Home Blog Page 4860

દિલ્હી-NCRમાં ભૂકંપનો આંચકોઃ 3.5ની તીવ્રતા

નવી દિલ્હીઃ દેશમાં મુસીબતો બેટેલિયનમાં આવી રહી હોય એવું લાગે છે. એક બાજુ કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે અને લોકડાઉનનો સમયગાળો ચાલી રહ્યો છે. આવામાં દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદ, ગુરુ ગ્રામની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના હળવા આંચકા આવ્યા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5ની છે. જોકે લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. જોકે હજી સુધી જાનમાલના કોઈ અહેવાલ મળ્યા નથી. આ ભૂકંપને લીધે લોકો ઘરની બહાર આવી ગયા હતા.

ભૂકંપનું એપિ સેન્ટર પૂર્વ દિલ્હીમાં

દિલ્હી એનસીઆરમાં આ ભૂકંપનું એપિ સેન્ટર પૂર્વ દિલ્હીમાં છે. આ ભૂકંપ જમીનથી આઠ કિલોમીટર નીચે છે.  પોણા છની આસપાસ આવ્યો હતો. આ  ભૂકંપને કારણે લોકો ખૂબ ભયભીત થઈ ગયા છે. જોકે આ ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. નવી દિલ્હી નોઇડા અને ગાઝિયાબાદમાં આ ભૂકંપ લોકોએ અનુભવ્યો હતો. આ ભૂકંપને લઈને મુખ્અય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ પણ કર્યું હતું અને બધા હેમખેમ હોવાની પ્રાર્થના પણ કરી હતી.

દેશમાં એક બાજુ કોરોના વાઇરસને કારણે લોકડાઉન છે. જેને લીધે લોકો ઘરોમાં કેદ છે. ત્યારે આ નવી મુસીબતથી દેશવાસીઓમાં ખાસ કરીને દિલ્હીવાસીઓમાં ભયનો માહોલ ઊભો થયો છે.

કંપનીઓ દેવાળું ફૂંકશે, ભારતને ફરી સ્વસ્થ થતાં 9 મહિના લાગશેઃ દીપક પારેખ (HDFC)

મુંબઈઃ એચડીએફસી બેન્કના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર દીપક પારેખે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે કોરોના વાઈરસ જાગતિક રોગચાળાને કારણે ઊભી થયેલી આર્થિક કટોકટી 2008ની જાગતિક આર્થિક મંદી કરતાં સાવ જ જુદી હશે.

પારેખે કહ્યું છે કે ભારતના અર્થતંત્રને આ કટોકટીમાંથી ફરી બેઠા થતાં 9 મહિના જેટલો સમય લાગશે.

એક વેબીનારને સંબોધિત કરતાં પારેખે કહ્યું હતું કે ભારતમાં રિયલ એસ્ટેટના ભાવ ઓછામાં ઓછા 20 ટકા ઘટી જશે, જેને કારણે ઘણી કંપનીઓ દેવાળું ફૂંકશે.

પારેખે કહ્યું હતું કે જમીનની ખરીદ-વેચાણનો મામલો રાજ્યોનો છે. રિયલ એસ્ટેટના ભાવ ઓછામાં ઓછા 20 ટકા ઘટી જશે. ઊંચા ભાવે જમીન ખરીદનાર ડેવલપર્સના પ્રોજેક્ટોને માઠી અસર પડશે. ઘણી કંપનીઓ દેવાળું ફૂંકશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પરિસ્થિતિ રાબેતા મુજબ થતાં 8-9 મહિના લાગશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસે દુનિયાભરમાં એક લાખથી વધારે લોકોનો ભોગ લીધો છે. ભારતમાં 250થી વધારે લોકો માર્યા ગયા છે અને દેશમાં 8 હજારથી વધારે કેસો નોંધાયા છે. દેશમાં હાલ 21-દિવસનું લોકડાઉન છે જે 14 એપ્રિલ બાદ ઓછામાં ઓછા બે અઠવાડિયા લંબાય એવી પૂરી શક્યતા છે.

