Home Blog Page 4848

હવાઈ દળના હેલિકોપ્ટરનું તાકીદનું ઉતરાણ, બંને પાઈલટ સુરક્ષિત…

ભારતીય હવાઈ દળના હેલિકોપ્ટર ‘અપાચે’માં 17 એપ્રિલ, શુક્રવારે કોઈક ટેકનિકલ ખામી ઊભી થતાં પંજાબના હોશિયારપુર જિલ્લાના બધવાર ગામના એક ખેતરમાં એનું તાકીદનું ઉતરાણ કરવું પડ્યું હતું. સદ્દભાગ્યે એમાંના બંને પાઈલટ સુરક્ષિત છે. એટેક હેલિકોપ્ટર ‘અપાચે’ને અમેરિકામાંથી પ્રાપ્ત કરવામાં આવ્યું છે અને ગયા જ વર્ષે એને પઠાણકોટ એરબેઝમાં સામેલ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ લેફ્ટેનન્ટ અનુપ અને ફ્લાઈટ લેફ્ટેનન્ટ રજતે આજે સવારે પઠાણકોટ એરબેઝ ખાતેથી આ હેલિકોપ્ટરનું ઉડ્ડયન કર્યું હતું, પણ એમાં કોઈક ટેકનિકલ ખામી ઊભી થતાં પાઈલટો એને ખેતરમાં સુરક્ષિત રીતે ઉતારવામાં સફળ થયા હતા. હેલિકોપ્ટરનું ઉતરાણ થયાના સમાચાર વહેતા થતાં આસપાસમાંથી ગામવાસીઓ ત્યાં દોડતા પહોંચી ગયા હતા.

હું કંઈ ઝાયરા વસીમ નથીઃ બબિતા ફોગાટ

નવી દિલ્હીઃ બબિતા ફોગાટે ટ્વીટ કર્યા પછી ભારે વિવાદ શરૂ થયો છે. કેટલાક લોકોએ સોશિયલ મિડિયા પર તેમનું એકાઉન્ટ બ્લોક કરવાની વાત કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમના સમર્થનમાં ઊતરી આવ્યા છે. દેશની પહેલી હરોળની પહેલવાન બબિતા ફોગાટે તબલિગી જમાત પર કરેલા ટ્વીટનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું હતું કે તે ઝાયરા વસીમ નથી અને ના તો એ કોઈ પણ પ્રકારની ધમકીથી ડરવાની નથી.

 

તેમની આ ટિપ્પણી ગુરુવારે તેમણે કરેલા નિવેદનની પ્રતિક્રિયા રૂપે આવ્યું છે, જેમાં તેમણે ટ્વિટર દ્વારા તબલિગી જમાત પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટમાં જે હેશટેગનો ઉપયોગ કર્યો હતો, એ લોકોને પસંદ ના આવ્યું.

બબિતા ફોગાટે એક વિડિયો સંદેશ આપ્યોઃ હું કંઈ ઝાયરા વસીમ નથી

તેમણે  એક વિડિયો સંદેશ જારી કરીને કહ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી હું કેટલાક ટ્વીટ કરું છું. ત્યાર બાદ મને સતત ધમકીઓ મળી રહી છે. કેટલાક લોકો સોશિયલ મિડિયા પર ગાળો આપી રહ્યા છે, ધમકીઓ આપી રહ્યા છે અને કેટલાક લોકો ફોન કરીને ધમકીઓ આપી રહ્યા છે. હું કંઈં ઝાયરા વસીમ નથી. હું ધમકીઓથી નથી ડરવાની. હું દેશ માટે લડી છું અને હું મારા ટ્વીટ પર કાયમ છું. જે પણ નમેં લખ્યું છે, એ કંઈ ખોટું નથી લખ્યું. આ વિડિયોની સાથે તેમણે કેપ્શન પણ લખી છે- જો તમે બબિતા ફોગાટને સપોર્ટ કરો છો તો તેમના સુધી આ વાત જરૂર પહોંચાડી દેજો અને તેમને કહેજો કે કાન ખોલીને સાંભળી લે.

શું કહ્યું હતું બબિતાએ?

અર્જુન એવોર્ડવિજેતા 30 વર્ષની મહિલા રેસલર બબિતાએ લખ્યું હતું કે કોરોના વાઇરસ ભારતની બીજા નંબરની સૌથી મોટી સમસ્યા છે, જમાતી હજી પણ પહેલા નંબરે છે. આવું લખ્યા પછી કેટલાક લોકોએ આનો વિરોધ જાહેર કર્યો હતો.

પહેલાં પણ એકાઉન્ટ સસ્પેન્ડ થયું  હતું                                                                    

આ મહિને પહેલાં પણ બબિતાનું એકાઉન્ટ વિવાદાસ્પદ ટવીટ્સને કારણે બ્લોક કરવામાં આવ્યું હતું. ફોગાટે પછીથી સ્પષ્ટતા કરી હતી કે તેમણે ડોક્ટરો, નર્સો અને પોલીસ પર હુમલો કરતા લોકો સામે લખ્યું હતું.

IPL-2020 શ્રીલંકામાં યોજાશે? અહેવાલોને બીસીસીઆઈનો રદિયો

કોલંબોઃ કોરોના વાઈરસ રોગચાળાને કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે જેને અનિર્ણિત સમય સુધી મુલતવી રાખી દીધી છે તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની 13મી આવૃત્તિનું આયોજન કરવાની શ્રીલંકાએ ઓફર કરી છે.

