Home Blog Page 4872

લાઈફકેર લિમિટેડે તૈયાર કરી એન્ટીબોડી કિટ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરુદ્ધ યુદ્ધમાં ભારતીય કંપની લાઈફ કેર લિમિટેડે કોરોના વાયરસની એન્ટીબોડી કિટ બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. કોરોના સામેના યુદ્ધમાં આ સફળતા અતિમહત્વપૂર્ણ છે. આ કીટને NIV પુણે દ્વારા માન્ય કરવામાં આવી છે અને IMR દ્વારા પણ એના ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે.

એતએલએલ લાઈફ કેર, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત સંચાલિત થાય છે. આ કીટની મદદથી દર્દીના સીરમ, પ્લાઝમા અથવા લોહીને લઈને એન્ટીબોડીની ઓળખ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. લેટેસ્ટ આંકડાઓ અનુસાર દર્દીઓની સંખ્યા અત્યારે 4421 થઈ ગઈ છે, જ્યારે અત્યારસુધીમાં 114 લોકોના મોત થયા છે. તો 326 લોકોની સારવાર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કુલ 354 નવા દર્દીઓ સામે આવ્યા છે.

24 કલાકમાં કોરોનાથી 35નાં મોતઃ કેસનો આંક 5,100

નવી દિલ્હીઃ દેશમાં કોકરોના વાઇરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધી દેશમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યા વધીને 5,194 થઈ ગઈ છે. અત્યાર સુધી આ વાઇરસે 149 લોકોના જીવ લીધા છે. જ્યારે 402 લોકોની સારવાર પણ થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કોરોના વાઇરસે 35 લોકનાં મોત થયાં છે અને નવા 773 કેસો સામે આવ્યા છે. આમ હવે કોરોના વાઇરસને કારણે દર્દીઓની સંખ્યા વધીને 5,000ને પાર થઈ ચૂકી છે.

પાછલા 24 કલાકમાં મધ્ય પ્રદેશમાં ચાર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ત્રણ-ત્રણ, ગુજરાત, ઓરિસ્સા અને પંજાબમાં એક-એકક વ્યક્તિનાં મોત થયાં છે. કોરોના વાઇરસથી અત્યાર સુધી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયાં છે. એ પછી ગુજરાત અને મધ્ય પ્રદેશ છે. અમેરિકામાં કોરોના વાઇરસને લીધે એક જ દિવસમાં 1,900 લોકોનાં મોત થયાં છે. અત્યાર સુધી આ રોગને લીધે જીવ ગુમાવનારાઓની સંખ્યા 12,700ને પાર થઈ છે. 

ન્યુ યોર્ક અને ન્યુ જર્સીમાં સૌથી વધુનાં મોત

અમેરિકામાં આ રોગથી થતા મોતનો આંકડો સતત વધતો રહ્યો છે. અમેરિકામાં કોવિડ-19નું કેન્દ્ર ન્યુ યોર્કમાં 5,400 લોકોનાં મોત થયાં હતાં અને 1,38,000 લોકો સંક્રમિત થયાં હતા. આ પછી ન્યુ જર્સીમાં 1,200 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને અહીં 44,416 કેસ સામે આવ્યા હતા. ટ્રમ્પ વહીવટે મંડળે જોકે વિશ્વાસ અપાવ્યો હતો આગામી કેટલાક દિવસોમાં આ રોગ પર કાબૂ મેળવી લેવાશે.

વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસ વધીને 14,30,453 થયા છે, 82,133 લોકોનાં મોત થયાં છે અને આ રોગમાંથી 3,01,385 લોકો સારવાર મેળવી આ રોગમાંથી મુક્ત થયા છે.

