Home Blog Page 4854

ભારતમાં આ વર્ષે ચોમાસું નોર્મલ રહેશેઃ હવામાન વિભાગની આગાહી

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે છેલ્લા એક મહિનાથી હેરાન-પરેશાન થઈ રહેલા ભારતવાસીઓ માટે રાહતના સમાચાર છે કે આ વર્ષે નૈઋત્યનું ચોમાસું નોર્મલ રહેશે એવી ભારતીય હવામાન વિભાગે આજે આગાહી કરી છે.

કેન્દ્રના અર્થ સાયન્સીસ મંત્રાલયના સચિવ માધવન રાજીવને અહીં પત્રકારોને કહ્યું હતું કે આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. સમગ્ર ચોમાસાની દ્રષ્ટિએ વરસાદનું પ્રમાણ 100 ટકા રહેશે, પાંચ ટકા વધઘટની શક્યતા રહી શકે.

કેન્દ્ર સરકાર હસ્તકના ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ આ વર્ષે દેશમાં ચોમાસું સરેરાશ અથવા સામાન્ય રહેશે અને કુલ વરસાદ 96-104 ટકા જેટલો પડશે. ચાર મહિનાની ચોમાસાની મોસમનો આરંભ જૂન મહિનાથી થશે.

ચાર મહિનાનું ચોમાસું 1 જૂનથી શરૂ થશે અને 30 સપ્ટેંબર સુધી ચાલશે. 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે અને તે બાદમાં ધીમે ધીમે આખા દેશમાં આગળ વધતું હોય છે.

ગયા વર્ષે ચોમાસું સફળ રહ્યું હતું અને વરસાદ ખૂબ પડ્યો હતો. 1994ની સાલ બાદ છેલ્લા 25 વર્ષમાં સૌથી વધારે વરસાદ ગયા વર્ષે પડ્યો હતો. ગયા વર્ષનું ચોમાસું નોર્મલથી વધારે રહ્યું હતું.

ભારતનું અર્થતંત્ર 50 ટકાથી વધારે ખેતીવાડી પર નિર્ભર રહેતું હોવાથી ચોમાસું સારું જાય એ ખૂબ જરૂરી હોય છે.

હવે બદરુદ્દીન શેખને ય કોરોનાઃ રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ

અમદાવાદ:  કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ આજે AMCના પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દીન શેખનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.  તો બીજી બાજુ ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારના પણ આજે કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. મહત્વનું છે કે ગઈકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકોએ ઈમરાન ખેડાવાલા સાથે બેઠક કરી ત્યારબાદ તેને સાંજે ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્રમા ફફડાટ વ્યાપી ગયો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આજે  હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ડો.અતુલ પટેલે ગુજરાતના જાણીતા ડો. આર કે પટેલ સાથે પરીક્ષણ કર્યુ હતું. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી રૂપાણી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે. તેઓ પોતાના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેક્નોલોજીના ઉપયોગથી વીડિયો કોન્ફરન્સ, વીડિયો કોલિંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે. દરમિયાન તેઓ એક સપ્તાહ સુધી કોઈને પણ મળી શકશે નહીં. રૂપાણી સરકારની તમામ કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન ટેક્નોલોજીના ઉપયોગથી મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાબેતા મુજબ કરશે તેમ મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું છે. WHOની ગાઈડલાઈન મુજબ CM વિજય રૂપાણી કોઈને મળી શકશે નહીં.

ઈમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમનો ભત્રીજો અને ડ્રાઈવર હોમ ક્વોરન્ટીન થયા છે. જ્યારે MLAના સંપર્કમાં આવેલા 30 લોકોના સેમ્પલ લેવાયા હતા. ગુજરાતમાં કોરોના પોઝિટિવના દર્દીઓમાં 56 નોંધાયા જેમાં અમદાવાદમાં સૌથી વધુ 42 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં પોઝિટિવ કેસોનો આંકડો 695 કેસ થયા છે. આજે કોરોનાના કારણે બે દર્દીના મોત થયા છે. જેમાં વડોદરામાં 14 વર્ષીય બાળકી અને સુરતમાં 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું હતું.

