Home Blog Page 4851

સાધુ કૃષ્ણદાસનો સંદેશ : ‘તમારા ધર્મ પર ચાલો, સૌને પ્રેમ કરો’

મુંબઈના ભાગદોડવાળા જીવનમાં, ધસમસતાં ભાગતાં વાહનોની વચ્ચે, શરીરે પરસેવો થતો હોય, ધોધમાર વરસાદ વરસતો હોય તો પણ સાધુ કૃષ્ણદાસ જૂહુ સર્કલ સિગ્નલ પર જ ઊભા રહીને, ચહેરા પર મૃદુ સ્મિત ફરકાવતા રહીને શાંતિ, પ્રેમ અને આશાના સંદેશનો ફેલાવો કરીને પોતાનું સામાજિક યોગદાન આપે.

 

ચીન અને ફ્રાન્સના સહયોગમાં બની હતી વૂહાનની લેબ

કોરોના વાયરસની શરૂઆત ક્યાંથી થઈ તેની એકથી વધુ થિયરીઓ ઓનલાઇન ચાલી રહી છે. તેમાં ફેક ન્યૂઝ ટાઇપ થિયરીઓ પણ ઘણી બધી છે. ઇરાદાપૂર્વક વાયરસ ફેલાવાયો હોવાથી માંડીને રાસાયણિક શસ્ત્રો બનાવવાની કોશિશમાં ભૂલને કારણે ચેપ ફેલાયો ત્યાં સુધીની થિયરીઓ ચાલે છે. સાચું કારણ જાણવામાં સમય લાગશે. કદાચ લાંબા સમયના સંશોધન પછી સાચું કારણ ક્યારેય જાણવા ના પણ મળે. વિજ્ઞાન કરતાંય કુદરત વધારે સંકુલ છે અને કુદરતને મનુષ્ય જેટલો ઓળખતા જાય છે એટલે તેના નીતનવીન રૂપ પણ પ્રગટ થતા રહે છે.

પ્રાણીઓમાંથી વાયરસ મનુષ્યમાં આવે છે તે સૌ જાણે છે, પણ તે કેવી રીતે અને ક્યારે આવી જાય છે તે ચોક્કસ રીતે જાણી શકાતું નથી. તેને જાણવાની કોશિશ ચાલી જ રહી છે. વાઇરસના પ્રવેશને ચોક્કસપણે જાણી શકાય તો તેનું આમંત્રણ કાયમ માટે બંધ કરી શકાય. ચેપી રોગોની રસી શોધવાની શરૂઆત થઈ ત્યારથી વિજ્ઞાન અને ફાર્મા કંપનીના સંશોધકો તેના માટે પ્રયાસો કરી રહ્યા છે. નોંધપાત્ર બાબત એ છે કે વૂહાનમાં અને વૂહાનની નજીક બે લેબોરેટરી છે, જેમાં ચેપી રોગ અંગે અને વાયરસ અંગે સંશોધનો ચાલતા હતા. તેમાંથી એકાદી લેબમાંથી પણ વાયરસ છટક્યો હોય તેવી શંકા પણ ઊભી જ છે.

ચીનના જ સંશોધકોએ આ બાબતમાં તપાસ કરી હતી અને કેટલીક શક્યતાઓ ચકાસી હતી. દક્ષિણ ચીન ટેક્નોલૉજી યુનિવર્સિટીના નિષ્ણાત બોટાઓ શિઆઓની આગેવાનીમાં સંશોધકોની એક ટીમે ફેબ્રુઆરીમાં વાયરસ સંભવિત ક્યાંથી ફેલાયો તેની તપાસ માટે અહેવાલ તૈયાર કર્યો હતો. માંસ બજારમાં તો તપાસ કરી જ હતી, પણ ત્યાં સુધી કેવી રીતે વાયરસ પહોંચ્યો હશે તેની તપાસમાં બે લેબોરેટરીની પણ તપાસ કરી હતી. આ બંને લેબોરેટરીમાં ચામાચિડિયામાં રહેલા વાયરસોની તપાસ ચાલે છે. અગાઉ સાર્સ વગેરે વાયરસ આવ્યા તે ચામાચિડિયામાંથી જ આવ્યા હતા. માંસ બજારની સાવ જ નજીક 280 મીટર દૂર જ એક લેબ આવેલી છે – વૂહાન સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન. આ માંસ બજારમાં પીંજરામાં રહેલા પ્રાણીઓમાંથી ડીએનએ અને આરએનએના નમૂના લેવામાં આવ્યા હતા. પીંજરાના પ્રાણીઓમાં રહેલા ટિશ્યૂ લેવાયા તેની સાથે વાયરસ આવી ગયાનું એક અનુમાન આ સંશોધકોની ટીમ લગાવ્યું હતું.

બીજી લેબોરેટરી આ માંસ બજારથી 15 કિલોમિટ દૂર આવેલી છે, જેનું નામ છે વૂહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ધ વાયરોલૉજી. ચાઇનીઝ અકૅડમી ઑફ સાયન્સીઝ આ લેબનું સંચાલન કરે છે અને મહત્વની વાત એ છે કે આ લેબની સ્થાપનામાં અને ત્યાંના સંશોધનોમાં ફ્રાન્સનો પણ સહયોગ હતો. વૂહાનની આ લેબનું ઉદ્ધાટન 23 ફેબ્રુઆરી 2017ના રોજ ફ્રાન્સના વડા પ્રધાન બર્નાર્ડ કેઝેનેવ્યૂના હસ્તે થયું હતું. ફ્રાન્સના વડા પ્રધાને પોતાના ભાષણમાં ત્યારે ખુશી વ્યક્ત કરી હતી કે ચીનમાં પ્રથમ ઉચ્ચ કક્ષાની બાયોલૉજિકલ સિક્યુરિટી લેબ તૈયાર કરવામાં ફ્રાન્સ સહયોગ કરી શક્યું છે. 2004માં ફ્રાન્સ અને ચીન વચ્ચે ચેપી રોગના સામના માટે સહકાર કરાર થયો હતો. તેના ભાગરૂપે 2011માં લેબ બનવાની શરૂઆત થઈ હતી. ફ્રેન્ચ નિષ્ણાતોએ જ લેબની ડિઝાઇન તૈયાર કરી હતી.

