Home Blog Page 4858

ક્રિકેટર સ્મૃતિ મંધાનાઃ હું તો 10 કલાક ઊંઘું છું, ફિલ્મો જોઉં છું

મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવા સામે રક્ષણ મળે એ માટે ભારત સરકારે દેશભરમાં લોકડાઉન લાગુ કરાવ્યું છે, એનો આજે 20મો દિવસ છે. આને કારણે અનેક સેલિબ્રિટી વ્યક્તિઓને પણ પોતપોતાના ઘરમાં જ રહેવાની ફરજ પડી રહી છે. આ  સમયગાળામાં ઘણી જાણીતી હસ્તીઓ ઘરમાં સમય પસાર કરવા માટે જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, જેમ કે કોઈ બાગકામ કરે છે, તો કોઈ રાંધતા શીખે છે, કોઈ યોગ-કસરતો કરે છે તો કોઈ સંગીતનો આનંદ માણે છે. એવાય ઘણાં છે જેઓ ઝાડુ કાઢીને કે વાસણ માંજીને ઘરકામમાં મદદ કરાવે છે તો કોઈક ઓનલાઈન લુડો ગેમ રમવાની મજા માણે છે.

મહિલા ક્રિકેટર અને ઓપનિંગ બેટ્સવુમન સ્મૃતિ મંધાનાએ પણ એનો રોજિંદો પ્લાન ઘડ્યો છે અને એ જાણકારીને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ઈન્ટરનેટ પર શેર કરી છે.

સ્મૃતિ લોકડાઉન દરમિયાન ઘરમાં આશરે 10 કલાક ઊંઘે છે. તે ઉપરાંત ફિલ્મો જુએ છે અને ઓનલાઈન લૂડો ગેમ પણ રમે છે.

સ્મૃતિએ પોતાનો આખા દિવસનો કાર્યક્રમ બતાવ્યો છે એને બીસીસીઆઈએ ઈન્ટરનેટ પર શેર કર્યો છે.

એક મિનિટ અને 38 સેકંડના વિડિયોમાં સ્મૃતિ કહે છે કે પોતે લોકડાઉન સમય દરમિયાન એની ટ્રેનિંગનું પણ એટલું જ ધ્યાન રાખે છે. ફિટ રહેવું બહુ જ મહત્ત્વનું છે. એટલે એ માટે પણ વ્યસ્ત રહું છું. હું મારાં ટ્રેનરના સંપર્કમાં રહું છું અને એની પાસેથી ફિડબેક લેતી રહું છું. તેઓ અમને બધી ખેલાડીઓને જણાવતા હોય છે કે અમારે ફિટ રહેવા માટે શું કરવું જોઈએ.

સ્મૃતિ વધુમાં કહે છે, બાકીનો સમય હું મારાં પરિવારની સાથે વિતાવું છે. અમે પત્તાં રમીએ છીએ. તે ઉપરાંત હું મારી મમ્મીને જમવાનું બનાવવામાં પણ મદદ કરું છું.

સ્મૃતિએ લોકોને અપીલ પણ કરી છે કે લોકડાઉન લાગુ છે તો સૌ ઘરમાં જ રહેજો અને સુરક્ષિત રહેજો તથા સ્વયંને શારીરિક અને માનસિક રીતે ફિટ રાખજો.

આ ઉદ્યોગોમાં મર્યાદિત કામકાજ શરૂ કરવા મંજૂરી આપવાનું સૂચન

નવી દિલ્હીઃ કોરોના સતત વધતા વ્યાપને જોતાં લોકડાઉન આગળ વધારાય એવી પૂરેપૂરી શક્યતા છે. આવી સ્થિતિમાં સરકારના એક મહત્ત્વના વિભાગે સીમિત સ્તરે કેટલાંક ક્ષેત્રોમાં કામકાજની મંજૂરી આપવાની સૂચન છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)એ ગૃહ મંત્રાલયને સૂચન કર્યું છે કે એ હેવી ઇલેક્ટ્રિકલ્સ અને ટેલિકોમ જેવાં ક્ષેત્રોમાં સાવધાની રાખવા સાથે સીમિત સ્તરે કામ કરવાની મંજૂરી આપી દે. વિભાગે ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને લખેલા પત્રમાં કહ્યું હતું કે આર્થિક સ્થિતિમાં સુધારો અને લોકોના હાથોમાં રોકડ પહોંચાડવા માટે આ કામકાજ જરૂરી છે.