2020ની આઈપીએલ મોસમ 29 માર્ચથી શરૂ થવાની હતી, પણ કોરોના વાઈરસ મહાબીમારી ફેલાતા એને પહેલાં 15 એપ્રિલ સુધી મુલતવી રાખી દેવામાં આવી હતી અને હવે જ્યારે કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉનને 3 મે સુધી લંબાવી દીધું છે ત્યારે બીસીસીઆઈએ આઈપીએલ-2020ને અચોક્કસ મુદત સુધી મોકૂફ રાખી દીધી છે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે બીસીસીઆઈને પત્ર લખીને આઈપીએલ સ્પર્ધાને કોલંબોમાં યોજવાની ઓફર કરી છે.

ઈએસપીએન ક્રિકઈન્ફોએ શ્રીલંકા બોર્ડના પ્રમુખ શમ્મી સિલ્વાને સિંહાલી ભાષી દૈનિક ‘લંકાદીપ’ને એવું કહેતા ટાંક્યા છે કે, દેખીતી રીતે જ, જો આઈપીએલ-13 રદ થાય તો બીસીસીઆઈ અને ફ્રેન્ચાઈઝીઓને 50 કરોડ ડોલરથી પણ વધુની ખોટ જાય. તેથી તેઓ કોઈ અન્ય દેશમાં આ સ્પર્ધા યોજીને એમની ખોટને ઘટાડી શકે છે.

સિલ્વાએ કહ્યું કે, જો તેઓ આ સ્પર્ધાને શ્રીલંકામાં રમાડે તો ભારતીય દર્શકોને ટીવી પર આ મેચો જોવામાં આસાની રહેશે. ભૂતકાળમાં તેઓ આઈપીએલને સાઉથ આફ્રિકામાં યોજી ચૂક્યા છે. અમારા પ્રસ્તાવના ભારતીય બોર્ડના જવાબની અમે રાહ જોઈ રહ્યા છીએ.

ભૂતકાળમાં, બે વખત આઈપીએલ સ્પર્ધાને ભારતની બહાર લઈ જવી પડી હતી. 2009માં લોકસભા ચૂંટણીને કારણે આ સ્પર્ધાને સાઉથ આફ્રિકામાં લઈ જવી પડી હતી. એવી જ રીતે, 2014માં, સ્પર્ધાના પહેલા બે અઠવાડિયાની મેચો યૂએઈમાં યોજવી પડી હતી. એ વર્ષે પણ ભારતમાં લોકસભા તથા અમુક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવી હતી, પરિણામે સુરક્ષા વ્યવસ્થાને કારણે સ્પર્ધાને ભારતમાં ન યોજવાની સરકારે બીસીસીઆઈને સૂચના આપી હતી.

બીસીસીઆઈના અધિકારીનો રદિયો

દરમિયાન, બીસીસીઆઈને શ્રીલંકાના ક્રિકેટ બોર્ડ તરફથી આઈપીએલ-13ના આયોજન વિશે કોઈ ઓફર કરવામાં આવી હોવાના અહેવાલોને બીસીસીઆઈના એક અધિકારીએ આજે રદિયો આપ્યો છે.

પીટીઆઈ સમાચાર સંસ્થાએ કહ્યું કે બીસીસીઆઈના અધિકારીએ કહ્યું છે કે આ વિષય અંગે આવી કોઈ શક્યતા અંગે અમે ચર્ચા પણ કરતા નથી. આખી દુનિયા જ્યારે બંધ છે ત્યારે બીસીસીઆઈ આ વિશે કંઈ જ નહીં કહે.

કોવિડ-19: અમેરિકાની ભારતને 60 લાખ ડોલરની મદદ

વોશિંગ્ટનઃ કોરોના વાઇરસ સામેની લડાઈમાં સંયુક્ત રાજ્ય અમેરિકાએ ભારત તરફ મદદનો હાથ લંબાવ્યો છે. વિદેશ વિભાગ મુજબ અમરિકાએ કોરોના વાઇરસના પ્રસારને ધીમો કરવા માટે ભારતને આરોગ્ય સહાય તરીકે આશરે 60 લાખ ડોલરની મદદ કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ ફંડનો ઉપયોગ ભારતમાં આ વાઇરસના પ્રસારને ઓછો કરવામાં આવશે. આ મદદનો ઉપયોગ ઇમર્જન્સીની તૈયારી અને આ રોગચાળાની પ્રતિક્રિયાની સામે કરવામાં આવશે.

ભારતને આશરે 2.8 અબજ અમેરિકી ડોલરની મદદ

કોરોના વાઇરસ સામેના જંગમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે પાછલાં 20 વર્ષ દરમ્યાન અમેરિકાએ ભારતને આશરે 2.8 અબજ અમેરિકી ડોલરની મદદ કરી છે, જેમાંથી 1.4 અબજ ડોલરથી વધુ તો આરોગ્ય મદદ માટે આપવામાં આવી છે.

સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટે હવે ઇમર્જન્સી સ્વાસ્થ્ય, માનવીય અને આર્થિક મદદ માટે 50 કરોડ ડોલરથી વધુની મદદની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

અમેરિકાની અન્ય દેશોને આર્થિક સહાય

અમેરિકા પહેલેથી જ બહુપક્ષી અને બિનસરકારી સંગઠનો (NGO)ને રોગચાળા સામેની લડાઈમાં મદદ કરી રહ્યું છે. દક્ષિણ એશિયામાં અમેરિકાએ કોરોના વાઇરસથી લડવા માટે અફઘાનિસ્તાનને આઠ મિલિયન અમેરિકી ડોલર, બંગલાદેશને 9.6 મિલિયન ડોલર, ભૂતાનને પાંચ મિલિયન ડોલર, નેપાલને 1.8 મિલિયન ડોલર, પાકિસ્તાનને 9.4 મિલિયન ડોલર અને શ્રીલંકાને 1.3 મિલિયન ડોલરની મદદ કરી હતી.

