નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પૃથ્વી દિવસ પર ધરતી માંનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, ધરતી માના આંતરરાષ્ટ્રીય દિવસ પર તેમના દ્વારા આપણા બધાની દેખભાળ અને અપાર કરુણા માટે તેમના ગ્રહનો આભાર વ્યક્ત કરીએ છીએ.
આવો આપણે એક સ્વસ્છ, સ્વસ્થ અને વધારે સમૃદ્ધ ગ્રહની દિશામાં કામ કરવાનો સંકલ્પ લઈએ. કોરોના જેવી વૈશ્વિક મહામારીને હરાવવા માટે કામ કરી રહેલા યોદ્ધાઓનો જય-જયકાર કરીએ અર્થાત તેમને સમર્થન આપીએ અને તેમની પ્રશંસા કરીએ.
મહત્વનું છે કે, પૃથ્વી પર રહેતા તમામ જીવ જંતુ અને ઝાડ-છોડને બચાવવા માટે સમગ્ર દુનિયામાં પર્યાવરણ માટે જાગૃતિ વધારવા માટે 22 એપ્રિલના રોજ પૃથ્વી દિવસ એટલે કે, અર્થ ડે મનાવવામાં આવે છે. 1970માં શરૂ કરવામાં આવેલી આ પરંપરાને 192 દેશોએ સ્વીકાર્યું છે. આજના દિવસે દુનિયાભરના દેશો પૃથ્વી પર માણસ સિવાય પણ અન્ય જીવ જંતુઓ અને સૃષ્ટી પ્રત્યે વધારે સંવેદનશીલ બની પોતાની જવાબદારી સ્વિકારે તે હેતુથી આ દિવસ મહત્વનો માનવામાં આવે છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં ભારતીય સુરક્ષા દળો અને આંતકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે. જોકે માર્યા ગયેલા આતંકવાદીઓની હજી ઓળખ નથી થઈ શકી, પરંતુ આ બધા અન્સાર ગજવત-ઉલ-હિંદના હોવાની આશંકા છે. સુરક્ષા દળોની સાથે થયેલી અથડામણના સ્થળેથી ભાર માત્રામાં હથિયાર અને દારૂગોળો જપ્ત કર્યો છે. આ વિસ્તારમાં વધુ આતંકવાદીની હાજરી હોવાની આશંકાએ સુરક્ષા દળોએ વધુ સર્ચ ઓપરેશનો ચલાવ્યાં હતાં.
સુરક્ષા દળોએ વળતો જવાબ આપ્યો
ઉત્તર કાશ્મીરના જિલ્લા બારામુલાના સોપોરના મલહૂરા વિસ્તારમાં આ અથડામણ સવારે શરૂ થઈ હતી. સુરક્ષા દળોને સૂચના મળી હતી કે મલહૂરા ગામમાં આતંકવાદીઓ છુપાયા છે. આ સૂચના મળતાં સેનાની 55 રાષ્ટ્રીય રાઇફલ્સ, CRPF તથા SOGની ટીમે ગામનો ઘેરાવ કરીને સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, આ ઘેરાવ સખત થયેલો જોઈને એક મકાનમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પહેલાં તો સુરક્ષા દળોએ તેમને આત્મ સમપર્ણ કરવા માટે કહ્યું હતું, તેમ છતાં આતંકવાદીઓએ ગોળીબાર ચાલુ રાખતાં સુરક્ષા દળોને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ભારે માત્રામાં દારૂગોળો જપ્ત
પ્રારંભિક અથડામણમાં જ સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને મોતનો ઘાટ ઉતાર્યા હતા.સવારે 10 કલાક સુધીમાં સુરક્ષા દળોએ મકાનમાં છુપાયેલા ચાર આતંકવાદીઓને ઢેર કર્યા હતા. આ ઘટનાસ્થળેથી ભારે માત્રામાં હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યા હતા.
પાછલા એક સપ્તાહથી સોપોરમાં આતંકવાદીઓની કામગીરી ઘણી વધી ગઈ છે. કાશ્મીરમનાં પાછલા 10 દિવસોમાં સુરક્ષા દળો પર આ પાંચમો હુમલો છે. પાછલા ત્રણની વાત કરીએ તો સુરક્ષા દળોએ સોપોરથી પાંચ આતંકવાદીઓને જીવતા પકડ્યા હતા. જ્યારે આ પહેલાં થયેલા આંતકવાદીઓ દ્વારા હુમલાઓમાં CRPFના ત્રણ જવાન શહીદ થયા હતા અને બે ઘાયલ થયા હતા.
મુંબઈના માહિમ ઉપનગરના પશ્ચિમ ભાગમાં રહેજા હોસ્પિટલની નજીકમાં આવેલી પોલીસ કોલોનીમાં કોરોના વાઈરસનો પોઝિટીવ કેસ મળ્યા બાદ મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ત્યાંના રહેવાસી પોલીસકર્મી પરિવારોનાં સભ્યોની આરોગ્ય ચકાસણી માટે ખાસ શિબિર શરૂ કરવામાં આવી છે. પ્રત્યેક વ્યક્તિના સ્વેબના નમૂના લઈને એનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. (તસવીરોઃ દીપક ધુરી)
મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ, એમ ત્રણ પાર્ટીના બનેલા મહાવિકાસ આઘાડી ગઠબંધનની સરકાર છે. પરંતુ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાનની ખુરશીના મામલે વિવાદ ઊભો થયો છે. આ વિવાદનો ઉકેલ લાવવાનું રાજ્યના ગવર્નર પર છોડવામાં આવ્યું છે. આમ, ભગતસિંહ કોશિયારીના નિર્ણય પર ઠાકરેની ખુરશી રહેશે કે જશે એની પર આધાર છે.
ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે વિધાનસભાના સદસ્ય નથી. નિયમ મુજબ એમણે સત્તા સંભાળ્યાના છ મહિનાની અંદર વિધાનસભ્યપદ હાંસલ કરવું પડે, પછી એ વિધાનસભાનું હોય કે વિધાન પરિષદનું.
ઠાકરેને વિધાન પરિષદના સભ્ય તરીકે મંજૂરીની મ્હોર મારવાનું કામ કોશિયારી પર આવ્યું છે. આમ સૌની નજર એમના નિર્ણય પર ટકી છે. આ મામલે હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટે ઈનકાર કરી દીધો છે.
વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ કરેલી પીટિશન ઉપર હાઈકોર્ટે નિર્ણય લેવાનો ઈનકાર કર્યો છે. ઠાકરેને વિધાન પરિષદના સભ્ય તરીકે મંજૂરી આપવાની રાજ્ય પ્રધાનમંડળે ગવર્નર કોશિયારીને ભલામણ કરી છે. પ્રધાનમંડળના આ નિર્ણયને ભાજપના સદસ્યએ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે કહ્યું કે ભલામણ ઉપર કાયદેસર રીતે વિચાર કરવાની ગવર્નરને સત્તા છે.
ઠાકરેએ 2019ની 28 નવેંબરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ વિધાનમંડળના બેમાંના એકેય ગૃહના સભ્ય નથી.
બંધારણના નિયમ અનુસાર, એમણે 2020ની 28 મે સુધીમાં કોઈ પણ ગૃહનું સભ્યપદ મેળવી લેવું પડે. કોરોના વાઈરસના ફેલાવાને કારણે દેશભરમાં ચૂંટણી પંચે તમામ પ્રકારની ચૂંટણી પ્રક્રિયાને સ્થગિત કરી દીધી છે.
પરિણામે, મહારાષ્ટ્રના પ્રધાનમંડળે ગઈ 9 એપ્રિલે રાજ્યપાલ કોશિયારીને ભલામણ કરી હતી કે તમે તમારા ક્વોટામાંથી ઠાકરેને વિધાન પરિષદનું સભ્યપદ આપો, જેથી એ મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહી શકે.
બંધારણની કલમ 171માં જોગવાઈ છે કે રાજ્યપાલ વિશેષ જ્ઞાન કે સાહિત્ય, વિજ્ઞાન, કલા, સહકારી આંદોલન કે સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં વ્યવહારિક અનુભવ ધરાવનાર વ્યક્તિને ગૃહના સભ્ય તરીકે નામાંકિત કરી શકે છે. રાજ્યપાલના ક્વોટામાં હજી બે સીટ બાકી છે, જે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાનસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા એટલે ખાલી પડી હતી.
હવે એ જ એનસીપી પાર્ટી રાજ્યમાં શાસક બનેલા મહાવિકાસ આઘાડીનો એક હિસ્સો છે. એનસીપીએ આ બંને સીટ માટે 2020ના આરંભે બે નામની ભલામણ કરી હતી, પણ રાજ્યપાલે એમ કહીને એની વિનંતીને નકારી કાઢી હતી કે આ બંને સીટની મુદત જૂન મહિનામાં ખતમ થાય છે તેથી હાલ એની પર નિયુક્તિ કરવાની કોઈ જરૂર નથી.
બંધારણીય નિષ્ણાતોએ હાઈકોર્ટના 1961ની સાલના એક ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે ચંદ્રભાન ગુપ્તાની નિયુક્તિ અને રાજ્યપાલ દ્વારા એમને વિધાન પરિષદના સભ્ય તરીકે નામાંકિત કરવાના નિર્ણયને ત્યાંની હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો. અદાલતે ત્યારે કહ્યું હતું કે ગુપ્તાએ અનેક વર્ષો સુધી સક્રિય રીતે રાજકારણમાં ભાગ લીધો છે, જે સમાજસેવાના અનુભવ બરોબર છે તેથી એમને વિધાન પરિષદના સભ્ય તરીકે નામાંકિત કરાય એ નિર્ણય યોગ્ય છે.
નવી દિલ્હીઃ વિશ્વભરમાં વર્લ્ડ અર્થ ડે પ્રતિ વર્ષ 22 એપ્રિલે ઊજવવામાં આવે છે, પણ શું તમે જાણો છો કે પૃથ્વી દિવસ એટલે કે અર્થ ડે ઊજવવાની શરૂઆત કેવી રીતે થઈ? સૌપ્રથમ વાર અર્થ ડે 1970માં ઊજવવામાં આવ્યો હતો. પૃથ્વી પર રહેતા જીવ-જંતુઓ, ઝાડ-છોડવાને બચાવવા અને વિશ્વભરમાં પર્યાવરણ પ્રત્યે લોકોની વચ્ચે જાગરુકતા વધારવાના ઉદ્દેશથી પ્રતિ વર્ષે 22 એપ્રિલને અર્થ ડે ઊજવવામાં આવ્યા છે.