વાતમાં વળાંક એ છે કે માંસ બજારથી દૂરની અને ફ્રાન્સના સહયોગથી બનેલી ચેપી રોગો સામે સુરક્ષાનું સંશોધન કરનારી લેબનો કબજો પિપલ્સ લિબરેશન આર્મીએ લઈ લીધો છે. ચીનની આ આર્મી સરકારી સત્તાનું મુખ્ય કેન્દ્ર છે. લેફ્ટનન્ટ જનરલ ડૉ. ચેન વેઈના કબજામાં આ લેબ હાલમાં છે. ફ્રેન્ચના વડા પ્રધાને પોતાના વિજ્ઞાનીઓ અને ઇજનેરોના વખાણ કર્યા હતા કે માનવજાતની સુરક્ષિત રાખવાની ટેક્નોલૉજીમાં તેઓ અગ્રણી છે. ફ્રેન્ચ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચની નીચે કામ કરતી લ્યોનની ઝ્યાં-મેરી લેબના મૉડલ પર તેને તૈયાર કરાઈ હતી. તે વખતે નિપાહ વાયરસનું જોખમ ઊભું થયું હતું તેને ધ્યાનમાં રાખીને ચીનમાં નવી લેબ તૈયાર થઈ હતી. સાથે જ ચીન સત્તાધીશોને ઇબોલાના સંશોધનમાં વધારે રસ હતો. બાયોલૉજિક જોખમને કાબૂમાં રાખવાનું આ નિષ્ણાતો સારી રીતે જાણે છે એવો વિશ્વાસ હતો, પણ હવે શંકા એવી ઊભી થઈ છે કે કદાચ આ અથવા આવી કોઈ લેબમાંથી જ જોખમ ઊભું થયું છે.

શિઆઓની ટીમના અહેવાલમાં પણ તેનો ઇશારો કરાયો હતો. ટીમના સભ્યોને લાગ્યું હતું કે આ બેમાંથી એકાદ લેબમાં કદાચ કોઈએ 2019-nCoV કોરોના વાયરસની તપાસ દરમિયાન ગફલત કરી હશે અને એકાદ નાનો જંતુ છટકી ગયો હશે. આવી હાઇ રિસ્ક બાયો-હેઝાર્ડસ લેબ્સમાં સુરક્ષા માટેની વ્યવસ્થા વધારે ચૂસ્ત રાખવી જરૂરી છે એવી ભલામણ શિઆઓની ટીમે કરી છે. આવી લેબને શહેરોથી દૂર, વસતિથી દૂર જ લઈ જવી જોઈએ એવી ભલામણ પણ કરવામાં આવી છે.

ફ્રેન્ચના વડા પ્રધાને આત્મશ્લાષા કરી હતી કે સાથે મળીને બનાવેલી આ લેબોરેટરીને કારણે આગામી બીમારીઓ સામેની લડતમાં આપણે અગ્ર રહિ શકિશું. કરુણતા એ છે કે ચીન કરતાંય અત્યારે ફ્રાન્સની હાલત વધારે કફોડી થઈ ગઈ છે. ચીન કરતાં બમણી સંખ્યામાં ફ્રાન્સમાં ચેપ ફેલાયો છે અને મરણાંક ચાર ગણો ઊંચો ગયો છે. ફ્રેન્ચ નાગરિકોના નાણાંથી લેબ તૈયાર થઈ હતી, જેથી ચોથી પેઢીના વાયરસને શોધીને નાથી શકાય. ટેલિકોમમાં જે રીતે 2જી, 3જી હોય છે, તે રીતે આ લેબોરેટરીને ‘P4’ કક્ષાની ગણાવાઇ હતી – ‘ક્લાસ 4 પેથોજન્સ’ પર તપાસ કરી રહેલા સ્ટાફને વિશેષ તાલીમ પણ અપાઈ હતી, જેથી વધુ ઘાતક અને અજાણ્યા અને નવા વાયરસ સામે સુરક્ષિત રહીને કામ થઈ શકે.

લેબની પાછળનો એક વિચાર એ હતો કે નવો વાયરસ ફેલાતો રોકવો અશક્ય છે, પણ એકવાર ફેલાઇ તે પછી તેને કાબૂમાં રાખવા માટે કેવી રીતે કામ કરી શકાય તેની પદ્ધતિ વિકસાવી રાખવી જરૂરી છે. જે વિસ્તારમાં ચેપ ફેલાયો હોય ત્યાં રહીને લેબ ટેસ્ટિંગનું કામ સુરક્ષિત કરવું જરૂરી બને. સાથે જ દર્દીઓની સારવારની પદ્ધતિ પણ વિકસાવવી પડે, જેથી સારવાર પણ થાય અને ચેપ આગળ ના વધે. સારવારની રીત અને રસી માટેના પ્રયત્નો પણ લેબમાં ચાલતા રહે.

વક્રતા એ પણ છે કે ચીન સાથે સહયોગની વાત આવી ત્યારે ફ્રેન્ચ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચના વડાનો એક ઇન્ટરવ્યૂ પણ પ્રગટ થયો હતો. તેમને પૂછાયેલું કે શું ચીન રોગચાળાનો સામનો કરી શકનારી મહાસત્તા તરીકે ઊપસી આવશે? તેમણે કહેલું કે ચીનની આવી મહત્ત્વાકાંક્ષા છે જ અને ચીન ફ્રાન્સમાં તૈયાર થનારા ERINHA પ્રોજેક્ટમાં કામ કરવા પણ તૈયાર છે. આ પ્રોજેક્ટ એટલે યુરોપિયન રિસર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓન હાઇલી પેથોજેનિક એજન્ટ્સ. હવે ચીન મહાસત્તા બનવાના બદલે સૌથી પહેલાં તેનો ભોગ બન્યું. એટલું જ નહિ સમયસર પારખી પણ ના શક્યું અને ઝડપથી કાબૂમાં પણ ના લઈ શક્યું.