મધ્ય-પૂર્વમાંથી શ્રમિકોને પરત લાવવા સરકાર વ્યવસ્થા કરેઃ રાહુલ

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારને મધ્ય-પૂર્વના દેશોમાં ફસાયેલા ભારતીય શ્રમિકોને પરત લાવવા માટે વિમાનની વ્યવસ્થા કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસના રોગચાળાને કારણે મધ્ય-પૂર્વમાં વેપાર-ધંધા બંધ હોવાને કારણે શ્રમિક ત્યાં મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

રાહુલે કર્યું ટ્વીટ

રાહુલે એક ટ્વીટ કરીને કહ્યું છે રે મધ્ય-પૂર્વમાં કોરોના વાઇરસના સંકટ અને વેપાર-ધંધા બંધ થવાને કારણે હજ્જારો ભારતીય શ્રમિકો ઘેરા સંકટમાં મુકાઈ ગયા છે અને ઘરે પાછા ફરવા માટે ઉત્સુક છે. સરકારે આ ભાઈ-બહેનોને મદદ કરવાની જરૂર છે અને તેમને પરત ફરવા માટે વિમાનની વ્યવસ્થા કરવી જોઈએ. અને તેમને ક્વોરોન્ટાઇન કરવા જોઈએ. જો વિશેષ વિમાન દ્વારા ચીન, ઇરાન અને ઇટાલી સહિત અન્ય દેશોમાં ફસાયેલા લોકોને પાછા લાવવામાં આવ્યા છે અને તેમને અલગ-અલગ જગ્યાએ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

દેશમાં કોરોના વાઇરસના કુલ 11,439 કેસ

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર થયેલા ડેટા મુજબ ભારતમાં કોવિડ-19ના કુલ 11,439 કેસો નોંધાયા છે. આમાંથી 9,756 સક્રિય કેસ છે, જ્યારે 1,305 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે આ રોગે અત્યાર સુધી દેશમાં 377 લોકોનો ભોગ લીધો છે. દેશમાં મહારાષ્ટ્ર સૌથી કોરોનાગ્રસ્ત રાજ્ય છે. અહીં કુલ 2,687 કેસો નોંધાય છે, ત્યાર બાદ નવી દિલ્હીમાં 1,561 કેસ, તામિલનાડુમાં 1,204 કેસ સામે આવ્યા છે.

વિશ્ભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18 લાખને પાર થઈ ગઈ છે. વિશ્વમાં કોરોના સંક્રમિત દેશોની સંખ્યા 213 છે.

 

કંકુના પાત્રને જીવી જવા બદલ પલ્લવી મહેતા કાયમ યાદ રહેશે

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મના શોખીનોને યાદગાર ગુજરાતી ફિલ્મ કંકુ યાદ જ હશે. આવા ફિલ્મ શોખીનો માટે ગઇકાલનો દિવસ દુઃખદ બની રહ્યો કેમ કે, આ ફિલ્મમાં કંકુનો રોલ ભજવનાર હિરોઇન પલ્લવી મહેતાનું ગઇકાલે અમદાવાદમાં નિધન થયું છે. જ્યારે ગુજરાતી ફિલ્મોની વાત નીકળે ત્યારે ચોક્કસ કંકુનું નામ આવે જ .

