નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં સ્થિતિ ખરાબ છે. કેટલાય મોરચે પડકારો મોટા છે. એક બાજુ જ્યાં બીમારીથી બચવા માટે ઘરમાં બંધ છે તો બીજી કરફ બધુ બંધ હોવાના કારણે સ્થિતિ ખરાબ છે. આ બધાથી અલગ કેટલાક કેસોમાં ભાઈચારો ખરાબ થઈ રહ્યો છે. ડોક્ટર્સ પર હુમલો, પોલીસ પર હુમલો અને દુકાનદારો પર હુમલાના કારણે માહોલ બગડી રહ્યો છે. આ બગડતી સ્થિતિ પર બોલીવુડ સેલેબ્સ સતત લોકોને ભાઈચારો બનાવી રાખવા માટે અપીલ કરી રહ્યા છે. લેખક અને ફિલ્મમેકર જાવેદ અખ્તરે પણ એક વીડિયો દ્વારા લોકોને આ જ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે. હકીકતમાં તેમની પત્ની શબાના આઝમીએ પોતાના ઓફિશીયલ ટ્વીટર અકાઉન્ટથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. આમાં જાવેદ લોકોને એકજૂટ રહેવાની અપીલ કરી રહ્યા છે.
જાવેદે આ વીડિયોમાં કહ્યું છે કે, મિત્રો, દેશ અત્યારે એક મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે.જો આપણે એકબીજા પર શક કરવા લાગ્યા અને એક બીજાની નીયતને નહી સમજીએ તો જ્યારે એકતા જ નહી હોય તો કોરોનાના આ સંકટ સામે લડીશું કેવી રીતે? એકતાની ખૂબ જરુર છે. હું રોજ અજીબો-ગરીબ વાતો સાંભળું છું. સલામ કરો એ ડોક્ટર્સને, જે પોતાના જીવ હથેળી પર લઈને આપનો ટેસ્ટ લેવા આવી રહ્યા છે. ટેસ્ટથી જ તો ખ્યાલ આવશે કે તમારામાં બિમારી છે કે નહી. ટેસ્ટમાં જો આપ પોઝિટીવ આવશો તો આપની સારવાર કરવામાં આવશે. આ ખૂબ ખોટી વાત છે કે કેટલીય જગ્યાઓ પર તો ડોક્ટર્સને પથ્થર મારવામાં આવ્યા છે. આ તો ખૂબ મૂર્ખતાનું કામ છે અને આ ન થવું જોઈએ.
નવી દિલ્હીઃ ગ્લોબલ હેલ્થ એક્સપર્ટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કોવિડ-19 ની વેક્સિન તૈયાર ન થઈ જાય ત્યાં સુધી ટોક્યો ઓલમ્પિકનું આયોજન થવું અશક્ય છે. પ્રોફેસર દેવી શ્રીધરે કહ્યું કે, ઓલમ્પિકના સમય પર આયોજન માટે વેક્સિન તૈયાર થવી મહત્વપૂર્ણ છે કે જેથી ઓલમ્પિક 2021નું આયોજન થઈ શકે. જો કે તેમણે આ સાથે જ કહ્યું કે, એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે વેક્સિનની શોધ જલ્દી જ કરી લેવામાં આવશે.
શ્રીધરે જણાવ્યું કે, વૈજ્ઞાનિકો પાસેથી આપણે સાંભળી રહ્યું છે કે આ શક્ય થાય એવી શક્યતાઓ છે. મેં વિચાર્યું હતું કે એક-દોઢ વર્ષ લાગશે પરંતુ હવે લાગી રહ્યું છે કે આ વેક્સિન જલ્દી જ માર્કેટમાં આવી શકે છે.
તેમણે કહ્યું કે, જો આપણે આવતા વર્ષ સુધીમાં વેક્સિન પ્રાપ્ત કરી લેશું તો મને લાગે છે કે વાસ્તવમાં ઓલમ્પિક શક્ય છે. આ વેક્સિન ગેમ ચેન્જર, પ્રભાવી અને સસ્તા દર પર ઉપ્લબ્ધ થશે. જો આપણને સફળતા ન મળે તો મને નથી લાગતું કે આ ઓલમ્પિકનું આયોજન થવું અઘરું છે.
