
દુનિયાભરમાં કોરોનાથી મોતનો આંકડો 1 લાખ પર પહોંચ્યો
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીને કારણે દુનિયાના દેશોમાં દર્દીઓના મરણનો ક્રમ અટકવાનું નામ લેતો નથી. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 1,02,607 જણ મૃત્યુને શરણ થઈ ચૂક્યા છે.
દુનિયાભરમાં આ રોગના કેસોની સંખ્યા 17 લાખની નજીક પહોંચી ગઈ છે. આ રોગને કારણે સૌથી વધારે માઠી અસર યુરોપના દેશો – ઈટાલી અને સ્પેનને થઈ છે.
તો ફ્રાન્સ પણ પાછળ રહ્યું નથી. ત્યાં ગયા 24 કલાકમાં 1000 જણના મોત નિપજ્યા હતા. આમાંના 554 જણના મરણ હોસ્પિટલોમાં થયા જ્યારે 433 જણના મોત કેર હોમ્સ કે રિટાયરમેન્ટ હોમ્સ (વૃદ્ધાશ્રમ)માં થયા. ફ્રાન્સમાં મરણાંક 13 હજારને પાર ગયો છે.
ઈટાલીમાં અત્યાર સુધીમાં 18,850 જણના મરણ થઈ ચૂક્યા છે જ્યારે 47 હજારથી વધારે લોકોને આ રોગનો ચેપ લાગ્યો છે.
ઈટાલીમાં વડા પ્રધાન કોન્ટેએ લોકડાઉનની મુદતને ત્રણ સપ્તાહ સુધી લંબાવી છે. આ પહેલાં લોકડાઉન 3 એપ્રિલ સુધીનું હતું, પણ બાદમાં 13 એપ્રિલ સુધી લંબાવાયું હતું, અને હવે 3 મે સુધી લંબાવી દેવાયું છે.
સ્પેનમાં કોરોના વાઈરસને કારણે મરણાંક 16 હજારને પાર ગયો છે. ત્યાં અત્યાર સુધીમાં 1,58,273 જણ વાઈરસની ઝપટમાં આવી ચૂક્યા છે.
બ્રિટનમાં શુક્રવારે એક જ દિવસમાં 980 જણના મોત થયા હતા. એ સાથે આ દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 8,958 પર પહોંચ્યો છે. યુરોપના આ દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા 76,605 થઈ છે.
યુરોપના અન્ય દેશ, તૂર્કીમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ દેશના પાટનગર ઈસ્તંબુલ અને અંકારા શહેરો સહિત 31 પ્રાંતોના મુખ્ય શહેરોમાં બે દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉન શનિવાર અને રવિવાર (મધરાત) સુધી રહેશે. આ દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 1,006ના મરણ થયા છે.
ભારતમાં 7,600 કેસ; મહારાષ્ટ્ર 1,588 સાથે મોખરે
દરમિયાન, ભારતમાં ગઈ કાલે શુક્રવારે વધુ 800 જણને કોરોના લાગુ થયો હતો. આ સાથે દેશમાં આ બીમારીના કેસોની સંખ્યા 7,600 સુધી પહોંચી ગઈ છે. આમાં મહારાષ્ટ્ર રાજ્ય 1,588 કેસ સાથે મોખરે છે. દિલ્હીમાં 898 અને ઉત્તર પ્રદેશમાં 431 કેસો નોંધાયા છે.
વર્લ્ડમીટર તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 249 જણે જાન ગુમાવ્યા છે.
ચીનના વેટ માર્કેટને બંધ કરવા અમેરિકી સાંસદોની માંગ
વોશિંગ્ટનઃ કોરોના વાયરસ વિશ્વભરમાં ફેલાયો તેના માટે કથિત રીતે ચીનના વેટ માર્કેટને દોષિત માનવામાં આવે છે. ચીનમાં સ્થિતિ સુધર્યા બાદ હવે ફરીથી વેટ માર્કેટને ખોલી દેવામાં આવ્યું છે. ત્યારે અમેરિકી સાંસદોના એક સમૂહે કહ્યું કે, તેઓ પોતાના તમામ પશુ બજારોને જલ્દી જ બંધ કરી દે. કારણ કે ત્યાંથી જ જાનવરોની બિમારી માણસો સુધી પહોંચવાનું મોટું જોખમ છે. 
