Home Blog Page 4863

મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં મોદીએ કહી આ વાત…

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ત્રીજી વખત વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. તેમાં લોકડાઉન લંબાવવા અંગે ચર્ચા થઇ હતી. કોન્ફરન્સિંગમાં મોટાભાગના રાજ્યોએ લોકડાઉન વધારવા માટે કહ્યું હતું.

વીડિયો કોન્ફરન્સિંગમાં મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યું હું 24 કલાક ઉપલબ્ધ છું, કોઈ પણ મુખ્યમંત્રી ગમે ત્યારે કોરોનાની સ્થિતિ પર મારી સાથે વાત કરી શકે છે અને મને સૂચન આપી શકે છે. આ કોન્ફરન્સિંગમાં અમરિંદરસિંહ (પંજાબ), મમતા બેનર્જી (પશ્ચિમ બંગાળ), ઉદ્ધવ ઠાકરે (મહારાષ્ટ્ર), યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ), મનોહર લાલ ખટ્ટર (હરિયાણા), કે ચંદ્રશેખર રાવ (તેલંગાણા) અને નીતીશ કુમાર (બિહાર) સહિતના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ શામેલ હતા. લોકડાઉન લંબાવવા અંગેની ટૂંક સમયમાં જ જાહેરાત થઈ શકે છે.

કોન્ફરન્સ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીનેકહ્યું કે વડાપ્રધાને લોકડાઉન વધારવાનો યોગ્ય નિર્ણય લીધોછે. અત્યારે ભારતની પરિસ્થિતિ અન્ય દેશો કરતા એટલા માટે સારી છે કારણ કે આપણે લોકડાઉન સમયસર કર્યું. જો અત્યારે લોકડાઉન ખોલવામાં આવશે તો બધું ગુમાવી દઇશું. હવે આ મુદ્દે વડાપ્રધાન ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ આવતીકાલ સુધી નિર્ણય જાહેર કરી શકે છે.

કેન્દ્ર સરકાર લોકડાઉનમાં કેટલાક ફેરફાર કરી શકે છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, લોકડાઉન કેટલાક ફેરફારો સાથે આગળ વધવાની ધારણા છે. રાજ્યોમાં આવશ્યક સેવાઓ સિવાય પ્રતિબંધો ચાલુ રહેશે. શાળા-કોલેજો અને ધર્મસ્થાનો પણ બંધ રહેવાની સંભાવના છે. લોકડાઉનને કારણે, દેશના અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે, કેટલાક ક્ષેત્રોને સોશિયલ ડિસ્ટન્સિંગને વળગી રહેવાની શરતે લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી શકે છે. રિઝર્વ બેંકે પોતાના અહેવાલમાં કોરોના સંકટ વચ્ચે અર્થતંત્રમાં ઝડપથી સુધારો થવાની સંભાવના વ્યક્ત કરી હતી. લોકડાઉનથી વિમાન ક્ષેત્રને સૌથી વધુ અસર થઈ છે. આવી સ્થિતિમાં, સરકાર એરલાઇન્સ કંપનીઓને ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી આપી શકે છે, પરંતુ તેઓએ તમામ વર્ગોમાં વચ્ચેની સીટ ખાલી રાખવી પડશે.