ટોક્યો ઓલમ્પિકનું આયોજન આ વર્ષે 24 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી થવાનું હતું પરંંતુ કોરોના વાયરસના કારણે આને આવતા વર્ષ સુધી ટાળી દેવામાં આવી છે અને આવતા વર્ષે 23 જુલાઈથી 8 ઓગસ્ટ વચ્ચે કરવાનું આયોજન છે.
વૈશ્વિક અર્થતંત્ર માટે ‘એક બાજુ ખાઈ અને બીજી બાજુ કૂવો’ની સ્થિતિ છે. કામકાજ ચાલુ રાખીએ તો કોરોનાના દરદીઓ ઘણા મોટા પ્રમાણમાં વધી જાય અને લોકડાઉન રાખીએ તો અર્થતંત્ર વધુ માંદું બને. આવી સ્થિતિમાં જનતા પર બમણો બોજ આવી રહ્યો છે. એક બાજુ આરોગ્યની અને બીજી બાજુ આર્થિક સ્થિતિની ચિંતા પ્રવર્તે છે. આવા વાતાવરણમાં યોગ્ય આર્થિક આયોજન ઘણું ઉપયોગી થતું જોવા મળ્યું છે. જેમની પાસે આયોજન ન હતું તેઓ બધા મુશ્કેલીમાં આવી ગયા છે.
આવા વખતમાં કહેવાય છે કે જેની પાસે કૅશ છે એ કિંગ છે. અત્યારે શેરબજારમાં ધીમેધીમે સુધારો થતો જણાય છે. આજની તારીખે પણ ઘણા સ્ટૉક્સના ભાવ આકર્ષક હોવાથી રોકાણકારોને ખરીદી કરવની તક દેખાઈ રહી છે. સમય બદલાયો છે. એક સમયે લોકો કટોકટીના આવા વખતે શેરબજારમાં પ્રવેશ કરતાં ડરતા હતા. હવે એક અહેવાલ અનુસાર ગત ઑક્ટોબર-ડિસેમ્બરના ગાળાની તુલનાએ જાન્યુઆરીથી માર્ચના ગાળામાં નવાં ડિમેટ અકાઉન્ટની સંખ્યામાં 35 ટકાનો ઉછાળો આવ્યો છે. આંકડાઓ દર્શાવે છે કે લોકોના વિચારો બદલાઈ ગયા છે.
છેલ્લા થોડા વખતમાં નિફ્ટી 7,610ની 8 એપ્રિલ, 2016 પછીની નીચામાં નીચી સપાટીએ પહોંચ્યો હતો. એ જ રીતે સેન્સેક્સ પણ 26 ડિસેમ્બર, 2016 પછી પહેલી વાર 25,981ની નિમ્નતમ સપાટીએ પહોંચ્યો હતો. ઈતિહાસ સાક્ષી છે કે શેરબજારમાં ઘણી વાર કડાકા-ભડાકા થયા છે, પરંતુ બજાર કડડભૂસ થયાનાં ત્રણથી પાંચ વર્ષના ગાળામાં ઘણું વધી જતું જોવાયું છે.
અત્યારે ઈક્વિટીમાં રોકાણ કરવાનું આકર્ષક લાગે એ સ્વાભાવિક છે, પરંતુ પૂરતું હોમવર્ક કર્યા વગર કૂદવું નહીં. કોઈ પણ રોકાણ લક્ષ્ય આધારિત હોવું જોઈએ. જો લાંબા સમય સુધી રોકાણ યથાવત્ રાખવાની તૈયારી હોય તો જ ઈક્વિટી માર્કેટમાં પ્રવેશ કરવો.
જો તમે ઈક્વિટીમાં જાતે અથવા મ્યુચ્યુઅલ ફંડ મારફતે કરેલું રોકાણ તમારા નાણાકીય લક્ષ્યને અનુરૂપ હોય તો અધવચ્ચેથી એ રોકાણ કાઢી મૂકવાની ઉતાવળ કરવી નહીં. એમ કરવાથી મોટું નુકસાન થઈ શકે છે.
અત્યારે ક્લાયન્ટ્સ ફોન કરીને પૂછી રહ્યા છે કે તેમણે હાલ ઈક્વિટીની ખરીદી કરવી કે નહીં. એમને જણાવવાનું કે શેરબજારની ભાવચંચળતા ટૂંકા ગાળામાં ચિંતાપ્રેરક હોય છે, પરંતુ લાંબા ગાળાના રોકાણકારો એની ચિંતા કરતા નથી.