વેટ માર્કેટ કહેવાતા બજારોમાં વિભિન્ન પ્રકારના તાજા માંસની સાથે સ્તનપાયી, માછલીઓ સહિત કેટલાક જીવો જીવતા વેચવામાં આવે છે. અમેરિકામાં ચીનના રાજદૂત ક્યુઈ તિનાકાઈને લખેલા પત્રમાં સેનેટરોએ કહ્યું કે, અમે પત્રમાં ચીનથી આ અનુરોધ કરીએ છીએ કે, વેટ બજારોને તાત્કાલીક બંધ કરે, કારણ કે આનાથી પશુઓની બીમારીઓ લોકો સુધી પહોંચવાનું જોખમ છે.
તેમણે કહ્યું કે ચીનના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર ગાઓ ફૂ એ માન્યું છે કે, નવા કોરોના વાયરસનો સ્ત્રોત ચીનના વુહાનમાં સી ફૂડ બજારમાં ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહેલા જીવ છે. સેનેટરોએ કહ્યું કે, દસ્તાવેજોમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે ચીનના વેટ બજારમાં દુનિયાભરમાં સ્વાસ્થ્ય સંબંધી ઘણી સમસ્યાઓના સ્ત્રોત રહેલા છે અને તેને તુરંત જ રોકવા જોઈએ કે જેથી લોકોને સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓથી બચાવી શકાય.
કોરોનાના કહેર વચ્ચે આ ગામ નવો રાહ ચીંધે છે…
વડોદરા: હિન્દી ફિલ્મનું એક ખૂબ લોકપ્રિય ગીત છે… સાથી હાથ બઢાના…એક અકેલા થક જાયેગા.. મિલકર બોઝ ઉઠાના…કોરોના સંકટના મુશ્કેલ સમયમાં ગામના ગરીબ પરિવારોની પાલક તરીકેની જવાબદારી સ્વીકારી લઈ વડોદરા તાલુકાના અનગઢ ગામના ગામલોકોએ આ સુંદર ગીતના વિચારને સાર્થક કર્યો છે. કોરોના કહેરના કારણે દેશવ્યાપી લોકડાઉનની પરિસ્થિતિમાં રોજનું કમાઇને પેટીયું રળતા શ્રમજીવીઓ જરૂરીયાતમંદો મુશ્કેલીમાં મૂકાયા છે.
આવા સમયે વડોદરા નજીકના ૧૮૦૦૦ ની વસ્તી ધરાવતા અનગઢ ગામે એક નવો પથ કંડારી સમગ્ર રાજ્યના અન્ય ગામડાઓ માટે નવીન રાહ ચીંધ્યો છે.
કોરોનાની પરિસ્થિતિમાં લોકડાઉનના પગલે અનગઢ ગામના સરપંચ રાજુભાઇ ગોહિલને વિચાર આવ્યો કે સમૃધ્ધ લોકોને લોકડાઉનની સ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓ મેળવવાની કોઇ તકલીફ નહીં પડે, પરંતુ ગામમાં રોજનું રળીને રોટલો ખાતા ગરીબ અને શ્રમજીવી પરિવારો તથા ગંગાસ્વરૂપા માતાઓ કેવી રીતે પોતાના પેટનો ખાડો પૂરશે?
સરપંચ રાજુભાઇ ગોહિલે પોતાની આ સંવેદના ગ્રામ પંચાયતના સભ્યો સમક્ષ રજૂ કરી આવા લોકોને મદદરૂપ થવા એક અભિનવ પ્રયોગ કરી સરપંચ સહિત ગ્રામ પંચાયતના તમામ ૧૭ સભ્યોએ ગામની એકપણ વ્યકિત ભૂખે ન રહે અને તેમને કોઇની સામે મદદનો હાથ ન ફેલાવો પડે તે માટે આવા કુટુંબોને દત્તક લઇ એક પરિવારને ૧૫ થી ૨૦ દિવસ ચાલે તેટલું રાશન પૂરું પાડવા માટેની દત્તક પરિવાર યોજના અમલમાં મૂકી.
