએ કિમ જોંગની ઉપલબ્ધિઓનું નિયમિત રિપોર્ટિંગ કરતા અર્થવ્યવસ્થા જેવા મુદ્દાઓ પર તેમના જૂના આર્ટિકલ પ્રકાશિત કરતા સામાન્ય છવીના રૂપમાં એક રિપોર્ટ રજૂ કર્યો છે. દક્ષિણ કોરિયા અને ચીની અધિકારીઓ અને અમેરિકન ગુપ્ત એજન્સીના સૂત્રોએ દક્ષિણ કોરિયન અને અમેરિકન મીડિયા રિપોર્ટ પર શંકા વ્યક્ત કરી છે, તો વ્હાઈટ હાઉસે કહ્યું કે, તે આ મામલે ખૂબ જ જીણવટભરી તપાસ કરી રહ્યું છે.

તો દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભવન (બ્લુ હાઉસ) એ કિમના સ્વાસ્થ્યને લઈને કોઈ સૂચના આપવાનો ઈનકાર કરી દીધો છે. બ્લુ હાઉસ તરફથી કહેવામાં આવ્યું છે કે, વર્તમાનમાં ઉત્તર કોરિયામાં કોઈપણ પ્રકારની અસામાન્ય ગતિવિધિ જોવા નથી મળી.

સાહેબ… મારા ઘરમાં અનાજનો એકેય દાણો નથી….

અમદાવાદ: કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતું જાય છે.ત્યારે મહાનગરોની સાથે સાથે જિલ્લાના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમા પણ કોઇ જરુરિયાતમંદ હોય એને તાત્કાલિક સહાય પહોચાડવામાં અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર મોખરે રહ્યુ છે.

અમદાવાદ જિલ્લાના પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકી દ્રારા સંચાલિત કોરોના વાયરસ ભોજન હેલ્પલાઇન નંબર પર પશ્ચિમ બંગાળના સાંસદ જ્યોતિમય સિંહ મહંતો પુરુલિયાનો ફોન આવે છે અને જણાવે છે કે મૂળ પશ્ચિમ બંગાળના તેમના મત વિસ્તારના જિતેનભાઇ મંડલ જેઓ અમદાવાદ જિલ્લાના મુ. નવાપુરા તાલુકો સાણંદ ખાતે ફેક્ટરીમાં શ્રમજીવી તરીકે કામ કરે છે. તેમના પરિવારમાં પતિ-પત્ની અને ૮ માસનું બાળક છે તેમને તાત્કાલિક જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને બાળક માટે દૂધ સત્વરે મળી રહે તેવી વ્યવ્સ્થા કરવા વિનંતી કરી હતી.

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટભાઈ સોલંકીએ જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુને સમગ્ર વિગતોથી માહિતગાર કર્યા અને જિલ્લા વહિવટી તંત્રની ટીમ દ્વારા તાબડતોબ કામગીરીના ભાગરુપે શ્રમજીવી જીતેન્દ્ર મંડલનો સંપર્ક કરીને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અનાજની કીટ તથા બાળક માટે દૂધ, તથા દૂધનો પાવડર, તેમજ વિવિધ ખાદ્ય સામગ્રી શ્રમજીવીને તાત્કાલિક અસરથી તેમના ઘેર જઇને પહોંચતી કરી હતી.

 

WHO એટલે ચીની પ્રચારનું એક હથિયારઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ને અમેરિકાએ ફન્ડિંગ રોકવાની જાહેરાત કર્યા બાદ ટ્રમ્પ સરકારે WHO પર ફરી એક વાર હુમલો કર્યો છે. ટ્રમ્પ સરકારે આરોપ લગાવ્યો છે કે WHO ચીની પ્રોપેગેન્ડાને એક હથિયાર બની ગઈ છે. ટ્રમ્પ સરકારે સાથે કહ્યું હતું કે વૈશ્વિક આરોગ્ય એજન્સી (WHO)એ વિશ્વમાં જારી રહેલા કોરોના સંકટ દરમ્યાન પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ જાહેરાત કરી હતી કે એ સંયુક્ત રાષ્ટ્ર (UN)ની વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ અમેરિકાનું ફન્ડિંગ અટકાવશે. અત્રે એ નોંધવું જોઈએ કે જિનિવા સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)માં અમેરિકાનું સૌથી મોટું યોગદાન હોય છે.

અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) રોબર્ટ ઓ બ્રાયને ગઈ કાલે કહ્યું હતું કે WHOની સાથે સમસ્યા એ છે કે આ સંકટ દરમ્યાન એ તેની બધી વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે એવું નથી કે WHO ઘણાં વર્ષોથી એક ઉચ્ચ વિશ્વસનીય સંસ્થા છે. અમેરિકા WHO પર આશરે 50 અબજ ડોલરથી વધુનો ખર્ચ કરે છે. ચીન WHO પર આશરે 40 કરોડ ડોલરનો ખર્ચ કરે છે. જે અમેરિકાનો દસમો ભાગ છે અને પછી WHO ચીની પ્રચારનું એક હથિયાર બની ગયું છે.

NSA રોબર્ટ ઓ બ્રાયને કહ્યું હતું કે 14 જાન્યુઆરી, 2020એ WHOએ અમેરિકાને આશ્વાસન આપ્યું છે કે કોરોના વાઇરસના વ્યક્તિથી વ્યક્તિઓમાં સંક્રમણનું કોઈ જોખમ નથી, જે સંપૂર્ણ રીતે ખોટી સાબિત થઈ છે. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં WHOએ પ્રવાસ પ્રતિબંધોની તીખી આલોચના કરી, જે ચીન અને અન્ય હોટ સ્પોટથી પ્રવાસ પર લગાવ્યા હતા. અમેરિકા દ્વારા નહીં, પણ અન્ય દેશો દ્વારા પણ આવું કરવામાં આવ્યું. એની સાથે જ આ સંપૂર્ણ રીતે ખોટી સલાહ છે અને જાહેર આરોગ્ય વ્યાવસાયિકો દ્વારા અસવીકાર  કરવામાં આવ્યો હતો.  તેમણે કહ્યું હતું કે 11 માર્ચે WHOએ બિનચિકિત્સિય સલાહની સામે આવી અને કહ્યું કે વાઇરસને લઈને ચીનની કોમ્યુનિસ્ટ પક્ષની પ્રતિક્રિયામાં આને સામેલ કરવામાં આશ્ચર્યજનક ઉપલબ્ધિ રહી છે અને હવે આ ઘાતક વાઇરસ કમસે કમ 184 દેશોમાં પ્રસર્યો છે.

 

 

આવો, પ્રેમાળ પ્રકૃત્તિ સાથે ફરી અનુસંધાન જોડીએ…

કોવિડ-૧૯ દરમિયાનનાં અત્યારનાં સમયે જીવનમાં કદી પણ કલ્પના નહોતી કરી તેવી અવ્યવસ્થા અને અંધાધૂંધી આપણે અનુભવી લીધી છે, ત્યારે પ્રેમાળ પ્રકૃત્તિ સાથેનાં આપણાં તૂટેલા અનુસંધાનને ફરીવાર જોડીને આપણે જેને ધરતી “માં” કહીએ છીએ તેની પ્રત્યે સન્માન અભિવ્યક્ત કરવાનો સમય હવે આવી ગયો હોય તેવું નથી લાગતું? 

