Home Blog Page 4839

રિલાયન્સ-ફેસબુક ભાગીદાર બન્યાઃ ફેસબુકે જિયોમાં 9.99% હિસ્સો ખરીદ્યો

મુંબઈઃ અમેરિકાની જગવિખ્યાત ટેક્નોલોજી, સોશિયલ મિડિયા કંપની ફેસબુકે રિલાયન્સ જિયોમાં 9.99% હિસ્સો ખરીદ્યો છે. એ માટે તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેલિકોમ કંપનીને રૂ. 43,574 કરોડ ચૂકવ્યા છે.

5.7 અબજ ડોલરના આ સોદા સાથે ફેસબુક જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં સૌથી મોટી માઈનોરિટી શેરહોલ્ડર બની છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે દુનિયાભરમાં કોઈ ટેક્નોલોજી કંપનીએ આટલી મોટી રકમમાં માઈનોરિટી હિસ્સો ખરીદ્યો હોય એવો આ પહેલો જ પ્રસંગ છે. ભારતમાં ટેક્નોલોજી સેક્ટરમાં પણ આ સૌથી મોટું એફડીઆઈ મૂડીરોકાણ છે.

ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે રિલાયન્સ Jio અને Facebook મળીને ભારતમાં લોકોને બિઝનેસની નવી તકો પૂરી પાડશે.

ફેસબુક સાથેની આ ભાગીદારીને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પર દેવાનો બોજો હળવો થશે. જ્યારે ફેસબુકને ભારતમાં ઝડપથી વિકાસ પામતી અને વિશાળ-ધરખમ માર્કેટમાં અંકુશ જમાવવાની તક પૂરી પાડશે.

ફેસબુક કંપની તાજેતરના વર્ષોમાં ભારતમાં એક જબરદસ્ત માર્કેટ તરીકે ઉભરી આવી છે. દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતમાં ફેસબુકના વધારે યુઝર્સ છે. તેની સેટ સર્વિસ વોટ્સએપ તો ભારતમાં 34 કરોડ યુઝર્સ ધરાવે છે.

ફેસબુકે કહ્યું છે કે ભારતમાં નાના વેપારીઓ એકબીજા સાથે આસાનીથી જોડાઈ શકે એ માટે તે પોતાના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને રિલાયન્સની ઈ-કોમર્સ કંપની જિયોમાર્ટ સાથે સહયોગ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

RILના ચેરમેન મુકેશ અંબાણીએ ફેસબુક સાથેની ભાગીદારી અંગે કહ્યું છે કે 2016માં જ્યારે રિલાયન્સે જિયોની સ્થાપના કરી હતી ત્યારે અમે પ્રત્યેક ભારતીયનું જીવનધોરણ સુધારવા માટે અને ભારતને વિશ્વના ડિજિટલ સમાજમાં મોખરાનું સ્થાન અપાવવા ભારતના ‘ડિજિટલ સર્વોદય’નું સપનું સેવ્યું હતું. તેથી ભારતની ડિજિટલ ઈકોસિસ્ટમનો વિકાસ કરવા અને તમામ ભારતીયોને લાભ અપાવવા માટે રિલાયન્સમાં અમે સૌ ફેસબુકને અમારા લોન્ગ-ટર્મ ભાગીદાર તરીકે આવકારીએ છીએ.

માર્ક ઝુકરબર્ગે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું છે કે રિલાયન્સ જિયો સાથે સહયોગ કરીને અમે ભારતમાં વધી રહેલી ડિજિટલ ઈકોનોમીમાં વધારે અસરકારક રીતે કામગીરી બજાવવા માટે ભારતના લોકો અને નાના વેપારીઓ માટે નવા માર્ગોનું નિર્માણ કરીશું.

ફેસબુકના આ મૂડીરોકાણને લીધે રિલાયન્સ જિયો માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ ભારતમાં ટોચની પાંચ લિસ્ટેડ કંપનીઓમાં ગણાતી થશે. કમર્શિયલ સેવાઓ શરૂ કર્યાના માત્ર સાડા ત્રણ વર્ષમાં જ એ આ સિદ્ધિ હાંસલ કરશે.