આથી જ ઈક્વિટીમાં રોકાણ લાંબા ગાળાનું જ હોવું જોઈએ. અત્યારે બજાર થોડું વધી રહ્યું છે એ જોઈને મોટાપાયે રોકાણ કરવાની ઉતાવળ કરાય નહીં. બજારમાં એક સાથે રોકાણ કરવાને બદલે નિયમિત સમયાંતરે થોડું-થોડું રોકાણ કરતાં જવું.
અત્યારે ઘરે બેસીને દૂરદર્શન પર રામાયણ જોનારના ગળે સહેલાઈથી ઉતરી એક વાત કહું છું. સંજીવની જડીબુટ્ટી કઈ છે એની જાણ નહીં હોવાથી હનુમાનજી આખો પર્વત ઉંચકીને લઈ આવે છે. આ જ રીતે જેમને કયો સ્ટૉક ખરીદવો એ સમજ પડતી ન હોય એમના માટે ઇન્ડેક્સ ફંડ ઉપયુક્ત કહી શકાય. આવાં ફંડ શેરબજારમાં ખરીદી કરવા માટે નિફ્ટી કે સેન્સેક્સ જેવા બેન્ચમાર્કનું જ અનુકરણ કરતાં હોય છે. ફંડ મૅનેજરો એમાં સક્રિય નિર્ણય લેતા નહીં હોવાથી નિર્ણય લેવામાં રહેલી માનવીય ભૂલોને નિવારી શકાય છે.
વળી, એનાથી પોર્ટફોલિયોનું જાતે જ ડાઇવર્સિફિકેશન થઈ જાય છે, કારણ કે ઇન્ડેક્સમાં બધાં જ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોના સ્ટૉક્સનું પ્રતિનિધિત્વ હોય છે. ઉપરાંત, ઇન્ડેક્સ ફંડના સંચાલનનો ખર્ચ પણ ઓછો લાગતો હોય છે.
આથી કહેવાનું કે વર્તમાન સંજોગોમાં સક્રિય રીતે સંચાલિત ફંડને બદલે ઇન્ડેક્સ ફંડ પર પસંદગીનો કળશ ઢોળી શકાય. અને ફરી એક વખત કહેવાનું કે ઈક્વિટીમાં રોકાણ લાંબા ગાળા સુધી રાખી મૂકવાની તૈયારી હોવી જરૂરી છે.
નવી દિલ્હીઃ કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપતાં કહ્યું છે કે તેઓ બધા કોરોના વાઇરસ રોગચાળાથી લડવા માટે કરવામાં આવેલા લોકડાઉન માર્ગદર્શિકાનું સખતાઈથી પાલન કરે અને એનું ક્યાંય પણ ઉલ્લંઘન ના થાય એનું ધ્યાન રાખે. રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોથી વાતચીતમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું હતું કે કેટલાંક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા આદેશ જારી કરી રહ્યા છે કે જે ડિઝેસ્ટર મેનેજમેન્ટ, 2005 હેઠળ ગૃહ મંત્રાલય દ્વારા દિશા-નિર્દેશો અનુસારના નથી. કેરળે આજથી વધુ છૂટછાટો જાહેર કરતાં ગૃહ મંત્રાલયે કેરળને આડે હાથ લીધું હતું.
કેરળે લોકોને વધુ છૂટછાટ આપતાં ગૃહ મંત્રાલયે વાંધો ઉઠાવ્યો
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ બધા મુખ્ય સચિવોને એક પત્ર લખ્યો છે અને કેરળના મુખ્ય સચિવને એક અલગ પ્રત્ર મોકલ્યો છે, જેમાં કોઈ પણ પ્રકારથી લોકડાઉનના દિશા-નિર્દેશોને ઓછાં નહીં કરવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા આ સખત નિર્દેશ કેરળમાં લોકડાઉન ગાઇડલાઇનમાં વધારાની છૂટ આપ્યા પછી આવ્યા છે. કેરળમાં લોકડાઉન છતાં સરકાર દ્વારા આજથી વધારાની છૂટ આપવામાં આવતાં ગૃહ મંત્રાલયે વાંધો ઉઠાવ્યો હતો.