ગુજરાતમાં કોરોનાના 179 કેસઃ અમદાવાદ બન્યું હોટસ્પોટ

ગાંધીનગરઃ ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ સંબોધીને ગુજરાતમાં કોરોના વાયરસ પર શું પરિસ્થિતિ છે તેના પર લેટેસ્ટ માહિતી આપી. આજે રાજ્યમાં કોરોના વાયરસના 4 નવા પોઝિટિવ કેસ આવ્યાં. નવા ચારેય કેસ લોકલ છે. જ્યારે બેના મોત થયા છે. જેના કારણે રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 179 પર પહોંચ્યો. 24 કલાકમાં કુલ 932 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જે બે મોત નોંધાયા છે તેમાં એક જામનગરમાં 14 માસના બાળકનું મોત થયું જ્યારે બીજુ મોત સુરતમાં 65 વર્ષના પુરુષનું નોંધાયું છે. 24 કલાકમાં જે 932 કેસ કરવામાં આવ્યાં તેમાંથી 14 કેસ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે 687 કેસ નેગેટિવ છે અને 281 પેન્ડિંગ છે.

કોરોના વાયરસના પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં અમદાવાદના 83 કેસ છે. જયારે 5 મોત થયા છે. સુરતના 23 પોઝિટિવ કેસ છે અને 4 લોકોના મોત થયા છે. વડોદરામાં 13 કેસ જ્યારે 2 લોકોના મોત થયા છે. ગાંધીનગરમાં 13 કેસ, રાજકોટમાં 11, ભાવનગરમાં 16 કેસ જેમાં 2 લોકોના મોત થયા છે, પંચમહાલમાં 1 કેસ અને દર્દીનું મોત થયેલ છે. પાટણમાં 5 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું તેમાંથી મોત નિપજ્યું છે. જામનગરમાં એક કેસ નોંધાયો અને વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. પોરબંદરમાં 3 કેસ, મહેસાણામાં 2, છોટાઉદેપુરમાં એક કેસ, કચ્છમાં 2, મોરબીમાં 1, ગીર સોમનાથમાં 2, સાબરકાંઠામાં એક અને આણંદમાં એક કેસ નોંધાયો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે કુલ 16 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 4, ભાવનગરમાં 2, પંચમહાલ અને પાટણમાં તથા જામનગરમાં એક-એક મોત સામેલ છે. વડોદરામાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાં છે.

જયંતિ રવિએ જણાવ્યું કે કોરોના વાયરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર પાસે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. બે સપ્તાહ પહેલા જ પૂરતા પ્રમાણમાં દવાની ખરીદી કરી લેવાઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં રાઉન્ડ ટુ સર્વેલન્સનો પ્રારંભ ગઈકાલથી કરી દેવામાં આવ્યો છે.

રાશિ ભવિષ્ય 08/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનારવર્ગથી દુર રહેવુ જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવુ, ઉશ્કેરાટથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમ ન કરવુ, ઉતાવળિયા નિર્ણયથી બચવુ.


આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવી ઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનાર વર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગ માટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

પંચાગ: 08/04/2020

(મયંક રાવલ)

‘આયુષ’ પ્રધાને કહ્યું, ,’ભારતમાં ટૂંક સમયમાં જ આયુર્વેદ પદ્ધતિથી કોરોનાનાં દર્દીઓનો ઈલાજ શરૂ કરાશે’

નવી દિલ્હીઃ કેન્દ્રના આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (AYUSH) ખાતાના પ્રધાન શ્રીપાદ નાઈકે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત ટૂંક સમયમાં જ આયુર્વેદિક પદ્ધતિથી કોરોના વાઈરસના દર્દીઓનો ઈલાજ શરૂ કરશે.

શ્રીપાદ નાઈક

નાઈકે કહ્યું કે વૈજ્ઞાનિક માન્યતા ન મળવાને કારણે ભારત પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ હાલના સંકટમાં માત્ર રોગ પ્રતિબંધાત્મક પગલા તરીકે જ કરવામાં આવે છે.

નાઈકે પોતાના એ વિવાદાસ્પદ દાવાનો પુનરોચ્ચાર પણ કર્યો હતો કે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ આયુર્વેદિક સારવારથી કોરોના વાઈરસ (COVID-19)માંથી સાજા થઈ ગયા હતા. નાઈકે ઉમેર્યું કે આયુર્વેદનો પશ્ચિમના દેશોમાં સ્વીકાર કરાતો નથી એટલે પ્રિન્સ ચાર્લ્સ આ વાતનો ઈનકાર કરે છે.

