Home Blog Page 4855

વિશ્વભરમાં વેક્સિન બનાવવાનું કામ પૂરજોશમાં

નવી દિલ્હીઃ આખા વિશ્વમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. કોરોના વાયરસના સંક્રમણના રોજ કેટલાય નવા કેસો વિશ્વભરમાંથી સામે આવી રહ્યા છે. તમામ દેશો કોરોના વાયરસની વેક્સિન શોધવાના કામમાં લાગ્યા છે. આના માટે કેટલાય પ્રયોગ અને શોધ કરવામાં આવી રહ્યા છે. WHO ના જણાવ્યા અનુસાર આ મહામારીના ઈલાજ માટે દુનિયાભરમાં 70 વેક્સિનો બનાવવાનું કામ ચાલી રહ્યું છે કે જેમાં ત્રણ લોકો પર ટેસ્ટિંગ કરવામાં આવી ચૂક્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર આ પ્રક્રિયામાં સૌથી આગળ હોંગકોંગની કૈનસિગો બાયોલોજિક્સ છે કે જે કોરોના વાયરસની રસીની શોધમાં છે. તો બીજા નંબર પર બીજિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ બાયોટેક્નોલોજી છે. આ લિસ્ટમાં અમેરિકાની ઈનોવિઓ ફાર્માસ્યૂટિકલનો પણ સમાવેશ થાય છે કે જેમાં અત્યારે હ્યૂમન ટ્રાયલ ચાલી રહ્યું છે.

કોરોના વાયરસની રસી બનાવવામાં આ તમામ કંપનીઓ લાગી ગઈ છે. તેમનું માનવું છે કે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે માત્ર લોકડાઉન જ પૂરતું નથી. ડ્રગ ઈન્ડસ્ટ્રી જલ્દીથી જલ્દી દવા બનાવવાનું કામ કરી રહી છે કે જેથી 1 વર્ષની અંદર કોરોના વાયરસની દવા માર્કેટમાં ઉતારી શકાય.

મોટા અને નાના ડ્રગમેકર કોરોના વાયરસને લઈને વેક્સિન વિકસિત કરવાના પ્રયત્નોમાં જોડાઈ ગયા છે, કારણ કે કોરોના વાયરસને રોકવા માટે આ જ સૌથી પ્રભાવશાળી રીત હશે. WHO અનુસાર ફાઈજર ઈન્ક અને સનોફી જેવા ફાર્માસ્યુટિકલ દિગ્ગજો પાસે પ્રીક્લિનિકલ ચરણો માટે વેક્સિન ઉમેદવાર ઉપસ્થિત છે.

આ કલેક્ટરે આખો પગાર રાહત ફંડમાં આપ્યો

સુરેન્દ્રનગરઃ “ગુજરાતમાં કોરોના પરીક્ષણ અને સારવાર માટેના કાર્યમાં સહભાગી થવા હું મારો એક મહિનાનો પગાર મુખ્યમંત્રીના રાહત ફંડમાં આપી રહ્યો છું, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ટીમ સુરેન્દ્રનગર જરૂરિયાતમંદોને શ્રેષ્ઠ સારવાર કરી કોરોના વાયરસ સામેની લડત માટે સંપૂર્ણ તૈયાર છે.” ટ્વિટરના માધ્યમથી વ્યક્ત થયેલો આ નિર્ધાર સંવેદનશીલ સરકારના ભારતીય પ્રશાસન સેવાના અધિકારી એવા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશનો છે.કોરોના રૂપી વૈશ્વિક મહામારીના સમયમાં રાજ્ય સરકાર અને તેના કર્મયોગી અધિકારી-કર્મચારીઓ ખભે-ખભા મિલાવી લોકોને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર લાવવા તન-મન-ધનથી યોગદાન આપી રહ્યા છે. તેવા સમયે ઝાલાવાડના નામે જાણીતા સુરેન્દ્રનગર જિલ્લાના સમાહર્તા કે. રાજેશએ પણ જિલ્લામાં કોરોના વાયરસ ન ફેલાય તે માટેના નિષ્ઠાવાન કાર્યની સાથે તેમના એક મહિનાના પગારની રૂપિયા ૧ લાખથી વધુની રકમ મુખ્યમંત્રી રાહતફંડમા આપીને સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે. સંભવતઃ સમગ્ર દેશના ભારતીય પ્રશાસનિક સેવાના પ્રથમ અધિકારી બન્યા છે કે, જેણે પોતાનો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કર્યો હોય.