કેરળને ફટકાર લગાવતાં ગાઇડલાઇન વધુ સખતાઈથી પાલન કરવા નિર્દેશ
ગૃહ સચિવ અજય ભલ્લાએ કેરળના મુખ્ય સચિવને અલગછી એક પત્ર લખીને ગાઇડલાઇન્સમાં વધુ છૂટછાટ આપવામાં આવતાં ફટકાર લગાવી હતી. કેન્દ્રની ગાઇડલાઇન્સે વધુ છૂટ આપવાનો રાજ્ય સરકારને હક નથી, કેન્દ્રીય ગાઇડલાઇનનું સખતાઈથી પાલન થવું જોઈએ.
કેરળે લોકડાઉનનું કર્યું ઉલ્લંઘન
ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે કેરળમાં રેસ્ટોરાં ખોલવા, પુસ્કોની દુકાનો ખોલવા માટેની છૂટનો નિર્ણય લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન છે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં બસ પ્રવાસની મંજૂરી, ટૂ વ્હીલર પર બે જણની સવારી, કારની પાછલી સીટ પર બે પ્રવાસીઓને બેસવાની મંજૂરી આપવાને ગૃહ મંત્રાલયે લોકડાઉનનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
કેરળની ગાઇડલાઇન્સ વિશે સ્પષ્ટતા
કેન્દ્ર સરકારની ફટકાર પછી કેરળના પ્રધાન કડકમ્પલ્લી સુરેન્દ્રએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે અમે કેન્દ્ર સ્વારા જારી કરવામાં આવેલા દિશા-નિર્દેશોનું પાલન કરતાં આ છૂટ આપી છે. કેટલીક ગેરસમજને કારણે કેન્દ્રએ આ સ્પષ્ટીકરણ માગ્યું છે. એક વાર અમે સ્પષ્ટીકરણ આપી દઈશું એટલે મને આશા છે કે સમસ્યા હલ થશે. તેમણે કહ્યું હતું કે અમે કેન્દ્ર દ્વારા નિર્ધારિત બધા માપદંડોનું પાલન કર્યું છે.
કેરળમાં લોકડાઉન પ્રતિબંધોને હળવા કર્યા
કેરળમાં કેટલાય વિસ્તારોમાં લોકડાઉન પ્રતિબંધોને હળવા કરી દીધા છે. કેરળે રાજ્યમાં બાર્બર શોપ, રેસ્ટોરાં અનમે બુક સ્ટોર પણ ખોલવા આદેશ કર્યા છે. આ સિવાય નાના અંતરે શહેરો અને ગામડાંઓમાં બસ પ્રવાસને પણ મંજૂરી આપી દીધી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને ખતમ કરવા માટે વૈજ્ઞાનિકો હજી વેક્સિન શોધી રહ્યા છે. ત્યારે એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. બેલ્જિયમના કેટલાક વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે અમેરિકામાં મળી આવતી ઉંટની એક પ્રજાતિના લોહીમાંથી કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરી શકાય છે.
વિલામ્સ ઈન્સ્ટિટ્યૂટ ફોર બાયોટેક્નોલોજીના સંશોધકોએ દાવો કર્યો છે કે લામાના લોહીથી કોરોના વાયરસના કહેરને બેઅસર કરી શકાય છે. કોવિડ-19 ના ફેમિલી વાયરસ MERS અને SARS ના કેસોમાં પણ લામાના લોહીમાં ઉપ્લબ્ધ એન્ટીબોડી પ્રભાવી સાબિત થયા છે.
જો કે, તે શોધ એચઆઈવીના રિસર્ચનો એક ભાગ હતી. સંશોધકોનું કહેવું છે કે, લામાના એન્ટીબોડીઝ માણોસોના એન્ટીબોડીઝની તુલનામાં ખૂબ નાના હોય છે. નાના એન્ટીબોડીઝ હોવાના કારણે વાયરોલોજિસ્ટ લોહીમાં ઉપ્લબ્ધ અણુઓની મદદ લઈને કોવિડ-19 વિરુદ્ધ વેક્સિન અથવા ડ્રગ બનાવી શકે છે. વિજ્ઞાનની ભાષામાં આને નેનોબોડી ટેક્લોનોજી કહે છે.