બીજી બાજુ જોવા જાવ તો એવું કહી શકાય કે ચીનાઓ કરતાં ફ્રાન્સના અને યુરોપના આરોગ્ય નિષ્ણાતો આ બાબતમાં વધુ નબળા સાબિત થયા છે. ચીનના આંકડાં સાચા હોવાનું કારણ નથી, પરંતુ ઉપલબ્ધ આંકડાં પ્રમાણે તો એક તબક્કે ચેપને ચીને અટકાવ્યો અને અત્યારે કામ કરતું પણ થઈ ગયું છે. બીજી બાજુ યુરોપના દેશોમાં ચેપ ક્યાંયનો ક્યાં પહોંચી ગયો છે અને હજી ક્યારેય કાબૂમાં આવશે તે સ્પષ્ટ દેખાતું નથી.


કાવતરું કરીને ચેપ ફેલાવાયો તે બધો બકવાસ સોશ્યલ મીડિયા પૂરતો સારો લાગે, પણ અહીં મૂળ મુદ્દો લેબોરેટરીમાં થતા જોખમી પ્રયોગોની સાવચેતીનો હોય છે. ગમે તેટલી સાવચેતી છતાં દુર્ઘટના થતી હોય છે તે જગતે જોયું છે. અણુ અખતરામાં અત્યંત સાવધાની રાખવામાં આવે છે. અણુ ઉર્જાના મથકો બને ત્યારે તેની સુરક્ષાના પણ મોટા મોટા દાવા થાય છે. પરંતુ રશિયાના ચેર્નોબીલમાં અને વાવાઝાડોના કારણે જાપાનના ફુકુશીમા અણુ પ્લાન્ટમાં સુરક્ષા વ્યવસ્થા પડી ભાંગી હતી તે દુનિયાને જોયું છે.

ફ્રાન્સના વડા પ્રધાને વૂહાનની નજીકને P4 લેબનું ઉદ્ધાટન કર્યું ત્યારે નેચર જેવા પ્રતિષ્ઠિત પ્રકાશનમાં લેખમાં દાવો કરાયો હતો કે મેક્સિમમ-સિક્યુરિટી બાયો-સેફ્ટી સાથેની લેબ શરૂ થઈ છે. વૂહાનની આ લેબને વિશ્વના સૌથી ઘાતક પેથોજન્સ સાથે કામ પાર પાડવા માટે તૈયાર કરી લેવાઈ છે. લેવલ-4 સાથેની બાયોસેફ્ટી સાથેની આવી પાંચથી સાત લેબ 2025 સુધીમાં ચીનમાં તૈયાર કરી લેવાની ગણતરી છે. આ ઉત્સાહનું કારણ છે, પણ સાથે જ થોડી ચિંતા પણ જગાવે તેવું છે એમ લેખમાં ઉલ્લેખ થયો હતો.


તે ચિંતા જ કદાચ સાચી પડી છે. આ બેમાંથી એકાદ લેબમાં ગફલતથી નાનકડો જંતુ છટક્યો અને પછી માંસ બજારથી અથવા સીધી રીતે ફેલાયો. સ્થાનિક ધોરણે ફેલાયો, નગરની બહાર નીકળ્યો અને પછી વિમાનમાં ઊડીને ઠેર ઠેર પહોંચી ગયો. બીજી બાજુ વાસ્તવિકતા એ છે કે જોખમ લઈને સંશોધન કર્યા સિવાય પણ માનવજાત પાસે ઉપાય નથી. વાયરસને મારવા માટે તેને જાણવો પડે અને જાણવા માટે તેને નીકટથી જોવો પડે. તેની સાથેનો આ સંસર્ગ ક્યારે વણસે તે કુદરતી ક્રમ જ કદાચ દીસે છે.

સાધુ કૃષ્ણદાસનો સંદેશ : ‘તમારા ધર્મ પર ચાલો, સૌને પ્રેમ કરો’

પરિવર્તન સરળ રીતે

‘તમારા ધર્મ પર ચાલો. સૌને પ્રેમ કરો.’

એ સાધુ છે, પણ ઉપદેશક નથી. એ રોજ એક જ જગ્યા પર ઊભા રહે, પણ ભિક્ષુક નથી. એ છે સાધુ કૃષ્ણદાસ, જે ભગવદ્દગીતાથી પ્રભાવિત છે.

સફેદ ધોતી અને ઝભ્ભામાં સજ્જ, પચાસથી વધુની વયના સાધુ કૃષ્ણદાસ મુંબઈના અંધેરી (વેસ્ટ)ના વ્યસ્ત એવા જુહૂ સર્કલ ટ્રાફિક સિગ્નલ પર રોજ એક જ જગ્યાએ ઊભા રહે. એમના હાથમાં પ્લે કાર્ડ હોય જેમાં હિંદી-અંગ્રેજીમાં લખેલું હોય છેઃ ‘તમારા ધર્મ પર ચાલો. સૌને પ્રેમ કરો.’

મુંબઈના ભાગદોડવાળા જીવનમાં, ધસમસતાં ભાગતાં વાહનોની વચ્ચે, શરીરે પરસેવો થતો હોય, ધોધમાર વરસાદ વરસતો હોય તો પણ સાધુ કૃષ્ણદાસ ત્યાં જ ઊભા રહીને, ચહેરા પર મૃદુ સ્મિત ફરકાવતા રહીને શાંતિ, પ્રેમ અને આશાના સંદેશનો ફેલાવો કરીને પોતાનું સામાજિક યોગદાન આપે.