નવી દિલ્હીસ્થિત સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાર્યન્મેન્ટના હેડ અને જાણીતા પર્યાવરણવિદ સુનીતા નારાયણ લખે છે…

———————————————————

વિશ્વ પૃથ્વી દિવસ: ૨૨ એપ્રિલ ૧૯૭૦થી “વર્લ્ડ અર્થ ડે” ની ઉજવણી ચાલુ કરવામાં આવી. આ ઝુંબેશ શરુ થયાને આજે ૫૦મું વર્ષ બેઠું. કુદરતનાં આ હદ સુધીનાં કોપાયમાન થયેલા માહોલ વચ્ચેની કદાચ આ પ્રથમ ઉજવણી ગણી શકાય. માનવજાતને વિનાશને આરે લાવી દેનાર કોવિડ-૧૯ વાયરસથી બચવા આપણે પૃથ્વીવાસીઓ જયારે ઘરની અંદર પૂરાઈ ગયાં છીએ ત્યારે હવે પ્રકૃત્તિએ સોળે કળાએ ખીલવાનું શરુ કરી દીધું છે. આજે વાતાવરણ ધૂંધળું નથી લાગતું, પવનમાં શીતળતાનો અલૌકિક અનુભવ થાય છે, દૂર ક્ષિતિજ સુધી ફેલાયેલું આ અનંત આકાશ પારદર્શક વર્તાય છે. અને વાહનોનાં કોલાહલ વચ્ચે આપણે ક્યારેય સાંભળ્યો જ નહોતો તેવો રંગબેરંગી પક્ષીઓનો મીઠો કલરવ પણ સાંભળવા મળે છે. “વર્લ્ડ અર્થ ડે”ઉજવવાનો ઉદ્દેશ્ય જાણે કે સાકાર થઇ રહ્યો છે. ટપોટપ મરતાં કોવિડ-૧૯નાં દર્દીઓથી સર્વત્ર ફેલાયેલા ગમગીન માહોલને અવગણીને આજે વસુંધરા પોતાનું અસલ રળિયામણું સૌંદર્ય ફરીવાર મેળવવા જાણે તલપાપડ થઇ રહી છે.

ઓક્સીજનનાં અતિશય ઓછા પ્રમાણને કારણે શહેરી વિસ્તારોની કેટલીક નદીઓ સૂકાઈને ગંદા નાળા જેવી બની ગઈ હતી તે સજીવન થઈને ફરી ખળખળ વહેવા લાગી છે. જૂનાગઢ બાજુનાં જંગલોમાંથી વનરાજાઓ ધીંગામસ્તી કરવાં  આસપાસનાં ખુલ્લાં મેદાનોમાં નીકળી પડ્યા તેની તસ્વીરો જોવા મળી રહી છે. કસ્તૂરી જેવી સુગંધની નૈસર્ગીક ભેટ ધરાવતાં અને શિકારીઓ ક્યારેય જેને જીવતાં નથી છોડતા તેવા નાજૂક નમણાં“મલબાર વણીયર” નામનાં પ્રાણીઓ કેરળનાં ગામોની શેરીઓમાં વિહાર કરી રહ્યા છે, દેશનાં સમુદ્રતટે મીઠાથી પથરાયેલા અફાટ અગરો ઉપર ફ્લેમિંગો ગીતગુંજન કરી રહ્યા છે અને દરિયાઈ કાંઠાળ વિસ્તારોમાં જે પહેલા ક્યારેય જોવા નહોતી મળતી તે ડોલ્ફિન ત્યાં આવીને ઉછળકૂદ કરી રહી છે. અરે….. આ લિસ્ટ હજી ચાલુ જ રાખી શકાય તેવું છે.