નાના એન્ટીબોડીઝ હોવાના કારણે વાયરોલોજિસ્ટ લોહીમાં ઉપસ્થિત નાના અણુઓની મદદ લઈને કોવિડ-19 વિરુદ્ધ વેક્સિન અથવા ડ્રગ બનાવી શકે છે. વિજ્ઞાનની ભાષામાં આને નેનોબોડી ટેક્નોલોજી કહેવામાં આવે છે.
દક્ષિણ કોરિયામાં થયેલા એક અન્ય રિસર્ચ અનુસાર, કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં નોળીયાની એક પ્રજાતિને પણ ઉપયોગમાં લઈ શકાય છે. એક રિપોર્ટ અનુસાર, નોળીયાની પ્રજાતિ પર કોવિડ-19 ની અસર બીલકુલ માણસે જોવી જ દેખાય છે. એટલા માટે કોરોનાની એન્ટી વાયરસ ડ્રગ તૈયાર કરવામાં આની ખૂબ મદદ લઈ શકાય તેમ છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના અત્યારસુધીમાં આખી દુનિયામાં 24,00,000 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આમાંથી દોઢ લાખથી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યારસુધી આશરે 40,000 જેટલા લોકોના મોત આ વાયરસના કારણે થયા છે. આનાથી ઈટલી, સ્પેન, ફ્રાંસ અને બ્રિટનમાં લોકોના સૌથી વધારે જીવ ગયા છે.
સુરેન્દ્રનગર: ગુજરાતમાં કોરોનાના કહેરથી લોકોને રક્ષવા અને કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે રાજય સરકારની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના કર્મયોગીઓ પણ, ખાસ કરીને મહિલા કર્મયોગીઓ પણ ખભે ખભા મિલાવી કાર્ય કરી રહયા છે.
આવા જ એક મહિલા કર્મયોગી છે અનિતાબેન શ્રીમાળી. સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા પીએચસીમાં આવતા મોટી મજેઠી સબ સેન્ટર ખાતે મહિલા હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા અનિતાબેન સગર્ભા છે, તેમ છતાં પણ તેઓએ મેટરનીટી લીવ ન લઇને તેમની ફરજને અગ્રીમતા આપી કોરોના સામેની લડાઈમાં આરોગ્ય સૈનિક તરીકેની પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી રહયાં છે.
અનિતાબેને પોતાની કામગીરી બાબતે જણાવ્યું હતુ કે, રાષ્ટ્ર ઉપર આવી પડેલા કોરોના રૂપી સંકટની ઘડીમાં આરોગ્ય કર્મી તરીકે હું ઘરે કેવી રીતે બેસી શકુ ? હું ફરજના ભાગરૂપે મારા કાર્ય વિસ્તારની સગર્ભા બહેનોની તપાસ સહિતની તમામ કામગીરીની સાથે કોરોના મહામારી સંદર્ભે આરોગ્ય વિભાગની કામગીરી અને ગ્રામજનોને લોકડાઉનનું ચૂસ્તપણે પાલન પણ કરાવું છું.
આવી વિપરીત પરિસ્થિતિમાં ફરજ બજાવી રહેલા બીજા મહિલા કર્મયોગી છે, લતાબેન જાદવ. સુરેન્દ્રનગર ખાતે તેમના પતિ અને ૩ વર્ષના નાના બાળક સાથે રહેતા લતાબેન જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. એક મહિલા તરીકે પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લતાબેન લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો ઘરની બહાર ન નિકળે તે માટેના જાહેરનામાનું કડકાઈથી પાલન કરાવવાની સાથે જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ બની તેમનામાં રહેલી ઋજુતાના દર્શન કરાવ્યા હતા.
વાત એવી હતી કે, લતાબેન તેમની ડયુટી બજાવી રહયાં હતા. લોકડાઉનના કારણે વાહન વ્યવહાર બંધ હોવાથી રસ્તાઓ સુમસામ હતા. તેવા સમયે તેમણે જોયું કે એક આધેડ વયના બહેન ધીમે – ધીમે ચાલતા આવી રહયાં હતા. તેમના એક હાથમાં ટીફીન હતુ. લતાબેન તેમની પાસે ગયા અને પૂછપરછ કરતાં ખબર પડી કે, તે બહેન તેમની પુત્રવધૂને દવાખાને ટીફીન આપવા માટે જઈ રહયા હતા. આ સાંભળી લતાબેને તુરત જ તેમના સ્કૂટર ઉપર તેમને બેસાડીને દવાખાના સુધી મૂકવાની નૈતિક ફરજ અદા કરી હતી.