પૃથ્વી દિવસ એટલે કે અર્થ ડેના પ્રસંગે પર્યાવરણ સુરક્ષા વિશે લોકોને જાગરુક કરવામાં આવે છે. એની સાથે લોકો પર્યાવરણને સારું બનાવવા માટે સંકલ્પ પણ લેતા હોય છે, આ શબ્દને લાવવાવાળા જુલિયન કોનિગ હતા. વર્ષ 1969માં તેમણે સૌથી પપહેલાં આ શબ્દથી લોકોમે માહિતગાર કર્યા
અર્થ ડેનો ઇતિહાસ
પૃથ્વી દિવસ એક વાર્ષિક આયોજન છે, જેને 22 એપ્રિલે વિશ્વભરના પર્યાવરણ સંરક્ષણ અને સમર્થન પ્રદર્શિત કરવામાંમ આયોજિત કરવામાં આવે છે. એની સ્થાપના અમેરિકી સેનેટર જેરાલ્ડ નેલ્સને 1970માં એક પર્યાવરણ શિક્ષાના રૂપે કરી હતી. હાલ હવે 192થી વધુ દેશોમાં પ્રતિ વર્ષ એને ઊજવવામાં આવે છે. સેનેટર નેલ્સને પર્યાવરણને એક રાષ્ટ્રીય એજન્ડામાં જોડવા માટે પહેલાં રાષ્ટ્રવ્યાપી પર્યાવરણ વિરોધની પ્રસ્તાવના આપી હતી. જાણીતા ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા એડ્ડી આલબર્ટે પૃથ્વી દિવસના નિર્માણમાં એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પર્યાવરણ સક્રિયતાના સંદર્ભે જારી આ વાર્ષિક ઘટનાના નિર્માણ માટે આલબર્ટે પ્રાથમિક અને મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યાં, જેનાતી તેમને તેમના સંપૂર્ણ કાર્યકાળ દરમ્યાન ભારે સમર્થન આપ્યું. જેથી એવું માનવામાં આવે છે કે વિશેષરૂપે 1970 પછી પૃથ્વી દિવસે અલબર્ટના જન્મદિન 22 એપ્રિલે ઊજવવામાં આવતો હતો.
અર્થ ડે 2020ની થિમ
આ વર્ષે અર્થ ડેનીન થિમ ક્લાઇમેટ એક્શન છે. ક્લાઇમેટમાં સતત થઈ રહેલા પરિવર્તનને કારણે લાઇફ સપોર્ટ સિસ્ટમને જોખમ છે. અર્થ ડે ઓર્ગેનાઇઝેન મુજબ હવે સમય છે કે વિશ્વભરમાં બધા નાગરિક જળવાયુ સંકટ સામે લડવા માટેનો -આગળ આવો અને સાથે મળીને કામ કરો, કેમ કે આવું ના કરવાને કારણે લોકોના વર્તમાન અને ભવિષ્યમાં આવનારી પેઢીઓ માટે એક ખતરનાક ભવિષ્ય તૈયાર કરી રહ્યા છીએ.
અમદાવાદ: “સાહેબ હું એસ. વી. પી દવાખાનામાં સારવાર હેઠળ છું. મારા પરિવારમાં ચાર વ્યક્તિઓ છે. મારી સાડા ત્રણ વર્ષની દીકરી માટે દૂધ અને પત્ની અને પિતા માટે ભોજન અને રાશનની ખૂબ તાતી જરૂરિયાત છે. તેઓ બહાર નીકળી શકતા નથી. જેથી મારા પરિવારને ઝડપથી મદદ મળી રહે એવું કરવા નમ્ર અરજ છે.” આ શબ્દો છે દાણીલીમડાના અને કોરોના પોઝિટિવ ધરાવનાર દર્દીના. જેમના પરિવારને ૧૬ એપ્રિલથી હોમ કવોરન્ટાઈન હેઠળ સુરક્ષિત રાખવામાં આવ્યા હતા.
અત્યારે દાણીલીમડા વિસ્તારમાં કરફ્યુ હોવાથી કોણ કોને મદદ કરે એ પણ વિચાર માંગી લે એવો સવાલ છે.
હોમ કવોરન્ટાઈન હેઠળ રહેલા એક પરિવારના મોભીની તબિયત અચાનક બગડતા તેમનો રિપોર્ટ કરતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડતા તાત્કાલીક શહેરની એસ.વી.પી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા. પરંતુ તેમના પરિવારમાં તેમના પત્ની ,પિતા અને સાડા ત્રણ વર્ષની દીકરી હજી પણ હોમ કવોરન્ટાઈન હેઠળ હોવાથી તેઓ ક્યાંય બહાર નીકળી શકે તેમ નહોતા.ઘરના મોભી જ જ્યારે સારવાર હેઠળ હોય ત્યારે પરિવારની ચિંતા તેમને સતત કોરી ખાતી હતી. ઘરમાં જરૂરી ખાદ્યસામગ્રી અને ભોજન ખૂટી પડતાં તેમણે દવાખાનામાં રહીને જ ઇન્ટરનેટ પર સર્ચ કર્યું કે અમદાવાદમાં ભોજનની સુવિધા ઝડપથી પહોંચાડનાર કોઈ વ્યક્તિ, સંસ્થા કે તંત્રની સગવડતા જો મળે તો તેઓના પરિવારને ભોજન ઉપલબ્ધ થાય.
દવાખાનામાં રહીને કોરોના જેવી ગંભીર બીમારી સામે લડત આપતા આ ભાઈની મહેનત સફળ રહી અને તેમને અમદાવાદના પશ્ચિમના સાંસદ ડો.કિરીટભાઈ સોલંકી દ્વારા ચાલતી કોરોના વાયરસ ભોજન હેલ્પલાઇનની વિગતો મળી. મોબાઈલ નંબર 9898085043 પર તેમણે ફોન જોડ્યો અને ઉપરોક્ત તમામ વિગતો જણાવી.
આવેલ ફોનની બધી વિગતો મેળવી ભોજન હેલ્પલાઇનનું સંચાલન કરનારે રાજ્યના મુખ્યમંત્રીના અંગત સચિવ અશ્વિનીકુમારને તમામ વિગતોથી વાકેફ કર્યા અને સંવેદનશીલ વહીવટીતંત્રની પાંખે ત્વરિતપણે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનરને આ માહિતી પહોંચાડી.