અમેરિકામાં ગુરુવારે કોરોના વાઇરસને લીધે એક જ દિવસમાં 2500 લોકોનાં મોત થયાં છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના તાજા અહેવાલ મુજબ અમેરિકામાં અત્યાર સુધી 33,000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 6,71,000થી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

 

આવ્યો જૈવિક શસ્ત્રોનો જમાનોઃ શું ભારત આ પડકાર માટે તૈયાર છે?

કોરોનાના કહેરે આખી દુનિયાને હચમચાવી દીધી છે. વિશ્વના સૌથી શક્તિશાળી અને સુપરપાવર ગણાતા અમેરિકા જેવા દેશો પણ એની સામે લાચાર બનીને ઘૂંટણિયે પડેલા દેખાય છે. કોરોનાની રસી કે ઉપચાર કદાચ આવતીકાલે શોધાઇ જાય અને આ મહામારી નાબૂદ થાય તો પણ આ આફત પૂરા વિશ્વના રાજકારણ પર લાંબી અસર છોડી જશે એ નક્કી છે. 

બોમ્બે સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડીરેક્ટર અને સીઇઓ આશિષ ચૌહાણ નો આ ખાસ લેખ… 

——————————————————–

ર્ષ 2020 પછી વિશ્વમાં કોની આણ પ્રવર્તે છે એનો નિર્ણય કોઈ એક દેશ કે દેશોના સમૂહની જૈવિક શસ્ત્રો બનાવવાની તથા પોતાના લોકોને તેનાથી બચાવવાની ક્ષમતા પર નિર્ભર હશે.

કોરોના વાઇરસે અત્યારે સમગ્ર વિશ્વને ઘમરોળી નાખ્યું છે. આ અતિસૂક્ષ્મ વિષાણુએ માત્ર આરોગ્યની દૃષ્ટિએ નહીં, સામાજિક, રાજકીય, આર્થિક તમામ રીતે દુનિયામાં મોટાં-મોટાં પરિવર્તનો લાવવાની શરૂઆત કરી દીધી છે. ભલભલા ખમતીધરોને હચમચાવી દીધા છે. અમુક લોકોએ એને જૈવિક શસ્ત્રનો પ્રયોગ ગણાવ્યો છે. દુનિયા પર પોતાનું આધિપત્ય જમાવવાની માણસની મહત્ત્વાકાંક્ષાએ અત્યાર સુધીમાં કેટકેટલાંય યુદ્ધોને જન્મ આપ્યો છે.

તો ચાલો, આ વિષયમાં થોડા ઊંડા ઊતરીએ.

અત્યાર સુધીનાં મોટાં-મોટાં યુદ્ધોમાં સામસામા પક્ષોનું સાંસ્કૃતિક, આર્થિક કે સામાજિક નહીં પરંતુ વિજ્ઞાન-તંત્રજ્ઞાનનું ચડિયાતાપણું જોવા મળ્યું છે. બીજું વિશ્વયુદ્ધ યુરોપિયન સત્તાઓ વચ્ચે લડાયું હતું. તેમાં પણ બીજાં અનેક યુદ્ધોની જેમ વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની ભૂમિકા મોટી હતી. એક રીતે જોવા જઈએ તો બીજું વિશ્વયુદ્ધ એ પ્રથમ વિશ્વયુદ્ધ અને ત્યાર બાદ ફેલાયેલા સ્પેનિશ ફ્લુની જ નીપજ હતું. આમ કહેવાનું કારણ એ કે પ્રથમ વિશ્વયુદ્ધ અને સ્પેનિશ ફ્લુને પગલે મહામંદી ફેલાઈ તથા અમેરિકાએ નવી સંધિ કરી. તેને પગલે બીજું વિશ્વયુદ્ધ ખેલાયું અને સત્તાનું નવું વૈશ્વિક માળખું રચાયું.

બીજું વિશ્વયુદ્ધ અલગ પ્રકારનું હતું, કારણ કે એ વિજ્ઞાન અને તંત્રજ્ઞાનના આધારે લડાયેલું યુદ્ધ હતું. કાર, રણગાડીઓ, સબમરિન, અત્યાધુનિક શસ્ત્ર સરંજામ, જહાજો, બૉમ્બ, યુદ્ધજહાજો, વગેરે બધાનો આ જ યુદ્ધ દરમિયાન મોટાપાયે ઉપયોગ થયો હતો. જર્મની, યુનાઇટેડ કિંગડમ વગેરે જેવા અનેક દેશોએ પોતાની લગભગ સંપૂર્ણ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ યુદ્ધ માટેના શસ્ત્રસરંજામનું ઉત્પાદન કરવા માટે કર્યો હતો. મનુષ્યની બધી શક્તિ મુખ્યત્વે યુદ્ધના કામસર ખર્ચાઈ હતી.

ખરો વિજેતા કોણ?

એમ તો વિજ્ઞાન અને તંત્રજ્ઞાન બધા જ દેશોમાં સરખેસરખા પ્રમાણમાં વહેંચાયેલાં હતાં. યુદ્ધમાં સંકળાયેલા પ્રદેશો પણ મુખ્યત્વે યુરોપિયન હતા. યુનાઇટેડ કિંગડમ અને તેના સાથી પક્ષોની પાસે વિશાળ સૈન્ય હતું, કારણ કે એમણે અનેક સદીઓથી વિશ્વભરના કેટલાય દેશોને ગુલામ રાખેલા હતા. યુનાઇટેડ કિંગડમની તાકાત પ્રચંડ દેખાતી હતી, પરંતુ એ બધી કાગળ પર હતી. વર્ષોનાં વર્ષો સુધી યુદ્ધમાં શતરંજની મડાગાંઠ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લાખો લોકોનાં મૃત્યુ થયાં હતાં, પરંતુ ખરો વિજેતા કોણ છે એ નક્કી થઈ શક્યું ન હતું.