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર જો લોકડાઉનના સમયગાળાને વધારે છે તો ઉપરના સુરક્ષાત્મક ઉપાયોની સાથે કેટલાંક ક્ષેત્રોમાં કામ કરવાની મંજૂરી આપવી જોઈએ. વિવિધ રાજ્યો અને અને ઔદ્યોગિક સંસ્થાઓ સાથે વિસ્તૃત વાતચીત કર્યા પછી ધીરે-ધીરે લોકડાઉનની યોજના હેઠળ આ સૂચન કરવામાં આવ્યાં છે.

ગૃહ મંત્રાલયે જોકે હજી આ પત્રનો જવાબ નથી આપ્યો. વિભાગે સૂચન કર્યું છે કે જે ઉદ્યોગોને કામકાજની મંજૂરી આપી દેવામાં આવે એમને એક જ જગ્યાએથી કર્મચારીઓનો પ્રવેશ, સામાજિક અંતર, કર્મચારીઓને લાવવા-લઈ જવાની વ્યવસ્થા અને કારખાનાઓમાં જ રહેવાની વ્યવસ્થા સાથે પૂરતી સાફસફાઈ રાખવામાં આવવી જોઈએ.

રાજ્ય અને જિલ્લા સત્તાવાળાઓ મંજૂરી આપવા સાથે આ શરતોનું સખતાઈથી પાલન થાય છે કે નહીં- એ પણ જૂએ. DPIITએ કેટલાંક ક્ષેત્રોમાં વાહનો અને વર્કફોર્સને મુક્ત આવવા-જવાની ભલામણ કરી છે. વિભાગે જે ક્ષેત્રને કામકાજ કરવાની મંજૂરી આપવા માટે સૂચન કર્યાં છે એમાં ઓપ્ટિક ફાઇબર કેબલ, કોમ્પ્રેશર એન્ડ કન્ડેનસર કંપની, લોખંડ અને ફેરસ એલોય મિલ, પાવરલૂમ, પેપર કંરની, પેઇન્ટ્સ, પ્લાસ્ટિક, ઓટો કંપનીઓ, રત્ન અને આભૂષણ તથા સેઝ અને નિકાસ કરતી કંપનીઓ (EOU)ની બધી કંપનીઓ સામેલ છે.

 

 

ઓપેક અને રશિયા ક્રૂડ ઉત્પાદનમાં કાપ માટે સંમત

વિયેનાઃ ક્રૂડ ઓઇલના ટોચના ઉત્પાદક દેશો કિંમતોમાં તેજી લાવવા માટે ઉત્પાદનમાં કાપ મૂકવા માટે સહમત થયા છે. કુવૈતના ઓઇલપ્રધાન ખાલિદ અલ-ફદેલે રવિવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે અમે ઉત્પાદન કાપ કરવાની સંમતિ કરવાની જાહેરાત કરીએ છીએ. ઓપેક તથા અન્ય ઉત્પાદક દેશ 1 મે થી પ્રતિ દિન ઉત્પાદનમાં એક કરોડ બેરલનો કાપ કરશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પેટ્રોલિયમ નિકાસકાર દેશોના જૂથ ઓપેક અનમે અન્ય ઓઇલ ઉત્પાદક દેશો પ્રતિદિન 9.7 મિલિયન બેરલ ઉત્પાદન ઓછું કરવા માટે સહમત થયા છે. આ દેશોનો ઇરાદો ક્રૂડની કિંમતો વધારવાનો છે. રશિયા અને સાઉદી અરેબિયાના વિવાદ તથા કોરોના વાઇરસ રોગચાળાને કારણે ક્રૂડ ઓઇલની ઘટેલી માગને લીધે વૈશ્વિક કિંમતો પ્રતિ બેરલ 30 ડોલરથી નીચે જતી હતી. આ નિર્ણયને પગલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે ઓપેક પ્લસની સાથે મહત્ત્વની ઓઇલ સમજૂતી થઈ હતી. આનાથી અમેરિકામાં ઊર્જા ક્ષેત્રે લાખ્ખો નોકરીઓ બચી જશે.

