Home Blog Page 4866

કોન્ટ્રાક્ટ્સની નવી યાદીમાંથી ધોની OUT; નિવૃત્તિની અફવાએ પકડ્યું જોર

મુંબઈ – ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ પુરુષ ક્રિકેટરો માટે વર્ષ 2019-20 માટે કોન્ટ્રાક્ટની નવી વાર્ષિક યાદીની આજે જાહેરાત કરી છે, પણ એમાંથી ભૂતપૂર્વ સુકાની અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીનું નામ ગાયબ છે.

આ કોન્ટ્રાક્ટની મુદત 2019ના ઓક્ટોબરથી 2020ના સપ્ટેંબર સુધીના છે.

આ યાદીમાંથી દંતકથાસમાન ક્રિકેટર ધોનીનું નામ ગાયબ હોવાથી એનું ક્રિકેટ ભાવિ હવે સમાપ્ત થયું છે એવી એના પ્રશંસકોમાં અફવા ફેલાઈ છે.

ગયા વર્ષે ઈંગ્લેન્ડ-વેલ્સમાં રમાઈ ગયેલી વર્લ્ડ કપ સ્પર્ધાની સેમી ફાઈનલ મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયા બાદ ધોની એક પણ ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી.

ગયા વર્ષના કોન્ટ્રાક્ટ્સમાં ધોનીનું નામ ગ્રેડ-‘A’માં હતું, એટલે કે રૂ. પાંચ કરોડનું વેતન.

આ વખતે કુલ ગ્રેડ નક્કી કરાયા છે – A+, A, B, C. પરંતુ આમાંથી એકેય ગ્રેડમાં ધોનીનું નામ નથી.

કેપ્ટન વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રોહિત શર્માને ‘A+’ ગ્રેડમાં રાખવામાં આવ્યા છે, મતલબ કે એમને દરેકને રૂ. 7 કરોડનું વાર્ષિક વેતન આપવામાં આવશે. ‘A+’ કેટેગરીમાં ગયા વર્ષે પાંચ ખેલાડીઓ હતા. આ વખતે એમાંથી શિખર ધવન અને ભૂવનેશ્વર કુમારનું નામ પડતું મૂકી દેવામાં આવ્યું છે.

‘A’ કેટેગરીમાં રહેલા ખેલાડીઓને રૂ. પાંચ-પાંચ કરોડ, ‘B’ કેટેગરીમાં રહેલાઓને રૂ. 3-3 કરોડ અને ‘C’ કેટેગરીમાં રહેલા ખેલાડીઓને દરેકને રૂ. 1-1 કરોડ આપવામાં આવશે.

આનો મતલબ એ કે ધોનીનો કોન્ટ્રાક્ટ રીન્યૂ કરાયો નથી. જોકે આનાથી કોઈ મોટું આશ્ચર્ય થવું ન જોઈએ, કારણ કે એ 9 જુલાઈ, 2019 પછી એકેય ઈન્ટરનેશનલ મેચ રમ્યો નથી.

ધોની પોતે પણ પોતાનાં ભાવિ વિશેની યોજના જણાવવાનો ઈનકાર કરતો આવ્યો છે.

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે ધોની પોતાની વન-ડે ઈન્ટરનેશનલ કારકિર્દીનો ટૂંક સમયમાં અંત લાવી દે એવી શક્યતા છે, પરંતુ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં એ ચાલુ રહી શકે છે, પરંતુ શરત એ કે એ આ વખતની આઈપીએલ સ્પર્ધામાં સારો દેખાવ કરે.

‘A’ કેટેગરીમાં 10 ખેલાડીઓ છેઃ રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ભૂવનેશ્વર કુમાર, શિખર ધવન, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, કે.એલ. રાહુલ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને રિષભ પંત.

પીઠના દુખાવાને કારણે ગયા વર્ષે ઘણી બધી ક્રિકેટ મેચો ગુમાવી દેનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ‘B’ કેટેગરીમાં ઉતારી દેવામાં આવ્યો છે. આ કેટેગરીમાં હાર્દિક પંડ્યાની સાથે રિદ્ધિમાન સહા, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને મયંક અગ્રવાલ છે.