ફેસબુક સાથેની ભાગીદારી વિશે મુકેશ અંબાણીએ શું કહ્યું? જુઓ અને સાંભળો વિડિયો…

રાશિ ભવિષ્ય 22/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

પંચાંગ 22/04/2020

ICMR: ઓળખી લો આ સંસ્થા અને એના કામને…

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સામેની લડાઈમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સૌથી મહત્ત્વની ભૂમિકા છે. કોરોના વાઇરસના ટેસ્ટિંગથી લઈને રિસર્ચની તમામ જવાબદારી એની પાસે છે. દેશના હજ્જારો ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ દિવસ-રાત એ પ્રયાસોમાં છે કે કોવિડ-19ના દર્દીઓ જલદી સાજા થાય. એટલા માટે ટેસ્ટિંગ, આઇસોલેશન અને કવોરોન્ટાઇનથી માંડીને વિવિધ સંશોધનો થઈ રહ્યાં છે. વળી, સરકાર દ્વારા કોવિડ-19 વિશેની જે પણ પત્રકાર પરિષદ યોજવામાં આવે છે, તેમાં દરેક ડેટા, દરેક માહિતી ICMR દ્વારા આપવામાં આવે છે. ICMR છે કઈ સંસ્થા શું?

સૌથી મોટી રિસર્ચ સંસ્થા

ICMR માત્ર દેશની જ નહીં, વિશ્વની સૌથી જૂની અને મોટી મેડિકલ રિસર્ચ સંસ્થાઓમાંની એક છે. દેશમાં બાયોમેડિકલ રિસર્ચ ફોર્મ્યુલેશન, કો-ઓર્ડિનેશન અને પ્રમોશનની આ સર્વોચ્ચ સંસ્થા છે. ઇન્ડિયન રિસર્ચ ફંડ એસોસિયેશન (IRFA)ના રૂપમાં એનો પાયો વર્ષ 1911માં નખાયો હતો. આઝાદી પછી IRFAમાં કેટલાંય પરિવર્તન થયાં. નવાં કલેવરની સાથે 1949માં એનું નામ બદલીને ICMRનું નામ આપવામાં આવ્યું છે. ICMRનું ફંન્ડિંગ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વિભાગ અને હેલ્થ રિસર્ચ દ્વારા થાય છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન જ આ કાઉન્સિલના અધ્યક્ષ હોય છે.

શું છે ICMRનું કામ?

ICMRનું વિઝન છે સંશોધન દ્વારા દેશના નાગરિકોનું આરોગ્ય સારું કરવામાં આવે. સત્તાવાર વેબસાઇટદ્વારા અનુસાર ICMRનાં પાંચ મિશન છે. પહેલું, નવી માહિતીને જનરેટ, મેનેજ અને સંશોધન કરવું. બીજું, સમાજના અશક્ત, અસહાય અને હાંસિયામાં છોડાયેલા વર્ગના આરોગ્ય સમસ્યાઓ પર સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવું. ત્રીજું, દેશની આરોગ્યની સમસ્યાઓને દૂર કરવા માટે આધુનિક બાયોલોજી ટૂલ્સનો ઉપયોગ વધારવો. ચોથુ, બીમારીઓથી બચવા માટે ડાયગ્નોસ્ટિક્, ટ્રીટમેન્ટ, વેક્સિનને પ્રોત્સાહન આપવું. પાંચમું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરીને દેશની મેડિકલ કોલેજો અને હેલ્થ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સમાં રિસર્ચના કલ્ચરને વિકસિત કરવું.

કઈ-કઈ બીમારીઓ પર સંશોધન?

ICMRનાં દેશભરમાં 21 પર્મનન્ટ સંશોધન કેન્દ્ર છે. અહીં કેટલીક સંક્રમક બીમારીઓ પર સંસોધન થાય છે, જેમ કે કોરોના વાઇરસ, રોટા વાઇરસ, ડેન્ગ્યુ, ઇબોલા, ઇન્ફ્લુએન્ઝા, જાપાની ઇન્સેફેલાઇટિસ, એઇડ્સ, મલેરિયા અને કાલાજાર વગેરે…ICMRમાં ટીબી, કોઢ, કોલેરા અને ડાયેરિયા જેવી બીમારીઓ પર પણ સંશોધન થયાં છે.  આ સિવાય ICMR ન્યુટ્રિશન, ફૂડ એન્ડ ડ્રગ ટોક્સિકોલોજી, ઓન્કોલોજી તથા મેડિકલ સ્ટેટિક્સ પર પણ સંસ્થા કામ કરે છે. આના છ મેડિકલ રિસર્ચ સેન્ટર્સ સ્થાનિક આરોગ્ય સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

કોવિડ-19થી કેવી રીતે લડી રહ્યું છે ICMR?