યુદ્ધ છેડાયું એ વખતે અને યુદ્ધ દરમિયાન પરમાણુની પ્રચંડ શક્તિ વિશે વિચાર થવા લાગ્યો હતો. આધુનિક અણુવિજ્ઞાનનું મોટાભાગનું પાયાનું કાર્ય યુરોપમાં થયું હતું. જર્મનીએ પોતાની પાસેની સમજના આધારે અણુબૉમ્બ રચવાનું કામ શરૂ કરી દીધું હતું. રશિયા, યુનાઇટેડ કિંગડમ અને બીજા અનેક દેશોએ પણ પોતપોતાની રીતે કાર્ય આદર્યું હતું.

દરમિયાન, જર્મની તથા બીજા અનેક દેશોમાં યહૂદીઓની કત્લેઆમ થવાને લીધે યહૂદીઓએ અમેરિકા, બ્રાઝિલ, આર્જેન્ટિના વગેરે જેવા નવા વિકાસ પામેલા દૂરના દેશો તરફ દોટ મૂકી હતી. અમેરિકા પોતાનું કદ વિસ્તારી રહ્યું હતું અને શરૂઆતમાં એણે યુદ્ધમાં પ્રત્યક્ષ રીતે કોઈ મોટો ભાગ ભજવ્યો ન હતો. એક તબક્કે અમેરિકાને પોતાના પક્ષે લાવવા માટે યુનાઇટેડ કિંગડમે જહેમત ઉઠાવવી પડી હતી. અમેરિકા યુદ્ધભૂમિથી ઘણો દૂરનો પ્રદેશ હતું અને એ અંતરને લીધે જ દુશ્મન પક્ષના હુમલાઓથી કુદરતી રીતે રક્ષણ પામેલું હતું.

યહૂદી વિજ્ઞાનીઓને આશ્રય

બીજી બાજુ, યુદ્ધના વાતાવરણથી દૂર અમેરિકાએ યહૂદી વિજ્ઞાનીઓ સહિતના સંખ્યાબંધ યુરોપિયન વિજ્ઞાનીઓને આશ્રય આપ્યો હતો. એમના માટે રહેવાની વ્યવસ્થા કરવા ઉપરાંત વિદ્યાપીઠોમાં શિક્ષણકાર્ય કરવાની વ્યવસ્થા કરી આપી હતી. એમને સગવડો અને આદર આપવા ઉપરાંત એમને પોતાના પ્રયોગો કરવા માટે પ્રયોગશાળાઓ પૂરી પાડવામાં આવી હતી.

યુરોપથી આવેલા વિજ્ઞાનીઓમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન પણ હતા. એમની સાપેક્ષતાની તથા બીજી અનેક થિયરીને લીધે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. મેનહટ્ટન પ્રૉજેક્ટ માટે અનેક વિજ્ઞાનીઓએ ભેજાં કસ્યાં હતાં. એ પ્રૉજેક્ટ હેઠળ અમેરિકાના પશ્ચિમી છેવાડાના રણ વિસ્તાર ખાતે ન્યૂ મેક્સિકોના લોસ અલામોસ નામની એક પ્રયોગશાળામાં અણુબૉમ્બ બનાવવા માટે ગુપ્ત રીતે કામ ચાલી રહ્યું હતું. પહેલો અણુબૉમ્બ આ જ પ્રયોગશાળામાં બનાવાયો હતો.

બધા શક્તિશાળી દેશો પોતપોતાના અણુબૉમ્બ બનાવવા પ્રયત્નશીલ હતા. અમેરિકાએ લોસ અલામોસની નજીકના અલામોગોર્ડોમાં 16 જુલાઈ, 1945ના રોજ પહેલી વાર અણુબૉમ્બનું સફળ પરીક્ષણ કર્યું અને બીજા દેશોથી આગળ નીકળી ગયું.

અણુબૉમ્બનું મહત્વ

બીજા વિશ્વયુદ્ધમાં અણુબૉમ્બનું મહત્વ એટલું વધી ગયું કે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર 1945ની 6 ઑગસ્ટ અને 9 ઑગસ્ટ એમ સાવ નજીકના બે દિવસોએ અણુબૉમ્બનો પ્રહાર કરીને હજારો લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને બીજા લાખોને પંગુ કે કુરૂપ બનાવી દીધા. જાપાન બધી જ રીતે શરણે આવ્યું અને કહેવા માટે તો બીજું વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું, પરંતુ સર્વોપરિતા માટેની હોડ ચાલુ રહી.


ત્યાર પછીનાં 70 વર્ષોમાં સોવિયેત સંઘ, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન તથા બીજા કેટલાક દેશોએ ખુલ્લેઆમ કે ગુપ્ત રીતે અણુબૉમ્બ બનાવી લીધા. અમેરિકા અને સોવિયેત સંઘ બન્ને પાસે સમાન અણુશક્તિ હોવાનું કહેવાતું હતું. એમની વચ્ચેની રસાકસી એટલે 40 વર્ષ કરતાં વધુ સમય ચાલેલું શીતયુદ્ધ. જેમણે જેમણે અણુશક્તિ વિકસાવી લીધી હતી એમણે હંમેશાં એ જ ઈચ્છા રાખી કે તેમના સિવાય બીજું કોઈ અણુબૉમ્બ બનાવે નહીં. અણુશક્તિ સમગ્ર માનવજાતિને ખતમ કરવા સક્ષમ છે. તેથી તેનાથી ધાક જમાવવામાં આવે છે. છેલ્લાં 70 વર્ષોમાં વિશ્વમાં અણુશક્તિ બનવાની જ હોડ ચાલી છે. જેની શક્તિ વધારે છે એ બધા મોટાભા બનીને બેઠા છે. ભારત પણ અણુશક્તિ બનવા પ્રયત્નશીલ છે.