રૂ. 1 કરોડના મહેનતાણાવાળી ‘C’ કેટેગરીમાં આ ખેલાડીઓ છેઃ કેદાર જાધવ, નવદીપ સૈની, દીપક ચાહર, મનીષ પાંડે, હનુમા વિહારી, શાર્દુલ ઠાકુર, શ્રેયસ ઐયર અને વોશિંગ્ટન સુંદર.

નિક સાથે કેમ થયો પ્રેમ એનો પ્રિયંકાએ કર્યો ખુલાસો

મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ પોતાના લગ્ન પહેલા અને બાદમાં સતત ચર્ચામાં રહે છે. આ બન્નેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર રહે છે. ગત મહિને જ આ કપલે પોતાના લગ્નની પ્રથમ એનિવર્સરી મનાવી હતી અને હવે પ્રિયંકાએ એ વાતનો ખુલાસો કર્યો છે કે આખરે તેમણે નિક જોનસને ડેટ કરવાનો નિર્ણય શા માટે લીધો.
પ્રિયંકા અને નિકે વર્ષ 2017 માં એકબીજાને ડેટ કરવાનું શરુ કર્યું. આના બીજા જ વર્ષે તેમણે પોતાના સંબંધને નેક્સ્ટ લેવલ પર લઈ જવાનો નિર્ણય કર્યો અને લગ્ન કરવાનું નક્કી કર્યું. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે અમેરિકન પોપ સિંગર નિક જોનસને તેમના સોંગ “ક્લોઝ”ના વિડીયોને જોયા બાદ ડેટ કરવાનો નિર્ણય કર્યો હતો.

આ ગીતને વિડીયોમાં નિક માત્ર અંડર ગારમેન્ટ્સમાં જ છે. આ ગીતમાં પ્રિયંકાને નિક જોનસ એટલા હોટ લાગવા લાગ્યા કે તેમણે નિકને પોતાના જીવનસાથી બનાવવાનો નિર્ણય કરી લીધો. પ્રિયંકાએ એ પણ જણાવ્યું કે આ તેનો ફેવરિટ વિડીયો છે.

ઈન્ફોસિસના આ સ્થાપકને એક મિનિટ ય મોડા પડવાની ટેવ નથી

નવી દિલ્હીઃ ઈન્ફોસિસના ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિએ બુધવારે ‘એમેઝોન સંભવ’માં હાજરી આપી હતી. દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં આ કાર્યક્રમ નક્કી કરેલા સમય કરતા દોઢ કલાક મોડો શરૂ થયો હતો. આ અંગે નારાયણ મૂર્તિએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, મને આ રીતે મોડા પડવાની ટેવ નથી. જોકે, ત્યારપછી નારાયણ મૂર્તિએ તેમનું 20 મિનિટનું ભાષણ 5 મિનિટમાં જ પૂર્ણ કર્યું હતું. બે દિવસીય સંભવ સમિટમાં એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસે પણ હાજરી આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર નાના અને મધ્યમ વેપારીઓ માટે યોજાયેલા એમેઝોન સંભવ સમિટમાં 100થી વધારે ગ્લોબલ લીડર અને ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ ભાગ લઈ રહ્યા છે. નારાયણ મૂર્તિએ કહ્યું કે, આપણને લગભગ દોઢ કલાક જેટલું મોડું થઈ ગયું છે. મારે મારી વાત 11.45 સુધી ખતમ કરવાની હતી, પણ હાલ 11.53 થઈ રહ્યા છે એટલે હું મારી વાત સંક્ષેપમાં કહેવાનો પ્રયાસ કરીશ. મારે 20 મિનિટ સુધી બોલવાનું હતું, પણ હવે હું મારી વાત પાંચ જ મિનિટમાં પતાવીશ. કારણ કે હું આવા મોડા કાર્યક્રમોથી ટેવાયેલો નથી.પોતાની વાત ખતમ કરીને તાત્કાલિક તેમણે મંચ છોડી દીધું હતું. જોકે ત્યારબાદ એમેઝોનના સીઈઓ જેફ બેજોસે તેમને પ્રશંસા પત્ર આપવા માટે પરત સ્ટેજ પર બોલાવ્યા હતા.