નાઈકે અગાઉ એમ કહ્યું હતું કે બેંગલુરુસ્થિત એક આયુર્વેદ પ્રેક્ટિશનરે ચાર્લ્સની સારવાર કરી હતી.

‘પ્રિન્સ ચાર્લ્સે આ વાતને રદિયો આપ્યો એનું કારણ એ હશે કે જાહેરમાં એવી કબૂલાત કરવાથી કદાચ બીજી અમુક સમસ્યાઓ ઊભી થઈ શકે. એમનો દેશ આયુર્વેદને માનતો નથી,’ એવું નાઈકે પીટીઆઈ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું.

નાઈકે કહ્યું હતું કે, મને 101 ટકા ખાતરી છે કે પ્રિન્સ ચાર્લ્સ આયુર્વેદને કારણે સાજા થયા હતા.

નાઈકે જોકે એ કહ્યું નહોતું કે પ્રિન્સ ચાર્લ્સ આયુર્વેદની ચોક્કસ કઈ દવાથી સાજા થયા હતા કે આયુર્વેદથી એમને કઈ રીતે ફાયદો થયો હતો.

નાઈકે કહ્યું કે કોરોના રોગનો ઈલાજ કરવામાં જ્યારે એલોપથી જેવી અન્ય પદ્ધતિઓ નિષ્ફળ જાય ત્યારે આપણી પાસે આયુર્વેદ દ્વારા એનો ઈલાજ કરવાનો ઉકેલ છે.

નાઈકે એવો આક્ષેપ કર્યો છે કે એક એવી લોબી છે જે ભારતમાં નોવેલ કોરોનાવાઈરસની સારવાર કરતી કોઈ અસરકારક દવાનો ઉપયોગ કરતા રોકે છે. મારા મંત્રાલયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ મુદ્દો રજૂ કર્યો છે કે કોરોના વાઈરસને દૂર કરવા માટે આયુર્વેદ પાસે ઈલાજ છે.

મ્યુ ફંડ પોર્ટફોલિયો સુરક્ષિત આ રીતે રાખી શકાય

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે વિશ્વભરમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનને લીધે અર્થતંત્રને ખરેખર કેટલું નુકસાન એ કોઈ જણતું નથી. દુનિયાઆખીની હાલત જોઈને રોકાણકારો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. આવામાં મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો કે જેમણે ડેટ ફંડ(બોન્ડ)માં રોકાણ કર્યું છે, તેઓ કઈ રીતે બાકાત રહી શકે.

ક્રેડિટ રિસ્ક

નાના વેપાર-ધંધાવાળા પાસે રોકડની ખેંચ હોય છે, જેમાં આ લોકડાઉને બહુ નકારાત્મક અસર કરી છે. જોકે મોટા કોર્પોરેટમાં આ રોગચાળાન લીધે થયેલા નુકસાન સહન કરવાની ક્ષમતા છે. જો નવું મૂડીરોકાણ કરવાનું વિચારો છો તો એવાં ફંડોથી અંતર રાખી શકાય છે, જ્યાં ક્રેડિટ રિસ્ક વધુ છે.

બોન્ડની મજબૂતી જોવી જરૂરી

કેટલાંક ફંડોએ AT1 બોન્ડમાં રોકાણ કર્યું હતું, જેને લઈને પાછલાં કેટલાંક સપ્તાહોથી ગભરાટનો માહોલ ઊભો થયો છે. યસ બેન્કે આ બોન્ડને માંડી વાળ્યાં હતાં. યસ બેન્કના મામલે એટલું તો જરૂર નક્કી થઈ ગયું કે રેટિંગ એજન્સીને આધારે બોન્ડની મજબૂતીને સંપૂર્ણ રીતે આકલનના કરી શકે.