કૃષ્ણદાસ છેલ્લા ૧૨ વર્ષથી જૂહુ સર્કલ સિગ્નલ પાસે ઊભા રહે છે, અમુક મિનિટો માટે નહીં, પણ કલાકો સુધી. ઘણા વટેમાર્ગુ એમને જોઈને ટીકા કરે, પણ કૃષ્ણદાસનો જુસ્સો અકબંધ છે. આવી જ સેવા તેઓ જુહૂ બીચ પર પણ આપે. એમના પ્લે કાર્ડમાં લખ્યું હોય છેઃ ‘સબકા મંગલ હો, સભી માતા-પિતા કો પ્રણામ, સભી ગુરુજનો કો પ્રણામ, સભી રક્ષકો કો પ્રણામ, હે ઈશ્વર આપકો પ્રણામ.’

જૂહુ બીચ પર સંદેશનો પ્રસાર કરતાં ફરતાં હોય ત્યારે સ્વામી કૃષ્ણદાસ પક્ષીઓ અને પ્રાણીઓ પ્રત્યે પણ કરુણા બતાવતા જોવા મળે.

આમ કરવાની ઈચ્છા કેમ થઈ? નિસ્વાર્થભાવી, કૃષ્ણદાસ કહે છેઃ ‘ધર્મ તો કૃત્રિમ માનવીએ બનાવેલાં સામાજિક વિભાજનો છે. ધર્મ સૌને માટે સમાન હોય છે. આકાશ, સમુદ્ર અને પૃથ્વીની જેમ ભેદભાવરહિત.’

લોકોનાં દુઃખનું મૂળ કારણ કયું?
કૃષ્ણદાસ સમજાવે છે, ‘મતભેદ. જો લોકો એકબીજાને ખરી રીતે સમજીને રહે તો ગુસ્સો, તિરસ્કાર, ઈર્ષ્યા આપોઆપ દૂર થઈ જાય.’

તમારો આનંદ?
સાધુ કૃષ્ણદાસ કહે છે, ‘રોજ સરેરાશ બેથી ત્રણ લાખ જેટલા વટેમાર્ગુઓ મારી સામે જોઈને સ્મિત કરે. બસ મને એ જ ગમે છે.’

તમારું દુઃખ શું છે?
‘સમગ્ર જગતમાં પ્રવર્તતી યાતના અને હિંસાચાર. દરેક ધર્મના પાયામાં શાંતિ અને સાત્ત્વિક્તા રહેલાં છે. પ્રેમ, સત્ય અને કરુણા દરેક ધર્મના આધાર છે,’ એમ કૃષ્ણદાસ જણાવે છે.

તમારો ઉદ્દેશ્ય?
શાંતિપ્રેમી સાધુ કૃષ્ણદાસ કહે છે, ‘દરેક જણ ખુશ રહે એવું હું ઈચ્છું છું.’

જો બધા કૃષ્ણદાસની જેમ માનતા થાય તો દુનિયામાં પરિવર્તન સરળ બની જાય.

લોકડાઉનમાં બાળકોને એક્ટીવ રાખે છે આ મહિલા

રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસે પોતાનો કાળો કહેર વર્તાવ્યો છે. દેશમાં કોરોનાની પરિસ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ સ્થિતિ ગંભીર છે. ત્યારે દરેક લોકો અત્યારે ઘરમાં જ છે. મોટેરાઓ તો તોય સમજી શકે આ સ્થિતિને પરંતુ આવા સમયને બાળકોને ઘરમાં જ રાખવા તે ખરેખર એક મોટો પડકાર હોય છે અને પેરેન્ટ્સ માટે ખૂબ અઘરું બની જતું હોય છે. 

ત્યારે એક એવા બહેનની વાત કરીએ કે જે બાળકોને ઘરમાં જ એવી એક્ટિવીટીમાં તરબોળ કરી દે છે કે જેનાથી બાળકોને ઘરમાં ને ઘરમાં કંટાળો પણ ન આવે અને આ લોકડાઉનના સમયમાં તેમને ઘર સાથે જોડાયેલા કેટલાક શીખવા જેવા અને જીવન માટે જરુરી એવા કામો પણ શીખવા મળી જાય.  વાત છે ક્રિષ્ના સ્કૂલ ઓફ ગ્રુપના ટ્રસ્ટી તૃપ્તિબહેન ગજેરાની. રાજકોટમાં બાળકો અને એના માતા-પિતાને ઘરમાં રાખવા માટે આ મહિલા દરરોજ સોશિયલ મીડિયા થકી અવનવી એક્ટિવિટી વ્હોટ્સએપ, ફેસબુક જેવા માધ્યમો દ્વારા કરે છે. એ દરરોજ વ્હોટ્સએપ અને ફેસબુકમાં એક પોસ્ટર મુકે છે કે જેમાં એ દિવસની એક્ટિવિટી સાથે કંઇક મેસેજ હોય અને સાથે એ જ એક્ટિવિટી કરતા એમના ફોટો પણ મૂકે. સામે બાળકો એ જોઇને એવી જ એકટીવીટી કરીને એના ફોટો પાડીને એમને મોકલે છે.

તૃપ્તિબેન ચિત્રલેખા.કોમ ને કહે છે અત્યારે દેશભરમાં કોરોનાને કારણે લોકડાઉન હોવાથી ધંધા ઉધોગની સાથે સ્કૂલ અને કોલેજ પણ બંધ છે. આ રોગ સામેની લડત એક જ છે કે ઘરમાં રહીએ. ત્યારે ઘરમાં રહીને લોકો કંટાળો ન અનુભવે એ માટે આ પહેલ કરી છે. જેમાં દરરોજ એક એક્ટિવિટીની માહિતી મૂકૂ અને આ એક્ટિવિટી હું પણ કરું જેથી સામેવાળા વ્યક્તિને એ કરવામાં આનંદ આવે.

અમારી સ્કૂલના તમામ બાળકોના માતા-પિતાના સોશ્યલ મીડિયામાં એ શેર થાય છે અને મારો નંબર જેટલા લોકોના મોબાઇલમાં હોય એ બધાને મારુ સ્ટેટસ બતાવે સાથે ફેસબુકમાં પણ શેર થાય. જેને સારો એવો આવકાર પણ મળી રહયો છે. બાળકો મારા જેવી જ એક્ટિવિટી કરીને મને ફોટા મોકલે છે.