દીપક પારેખે કહ્યું કે સરકારે ગરીબોને મદદ કરવી જોઈએ, કારણ કે એમને સૌથી વધારે માઠી અસર પડી છે અને એમને સ્વસ્થ થતાં સૌથી વધારે સમય લાગશે. સરકાર આવતા અઠવાડિયે એક નવું આર્થિક પેકેજ જાહેર કરે એવી મારી ધારણા છે. સરકારે જટિલ કરવેરા નિયમોને પડતા મૂકી દેવા જોઈએ.

પારેખે એમ પણ કહ્યું કે કર્મચારીઓને કામ પર પાછા લાવવા માટે તમારે એમનો પગાર વધારવો પડશે, એમને સવલતો આપવી પડશે… એમને કામ પર પાછા લાવવા એ મોટી સમસ્યા હશે… મેનેજમેન્ટોએ કર્મચારીઓને એમની જિંદગી અને બે ટંક ભોજનની ખાતરી આપવી પડશે અને જરૂર લાગે ત્યાં એમના રહેવાની વ્યવસ્થા પણ કરવી પડશે. એ તમારી સૌથી મોટી પ્રાથમિકતા બનશે.

પારેખે કહ્યું કે, કેશ ફ્લો પાછો શરૂ થાય એ પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. મેનેજમેન્ટોએ કરકસર કરવી પડશે, પગારો ઘટાડવા પડશે, જરૂરી લાગે તો સ્ટાફનું કદ ઘટાડવું પડશે.

સુપ્રીમ કોર્ટમાં EMI ના ભરનાર લોનધારકોનું વ્યાજ પણ માફ કરવા અરજી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને લીધે મોરિટોરિયમ સમયગાળા દરમ્યાન લોનના હપતા પર વ્યાજમાં છૂટ આપવાની માગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે બેન્કો અને નાણાસંસ્થાઓ પોતાની લોનોના લોનધારકોથી મોરિટોરિયમ સમયગાળા દરમ્યાન વ્યાજ પણ ના લે,પરંતુ અત્યાર સુધી સરકારે જાહેરાત કરી છે કે મોરિટોરિયમ સમયગાળામાં વ્યાજ ચૂકવવું પડશે.

અરજીકર્તાએ તર્ક આપ્યો છે કે નિયમિત હપતાની સાથે વધારાના વ્યાજની ચુકવણી કરવાનો કોઈ અર્થ નથી. એટલે રાજ્યની ફરજ છે કે સંકટના આ સમયમાં લોનધારકોને છૂટ આપવામાં આવે. જ્યારે લોકોની નોકરીઓ પર જોખમ ઝંળૂબી હોય અને તેમની આવક છીનવાઈ ગઈ હોય તો આવામાં લોનધારકોને છૂટ આપવી જોઈએ.

કોરોના વાઇરસ અને એની વ્યાપક અસરને ખાળવા માટે સરકાર પછી રિઝર્વ બેન્કે મોટું પગલું ભર્યું છે. રિઝર્વ બેન્કે મહત્ત્વના ધિરાણ દર એટલે કે રેપો રેટમાં 0.75 ટકાનો કાપ મૂક્યો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રેપો રેટ5.15થી ઘટાડીને 4.4 ટકા કર્યો હતો. આ ઉપરાંત MPCના છ સભ્યોમાંથી ચાર સભ્યોએ વ્યાજદર ઘટાડવા મંજૂરી આપી હતી.

 

 

જૂહી ચાવલાએ ઘરમાં ટમેટાં, મેથી, કોથમીરનું વાવેતર કર્યું…

હાલ દેશભરમાં કોરોના વાઈરસને કારણે લોકડાઉન છે, આમ નાગરિકોથી લઈને સેલિબ્રિટી વ્યક્તિ, સહિત તમામ લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે ત્યારે બોલીવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ આ સમયગાળાનો સરસ રીતે સદુપયોગ કર્યો છે. જૂહીએ મુંબઈમાં પોતાના ઘરમાં બાગકામ કરવાનું પસંદ કર્યું છે.

જૂહીએ તેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેર કર્યા છે જેમાં તે એનાં ઘરનાં બગીચામાં કેટલાક છોડ રોપતી જોઈ શકાય છે.

એણે ઘરનાં બગીચામાં કોથમીર, મેથી અને ટમેટાંનાં છોડનું વાવેતર કર્યું છે.