કંકુ ફિલ્મમાં યાદગાર અભિનય માટે પલ્લવી મહેતાને એ સમયે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. એકદમ સરળ સ્વભાવ, લાગણીશીલ વ્યક્તિત્વ અને નેચરલ એક્ટિંગ આ એમના જીવનના કેટલાક મહત્વનાં પાસાઓ હતા.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પલ્લવીબહેનના દીકરી સોનાલી મહેતા કહે છે, મારા પિતાની નોકરી એવી હતી કે દર ત્રણ-ચાર વર્ષે શહેર બદલવાનું થતું. મુંબઈમાં મમ્મીના ભાઈ રહેતા હતા. તેમના પાડોશી એટલે કાંતિલાલ રાઠોડ, જેમણે આ કંકુ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. તે સમયે મારા મમ્મી કોલકાતામાં થિયેટર કરતા હતા અને કાંતિલાલ ભાઈ મમ્મીના કામથી પરિચિત હતા. એક દિવસ તેમણે સામેથી મમ્મીને કહ્યું કે હું એક ફિલ્મ કરી રહ્યો છું તો તેમાં તમે કામ કરશો? મારા પપ્પાએ પણ મમ્મીને કહ્યું કે, કર આ ફિલ્મ.  બસ, પછી એવી રીતે આ ફિલ્મ બની.

સોનાલીબહેન કહે છેઃ મમ્મીને 1969માં શિકાગો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. પછી મારા ફાધરની ટ્રાન્સફર દિલ્હીમાં થઈ. તે સમયે તેમને ગુજરાતમાં ઘણી ફિલ્મોની ઓફર આવી હતી પરંતુ તેમણે પોતાના પરિવારને પ્રાયોરિટી આપી અને નક્કી કર્યું કે મારે બાળકોને મૂકીને શૂટિંગ માટે દિલ્હીથી ગુજરાત અને ગુજરાતથી દિલ્હીની દોડાદોડ નથી કરવી. પછી તેમણે દિલ્હીમાં ગુજરાતી અને હિંદી થિયેટર કર્યા. દિલ્હીમાં તેમણે સાક્ષી તનવર, પંકજ કપૂર, અનુ કપૂર સહિતના કેટલાક જાણીતા લોકો સાથે કામ કર્યું. તે સમયે તેમણે “કિસી એક ફૂલ કા નામ” સહિતના કેટલાક નાટકોમાં પણ કામ કર્યું હતું.

એ પછી પલ્લવીબહેને 1974 માં મુંબઈમાં વિજય દત્ત સહિતના કલાકારો સાથે ડ્રામામાં કામ કર્યું. 1975 થી 1990માં કોલકાત્તામાં હિંદી નાટકો, દૂરદર્શન પરની હિંદી સીરિયલો તેમજ હિંદી ફિલ્મોમાં કામ કર્યું. પછી તેઓ અમદાવાદમાં આવી ગયા. અમદાવાદમાં ચીનુ મોદી સાથે ઘણા નાટકોમાં અને સીરિયલોમાં પણ કામ કર્યું.

છેલ્લા બે ત્રણ વર્ષથી તબિયત થોડી બગડી એ પછી તેમણે કામ કરવાનું થોડું ઓછું કરી દીધું હતું.

પલ્લવી મહેતા એકદમ શાંત સ્વભાવના વ્યક્તિ હતા અને જ્યારે સ્ટેજ પર આવે ત્યારે એક અલગ જ વ્યક્તિ તરીકે તરી આવતા. ખૂબ સરળ સ્વભાવના હતા. તેમને ટ્રાન્સમીડિયામાં લાઈફ ટાઈમ અચિવમેન્ટ અવોર્ડ પણ મળ્યો હતો. એ 86 વર્ષની પોતાની લાઈફ ભરપૂર આનંદ સાથે જીવ્યા છે.

પલ્લવીબેનના એક આત્મીય સ્વજન અને જાણીતા કલાકાર રુપા દિવેટીયાએ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છેઃ એકદમ નેચરલ એક્ટિંગ કરતા એક અભિનેત્રી હતા. તેઓ એકદભ મૃદુભાષી હતા અને ગજબની ભાષા શુદ્ધી ધરાવતા વ્યક્તિ હતા. 69 ના સમયમાં તેમણે જાણે કંકુના પાત્રને આત્મસાત કર્યું હોય તેવી રીતે એકદમ નેચરલી ભજવ્યું હતું. પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તા પરથી બનાવેલી આ ફિલ્મ હતી. તે સમયે ફિલ્મોનો એક આખો અલગ દોર હતો અને એવા સમયમાં આ ફિલ્મ જ્યારે રીલીઝ થઈ હતી ત્યારે તેમના અભિનયને લઈને તેમના ખૂબ વખાણ થયા હતા.