જિલ્લા કલેકટર કે. રાજેશ કહે છે, કોરોનાની મહામારી સમયમાં વડાપ્રધાન સહિતના સાંસદો અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતના ધારાસભ્યો દ્વારા તેમના પગારની ૩૦ ટકા રકમ રાહત ફંડમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી મને પણ થયું કે, હું પણ મારો એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહતફંડમા આપી સરકારની કોરોના સામેની લડાઈના કાર્યમાં આર્થિક રીતે સહભાગી બનું.

જ્યારે તંત્ર દૂધનો પાઉડર લઈને દોડ્યું…

અમદાવાદ: માનવામાં ન આવે, ઘટના સત્ય છે. શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરાયો છે એટલે સ્વાભાવિક રીતે લોકોની અવરજવર નિયંત્રિત થાય. આ પરિસ્થિતિમાં શહેરના સૈજપુર વિસ્તારમાં રહેતા એક જરૂરિયાતમંદ પરીવારનો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોન આવ્યો કે, “મારે નાનું બાળક છે તેની માતાને ધાવણ આવતું નથી અને દૂધ બજારમાંથી ખરીદવાના પૈસા પણ નથી ”

આટલું સાંભળતા જ જિલ્લા કલેક્ટર કે.કે નિરાલાએ તંત્રને તાત્કાલિક દૂધ પહોંચાડવાની વ્યવસ્થા કરવા સૂચના આપી. નાયબ કલેકટર ઝનકાત મારફતે અસારવા મામલતદારને સૂચના મળી. અસારવા મામલતદાર કચેરીની ટીમ એક ક્ષણનો વિલંબ કર્યા વિના મોલમાંથી મિલ્ક પાઉડર ખરીદીને ફોન કરનારના ઘરે જઈ દૂધનો પાઉડર આપી આવ્યા.

શહેરના સૈજપુર વિસ્તારમાં પૈજરામ રાઠોર તેમના પરિવાર સાથે રહે છે. તેમની પત્ની ડોલી રાઠોરને સાત માસનું બાળક છે ખાનગી કંપનીમાં નોકરી કરતા સૈજરામ પાસે આ મહિનાનો પગાર ન પહોંચ્યો હોય દૂધ લાવવાના પણ પૈસા નહોતા. તંત્રએ મિલ્ક પાવડર પહોંચાડ્યો અને સાત માસના નૈતિક રાઠોડને દૂધ મળ્યું અસારવાના મામલતદાર અશોક સિરેસીયા કહે છે કે, ‘આ પૈજરામ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેમનો પગાર નથી થયો એટલે ઘરમાં દૂધ લાવવાના પણ પૈસા નહોતા અમે તોને પૂછ્યું છે કે બીજી કંઈ પણ જરૂર હોય તો અમને જણાવે. સાથે સાથે પૈજરામ જે કંપનીમાં નોકરી કરે છે તેના માલિક સાથે પણ વાત કરી સત્વરે તેમનો પગાર કરવા સૂચના આપી છે.

જોકે આ પરિવારે અમને એક એવો સ્વાભાવિક પ્રશ્ન પૂછ્યો કે આ દૂધનો પાઉડર ખલાસ થઈ જાય તો પછી શું ?અમારા બાળકનું કોણ. ? અમે એમને મારો નંબર આપ્યો છે અને જણાવ્યું છે કે દૂધ અથવા તો અન્ય કોઈ વસ્તુ ખલાસ થાય તેના એક દિવસ પહેલાં આ નંબર ઉપર જાણ કરજો તમારી બધી વ્યવસ્થા થઈ જશે.” એમ તેઓ ઉમેરે છે.

 

ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં હડકંપ

અમદાવાદ:  જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વનું છે કે, ઈમરાન ખેડાવાલાએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા,ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય ગ્યાસુદિન શેખ સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત ઇમરાન ખેડવાલએ રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝા અને મુખ્ય સચિવ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રીએ લોકડાઉન અને અમદાવાદના કોટ વિસ્તારમાં લાદેલા કરફ્યુ અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યના અનેક પત્રકારો પણ સામેલ થયા હતા.