કોરોના વાઇરસની સામેના જંગમાં ICMRની મોટી ભૂમિકા છે. દેશમાં ટેસ્ટિંગ માટે લેબ્સને મંજૂરી ICMR જ આપે છે. ટેસ્ટિંગ, આઇસોલેશન-ક્વોરોન્ટાઇન અને પેશન્ટ મોનિટરિંગથી જોડાયેલી બધી ગીઇડલાઇન્સ ICMR જ જારી કરે છે. દર્દીઓના ડેટાને આધારે ICMR વિવિધ અહેવાલ તૈયાર કરે છે. કોવિડ-19થી જોડાયેલી ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં પણ ICMRના સૂચન મહત્ત્વનૂ ભૂમિકા ભજવે છે. આ સંસ્થા કોવિડ-19 પરની એન્ટિ ડોટૃ વેક્સિન માટે સંશોધન કરી રહ્યા છે

 

દેશના 61 જિલ્લામાં પાછલા 28 દિવસોમાં કોઈ નવો કેસ નથી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસથી લડવા માટે અને લોકડાઉન દરમ્યાનની સ્થિતિઓ પર નિયંત્રણ માટે આરોગ્ય અને ગૃહ મંત્રાલયે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે દેશના 61 જિલ્લાઓમાં પાછલા 14 દિવસોમાં કોરોના વાઇરસનો કોઈ નવો કેસ નથી આવ્યો. આ ઉપરાંત ત્રણ જિલ્લાઓમાં પાછલા 28 દિવસોમાં કોઈ નવો કેસ સામે નથી આવ્યો, એમાંથી એક નવો જિલ્લો રાજસ્થાનનો પ્રતાપગઢ સામેલ થયો છે. તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી દેશભરમાં કુલ 18,601 કેસો સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,336 નવા કેસ સામે આવ્યા છે. કાલે એક જ દિવસમાં 705 લોકો ઠીક થયા હતા. અત્યાર સુધી કુલ 3,252 લોકો ઠીક થઈ ચૂક્યા છે. ICMRના ડો. રમન ગંગાખેડકરે કહ્યું હતું કે રાજ્યોને બે દિવસ માટે રેપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ નહીં કરવા માટે સલાહ આપવામાં આવી છે. પરિણામોમાં બહુ અલગ આવી રહ્યાં છે, જેથી ઓન ગ્રાઉન્ડ ટીમો દ્વારા કિટ પરીક્ષણ પછી બે દિવસમાં એડવાઇઝરી જારી કરવામાં આવશે.

ગઈ કાલે 35,852 સેમ્પલોનો ટેસ્ટ કરાયો

તેમણે કહ્યું હતું કે 4,49,810 સેમ્પલોનો અત્યાર સુધી ટેસ્ટ કરવામાં આવ્યો છે. ગઈ કાલે 35,852 સેમ્પલોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો., જેમાંથી 29,77 નમૂનાનો ટેસ્ટ 201 ICMR નેટવર્ક લેબમાં અને બાકીનાં 6,076 સેમ્પલોનો ટેસ્ટ 86 ખાનગી લેબોરેટરીઓમાં કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ એક નવી બીમારી પાછલા સાડા ત્રણ મહિનામાં વિજ્ઞાને વિકાસ કર્યો છે અને અમે PCR ટેસ્ટ પણ શરૂ કર્યાં છે. પાંચ રસી માનવ પરીક્ષણ તબક્કામાં ચાલી રહ્યા છે. આ પહેલાં કોઈ અન્ય બીમારીના કેસોમાં નથી થયું.

 

જીન ડાઈચઃ ‘ટોમ એન્ડ જેરી’ જેવા રમૂજી પાત્રોનાં સર્જક, કડક મિજાજી હતા

80-90ના દાયકાના બાળકોને ખૂબ હસાવનાર અને એમનું બાળપણ મોજ-મસ્તીભર્યું બનાવનાર ‘ટોમ એન્ડ જેરી’, ‘પોપાય – ધ સેલરમેન’ જેવા કાર્ટૂન ફિલ્મ પાત્રોના સર્જક જીન ડાઈચના નિધનના સમાચારે એનિમેશન, કળા જગતમાં શોક ફેલાવી દીધો. જીન ડાઈચ 95 વર્ષના હતા. ચેક પ્રજાસત્તાકના પ્રાગ શહેરમાં એમના નિવાસસ્થાને તેઓ મૃત્યુ પામ્યા.