હવે 2020માં અણુશક્તિનું સ્થાન જૈવિક શસ્ત્રો (બાયોલૉજિકલ વેપન્સ) લેવા લાગ્યાં હોવાનું જણાય છે. આ શસ્ત્રો પણ વિનાશક જ છે અને પરંપરાગત રીતે યુદ્ધ કર્યા વગર છૂપી રીતે તેનો ઉપયોગ કરવાનું શક્ય છે. એમાં પણ વિજ્ઞાન-તંત્રજ્ઞાનનું જ મહત્ત્વ છે. હાલ ચાલી રહેલો કોરોના વાઇરસનો રોગચાળો આ જ જૈવિક શસ્ત્રથી લડી શકાય એવા યુદ્ધનો પ્રયોગ હોવાનું કહેવાઈ રહ્યું છે. આવા અનેક વાઇરસ વિકસાવીને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકાય એવી સ્થિતિ જગ સામે આવીને ઊભી છે.

જે રીતે અણુશક્તિ માટે બધા દેશો વચ્ચે સ્પર્ધા જામી હતી એ જ રીતે હવે જૈવિક શસ્ત્રો માટે પણ થશે. બધા દેશો પોતપોતાની રીતે અત્યાધુનિક જૈવિક શસ્ત્રો વિકસાવશે અને પોતાના નાગરિકોનો તેનાથી બચાવ કરવા માટે તેનું મારણ પણ પહેલેથી તૈયાર રાખશે. દેશનું અસ્તિત્વ અને સાર્વભૌમત્વ ટકાવી રાખવા માટે આવશ્યક વસ્તુ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવશે. મનુષ્યજાતિ સામે આ એક નવો વિકરાળ પડકાર આવીને ઊભો છે. પોતે કયા પક્ષે છે એ દરેક દેશે નક્કી કરવાનું રહેશે. જો કે, વધુ મહત્વનું તો એ છે કે દરેકે પોતાના બચાવ માટેની વ્યવસ્થા પણ કરવી પડશે. એમ કર્યા વગર છૂટકો નથી.

શું ભારત આ નવા સંજોગોને પહોંચી વળવા માટે તૈયાર છે?

નવી વૈશ્વિક વ્યવસ્થામાં હવે સંયુક્ત રાષ્ટ્રસંઘ, વિશ્વ બૅન્ક, આઇએમએફ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જી7, જી20 વગેરે સંગઠનો અપ્રસ્તુત બની ગયાં છે. હવે અલગ અલગ દેશોના નવા સમૂહો રચાશે. આપણે એમાં કયા પક્ષે હોઈશું? કોઈ પણ પક્ષે રહેવું નહીં એવી પસંદગી કરવાને હવે અવકાશ નહીં રહે. આપણે પોતાની બાજી સંભાળીને બિછાવવી પડશે. આપણે નવા પડકારોને પહોંચી વળવાનું સામર્થ્ય વિકસાવવું પડશે અને નવી વૈશ્વિક વ્યવસ્થામાં પોતાનું અલાયદું સ્થાન બનાવવું પડશે. જો એમ નહીં કરી શકીએ તો આપણા અસ્તિત્વ સામે જોખમ અને પડકારો વધી જશે.

 

આશિષ ચૌહાણ

તા.ક.
પેનિસિલિનની શોધ
બીજા વિશ્વયુદ્ધ પછી પેનિસિલિનની શોધ અને મોટાપાયે ઉત્પાદન થવા લાગ્યું તેથી અને ત્યાર બાદ બનેલી બીજી એન્ટિબાયોટિક અને જીવનરક્ષક દવાઓને કારણે મૃત્યુદર ઘટ્યો અને વિશ્વની વસતિ 70થી 80 વર્ષના ગાળામાં ત્રણથી ચાર ગણી વધી ગઈ. પેનિસિલિનની શોધ પ્રકૃતિ સામે વિજ્ઞાન-તંત્રજ્ઞાનની જીત હતી. નવા કોરોના વાઇરસ (કોવિડ 19)ને પગલે એન્ટિબાયોટિકનો સુવર્ણયુગ ખતમ થયો છે. આપણે હવે નવેસરથી વિચાર કરવો પડશે, નવા રસ્તાઓ શોધવા પડશે, નવી દિશાઓ ખોલવી પડશે અને નવા બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરીને નવા સંકલ્પો કરવા પડશે.

 

કર્ણાટકમાં કોરોના છે ને કુમારસ્વામી શરણાઇ વગાડાવે છે

બેંગ્લુરુ: કોરોના વાયરસની મહામારીના લીધે દેશમાં ચાલી રહેલા લોકડાઉનની વચ્ચે કર્ણાટક હાઇપ્રોફાઇલ લગ્નનું સાક્ષી બન્યું છે. પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર નિખિલ કુમારસ્વામીના લગ્ન યોજાયા. નિખિલે બેંગલુરુથી લગભગ 28 કિલોમીટર દૂર આવેલા એક ફાર્મહાઉસમાં પૂર્વ મંત્રીની પૌત્રી રેવતી સાથે લગ્ન કર્યા. કર્ણાટકમાં લોકો મોટા લગ્ન સમારોહનો શોખ ધરાવે છે, જે ઘણા દિવસો સુધી ધામધૂમથી ચાલે છે. પણ શુક્રવારે અહીં બે રાજકીય પરિવારોના લગ્ન સમારોહમાં મહેમાનોની ગેરહાજરી જોવા મળી. પરિવારના જ સભ્યો હતા તેમ કહેવાય છે. આ લગ્ન સમારંભની તસવીરો સામે આવી છે તેમાં કયાંય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જોવા મળી રહ્યું નથી. આ ઉપરાંત કોઇએ માસ્ક કે ગ્લવ્ઝ પહેર્યા નહોતા.