મહત્વનું છે કે, ખેડાવાલાને કોરોના થતા હવે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમાર સેલ્ફ આઈસોલેશનમાં જશે કે કેમ એ અંગે ચર્ચા શરુ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાને પગલે અમદાવાદના કોટ વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ કરાયો છે. ત્યારે અમદાવાદના 3 વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેઠક યોજી હતી. બેઠકમાં વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી. જેમાં દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોરોના કેસને પગલે ઊભી થયેલી સ્થિતિની ચર્ચા કરી હતી. આ ચર્ચામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જોડાયા હતા.

 

મુંબઈઃ ‘કોરોના ફિવર ક્લિનીક’ દ્વારા ગીચ વસ્તીમાં તબીબી સેવા…

મુંબઈમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવા લોકડાઉન લાગુ છે. ગીચ વસ્તીવાળા અને ‘કન્ટેનમેન્ટ ઝોન’ ઘોષિત કરાયેલા વિસ્તારોમાં મુંબઈ મહાનગરપાલિકા દ્વારા કામચલાઉ ધોરણે ‘કોરોના ફિવર ક્લિનીક’ શરૂ કરવામાં આવ્યા છે.

આ ફિવર ક્લિનીકમાં એક ડોક્ટર, એક નર્સ અને એક સહાયક – એમ ત્રણ જણ સેવા બજાવે છે. આ ફિવર ક્લિનીકમાં છેલ્લા પાંચ દિવસમાં 1,906 વ્યક્તિને ચેક કરવામાં આવી હતી અને 442 જણના તબીબી નમૂનાઓને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે રહેવાસીઓને તાવ આવતો હોય, શરદી અને ઉધરસ થયા હોય તેઓ આવા ક્લિનિકમાં જઈ શકે છે. આ રીતે દર્દીને તપાસીને રોગચાળો ફેલાતો રોકી શકાય છે.

ચીન ખોટી માહિતી આપશે તો ભોગવશેઃ ટ્રમ્પની ધમકી

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાંકેતિક રીતે કહ્યું છે કે કોરોના વાઇરસને લઈને WHO અને  આંતરરાષ્ટ્રીય સમુદાયને કથિતરૂપે ખોટી માહિતી આપવાને કારણે ચીને દુષ્પરિણામ ભોગવવાં પડશે. આ સંક્રમણ ચીનના વુહાન શહેરથી ફેલાયો છે. આ વાઇરસે વિશ્વમાં 20 લાખ લોકોને સંક્રમિત કર્યા છે અને 1.19 લોકોના જીવ લીધા છે.

વાઇટ હાઉસમાં એક પત્રકાર પરિષદમાં એક પત્રકારે ટ્રમ્પથી વારંવાર સવાલ કર્યો હતો કે આના માટે ચીનને કોઈ દુષ્પરિણામ કેમ નથી ભોગવવાં પડ્યાં? આના જવાબ આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે તમને કેવી રીતે માલૂમ, આના કોઈ દુષ્પરિણામ નહીં હોય? હું તમને નહીં જણાવું. તીનને માલૂમ પડી જશે, હું તમને કેમ જણાવું?

ચીનને ગર્ભિત ધમકી

ચીનની સામે અમેરિકી સંસદસભ્યોની ટિપ્પણીની વચ્ચે ટ્રમ્પે કહ્યું હતું કે તમને માલૂમ પડી જશે. સેનેટર સ્ટીવ ડેન્સે ટ્રમ્પને પત્ર લખીને અપીલ કરી છે કે અમેરિકા સરકારે ચીનથી મેડિકલ સાધનો અને દવાઓની નિર્ભરતાને બંધ કરો અને અમેરિકામા દવા બનાવવા સંબંધી નોકરીઓ પરત લઈને આવી. રિપબ્લિકન પાર્ટીના ચાર સંસદસભ્યોએ ચીન પર નિર્ભરતા ઓછી કરવા માટે સોમવારે એક વિધેયક રજૂ કર્યું હતું.