રૂપાબહેન કહે છે, જો એમણે તે સમયે ગુજરાતી ફિલ્મોમાં વધારે કામ કર્યું હોત તો આજે ચોક્કસરીતે કંઈક અલગ સ્ટેજ પર તેમનું નામ હોત, પરંતુ તેમણે પોતાના પરિવાર અને બાળકો પર વધારે ધ્યાન આપવાનું નક્કી કર્યું અને એટલે વધારે ગુજરાતી ફિલ્મો ન કરી. જો કે, આમ છતાં કંકુ તરીકે, કંકુના પાત્રને જીવી જવા બદલ એક ઉત્તમ અભિનેત્રી તરીકે અને સહજ ઉમદા વ્યક્તિ તરીકે પલ્લવીબહેન આપણા સૌના દિલમાં સદાય જીવંત રહેશે.

ગુજરાતમાં વધુ 56 કેસઃ 42 અમદાવાદના, કોટ વિસ્તારમાં કર્ફ્યુ

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસને લઈને દિવસેને દિવસે સ્થિતિ બગડતી જઈ રહી છે. ગુજરાતમાં રોજે-રોજ નવા કેસો સામે આવી રહ્યા છે જેને લઈને ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 56 જેટલા વધુ નવા કેસો નોંધાયા છે. આ નવા 56 કેસો પૈકી 42 કેસો અમદાવાદના છે. 2 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં કોરોનાની ભયંકર સ્થિતિને ધ્યાનમાં રાખતા અમદાવાદના કોટ વિસ્તારમાં સરકાર દ્વારા કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. અને અમદાવાદના કોટ વિસ્તારમાં જ સૌથી વધુ કેસો નોંધાયા હોવાની વિગતો પણ સામે આવી છે. અમદાવાદમાં અત્યારસુધીમાં કુલ 404 જેટલા કોરોના વાયરસના કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સ્થિતિની વાત કરીએ તો વેન્ટીલેટર પર 8 દર્દીઓ છે, અને 598 દર્દીઓ સ્ટેબલ છે. આ સાથે હોસ્પિટલમાંથી 59 લોકોને ડીસ્ચાર્જ કરાયા છે અને 30 લોકોના મૃત્યું થયા છે. અમદાવાદમાં આજે 42 નવા કેસો સામે આવ્યા છે. જેમાં 24 પુરુષ અને 18 મહિલાઓનો સમાવેશ થાય છે. સુરતમાં નવા 6 કેસમાં 5 પુરુષો અને 1 મહિલાનો સમાવેશ થાય છે. વડોદરામાં નવા 3 કેસોમાં 3 પુરુષોનો છે, જ્યારે બોટાદમાં એક, પંચમહાલમાં ત્રણ અને ખેડામાં 1 નવો કેસ સામે આવ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં લેબોરેટરીમાં ટેસ્ટ કરાયા તેની વાત કરીએ તો, 2354 ટેસ્ટ કરાયા છે, તેમાં 2268 લોકોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. બોટાદ શહેરમાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે. જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઇ ગઈ છે. 80 વર્ષના વૃદ્વને કોરોના થયો છે. જિલ્લા કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે.

આણંદના ખંભાતમાં કોરોનાના વધુ 7 લોકોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. અલિંગ વિસ્તારના એક સાથે 7 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રે કામગીરી હાથધરી છે. આજે ત્રણ બાળકો સહિત 7 લોકોના રિપોર્ટ પોઝિટવ આવ્યા. હાલમાં તમામ દર્દીઓની જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

દાહોદમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ગરબાડાના ભીલવા ગામના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા ઘરના 12 સભ્યોને ક્વોરોન્ટાઈન કરાય છે. દર્દીના સંપર્કમાં આવેલા 6 લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. ત્યારે હવે તંત્ર દ્વારા 6 વિસ્તારોમાં પણ તપાસ હાથધરાઈ છે. આજે એક કેસ નોંધાતા દાહોદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા 3એ પહોંચી છે.