લતાબેને માત્ર આ આધેડ મહિલાની જ મદદ કરી છે એવું નથી. તેમની ફરજ દરમિયાન અત્યાર સુધીમાં તેઓ અનેક જરૂરીયાતવાળા લોકોને મદદરૂપ બન્યા છે. જે પૈકી સિતેરેક વર્ષના વૃધ્ધાને તેમની જરૂરીયાતના રાશનનો જથ્થો અપાવી તેમના ઘર સુધી પહોંચાડીને લોકડાઉનના કડક અમલની સાથે ગરીબ પરિવારો પ્રત્યેની તેમની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે.
લતાબેનના શબ્દોમાં કહીએ તો ‘‘ અત્યારની લોકડાઉનની પરિસ્થિતિમાં એક પોલીસ કર્મી તરીકેની અમારી જવાબદારી ઘણી બધી વધી જાય છે. મારે નાનું બાળક હોવાથી તેને મારા પતિ પાસે મૂકીને મારી ફરજ ઉપર જાઉ ત્યારે મન ભરીને બાળકને વ્હાલ કરી લઉ છું.’’
પાલઘર (મહારાષ્ટ્ર) – મુંબઈની પડોશમાં આવેલા પાલઘર જિલ્લાના ગડચિંચલે-ચૌકીપાડા ગામ ખાતે ગયા ગુરુવારે રાતે મોબ લિન્ચિંગના એક બનાવમાં બે નિહંગ સાધુ સહિત 3 જણની હત્યાની ઘટનામાં જે કોઈ સંડોવાયેલા હશે એ તમામ સામે પગલાં લેવામાં આવશે, એકેય આરોપીને છટકવા દેવામાં નહીં આવે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે.
રાજ્ય સરકારે 16 એપ્રિલની એ ઘટનાની ઉચ્ચ સ્તરે તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
ઠાકરેએ કહ્યું છે કે પાલઘરમાં બે સાધુ, એક ડ્રાઈવર અને એક પોલીસ જવાન પર હુમલાની ઘટનાના સંબંધમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે. આ અધમ ગુનામાં સંડોવાયેલા કોઈ પણ ગુનેગારને છટકવા દેવામાં નહીં આવે. એમની સામે શક્ય એટલા કડક પગલાં ભરવામાં આવશે.
મૃત્યુ પામેલાઓને ચિકણે મહારાજ કલ્પવૃક્ષગિરી (70), સુશીલગીરી મહારાજ (55) અને એમના કાર ડ્રાઈવર નિલેશ તેલગડે (30) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા છે.
ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું છે કે સાધુઓ, ડ્રાઈવરની હત્યાની ઘટનામાં ઉચ્ચ સ્તરે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
દેશમુખે આ ઘટનાને કોમી રૂપ આપવા સામે લોકોને ચેતવણી આપી છે.
દેશમુખે ટ્વીટમાં કહ્યું છે કે પાલઘરમાં મોબ હત્યામાં મૃત્યુ પામેલાઓ અને હુમલો કરનારાઓ જુદા જુદા ધર્મોના લોકો નહોતા. મેં મહારાષ્ટ્ર પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસના સાઈબર વિભાગને આદેશ આપ્યો છે કે આ ઘટના અંગે સોશિયલ મિડિયા પર કે સમાજમાં કોમી ઉશ્કેરણી ફેલાવનારાઓ સામે કડક પગલું ભરવું.
બંને સાધુ સુરત જતા હતા. એમની હત્યાના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 110 જણની ધરપકડ કરી છે.
બનાવની વિગત
આ બનાવ 16 એપ્રિલની રાતે બન્યો હતો. મુંબઈના કાંદિવલી ઉપનગરમાંથી 3 જણ કારમાં સુરત તરફ જવા નીકળ્યા હતા. તેઓ સુરતમાં અખાડાના કોઈક સાધુની અંતિમક્રિયામાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
એમની કારને પાલઘરના એક ગામ નજીક રોકવામાં આવી હતી. ત્રણેયને એમની કારમાંથી બહાર ખેંચી કાઢવામાં આવ્યા હતા અને મારપીટ કરવામાં આવી હતી. કહેવાય છે કે આ ત્રણેય જણને ચોર સમજીને લોકોના ટોળાએ એમની મારપીટ કરી હતી, જેને કારણે એમનું મૃત્યુ નિપજ્યું હતું.