સરપંચએ ગામના આર્થિક રીતે સમૃધ્ધ અને આગેવાન લોકોને આવા પરિવારોને દત્તક લેવા અપીલ કરી. સરપંચની આ અપીલને વ્યાપક આવકાર મળ્યો અને ગ્રામ પંચાયતની આ પહેલને સૌએ વધાવી લઇ સમૃધ્ધ લોકો અને દાતાઓએ આવા કુટુંબ પરિવારને મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી દાતાઓ , સરપંચ અને ગ્રામ પંચાયતના સહયોગથી આવા ૧૧૨ જેટલા ગરીબ પરિવારોને ૧૫ થી ૨૦ દિવસ ચાલે તેટલા રાશનની કીટ તૈયાર કરી પહોંચાડવામાં આવી છે.ગામમાં હજુ આવા ગરીબ પરિવારોને શોધવાની કામગીરી ચાલી રહી છે.
સરપંચ રાજુભાઇ કહે છે કે, લોક ડાઉન લંબાશે તો આવા ગરીબ પરિવારોને વધુ પંદરથી વીસ દિવસ ચાલે તેટલું રેશન પૂરું પાડવામાં આવશે.

અનગઢ ગામના રાજુભાઇ ઠકકરે ૧૦ ગરીબ પરિવારો, ફતેસિંહ ગોહિલે ૨૩ ગરીબ પરિવારો, ગામમાં દવાખાનું ચલાવતા ર્ડા. અરૂણ પટેલે ૧૦ પરિવારો તો ખાનગી કંપનીમાં ફરજ બજાવતા રયજીભાઇ ગોહિલે પોતાનો એક માસનો પગાર આપી ૧૫ કુટુંબોને દત્તક લેવાની જવાબદારી ઉપાડી લીધી છે. દત્તક પરિવારને ૦૫ કી.ગ્રા. ચોખા, ૦૨ કી.ગ્રા.તેલ ૦૨ કી.ગ્રા. ખાંડ ૧૦૦-૧૦૦ ગ્રામ મસાલા, ૦૧ કી.ગ્રા.તુવેર દાળ, ડુંગરી તથા કઠોળની કીટ તૈયાર કરી આપવામાં આવે છે.
અનગઢ ગ્રામ પંચાયતએ ગરીબ જરૂરીયાતમંદ પરિવારને સહાય કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. રાજયની અન્ય ગ્રામ પંચાયતો પણ આ રીતે આગળ આવે તો દરીદ્રનારાયણોની મોટી સેવા થઇ શકે.
EPFOએ 1.37 લાખ PFના દાવાઓની ચૂકવણી કરી
નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝરે (EPFO)એ કહ્યું હતું કે ફંડે કર્મચારીઓના 1.37 લાખના દાવાઓની ચુકવણી કરી છે. આ કર્મચારીઓના ઉપાડ થકી EPFOએ રૂ. 280 કરોડની ચુકવણી કરી છે. લોકડાઉન દરમ્યાન EPFOએ સબસ્ક્રાઇબર્સને આનાથી મોટી રાહત મળી છે. લેબર મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે કોરોના વાઇરસ સામેના જંગમાં સબસ્ક્રાઇબર્સ માટે વિશેષ જોગવાઈ હેઠળ રૂ. 279.65 કરોડનું વિતરણ કરવામાં આવ્યું છે.

EPFOના નિવેદન મુજબ પૈસા પહેલેથી જ સબસ્ક્રાઇબર્સનાં ખાતાઓમાં મોકલવાનું શરૂ થઈ ગયું છે. EPFOએ છેલ્લા 10 દિવસમાં આ દાવાઓની ચુકવણી કરી છે. વર્તમાન સિસ્ટમ એ તમામ અરજીઓની પ્રક્રિયા 72 કલાકથી ઓછા સમયમાં થઈ ગઈ છે, જેમની KYC થઈ ચૂકી છે. બીજી શ્રેણીમાં દાવો કરનારા સબસ્કાઇબર્સ પણ આ રોગચાળો સામે લડવા માટે પોવિડન્ટ ફંડને ઉપાડી શકે છે. લેબર મંત્રાલય તેમના દાવાની પ્રક્રિયા શક્ય તેટલી ઝડપી બને એ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કોરોના વાયરસ સામે લડવા માટે EPFમાંથી વિશેષ ઉપાડની જોગવાઈ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY)નો હિસ્સો છે, જે સરકારે જાહેર કરી હતી. પેરા 68 એલ (3) ને 28 માર્ચ, 2020 ના રોજ ઇપીએફ યોજનામાં ઉમેરવામાં આવ્યો હતો.