સંવેદનાસભર તંત્રની ટીમે ક્ષણનોય વિલંબ કર્યા વિના દાણીલીમડા સ્થિત મયુરપાર્ક સોસાયટી ખાતે રહેતા કોરોના પોઝિટિવ દર્દીના ઘરે જઈને તેમના પત્નીને જરૂરી ખાદ્યસામગ્રીની કીટ, બાળક માટે દુધના પાઉચ પૂરા પાડ્યા અને તંત્ર તમારા પરિવારની સાથે હંમેશા ખડેપગે રહેશે એવો સધિયારો આપ્યો. વૈશ્વિક મહામારીના આ કપરા સંજોગોમાં સંવેદનશીલ સરકારના નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનારા અધિકારીઓ અને કર્મચારીઓની સમગ્ર ટીમ રાત-દિવસ લોકોની સાથે છે એવું ફરી એકવાર પુરવાર થયું છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 19,984 થઈ ગઈ છે અને અત્યાર સુધી આ વાઇરસથી 640 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસથી 1,383ના નવા કેસ સામે આવ્યા છે અને 50 લોકોનાં મોત થયાં છે. થોડા રાહતના સમાચાર છે કે આ બીમારીમાંથી અત્યાર સુધી 3,870 લોકો સાજા થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
ગુજરાતમાં સૌપ્રથમ વાર કોરોના વાઇરસથી સંક્રમિત બે લોકોની સારવાર પ્લાઝમા થેરેપીથી થઈ રહી છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 130 નવા કેસ આવ્યા છે, સુરતમાં 78, વડોદરામાં છ, અરાવલ્લી અને બનાસકાંઠામાં પાંચ-પાંચ, વલસાડમાં ત્રણ, બોટાદમાં અને રાજકોયમાં બે-બે, મહેસાણા, ભરૂચ, દાહોદ, સાબરકાંઠા, નવસારી, ગિર સોમનાથ, ખેડા અને તાપીમાં એક-એક કેસ સામે આવ્યા છે.
વિશ્વમાં વાઇરસ સંક્રમિતોની સંખ્યા 25 લાખથી વધુ
વિશ્વભરતમાં કોરોના વાઇરસનો કહેર જારી છે આ વાઇરસથી વિશ્વભરમાં 25 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જેમાંથી 80 ટકા કેસો યુરોપ અને અમેરિકામાં છે. અમેરિકામાં કોવિડ-19થી પાછલા 24 કલાકમાં 2700થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.
દેશમાં રાજ્યવાર કોરોના કેસોની સંખ્યા નીચે મુજબ છે.
નવી દિલ્હી: વિશ્વના સૌથી રહસ્યમય દેશોમાંથી એક ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ અત્યારે વિલાની અંદર બનાવેલી એક હોસ્પિટલમાં જિંદગી સામે જંગ લડી રહ્યો છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, કિમ જોંગનું બ્રેન ડેડ થઈ ચૂક્યું છે અને તેમની તબિયત અત્યંત નાજૂક છે. આ બધા વચ્ચે અટકળોનો દોર શરુ થયો છે કે, કિમની જગ્યાએ ઉત્તર કોરિયાની કમાન કોન સંભાળશે?
તાનાશાહ કિમ જોંગ ઉનની બહેન કિમ યો-જોંગને કિમ પછીની બીજી સૌથી મહત્વની વ્યક્તિ તરીકે માનવામાં આવે છે. 11 એપ્રિલ 2020ના કિમ યો જોંગને નોર્થ કોરિયા પોલિટ બ્યૂરોમાં અલ્ટરનેટ સભ્ય તરીકે બીજી વખત સામેલ કરવામાં આવ્યા છે. કિમ યો જોંગ દેશ બહાર પણ નોર્થ કોરિયાનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. મીડિયા રિપોર્ટ અનુસાર કિમ જોંગની બહેન લાંબા સમયથી નોર્થ કોરિયાની સરકારમાં પ્રભાવશાળી ભૂમિકા નિભાવી રહી છે.
કેટલાક અહેવાલો અનુસાર કિમ જોંગ ઉનની જે દેશ અને દુનિયામાં એક છબી છે તેને તૈયાર કરવામાં તેની બહેનનું ઘણુ યોગદાન માનવામા આવે છે. સાઉથ કોરિયામાં 2018 વિન્ટર ઓલિમ્પિક્સ દરમિયાન કિમ યો જોંગે નોર્થ કોરિયાના ગ્રુપનું પ્રતિનિધિત્વ કર્યું હતું. નોર્થ કોરિયામાં મિલિટરી એક્સરસાઇઝનો જ્યારે સાઉથ કોરિયાએ વિરોધ કર્યો તો માર્ચમાં કિમ યો જોંગે પહેલી વખત સાર્વજનિક નિવેદન જાહેર કરીને કહ્યું કે સાઉથ કોરિયા એક ડરેલા કૂતરાની જેમ ભસે છે.
માર્ચમાં જ કિમ યો જોંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા હતા કારણ કે ટ્રમ્પે કિમ જોંગ ઉનને પત્ર મોકલીને કહ્યું હતું કે આશા છે કે બન્ને દેશો વચ્ચે સારા દ્વિપક્ષીય સંબંધો કાયમ રહેશે. કોરોના વાઈરસ મહામારી વખતે પણ ટ્રમ્પે કોરિયાની મદદ કરવાની વાત કહી હતી.
રાયપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફોન કરીને રાયપુરની પહેલી મહિલા વિધાનસભ્ય રજનીતાઈ ઉપાસને સાથે વાતચીત કરી હતી. મોદીએ તેમના ખબરઅંત પૂછવા સાથે તેમના આશીર્વાદ પણ લીધા હતા. 87 વર્ષીય તાઈ 1977માં રાયપુર વિધાનસભા સીટથી વિધાનસભ્ય ચૂંટાયાં હતાં. તાઈના પુત્ર અને ભાજપના પ્રદેશ પ્રવક્તા સચ્ચિદાનંદ ઉપાસનેએ જણાવ્યું હતું કે વડા પ્રધાને તાઈને કહ્યું હતું કે તમે પક્ષનું બહુ કામ કર્યું છે અને તમે જે જવાબદારી મને આપી છે, એનું હું પાલન કરી રહ્યો છું. ત્યાર બાદ તેમણે કહ્યું કે પુત્રવધૂથી વાત કરાવો.