ઓસ્કર એવોર્ડ વિજેતા ઈલસ્ટ્રેટર ડાઈચે 1961-1962માં એમજીએમ કંપની માટે ‘ટોમ એન્ડ જેરી’ કાર્ટૂન ફિલ્મના 13 એપિસોડનું દિગ્દર્શન કર્યું હતું. ત્યારબાદ એમણે કિંગ ફિચર્સ કંપની માટે ‘પોપાય’ ફિલ્મના કેટલાક એપિસોડ તૈયાર કર્યા હતા.

એમને ઓસ્કર એવોર્ડ મળ્યો હતો 1961માં, એનિમેટેડ શોર્ટ ફિલ્મ ‘મુનરો’ માટે. એ ફિલ્મ અમેરિકાની બહાર બનાવવામાં આવી હતી.

જીન ડાઈચે એનિમેટેડ ફીચર ફિલ્મ ‘એલિસ ઓફ વન્ડરલેન્ડ ઈન પેરિસ’ પણ બનાવી હતી.

એનિમેશન ક્ષેત્રમાં પ્રદાન કરવા બદલ એમને 2003માં Winsor McCay Award એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

દુનિયાભરનાં લોકોને પોતાના કાર્ટૂન પાત્રો વડે ઘેલાં કરી દેનાર જીન ડાઈચનો જન્મ અમેરિકાના શિકાગોમાં થયો હતો. સ્વભાવના એ કડક હતા, પણ રમૂજ-વ્યંગની ટેલેન્ટ એમના મગજમાં કુદરતે ઠાંસીઠાંસીને ભરી હતી.

દિગ્દર્શક બન્યા એ પહેલાં તેઓ અમેરિકી સેનામાં હતા. એમાં તે પાઈલટોને ટ્રેનિંગ આપતા હતા અને સેના માટે ડ્રાફ્ટમેન તરીકે કામગીરી બજાવતા હતા, પણ નબળા આરોગ્યને કારણે એમને 1944માં સેનામાંથી હટાવી દેવામાં આવ્યા હતા.

તે પછી એમણે કાર્ટૂન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કાર્ટૂનો ચિતરવા એ તેમનો બાળપણનો શોખ હતો. સેનામાંથી છૂટા કરી દેવાયા બાદ એમણે એનિમેશન પર પોતાનો હાથ અજમાવ્યો અને દુનિયાને આપી ‘ટોમ એન્ડ જેરી’ જેવી સુપરહિટ કાર્ટૂન ફિલ્મ.

90ના દાયકામાં દુનિયામાં ભાગ્યે જ એવા કોઈ બાળકો હશે જેમણે ‘ટોમ એન્ડ જેરી’ કાર્ટૂન સિરીઝ જોવાનું મિસ કર્યું હશે.

એ ફિલ્મ, બિલાડી (ટોમ) અને ઉંદર (જેરી) વચ્ચે પ્રેમ અને નફરતના સુંદર સંબંધ પર આધારિત છે.

આ ફિલ્મ ડાયલોગ વગરની અને માત્ર સંગીત પર જ ચાલે છે. છતાં જોનારને ખૂબ હસાવે, આનંદ અપાવે.

ટોમ અને જેરીની લડાઈમાં ઉપજતી રમૂજ જોવાનું કોઈ બાળક તો ઠીક પણ મોટેરાં પણ ન ચૂકે. બેઉ પાત્ર એકબીજાના જાની દુશ્મન, તે છતાં બંને વચ્ચે પ્યાર પણ એટલો જ. બંને જણ ભલે એકબીજાને સહન ન કરી શકે, તે છતાં એકબીજા સાથે લડ્યા વગર પણ બંનેને ચેન ન પડે.

પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈને રાહુલના સરકાર પર પ્રહાર

નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન તાક્યું છે. આ વખતે રાહુલ ગાંધીએ પેટ્રોલ ડીઝલની કિંમતોને લઈને મોદી સરકાર પર હુમલો કર્યો છે.