ઈક્વિટી ફંડોમાં ઘણું નુકસાન

જે રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં ઈક્વિટી અને ડેટ-બંનેને સામેલ કર્યા હતા, તેમનાં ફંડમાં જબરદસ્ત ઘટાડો આવ્યો છે. ઈક્વિટી ફંડ પાછલા બે મહિનામાં ઉચ્ચતમ સ્તરથી આશરે 40 ટકા ઘટી ગયાં છે. એનો એ અર્થ એ થયો કે રોકાણમાં ઈક્વિટીનો જો હિસ્સો હશે, એની વેલ્યુ આ વર્ષના મહત્તમ સ્તરથી અડધી થઈ ગઈ છે. શેરબજાર મંદીના સંકજામાં સપડાયું છે, ત્યારે રોકાણકારોને વધુ રાહ જોવી પડે એમ છે.  

બોન્ડ ડ્યુરેશન રિસ્ક

વર્ષ 2016માં નોટબંધી પછી લોંગ ટર્મ બોન્ડ (10 વર્ષ)ના યિલ્ડમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. 10 વર્ષના સરકારી બોન્ડનું યિલ્ડ ,પ્ટેમ્બર, 2018માં 8.18 ટકા હતું, જે ડિસેમ્બર, 2019મા 7.22 ટકા પર આવી ગયું હતું. નિષ્ણાતોના જણાવ્યા મુજબ અત્યારની સ્થિતિમાં રોકાણકારોએ 2-3 વર્ષના શોર્ટ ટર્મ બોન્ડમાં રોકાણ કરવું જોઈએ.

લિક્વિડિટી રિસ્ક

રિઝર્વ બેન્કે 2008-09ની ક્રાઇસિસમાં નોટિસ કર્યું હતું કે ડેટ ફંડમાં બહુ ઝડપથી પૈસા નીકળી રહ્યા છે. જ્યાં સુધી રિઝર્વ બેન્ક કંઈ પગલું લે એ પહેલાં ડેટ ફંડમાંથી રૂ. 50,000 કરોડ નીકળી ગયા હતા. હાલ લિક્વિડિટી ક્રાઇસિસને બચાવવા માટે રિઝર્વ બેન્ક રેપો રેટમાં કાપ મૂકી રહી છે. હાલ દેશમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડનું કદ રૂ. 14 લાખ કરોડે પહોંચ્યું છે. રોકાણકારોએ યાદ રાખવું જોઈએ કે ડેટ ફંડોને મોટી બેન્કોનો ટેકો હોય.

 

તમારા ‘વર્ક ફ્રોમ હોમ’ ને સરળ બનાવશે આ ફીચર્સ

નવી દિલ્હી: લોકડાઉનમાં ઘરેથી કામ કરતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હશે. પણ દરેક સમસ્યાનું સમાધાન હોય છે. અમે અહીં તમારી બીજી સમસ્યા તો નહીં પણ Gmail સંબંધિત મુશ્કેલીઓ ચોક્કસપણે હલ કરી શકીએ છીએ. Gmailના 16 વર્ષ પૂર્ણ થવા પર ગૂગલે ટ્વિટ કરીને Gmail સંબંધિત 4 ટિપ્સ બતાવી છે. આ ટિપ્સ મારફતે તમે પહેલા કરતા સરળ રીતે Gmailનો ઉપયોગ કરી શકશો.

સ્નૂઝ ઇમેઇલ્સ (Snooze Emails):

જ્યારે તમે કોઈ ઇમેઇલનો જવાબ આપવા તૈયાર ન હો ત્યારે તમે આ ફીચરનો ઉપયોગ કરી શકો છો. તમે જે પણ ઇ-મેઇલ સ્નૂઝ કરવા માંગો છો, તે ઈ-મેલની સાઇડ પર માઉસને લઈ જાઓ ત્યાં તમને રાઉન્ડ ક્લોક આઇકન દેખાશે. તેના પર ક્લિક કરો. અહીંથી તમે તમારી અનુકુળતા મુજબ સમય પણ પસંદ કરી શકો છો.

સ્માર્ટ કમ્પોઝ(Smart Compose):

આ ફીચર સજેસ્ટિવ ટેક્સટ રિસ્પોન્સનું એડવાન્સ વર્ઝન છે. જ્યારે પણ તમે કોઈ ઈમેલ ટાઈપ કરી રહ્યા હોવ તો ત્યારે આ ફીચર કોઈ પણ વાકયને પૂર્ણ કરવા માટે સૂચન આપે છે. આ ફીચર માટે તમારે Gmail ખોલીને સેટિંગ્સમાં જવાનું રહેશે. સેટિગ્સમાં ગયા પછી ત્યાં આપેલા Writing suggestions ઓપ્શનને ચાલુ કરવાનું રહેશે.