 

ટ્રમ્પે રશિયા અને સાઉદી અરેબિયાનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું કે હું રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને સાઉદીના કિંગ સલમાનનો આભાર વ્યક્ત કરવા માગું છું. મેં હાલમાં ઓવલ ઓફિસથી તેમની સાથે વાત કરી. બધા માટે સારો સોદો.

કોરોના વાઇરસને લીધે ક્રૂડની માગમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના લીધે કિંમતો ઘટી ગઈ હતી. જેથી ઓઇલ ઉત્પાદક દેશોનું બજેટ બગડી ગયું હતું.

રામાયણ-મહાભારતને અફીણ ગણાવતા પ્રશાંત ભૂષણ સામે ફરિયાદ

રાજકોટ: લોકડાઉનના દિવસોમાં દેશવાસીઓને મનોરંજન પૂરુ પાડવાના ઉદેશ્યથી દૂરદર્શન પર રામાયણ અને મહાભારતનું ટેલિકાસ્ટ ફરી શરૂ કરાયું છે. દિલ્હીના નામાંકિત વકીલ પ્રશાંત ભૂષણે તેના ટ્વિટર એકાઉન્ટમાં રામાયણ અને મહાભારતને અફીણનો નશો ગણાવતા વિવાદ શરુ થયો છે. આ મામલે વ્યક્તિગત અને કરોડો હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાના આરોપ હેઠળ રાજકોટમાં રહેતા રીટાયર્ડ આર્મી ઓફિસરે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં વકીલ પ્રશાંત ભૂષણ સહિતના સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ નિવૃત આર્મી ઓફિસર જયદેવ રજનીકાંત જોશીએ ભકિતનગર પોલીસમાં લેખીત ફરિયાદ આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે દિલ્હીના નામાંકિત વકીલ પ્રશાંત ભૂષણે ગત 28 માર્ચના તેના ટ્વિટર એકાઉન્ટ હેન્ડલના માધ્યમથી ટ્વીટ કર્યુ હતું. જેમાં રામાયણ અને મહાભારત માટે અફીણ શબ્દ વાપરી ફરીયાદીની તેમજ કરોડો હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડી હતી. આ ટ્વીટના સમર્થનમાં અશ્લીન મેથ્યૂ અને કન્નન ગોપીનાથનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ત્રણેય વ્યક્તિ સામે આઈપીસી ક્લમ 295(એ), 505(1)(બી), 34/120(બી) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, દેશભરની અદાલતોમાં સાક્ષીઓને તેમનાં પુરાવા રેકર્ડ કરતાં પહેલાં શપથ લેવડાવાય છે. ભગવાનનાં નામ પર હિન્દુ ધર્મનું પાલન કરતાં વ્યક્તિઓને આ શપથ લેવડાવાય છે. જેથી રામાયણ અને મહાભારતને અફીણ તરીકે ઓળખાવવું તે ભગવાનનાં નામ પર શપથ લેનારા અદાલતોની સત્તાને નબળી પાડવાનું છે. મહાભારત શ્રીમદ્ ગીતામાંથી નીકળ્યું છે અને ધર્મ નિરપેક્ષતાની આડમાં કોઈને પણ શ્રીમદ્ ભાગવત ગીતા, રામાયણ અથવા મહાભારત જેવા ધાર્મિક ગ્રંથો તરફ આંગળી ચીંધવાનો અધિકાર નથી.

 

 

 

જૂના ગીતોના આડેધડ રીમિક્સથી ભડક્યા ગીતકારો

નવી દિલ્હીઃ અત્યારે નવા સિંગર્સ બોલીવુડના જૂના ગીતોના રીમિક્સ બનાવી રહ્યા છે. આ ટ્રેન્ડ ભારતમાં અત્યારે ખૂબ ચાલી રહ્યો છે. જો કે આમ જોવા જઈએ તો જૂના ગીતોને નવા મ્યૂઝીક સાથે રજૂ કરવા તે કંઈ ખોટી વાત ન કહેવાય પણ એને જૂના સંગીત સાથે કરવામાં આવેલો અન્યાય પણ કહેવાય.

અત્યારે નવા નવા સિંગર્સ આવું ખૂબ કરી રહ્યા છે. ત્યારે ઓરિજનલ લેખક અને ગાયકો આ વાતને લઈને નારાજ થયા છે. પહેલા એ.આર.રહેમાન અને પ્રસૂન જોશીનું નિવેદન સામે આવ્યું અને હવે સમીર અંજાને પણ આ મામલે કોર્ટમાં જવાની વાત કરી છે.