રાહુલ ગાંધીએ એક સમાચારને શેર કરતા ટ્વીટ કર્યું કે, વિશ્વમાં ક્રૂડ ઓઈલની કિંમતો આશ્ચયજનક રીતે ઘટી રહી છે છતાં આપણા દેશમાં પેટ્રોલ 69 રૂપિયા પ્રતિ લિટર કેમ છે? આ આપત્તિમાં જો કિંમતો ઘટે તો સારુ, કયારે સાંભળશે આ સરકાર?

તો બીજી તરફ કોરોના સંકટ વચ્ચે સરકારના એક નિર્ણયથી વિવાદ શરુ થઈ ગયો છે, સરકારે ગોડાઉનોમાં રહેલા ચોખાનો વધારાનો જથ્થાનો ઉપયોગ હેન્ડ સેનિટાઈઝરની આપૂર્તિ માટે જરૂરી ઈથેનોલ બનાવવા માટે કરવાનો નિર્ણય કર્યો છે. જેના પર રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું કે, ભારતના ગરીબો કયારે જાગશે? તમે ભૂખે મરી રહ્યા છો અને તે તમારા ભાગના ચોખાથી સેનેટાઈઝર બનાવીને અમીરોના હાથની સફાઈમાં લાગેલા છે.

જરૂરીયાત વગર સહાય મેળવતા પહેલા આ વાંચી જજો…

અમદાવાદ: આપદાના આ સમયમાં કોઈ પણ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિ- પરિવાર ભુખ્યુ ન રહે તે માટે વહીવટી તંત્ર સંવેદનશીલતાપૂર્વક કામ બજાવી રહ્યું છે. જરૂરિયાતમંદ લોકોને ભોજન-રહેઠાણ-મેડિકલ સારવાર એમ બહુઆયામી સુવિધાઓ અપાઈ રહી છે, પણ કેટલાક સાધન સંપન્ન પરિવારો પણ તંત્ર પાસેથી આવો લાભ લેવાની માનસિકતા રાખતા હોય છે. આવા લોકો સામે તંત્રએ લાલ આંખ બતાવી છે.

આ કિસ્સાની વિગત એવી છે કે, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા દિપકભાઈ શાહ તથા તેમના પત્ની કિરણબેન શાહે ૧૭/૦૪/૨૦૨૦ના રોજ કલેકટર કચેરીના કંટ્રોલરૂમમાં રજૂઆત કરી ઘરે જમવાનું નથી તેવી લેખિત નોંધ કરાવી હતી. સંવેદનશીલ તંત્રએ તરત જ વેજલપુર સીટી મામલતદાર કચેરીને સત્વરે ફુડ પેકેટ/ભોજન/રાશન કીટ આપવા સૂચના આપી હતી.

જો કે આ કીટ આપવા પહોંચેલી ટીમે પૂછ્પરછ કરતા જાણવા મળ્યું હતું કે, કિરણબહેન તો નિવૃત શિક્ષિકા છે. તેમનો પુત્ર હાલ ચેન્નાઈ ખાતે સારા પગારની નોકરી કરે છે અને તેઓ જે માલિકીના ફ્લેટમાં રહે છે તેની બજાર કિંમત આશરે રૂપિયા ૧ કરોડ હોવાનું જણાયું હતું. વધુમાં તેઓને એપીએલ-૧ કાર્ડ ઉપર એક-બે દિવસ પહેલા જ મફત અનાજનો જથ્થો પણ મળ્યો હતો. એટલું જ નહી, તેમના રસોડામાં અનાજ, કઠોળ, તેલ, મસાલાનો પૂરતો પુરવઠો પણ ઉપલબ્ધ હતો!


આ અંગેની વિગતો આપતા પશ્ચિમ વિસ્તારના ડેપ્યુટી કલેક્ટર જે.બી.દેસાઈએ જણાવ્યું હતું કે, હાલના આપત્તિ (DISASTER) ના સમયમાં બહાર પડાયેલા જાહેરનામા અંતર્ગત કોઈપણ ઈસમ રાહત, સહાય તેમજ આપત્તિ સંબંધી બીજા લાભો મેળવવા માટે જાણીજોઈને તે દાવો ખોટો હોવાનું જાણવા છતા તેવો દાવો કરે તો તે The Disaster Management Act-2005 કલમ-૫૨ હેઠળ ૨ (બે) વર્ષની કેદની શિક્ષા અને દંડની શિક્ષાને પાત્ર તથા ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૪૨૦ હેઠળ છેતરપિંડી, ઠગાઈનો ૭ (સાત) વર્ષની કેદ અને દંડની શિક્ષાને પાત્ર ફોજદારી ગુનો બને છે.