કડક ઈ કોમર્સ નિયમોનું પાલન કરવા માટે એમેઝોન ડોટ કોમે તેમની મોટાભાગની હિસ્સેદારી દેશી પાર્ટનર ક્લાઉડટેલને વેંચી દીધી છે. ક્લાઉડટેલ, બેઝોસ બેહમોથ અને મૂર્તિના કેટામરાન વેન્ચર્સ વચ્ચે એક સંયુક્ત સાહસ છે.

ઉલ્લેખનીય છે કે આ સમિટ દરમ્યાન એમેઝોનના સીઈઓ જેફ બેજોશે જાહેરાત કરી હતી કે એમેઝોન 2025 સુધી 10 અબજ ડોલર(71 હજાર કરોડ રૂપિયા)ની કિંમતની મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કરશે. સાથે જ ભારતમાં નાના અને મધ્યમ વેપારીઓને ડિઝિટાઈઝ કરવા માટે એક અબજ ડોલર(7,100 કરોડ રૂપિયા)નું રોકાણ કરવામાં આવશે.

ટીમ ઈન્ડિયાનાં સુપરફેન દાદી ચારુલતાબેન પટેલનું નિધન

નવી દિલ્હી – ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમનાં સુપરફેન તરીકે જાણીતા થયેલાં ચારુલતાબેન પટેલનું નિધન થયું છે. એ 87 વર્ષનાં હતાં. ગયા વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં આઈસીસી ODI વર્લ્ડ કપ રમાઈ હતી ત્યારે વ્હીલચેરગ્રસ્ત ચારુલતાબેન ભારતની મેચો જોવા સ્ટેડિયમમાં જોવા મળ્યાં હતાં.

ભારતીય મૂળનાં અને બ્રિટનમાં સ્થાયી થયેલા ચારુલતાબેન એ વખતે તેઓ ટીમના કેપ્ટન વિરાટ કોહલી તથા અન્ય ખેલાડીઓને પણ મળ્યાં હતાં. કોહલી તથા રોહિત શર્મા સાથે ચારુલતાબેનની તસવીરો અને વિડિયો ઈન્ટરનેટ પર છવાઈ ગયાં હતાં.

ચારુલતાબેન પટેલનું 13 જાન્યુઆરીએ અવસાન થયું હતું, એવી જાણકારી એમનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપવામાં આવી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, ‘મારા દાદીનું 13 જાન્યુઆરીએ સાંજે 5.30 વાગ્યે નિધન થયું. એ અમારાં સૌનાં પ્રિય હતાં.’

આ સમાચાર જાણ્યા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આજે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે. બોર્ડે કેપ્શનમાં લખ્યું છે: ‘ટીમ ઈન્ડિયાનાં સુપરફેન ચારુલતા પટેલજી કાયમ અમારાં દિલમાં રહેશે અને ક્રિકેટની રમત પ્રત્યેનો એમનો પ્રેમ અમને પ્રોત્સાહન આપતાં રહેશે. ઈશ્વર એમનાં આત્માને શાંતિ આપે.’

ઉલ્લેખનીય છે કે, ચારુલતાબેન ગયા વર્ષના જુલાઈમાં બર્મિંઘમના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની રાઉન્ડ-રોબિન મેચ જોવા ગયાં હતાં. ભારતીય ટીમની દરેક બાઉન્ડરી વખતે તાળીઓ પાડીને અને નાનાં બાળકો વગાડે એવું વાજું (વૂવૂજેલા) વગાડીને ટીમને બિરદાવતાં રહીને ચારુલતાબેને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. એ આખી મેચ વખતે તેઓ તિરંગો ફરકાવતાં અને ટીમ ઈન્ડિયાને ભારે ઉત્સાહપૂર્વક ચીયર કરતાં જોવા મળ્યાં હતાં.

બાંગ્લાદેશ સામેની એ મેચ ભારત 28-રનથી જીત્યું હતું અને ભારત નોકઆઉટ રાઉન્ડમાં પહોંચ્યું હતું. એ વખતે કોહલી અને વાઈસ-કેપ્ટન રોહિત શર્મા ચારુલતાબેનને મળવા ગયા હતા અને એમનાં આશીર્વાદ મેળવ્યા હતા.