કુદરતી આપત્તિ અને ગાંધીજીને ટાગોરની ટકોર

કુદરત આગળ માનવ લાચાર છે એ કહેવત માત્ર જૂની પેઢીના લોકો બોલે એવું નથી હોતું. યુવાનો પણ તેને ‘ફોરવર્ડ’ કરતા હોય છે. બીજાને વાંચવા મોકલે એટલે પોતાને ગમ્યું હશે એમ માની લેવું પડે. માન્યતાને તર્કની સરહદો નડતી નથી અને વાયરસને પણ કોઈ સરહદો નડતી નથી એટલે સામો તર્ક થવાનો કે માન્યતાને તોડી પાડવાની તમારી દલીલમાં વજૂદ લાગતું નથી. ધરતીકંપ આવે, વાવાઝોડું આવે, દુકાળ પડે, જવાળામુખી ફાટે, કરોડો તીડનું લશ્કર તૂટી પડે, પાકમાં રોગ આવે અને ઊભો મોલ સુકાઈ જાય, લીલુંછમ વૃક્ષ લાકડું બની જાય તે જોઈને લોકો બોલવાના જ કે કુદરત આગળ માનવ લાચાર છે.
સાથે જ ઉમેરો થવાનો કે માનવજાત સમજે નહિ તો મહામારી આવવાની. મહામારી, રોગચાળો, રહસ્યમય તાવ, કોગળિયું, ઊંટિયું, કાળો તાવ આવા કંઈ કેટલાય નામથી બીમારીઓને ઓળખવામાં આવે છે. કુદરત સજા કરે છે માનવજાતને એવું બોલવામાં આવે છે. મોટા ભાગની ભિરુ પ્રજા સામી દલીલો કરતી નથી. ભિરુ પ્રજા પ્રતિવાદ કરવા ટેવાયેલી નથી, કહે તેટલું માનવા ટેવાયેલી છે. ડાહ્યા માણસો પણ કહેવાના કે શ્રદ્ધાના મામલામાં સવાલોને અવકાશ હોતો નથી. અંધશ્રદ્ધામાં પણ આકરો પ્રતિસાદ આપવાને બદલે સાંભળી લેવું સલાહભર્યું ગણાય.
પ્રજાની માન્યતા સમજ્યા, પણ પ્રબુદ્ધજનોની પણ માન્યતા હોય છે અને તેઓ બોલે ત્યારે અનેક સાંભળતા હોય છે અને તેની અસર થતી હોય છે. પ્રતિષ્ઠિત વ્યક્તિ પાછળ દોરાતી હોય છે એટલે ઘણી વાર તેમની નાનામાં નાની વાતનો પ્રતિવાદ આવતો હોય છે. તેની પાછળનો શુભાશય જ હોય છે કે લોકપ્રિય વ્યક્તિએ લેખાંજોખાં લઈને બોલવું, કેમ કે પાછળથી ખુલાસા ખાસ ફેલાતા નથી. સાથે એ પણ યાદ રાખવું કે ગુરુ પોતાના શિષ્યોના હિત ખાતર અમુક ટેવ પાડવા તેમને સીધો આદેશ જ આપતા હોય છે, સમજાવાની પ્રક્રિયા બહુ લાંબી ચાલતી હોય છે માટે.
વાત 1934ની છે. 1934માં બિહારમાં ભૂકંપ આવ્યો હતો અને તેનાથી તે વખતેય ઘણું નુકસાન થયું હતું. તે વખતે ગાંધીજીએ એક નિવેદન પત્રકારોને આપીને તેમને ય સલાહ આપી હતી કે “તમારે મારી જેમ સંશયી બનવું રહ્યું અને મારી જેમ તમારે માનવું રહ્યું કે આપણે જેમને હરીજન તરીકે ઓળખીએ છીએ તેમની સામે કરેલા પાપ બદલ આપણને કુદરતની સજા સમો આ ધરતીકંપ છે”. ગુરુ શુભાશયથી પોતાના શિષ્યોને કશુંક કહેવા માગતા હોય ત્યારે આ રીતે કહે. અનુયાયીઓને બધા જ મનુષ્યો તરફ સદભાવ રાખવા માટે સમજાવટ કરવામાં વર્ષોના વર્ષો લાગે, પણ કુદરતનો ખોફ દેખાડીને જનતાને ખોટે રસ્તા જતા રોકી શકાય એમ મહાનુભાવો માનતા હશે.પણ બધા નહિ. રવિન્દ્રનાથ ટાગોરને થયું કે ગાંધીજી આવી વાત કહે તે બરાબર નથી. અસ્પૃશ્યતા નિવારણના ગાંધીજીના ઉદ્દેશને ટાગોર સ્વીકારતા હતા, પણ તેમને લાગ્યું કે તેના માટે આવી અંધશ્રદ્ધા ના ફેલાવાય. રવિન્દ્રનાથે 28 જાન્યુઆરી, 1934ના રોજ એક અખબારી નિવેદન તૈયાર કર્યું. ટાગોર અને ગાંધીજી વચ્ચે મૈત્રી અને પરસ્પર સન્માનના સંબંધો હતા, તેથી ટાગોરે નિવેદન સીધું પત્રકારોને આપવાના બદલે ગાંધીજીને મોકલ્યું હતું અને તેને પ્રેસમાં જાહેર કરવા કહ્યું હતું.
આ તો 1934ની વાત છે અને હજી આઝાદી મળી નહોતી, પણ અભિવ્યક્તિની આઝાદી અને પ્રતિવાદી માટે પ્રેમનો સમય હતો. ગાંધીજીએ ટાગોરના નિવેદનને પોતાના પ્રકાશન હરીજનમાં 16 ફેબ્રુઆરી 1934ના રોજ પ્રગટ કર્યું હતું, જેનો સાર નીચે પ્રમાણે છે:
“મને બહુ દુઃખ સાથે આશ્ચર્ય થયું કે મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતાના સામાજિક રિવાજને અંધ રીતે પાળતા લોકો સામે આક્ષેપ કર્યો કે તેમના કારણે બિહારના કેટલાક વિસ્તારોમાં ઇશ્વરે સજા આપી. આ વધારે કમનસીબ બાબત છે, કેમ કે વસ્તુસ્થિતિને અવૈજ્ઞાનિક રીતે જોવાની આવી રીત દેશની વિશાળ જનતા બહુ સહેલાઈથી સ્વીકારી લે છે. કુદરતી પરિબળોથી બનતી ઘટનાઓ સાથૈ સૈદ્ધાંતિક કે નીતિમત્તાની બાબતોને જોડવી જોઈએ નહિ.