કુછ-કુછ હોતા હે, રાજા હિંદુસ્તાની અને કભી ખુશી કભી ગમ જેવી હિટ ફિલ્મોના ગીત લખી ચૂકેલા ગીતકાર સમીર અજાને કહ્યું કે એ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે ઓરિજનલ લેખકો અને સંગીતકારોને યોગ્ય રીતે શ્રેય આપવામાં આવી રહ્યો નથી. આ મામલાનું સમાધાન માત્ર કોર્ટમાં જઈને જ લાવી શકાય તેમ છે. તેમણે આ મામલે ગીતકાર અને લેખક જાવેદ અખ્તર સાથે વાત કરી. ઉલ્લેખનીય છે કે, જાવેદ ઈન્ડિયન પર્ફોર્મિંગ રાઈટ સોસાયટીના ચેરમેન છે.

સમીરે કહ્યું કે, જે થઈ રહ્યું છે તે તદ્દન અયોગ્ય છે. અમે આની વિરુદ્ધમાં છીએ અને કોર્ટમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છે. કારણ કે અમે તેમને કોઈ એક ફિલ્મ માટે રાઈટ્સ આપીએ છીએ. પરંતુ તે તેને ફરીથી બનાવે છે, ગીતનો ઉપયોગ બીજી ફિલ્મ અથવા પ્રોજેક્ટ માટે કરે છે. મેં જાવેદ અખ્તર સાથે વાત કરી છે અને અમે તમામ લોકો કોર્ટમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છીએ. આ એક પદ્ધતિ છે કે જેનાથી તેમને રોકી શકાશે.

મધ્ય પ્રદેશઃ કમલનાથ અને કોંગ્રેસની દલીલ સુપ્રીમે ફગાવી

નવી દિલ્હી:  દેશમાં કોરોનાના સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટ મહત્વપૂર્ણ કેસોની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરી રહી છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે સોમવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની અરજી પર નિર્ણય આપતા કોંગ્રેસ નેતા કમલનાથ અને મધ્યપ્રદેશ કોંગ્રેસની દલીલને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં માર્ચ મહિનામાં રાજ્યપાલ દ્વારા ફ્લોર ટેસ્ટનો હુકમ સાચો હતો. કોંગ્રેસ તરફથી દલીલ હતી કે ચાલુ વિધાનસભામાં રાજ્યપાલ ફ્લોર ટેસ્ટનો આદેશ ન આપી શકે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્યપાલ પોતે કોઈ નિર્ણય નથી લઈ રહ્યા તેઓ માત્ર ફ્લોર ટેસ્ટ માટે બોલાવી રહ્યા છે. ચાલુ વિધાનસભામાં બે પદ્ધતિ હોય છે, અવિશ્વાસ પ્રસ્તાવ અથવા તો ફ્લોર ટેસ્ટ અદાલતે આ દરમિયાન રાજ્યપાલના અધિકાર અંગે વિગતવાર આદેશ પણ જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને રાજકીય ઉથલપાથલ વચ્ચે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ જ્યારે ગૃહ શરૂ થયું ત્યારે વિધાનસભા અધ્યક્ષે કોરોના વાયરસને કારણે થોડા દિવસો માટે ગૃહને મુલતવી રાખ્યું હતું. તે પછી કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો.

હકીકતમાં, માર્ચ મહિનામાં, જ્યારે મધ્યપ્રદેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો અને અગાઉની કમલાનાથ સરકાર સંકટમાં હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા શિવરાજસિંહ ચૌહાણ પર ધારાસભ્યોની ખરીદી વેચાણનો આરોપ હતો. ત્યારે ફ્લોર ટેસ્ટ તાત્કાલિક કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તરત જ ફ્લોર ટેસ્ટ કરાવ્યો, જેના પછી કમલનાથ સરકારે રાજીનામું આપવું પડ્યું.