ફોટા શેર કરતી વખતે જૂહીએ લખ્યું છે, ‘આ છે મારું નવું કામ… જમીનમાં મેથી, કોથમીર અને ટમેટાંના પ્લાન્ટ રોપી રહું છું. જોઈએ શું થાય છે.’

હજી થોડા જ દિવસો પહેલાં જૂહીએ લોકોને સલાહ આપી હતી કે દરરોજ પાણીમાં ડૂબાડી રાખેલા મેથીનાં દાણા ખાવાથી માથાનાં વાળ જાડા બને છે.

આઈપીએલને ભૂલી જાવ; સૌરવ ગાંગુલીનો સૂચક સંકેત

મુંબઈઃ કોરોના વાઈરસના ફેલાવાએ સર્જેલા સંકટને કારણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે હાલની પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની રમતમાં સ્પર્ધા યોજવા માટે અનુકૂળ નથી એટલે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ લીગ સ્પર્ધાને પણ ભૂલી જાવ.

કોરોના વાઈરસ ભલે ફેલાયો છે તે છતાં આઈપીએલ સ્પર્ધા આ વર્ષે રમાશે જ એવું બીસીસીઆઈના અમુક અધિકારીએ કહેતા ખુદ પ્રમુખ ગાંગુલીએ આઈપીએલ સ્પર્ધા યોજવાનું શક્ય નથી એવું કહી દીધું છે.

એક અંગ્રેજી દૈનિકને આપેલી મુલાકાતમાં ગાંગુલીએ કહ્યું કે કોરોનાએ સર્જેલી પરિસ્થિતિ પર બીસીસીઆઈની ચાંપતી નજર છે અને હાલની પરિસ્થિતિ આઈપીએલ માટે અનુકૂળ નથી.

ગાંગુલીએ કહ્યું કે, અત્યારે વિમાનીમથકો બંધ છે, લોકોને એમના ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે, ઓફિસો પણ બંધ છે, આખા દેશમાં લોકડાઉન લાગુ છે, કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ જઈ શકતી નથી. એવું લાગે છે કે આ પરિસ્થિતિ મે મહિનાના મધ્ય ભાગ સુધી ચાલશે. તો આવી સ્થિતિમાં તમે ખેલાડીઓ ક્યાંથી લાવશો?, ખેલાડીઓ કેવી રીતે પ્રવાસ કરશે? સાવ સાદી કોમનસેન્સની વાત છે કે હાલની પરિસ્થિતિ દુનિયામાં કોઈ પણ રમતમાં સ્પર્ધા યોજવા માટે અનુકૂળ નથી, એટલે આઈપીએલને તો ભૂલી જ જાવ.

2020ના વર્ષની આઈપીએલ સ્પર્ધા 29 માર્ચથી શરૂ થવાની હતી, પણ કોરોના વાઈરસના રોગચાળાને કારણે એને 15 એપ્રિલ સુધી મુલતવી રાખવામાં આવી છે. હવે જ્યારે મહારાષ્ટ્ર તથા અન્ય અમુક રાજ્યોએ પણ લોકડાઉનની મુદત 30 એપ્રિલ સુધી લંબાવી દીધી છે તેથી આઈપીએલ સ્પર્ધાનું મુલતવીપણું પણ અચોક્કસ મુદત સુધી લંબાશે.

સૌરવ ગાંગુલી આઈપીએલ બાબતે સોમવારે કદાચ સત્તાવાર રીતે જાહેરાત કરે એવી ધારણા છે.

પટિયાલામાં નિહંગ શીખોનો પોલીસ પર હુમલોઃ ASIનો હાથ કાપ્યો

પટિયાલાઃ એક બાજુ દેશ આખો જ્યારે કોરોના સામે લડી રહ્યો છે ત્યારે પંજાબના પટિયાલા જિલ્લા સ્થિત સનૌરમાં જથ્થાબંધ શાકભાજી મંડીની બહાર નિહંગોએ પોલીસ પર હુમલો કર્યો હતો અને એક પોલીસ કર્મચારીનો હાથ કાપી નાખ્યો હતો. આ ઘટના સવારે છ વાગ્યે બની હતી. આ હુમલામાં કેટલાય પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. નિહંગોએ મંડી બોર્ડના એક અધિકારીને પણ ઘાયલ કર્યો હતો.