અભિનેતામાંથી નેતા બનેલા નિખિલે ગયા વર્ષે પરિવારના ગઢ ગણાતા માંડ્યાથી ચૂંટણી લડી પણ તેમાં તેને હારનો સામનો કરવો પડયો. લગ્નના ભવ્યાતિભવ્ય સમારંભ પહેલાં જેડીએસના નેતાએ એક વીડિયો સંદેશમાં સમર્થકોને કાર્યક્રમ સ્થળથી દૂર રહેવાની અપીલ કરી હતી. આ કાર્યક્રમને કોવિડ-19ના ‘રેડ ઝોન’ બેંગલુરુથી શિફટ કરી દેવાયો હતો.

કુમારસ્વામીએ કહ્યું હતું કે જો કાર્યક્રમ ઘરે આયોજીત કરાય તો સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવું મુશ્કેલ થશે. આથી અમે અમારા ફાર્મહાઉસમાં આયોજન કરી રહ્યા છીએ. લગ્નનો નિર્ણય ડૉકટર્સની સાથે ચર્ચા કર્યા બાદ કર્યો હતો, જેમાં તેમના પરિવારના લોકો પણ સામેલ હતા.

પૂર્વ સીએમનો દાવો છે કે આ લગ્નમાં પરિવારના લગભગ 60 થી 70 લોકો સામેલ હશે. તેમણે બાદમાં મોટો સમારંભ આયોજીત કરવાનો દાવો કર્યો. આ બધાની વચ્ચે કર્ણાટકના ડેપ્યુટી સીએમ એ.નારાયણે કહ્યું હતું ક લગ્ન દરમ્યાન દિશા-નિર્દેશોનું પાલન નહીં કરાયું હોય તો પૂર્વ મુખ્યમંત્રીની વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં અત્યાર સુધી કોરોના વાયરસના 300થી વધુ કેસ સામે આવ્યા છે અને 13 લોકોના મોત થયા છે.

ઓરિસ્સાના પ્રવાસીઓ માણે છે ગુજરાતની મહેમાનગતિ

ગાંધીનગરઃ અમને ઘર ચોક્કસ યાદ આવે છે પણ સુવિધાની અહીં કોઈ જ કમી નથી… આ શબ્દો છે ઓરિસ્સાથી ગુજરાતના પ્રવાસે આવેલા અને લોકડાઉનના સંજોગોમાં અહીં આશ્રય લઈ રહેલા પ્રવાસીઓના.

દેશમાં અચાનક કરવામાં આવેલા લોકડાઉનથી અનેક લોકો અટવાઈ ગયા છે. ઘરે જવાના તમામ વાહનવ્યવહાર બંધ હોવાથી પ્રવાસીઓ રઝળી પડ્યા છે. આવું જ કંઈક ઓરિસ્સાના 63 પ્રવાસીઓ સાથે પણ થયું છે. આ પ્રવાસીઓ દ્વારકાનાં દર્શન કરી પરત અમદાવાદ આવ્યા અને એ જ દિવસે દેશભરમાં લોકડાઉનનો આદેશ થયો.

જિલ્લા કલેક્ટર કે. કે. નિરાલા આવ્યા મદદે

આ પ્રવાસીઓ પૈકીની એક વ્યક્તિએ અમદાવાદ જિલ્લા કલેકટર કે. કે. નિરાલાને એક પત્ર લખ્યો અને તેમની આપવીતી જણાવી. આ પત્ર મળતાં જ જિલ્લા કલેકટરના આદેશને પગલે તંત્ર હરકતમાં આવ્યું અને તેમની દેખભાળ રાખવાની કામગીરી શરૂ થઈ.

આ પ્રવાસીઓની સ્વજનની જેમ સંભાળ

જિલ્લા કલેક્ટર કે. કે. નિરાલા  કહે છે કે, અમે તેમની એક સ્વજન તરીકે દેખભાળ કરી હતી. આમ પણ ગુજરાત તેના આ આતિથ્ય સંસ્કાર માટે જાણીતું છે. તેમના માટે રહેઠાણ, ભોજન અને  મેડિકલ સુવિધા અથવા તો તેમને જે કંઈ જરૂરિયાત હોય એ તંત્ર તમામ જરૂરિયાત પૂરી પાડે છે.

પ્રવાસીઓની તમામ સુવિધાઓનું ધ્યાન રખાય છે

પૂર્વ વિસ્તારનાં સિટી ડેપ્યુટી કલેક્ટર અનસૂયા જહાં કહે છે કે અમારી ટીમ તેમની રોજબરોજની સુવિધાઓનો ખ્યાલ રાખે છે.. અમે મહાનગરપાલિકા સાથે સંકલનમાં રહીને તેમના મેડિકલ ચેકઅપની સુવિધા પણ કરી છે. એટલું જ નહીં, તેમના રહેવાની વ્યવસ્થા સેનિટાઇઝ પણ કરવામાં આવી છે.