એ કહે છેઃ માત્ર બાળકો માટે જ નહીં, એમના માતા-પિતા પણ એક્વિટ રહે એવી એક્ટિવિટી પણ અમે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, હમણાં અમે પ્રાઉડ ટુ બી ઇન્ડિયન(ભારતીય હોવાનું ગૌરવ છે) નામે એક એક્ટિવિટી કરી હતી. જેમાં બાળકો સાથે એમના વાલીઓએ પણ પરંપરાગત ડ્રેસ પહેરેલા ફોટો શેર કર્યા હતા. મને ઘણા માતાપિતાના ફોન પણ આવે છે કે અમારા બાળકો તમારા કામ કરતા ફોટો જોઇને ઘરકામમાં મદદ કરવા લાગ્યા છે.

જયારથી લોકડાઉનની શરુઆત થઇ ત્યારથી દરરોજ કોઇને કોઇ એકટીવીટી થકી બાળકોને ઘરમાં રાખવાનું કામ તૃપ્તિબેન કરી રહયા છે. એમની એકટીવીટી પણ એવી હોય છે જેમાં બાળકો આનંદભેર જોડાય છે. જેમ કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવો, માતા-પિતા સાથે ચેસ અને કેરમ રમો તો વળી સ્વાસ્થ્યને ધ્યાને લઇને એની પણ પોસ્ટ જોવા મળે. ઘરનું કામ કરો. જેમ કે બટન ટાંકો, કપડા ધોવો અને વાસણ સાફ કરો. તો વળી કોરોનાથી બચવા તમે તમારા પરીવાર માટે કેવી તકેદારી રાખી રહયા છો એના ફોટો અને વિગત શેર કરો. બાળકો યોગા કરતા અને કસરત કરતા તથા પોતાના માતાપિતા સાથેની જૂની યાદોના ફોટો શેર કરે છે.

જીતેન્દ્ર રાદડિયા(રાજકોટ)

ચીને ભારતને પણ PPE કિટ હલકી ગુણવત્તાની પધરાવી?

નવી દિલ્હીઃ દેશમાં પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)ની અછતની સમસ્યામાં હાલ પૂરતું કોઈ રાહત મળે એમ જણાતું નથી. ભારતે પાંચ એપ્રિલે ચીન પાસેથી 1.70 લાખ PPE કિટ આવી હતી. આમાંથી 50,000ની ગુણવત્તા ટેસ્ટમાં નિષ્ફળ થઈ ગઈ હતી. આ કિટની તપાસ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ની લેબોરેટરીમાં થઈ હતી. ચીનથી આવેલાં મેડિકલ સાધનોમાંથી ઘણાં સાધનોનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો, કેમ કે દેશમાં થયેલી તપાસમાં એ નિષ્ફળ રહ્યાં છે, એમ એક સૂત્રએ જણાવ્યું હતું. ચીન આ ઉપકરણોને સપ્લાય કકરવાનો વિશ્વનો સૌથી મોટો નિકાસકર્તા દેશ છે. જોકે કોરોનાની તપાસ માટે ચીનથી 6.5 લાખ ટેસ્ટિંગ કિટ આવી રહ્યાં છે, જે આજે દેશમાં પહોંચવાની અપેક્ષા છે.

 

ચીનથી આવશે 6.5 લાખ ટેસ્ટિંગ કિટ

દેશમાં ચીનથી 6.5 લાખ ટેસ્ટિંગ કિટ ટૂંક સમયમાં આવવાની આશા છે. મોટા ભાગે આ કિટ આજે આવી જવાની સંભાવના છે. આમાં ગ્વાંઝુ વોંડફોથી ત્રણ લાખ અને ઝુહાઇ લિવજોનથી અઢી લાખ રેપિડ એન્ટિ બોડી ટેસ્ટિંગ કિટ્સ આવી રહી છે.  આ સિવાય એમજીઆઇ શેનજેનથી એક લાખ આરએનએ કિટ્સ આવી રહી છે.

ચીનનો PPE હલકી ગુણવત્તા કિટની વિશ્વભરમાં સપ્લાય

કોરોના વાઇરસ ઉદઘમ સ્થાન ચીનથી વિશ્વભરમાં ફેલાયો હતો, પણ પછી ચીનના ત્યાંથી મેડિકલ સપ્લાયને નામે વિશ્વની સાથે મજાક કરી રહ્યું છે. યુરોપીય અનેક દેશોમાં ચીને હલકી ગુણવત્તાની PPE કિટ મોકલી રહ્યું છે.

સોશિયલ મિડિયામાં વિડિયો વાઇરલ

સોશિયલ આવા તમામ વિડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેમાં ચીને મોકલેલી PPE કિટ પહેરતાં જ ફાટી જાય છે. માસ્કને નામે ચીને શરમજનક હરકત કરી હતી. પાછલા દિવસોમાં ચીને સદાબહાર મિત્ર પાકિસ્તાનને અંડરવેરથી બનેલા માસ્ક મોકલ્યા હતા. જોકે ચીને ભારત સાથે પણ ભદ્દી મજાક કરી હતી.

દેશમાં ચીનથી આવેલી PPE કિટમાં એક ચતુર્થાંશ કિટ હલકી ગુણવત્તા

પાંચ એપ્રિલ સુધી દેશમાં ચીનથી આશરે 1.70 લાખ PPE કિટની સપ્લાય તો કરી, પણ એમાંથી 50,000 કિટની ગુણવત્તા સાવ હલકી છે.

દેશમાં દરરોજ એક લાખ PPEની કિટ જરૂર

સરકારી અધિકારીઓનું કહેવું છે કે તેઓ માત્ર CE/FDAથી માન્યતા પ્રાપ્ત PPEની જ ખરીદી કરી રહ્યા છે. જોકે સરકારને કેટલાંય કન્સાઇન્ટમેન્ટ ડોનેશન તરીકે પણ મળ્યાં છે. જોકે દેશમાં હાલ દરરોજ એક લાખ PPE કિટની જરૂર છે.