કરફ્યુ પાસ માગ્યો તો કર્યો હુમલો

પટિયાલાના વરિષ્ઠ પોલીસ અધિકારી મનદીપ સિંહ સિદ્ધુએ કહ્યું હતું કે તેમને કરફ્યુ પાસ બતાવવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેમણે તેમની ગાડીથી પોલીસના બેરિકેડ્સને ટક્કર મારી હતી. ત્યાર બાદ નિહંગ શીખોએ પોલીસ પર તલવારથી હુમલો કર્યો હતો.

ASIનો હાથ કાપ્યો

નિહંગોએ તલવારથી  ASIના હાથનું કાંડું પણ કાપી નાખ્યું હતું.આ સિવાય અન્ય પોલીસ અધિકારીને હુમલામાં કોણી પાસે ઈજાઓ થઈ હતી. આ ASIને ચંડીગઢ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, ત્યાં તેમની પર સર્જરી કરવામાં આવી રહી છે. અન્ય ઘાયલોની પણ સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ હુમલો કર્યા પછી નિહંગ એક ગુરુદ્વારામાં છુપાઈ ગયા હતા.તેમને શરણે આવવા માટે પોલીસ કહી રહી છે.

DGPએ ટ્વીટ કર્યું

પંજાબના DGP દિનકર ગુપ્તાએ આ ઘટના વિશે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં નિહંગોના એક જૂથે પટિયાલા શાકભાજી મંડીમાં કેટલાક પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો હતો અને કેટલાક પોલીસ અધિકારીઓને ઘાયલ કર્યા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે નિહંગ જૂથની ધરપકડ કરવામાં આવશે અને તેમની પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

એક અન્ય ટ્વીટમાં કહ્યું હતું કે ઘાયલ ASIને ચંડીગઢ લઈ જવાયા છે અને તેમની સાથે જે પોલીસ કર્મચારીઓ ઈજા પામ્યા છે, તેમને પણ સારવાર આપવામાં આવી રહી છે.

 

 

મુંબઈની ફાઈવસ્ટાર તાજ પેલેસ હોટેલના 6 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો

મુંબઈઃ દક્ષિણ મુંબઈમાં આવેલી પ્રતિષ્ઠિત લક્ઝરિયસ તાજમહલ પેલેસ હોટેલના છ કર્મચારીઓને કોરોના થયો છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોટેલના છ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ગભરાટ ફેલાઈ ગયો છે. આ તમામની હાલત બોમ્બે હોસ્પિટલમાં સ્થિર હોવાનું કહેવાય છે.

હોસ્પિટલના કન્સલ્ટન્ટ સર્જન ડો. ગૌતમ ભણસાલીએ ઈન્ડિયા ટુડે ટીવીને કહ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા તાજમહલ પેલેસ હોટેલના કર્મચારીઓની હાલત સ્થિર છે. એમની સારવાર ચાલુ છે.

બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના આરોગ્ય વિભાગના ડેપ્યૂટી ડાયરેક્ટર ડો. દક્ષા શાહે તાજ હોટેલના 3 કર્મચારીઓને કોરોના થયો હોવાના સમર્થન આપ્યું હતું.

જોકે માહિતગાર સૂત્રોનું કહેવું છે કે, તાજ હોટેલના 4 કર્મચારીને ગઈ 8 એપ્રિલે અને બીજા બે કર્મચારીને 11 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નામ જાહેર ન કરવાની શરતે એક પોલીસ અધિકારીએ કહ્યું કે હોટેલના હાઉસકીપિંગ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક નિવેદનમાં, હોટેલની પિતૃ કંપની ઈન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (આઈએચસી)એ કહ્યું કે જેમનો કોરોનાનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે એવા કર્મચારીઓને સમયસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમજ એમના સંપર્કમાં રહેનાર અન્ય વ્યક્તિઓને અમે વિશ્વ આરોગ્ય સંસ્થા અને સ્થાનિક સરકારી સત્તાવાળાઓએ નક્કી કરેલા નિયમો અનુસાર ક્વોરન્ટાઈન કરી દીધા છે.