સાધુઓની મારપીટનો વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે. એમાં જોઈ શકાય છે કે પોલીસ અધિકારીની હાજરીમાં જ લોકોના ટોળાએ વૃદ્ધ સાધુની નિર્દયતાપૂર્વક મારપીટ કરી હતી. વિડિયોમાં જોઈ શકાય છે કે એ સાધુ પોલીસનો હાથ પકડીને પોલીસ ચોકીમાંથી બહાર આવ્યા હતા, પણ બહાર નીકળીને પોલીસ અધિકારીએ જ સાધુને બહાર ઉભેલા લોકોના ટોળા તરફ ધકેલી દીધા હતા.
આ સાધુઓ નાશિક જિલ્લાના ત્ર્યંબકેશ્વરના દક્ષિણમુખી હનુમાન મંદિરના હતા. એમના મૃતદેહોને 18 એપ્રિલે મધરાતે ત્ર્યંબકેશ્વર ખાતે શોકાતુર વાતાવરણમાં સમાધી આપવામાં આવી હતી.
લોકડાઉન પછી તીવ્ર આંદોલનની મહારાષ્ટ્ર સરકારને ચેતવણી
દરમિયાન, આ બંને મહંતની હત્યાના તીવ્ર પ્રતિસાદ પડ્યા છે. અખિલ ભારતીય અખાડા પરિષદ સાથે સંકળાયેલા નાગા સાધુઓએ મહારાષ્ટ્ર સરકારને ચેતવણી આપી છે કે આ હત્યાના દોષીઓ પર કડક પગલાં લેવામાં આવે, નહીં તો લોકડાઉન હટી ગયા પછી તીવ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.
અમિત શાહ, યોગી આદિત્યનાથે ઠાકરે સાથે ફોન પર વાત કરી
દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પાલઘરમાં બે મહંતની હત્યાની ઘટના અંગે ઉદ્ધવ ઠાકરેને ફોન કર્યો હતો અને એ વિશે ચર્ચા કરી હતી. બંને નેતાએ ઠાકરેને કહ્યું હતું કે હત્યામાં સંડોવાયેલાઓ સામે કડક પગલાં ભરવા જોઈએ.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના પ્રકોપે આખા વિશ્વને પ્રભાવિત કર્યું છે. આ વાયરસને ફેલાતો રોકવા માટે, સ્વાસ્થ્ય અધિકારી લોકોને સામાજિક અંતર રાખવા માટે, હાથને સારી રીતે ધોવા માટે, સ્વચ્છતા રાખવા માટે અને ફેસ પર માસ્ક પહેરવા માે અને પોતાના હાથ તેમજ ચહેરાનેે ગંદા હાથોથી સ્પર્શ ન કરવા માટેની સલાહ આપતા હોય છે. જો કે દુનિયાભરમાં કેટલાક લોકો એવા છે કે જેમની પાસે કેટલાક તાત્કાલિક ઉપાયો છે. પાકિસ્તાન સરકારના એક મંત્રી ડો. ફિરદોસ આશિક અવાનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેમણે લોકોને અજીબો ગરીબ સલાહ આપી છે. તેમની આ સલાહને લઈને તેમની ખૂબ મજાક ઉડી રહી છે.
વીડિયોમાં ફિરદોસ કહે છે કે, તમારા પગને પણ પ્રોટેક્ટ કરવા જરુરી છે. માત્ર ચહેરાને જ પ્રોટેક્ટ કરશો તો વાયરસ નીચેથી આવશે એટલે કે પગથી ચહેરા સુધી આવશે. આપણ એક મેડિકલ સાયન્સ છે અને આપણે આના માટે સાથે મળીને કામ કરવાનું છે.