આ જોગવાઈ હેઠળ, ત્રણ મહિનાના બેઝિક પગાર અને મોંઘવારી ભથ્થું અથવા EPF ખાતામાં જમા કરાયેલ 75 ચકા રકમ- જે પણ ઓછી હશે એ દાવા હેઠળ મળી શકશે. આ ઉપાડની રકમ પરત કરવાની જરૂર રહેશે નહીં. મંત્રાલયે કહ્યું હતું કે આ રકમ પર ઇન્કમ ટેક્સ કાપ પણ નહીં થાય.
સબસ્ત્રાઇબર્સની મોટી માગને જોતાં EPFOએ પ્રોસેસિંગ માટે એક નવું સોફ્ટવેર તૈયાર કર્યું હતું. EPFથી પૈસા કાઢવાની પ્રક્રિયા ઓનલાઇન છે, જેથી સામાજિક અંતર રહે.
ટેનિસ ચુનારા…. એકે હજારા!!
શું તમારી પાસે પૈસા હોય તો જ કોઈની મદદ થઈ શકે ..?
શું તમારી પાસે માણસોની ટીમ હોય તો જ કોઈનું ભલું થઈ શકે …?
કઠવાડામાં રહેતા આ રિક્ષાચાલક ટેનિસને આમાંથી કશું લાગુ પડતુ નથી …
ટેનિસ ચુનારા… આ નામ સાથે જ એક રમત જોડાઈ છે પરંતુ તેમના સ્વભાવમાં પણ અલગ સ્પિરિટ છે. વાત છે કઠવાડામાં ચાલતા શેલ્ટર હોમની. અહીં રહેતા ૧૦૧ આશ્રિતો રોજ ટેનિસની કાગડોળે રાહ જુએ છે. હમણાં ટેનીસ આવશે અને કંઈક લાવશે એવી આશામા રહેતા શ્રમિકો ક્યારેય નિરાશ નથી થતાં. ટેનિસ આમ તો રિક્ષાચાલક છે અને રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે..
જો કે ટેનિસ કોઈ સાધન સંપન્ન માણસ તો નથી જ, પરંતુ તેનું દિલ અને સ્વભાવ કંઈ કેટલાય સાધન સંપન્ન અમીરોને શરમાવે એવું છે.
કોવિડ-૧૯ મહામારીના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. અમદાવાદ કે અન્ય શહેરોમાં કામ કરતાં કેટલાય શ્રમિકો વતનમાં જઈ શક્યા નથી. ક્યાંક સંજોગો તેમને અહીં લાવ્યા છે અને ક્યાંક પ્રશાસન અહીં લાવ્યું છે.
અહીં વ્યવસ્થા સંભાળતા ટી.ડી.ઓ પંકજ મહિડા સમગ્ર પંચાયતની ટીમ આ આશ્રિતો માટે સેવા કરી રહી છે. મહિડા કહે છે કે, ” આ શ્રમિકોને અહીં જિલ્લા પ્રશાસન અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સેવા ઉપલબ્ધ કરાઇ છે. તેમને રહેવા જમવા અન્ય સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે.

આ શ્રમિકો માટે સૌથી મોટો સહયોગ કઠવાડા ગામના રહીશો આપી રહ્યા છે. કઠાવાડા ગામમાં રહેતા દાનવીરો યથાયોગ્ય યોગદાન ક્યાંક નાણાં સ્વરૂપે તો ક્યાંક ભોજન સ્વરૂપે અહીં વહાવી રહ્યા છે. ગામના રહીશોને કંઈક આપવું છે એવી જાણ થતાં જ ગામના રિક્ષાચાલક ટેનિસ જોનારા જાતે ત્યાં પહોંચી જાય છે. કોકને ત્યાંથી ચોખા-ઘઉં કે ભોજન તો ક્યારેક લાપસી જેવું મિષ્ટાન જાતે એકઠું કરે છે અને અહીં રહેતા શ્રમિકોને પહોંચાડે છે.