ચીન, જાપાન અને કોરિયાથી મોટા ભાગની કિટની આયાત

દેશમાં મોટે ભાગે PPE કિટ ચીન, જાપાન અને કોરિયાથી આવે છે. જોકે જાપાન અને કોરિયાની કિટ્સ બહુ મોંઘી છે. વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસને લીધે યુરોપ અને અમેરિકાએ હવે નિકાસ માટે આ કિટ્સ બનાવવી બંધ કરી દીધી છે.

 

પહેલીવાર વર્ષગાંઠ પર સંપૂર્ણ બંધ છે પેસેન્જર ટ્રેન

પટના: લોકડાઉન વચ્ચે કેટલીક એવી ઘટનાઓ છે જે પ્રથમ વખથ થઈ રહી છે. દેશમાં પ્રથમ યાત્રી ટ્રેન આજના જ દિવસે 16 એપ્રિલ 1853ના રોજ દોડી હતી. મહારાષ્ટ્રના બોરીબંદરથી થાણે સુધી શરુ થયેલી આ ટ્રેને 33.7 કિલોમીટરનું અંતર કાપ્યું હતુ જેમાં સવા કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ટ્રેનમાં સિંધ, સાહિબ અને સુલ્તાના નામના ત્રણ એન્જિનો લાગ્યા હતા અને 14 ડબ્બા જોડેલી આ ટ્રેન 400 મુસાફરોને લઈને ગઈ હતી.

દેશમાં 167 વર્ષ પહેલા શરુ થયેલી રેલવે સેવા આજે કોરોના વાઈરસને કારણે સંપૂર્ણપણે બંધ છે. ભારતીય રેલવેની 12 હજારથી વધુ ટ્રેનોમાં દરરોજના લગભગ અઢી કરોડછી વધુ મુસાફરો સફર કરે છે, આ સંખ્યા વિશ્વના કેટલાક દેશોની કુલ વસ્તી કરતા પણ વધારે છે. 14 લાખ કર્મચારીઓ ધરાવતા ભારતીય રેલવેના આ નેટવર્કને કોરોના વાઈરસને કારણે હવે આગામી 3 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

1862માં થયું હતું પટના જંક્શનનું નિર્માણ

પટના જંક્શનને 1862માં બ્રિટિશ ભારતના બેકીપુર જંક્શન તરીકે ખોલવામાં આવ્યું હતું. અહીં રેલવે લાઈનનું નિર્માણ 1855માં શરુ થયું અને 1862માં પૂર્ણ થયું હતું. આ રેલવે લાઈનના નિર્માણ માટે કાચો માલ અને તૈયાર માલ માટે ગંગા નદીના જળ પરિવહનના માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે આ સ્ટેશન પૂર્વ મધ્ય રેલવે ઝોન હેઠળ આવે છે.

ભારતમાં રેલવેનો પ્રસ્તાવ 1844માં એ સમયના ગવર્નર જનરલ લોર્ડ હાર્ડિંગે રાખ્યો હતો. ત્યાર પછી 1851માં રુડકીમાં અમુક નિર્માણકાર્યમાં માલસામાનની હેરફેર માટે રેલગાડીનો ઉપયોગ થયો. 22 ડિસેમ્બર 1851માં રુડકીમાં દેશની પ્રથમ માલગાડી ટ્રેન દોડી હતી. ભારતમાં રેલવેમાર્ગની લંબાઈ 63 હજાર કિલોમીટર કરતા પણ વધારે છે. આઝાદી પછી ભારતમાં રેલમાર્ગનું નિર્માણ ઘણુ ઓછુ થયું. 1951માં ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.

‘ખૂબસૂરત’, ‘ખટ્ટામીઠા’ ફિલ્મોના અભિનેતા રણજીત ચૌધરીનું નિધન

મુંબઈઃ 1980ની સાલમાં આવેલી હળવીફૂલ કોમેડી ફિલ્મ ‘ખૂબસૂરત’માં રેખા અને રાકેશ રોશન સાથે અભિનય કરનાર રણજીત ચૌધરીનું અમેરિકામાં નિધન થયું છે. તેઓ 65 વર્ષના હતા અને જાણીતા અભિનેત્રી પર્લ પદમશીનાં પુત્ર હતા.

ફિલ્મ ઉપરાંત ટીવી અને રંગભૂમિના અભિનેતા રણજીતે ‘બેન્ડિટ ક્વીન’, ‘બાતોં બાતોં મેં’, ‘ખૂબસૂરત’, ‘ખટ્ટામીઠા’, ‘મિસિસિપી મસાલા’ જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

રણજીત ચૌધરીના નિધનના સમાચાર એમના સાવકા બહેન અને અભિનેત્રી રાએલ પદમશીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કર્યા હતા. એમણે તસવીરમાં લખ્યું છેઃ રણજીત ચૌધરી ‘છોટુ’, જન્મ 19-9-1955, સ્વર્ગવાસ 15-4-2020.

રણજીત મુંબઈનિવાસી રંગભૂમિ અભિનેત્રી પર્લ પદમશીના પુત્ર હતા અને લેખક તથા રંગભૂમિ કલાકાર સ્વ. એલેક પદમશીના સાવકા પુત્ર હતા.

અભિનેતા રાહુલ ખન્ના અને નિર્દેશિકા દીપા મહેતાએ રણજીત ચૌધરીના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

રણજીત ચૌધરી 1980માં જ અમેરિકામાં સ્થાયી થઈ ગયા હતા અને ત્યાં લેખક તથા અભિનેતા તરીકે જીવન જીવતા હતા.

રણજીતે ‘લોન્લી ઈન અમેરિકા’, ‘સચ અ લોન્ગ જર્ની’ જેવી અમુક હોલીવૂડ/બ્રેકવે ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

રણજીતે એક અમેરિકન ટીવી સિરીઝ ‘પ્રિઝન બ્રેક’માં પણ અભિનય કર્યો હતો. એમાં બે એપિસોડમાં એમણે ડો. મેરવિન ગુડાટનો રોલ કર્યો હતો. તે ઉપરાંત રણજીતે દીપા મહેતાની સિરીયલ ‘સેમ એન્ડ મી’ માટે પટકથા પણ લખી હતી.