તાઈજીએ પક્ષની બહુ સેવા કરીઃ PM મોદી
વડા પ્રધાન મોદીએ તાઈજીની પુત્રવધૂ પ્રાચી ઉપાસનેએ કહ્યું હતું કે તાઈજીએ બહુ સેવા કરી છે, અમારા લોકોની, એટલા માટે તેમના આશીર્વાદ લેવા માટે ફોન કર્યો હતો. ઉપાસને કહ્યું હતું કે આજે તાઈજી અને ઉપાસને પરિવાર અભિભૂત છે કે આટલી વ્યસ્તતા છતાં વડા પ્રધાન પક્ષના જૂના અને વરિષ્ઠ સભ્યોથી સીધી વાત કરીને તેમનો ઉત્સાહ વધારીને આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે.
તાઈએ વડા પ્રધાન મોદીને રાયપુર આવવા માટે આમંત્રણ આપ્યું
વડા પ્રધાન મોદીથી વાતચીત દરમ્યાન રજની તાઈથી સહજ અંદાજમાં પૂછ્યું કે શું તમારું રાયપુર આવવાનું થશે? વડા પ્રધાને જવાબ ના આપ્યો અને કહ્યું કે અત્યારે તો લોકડાઉન છે, પણ જરૂર આવીશ. તમારા આશીર્વાદ આપો, જેથી દેશને આ મુશ્કેલીમાં બહાર કાઢી શકું. આના જવાબમાં રજની તાઈએ કહ્યું કે મારા આશીર્વાદ હંમેશાં તમારી સાથે છે, ખૂબ આગળ વધો.
છત્તીસગઢના ભાજપના પ્રવક્તા સચ્ચિદાનંદ ઉપાસને કહ્યું હતું કે આજે માતા અને ઉપાસને પરિવાર અભિભૂત છે. દરઅસલમાં છત્તીસગઢ જ્યારે મધ્ય પ્રદેશનો હિસ્સો હતું, ત્યારે સચ્ચિદાનંદ ઉપાસનેનો પરિવાર સંઘ સાથે જોડાયેલો હતો અને ઇમર્જન્સી વખતે જેલમાં પણ ગયો હતો.
છત્તીસગઢનાં પહેલી મહિલા વિધાનસભ્ય
રજની તાઈ છત્તીસગઢની પહેલી મહિલા વિધાનસભ્ય બન્યાં હતાં. વડા પ્રધાનના આ પગલાની પ્રશંસા હવે સોશિયલ મિડિયામાં થઈ રહી છે.
ભારત કોરોનાના કેસ શોધવા માટે વધારે ટેસ્ટ કરે છે કે ઓછા કરે છે તેની ડિબેટ ચાલી રહી છે. તમે કયા દેશ સાથે સરખામણી કરો તેના પર ઓછા કે વધારે લાગી શકે છે. સોમવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે દુનિયામાં સૌથી વધુ ટેસ્ટ કરી રહ્યા છીએ. 41.80 લાખ ટેસ્ટ તો અમે કરી નાખ્યા – એમ તેમણે કહ્યું. (બાય ધ વે, ટ્રમ્પને તમે બોલતા જુઓ, જાણે બહુ મોટી સફળતાનું કામ આજકાલ કરી રહ્યા હોય તેવું લાગે. ગ્રેટ… ગ્રેટ… સક્સેસ… સક્સેસ… બસ સાતેક લાખ કેસ ને બસ થોડાક 35,000 મોત થયા, બાકી ગ્રેટ સક્સેસ ટેસ્ટ કરવામાં અને કોરોનાને કાબૂમાં લેવામાં!) ભારતમાં ચારેક લાખ ટેસ્ટની સંખ્યા હવે થવામાં છે. 40 લાખ સામે 4 લાખ ઓછા પણ લાગે, પણ સામે ભારતમાં કેસ પણ હજી અમેરિકામાં મોત થયા તેના કરતાં અડધા છે.
એટલે સરખામણી ના કરતાં જુદા જુદા દેશ કેવી રીતે કોરોના સામે કાર્યવાહી કરે છે તેની વ્યૂહરચના જોઈએ. અગાઉ દક્ષિણ કોરિયા વિશે વાત કરી હતી કે તેણે પ્રથમથી જ મોટા પાયે ટેસ્ટિંગ ચાલુ કર્યા હતા. તેના પણ પહેલા તાઇવાને તો જાન્યુઆરીમાંથી જ વિદેશથી, ખાસ ચીનથી આવનારાના ટેસ્ટિંગ અને તેમના પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. તેથી ભારતમાં તબલિગીની જેમ, દક્ષિણ કોરિયામાં શિન્ચેઓંજી ચર્ચ ઑફ જીઝસના અનુયાયીઓને કારણે પ્રારંભમાં ચેપ ઝડપથી ફેલાયો હતો. પરંતુ ત્યારબાદ સરકારે ચર્ચના અનુયાયીઓને એક પછી એક શોધ્યા અને તેમના ટેસ્ટ કર્યા. સાથે જ બીજાના ટેસ્ટ પણ શરૂ કર્યા હતા. તમે કાર લઈને જાવ, કારમાં જ બેઠા રહો અને તમારા નમૂના આપીને જતા રહો. તમને મેસેજમાં રિઝલ્ટ મળી જાય. આ પદ્ધતિએ ટેસ્ટિંગ દક્ષિણ કોરિયાએ જ શરૂ કર્યું હતું. દિલ્હીમાં અને હવે મંગળવારથી મુંબઈમાં પણ તે પદ્ધતિએ ટેસ્ટિંગ શરૂ થયું છે.