લોકડાઉન 2.0 દરમ્યાન કઇ છૂટછાટ મળશે?

નવી દિલ્હીઃ  દેશમાં સતત વધતા કોરોના વાઇરસના પ્રકોપને લીધે વડા પ્રધાને ત્રીજી મે સુધી લોકડાઉનની મુદતમાં વધારો કર્યો છે. કોરોના વાઇરસના સંક્રમણને લીધે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન ત્રીજી મે સુધી વધારવામાં આવ્યા પછી ગૃહ મંત્રાલયે ગાઇડલાઇન જારી કરી છે. સામાન્ય જનતાની મુશ્કેલીઓ ઓછી કરવા માટે આ ગાઇડલાઇન મુજબ 20 એપ્રિલથી કેટલાકં કામકાજમાં છૂટ આપવામાં આવશે.

મંત્રાલયે જારી કરેલા દિશા-નિર્દેશો અનુસાર કયાં ક્ષેત્રોમાં છૂટછાટ

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇન્સ અનુસાર મનરેગામાં બધાં કામો મંજૂરી, કૃષિ સંબંધિત બધાં કામકાજ, મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલાં કામકાજમાં થોડીક છૂટછાટ, પશુપાલન સાથે જોડાયેલાં કામોમાં થોડીક રાહત, બેન્કિંગ કામકાજ, બધા અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, મહિલાશ્રમ, વિધવાશ્રમ વગેરેમાં છૂટછાટ તેમ જ ઓનલાઇન શિક્ષણ, જરૂરી ચીજવસ્તુઓની આવ-જા, પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડિયા, આઇટી અને આઇટી સંબંધિત સેવાઓ, ઈ-કોમર્સ કંપનીઓ, કુરિયર સર્વિસ, કોલ્ડ સ્ટોરેજ પ્રાઇવેટ સિક્યોરિટી સર્વિસ, હોટલ અને લોજ વગેરેને ચીજવસ્તુઓમાં છૂટછાટ આપવામાં આવી છે.

લોકડાઉન દરમ્સાયાન સામાજિક-રાજકીય સમારોહ બંધ

ગૃહ મંત્રાલય દ્વારા દિશા-નિર્દેશોમાં બધા સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, ધાર્મિક સમારોહ, ધાર્મિક સ્થળ અને  પ્રાર્થના સ્થળ ત્રીજી મે સુધી સામાન્ય જનતા માટે બંધ રહેશે. આ ઉપરાંત લોકડાઉન દરમ્યાન સિનેમા હોલ, મોલ્સ, શોપિંગ કોમ્પેલેક્સ, જિમ, રમતનાં મેદાનો, સ્વિમિંગ પૂલ અને બાર ત્રીજી મે સુધી બંધ રહેશે.

લોકોના આંતરરાજ્ય આવાગમન પર પણ પ્રતિબંધ

મંત્રાલયે જારી કરેલા દિશા-નિર્દેશ મુજબ શૈક્ષણિક સંસ્થાઓ, કોચિંગ કેન્દ્ર, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એર ફ્લાઇટ્સ ત્રીજી મે સુધી સ્થગિત રહેશે. આ ઉફરાંત મંત્રાલયે કહ્યું છે કે લોકડાઉન દરમ્યાન લોકોના આંતરરાજ્ય આવાગમન, આંતર જિલ્લા આવ-જા, મેટ્રો, બસ સેવાઓ ત્રીજી મે સુધી બંધ રહેશે.

કોરોનાના કેસમાં સતત વધારો

દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 11,439 થઈ ગઈ છે.પાછલા 24 કલાકમાં કોરોનાના 1,076 નવા કેસ સામે આવ્યા છે અને 38 લોકોનાં મોત થયાં છે.