કહેવાય છે કે રણજીતને છેલ્લા અમુક મહિનાઓથી એક રોગ થયો હતો અને એમને સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તે પ્રક્રિયામાં એ બચી શક્યા નહીં.

કોરોના માટે ટેસ્ટિંગ વધારવું બહુ જરૂરીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પત્રકાર પરિષદ સંબોધી કરી હતી. તેમણે દેશમાં કોરોનાના વધતા કેસો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે મારી વાતોને ટીકા સ્વરૂપે ના લેતાં, પણ  સૂચનો તરીકે લેજો. હું રચનાત્મક સૂચનો કરવા માગું છું. તેમણે કહ્યું હતું કે લોકડાઉન એ કોરોનાનો ઇલાજ નથી. લોકડાઉનથી કોરોનો સામે કાબૂ નહીં મેળવી શકાય. લોકડાઉન પૂરું થયા પછી વાઇરસ ફરી હુમલો કરશે. કોરોના વાઇરસ સામે મોટા પાયે ટેસ્ટિંગ કરવું જોઈએ. કોરોના માટે ટેસ્ટિંગ વધારવું બહુ જરૂરી છે. તેમણે કેરળનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે નીચલા સ્તરે યોગ્ય કામ થયું છે.

ટેસ્ટિંગ મોટા પાયે નથી થઈ રહ્યું

તેમણે કહ્યું હતું કે ટેસ્ટિંગ જે પ્રમાણે થવું જોઈએ એ રીતે થઈ નથી રહ્યું. કોવિડ-19ની સામેની લડાઈ સામે ભારત પાસે રેપિડ ટેસ્ટ કિટ નથી આવી રહી. બાકી દેશોએ ટેસ્ટ કિટ પહેલેથી મગાવી લીધી હતી. ભારતે ટેસ્ટિંગ કિટની વ્યૂહાત્મક રણનીતિ બનાવવી જોઈએ. ટેસ્ટિંગ કિટ માટે ભારતે રસ્તો શોધવો પડશે.

તેમણે પત્રકારોના સવાલના જવાબ આપ્યા હતા, જેના અંશ નીચે મુજબ છે.  

  • દેશમાં લોકડાઉન એ કોરોનાનો ઇલાજ નથી
  • વાઇરસ સામે લડવા માટે ટેસ્ટિંગ કરવું બહુ જરૂરી છે.
  • કોરોનાથી ટેસ્ટિંગ વધુ ને વધુ કરવામાં આવવી જોઈએ.
  • કેરળમાં કોરોનાને હરાવવામાં સફળતા મળી
  • વાઇનાડમાં કોરોનાને હરાવવા સફળતા મળી
  • વડા પ્રધાન મુખ્ય પ્રધાનોને અને DMને સત્તા આપે
  • દેશમાં હાલ ઇમર્જન્સી જેવી પરિસ્થિતિ પ્રવર્તે છે
  • કોરોનાથી લડવા માટે જાહેર કરેલા 1.70 લાખ કરોડનું રાહત પેકેજના પૈસા રાજ્યો સુધી ઝડપથી નથી પહોંચી રહ્યા
  • લોકડાઉન એ કંઈ કોરોના સામેનો ઇલાજ નથી, કોરોના ખતમ નહીં થાય, પણ પાછો ઠેલાયો છે.
  • રાહુલે કહ્યું હતું કે હું આરોપ-પ્રત્યારોપમાં નથી પડવા માગતો.
  • હું ઇચ્છું કે દેશ કોરોના સામે એકજૂટ થઈને લડે.
  • કોરોનાથી લડાઈ રાજ્ય અને જિલ્લા સ્તરે છે. વડા પ્રધાને રાજ્યોને ફંડ આપવાનું ધ્યાન રાખવું જોઈએ.
  • 20 ટકા ગરીબ લોકોનાં ખાતાંઓમાં સીધા પૈસા મોકલવા જોઈએ, કેમ કે આ વર્ગને સૌથી વધુ મુશ્કેલી છે.
  • કોંગ્રેસની ન્યાય યોજનાનું નામ બદલીને ઉપયોગ કરી લો.
  • ગોદામથી અનાજ લોકો સુધી પહોંચી નથી રહ્યું.
  • દેશ પર નાણકીય દબાણ વધવાનું છે.
  • લોકડાઉન ખૂલવા પહેલાં સરકારે તૈયારી કરવી જોઈએ.
  • લોકડાઉન ખતમ થયા બાદ કોરોના ફરી ફેલાશે.
  • ગરીબ અને મજૂરોની સ્થિતિ દયનીય છે.
  • સરકારે મોટા ઉદ્યોગોને આર્થિક સુરક્ષા આપવી જોઈએ.
  • લોકડાઉનથી કોરોના પર કાબૂ નહીં મેળવી શકાય
  • કોરોનાને ખતમ નહીં કરી શકાય, પણ સામનો કરી શકાશે
  • કેન્દ્ર સરકારે પ્રવાસી મજૂરોની પરેશાનીને ધ્યાનમાં લેવી જોઈએ
  • રાજ્યોને વધુ નિર્ણયો લેવાની સત્તા આપવી જોઈએ.
  • જ્યાં કેસ ના હોય ત્યાં પણ કોરોનાનું ટેસ્ટિંગ થવું જોઈએ.
  • કેરળ મોડલથી હારશે કોરોના
  • ટેસ્ટિંગ વધારો, કોરોના હરાવો
  • રાજ્યોને લોકડાઉનનો નિર્ણય કરવા દો.
  • કોરોના સામેની લડાઈ લાંબી છે
  • સરકારે વ્યૂહરચના બનાવીને રેન્ડમ ટેસ્ટિંગ કરવું જરૂરી છે.
  • સરકાર નાના ઉદ્યોગોને આર્થિક રાહત આપવી જોઈએ
  • કોરોનાથી ડરવાની જરૂર નથી
  • અમારું કામ સરકારને સલાહ આપવાનું છે, સરકારની મરજી માને ના માને.
  • મોદી સાથે ઘણી બાબતોમાં હું અસંમત છું, પણ આજે લડવાનો સમય નથી
  • લોકડાઉન દરમ્યાન સરકારે ગરીબ પરિવારોને 10 કિલો ઘઉં-ચોખા, એક કિલો દાળ, એક કિલો ખાંડ દર સપ્તાહે આપવું જોઈએ.
  • પ્રવાસી મજૂરો અન્ય રાજ્યોમાં ફસાઈ ગયા છે, એ સૌથી મોટો મુદ્દો છે.
  • જીવન સૌથી જરૂરી છે, આમાં આપણે જિંદગીઓ બચાવવી એ પ્રાથમિકતા છે અને અર્થતંત્રને પણ બચાવવાનું છે.
  • કોરોના સામે જાતિ-ધર્મથી ઉપર ઊઠીને લડવાનું છે