તાજ પેલેસ એન્ડ ટાવર હોટેલે કહ્યું છે કે હાલ એની હોટેલમાં કોઈ મહેમાનો નથી અને માત્ર હાઉસકીપિંગ, સિક્યુરિટી, મેન્ટેનન્સ વિભાગના અમુક કર્મચારીઓ જ ફરજ પર છે.

આ શબ્દો તમે થોડા સમય પહેલાં સાંભળ્યા હતા?

છેલ્લા કેટલાક સમયથી આ નવા શબ્દોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે, જે કેટલાક સમય પહેલાં આપણને સાંભળવા પણ નહોતા મળ્યા. આપણી વાતચીતમાં હવે કેટલાક અચાનક એવા શબ્દો આવવા માંડ્યા છે, જેનો અર્થ કદાચ આપણે પણ નથી ખબર હોતી. વળી આ શબ્દો રોજબરોજની ભાષામાં એટલા ભળી ગયા છે કે ભલે આપણે એ શબ્દનો અર્થ  પૂરેપૂરો ના સમજાતો હોય, પણ આપણે ખબર પડી જાય છે કે સામેની વ્યક્તિ આપણને શું કહેવા માગે છે. કેટલીક વાર જે ઘટના અને આતંકવાદને કારણે આપણી રોજબરોજની ભાષામાં એ શબ્દો હિસ્સો બની જાય છે. ચાલો, જાણીએ આવા કેટલાક શબ્દો વિશે…

લોકડાઉન

વિશ્વના કેટલાય દેશોમાં કોરોના વાઇરસના સંક્રમણથી લડવા માટે લોકડાઉન કરી દીધું છે. ભારતમાં પણ 24 માર્ચથી સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉનથી કરફ્યુ જેવી સ્થિતિ હોય છે. જરૂરી સેવા અને જરૂરી કામ સિવાય લોકોને ઘરમાંથી નીકળવાની મનાઈ હોય છે, પણ આમાં કરફ્યુ જેવી સખતાઈ નથી હોતી.

જનતા કરફ્યુ

જનતા કરફ્યુનો પહેલી વાર ઉપયોગ 19 માર્ચ, 2020એ વડા પ્રધાન દ્વારા કરવામાં વ્યો હતો. વડા પ્રધાન મોદીએ કોરોના વાઇરસથી લડવા માટે 22 માર્ચ, 2020એ જનતા કરફ્યુનું આહવાન કર્યું હતું. જનતા કરફ્યુનો સમય સવારે સાત વાગ્યાથી રાત્રે નવ કલાક સુધી હતો.

ક્વોરોન્ટાઇન

જોકોઈ વ્યક્તિ અથવા પ્રાણી કોઈ સંક્રમક રોગથી પીડિત હોય તો એના સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ એ રોગનો ચેપ લાગવાની શક્યતા છે. જેથી રોગ વધુ ના ફેલાય એટલા માટે એ વ્યક્તિને કેટલોક સમયગાળા માટે અલગ રાખવામાં આવે છે. બીમારી રોકવા માટે ક્વોરોન્ટાઇનનું સખતાઈથી પાલન કરવામાં આવે છે.

આઇસોલેશન-સોશિયલ ડિસ્ટન્સિંગ

આઇસોલેશનનો અર્થ બધાથી સ્વેચ્છાએ અલગ રહેવું. સોશિયલ ડિસ્ટન્સિંગનો અર્થ પણ એ જ અર્થ થાય છે કે બીજાથી અંતર રાખવું. સંક્રમિત બીમારીથી બચવા માટે આ જ એક અકસીર ઉપાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ભીડમાં જાય છે, તો તેને ચેપ લાગવાનો ડર રહે છે, જેથી આઇસોલેશનનો અર્થ બિલકુલ એકલા રહેવું તે છે.

PPE

PPE-Personal protective equipment  અથવા વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ. કોઈ વ્યક્તિને શરીરને જખમ અથવા સંક્રમણ (કોરોના વાઇરસ)થી બચાવવા માટે જે કપડાં, હેલ્મેટ, ચશ્મા અથવા કોઈ અન્ય કપડાં અથવા ઉપકરણને પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ કહેવામાં આવે છે.