“વધુ વક્રતા એ છે કે કુદરતી ઘટના વિશે મહાત્માજીએ જે દલીલ કરી તે તેમના હરિફોની માનસિકતાને વધારે બંધબેસતી આવે છે. મને નવાઈ નહિ લાગે કે કે આ લોકો આ જ ઘટનાને ઉલટી રીતે જોશે અને તેમને અને તેમના અનુયાયીઓને દૈવી પ્રકોપ લાવવા બદલ પાપી ગણાવશે. [અસ્પૃશ્યતાને દૈવી ગણીને તેનો ભંગ કરવા બદલ.]
“મહાત્માજી દેશવાસીઓને ભયમુક્તિ અને હિંમત આપવાનું પ્રેરણારૂપ કામ કરી રહ્યા છે ત્યારે મને બહુ પીડા થશે કે આ જ પ્રજાના મનમાં તેમના શબ્દોને કારણે અતર્ક વધશે, એ અતર્ક જે અંધશ્રદ્ધાની તાકાતના મૂળ સ્રોત સમાન છે અને આપણને સ્વાતંત્ર્ય અને સ્વાભિમાનથી દૂર રાખે છે.
“આવી વાત માની લેવી મારા માટે મુશ્કેલ છે. પણ ખરેખર તમે આવું જ માનતા હો તો, મને લાગે છે કે તેનો પ્રતિવાદ કર્યા વિના ચાલે નહિ.”
આ છેલ્લી વાત આજના સંદર્ભમાં વધારે ધ્યાન ખેંચે એવી છે કે ભિન્નમત ધરાવનારા વચ્ચે પણ સારી રીતે સંવાદ થઈ શકે છે. ગાંધીજીએ હરીજન અખબારમાં જ બાદમાં તેનો જવાબ પણ આપેલો – ‘અંધશ્રદ્ધા વિરુદ્ધ આસ્થા’ એવા મથાળા સાથેના લેખમાં લખ્યું કે દુકાળ, વાવાઝોડા, ધરતીકંપ વગેરે ભલે કુદરતની ઘટનાઓ લાગતા હોય, પણ ‘મને તે માત્ર ભૌતિક ઘટનાઓ નથી લાગતી, પરંતુ તેનો સંબંધ કોઈક રીતે મનુષ્યની નૈતિકતા સાથે જોડાયેલો લાગે છે’. ગાંધીજીએ આગળ લખેલું કેઃ
”એથી મને સ્ફૂર્યું કે ધરતીકંપ અસ્પૃશ્યતાના પાપને કારણે જ આવ્યો છે. અલબત, સનાતનીઓને એવું કહેવાનો પૂર્ણ અધિકાર છે કે હું અસ્પૃશ્યતા વિરુદ્ધ ઉપદેશ આપું છું તેના કારણે આમ થયું છું. હું પશ્ચાતાપ અને સ્વશુદ્ધિમાં માનું છું. કુદરતી નિયમો કેવી રીતે કામ કરે છે તેનું મારું અગાધ અજ્ઞાન હું સ્વીકારું છું. હું ઇશ્વરમાં માનું છું, પણ સંશયી સામે તેમનું અસ્તિત્વ સાબિત કરી શકવા સમર્થ નથી. બિહારના ધરતીકંપ સાથે અસ્પૃશ્યતાના પાપનો સંબંધ હું સાબિત કરી શકું તેમ નથી, પણ મારા અંતરાત્મામાં તેની કડી જોડાયેલી મને લાગે છે. મારી માન્યતા ખોટી સાબિત થશે, તો તેનાથી મારું ભલું જ થશે.”
ટાગોર ગાંધીજીને હંમેશા મહાત્મા કહીને બોલાવતા અને ગાંધીજી તેમને ગુરુદેવ કહીને સંબધન કરતાં. દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા પછી તેમની વચ્ચે ઘણી વાર મુલાકાતો થઈ હતી અને પરસ્પર માટે આદરભાવ ધરાવતા હતા. આમ છતાં પોતપોતાના મતને વળગી રહેતા હતા અને આવી રીતે વાદ અને પ્રતિવાદ કરીને વાતને પૂર્ણવિરામ મૂકી દેતા હતા. આ બાબતે પછી બંનેએ વિવાદ આગળ વધાર્યો નહોતો.
બીજું કે અખબારી નિવેદન તૈયાર કરીને ગાંધીજીને મોકલ્યાના એક અઠવાડિયા પછી 6 ફેબ્રુઆરી 1934ના રોજ તેમણે શાંતિનિકેતનથી અન્ય નિવેદન બહાર પાડીને બચાવ પણ કર્યો હતો. ‘કોઈ વાર અભિપ્રાયો અલગ પડતા હોય તેના કારણે કોઈની બદનામી કરીએ તો સ્વાર્થીપણું છે. મેં જાહેરમાં ઘણી વાર તેમની સાથે અસહમતી દર્શાવી છે, અને હાલમાં જ બિહાર ધરતીકંપ એ કુદરતે કરેલી સજા છે તેવી તેમની માન્યતાની પણ મેં ટીકા કરી છે. પરંતુ મને તેમની ધાર્મિક માન્યતાની પ્રામાણિકતા અને ગરીબો માટેના અતૂટ પ્રેમ માટે માન છે અને તેમના અલગ અભિપ્રાયને માનથી જોઉં છું.’
સૌની પોતપોતાની માન્યતા હોય છે અને માન્યતાને કારણે કોઈની માનહાની કરવી એ પણ યોગ્ય નથી તે વાત પણ આમાંથી ઉપસી આવે છે. કુદરતી પ્રકોપ સામે મનુષ્ય લાચારી વ્યક્ત કરે છે, પણ સાચી વાત એ છે કે સાથે મથામણ પણ કરતો રહે છે. માત્ર મનુષ્ય નહિ, દરેક સજીવ ટકી જવા માટે કુદરત સામે સંઘર્ષ કરતો રહે છે. કદાચ કુદરતનો નિયમ જ છે એ કે સંઘર્ષ કરવો અને ટકી જવું. આ કોઈ દુશ્મનાવટ નથી, પણ કુદરતી ક્રમ છે. કવિએ કહ્યું પણ છે કે – પોષતું તે મારતું, એ ક્રમ કુદરતી દીસે.
કુદરત અકળ છે અને સૌના મન પણ અકળ છે. આપણે કોઈની માન્યતા માનવી પણ નહિ, અને અકળાવું પણ નહિ. બરાબર કે નહિ? અકળાયા વિના અભિપ્રાય આપજો હોંકે…