ટેનિસ આટલેથી અટકતો નથી. આમાંથી કોઈને ક્યાંય પણ જવાની જરૂરિયાત ઉભી થાય તો ટેનિસ પોતાની રિક્ષામાં જ લઈ જાય છે. આ સમયમાં ટેનિસ મુસાફરોની હેરફેર કરી ભાડું કમાવવાના બદલે પુણ્ય કમાય છે.
અહીંના તલાટી જયેશભાઈ કહે છે કે, “સાધનસંપન્ન જી.આઇ.ડી.સી.ના અમીર ઉદ્યોગકારોની વચ્ચે કાર્યરત કઠવાડા શેલ્ટર હોમ ટેનિસ જેવા સ્વભાવથી માલેતુજાર લોકોના કારણે જીવંત છે. અહીં રહેતા આશ્રિતોને સમય પસાર કરવામાં મુશ્કેલી પડતી હતી. અમારી રજૂઆતના પગલે તંત્ર દ્વારા તરત જ અહીં ટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે.

આશ્રિતો ટીવી પર રામાયણ- મહાભારત જેવી સિરિયલ જોઈને શાંતિથી સમય પસાર કરે છે. જો કે તેમને તેમના ઘર પરિવારની યાદ સતાવે છે પરંતુ કઠવાડાના ગ્રામજનોના સહકારને કારણે તેમના કલેજાને ઠંડક પહોંચે છે અને તેવું માને છે કે અમારું કોઇક અહીં છે.
ભારતમાં અટવાયેલા બ્રિટીશ નાગરિકોને રેસ્ક્યુ કરાશે
નવી દિલ્હીઃ કોરોના વાઇરસ રોગચાળાને લીધે દુનિયાઆખી ત્રસ્ત છે. કોરોનાનો ચેપ વધુ ફેલાય નહીં એટલા માટે અનેક દેશોએ લોકડાઉન જાહેર કર્યાં છે. ભારતે પણ 21 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. હવે દેશમાં અચાનક કરવામાં આવેલા લોકડાઉનને પગલે હજ્જારો વિદેશી નાગરિકો આપણા દેશમાં મુસીબતમાં મુકાઈ ગયા છે. આ લોકડાઉનમાં 3000થી પણ વધુ બ્રિટિશ ટુરિસ્ટો ભારતમાં ફસાઈ ગયા છે. જેમને પાછા વતન લાવવા માટે યુકેએ ભારતથી વધારાની ચાર્ટર ફ્લાઇટની સુવિધા શરૂ કરાવી છે.જેથી બ્રિટિશ એરલાઇન્સે આ ટુરિસ્ટોને ઘેર પહોંચાડવા માટે 12 વધારાની ચાર્ટર ફ્લાઇટ્સ માટે આજથી બુકિંગ શરૂ કર્યાં છે.
બ્રિટિશ ટુરિસ્ટો (8-12 એપ્રિલ) દરમ્યાન ગોવા, મુબઈ અને નવી દિલ્હીથી ફ્લાઇટ પકડી શકે છે. અત્યાર સુધીમાં 5000 બ્રિટિશ નાગરિકો 19 ફ્લાઇટોથી વતન પરત ફરી ચૂક્યા છે.
યુકેના દક્ષિણ એશિયા ખાતેના અને કોમનવેલ્થના પ્રધાન, વિમ્બલ્ડનના લોર્ડ (તારિક) અહમદે કહ્યું હતું કે “ભારતમાં હજ્જારો બ્રિટિશ પ્રવાસીઓને ઘરે પહોંચાડવા માટે અમે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક બહુ મોટું ઓપરેશન છે જેમાં ભારત સરકાર પણ અમને મદદ કરી રહી છે. અમે ભારતમાં ફસાયેલા અમારા પ્રવાસીઓને વતન પાછા લાવવા માટે તમામ વ્યવસ્થા કરી રહ્યા છે અને આના ભાગરૂપે આવતા વીક-એન્ડમાં 1,400 ટુરિસ્ટો 12 ફ્લાઇટ્સ દ્વારા બ્રિટનમાં લાવવામાં આવશે.
આવી કપરી લોકડાઉનની પરિસ્થિતિમાં બ્રિટિશ પ્રવાસીઓને જેમ બને એમ લંડન લાવવા અમારી પ્રાથમિકતા છે અને આમાં મોદી સરકાર અમને પૂરતો ટેકો કરી રહી છે.