કોરોના

 

ડિસેમ્બર, 2019માં ચીનમાં નવા કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાયું જે હવે વિશ્વઆખામાં ફેલાયું છે. હાલ જે કોરોના વાઇરસનો પ્રકોપ ફેલાયો છે, એની હજી સુધી કોઈ વેક્સિન કે દવા નથી શોધાઈ.

એર સ્ટ્રાઇક

ફેબ્રુઆરી, 2019માં પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. એનો બદલો લેવા ભારતીય એરફોર્સે એર સ્ટ્રાઇક કરી હતી. એ વખતથી એર સ્ટ્રાઇક શબ્દ વાતચીતમાં આવ્યો છે.

નોટબંધી   

8 નવેમ્બૂર, 2016એ સરકારે રૂ. 500 અને રૂ. 1000ની નોટ ચલણમાંથી રદ કરી હતી, એ પછી નોટબંધી શબ્દ વાતચીતમાં આવી ગયો.

સર્જિકલ સ્ટ્રાઇક

ભારતીય એર ફોર્સે સપ્ટેમ્બર, 2016માં પાકિસ્તાના કાશ્મીરમાં આતંકવાદી શિબિરોને ખતમ કરી હતી. મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. આમ સેનાએ જે કાર્યવાહી કરી હતી એ સર્જિકલ સ્ટ્રાઇક હતી.

કરપ્શન

2011માં UPA  વિરુદ્ધ અણ્ણા આંદોલન  પૂરી દેશમાં ફેલાયું હતું. જેથી એ આંદોલન ભ્રષ્ટાચારની સામે હતું. એ આંદોલનને લીધે કરપ્શન શબ્દ લોકપ્રિય થયો.

રાજ્યમાં 25 નવા પોઝિટિવ કેસ: 23 અમદાવાદના

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધતા ચોક્કસ પણ ચિતાનો માહોલ સર્જાયો છે. લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, તે છતા પણ કેટલાય લોકો કારણ વગર અને કામ વગર ઘરની બહાર નિકળતા હોય છે જે ખરેખર તેમના માટે તેમના પરિવાર માટે અને સમાજના તમામ લોકો માટે ખતરનાક છે. કારણ કે કોરોના વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો રોગ છે. અને જો આવા સમયમાં સાવધાની રાખવામાં ન આવે તો ખરેખર ગંભીર નહી અતીશય ભયાનક પરિણામો ભોગવવા પડે તેવી સ્થિતિ સર્જાય. વાત કરીએ ગુજરાતના કોરોના વાયરસના આંકડાઓની.

આજે સવારે 11.00 વાગ્યા સુધીમાં કોરોના વાયરસના વધુ 25 નવા સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. આ 25 નવા કેસમાંથી 23 તો માત્ર અમદાવાદના જ છે. રાજ્યમાં ગઈકાલે મોડી રાત્રે કોરોના વાયરસના કારણે અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે સૌથી ગંભીર સ્થિતિ અમદાવાદની છે. રાજ્યમાં 266 સંક્રમિતો સાથે સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી કે રાજ્યમાં કુલ 493 દર્દીઓ સંક્રમિત થયા છે. કોરોના વાયરસના કારણે રાજ્યના જુદા જુદા જિલ્લામાં ટેસ્ટીંગ થઈ રહ્યું છે. અમદાવાદમાં એક મોત થતા રાજ્યમાં કોરોના વાયરસના કારણે 23 લોકોનાં મૃત્યુ થયા છે. આ મૃતકોમાં વિદેશથી આવેલા ત્રણ લોકોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા 493 દર્દીઓ પૈકીના 44 દર્દી સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો નથી. રાજ્યમાં અમદાવાદ બાદ વડોદરામાં 95 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. સુરતમાં 28 દર્દી, ભાવનગરમાં 23 દર્દી, તેમજ સુરતમાં 28 દર્દી નોંધાયા છે.

અમદાવાદમાં બહેરામપુરા, દાણીલીમડા, કાલુપુર, ઘોડાસર, મણિનગર, જમાલપુર અને રાણીપમાં કુલ 23 જેટલા કેસ નોંધાયા છે. 10994 જેટલા ટેસ્ટ અત્યાર સુધી કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 2663 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 2486 કેસ નેગેટિવ આવ્યા છે. જેમાં 61 કેસ પોઝિટિવ નોંધાયા છે. 116 રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.