ચારુલતાબેન ભારતીય ક્રિકેટ ટીમના દેખાવ પર સતત નજર રાખતાં હતાં. ભારતીય ટીમ 14 જુલાઈની ફાઈનલમાં પહોંચશે અને તેને રમતી જોવા માટે પોતે લોર્ડ્સમાં જવા આતુર છે, એવું પણ તેમણે કહ્યું હતું. પરંતુ એમની ઈચ્છા અધૂરી રહી ગઈ, કારણ કે ભારત સેમી-ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારી ગયું હતું.

તે મેચ બાદ કોહલીએ ટ્વીટમાં લખ્યું હતું કે, ‘અમારા માટે પ્રેમ અને લાગણી દર્શાવવા બદલ અમે અમારા તમામ પ્રશંસકોનો, ખાસ કરીને ચારુલતા પટેલજીનો આભાર માનીએ છીએ. ચારુલતા પટેલ 87 વર્ષનાં છે અને આટલા બધા સમર્પિત ચાહક મેં મારી જિંદગીમાં આ પહેલી જ વાર જોયા છે. ઉંમર તો માત્ર એક આંકડો છે, પણ લાગણી તમને આગળ વધારે છે.’

ચારુલતાબેન પટેલને બીસીસીઆઈ ઉપરાંત આઈસીસી સંસ્થાએ પણ ટ્વીટ કરીને શબ્દાંજલિ અર્પણ કરી છે.

ભારતીયોમાં ‘ક્રિકેટ દાદી’ તરીકે પ્રખ્યાત થયેલાં ચારુલતાબેને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમનો જન્મ 1932માં ગુજરાતમાં નહીં, પણ ટાન્ઝાનિયામાં ગુજરાતી પરિવારમાં થયો હતો. બાદમાં એમનો પરિવાર ત્યાંથી બ્રિટનમાં જઈને વસ્યો હતો. એમનાં સંતાનો ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમતાં હતાં. બાળકોને ક્રિકેટ રમતાં જોઈને એમને પણ આ રમત ગમવા લાગી હતી.

 

 

લંડનમાં ઉબરમાં બેસતા જ અભિનેત્રી સોનમને થયો આ અનુભવ

મુંબઈઃ સોનમ કપૂરે તાજેતરમાં જ એક ટ્વીટ કર્યું, જેને જોઈને તેના ફેન્સ એક્ટ્રેસની ચિંતા કરવા લાગ્યા છે. સોનમે ગભરાતા-ગભરાતા પોતાના ટ્વીટમાં ઉબર કેબના ડ્રાઈવરની ફરિયાદ કરી છે. સોનમે પોતાના ટ્વીટમાં કહ્યું કે હું ખૂબ ગભરાયેલી છું અને કાંપી રહી છું છે. સોનમે કહ્યું કે, તે ઉબેર કેબના ડ્રાઈવરના વર્તનથી ખૂબ ગભરાઈ ગઈ છે.

સોનમે પોતાના ટ્વીટમાં કહ્યું કે, હેલ્લો મિત્રો, મેં અત્યારે જ ઉબર કેબમાં લંડનમાં ખૂબ એક ખરાબ અનુભવ કર્યો છે. સોનમે પોતાના ફેન્સને સલાહ આપતા લખ્યું કે, પ્લીઝ આપ પણ સાવધાન રહો. સૌથી વધારે મહત્વની વાત તમારી સેફ્ટી છે અને તેના માટે લોકલ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કેબનો ઉપયોગ કરો. હું અત્યારે ગભરાઈ ગઈ છું.