ભારતથી લંડન આવવા માટે આગામી બે સપ્તાહની ફ્લાઇટનો કાર્યક્રમ નીચે મુજબ છે.
- Amritsar – UK: 13, 17, 19 April
- Ahmedabad – UK: 13, 15 April
- Goa – UK: 14, 16 April
- Goa (via Mumbai) – UK: 18 April
- Thiruvananthapuram (via Kochi) – UK: 15 April
- Hyderabad (via Ahmedabad) – UK: 17 April
- Kolkata (via Delhi) – UK: 19 April
- Chennai (via Bengaluru) – UK: 20 April
ભારતે આ પ્રવાસીઓને પાછા મોકલવામાં પ્રાથમિકતા આપતાં બનતી તમામ સહાય આપવાની ખાતરી આપી છે. આથી દેશમાં હજ્જારો બ્રિટિશ ટુરિસ્ટો ફસાઈ ગયા છે અને તેઓ પાછા ફરવા માગતા હોય તેમને લંડન પહોંચાડવા માટે ફ્લાઇટોની વ્યવસ્થા કરવામાં આવી છે. યુકે સરકાર પણ બ્રિટિશ એરલાઇન સાથે વાટાઘાટ કરીને બ્રિટિશ પ્રવાસીઓને મદદ કરવા અને વતન લાવવા માટે પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે વિદેશ સચિવ ડોમિનિક રાબે 75 મિલિયન પાઉન્ડના ખર્ચે અનેક દેશોમાંથી ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા કરી છે.
જે બ્રિટિશ પ્રવાસીઓએ આ ફ્લાઇટની ટિકિટ મેળવવી હોય તેમણે તેમની વિગતવાર માહિતી બ્રિટિશ હાઇ કમિશનનો સંપર્ક કરવાનો રહેશે અને ઇન્ડિયા ટ્રાવેલ પેજ પરથી મેળવી શકશે.
ભારતમાં હાલ અવરજવર ખૂબ જ નિયંત્રિત છે, ત્યારે જેમની સીટ કન્ફર્મ થઈ હોય તેમનો બ્રિટિશ હાઇ કમિશન તેમનો સામેથી સંપર્ક કરશે અને તેમના માટેની બધી વ્યવસ્થા કરશે.
મને કોરોના થયો નથીઃ તન્મય વેકરિયાનો ખુલાસો
મુંબઈઃ લોકપ્રિય હિન્દી ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકાર તન્મય વેકરિયા (બાઘા)એ આજે ખુલાસો કર્યો છે કે પોતાને કે એના પરિવારના કોઈ સભ્યને કોરોના વાઈરસ બીમારી થઈ નથી.
તન્મય જ્યાં રહે છે તે કાંદિવલી (વેસ્ટ) ઉપનગરના મહાવીર નગર વિસ્તારમાં આવેલા રાજ આર્કેડ ટાવરમાં 3 જણને કોરોના બીમારી લાગુ પડતાં આખી સોસાયટીને ક્વોરન્ટાઈન કરવામાં આવી છે.
આ સમાચાર બાદ અમુક મિડિયાકર્મીએ ગેરસમજ કરતાં તન્મયે એક વિડિયો નિવેદન દ્વારા સ્પષ્ટતા કરી છે કે પોતાને કે એના પરિવારના કોઈ પણ સભ્યને કોરોના બીમારી થઈ નથી. તન્મયે કહ્યું કે, હા અમારી સોસાયટીમાં કોરોનાના 3 પોઝિટીવ કેસ આવ્યા છે. એને કારણે અમારી સોસાયટીને ક્વોરન્ટાઈન કરવામાં આવી છે અને હું પણ મારા પરિવારની સાથે સેલ્ફ-ક્વોરન્ટાઈન થયો છું. હું અમારા ઘરમાં જ છું, ભગવાનની દયાથી મને આ બીમારી થઈ નથી, હું એકદમ તંદુરસ્ત અને ફિટ છું, મારા પરિવારની સાથે સમય વિતાવી રહ્યો છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આખી દુનિયામાં આ વાઈરસ જે રીતે ફેલાયો છે એને જડમૂળથી દૂર કરે અને આપણને સૌને તંદુરસ્ત રાખે. તમે પણ સહુ તમારા પરિવારની સાથે તમારા ઘરમાં જ સુરક્ષિત રહેજો.