દક્ષિણ આફ્રિકાએ પણ લૉકડાઉન સાથે ટેસ્ટિંગ પર ભાર મૂક્યો છે. દક્ષિણ કોરિયાની જેમ ડ્રાઇવ થ્રૂ ટેસ્ટિંગ પદ્ધતિ શરૂઆતથી જ દક્ષિણ આફ્રિકાએ અપનાવી હતી. બીજું ખાનગી લેબને પ્રથમથી જ ટેસ્ટ કરવાની છૂટ મળી હતી અને સૌથી વધુ ટેસ્ટ ખાનગી કંપનીઓ જ કરે છે. ભારતમાં યાદ હશે કે ટેસ્ટનો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. ભારતમાં પ્રથમ માત્ર સરકારી હૉસ્પિટલો અને લેબમાં ટેસ્ટ થતા હતા. પછી ખાનગી લેબને છૂટ મળી, પણ અદાલતે કહ્યું કે મફતમાં ટેસ્ટ કરવાના. એટલે ખાનગી લેબ તરફી ટેસ્ટ લગભગ થંબી ગયા હતા. મફતમાં ખાનગી લેબ શા માટે ટેસ્ટ કરી આપે? કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જઈને રજૂઆત કરવી પડે કે આવો હુકમ અવ્યવહારું છે. તે પછી નક્કી થયું કે ચૂકવી શકે તેમ હોય તે લોકો 4500 રૂપિયા ટેસ્ટના આપે, આયુષ્યમાન કાર્ડ હોય તેની ફી સરકાર ભોગવશે. 4500 રૂપિયાનો ભાવ પણ સમિતિએ નક્કી કરી આપ્યો તે પછી ખાનગી લેબમાં ફરી ટેસ્ટ થવા લાગ્યા. પણ હજીય તેની ગતિ પકડાઈ નથી તેમ જાણકારો કહે છે.
દેશમાં પ્રથમ કોરોના કેસ થયો તેના 50 દિવસમાં એટલે કે 20 એપ્રિલ સુધીમાં દક્ષિણ આફ્રિકાએ 1,14,000 ટેસ્ટ કર્યા. દર દસ લાખની વસતિ સામે 1,934 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટેસ્ટ ઓછા કે વધારે તે જાણવાનો આ એક માર્ગ છે. હવે ભારતના આંકડાં જુઓ. ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો તેના લગભગ 80 દિવસ પછી 20 એપ્રિલ સુધીમાં 4,00,000થી વધુ ટેસ્ટ કર્યા છે. દક્ષિણ આફ્રિકા કરતાં આ સંખ્યા ચાર ગણી લાગશે, પણ દર દસ લાખની વસતિ પ્રમાણે ગણો – ભારતે 10 લાખ સામે માત્ર 291 ટેસ્ટ જ કર્યા છે. ગુજરાતમાં મરણાંક પણ વધારે છે તેની ચર્ચા થઈ ત્યારે જવાબમાં સરકારી તંત્રે જણાવ્યું હતું કે ગુજરાત વધારે ટેસ્ટ કરકે છે. રાષ્ટ્રીય એવરેજ 300ની આસપાસ છે, ત્યારે ગુજરાતમાં 400થી વધુ છે અને અમદાવાદ હોટસ્પૉટ બન્યું છે ત્યાં 10 લાખ સામે 2000થી વધુ ટેસ્ટ થયા છે. તેથી અમદાવાદની એવરેજ સારી કહેવાય, પણ સમગ્ર દેશનો આંકડો જોઈએ ત્યારે થોડો ઓછો દેખાય છે.
બીજું કે પૂર્વ ભારત, મધ્ય પ્રદેશના ઇન્દોરને બાદ કરો તો પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સામાં પણ બહુ ઓછા કેસ છે અને બહુ ઓછા ટેસ્ટ કરવા પડ્યા છે. તેથી પણ નેશનલ એવરેજ ઓછી થાય છે, પણ અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની જેમ બીજા કેટલાક સંભવિત હોટસ્પૉટમાં એગ્રેસિવ રીતે ટેસ્ટિંગ વધારવું જોઈએ તેવું ઘણા બધા નિષ્ણાતો કહે છે.
દક્ષિણ આફ્રિકા સાથે બીજી પણ કેટલીક બાબતમાં સરખામણી કરવી પડે તેમ છે, કેમ કે આ સંકટના સમયે કેવી રીતે કામ કરવું તેનો અનુભવ કોઈને ના હોય, પણ બીજામાંથી શીખવાની, બીજાનો બોધપાઠ લેવાનો સમય છે, જેથી સંકટનું નુકસાન ઓછામાં ઓછું થાય. આપણે જનતા કર્ફ્યુ કર્યો, પણ લૉકડાઉનની જાહેરાત રાતોરાત થઈ તેના કારણે સામાન્ય તૈયારીઓ ના થઈ શકી અને અનેક લોકોને ફસાયા જેવું થયું. દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સિરિલ રામાફોસાએ 23 માર્ચ સોમવારે લૉકડાઉનની જાહેરાત કરી હતી, પણ તેનો અમલ ગુરુવારની મધરાતથી શરૂ થવાનો હતો. ભારતની જેમ 21 દિવસનો જ લૉકડાઉન હતો, પણ ફરક એટલો હતો કે દક્ષિણ આફ્રિકામાં પાંચમી માર્ચે પ્રથમ કેસ થયો હતો તેના 21 દિવસ પછી લૉકડાઉન થયો હતો. ભારતમાં 30 જાન્યુઆરીએ પ્રથમ કેસ કેરળમાં વૂહાનથી આવેલા મેડિકલ વિદ્યાર્થીનો નોંધાયો હતો અને તેના 54 દિવસ પછી 24 માર્ચે જ જાહેરાત અને 24 માર્ચની મધરાતથી જ લૉકડાઉન લાગુ થઈ ગયો હતો.