સોનમ અત્યારે લંડનમાં છે. લંડનમાં તેણે ઉબર કેબ મંગાવી હતી. તે જ્યારે કેબમાં બેઠી ત્યારે ડ્રાઈવરે તેની સાથે ગેરવર્તણૂંક કરી. સોનમે જણાવ્યું કે ડ્રાઈવર મારા પર ખોટી રીતે બૂમો પાડવા લાગ્યો. આ ઘટનાનો ઉલ્લેખ જ્યારે સોનમે ટ્વીટર પર કર્યો ત્યારે તેના ફેન્સે ટ્વીટર પર પૂછવાનું શરુ કરી દીધું કે આખરે થયુ શું?  આનો જવાબ આપતા સોનમે જણાવ્યું કે, જ્યારે હું કેબમાં બેઠી ત્યારે ડ્રાઈવર કંઈક અજુગતો અને અણધાર્યો હતો. તે બૂમો પાડી રહ્યો હતો. તેની એટલો જોરથી શાઉટ કરી રહ્યો હતો કે હું ગભરાઈ ગઈ.

સોનમે ટ્વીટર પર ઉબર કેબના ઓફીશિયલ અકાઉન્ટને પણ ટેગ કર્યું અને તેમના ડ્રાઈવર વિશે જણાવ્યું. સોનમના ફેન્સે લંડન ઉબરને કહ્યું કે, ઉબર પરથી વિશ્વાસ ઉઠી જાય તેવું કામ ન કરશો.

તો સોનમના કોઈ ફેન દ્વારા સોનમની ચિંતા કરતા પૂછવામાં આવ્યું કે, મેડમ તમે કુશળ તો છો ને? હવે કેવું ફીલ કરી રહ્યા છો આપ. પ્લીઝ પહેલા શાંત થઈ જાવ. આ મામલે કોઈએ સોનમ પર જોક પણ કર્યો અને એક યૂઝરે લખ્યું કે, કદાચ ડ્રાઈવરને લાગ્યું હશે કે તમે અંડરવર્લ્ડ ડોન દાઉદની પુત્રી છો.

તો એક યૂઝરે ઉબેરનો પક્ષ લેતા કહ્યું કે, મેડમ હંમેશા ઉબરમાં આવું નથી થતું. મને એકવાર ફ્લાઈટમાં આ પ્રકારનો અનુભવ થયો હતો, પરંતુ મેં તો ફ્લાઈટમાં ટ્રાવેલ કરવાનું ન છોડ્યું. તો કોઈએ સોનમને પૂછ્યું કે, મેડમ એક વાતની ખબર નથી પડતી, હંમેશા તમારી સાથે જ આવું કેમ થાય છે?

એનપીઆરના નિયમોને લઈને લોકોનો ભ્રમ દૂર કરવા સરકારની મથામણ

નવી દિલ્હી: રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને લઈને ચાલી રહેલા તમામ વિવાદો વચ્ચે ગૃહ મંત્રાલય તરફથી સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ અંગે નિયમોને લઈને ગૃહમંત્રાલયે અનેક માહિતી જાહેર કરી છે. સરકારે લોકોનો ભ્રમ દૂર કરવા કવાયત હાથ ધરી છે. મહત્વનું છે કે, રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર તમામ ભારતીય નિવાસીઓની ઓળખનો એક ડેટાબેઝ છે. આ ડેટાબેઝની ભારતના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના આયુક્ત દ્વારા જાળવણી કરવામાં આવે છે. ભારતના દરેક સામાન્ય નિવાસી માટે એનપીઆરમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કોઈપણ વ્યક્તિ જે 6 મહિના કે તેનાથી વધારે સમયથી કોઈ પણ વિસ્તારમાં રહેતો હોય તો તેમણે નાગરિક રજિસ્ટરમાં રજિસ્ટ્રેશન કરાવવું જરુરી છે. આવો જાણીએ આ નિયમોમાં સરકાર તરફથી કયા કયા ફેરફાર કરવામાં આવ્યા છે.

એનપીઆરમાં શું ફેરફાર થયા:

  • એનપીઆરમાંથી પેન નંબરની કોલમ હટાવી દેવામાં આવી
  • ટ્રાયલ દરમ્યાન 30 લાખ લોકોના ફિડબેક પછી આ કોલમ દૂર કરવામાં આવી
  • નવા એનપીઆર ફોર્મમાં માતૃભાષાની માહિતી ઉમેરવામાં આવી
  • નવા ફોર્મમાં 21 જૂદી જૂદી માહિતીઓની માંગ
  • 2010, 2015માં કુલ 14 પ્રકારની માહિતી માંગવામાં આવી હતી
  • માતા પિતાનું જન્મ સ્થાન, જૂનુ એડ્રેસ વગેરે માહિતી
  • આધારની માહિતી આપવી મરજીયાત રહેશે
  • ચૂંટણી કાર્ડ, મોબાઈલ નંબર, ડ્રાઈવિંગ લાઈસન્સની માહિતી
  • આંકડા એક્ત્ર કરનારા કોઈ દસ્તાવેજો માંગવામાં નહીં આવે
  • 2010માં પ્રથમ વખત ડેટા કલેક્શન કરવામાં આવ્યું અને 2015માં તેને અપડેટ કરવામાં આવ્યું.
  • પશ્ચિમ બંગાળ, કેરળનો ડેટા અપડેટથી ઈનકાર
  • લડાખ, પુડુચ્ચેરી, તેલંગાણા, આંધ્રપ્રદેશે પણ એનપીઆર અપડેટની તારીખ નક્કી નથી કરી

 

નેશનલ પોપ્યુલેશન રજિસ્ટરનો શું થશે ફાયદો?

સરકારી યોજનાઓ હેઠળ આપવામાં આવતા લાભો યોગ્ય વયક્તિ સુધી પહોંચે અને વ્યક્તિની સાચી ઓળખ કરી શકાય.

સોશિયો ઈકોનોમિક કાસ્ટ સેન્સસ (SECC) એનપીઆર ડેટા પર આધારિત છે, જેન પાછળથી જૂદા જૂદા પ્રકારના લાભાર્થીઓ નક્કી કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આયુષ્યમાન ભારત, જન ધન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, સૌભાગ્યા વગેરે યોજનાઓના યોગ્ય અમલીકરણમાં એનપીઆર ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

એનપીઆર જૂદી જૂદી સરકારી યોજનાઓ/કાર્યક્રમો હેઠલ લાભના વિતરણ તંત્રને યોગ્ય બનાવવામાં મદદ કરશે.

એનપીઆરનો ઉદેશ્ય

ઓફિસ ઓફ રજિસ્ટ્રાર જનરલ અને એન્ડ સેન્સસ કમિશ્નરની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ એનપીઆરનો ઉદેશ્ય દેશમાં દરેક સામાન્ય રહેવાસીની એક વ્યાપક ઓળખ ડેટાબેઝ તૈયાર કરવાનો છે.

 

કેવી રીતે થઈ એનપીઆરની શરુઆત?

યુપીએ સરકારે વર્ષ 2010માં એનપીઆર બનાવવાની પહેલ શરુ કરી હતી. રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર માટે 2011ની વસ્તીગણતરી પહેલા 2010માં ડેટા એક્ત્ર કરી લેવામાં આવ્યા હતાં. આ ડેટાને ઘરે ઘરે જઈને સર્વે કરીને 2015માં અપડેટ કરવામાં આવ્યા હતા.

આવતી કાલે એએમસીનું ડ્રાફ્ટ બજેટઃ શેના પર અપાશે ધ્યાન?

અમદાવાદઃ આવતીકાલે અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશન દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આ બજેટ કોઈપણ કરવેરાના વધારા વગરનું રહી શકે છે. વિકાસલક્ષી પ્રોજેક્ટ પર પણ ભાર મૂકવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં અનેક પ્રકારની સમસ્યાઓ સામે લોકો ઝઝુમી રહ્યા છે. એકતરફ બીઆરટીએસના કારણે પહોળા રોડ સાંકળા થઈ ગયા છે, ઠેર-ઠેર ટ્રાફીક જામ થતા લોટો અટવાય છે, રોડ પર રખડતા ઢોરનો ત્રાસ છે, ખાડા વાળા રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, ચોમાસામાં પાણી ભરાઈ જવા સહિતની અનેક પ્રકારની સમસ્યાઓ શહેરમાં રોજિંદી બની ગઈ છે. ત્યારે જોવાનું એ રહેશે કે એએમસી દ્વારા શહેરીજનોની મૂળભૂત સમસ્યાઓ પર કેટલું ધ્યાન આપવામાં આવે છે.  