 

રાશિ ભવિષ્ય 15/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.


આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે  છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.

સુવિચાર – ૧૫ એપ્રિલ, ૨૦૨૦

વર્ક ફ્રોમ હોમ પછી કેવું રહેશે વર્ક ફ્રોમ ઓફિસ?

કોરોના વાયરસને લીધે સમગ્ર દેશમાં લૉકડાઉન કરવામાં આવ્યું. પરંતુ આ વાયરસના વધી ગયેલાં વ્યાપને લીધે લૉકડાઉનનો સમય વધુ લંબાવવામાં આવ્યો છે. લૉકડાઉનને કારણે દેશના અનેક ક્ષેત્રે નુકસાન થઈ રહ્યું છે, કોર્પોરેટ ક્ષેત્રને વધુ નુકસાન થયું છે.

કોરોના વાયરસને કારણે કંપનીઓને ભોગવવા પડેલા નુકસાનમાંથી લૉકડાઉનની સમાપ્તિ બાદ કઈ રીતે ઉપર આવવું તે વિશે કોર્પોરેટ જગત વિચારવા લાગ્યું છે. એક સિનિયર એક્ઝિક્યુટિવના જણાવ્યા પ્રમાણે, ‘કંપનીઓ હવે પછી બિઝનેસમાં તેજી લાવવા તેમજ લાંબા સમયની મુશ્કેલીઓનો કઈ રીતે સામનો કરવો તે વિશે વિચારવા લાગી છે. ઓફિસમાં માસ્ક પહેરવા જરૂરી કરવા ઉપરાંત વર્ક સ્પેસમાં અંતર વધારવાના ઉપાયો થશે.’

‘ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેંબર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી’ (FICCI)ના પ્રેસિડન્ટ શ્રીમતિ સંગીતા રેડ્ડીના મતે કર્મચારીએ હવે પછી વધુ સક્રિય બનવું પડશે. તેમજ કાયદાને લઈને એમણે કોઈ બેદરકારી પણ ન રાખવી જોઇએ. તે સાથે જ કંપનીઓએ બિઝનેસ ચાલુ રાખવા તેમજ નિયમિત રોકડ પ્રવાહ મેળવવા પર ધ્યાન આપવું પડશે.

આ દિવસોમાં વિવિધ કંપનીઓના માલિક-અગ્રણી સીઇઓ વિવિધ પ્રકાશનોની મુલાકાતોમાં પણ પોતાના આ વિશે મત પ્રગટ કરે છે.

‘ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ’ના સીઈઓ વિવેક ગંભીર જણાવે છે, ‘આપણે બહુ સતર્ક રહીને ચાલવાનું રહેશે. ફેક્ટરીઓને પણ હવે જેમ બને તેમ જલ્દી ખોલવી જોઇએ.’ ‘ગોદરેજ પ્રોપર્ટીઝ’ના ચેરમેન પિરોજશા ગોદરેજ જણાવે છે કે, ‘દરેક વ્યક્તિએ પોતાની સ્થિતિ પર ધ્યાન રાખવું અને તે અનુસાર ડોક્ટરની સલાહનું પાલન કરવું ઠીક રહેશે.’

(FICCI)ની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ‘સંક્રમણથી બચવા માટે કાર્ય સ્થળને જ એ રીતે તૈયાર રાખવા. સાથે એમ્પ્લોઇઝના સ્વાસ્થ્ય તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવા જોઈએ.’

‘TVS’ મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસને જણાવ્યું, ‘અમે અગાઉથી જ હ્યુમન રિસોર્સ ટીમ તથા સિનિયર એક્ઝિક્યુટિવ સાથે મળીને નક્કી કરી લીધું છે કે કાર્યસ્થળે દરેક એમ્પ્લોઇઝે માસ્ક પહેરવું જરૂરી રહેશે અને સાથે એમ્પ્લોઇઝના બેસવાની જગ્યાઓ વચ્ચેનું અંતર પણ વધારે રાખવું જોઈએ.’