 

કોરોના સંકટઃ પીએમ મોદીનું મંગળવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રસંબોધન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના વાઈરસ રોગચાળા મામલે આવતીકાલે, મંગળવારે સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. આ જાણકારી વડા પ્રધાન કાર્યાલયના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસનો ફેલાવો દેશમાં રોકવા માટે વડા પ્રધાન મોદીએ જાહેર કરેલા 21-દિવસના દેશવ્યાપી લોકડાઉનમાં આવતીકાલનો દિવસ છેલ્લો છે. આ લોકડાઉન 25 માર્ચથી લાગુ કરવામાં આવ્યું હતું.

આ 21 દિવસના લોકડાઉન દરમિયાન દેશભરમાં હોસ્પિટલ, દૂધ-અનાજ, કરિયાણું વિતરણ, અગ્નિશામક દળ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓને બાદ કરતાં શાળા-કોલેજો, લાંબા અંતરની તેમજ ઉપનગરીય ટ્રેન સેવા, એસ.ટી. બસ સેવા, ખાનગી વાહનવ્યવહાર, વિમાન સેવા, બંદરગાહ ખાતેની કામગીરીઓ, ખાનગી ઓફિસો, મકાન બાંધકામ સહિત તમામ પ્રકારની વ્યાપારી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ છે.

આ 21 દિવસના લોકડાઉન સમયગાળા દરમિયાન દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા અને મૃત્યુના કેસો વધી જતાં લોકડાઉનની મુદત લંબાવવામાં આવે એવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ગયા શનિવારે 13 રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથેની વિડિયો કોન્ફરન્સમાં અમુક રાજ્યોએ લોકડાઉનની મુદત લંબાવવાની વડા પ્રધાનને વિનંતી કરી હતી.

વડા પ્રધાન એમની વિનંતી સાથે સહમત પણ થયા હતા.

દુનિયાભરમાં 185 દેશોમાં કોરોના વાઈરસ ફેલાયો છે. અત્યાર સુધીમાં 18,48,556 કેસો નોંધાયા છે. 1,14,208 જણના જાન ગયા છે. સાડા આઠ લાખથી વધારે લોકો સાજા પણ થયા છે.

કોરોના મામલે રાહુલ ગાંધીએ સરકારને આ અપીલ કરી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોવિડ-19 વાયરસથી અત્યારસુધીમાં 273 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કોરોના સંક્રમણના કુલ 8447 જેટલા કેસો પણ સામે આવ્યા છે. તાજેતરમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે કોરોના વાયરસ મહામારીની અસર દેશના ભવિષ્ય પર કાળા પડછાયાની જેમ મંડરાતી રહેશે અને લોકડાઉનની અસર સીધી રીતે દેશની આર્થિક ગતિવિધિઓ પર પડશે. અનુમાન અનુસાર, કોવિડ-19 ની મહામારીના કારણે વૈશ્વિક ઉત્પાદન, સપ્લાય, વ્યાપાર અને પર્યટન પર વિપરીત અસર પડશે.

આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આર્થિક મંદીએ કેટલાય ભારતીય કોર્પોરેટ્સને કમજોર કરી દીધા છે. તેમણે સરકારને રાષ્ટ્રીય સંકટના આ સમયમાં કોઈ વિદેશી કંપની દ્વારા કોઈપણ કોર્પોરેટનું નિયંત્રણ પોતાના હાથમાં ન લઈ શકવાને સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે. તેમણે આ ચિંતા મીડિયામાં આવેલા એ સમાચારો બાદ પ્રગટ કરી કે જેમાં કહેવામાં આવ્યું હતું કે વિદેશી સંસ્થાઓએ સ્ટોક બજારમાં નીચે આવ્યા બાદ ભારતીય કંપનીઓમાં ભાગીદારી ખરીદી છે.

આંશિક રાહત સાથેનું લોકડાઉન પાર્ટ ટૂ આવું હશે

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે વડા પ્રધાને દેશમાં 21 દિવસનું સંપૂર્ણ લોકડાઉન કર્યું હતું, જે આવતી કાલે પૂરું થઈ રહ્યું છે. જોકે કોરોના વાઇરસનું જોખમ હજી સુધી ગયું નથી. વધારામાં અત્યાર સુધી આની હજી સુધી કોઈ દવા કે વેક્સિન પણ શોધાઈ નથી. જેથી લોકડાઉન હજી 30 એપ્રિલ સુધી વધવાની શક્યતા છે. દેશમાં કેટલાક રાજ્યોએ તો લોકડાઉન વધારવાની જાહેરાત પણ કરી દીધી છે. જોકે કેટલીક રાજ્ય સરકારો પછી વડા પ્રધાન મોદી આજે અથવા કાલે લોકડાઉન વધારવાની મુદતમાં વધારાની જાહેરાત કરે એવી સંભાવના છે. જોકે લોકડાઉન પાર્ટ ટૂ કંઈક અલગ હશે. કંઈક આંશિક હશે.