ક્રેડિટ-ડેેબિટ કાર્ડની સુરક્ષા વધારવા આરબીઆઈના નવા નિયમો

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ અંગે નવા નિયમો રજૂ કર્યા છે. આરબીઆઈએ બેંકોને કહ્યું છે કે ભારતમાં કાર્ડ ઈશ્યૂ કરતા સમયે એટીએમ અને પીએસઓ ઉપર માત્ર ડોમેસ્ટિક કાર્ડના ઉપયોગની જ મંજૂરી આપે. આરબીઆઈ તરફથી આવેલા નિવેદન પ્રમાણે આંતરરાષ્ટ્રીય લેવડદેવડ માટે અલગથી મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત ઓનલાઈન લેવદદેવડ, કાર્ડ નહીં હોવાથી લેવડદેવડ અને કોન્ટેક્ટલેસ લેવડદેવડ માટે ગ્રાહકોએ પોતાના કાર્ડ ઉપર સેવાઓ અલગથી સેટ કરાવી પડશે.

15 મી જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે કાર્ડનો વપરાશકાર પોતાની મેળે જ ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો કયા કયા હેતુ માટે ઉપયોગ કરવાનું નક્કી કરી શકે અને તે પ્રમાણે કાર્ડને તે પોતે જ ડિસેબલ કે અનેબલ કરી શકે તેવી વ્યવસ્થા કરવા માટે જણાવવામાં આવ્યું છે.

પોઈન્ટ ઓફ સેલ પર રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના વપરાશની મર્યાદા કેટલી રાખવી અને તેમાં વધારો કે ઘટાડો કાર્ડધારક પોતે જ કરી શકે તેવી વ્યવસ્થા દાખલ કરવાની સૂચના આપવામાં આવી છે. ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવે ત્યારે તેને પોઈન્ટ સેલ અથવા તો પછી એ.ટી.એમ ખાતે જ ચાલી શકે તેવી વ્યવસ્થા સાથેના કાર્ડ પણ ઈશ્યૂ કરવાની સૂચના રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવી છે.

તો આ સાથે જ માત્ર ભારતમાં જ તેનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા પણ તેની સાથે જ કરી દેવાની રહેશે. પરિણામે હવે પછી જે કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે તે પોઈન્ટ ઓફ સેલ અથવા તો એ.ટી.એમમાં જ વાપરી શકાશે. આ સિવાયના હેતુ માટે કાર્ડનો ઉપયોગ થઈ શકશે જ નહી. ત્યારબાદ આ કાર્ડનો ઉપયોગ ઓનલાઈન અથવા તો કોન્ટેક્ટ લેસ ટ્રાન્ઝેક્શન કરવા માટે ઉપયોગ કરી શકાશે જ નહી. કાર્ડધારક જ તેને અન્ય વપરાશ માટે અનેબલ અથવા તો ડિસેબલ કરી શકશે.

ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ માટેની નવી સિસ્ટમમાં કાર્ડનો વપરાશકાર તેના કાર્ડના વપરાશને સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરી શકે તેવી વ્યવસ્થા પણ દાખલ કરી દેવામાં આવે તેવો આદેશ તમામ બેંકોને આપી દેવામાં આવ્યો છે. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડને વધુ સલામત બનાવવા માટે આ વ્યવસ્થા દાખલ કરવામાં આવી રહી છે.

આરંભમાં એટીએમ કે પીઓએસ ખાતે જ વપરાશ થાય તેવી સુવિધાવાળા ક્રેડિટ-ડેબિટકાર્ડ ઈશ્યૂ કરવાના રહેશે. તેના વપરાશના અન્ય હેતુ નક્કી કરવાની સત્તા પોતે કાર્ડ હોલ્ડરને જ આપવી પડશે. કાર્ડ ઈશ્યૂ કરનારી બેંક કે પછી નાણા સંસ્થાએ કાર્ડધારકને તેના ટ્રાન્ઝેક્શન નક્કી કરવાની સુવિધા જાતે જ ઉભી કરીલે તેવી વ્યવસ્થા આપવાની રહેશે.

તો આ સાથે જ તેની ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારવાની કે ઘટાડવાની પણ કાર્ડધારકને જ છૂટ આપવાની રહેશે. તેમ જ તેની સુવિધાને જાતે ચાલુ કે બંધ કરવાની સગવડ પણ આપવાની રહેશે.