વિશ્રામ ગૃહમાં શિફ્ટ કરાયા

શરૂઆતમાં આ લોકો અમદાવાદની એક હોટલમાં રોકાયા હતા પરંતુ લોકડાઉન લાંબું ચાલે તેવી શક્યતાને પગલે તેમને વિશ્રામ ગૃહમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રવાસીઓ પૈકી ૪૮ પ્રવાસીઓ તો  સિનિયર સિટીઝન એટલે કે ૬૦ વર્ષની ઉંમરના છે. તેમની રહેણીકરણી અલગ પ્રકારની હોવા છતાં તેમને જે કંઈ જોઈએ એ બધું જ પૂરૂં પાડવામાં આવે છે.

સરકારી તંત્ર ધારે તો કેવું કામ કરી શકે એનું આ ઉદાહરણ છે.

 

 

આ તસવીરે આખા વિશ્વની આંખો ભીની કરી

વોશિંગ્ટનઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે ફ્લોરિડાનું એક કપલ સુરક્ષા કીટ પહેરીને એક બીજાને ગળે લગાવી રહ્યું હોય તેતા ફોટોગ્રાફ્સ સામે આવ્યા છે. એક બીજાની આંખોમાં જોઈ રહ્યા છે જે એ પોતાના જીવનની ભૂતકાળની અનમોલ ક્ષણોને યાદ કરી રહ્યા છે. ફ્લોરિડાના આ બંન્ને પતી-પત્ની સ્વાસ્થ્ય કર્મચારી છે અને એક હોસ્પિટલમાં દિવસ-રાત કોરોના વાયરસના દર્દીઓની સંભાળ રાખી રહ્યા છે.

પોતાના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે જ્યારે તેમને થોડો સમય મળ્યો તો પોતાની પ્રોટેક્ટિવ કીટમાં જ એકબીજાને તેમણે ગળે લગાવ્યા. તેમના આ ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અમેરિકા દુનિયામાં કોરોના વાયરસનો ગઢ બની ચૂક્યું છે. કોરોના મહાસંકટથી બેહાલ અમેરિકામાં આજે એક જ દિવસમાં 25000 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દુનિયામાં કોરોના વાયરસથી આ એક દિવસમાં સૌથી વધારે લોકોના મરવાનો રેકોર્ડ છે.
આ સાથે જ મૃત્યુ પામનારા લોકોનો આંકડો 33,500 પર પહોંચી ગયો છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઈટ હાઉસે અનુમાન લગાવ્યું હતું કે સોમવાર સૌથી ખરાબ દિવસ હશે અને 2150 જેટલા લોકોના મોત થવાની શક્યતાઓ છે. આ વચ્ચે અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે.

કોરોના સંકટમાં સેલિબ્રિટીઓ દ્વારા મદદઃ અક્ષયનું નામ ટોચ પર, કોહલી તળિયે

મુંબઈઃ કોરોના વાઈરસ રોગચાળાએ આખા દેશને ભરડામાં લીધો છે ત્યારે અનેક જાણીતી હસ્તીઓ જરૂરિયાતમંદો, ગરીબો, માઈગ્રન્ટ મજૂર-કામદારોને મદદરૂપ થવા માટે આગળ આવી છે. આવી વ્યક્તિઓની એક યાદી તૈયાર કરી્ છે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બ્રાન્ડ્સ (IIHB) નામની સંસ્થાએ.

સદીની સૌથી ખરાબ કટોકટીના આ દિવસોમાં નામાંકિત વ્યક્તિઓએ દાન આપવાનું અને ચેરિટી કામ કરવામાં જરાય પાછું વાળીને જોયું નથી. IIHB સંસ્થાના અહેવાલમાં કોરોના સંબંધિત કોઈ પણ પ્રકારના દાન સંબંધિત એવી તમામ જાહેરાતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે હસ્તીઓના પબ્લિક રિલેશન્સ દ્વારા કરવામાં આવી છે.

IIHB સંસ્થાની એક સમિતિએ ‘સેલિબ્રિટી હાર્ટફુલનેસ ઈન્ડેક્સ’ તૈયાર કરી છે જેમાં સેલિબ્રિટી વ્યક્તિઓએ ચેરિટી માટે દાનમાં આપેલી તમામ રકમને ધ્યાનમાં લેવામાં આવી છે. સેલિબ્રિટી વ્યક્તિઓએ દાનની રોકડ રકમ ચૂકવી દીધી છે કે આપવાનું વચન આપ્યું છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બોલીવૂડ અભિનેતા અક્ષય કુમાર અને એની પત્ની ટ્વિન્કલ ખન્ના આ યાદીમાં પરફેક્ટ-10 પોઈન્ટ સાથે મોખરે છે. અક્ષયે પીએમ-કેર્સ ફંડમાં રૂ. 25 કરોડનું દાન આપ્યું છે. અક્ષયે દાનની રકમ અને પોતે ક્યાં આપી છે એની પારદર્શકતા રાખી હોવાથી એણે વધુ પોઈન્ટ સ્કોર કર્યા છે.

આ સમિતિએ ટ્વિન્કલ ખન્નાને પણ 10 પોઈન્ટ આપ્યા છે, કારણ કે ઘણી વાર એવું બનતું હોય છે કે જાણીતી હસ્તીઓને એમના જીવનસાથી મોટી રકમનું દાન કરતા રોકતા હોય છે, પરંતુ ટ્વિન્કલે અક્ષયને 25 કરોડ જેટલું ધરખમ દાન કરતા રોક્યો નથી.

સંગીત વિતરણ કંપની ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારે પીએમ-કેર્સ ફંડમાં રૂ. 11 કરોડ આપ્યા છે અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રાહત ભંડોળમાં રૂ. 1 કરોડ આપ્યા છે. એમણે 9 પોઈન્ટ સ્કોર કર્યા છે.