લોકડાઉન પાર્ટ ટૂમાં સરકારની સામે કોરોનાને વધુ ફેલાતો અટકાવવાની સાથે અર્થતંત્રને ચલાવવાની જવાબદૈરી છે. આવામાં સરકાર કૃષિની સાથે-સાથે કારખાનાં અને માલના ટ્રાન્સપોર્ટમાં રાહત આપે એવી શક્યતા છે. લોકડાઉન સહિતના પ્રતિબંધો એવા વિસ્તારોમાં હશે જ્યાં કોરોનાના કેસો વધુ હશે. એનો અર્સથ કે હોટસ્પોટ વિસ્તારોમાં નિયમોનું સખતાઈથી પાલન કરવામાં આવશે. આવો જાણીએ ક્યાં લોકડાઉન પર રાહત મળી શકે છે, ક્યાં નહીં…

સરકાર અર્થતંત્ર ફરી પાટે ચડાવવા માગે છે

દેશમાંમ 21 દિવસના લોકડાઉનને વિશ્વની સાથે દેશને પણ ભારે નુકસાન થયું છે.મુખ્ય પ્રધાનોની બેઠકમાં વડા પ્રધાન મોદીએ આનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકારની આવકમાં પાછલા મહિને 50થી 75 ટકા નું નુકસાન થયું છે.

કૃષિ અને ખેડૂતોને રાહત

લોકડાઉન પાર્ટ ટૂમાં ખેડૂતોને રાહત જારી રહેશે. આ પાર્ટ ટૂ લોકડાઉનમાં સરકાર ખેતરોની ઊપજ અને ખરીદીમાં કોઈ પણ મુશ્કેલી ના થાય એ જોશે. સરકાર રેડ અને ઓરેન્જ ઝોનમાં શાકભાજી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશે. એટલે કે શાકકભાજીની અછત નહીં સર્જાય. મત્સ્ય ઉદ્યોગને પણ રાહત મળશે.

કારખાનાં બંધ કરીને મજૂરો કામ કરશે?

અર્થતંત્ર અને કામદારોની સ્થિતિમાં સુધારો કરવા માટે નાના અનમે મધ્યમ ઉદ્યોગોમાં આંશિક છૂછાટ આપશે. આવામાં વડા પ્રધાનને સૂચન કરવામાં આવ્યું છે કે ફેકટરીમાં મજૂર અંદર રહીને કામ કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતાં કામ કરે, ત્યાં જ રહે અને ઘરે ના જાય. આ કારખાનોમાં કામ કરતા વધુમાં વધુ લોકો કેમ્પમાં રહી રહ્યા છે. આ લોકોને સ્પેશિયલ ટ્રેન અને બસની મદદથી ફેકટરી સુધી પહોંચાડાશે. જોકે આવા કારખાનાંઓની ઓળખ થઈ રહી છે. એપ્રિલ મહિનામાં આ રીતે કામ કરાવવામાં આવશે.

છ રાજ્યોએ લોકડાઉન વધાર્યું

દેશમાં છ બિનભાજપી રાજ્યો (દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા) પહેલાં જ લોકડાઉનને એપ્રિલ મહિના સુધી વધારી ચૂક્યા છે. ભાજપનાં રાજ્યો પણ કેન્દ્રના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.

કઈ ક્ષેત્રની કંપનીઓમાં લોકડાઉન ખોલાશે

ટેક્સટાઇલ, ઓટોમોબાઇલ, ઇલેક્ટ્રિક સામાન બનાવતી કંપની. હાઉસિંગ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર, રસ્તાના ડામર બનાવતી કંપનીઓ, મોબાઇલ, ઇલેક્ટ્રિક રિપેરની દુકાનો. ધોબી, મોચી, પ્રેસ સંબંધિત કામને મંજૂરી મળશે.