પાકિસ્તાને મલેરિયા વિરોધી દવાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો

ઇસ્લામાબાદઃ કોરોના વાઇરસના રોગચાળાથી પીડિત પાકિસ્તાને મલેરિયાવિરોધી દવાઓ પર ફરી પ્રતિબંધ લગાવી દીધો છે. ચાર દિવસ પહેલાં ઇમરાન સરકારે આ દવા પર પ્રતિબંધ દૂર કર્યો હતો. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે તત્કાળ અસરથી લાગુ કરવામાં આવેલો પ્રતિબંધ કોરોના વાઇરસ પર રાષ્ટ્રીય સમન્વય આયોગ (NCC)ના આગામી નિર્ણય સુધી લાગુ રહેશે.

આ પહેલાં વેપાર વિભાગે માસ્કની નિકાસ પર પ્રતિબંધ લગાવવા માટે ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ પાકિસ્તાન (ડ્રેપ)ને પત્ર પણ લખ્યો હતો. એક સત્તાવાર સૂત્રના જણાવ્યાનુસાર એનસીસીની બેઠકને ધ્યાનમાં રાખતા વેપાર વિભાગે બધી મેલેરિયાવિરોધી દવાઓની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.

ડ્રેપના રેકોર્ડ અનુસાર દવાઓનું ઉત્પાદન કરવા માટે આશરે 2.5 કરોડ ટેબ્લેટ અનમે આશરે 9,000 કિલોગ્રામ કાચો માલ બજારમાં ઉપલબ્ધ છે. પાકિસ્તાનમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી 72 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે આ વાઇરસથી 4,780 લોકો સંક્રમિત થયા છે.

એક તરફ પાકિસ્તાને મલેરિયાવિરોધી દવાઓની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે તો બીજી બાજુ ભારતે દરિયાદિલી દાખવતાં મલેરિયા સામેની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કર્યો છે. આ દવા કોવિડ-19થી લડવામાં કારગત સાબિત થઈ રહી છે. ભારત આ દવાનો સૌથી મોટો નિકાસકર્તા દેશ છે.

પૂજાબેનની જનસેવા અનુકરણીય છે…

અમદાવાદ: “પૂજા”આ શબ્દ સાંભળતા જ આપણા માનસપટ પર પવિત્ર વાતાવરણની છાપ અંકિત થઈ જાય છે. અમદાવાદ શહેરના ચેનપુર વિસ્તારમાં રહેતા પૂજાબેન દરજીએ ઘેર બેઠા ‘માસ્ક” બનાવીને ‘માસ” પૂજાનું એટલે કે એક મોટા વર્ગ માટે પૂજા સમાન કામ કર્યું છે.