વેકેશન રિસ્પોન્ડર(Vacation Responder):

આ ફીચર તમને ત્યારે કામ આવશે જ્યારે તમારે એવું દર્શાવવું હોય કે તમે તમારું ઈમેલ એક્સેસ કરી શકતા નથી. આ ફીચરને તમે સેટિગ્સમાં જઈને ઓન કરી શકો છો. અહીં Vacation Responder વિકલ્પને ઓન કરતી વખતે તમારે તારીખ,વિષય અને મેસેજ લખવાનો રહેશે. ત્યારપછી નીચે આપેલા ઓપ્શનમાંથી તમારી ઈચ્છા અનુસાર વિકલ્પ પસંદ કરો. ત્યાર પછી સેવ ચેન્જીસ (Save Changes) પર ક્લિક કરી દો..

શિડ્યુલ સેન્ડ (Schedule Send):

જો તમે જૂદા જૂદા ટાઈમ ઝોન માટે કામ કરી રહ્યા છો તો આ ફીચર તમને ખૂબ જ કામ આવશે. આ ફીચર નક્કી કરે છે કે, જો તમે અલગ અલગ ટાઈમ ઝોનના લોકો સાથે કામ કરી રહ્યા છો તો તેના ઓફ ટાઈમ પર તેને ડિસ્ટર્બ ન કરે. એના માટે તમારે જે ઈમેલ મોકલવો છે એ લખો. ત્યારપછી સેન્ડ(SEND)ની સાથે આપલે ડ્રોપડાઉન એરો પર ક્લિક કરો અને શિડ્યુલ સેન્ડ (Schedule send) પર ક્લિક કરી દો. અહીંથી તમે સમય અને તારીખ પણ નક્કી કરી શકો છો.

કોરોનાએ ખોવાયેલો પુત્ર પાછો અપાવ્યો

છપરાઃ કોરોના વાયરસનું સંક્રમણ આખા દેશમાં સતત વધી રહ્યું છે. અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ આ ખતરનાક વાયરસના કારણે ગયા છે. આ વચ્ચે કોરોનાના કારણે કેટલાય વર્ષ પહેલા ગૂમ થયેલા એક વ્યક્તિને પોતાના પરિવાર સાથે મળવાની તક મળી ગઈ છે.

આ મામલો સાંભળવામાં થોડો અલગ લાગે પરંતુ આ પૂર્ણતઃ હકીકત છે. કોરોના સંકટના કારણે જ એક યુવક પોતાના પરિવારને 7 વર્ષ બાદ મળ્યો. આ મામલો છપરાના ભેલ્દીના પેગા મિત્રસેન ગામનો છે.

આ ગામના રહેવાસી બાબૂલાલ દાસનો પુત્ર અજય કુમાર ઉર્ફે વિવેક દાસ સાત વર્ષ પહેલા અચાનક જ ગુમ થઈ ગયો હતો. પરિજનોએ અજયની ખૂબ શોધ કરી પરંતુ કોઈ માહિતી ન મળી. જ્યારે બે-ત્રણ વર્ષ બાદ અજય ઘરે ન આવ્યો તો પરિજનોએ માની લીધું કે હવે અજય આ દુનિયામાં નથી. પછી તેમણે અજયની શોધખોળ બંધ કરી દીધી, પરંતુ માતા-પિતાને આશા હતી કે મારો દિકરો ચોક્કસ પાછો આવશે.