આ શહેરોને છૂટ મળવી મુશ્કેલ

મેટ્રો શહેરોમાં લોકડાઉનની છૂટ મળવી મુશ્કેલ છે. જેમાં દિલ્હી, મુંબઈ, ઇન્દોર, ગુડગાંવ, ભોપાલ, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર, બેન્ગલુરુમાં કોરોનાના કેસ હજી સામે આવી રહ્યા છે. એટલા માટે અહીં નવી છૂટ મળવી મુશ્કેલ છે.

કેન્દ્રીય મંત્રીઓએ ઓફિસથી શરુ કર્યુ કામ

નવી દિલ્હી: કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે દેશભરમાં લાગુ લોકડાઉન પૂર્ણ થવાના એક દિવસ પહેલા મોદી સરકારના કેટલાક મંત્રીઓએ આજથી તેમના કાર્યાલયો ખાતેથી કામ શરુ કર્યું છે. લોકડાઉનનો હાલનો તબક્કો 14 એપ્રિલે ખતમ થઈ રહ્યો છે. જો કે ત્યાર પછી પણ લોકડાઉન લંબાવાઈ તેવા સંકેતો મળી રહયા છે.

મળતી માહિતી અનુસાર તમામ કેન્દ્રીય મંત્રીઓ અને અધિકારીઓને સોમવારથી ઘરના બદલે ઓફિસથી કામ શરૂ કરવા જણાવી દેવાયું છે. દેશના  અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટે લોકડાઉન પછીની યોજનાઓ તૈયાર કરવા મંત્રીઓને જણાવાયું છે. કોરોના વાઈરસના કારણે દેશભરમાં લોકડાઉન વચ્ચે કેન્દ્રીય મંત્રીઓ હાલ મંત્રાલયના બદલે ઘરેથી જ કામ કરી રહ્યા છે.

કોરોનાના પડકાર વચ્ચે કેન્દ્ર સરકાર હવે ‘જાન ભી જહાન ભી’ રણનીતિ હેઠળ સરકારી કામકાજે ફરી પાટા પર લાવવાની કવાયત કરી રહી છે. મહત્વનું છે કે, શનિવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી. ત્યારે પછી વડાપ્રધાન મોદીએ લોકડાઉન આગળ ધપાવવાના સંકેત આપ્યા. જો કે, અર્થવ્યવસ્થાને બચાવવા માટે કેટલાક ક્ષેત્રો અને મામલાઓમાં ઢીલાશ આપવામાં અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

રેડ- ઓરેન્જ, ગ્રીન ઝોનમાં વિભાજિત કરવાની સંભાવના

આ દરમ્યાન લોકડાઉન હટાવવા માટે કેટલાક તબક્કાઓમાં કામ શરુ થઈ ગયું છે. દેશને ત્રણ ઝોનમાં વહેચવાની કવાયદ શરુ કરવામાં આવી રહી છે. જે હેઠળ ગ્રીન, ઓરેન્જ, અને રેડ ઝોન બનાવવામાં આવી રહ્યા છે. લોકડાઉનને આ ઝોન મુજબ લાગૂ કરવામાં આવશે.

રેડ ઝોન – કોરોનાના નોંધપાત્ર કેસો હોય તેવા જિલ્લાઓ અથવા હોટસ્પોટ જાહેર કરાયેલા વિસ્તારોને રેડ ઝોન જાહેર કરવામાં આવશે, જ્યાં કોઈપણ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં નહીં આવે.

ઓરેન્જ ઝોન – પોઝિટિવ કેસોની સંખ્યા વધી ન હોય અને જ્યાં બહુ ઓછા કેસ નોંધાયા હોય તેવા વિસ્તારોમાં મર્યાદિત જાહેર પરિવહન ખોલવા જેવી લઘુત્તમ પ્રવૃત્તિઓ, કૃષિ પેદાશોની લણણી વગેરેને મંજૂરી આપવી.

ગ્રીન ઝોન – કોવિડ-૧૯ કેસો ન હોય તેવા જિલ્લાઓમાં કામકાજને મંજૂરી આપવામાં આવે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સાથે કર્મચારીઓ માટે યોગ્ય ઈન-હાઉસ સુવિધાઓ સાથે કેટલાક એમએસએમઈ ઉદ્યોગોને કામકાજ શરૂ કરવાની મંજૂરી આપવા પણ સરકારની વિચારણા છે.