ટ્વીટર પર આ વીડિયોને 18 એપ્રીલના રોજ શેર કરવામાં આવ્યો છે કે જેને અત્યારસુધીમાં 80,000 થી વધારે લોકોએ જોયો છે. સાથે જ 4 હજારથી વધારે લાઈક્સ અને હજારથી વધારે રીટ્વીટ્સ થયા છે. ટ્વીટર પર લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
પાકિસ્તાનમાં કોરોના વાયરસ સંક્રમણના 869 નવા કેસ ગઈકાલે નોંધાયા બાદ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 8,348 જેટલી થઈ ગઈ છે. અધિકારીઓ દ્વારા આ જાણકારી શેર કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટ (89)નું નિધન થયું છે. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા. પાછલા મહિને દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)માં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.
તેમના પાર્થિવ શરીરને રસ્તા માર્ગે તેમના ઉત્તરાખંડ સ્થિત ગામમાં લઈ જવામાં આવી રહ્યું છે. ત્યાં તેમના અંતિમ સંસ્કાર આપવામાં આવશે. તેમને પેટમાં દર્દ અને શ્વાસ લેવામાં તકલીફને 12 માર્ચથી દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પિતા આનંદ સિંહ બિષ્ટ ફોરેસ્ટ વિભાગમાં રેન્જ અધિકારીના પદે નિવૃત્ત થયા પછી સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેતા હતા.
મુખ્ય પ્રધાન યોગીના પિતાએ ઉત્તરાખંડના યમકેશ્વર ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ લેવા માટે 1998માં ગુરુ ગોરખનાથ યુનિવર્સિટી શરૂ કરી હતી. આ સિવાય તેમણે અલગ રાજ્ય બનાવવા માટેના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. આનંદ સિંહ બિષ્ટના પરિવારમાં તેમનાં પત્ની, ત્રણ પુત્ર અને ચાર પુત્રી છે.
યુપીના એડિશનલ ચીફ સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના પિતાનું નિધન આજે સવારે નિધન થયું છે. અમે તેમના નિધન પર ઘેરો શોક પ્રગટ કરીએ છીએ.
અમદાવાદ: લોકડાઉનને અનુલક્ષીને અંતરિયાળ વિસ્તારો અને મોટી સોસાયટીઓ જ્યાં નજીકમાં કોઈપણ બેંકના એ.ટી.એમ. આવેલા નથી એમને આ સમયગાળામાં નાણા ઉપાડવાની સરળતા માટે એસ.બી.આઇ દ્વારા એક અભિનવ પહેલના રૂપમાં મોબાઈલ એ.ટી.એમ.વાહનની સુવિધા શરૂ કરવામાં આવી છે.
હમણાં વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે એનો આરંભ કરાવ્યો હતો. એસ.બી.આઇના ડી.જી.એમ. સરોજકુમાર પટનાયક અને એમની ટીમે આ આયોજન કર્યું છે.
જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે આ મોબાઇલ એટીએમ દૂર દરાઝના વિસ્તારોમાં ફરશે જેથી લોકોને નાણાં ઉપાડવાની સરળતા થશે. યાદ રહે કે એસ.બી.આઇ. એ અમદાવાદ પછી વડોદરામાં વાહનમાં ચાલતા ફરતા એ.ટી.એમ ની સુવિધા લોકોને ઉપલબ્ધ કરાવી છે.
પ્રત્યેક નાણાંકીય વ્યવહાર પછી આ એટીએમના કી બોર્ડને સેનેટાઈઝ કરવામાં આવશે. સંપૂર્ણ મોબાઈલ વાનને પણ તકેદારી રૂપે સમયાંતરે સેનેટાઇઝ કરાશે. આ એટીએમમાં અન્ય બેંકોના એટીએમ કાર્ડ પણ ચાલશે. એસ.બી.આઇ.ની યોનો કેશ સાથે જોડાયેલા ખાતેદારો કાર્ડ વગર નાણાં ઉપાડી શકશે.
ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો અને મોટી સોસાયટીઓ કે જેમની નજીકમાં એટીએમ નથી એને અગ્રતા આપવામાં આવશે. જ્યાં આ વાન થોભશે ત્યાં માઇક દ્વારા જાહેર સૂચના પણ આપવામાં આવશે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સાથે સંકલન હેઠળ સેવા અપાશે. હાલમાં એટીએમ વ્યવહાર માટે લાગતો ચાર્જ જતો કરવામાં આવ્યો છે એટલે અન્ય બેન્કોના ખાતેદારો પણ એસબીઆઈના એટીએમમાંથી ઉપાડ કરી શકશે.