કોવિડ -૧૯ ની બીમારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે. એકબીજાના સ્પર્શથી ફેલાતા આ રોગને કારણે વિશ્વ આખામાં અનેક લોકોના મૃત્યુ થયા છે. આ રોગનું સંક્રમણ વધતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે માસ્ક પણ એક અત્યંત અનિવાર્ય પુરવાર થયું છે . હોસ્પિટલમાં સેવારત ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્ટાફ તો માસ્કનો બહુધા ઉપયોગ કરે જ છે. જો કે ગુજરાત સરકારે પણ માસ્ક પહેરવાની પહેલ કરી જ છે. દેશના કેટલાક રાજ્યોએ તો માસ્ક પહેરવો ફરજિયાત પણ બનાવ્યું છે. આમ તો સામાન્ય રીતે લોકો પોતાના હાથ રૂમાલ કે અન્ય કપડાંથી મોઢાને ઢાંકીને તેને માસ્ક તરીકે ઉપયોગ કરતા જ હોય છે. વિધિસર બનાવેલો માસ્ક બજારમાં કંઈક અશે મોંઘું પડતું હોય છે પરંતુ પૂજાબેને માત્ર ૬ રૂપિયામાં એટલે કે અત્યંત નજીવા ભાવે માસ્ક બનાવ્યા છે.

પૂજાબેન કહે છે કે, ‘દરજીકામ એ મારો મૂળ વ્યવસાય છે, હું આમ તો બેગ સિવવાનુ કામ કરુ છું, પરંતુ કોરોનાની મહામારીની પરિસ્થિતિમાં માસ્ક એ લોકોની સૌથી મોટી જરૂરિયાત છે. ગરીબ માણસ માસ્ક માટે વધારે રુપિયા ના ખર્ચ કરી શકે એટલે મેં માદરપાટના કપડામાંથી મામૂલી ભાવે માસ્ક બનાવ્યા છે…

પૂજાબેને અત્યાર સુધીમાં ૨ હજાર માસ્ક બનાવીને આસપાસની દુકાનો, બેન્ક તથા વિસ્તારમાં અન્ય લોકોને આપ્યા છે. પૂજાબેન આ માસ્ક વેચવા કરતા વહેંચવામાં માને છે. જો કે વિસ્તારના લોકોએ પણ માસ્ક મફત લેવાને બદલે ખરીદવાનુ વલણ રાખ્યું કે છે જેથી પૂજાબેનને મદદરૂપ થઈ શકાય.

 

તો હવે વ્હાઈટ હાઉસ પણ ‘નરેન્દ્ર મોદી’ને ફોલો કરે છે!

નવી દિલ્હી: કોરોના વિરુદ્ધની જંગમાં જ્યારે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસને ભારત તરફથી પરવાનગી મળી ગયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ભારોભાર વખાણ કર્યા રહ્યા હતા. એટલું જ નહીં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાન નેતા ગણાવતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અમેરિકા માટે વડાપ્રધાન મોદીનું મહત્વ કેટલું છે તેનો અંદાજ વ્હાઈટ હાઉસના ટ્વીટર એકાઉન્ટ પરથી લગાવી શકાય છે. વ્હાઈટ હાઉસે પહેલી વખત વિશ્વના કોઈ નેતાના વ્યક્તિગત એકાઉન્ટને ફોલો કર્યું છે.

વ્હાઈટ હાઉસ કુલ 19 લોકોના ટ્વીટર એકાઉન્ટને ફોલો કરે છે. વ્હાઈટ હાઉસ ભારતમાંથી માત્ર પીએમઓ (પ્રધાનમંત્રી કાર્યાલય) અને રાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલને ફોલો કરતું હતું. હવે આ યાદીમાં મોદીનું ટ્વિટર એકાઉન્ટ ઉમેરાયું છે. મોદીનું ટ્વિટર હેન્ડલ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઈક પેન્સ પછી બીજા નંબરે છે. ત્યાર પછી ભારતના પીએમઓ અને પ્રેસિડેન્ટનું ઓફિશિયલ એકાઉન્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસ દ્વારા ફોલો કરનારા દુનિયાના એકમાત્ર નેતા બન્યા છે.

મહત્વનું છે કે, સમગ્ર વિશ્વ અત્યારે કોરોના સામે જંગ લડી રહ્યું છે ત્યારે ભારતે અમેરિકા અને બ્રિટન જેવી મહાસત્તાઓ સહિત દુનિયાના અનેક દેશો માટે મદદનો હાથ લંબાવ્યો હતો અને જે ભારત જે દેશોની મદદમાં આવ્યું છે તેવા દેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. વ્હાઈટ હાઉસ દ્વારા વિકસિત અને વિકાસશીલ દેશોના નેતાઓમાંથી ફક્ત વડાપ્રધાન મોદીને જ ફોલો કરવામાં આવ્યા છે. આ વાત જાણીને વિશ્વના ખૂણે-ખૂણે વસતા ભારતીયો આ જાણીને ગર્વ અનુભવી રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા સપ્લાય કરવા બદલ પીએમ મોદીનો આભાર માનીને એમ પણ કહ્યુ હતુ કે, અમેરિકા આ મદદ નહી ભુલે.