દેશને ફરી ખોલવાની યોજના બહુ નજીક

ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ દેશને ખોલવાની યોજના બહુ નજીક છે. કોરોના વાઇરસના કેરને ધ્યાનમાં રાખતાં દેશમાં 30 એપ્રિલ સુધી સામાજિક અંતર બનાવવા માટે દિશા-નિર્દેશો જારી કર્યા છે. આ ઘાતક વાઇરસથી દેશના 95 ટકા વસતિ પ્રભાવિત છે. ટ્રમ્પે કહ્યું હતું કે હું મારી ટીમ અને નિષ્ણાતો સાથે વાતચીત કરી રહ્યો છું અને અમે દેશને ફરી ખોલવાની યોજનાને પૂરી કરવાની ઘણો નજીક છું. આવું નિર્ધારિત સમય પહેલાં થશે… જે બહુ મહત્ત્વપૂર્ણ છે.

હું મારા વહીવટી તંત્રની યોજના અને દિશા-નિર્દેશો અમેરિકાના લોકોને સામાન્ય જીવન શરૂ કરવા માટે આત્મવિશ્વાસ આપશે, જેની તેમને જરૂર છે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે અમે દેશને ફરી ખોલવા ઇચ્છીએ છીએ, અમે સામાન્ય જીવન જીવવા ઇચ્છીએ છીએ. અમારો દેશ ખૂલશે અને સફળતાપૂર્વક ખૂલશે.

 

 

અમેરિકાએ અટવાયેલા ભારતીયો માટે H-1B વિઝાની મુદત લંબાવી

વોશિંગ્ટનઃ કોરોના વાઈરસનો ફેલાવો થવાને કારણે અમેરિકામાં અટવાઈ ગયેલા હજારો ભારતીય પ્રોફેશનલ વ્યક્તિઓ માટે આજે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે કે અમેરિકાની સરકારે H-1B વિઝાધારકોને અમેરિકામાં એમનું રોકાણ લંબાવવા માટેની અરજી કરવાની પરવાનગી આપવાનો નિર્ણય લીધો છે.

H-1B વિઝા એ નોન-ઈમિગ્રન્ટ વિઝા છે, જે દ્વારા અમેરિકન કંપનીઓને ટેક્નિકલ નિષ્ણાતની જરૂર હોય એવા અમુક પસંદગીકૃત હોદ્દાઓ પર વિદેશી કામદારોને નોકરીએ રાખવાની પરવાનગી આપવામાં આવે છે. ટેક્નોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં કામદારોને નોકરીએ રાખે છે.

અમેરિકાના ગૃહ (હોમલેન્ડ સિક્યુરિટી) વિભાગે એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં જણાવ્યું છે કે કોરોના વાઈરસ રોગચાળાની સીધી અસરને કારણે ઈમિગ્રેશન સંબંધિત પડકારો ઊભા થયા છે.

દુનિયાભરના દેશોએ હાલ કોરોના રોગચાળાને કારણે પોતપોતાની સરહદો સીલ કરી દીધી છે અને તમામ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટ્સ પણ દુનિયાભરમાં સસ્પેન્ડ કરી દેવામાં આવી છે ત્યારે અમેરિકાની સરકારનો આ નિર્ણય ખરેખર મોટી રાહત આપનારો બનશે.

પ્રવાસને લગતા નિયંત્રણો લાગુ થવાને કારણે અનેક H-1B વિઝાધારકો અમેરિકામાં અટવાઈ ગયા છે, કારણ કે એમના વિઝાની પરમીટ ટૂંક સમયમાં જ પૂરી થવાની છે. તે છતાં અમેરિકાનો ગૃહ વિભાગ હવે આવા વિઝાની મુદત લંબાવવા માટેની અરજીઓને સ્વીકારવાનું ટૂંક સમયમાં જ શરૂ કરશે.

ગૃહ વિભાગે જણાવ્યું છે કે અમે માન્યું છે કે નોન-ઈમિગ્રન્ટ કામદારોને કોરોના વાઈરસના ફેલાવાને કારણે એમના સત્તાવાર રોકાણના પિરિયડથી વધુ સમય સુધી અણધારી રીતે અમેરિકામાં રહેવું પડશે.