ચંદ્રમા પર પહોંચનાર દેશ આજે કોરોના સામે લાચાર છે

મુંબઇઃ અમેરિકાની અંતરીક્ષ એજન્સી નાસા વર્ષ 2024માં ચંદ્રમા પર માનવને ઉતારીને ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરવા માંગે છે. એ માટે નાસાએ ઘણી તૈયારીઓ પણ કરી લીધી છે. ચંદ્રમા પર માનવ વસવાટ કેવો થશે? ત્યાં રહેવામાં કઈ કઈ તકલીફોનો સામનો કરવો પડશે? આ બધા પ્રશ્નોનો વિચાર કરીને એના ઉકેલ પણ એણે શોધી રાખ્યાં છે. આટલી બધી પૂર્વ તૈયારી રાખનાર અમેરિકા આજના કોરોના સંકટ આગળ સાવ લાચાર બની ગયું છે!

વર્તમાન સમયમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા એકલા અમેરિકામાં જ સહુથી વધુ છે. મોટી સંખ્યામાં આ વાયરસ અહીંના લોકોમાં ફેલાયો છે. તાજેતરના કોરોના દર્દીઓની સંખ્યા 3,36,851થી વધુ છે. જેમાં અત્યાર સુધીમાં 16,500 જેટલાં લોકોના જીવ ગયા છે. 18,000 દર્દી સાજા થયા છે. તો 8,702 જેટલાં દર્દીની સ્થિતિ ગંભીર છે.

અમેરિકાનું ન્યુયોર્ક શહેર કોરોના વાયરસથી વધુ પ્રભાવિત છે. ત્યાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1,23,018 થી વધુ થઈ ગઈ છે. ફક્ત ન્યુયોર્કમાં જ કોરોનાથી મૃત્યુ પામનારાની સંખ્યા 7,000 સુધી પહોંચી ગઈ છે. દિવસ-રાત ચમક-દમકમાં રહેતું આ શહેર સાવ સૂનું થઈ ગયું છે. 9/11 હુમલા વખતે વ્યાપેલી શૂન્યતા આજના સમયમાં ફરી દેખાવા લાગી છે. ત્યાં લૉકડાઉન ચાલુ છે. સરકાર લોકોને દિવસ-રાત મોઢાં પર માસ્ક પહેરવા માટે તેમજ સોશિયલ ડિસ્ટન્સ પાળવાનું કહી રહી છે.

નાસા અંતરીક્ષયાત્રીઓને અવકાશમાં મોકલવાનું કામ કરે છે. અંતરીક્ષયાત્રીઓને અવકાશમાં મોકલવા ઉપરાંત ત્યાં તે લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તેમજ ત્યાં માટે જરૂરી દરેક બાબતોનું ધ્યાન રાખીને એ પ્રમાણેની વ્યવસ્થા પણ કરે છે. અમેરિકા બધી બાબતોમાં આગળ હોવા છતાં કોરોના વાયરસને કાબૂમાં નથી લાવી શક્યું કે, આ વાઇરસને નાથવાનો કોઈ ઉપાય શોધી નથી શક્યું એ બહુ વિચારવા જેવી વાત છે!

જો કે, ભારતમાં મલેરિયાના ઈલાજ માટે વપરાતી દવા Hydroxychloroquineનો પુરવઠો પોતાના દેશ માટે તાત્કાલિક મોકલી આપવાની વિનંતી અમેરિકાએ પીએમ મોદીને કરી છે. કેમ કે, અમેરિકામાં આ દવાનો પ્રારંભિક તબક્કે કોરોનાના દર્દીઓ પર કરવામાં આવતો ઉપચાર ઘણું સારૂ પરિણામ આપી રહ્યો છે. ભારતે પણ માનવતાની રાહે આ દવા અમેરિકા મોકલી આપી છે.

ઇન શોર્ટ, અમેરિકા ચંદ્ર પર પહોંચ્યો છે, પણ કોરોનાને નાથવાના ઉપાય સુધી હજુ પહોંચી શક્યો નથી.