 

ભારત 20થી વધુ દેશોમાં હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન નિકાસ કરે છે

નવી દિલ્હીઃ કોવિડ-19 રોગચાળા સામે લડવા માટે ભારત 20થી વધુ દેશોમાં હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન, પેરાસિટામોલ તેમ જ એઝિથ્રોમાઇસિન જેવી આવશ્યક દવાઓનો નિકાસ કરી રહ્યું છે. ભારત દ્વારા પશ્ચિમ બાજુ અમેરિકા અને પૂર્વમાં બંગલાદેશ સુધી આ દવાઓ 20થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે.

જોકે આ દવાઓ ભારત માનવતાવાદી અને વેપારી ધોરણે નિકાસ કરી રહ્યું છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

ભારતની દવાની અનેક દેશોમાં નિકાસ

ભારત આ દવાઓ યુએસ, બ્રાઝિલ, સ્પેન, જર્મની, બહેરીન, નેપાળ, ભૂતાન, અફઘાનિસ્તાન, માલદીવ, બંગલાદેશ, મોરિશિયસ, ડોમિનિકન રિપબ્લિક, ઇઝરાયલ, કેનેડા, યુકે, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોમાં કરી હતી.

મોદી સરકારની સાર્ક દેશોને આ દવા દાન કરવાની યોજના

મોદી સરકાર કોરોના વાઇરસને લીધે થયેલી વિષમ પરિસ્થિતિઓમાં સાર્ક દેશો, આફ્રિકા અને લેટિન અમેરિકાના કેટલાક દેશોમાં દાન કરવાની યોજના બનાવી રહી છે. જોકે આ સાથે મોદી સરકાર અમોરિકા સહિત યુરોપના કેટલાક દેશોને આ દવાનું વેચાણ પણ કરશે.

જ્યારે મોદી સરકાર આ દવાઓને સાર્ક, આફ્રિકા અને લેટિન અમેરિકાના કેટલાક દેશોમાં દાન આપવાની યોજના બનાવી રહી છે.

સરહદે સેનાની જવાબી કાર્યવાહીમાં છ પાક સૈનિક ઢેર

દિલ્હીઃ વિશ્વઆખું કોરોના સામે જંગે ચઢ્યું છે અને પાક હજી પણ એની નાપાક હરકતોથી બાજ નથી આવતું અને સુધરવાનું નામ નથી લેતું. જોકે ભારતે પાકિસ્તાની સેનાનો જડબાતોડ જવાબ આપ્યો છે. સરહદ પારથી કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વગર પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલું ફાયરિંગ એને જ ભારે પડી ગયું હતું. ગઈ કાલે સવારે 11 કલાકે પાકિસ્તાની સેના દ્વારા આવેલા ફાયરિંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. 

પ્રાપ્ત માહિતી મુજબ કેરન ક્ષેત્રમાં સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કમસે કમ છ પાકિસ્તાની સૈનિક માર્યા ગયા હતા અને 10 જખમી થયા હતા. આ ઉપરાંત પાકિસ્તાની તોપોને પણ નુકાસન થયું હતું. આ સાથે પાકિસ્તાની સેના હથિયાર ડેપો અનમે પોસ્ટ સંપૂર્ણ રીતે ખતમ કરવામાં આવ્યા હતા.

આતંકવાદી માર્યા ગયા હોવાની શક્યતા

સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠન જૈસ એ મોહમ્મદના લોન્ચ પેડ પણ ખતમ થયા હતા. આ જગ્યાએ આતંકકવાદીઓના બે ગ્રુપ હતા અને આ ગ્રુપમાં 10-10 આતંકવાદીઓ હતા. અનુમાન છે કે બંને ગ્રુપોના આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. પાકિસ્તાને બપોરે 11.30 કલાકે ફાયરિંગ શરૂ કર્યું હતું અને 2.30 કલાક સુધી આ ગોળીબાર ચાલુ હતો. કેટલાક દિવસો પહેલાં કેરન સેક્ટરમાં જ સેનાએ પાંચ ઘૂસણખોરોને ઢેર કર્યા હતા. આ કાર્યવાહીમાં સેનાના પાંચ જવાન પણ શહીદ થયા હતા.