આ દંપતીને પણ આ અંગર્ગત નોટીસ આપવામાં આવી છે.

લોનાવલામાં ખેતરમાં કામ કરવાનો આનંદ માણે છે ધર્મેન્દ્ર…

હાલ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે દેશભરમાં લોકડાઉન છે અને સામાન્ય લોકો તેમજ સેલિબ્રિટી વ્યક્તિઓ ઘરમાં બંધ છે, તમામ વ્યાપાર-ધંધાકીય પ્રવૃત્તિઓ બંધ છે ત્યારે બોલીવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈ નજીકના લોનાવલામાં એમના ખેતરમાં કેળાની ખેતી કરવાના કામમાં વ્યસ્ત રહેવામાં આનંદ માણે છે.

84-વર્ષીય ધર્મેન્દ્રએ પોતાનો વિડિયો ટ્વિટર પર શેર કર્યો છે. એમણે કહ્યું કે પોતે એમના ખેતરમાં ચીકૂ અને નાળિયેર જેવા અન્ય ફળ પણ ઉગાડે છે.

ધર્મેન્દ્રએ ટ્વીટ કરીને કહ્યું કે ખેતી કરવાથી મને થોડીઘણી કસરત પણ થઈ જાય છે.

લોકડાઉન વચ્ચે રાજ્ય સરકારે લીધા આ મહત્વના નિર્ણયો

ગાંધીનગર: કોરોના વાઈરસને પગલે ચાલી રહેલા લોકડાઉન વચ્ચે રાજ્યસરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. જે હેઠળ રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના મહત્વાકાંક્ષી અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી ત્રીજો તબક્કો તા. ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન-ર૦ર૦ દરમ્યાન પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે.

આ હેતુસર રૂ. ૪૧૪ કરોડના ખર્ચે ૧૪,૬૯૪ કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામોમાં મુખ્યત્વે જળસંચયના કામો, મનરેગા અંતર્ગત તેમજ લોકભાગીદારીથી હાથ ધરાશે. લોકભાગીદારીથી હાથ ધરાનારા કામોમાં સરકારનો ફાળો ૬૦ ટકા રહેશે. આ કામોમાં પ્રવર્તમાન કોવિડ-૧૯ કોરોના વાયરસ સંદર્ભે સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ, માર્ગદર્શિકાઓ તેમજ ભવિષ્યમાં પણ આ અંગે અપાનારી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. સુજલામ સુફલામ જળ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો, ખેડૂતોના ખેતરમાં તેમજ જાહેર કામોમાં કરવામાં આવશે.

રાજ્યના ઘઉં પકવતા ખેડૂતોના હિતમાં અન્ય એક નિર્ણય લઇને રવિ સિઝન ર૦ર૦-ર૧માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી ર૭ એપ્રિલથી ૩૦ મી મે-ર૦ર૦ સુધી ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે કરવાની જાહેરાત કરી છે. ઘઉંનું ખરીદી માટેનું રજિસ્ટ્રેશન ર૭ એપ્રિલથી ૧૦ મે-ર૦ર૦ સુધી કરાવવાનું રહેશે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આવા ર૭૮૦૦ ઊદ્યોગ એકમો શરૂ કરવાની પરવાનગીઓ અપાઇ છે અને અંદાજે ૧ લાખ ૮૦ હજાર શ્રમિકો કામદારો આવા ઊદ્યોગોમાં રોજગાર મેળવતા થયા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે મંગળવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ટેલિફોનિક સંપર્ક કરીને ગુજરાતના વેરાવળમાં પ્રવર્તમાન સ્થિતીમાં ફસાયેલા આંધ્રપ્રદેશના માછીમારો અંગે વાતચીત કરી હતી. ગુજરાત સરકાર દ્વારા આંધ્રપ્રદેશના આ માછીમારો માટે રહેવા-જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને તેમની સલામતિ-આરોગ્યની ચિંતા રાજ્ય સરકારે કરી છે. એટલું જ નહિ, હવે સમુદ્રમાં માછીમારી માટે જવાની છૂટ રાજ્ય-કેન્દ્ર સરકારે આપેલી છે ત્યારે આ માછીમારો વેરાવળના દરિયામાં માછીમારી પ્રવૃત્તિ માટે પણ જાય છે.