૨૦૨૦નાં આ વર્ષની “વિશ્વ પૃથ્વી દિવસ”ની હૃદયને ચીરી નાખતી એક હકીકત આપણે વિશિષ્ઠ રીતે સમજવાની જરૂર છે. પૃથ્વીનો આ નયનરમ્ય નજારો શું આપણને વિનામૂલ્યે મળ્યો છે? વાયરસનાં સંક્રમણનાં કારણે લાખ્ખો લોકોએ ગુમાવેલા જીવનનાં બદલામાં મળ્યો છે. બિમારીથી મુક્ત સ્વસ્થ લોકાએ પોતાનાં જીવનને લોકડાઉન રૂપી મરણતોલ ફટકો ખાધો ત્યારે મળ્યો છે. નિર્મળ સ્ફટિક જેવા પર્યાવરણ અને સોળે કળાએ ખીલેલી આ કુદરતની હરહંમેશ આપણને જરૂર હોવાં છતાં આપણે તેની જે કિંમત અત્યારે ચૂકવવી પડી છે તે આપણને સ્વીકાર્ય છે કે નહી તેનું મનોમંથન કરવાનો સમય આવી પડ્યો છે.

કોવિડ-૧૯ પછીનાં સમય માટે આપણે હવે બે બાબતોની ખાસ યાદ રાખવાની જરૂર છે. એક, આપણે અત્યારે રતીભર પણ પ્રદુષણ વગરનાં પર્યાવરણનો જે વૈભવ માણી રહ્યા છીએ તેને હમેશાં આપણી સ્મૃતિમાં રાખીએ. અને બીજું, કે પર્યાવરણની આ પરિશુદ્ધતા મફતમાં નહી પણ આખી દુનિયાને લોકડાઉન કર્યા પછી મળી છે તે કદાપિ ન વિસરીએ.

તો જયારે આવતાં શિયાળામાં દિલ્હીમાં ફરી આપણને ધૂમાડાબંધ પ્રદુષણ નજરે પડે ત્યારે એ યાદ રાખવું પડશે કે માત્ર ઓડ-ઇવન થિયરીથી પર્યાવરણ ચોખ્ખું થશે નહીં. લોકડાઉનનાં આ છેલ્લાં મહિના દરમિયાન દરરોજનાં ૪૦૦૦ ટ્રકોની સાપેક્ષમાં માત્ર ૪૦૦ ટ્રકોની જ દિલ્હીમાં આવ-જા થઇ છે તે યાદ રાખીએ. સ્વસ્થ જીવન માટે જરૂરી પર્યાવરણને જાળવવું હોય તો ધુમાડાઓ ઉત્પન્ન કરતાં અમુક નહીં પણ તમામ ઉદ્યોગોને સ્થળાંતરિત અને બાંધકામોને બંધ કરાવી દેવાં જોઈએ. પર્યાવરણનાં જતન માટે આપણે લોકોને નહીં પણ વાહનોને નિયંત્રિત કરવાની પણ ખૂબ જ જરૂર છે. લોકોને ઝડપી, આરામદાયક, સલામત અને સ્વાસ્થ્ય ન જોખમાય તેવી વ્યવસ્થા સાથેની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઉભી કરવાની જરૂર છે. ૭૦ થી ૮૦ ટકા લોકો ટ્રેઈન અને સાયકલ જેવા ઝડપી અને છતાં ઓછું પ્રદુષણ ફેલાવતા પબ્લિક ટ્રાન્સપોર્ટને આવતાં થોડા જ વર્ષોમાં અપનાવી લે તેવા લક્ષ્યાંક ઉપર ગંભીરતાપૂર્વક કામગીરી થવી જોઈએ. જ્યાં પણ શક્ય હોય ત્યાં ધૂમાડા ન ઓકતા હોય તેવા  નેચરલ ગેસ પ્રકારનાં બળતણનો અથવા ઈલેક્ટ્રીસિટીનો ઉપયોગ શરુ કરી દેવો જોઈએ.