લોકડાઉન વચ્ચે પોલિસીધારકો માટે આવ્યા મોટા સમાચાર

નવી દિલ્હી: કોરોના વાઈરસના લીધે કેટલાંય દેશોના અર્થતંત્ર પર ઊડી અસર પડી છે. ભારત પણ આમાંથી બાકાત નથી. કેન્દ્ર સરકાર પ્રજાને રાહત આપવા માટે શકય દરેક પગલાં ઉઠાવી રહ્યું છે. હવે લોકડાઉનના પગલે નાણામંત્રાલયે તમામ પોલિસીધારકોને રાહત આપતા વીમા પ્રિમિયમ ભરવા અથવા પોલિસી રિન્યુ કરવામાં મોટી રાહત આપી છે.

નાણામંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું છે. જે પોલિસીધારકોના સ્વાસ્થ્ય અને મોટર (થર્ડ પાર્ટી) વીમા પોલિસી રિન્યુ નથી થઈ શકી તેમની મુશ્કેલીઓને ઓછી કરતા સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. તેના અનુસાર તમામ પોલિસીધારક 15 મે કે તેની પહેલા ચૂકવણી કરીને પોતાની પૉલિસી રિન્યુ કરાવી શકે છે.

એસોચેમનું કહેવું છે કે લોકડાઉનાન લીધે અર્થતંત્રને દરરોજનું 26000 કરોડનું નુકસાન થતુ હોવાની આશંકા છે. હવે ઉદ્યોગજગતની માંગણી છે કે સરકાર બિઝનેસને થયેલા લાખો કરોડો રૂપિયાની નુકસાની માટે એક રાહત અને ઇકોનોમિક સ્ટિમ્યુલસ પેકેજ આપે.

એસોચેમના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ.નિરંજન હીરાનંદાનીએ એક નિવેદનમાં કહ્યું કે લોકડાઉનના લીધે અર્થતંત્રને દરરોજ 26000 કરોડની નુકસાનીની આશંકા છે. એવામાં લોકડાઉનથી છૂટ એક યોગ્ય નિર્ણય છે. કંસ્ટ્રકશન વર્કર્સને સાઇટ પર રાખવામાં મુશ્કેલી પડી રહી છે. ઉદ્યોગજગતની માંગણી છે કે તેને જે નુકસાન થયું છે તેની ભરપાઇ માટે સરકાર એક રાહત પેકેજ આપે. ફિક્કીના અધ્યક્ષ ડૉ.સંગીતા રેડ્ડીએ એક નિવેદનમાં કહ્યું કે હવે એ જરૂરી હશે કે સરકાર એક રાહત અને એક આર્થિક પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરે તેનાથી રોજગાર અને વેપારની સુરક્ષાને પુન:સ્થાપિત કરી શકાય

 

 

ગુજરાતમાં કોરોનાનો આતંકઃ 105 નવા કેસ, અમદાવાદના 42

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસે રીતસરનો હાંહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોના સતત પ્રસરી રહ્યો છે અને રાજ્યના 23 જિલ્લામાં પહોંચી ગયો છે. કોરોનાના પગલે કચ્છમાં પહેલું મોત થયું છે. આ સાથે જ રાજ્યનો કુલ મૃત્યુઆંક 36 થયો છે. જ્યારે કુલ 871 દર્દીઓમાંથી 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આમ બુધવાર સાંજ સુધીમાં 791 કેસ નોંધાયા હતા અને જે વધીને હવે 871 થયા છે.

રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાતથી આજે સવાર સુધી નવા કુલ 105 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 42 નવા કેસ નોંધાયા છે. સુરતમાં 35, વડોદરામાં 6, રાજકોટમાં 3, બનાસકાંઠામાં 4, આણંદમાં 8 , નર્મદામાં 4 અને ગાંધીનગર, ખેડા, પંચમહાલમાં એક એક નવા કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ 871 કેસ નોંધાયા છે. જેમાં વેન્ટિલેટર ઉપર 5 લોકો છે અને 767 લોકો સ્થિર હાલતમાં સારવાર હેઠળ છે. અમદાવાદમાં જુહાપુરા, જમાલપુર, દાણીલીમડા, મણિનગર, મેઘાણીનગર, સરસપુર અને ગોમતીપુરનો સમાવેશ થાય છે.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કુલ 871 પોઝિટિવ કેસ થયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક 36 થયો હોવાનું જણાવ્યું છે.

કોરોનાના વધતી જતી ચિંતા સામે ટેસ્ટિંગનું પ્રમાણ વધ્યું છે. અત્યાર સુધી કુલ 20 હજાર 204 ટેસ્ટ થયા છે. ગત 24 કલાકમાં 2971 કેસ ટેસ્ટ કર્યા હતા. જેમાં 177 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના ટેસ્ટનું પ્રમાણ એક મિલિયન પર 267 થાય છે, જે ભારતમાં આંકડો 177 છે. 24 કલાકમાં 2794 નેગેટિવ કેસ થયા છે.