પાક સેનાનાં કેટલાંય બંકરો નેસ્તનાબૂદ

સેના પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પાક સેનાનાં કેટલાંય બંકરો નેસ્તનાબૂદ થઈ ગયાં છે. સેના દ્વારા એરિયલ ફુટેજથી મળ્યા છે, જેમાં સ્પષ્ટ માલૂમ પડે છે કે પાકિસ્તાનને કેટલું નુકસાન થયું છે.  વિશ્વઆખું કોરોના વાઇરસની બીમારી સામે લડી રહ્યું છે ત્યારે પાકિસ્તાન એની આંતકવાદી પ્રવૃત્તિ બંધ કરવાનું નામ નથી લેતું.

 

 

વતન ન જવા દેવાતા સુરતમાં પરપ્રાંતીઓએ કર્યો પથ્થરમારો

સુરતઃ અત્યારે કોરોના વાયરસની મહામારીના પગલે સમગ્ર વિશ્વના મોટાભાગના દેશોમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે. તો મોદી સરકારે પણ કોરોના વાયરસ સામે લડવા માટે સાવચેતીના ભાગ રૂપે 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરી હતી. જેના પગલે ઉદ્યોગ ધંધા બંધ થયા છે. જેની મોટી અસર કારીગરો અને મજૂરોને પડી છે. લોકડાઉનની શરૂઆતમાં જ હજારો મજૂરો અને કારીગરો ચાલતા પોતાના વતન પહોંચ્યા હતા.જોકે, તંત્ર વધારે કડક બનતા મજૂરો જેતે જગ્યાએ રહ્યા છે. લોકડાઉનના સમયે સુરતમાં રહેતા હજારો ઓડિસાવાસીઓએ વતન પાછા ન જવા દેતા ઉશ્કેરાઈને આજે શુક્રવારે રાત્રે હંગામો મચાવ્યો હતો. સાથે સાથે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરીને પોલીસ ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. આ ઉપરાંત વતન પાછા જવાનો પણ પ્રયાશ કરી રહ્યા છે. પોલીસે અનેક લોકોની અટકાયત કરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા વિસ્તારમાં હજારો ઓડિસાવાસીઓ રહે છે. મોટાભાગના લોકો લૂમ્સમાં કામ કરતા હતા. જોકે, લોકડાઉનના કારણે તેઓ બેરોજગાર થતાં સુરતમાં રહેવા માટે તકલીફ પડી રહી છે. જેના પગલે આ વિસ્તારમાં રહેલા હજારો લોકો રસ્તા ઉપર ઉતરી ગયા હતા. અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ વધારે થતાં આ લોકોએ પોલીસ ઉપર પથ્થર મારો પણ કર્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 40,000 કરતા વધુ લોકો આ વિસ્તારમાં રહે છે અને આ લોકો પોતાના વતન પાછા જવા માટે પણ પ્રયત્નો કરી હર્યા છે. પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયત્નો કર્યો હતો. પોલીસે અનેક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સામે લડવા માટે તંત્ર દિવસ રાત એક કરે છે ત્યારે આટલી મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉતરે ત્યારે કોરોના વાયરસનો ફેલાવાનો ખતરો વધી જાય છે.

બદલાઇ રહેલા વર્ક કલ્ચરમાં જાળવો માનસિક સંતુલન

એક તરફ કોરોનાની મહામારીએ ભારત સહિત વિશ્વભરના દેશોમાં​ ​અર્થતંત્રને ખોરવી નાખ્યું છે​ તો સા​​થે સાથે ​વિશ્વભરમાં, ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં ​કામ કરવાની વ્યવસ્થા પણ ખોરવી નાખી છે​. ​હાલ ભારત સહિત વિશ્વના દેશોની જે હાલત છે એ​ જોતાં ​વિશ્વ ક્યારે પહેલાની માફક નિયમિત થશે એ અંગે કંઈ પણ કહેવાનું મુશ્કેલ છે ત્યારે બદલાયેલી વ્યવસ્થામાં વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું છે.

પરંતુ આ બદલાવને સ્વીકારવામાં અત્યારે કંપનીઓને સૌથી વધારે કોઈ મુશ્કેલી પડી રહી હોય તો એ છે કે કઈ રીતે એના કર્મચારીઓને શારીરિક અને માનસિક રીતે આ નવા વર્ક કલ્ચર માટે તૈયાર કરવા? કઇ રીતે એમની ઈમોશનલ જરૂરિયાતોને પૂરી કરવી. નવું વર્ક ફ્રોમ હોમ કલ્ચર આ બધા પડકારો પણ લઇને આવ્યું છે.

વર્ષોથી ઓફિસમાં રૂટિન કામ કરવા ટેવાયેલા લોકોને પણ એક પ્રકારની હતાશા અને તણાવના માહોલમાં ઘરેથી કામ કરતી વખતે અનેક પ્રકારની સમસ્યાઓ નડી રહી છે, ખાસ કરીને પ્રોડક્ટીવીટીને જાળવી રાખવાની.