Exclusive chat with well known environment educationist Kartikeya Sarabhai

 

પોતાના પાત્રના મીમ્સ જોઈ રીયલ લાઈફના લક્ષ્મણે કહ્યું…

રામાયણમાં શ્રીરામના નાનાભાઈ લક્ષ્મણનું પાત્ર અભિનેત્રા સુનીલ લહરીએ કર્યું હતું. સુનીલ લહરીએ લક્ષ્ણનું પાત્ર નિભાવવામાં કોઈ કચાશ બાકી નહોતી રાખી. આજે પણ લક્ષ્મના પાત્ર બદલ તેમની ખૂબ પ્રશંશા થાય છે. લોકડાઉનને પગલે રામાયણ સિરિયલનું ટીવી પર પુન: પ્રસારણ શરુ થયું. રામાયણનું ફરી વખથ પ્રસારણ થતા એમાં અભિનય કરેલા કલાકારો લાઈમલાઈટમાં આવી ગયા છે. સોશિયલ મીડિયા પર લક્ષ્મણ પર મીમ્સ બની રહ્યા છે.

સુનીલનું કહેવું છે કે વાસ્તવ જીવનમાં પણ તેમની અંદર લક્ષ્મણ જેવી આદતો છે. તે ગુસ્સો કરે છે પણ સાચાને સાચુ અને ખોટાને ખોટુ કહેવામાં વિલંબ નથી કરતા. સોશિયલ મીડિયામાં લક્ષ્મણ પર બની રહેલા મીમ્સ અંગે તે કહે છે કે, 30 વર્ષ પછી ફરીથી મને આટલી લાઈમલાઈટ મળી રહી છે. આ જોઈને તે ખૂબ મજા કરી રહ્યા છે અને તેને સારુ લાગે છે.

એક ઈન્ટરવ્યૂમાં અભિનેતા સુનીલે જણાવ્યું કે, મેં સોશિયલ મીડિયા પર રામાયણના લક્ષ્મણ પર બનેલા અનેક મીમ્સ જોયા. લોકો મને સતત મેસેજ મોકલી રહ્યા છે. મારા ભાઈના બાળકો પણ મને આ મેસેજ મોકલી રહ્યા છે. મેં એવું સાંભળ્યું છે કે, તમારા પર મીમ્સ ત્યારે બને છે જ્યારે તમે ખૂબ જ લોકપ્રિય થઈ ગયા હો છો.

સુનીલ કહે છે કે, તે આ મીમ્સને જોઈને ગર્વ અને સન્માનની લાગણી અનુભવી રહ્યા છે. તેમના એક ચાહકના સવાલનો જવાબ આપતા અભિનેતાએ કહ્યું કે, જો તેમને રામાયણમાં ફરી વખત કોઈ પાત્ર ભજવવાની તક મળી તો તે ફરી વખત પણ લક્ષ્મણનું પાત્ર ભજવવાનું પસંદ કરશે. અભિનેતા કહે છે કે, લક્ષ્મણનું પાત્ર ઘણુ વાઈબ્રન્ટ છે જે અન્ય પાત્રોથી અલગ તરી આવે છે.

સોશિયલ મીડિયા પર એવા અનેક મીમ્સ છે જેમાં એક તરફ લક્ષ્મણ અને બીજી તરફ શુર્પણખા છે. મીમ્સમાં લખ્યું કે, બુલાતી હે મગર જાને કા નહીં. તો અન્ય એક મીમ્સમાં લક્ષ્મણ મોં બગાડતા બોર ખાતા દેખાઈ રહ્યા છે જે શબરીના હેઠા બોર છે. એ એપિસોડનો સ્ક્રીન શોર્ટ પાડીને મીમ્સ બનાવવામાં આવ્યું છે જેમાં સાથે ઘરે મમ્મી કારેલાનું શાક ખાવા પર મજબૂર કરતી હોય તેવું.

લક્ષ્મણના અન્ય કેટલા મીમ્સ પણ છે જે ખૂબ જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. મહત્વનું છે કે, આજે વર્ષો પછી પણ દેશમાં રામાયણની લોકચાહનામાં જરા પણ ઘટાડો થયો નથી.