આગામી સોળમી માર્ચ 2020 થી નવી વ્યવસ્થા અમલમાં આવશે. રિઝર્વ બેંક દ્વારા આ અંગે જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા થોડા વર્ષોમાં કાર્ડ થકી થતા વ્યવહારોના મૂલ્યમાં અનેકગણો વધારો થયો છે.

હજી પાંચ દિવસ પડશે હાડ થીજવતી ઠંડીઃ હવામાન ખાતાની આગાહી

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડીએ માઝા મુકી છે. સમગ્ર રાજ્યમાં ઠંડા પવનો ફરી વળતા કડકડતી ઠંડીનો લોકોએ અનુભવ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકરી ઠંડી પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં ૬ ડિગ્રી નોંધાઈ છે. જ્યારે અમદાવાદ ૯ ડિગ્રી અને પાટનગર ગાંધીનગર ૭.૭ ડિગ્રી ઠંડીમાં ધ્રુજી ઉઠયાં હતા. દરિયાકાંઠા વિસ્તારમાં સામાન્ય રીતે ઓછી ઠંડી અનુભવાઈ પણ આજે પોરબંદર, વેરાવળ, દીવમાં પણ તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ૫ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

ઉત્તરાયણ પહેલાં આકાશ વાદળ આચ્છાદિત બન્યું હતું. જો કે હવામાન ખાતાએ જાહેર કર્યું હતું કે ઉત્તરાયણના દિવસે વાદળો હટી જશે અને કડકડતી ઠંડીનો દોર ચાલુ થશે તે મુજબ થયું છે. ઉત્તરાયણથી ઠંડી શરૂ થઈ હતી અને લઘુતમ તાપમાન ગગડતું ગયું. આજે અમદાવાદનું તાપમાન ઘટીને ૯ ડિગ્રી થતાં લોકો ધ્રુજી ઉઠયાં હતા. મહત્તમ તાપમાન પણ માત્ર ૨૫.૩ ડિગ્રી રહેતા સૂર્યપ્રકાશમાં રહેવાનું લોકોએ પસંદ કર્યું હતું.

આખો દિવસ ઠંડકના કારણે લોકોને ગરમ કપડાંમાં લપેટાયેલા રહેવાની ફરજ પડી હતી. ટુ વ્હીલરચાલકોએ હેલ્મેટની સાથે સાથે કાન અને મોં વાટે ઠંડી પ્રવેશે નહીં તે માટે મફલર અને રૂમાલ વીંટાળ્યા હતા. પાટનગર ગાંધીનગરમાં ૭.૭ ડિગ્રી ઠંડીના કારણે લોકોએ કામ સિવાય બહાર જવાનું ટાળ્યું હતું. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી કરી છે. તેમાં પણ આગામી ૪૮ કલાક સુધી વર્તમાન તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઉંચકાઈ શકે છે.

ઓડિશામાં મુંબઈ-ભૂવનેશ્વર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી

કટક – ઓડિશા રાજ્યના કટક શહેરના સ્ટેશન નજીક નરગુંડી સ્ટેશન પાસે આજે સવારે મુંબઈ-ભૂવનેશ્વર વચ્ચે દોડતી લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન ખડી પડતાં 20 જેટલા પ્રવાસીઓને ઈજા થઈ છે. તમામ પ્રવાસીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ ભયમુક્ત હોવાનો અહેવાલ છે.

આ દુર્ઘટના ગાઢ ધૂમ્મસને કારણે થઈ હોવાનું કહેવાય છે. દુર્ઘટના કટક શહેરથી 15 કિ.મી. દૂરના સ્થળે થઈ હતી.

સવારે 7 વાગ્યે નરગુંડી સ્ટેશન નજીક લોકમાન્ય તિલક એક્સપ્રેસ ટ્રેન એક ગૂડ્સ ટ્રેનની ગાર્ડ વાન સાથે અથડાતાં એક્સપ્રેસ ટ્રેનના પાંચ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઈસ્ટ કોસ્ટ રેલવે હેલ્પલાઈન નંબર છેઃ 1072.