બંને દેશોમાં લગભગ સાથે સાથે લૉકડાઉન પછી 20 એપ્રિલે (અનુક્રમે 26 અને 24 દિવસ પછી) ભારતમાં 17,000થી વધુ કેસ અને 500થી વધુ મોત હતા, જ્યારે દક્ષિણ આફ્રિકામાં 3,000થી વધુ કેસ અને 50થી વધુના મોત હતા. બધી રીતે સરખામણી વાજબી નથી હોતી, કેમ કે દરેક દેશની સ્થિતિ જુદી હોય છે, પણ દરેક દેશ કઈ રીતે પ્રતિસાદ આપી રહ્યો છે તેનો એક અંદાજ આના પરથી મળે છે. ભારતમાં 536 કેસ થયા તે પછી લૉકડાઉન લાગુ કરાયો હતો, જ્યારે દક્ષિણ આફ્રિકાએ વધારે રાહ જોઈ હતી અને 927 કેસ થયા પછી લૉકડાઉન કર્યું હતું. તેથી ભારતે વધારે સાવચેતી લીધી તેમ પણ કહેવું હોય તે ખોટું નથી, પણ ફરક એ હતો કે ભારતમાં 18ના મોત થયા હતા, જ્યારે ત્યાં હજી કોઈનું મોત થયું નહોતું. જાહેરાતના બીજા દિવસે ત્યાં કેસો 1,000ને વટાવી ગયા અને પ્રથમ દર્દીનું મોત પણ નોંધાયું હતું.
લૉકડાઉન સાથે દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટિંગ પણ આરંભી દીધું, તેથી 27 માર્ચે એક જ દિવસમાં 243 કેસો વધી ગયા હતા. પરંતુ તે પછી સ્થિતિ કાબૂમાં રહી છે અને ત્યાં સરેરાશ રોજના દોઢસો કેસ વધી રહ્યા છે. ભારતમાં છેલ્લું અઠવાડિયું હજારની ઉપર કેસ દેખાડી રહ્યું છે, પણ જૂના આંકડાં પ્રમાણે સરેરાશ 500ની આસપાસ રહી છે.
ભારતમાં પ્રારંભમાં વિદેશથી આવેલા લોકો અને તેમના સગા તથા નીકટ સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ જ શરૂ કર્યા હતા. પ્રથમ તો ક્વૉરેન્ટાઇન અને સેલ્ફ-આઇસોલેશનની સ્ટ્રેટેજી અપનાવાઈ હતી અને સંપર્કમાં આવેલા લોકોમાં તાવ, શરદી, ખાંસી, ગળું ખરાબ થવું અને શ્વાસમાં સમસ્યા થાય ત્યારે જ ટેસ્ટ કરાતા હતા. બાદમાં 9 એપ્રિલથી ભારતે પણ ટેસ્ટના ક્રાઇટેરિયા બદલ્યા. આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણે વિદેશ પ્રવાસ ના હોય તેવા લોકોના અને સામાન્ય લક્ષણો દેખાય ત્યાં પણ ટેસ્ટની શરૂઆત થઈ હતી.
તે પછી આ અઠવાડિયે આઈસીએમઆર તરફથી જ ચિંતાજનક વાત આવી કે ભારતમાં 80% ટકા લોકોને લક્ષણો દેખાતા નથી એટલે કે તબીબી ભાષામાં અસિમ્પટોમેટિક લોકોમાં પણ ટેસ્ટ થાય ત્યારે પોઝિટિવ આવે છે. અમદાવાદમાં પણ જોવા મળ્યું કે એક ચાલીમાંથી બે ડઝન લોકોને ટેસ્ટ કરાયા, તેમાં કોરોના દેખાયો, પણ બધાય એકદમ સાજાસારા લાગે છે. સામાન્ય તકલીફ પણ તેમનામાં દેખાતી નથી. આ ચિંતાનું કારણ જાગ્યું, કેમ કે ટેસ્ટ વિના ખબર ના પડે કે કોને ચેપ લાગેલો છે, ત્યારે ફેલાવાનું જોખમ વધી જાય. જોકે બીજા દિવસે ચિંતાને ધ્યાનમાં લઈને સરકારે ખુલાસો કર્યો કે અસિમ્પ્ટોમેટિક લોકોમાં પોઝિટિવ ટેસ્ટ આવે તે બીજા દેશોની સરખામણીએ બહુ અસામાન્ય નથી. હવે જોઈએ આગળ આમાં શું વાત નીકળે છે.
20 એપ્રિલથી કેટલાક રાજ્યોએ થોડી છૂટછાટ આપી છે, ત્યારે જે એકમો કામકાજ શરૂ કરે છે તે પોતાની રીતે ખાનગી લેબમાં ટેસ્ટ વધારે કરાવે છે કે કેમ તે અઠવાડિયામાં સ્પષ્ટ થઈ જશે. અમદાવાદ જેવા વધારે જોખમી શહેરોમાં અને સાવ કેસ ના મળ્યા હોય તેવા જિલ્લામાં પણ રેન્ડમ ટેસ્ટિંગ વધારાઈ રહ્યું છે. આ વાત સાચી પણ પ્રારંભના સમયમાં ટેસ્ટ કેમ ઓછા થયા તેવો સવાલ થતો રહેશે એમ લાગે છે.
દાખલા તરીકે લૉકડાઉન લાગુ કરવા સાથે દક્ષિણ આફ્રિકાએ ટેસ્ટિંગ પણ વધાર્યું, ખાનગી લેબને પણ સાથે જોડી, તેથી 15મા દિવસે 64,000 ટેસ્ટ થઈ ગયા હતા. હકીકતમાં એક પણ કેસ નહોતો નોંધાયો ત્યારે ફેબ્રુઆરીમાં જ ટેસ્ટિંગ શરૂ કરાયું હતું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર કૉમ્યુનિકેબલ ડિસીઝે 7 ફેબ્રુઆરી સુધીમાં 42 ટેસ્ટ કરી લીધા હતા. તે બધા નેગેટિવ જ હતા, પણ સરકારે મધ્ય ફેબ્રુઆરીથી બધી સરકારી હૉસ્પિટલમાં ફ્રી ટેસ્ટની જાહેરાત કરીને ટેસ્ટ કરવાનું નાના પાયે ચાલુ રાખ્યું. પાંચ માર્ચે પ્રથમ પોઝિટિવ કેસ મળ્યો અને મધ્ય માર્ચ સુધીમાં 47,000 લોકોના પરીક્ષણ કરી લેવાયા હતા. 15 માર્ચથી પ્રવાસ પર પ્રતિબંધો સહિતના પગલાં લેવાનું પણ શરૂ થઈ ગયું હતું. ભારતે પણ મધ્ય માર્ચમાં મામલાને ગંભીરતાથી લેવાનો શરૂ કર્યો હતો. અગાઉ ધૂળેટી નહિ રમવાનો, જાહેર સમારંભો નહિ કરવાનો, શાળા-કૉલેજો બંધ કરવાના નિર્ણયો લેવાનું શરૂ થઈ ગયું હતું.