આ સંજોગોમાં, આવા કર્મચારીઓની મદદે આવવાનું નક્કી કર્યું છે મૂળ ગુજરાતી, પણ હાલ સિંગાપુરમાં સ્થાયી થયેલા અને આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા યોગ અને વેલનેસ નિષ્ણાંત સુજાતા કૌલગીએ. સુજાતાબહેન વિશ્વ આરોગ્ય સંગઠન સહિત અનેક રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. એ કહે છે, મેં બેંગ્લોરથી બેંગકોક કે ઓકલેન્ડ થી એટલાન્ટા સુધી અનેક દેશોના ખાનગી ક્ષેત્રોમાં કામ કરતા લોકો સાથે વાત કરીને એમની સમસ્યા સમજવાનો પ્રયત્ન કર્યો છે. વર્તમાન માહોલમાં કંપની કઇ રીતે એના કર્મચારીઓની પ્રોડક્ટિવિટીને જાળવી રાખીને, એમની લાગણીની જરૂરિયાતોના સમજીને કામ કરે અને એમાં યોગ અને મેડિટેશન કઈ રીતે મદદરૂપ થઇ શકે એ માટે મેં અમુક મોડ્યુલ્સ તૈયાર કર્યા છે.

આ પ્રોગ્રામ અંતર્ગત એ ઓનલાઇન સેશન્સ દ્વારા કર્મચારીઓને યોગા અને વેલનેસની તાલીમ આપશે. એમનામાં હકારાત્મકતા જળવાઇ રહે એ પ્રકારની ટીપ્સ પણ આપશે. પેનીક ટુ પીસ અથવા તો ફિયર ટુ ફ્રીડમ એવું શીર્ષક ધરાવતા આ પ્રોગ્રામમાં ભાગ લેનાર વ્યક્તિ પોતાના કામના સ્વરૂપ અને પોતાની સમસ્યાનો ફીડબેક પણ આપી શકે છે અને એ ફીડબેક ના આધારે એને જરૂરી સોલ્યુશન મળે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

વ્યક્તિગત રીતે પણ એ છેલ્લા કેટલાક સમયથી એક અઠવાડિયા માટે તૈયાર કરેલા વેલનેસ ક્લાસ ઓનલાઇન પ્લેટફોર્મ પર ફ્રી ચલાવે છે. કોરોનાને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ ખાસ નવી પહેલ માટે સુજાતાબહેન કહે છે, વર્તમાન સમયે કપરો છે, પણ જો આપણે બધા જ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકીશું તો એ કપરો સમય પણ પસાર કરવો અઘરો નહીં હોય.

કોઇપણ પ્રકારની મૂંઝવણ હોય તો yogawithsujata@gmail.com પર સુજાતાબહેન તૈયાર છે તમને માર્ગદર્શન આપવા.

ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું : WHOએ ભૂલ સ્વીકારી

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ એના સિચ્યુએશન રિપોર્ટમાં ભારતમાં કોરોના વાઇરસના ફેલાવાની સ્થિતિને કોમ્યુનિટી ટ્રાન્સમિશન જણાવવા બદલ સ્પષ્ટતા કરી છે. WHOએ પોતાની ભૂલનો સ્વીકાર કરતાં કહ્યું છે કે આ અહેવાલમાં ભૂલ છે, જેને હવે સુધારવામાં આવી છે અને ભારતમાં ક્લસ્ટર ઓફ કેસીસ (અનેક કેસો) છે, પણ કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું.  

WHOએ અહેવાલમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન લખવાની ભૂલ કરી

વિશ્વભરમાં 16 લાખથી વધુ લોકો કોરોના વાઇરસની ઝપટમાં આવી ચૂક્યા છે અને એક લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. કોવિડ-19ના કેસોના સિલસિલામાં જારી કરવામાં આવેલા અહેવાલમાં ચીનના કોલમમાં ક્લસ્ટર ઓફ કેસીસ લખવામાં આવ્યું હતું, જ્યારે ભારતની કોલમમાં બીમારીના ફેલાવાના સ્તરે કોમ્યુનિસ્ટ ટ્રાન્સમિશન લખવામાં આવ્યું હતું.

કોમ્યુનિટી ટ્રાન્સમિશન એ સ્થિતિને કહેવામાં આવે છે, જેમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થયા કરે અને સંક્રમણનો સ્રોત શોધવામાં મુશ્કેલી પડે. ભારતમાં ગઈ કાલે સવાર સુધી કોરોનાના 6,412 કેસ નોંધાયા હતા, જેમાં 199 લોકોનાં મોત થયાં હતાં.

WHO દ્વારા જાહેર કરાયા પછી આ રોગે કેટલાક સમયમાં જ દુનિયાઆખીને ભરડામાં લઈ લીધી છાએ અને શુક્રવારે કોવિડ-19નો પહેલો કેસ આવ્યા બાદ 100 દિવસ પૂરા થયા છે.