‘પેરાશૂટ’ બ્રાન્ડના માલિક ‘મૈરીકો’ના ચેરમેન હર્ષ મારીવાલાએ પણ કાર્ય ક્ષેત્રે માસ્ક પહેરવાનો નિયમ બનાવવા પર ભાર આપ્યો. ઉપરાંત તેમણે ખાસ જણાવ્યું, ‘દરેકે દરેક એમ્પ્લોઇઝે નિયમિત રીતે હેન્ડવોશ તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. ઓફિસમાં સામાજિક અંતર રાખવું. શક્ય ત્યાં સુધી કર્મચારીઓને ઘરેથી કામ કરવાની પણ છૂટ આપવી.’

દેશની એક મોટી ફાર્માસ્યુટિકલ કંપની ‘બાયોકૉને’ તો કાર્યસ્થળે સામાજિક અંતર રાખવાની શરૂઆત પણ કરી દીધી છે. આ કંપનીની ચેરમેન કિરણ મજૂમદાર શો એ કહ્યું છે, ‘હજુ થોડો સમય વર્ક ફ્રોમ હોમનો નિયમ ચાલુ રાખવો હિતાવહ રહેશે. ફક્ત જરૂરી કાર્યો માટે જ ટ્રાવેલિંગની પરમિશન આપવામાં આવશે.’

શ્રીનિવાસને બિઝનેસમાં રોકડ પ્રવાહ ની કમી ને લઈને ચિંતા વ્યક્ત કરી છે, ‘વર્તમાન અનિશ્ચિત સમયમાં રોકડ પ્રવાહની કમીને લીધે બિઝનેસમાં નુકસાન ન થવું જોઈએ. અમે બિઝનેસ બચાવવા તેમજ ચલાવવા માટે જરૂરી પગલાં લઈશું.’ આ સાથે જ અન્ય મધ્યમ કદની કંપનીઓએ પણ લૉકડાઉન બાદની સ્થિતિને પહોંચી વળવા જરૂરી આયોજન શરૂ કરી દીધા છે.

કોરોનાનો કાળો કેરઃ અડધું પુણે શહેર આજથી કર્ફ્યૂ હેઠળ

પુણેઃ મહારાષ્ટ્રના પુણે શહેરમાં કોરોના વાઈરસના દર્દીઓ સતત વધી રહ્યા હોવાથી સત્તાવાળાઓ ચિંતાગ્રસ્ત થઈ ગયા છે. એમણે શહેરના ઘણા ખરા ભાગોમાં કર્ફ્યૂ લાગુ કરી દીધો છે.

આ શહેરમાં કોરોનાને કારણે થયેલા મરણનો આંકડો વધીને 38 થયો છે. COVID-19 રોગચાળાના નવા 46 કેસો પણ નોંધાયા છે.

પુણે શહેર તથા એના ઉપનગરોમાં 28 વિસ્તારો આજથી બંધ કરી દેવામાં આવ્યા છે. ત્યાં કર્ફ્યૂ નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે.

પુણેના મ્યુનિસિપલ કમિશનરે શહેરના વધારે ભાગોને સીલ કરી દેવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. એમણે એમ પણ કહ્યું કે વિસ્તારોને સીલ કરી દેવાના એટલું જ નહીં, પણ પોલીસને જ્યાં જરૂર લાગે ત્યાં સખ્તાઈપૂર્વક કર્ફ્યૂનો અમલ પણ કરાવવાનો.

ગઈ 6 એપ્રિલે માર્કેટયાર્ડ તેમજ આરટીઓ સહિત મધ્ય ભાગના મોટા ભાગના વિસ્તારોને સીલ કરી દેવામાં આવ્યા હતા. ત્યાં એક જ દિવસમાં 36 જણના કોરોના કેસ પોઝિટીવ આવ્યા હતા.