લૉકડાઉન પહેલાં દક્ષિણ આફ્રિકાની સરકારે બીજી પણ એક સાવચેતી લીધી હતી. લોકો સંગ્રહાખોરી શરૂ કરશે તેનો અંદાજ લગાવીને ભાવબાંધણું જાહેર કરી દીધું હતું. ભંગ કરનારાને એક વર્ષ સુધીની કેદની ચેતવણી પણ અપાઈ હતી. લૉકડાઉન શરૂ થયા પછી આવનજાવન પર કડક નજર રખાઈ હતી અને 2200ની ધરપકડ પહેલાં અઠવાડિયે કરાઈ હતી. ભારતમાં પણ પોલીસે કડક કાર્યવાહી કરીને લૉકડાઉનને અસરકારક બનાવવામાં ભૂમિકા ભજવી હતી. બંને દેશોમાં કડક પોલીસ કાર્યવાહીની ફરિયાદો પણ થઈ હતી, પણ આવા સંજોગોમાં પોલીસ પણ મજબૂર હોય છે અને મોટા ભાગના લોકોએ પોલીસની કામગીરી વખાણી છે.
પ્રમુખ રામાફોસાએ ગયા અઠવાડિયે ફરીથી રાષ્ટ્રને સંબોધન કરીને બે અઠવાડિયા માટે લૉકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. જોકે તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે ચેપને કાબૂમાં રાખી શકાયો છે. જોકે 3300 કેસ સાથે દક્ષિણ આફ્રિકા ખંડમાં સૌથી વધુ કેસ ધરાવે છે, એટલે તે બાબતમાં ભારત સાથે સરખામણી ના થાય અને આફ્રિકાના દેશો સાથે સરખામણી થાય ત્યારે તેની સ્થિતિ બહુ સારી નથી લાગતી. રામાફોસા એવો સંતોષ લઈ શકે કે ઇજિપ્તમાં કેસ 3333થી વધી ગયા છે. બીજું કે પોતાને ત્યાં ફક્ત 58 મોત થયા છે, ત્યારે ઇજિપ્તમાં 250ના મોત થઈ ગયા છે. મોરોક્કો અને અલ્જિરિયામાં પણ કેસો વધી રહ્યા છે અને 3000ની નજીક છે.
ટૂંકમાં દરેક દેશ એક બીજા સાથે સરખામણી કરીને પોતે વધુ સારી કામગીરી બજાવી તેનો દાવો કરતા રહેશે. પણ કોની સાથે સરખામણી થાય છે, કેવી રીતે થાય છે, કયા ધોરણે થાય છે તે બધી બાબતો કાયમ ચર્ચાસ્પદ રહેવાની. જેમ કે સિંગાપોરે પૂર્ણ લૉકડાઉનને બદલે પાર્શિયલ એટલે કે મર્યાદિત લૉકડાઉનનો અમલ રાખ્યો હતો. શરૂઆતમાં તેના કેસ કાબૂમાં હતા, પણ તે હવે 10,000 નજીક આવ્યા છે, ત્યારે આખો મે મહિનો પાર્શિયલ લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે. નવા 1,111 કેસ આવ્યા અને કુલ 9125 કેસ થયા છે એટલે સિંગાપોરે પણ શાળાઓ અને ઘણી બધી ઓફિસો બંધ જ રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે.
સિંગાપોરમાં વસતા માઇગ્રન્ટ વર્કર્સમાંથી નવા કેસ વધુ મળી રહ્યા છે એમ આરોગ્ય વિભાગનું કહેવું છે. વિદેશથી મોટી સંખ્યામાં આવેલા માઇગ્રન્ટ વર્કર્સને ડોરમેટરીમાં રાખવામાં આવ્યા હતા, તેમાં હવે કેસો દેખાવા લાગ્યા છે. ભારતમાં અચાનક લૉકડાઉન કરી દેવાયો અને રોજમદારોને, પરપ્રાંતીય મજૂરોને વતનમાં જવા ના મળ્યું તેથી તેમને પણ ઠેર ઠેર સાચવવાની વ્યવસ્થા સરકારે કરવી પડી છે. અમદાવાદમાં ખાલીખમ પડેલા ઇસ્કોન મોલમાં 200થી વધુ કામદારોને રખાયા હતા, પણ તેમાં ચારને પોઝિટિવ આવ્યા. હવે બાકીનાના ટેસ્ટ થશે એટલ કેટલા વધારે કેસ આવશે? સુરત, વડોદરામાં પણ એક જગ્યાએ મોટી સંખ્યામાં કામદારોને રખાયા છે, ત્યાં પણ ચેપ પહોંચ્યો હશે કે નહિ? અમદાવાદની બહાર ટેસ્ટ વધારવામાં આવે ત્યારે ખ્યાલ આવશે અને ત્યારે કદાચ સિંગાપોર પોતાના માઇગ્રન્ટ વર્કર્સને કેમ સાચવે છે અને ભારતમાં કેવી રીતે સચવાયા… તેની સરખામણી કરવાની આવશે.