જે સેલિબ્રિટીઓએ નાની રકમનું દાન કર્યું છે એમને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવી છે. આમાં યુવા બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યનનો પણ સમાવેશ કરાયો છે, એણે 8 પોઈન્ટ મેળવ્યા છે. કોરોના વાઈરસ રોગચાળાથી સાવચેત રહેવા વિશે જનજાગૃતિ ફેલાવતો વિડિયો સોશિયલ મિડિયા પર મૂકનાર એ પ્રથમ સેલિબ્રિટી વ્યક્તિ હતો. એણે વિડિયો દ્વારા તેના પ્રશંસકોને વિનંતી કરી હતી કે તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં ધ્યાન રાખે. કાર્તિકે પીએમ-કેર્સ ફંડમાં રૂ. 1 કરોડનું દાન આપ્યું છે.

અભિનેતા કાર્તિક આર્યન

ફેશન ડિઝાઈનર સબ્યાસાચીએ 8 રેટિંગ પોઈન્ટ મેળવ્યા છે. રૂ. 1 કરોડનું દાન કરવા બદલ બોલીવૂડ અભિનેતા વિકી કૌશલે 7.5 રેટિંગ્સ મેળવ્યા છે. સુરેશ રૈના, રોહિત શર્મા, સૌરવ ગાંગુલી જેવા ક્રિકેટરોએ પણ ઈન્ડેક્સમાં સારો દેખાવ કર્યો છે. મહાન ગાયિકા લતા મંગેશકર, સચીન તેંડુલકર, સલમાન ખાન, હેમા માલિનીએ પણ ઈન્ડેક્સમાં નામ મેળવ્યું છે.

પરંતુ આ ઈન્ડેક્સમાં જેમણે સારો દેખાવ કર્યો નથી એવા નામોમાં આંચકાજનક રીતે ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને એની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માનો સમાવેશ થાય છે. એવી જ રીતે, બોલીવૂડ કલાકાર દંપતી દીપિકા પદુકોણ અને રણવીર સિંહ પણ આ યાદીમાં નિરાશાજનક રહ્યા છે. આ ચારેય જણના ઝીરો રેટિંગ્સ છે, કારણ કે એમણે ચેરિટીને લગતી કોઈ જાહેરાતો કરી નથી. વિકેટકીપર અને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ માત્ર એક લાખ રૂપિયા જેટલું મામુલી રકમનું દાન કર્યું છે, તો ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુએ રૂ. 11 લાખનો ચેક આપ્યો છે. આમ, આ લોકોનો પણ યાદીમાં કંગાળ દેખાવ રહ્યો છે.

યાદીમાં નીચેના સ્તરે રહેનાર અન્ય હસ્તીઓ છે – આમિર ખાન, આલિયા ભટ્ટ, સારા અલી ખાન, કૃતિ સેનન, કિયારા અડવાની.

IIHB સંસ્થાએ તેના અહેવાલમાં બોલીવૂડ, ક્રિકેટ, સ્પોર્ટ્સ, ટેલિવિઝન જેવા માધ્યમોમાંથી 180થી વધારે સેલિબ્રિટી વ્યક્તિઓને સામેલ કરી છે.

ગુજરાતમાં પોઝિટીવ દર્દીઓનો આંક 1021

અમદાવાદઃ અમદાવાદ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. દિવસે દિવસે વધતા જતા કેસો આગામી સમય માટે લાલબત્તી સમાન બની ગયા છે. રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીનો આંકડો 1021એ પહોચ્યો છે. જ્યારે 9 દર્દી સાજા થતાં રાજ્યમાં કુલ 73 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1021 દર્દી નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1608માંથી 150 કેસ પોઝિટિવ નોંધાયા છે. જયંતિ રવિએ આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોરોના વાયરસના આંકથી ગભરાવવાની જરૂર નથી. બસ આપણે બધાએ ઘરમાં બેસી રહેવાની જરૂર છે. ગભરાવાથી રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે. જેના કારણે કોરોના વાયરસનો ચેપ જલ્દી લાગી શકે છે.

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ કોરોના વિશે પોતાના બુલેટિનમાં માહિતી આપી હતી. ગુરુવાર રાતથી આજે સવાર સુધીના આંકડાઓ જયંતિ રવિએ જાહેર કર્યા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 45 કેસ નોંધાયા છે. સાથે જ વડોદરામાં 9, સુરતમાં 14, આણંદ 1, ભરૂચ 8, બોટાદ 3, છોટાઉદેપુર 1, દાહોદ-ખેડામાં એક એક, નર્મદામાં 5, પંચમહાલમાં 2, પાટણમાં 1 કેસ નોંધાયા છે. 8 લોકો હાલ વેન્ટીલેટર ઉપર છે. બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા છે. કુલ નવા કેસ 92 નોંધાયા છે. ગઈકાલે 24 કલાક દરમ્યાન અમદાવાદમાં 95 કેસ નોંધાયા હતા.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 163 પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20903 ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમાં 929 નેગેટિવ અને 19974 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. 28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે, તમામની સારવાર થઈ રહી છે.

દિવસે દિવસે વધતો જતો કોરોનાનો કહેર ક્યારે શાંત થશે તે અંગે કઈ પણ કહેવું મુશ્કેલ છે. સતત વધી રહેલા આ રોગચાળા વચ્ચે તંત્રની કડક કાર્યવાહી અતિ આવશ્યક છે. વડોદરામાં મોડી રાત્રે એક યુવકનું અને અરવલ્લીમાં પ્રથમ દર્દીનું મોત નીપજતાં કુલ મૃત્યાંક 38 થયો છે. રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી મહિલા સિક્યુરિટી ગાર્ડ અને 16 વર્ષના એક કિશોરનો પણ સમાવેશ થાય છે.