કોલસા અને લાકડાઓ જેવાં પર્યાવરણમાં પ્રદુષણ ફેલાવતાં નિમ્ન કક્ષાનાં બળતણની સાપેક્ષમાં નેચરલ ગેસ સલામત હોવા છતાં આપણાં દેશમાં અતિ મોંઘો છે તે આમાં એક મોટું વિઘ્ન છે. બીજા બધાં ફ્યુઅલને છોડીને માત્ર નેચરલ ગેસને સરકાર જો GSTમાં સમાવી લે તો કદાચ ભાવ ઘટે અને તેનો ઉપયોગ વધે તેવી પણ એક સંભાવના છે. આ સિવાય  પણ ભાવ ઘટાડવા બાબતે અન્ય જરૂરી પગલાં ભરી શકાય. દરેક પાસાઓ ઉપર ઉચ્ચસ્તરે આ બાબતે પૂરતો વિચાર કરીને આ બધાં પગલાં આપણે એકદમ ઝડપભેર અને આક્રમકતાથી ભરવા જરૂરી છે. માનવ ઇતિહાસમાં કાળા અક્ષરે જેનું ચિતરાઈ જવાનું નક્કી છે તેવા આ પ્રકારનાં લોકડાઉનનું ક્યારેય પુનરાવર્તન ન થાય તે માટે કુદરતની કામગીરીઓમાં વિક્ષેપ થતો હોય તેવાં તમામ કામો અટકાવવાની ખેવના લેવાની છે. આપણને સ્વચ્છ પર્યાવરણ અને શ્વાસ લેવા માટે ચોખ્ખી હવા કેવાં આકરા લોકડાઉનથી મળી છે તેમાંથી આપણે શીખ લેવાનું ડહાપણ દેખાડવાનું છે.

આવા વિકલ્પો અને અભિપ્રાયો ઘણાં આપી શકાય પણ કેટલી ઝડપથી ક્યા સ્તર સુધી નક્કી કરેલા લક્ષ્યાંકોને હાંસલ કરી શકવાની પ્રશાસનની ક્ષમતા છે તે પણ નજરઅંદાજ ન કરી શકાય. કોવિડ-૧૯ દરમિયાનનાં અત્યારનાં સમયે જીવનમાં કદી પણ કલ્પના નહોતી કરી તેવી અવ્યવસ્થા અને અંધાધૂંધી આપણે અનુભવી લીધી છે, ત્યારે પ્રેમાળ પ્રકૃત્તિ સાથેનાં આપણાં તૂટેલા અનુસંધાનને ફરીવાર જોડીને આપણે જેને ધરતી “માં” કહીએ છીએ તેની પ્રત્યે સન્માન અભિવ્યક્ત કરવાનો સમય હવે આવી ગયો હોય તેવું નથી લાગતું? આ જ આપણી સૌ સમક્ષનો હવે પછીનો એક મોટો પડકાર છે.

કોરોના વાયરસે આપણાં કુકર્મોની ડબ્બી જયારે હવે ખોલી જ નાખી છે ત્યારે અર્થતંત્રને ફરી ઝડપથી પાટે ચડાવવાનાં નામે ફરી એકવાર આપણે પ્રદૂષણો ફેલાવા દઈશું? પ્રકૃત્તિ અને માનવજાતનાં સહિયારા સહઅસ્તિત્વ સાથેનો ખીલખીલાટ  આપણને પસંદ છે કે હાલમાં છે તેવી ભેંકાર શ્રુષ્ટિ? …..આપણે શું પ્રતિભાવ આપવો તે હવે આપણે નક્કી કરવાનું છે. આ વર્લ્ડ-અર્થ-ડે ના દિવસે મક્કમ બનીએ કે ફરીવાર પ્રકૃત્તિનાં આવા અદ્રશ્ય પ્રહારનો આપણે ભોગ બનવું નથી. પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં પર્યાવરણની દ્રષ્ટિએ આટલો પરિશુદ્ધ “વિશ્વ પૃથ્વી દિવસ” ક્યારેય આવ્યો નથી; પરંતુ તે પ્રકૃત્તિનાં માનવજાત ઉપરનાં કોવિડ -૧૯ નામક કુઠારાઘાત થકી આવ્યો છે તે બોધપાઠ લેવાનું ભૂલવાનું નથી. આપણને સમજાય જાય તેવો ઈશારો મળી ગયો છે…