ઉત્તરપ્રદેશ પોલીસ એક યુવકને લઈને ભેલ્દી પોલીસ સ્ટેશન પહોંચી અને તેને અજય કુમાર ઉર્ફે વિવેક દાસ બતાવીને તેના મામલે પૂછપરછ શરુ કરી. ભેલ્દીના પીઆઈ વિકાસકુમાર દ્વારા મળેલી જાણકારીના આધારે યૂપી પોલીસ અજયને લઈને પેગા મિત્રસેન પહોંચી. સવાર સવારમાં પોલીસને જોતા જ ગામમાં હડકંપ મચી ગયો જો કે બાબૂલાલ દાસના પરિવારને જાણે જીવન જ મળી ગયું. યૂપી પોલીસે જણાવ્યું કે, ઘરેથી ગાયબ થયા બાદ અજય યૂપીના બારાબંકી ચાલ્યો ગયો હતો અને ત્યાં એક કેસમાં જેલની સજા કાપી રહ્યો હતો. કોરોનાના વધતા સંક્રમણને જોતા કોર્ટે કેટલાક કેદીઓને પેરોલ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો કે જેમાં અજય કુમારનું નામ પણ જોડાયેલું હતું.

મહામારી અને મહાયુદ્ધ પછી રમતોત્સવઃ ખેલ અને ખેલદિલી

માનવજાતને સૌથી વધુ જરૂર છે ખેલ અને ખેલદિલીની, પણ તે સૌથી ઓછી સમાજ વચ્ચે ઉપલબ્ધ હોય તેવી છાપ પડશે. સંકટ આવે ત્યારે ખેલદિલી અને સ્વાર્થ બંને એક સાથી પ્રબળ છે. ક્યારેય સેવા ના કરવાના લોકો પણ પોતાની બનતી મદદ કરવા લાગે છે, પણ કેટલાકની વૃત્તિ એટલી પ્રબળ છે કે માત્ર પોતાના બચાવનો વિચાર કરે બીજાનું થવું હોય તે થાય. એક કિસ્સો ઉદાહરણ માટેઃ સુરતમાં નર્સ તરીકે કામ કરતી બહેન ફરજ બજાવતી રહી, પણ તેમની સોસાયટીના ચેરમેને ફતવો બહાર પાડીને મુખ્ય દરવાજે તાળું મારી દીધું. બધાને પાછળના દરવાજે આવવાનું ફરમાન, પણ તે પાછળનો રસ્તો ઉજ્જડ અને આવવા જવામાં મુશ્કેલી કરે તેવો. લોકોની આવનજાવન ઓછી થાય તેવો ઇરાદો હશે, પણ નર્સ જે જોખમ લઈને ફરજ બજાવે છે તેમને પણ પાછલા રસ્તે ફરીને આવવા હેરાન કરવાના?

સંકટમાં મોટા ભાગના લોકોની બુદ્ધિ બહેર મારી જાય છે. થોડાની બુદ્ધિ સતેજ થઈ જાય છે અને તે ઉલટાના શાંત થઈને, શાંત ચિત્તે માર્ગ શોધે છે. સર્વાઇવલ ઑફ ધ ફિટેસ્ટ, સૌથી સક્ષમ હોય તે બચે તે નિયમ આના પરથી જ આવ્યો છે. ચિત્તને શાંત કરીને સંકટમાં લાભાલાભ વિચારવાથી સાચો ઉકેલ મળે છે. 1919માં સ્પેનિશ ફ્લૂ ફેલાયો હતો. તેમાં શું થયું હતું તે આ દરમિયાન તમે એકથી વધુ લેખોમાં વાંચ્યું હશે. પાંચથી દસ કરોડ લોકોનો ભોગ તેમાં લેવાઈ ગયો હતો. પણ તે દરમિયાન અને તે પછી શું થયું તેનો એક પ્રસંગ જોઈએ તો ખ્યાલ આવશે કે મહામારી વચ્ચે માત્ર મહામારીનું વિચાર્યા વિના બીજા માર્ગ પણ શોધતા રહેવા પડે. વ્યક્તિગત રીતે ચિત્તને શાંત અને સકારાત્મક કરવાના પ્રયાસો, ઉપરાંત કેટલાક સામુહિક પ્રયાસો કરવા પડે, જેથી સકારાત્મક માહોલ ઊભો થાય.

સ્પેનિશ ફ્લૂ અને પ્રથમ વિશ્વ યુદ્ધનો સમયગાળો નજીક નજીકનો હતો. વિશ્વ યુદ્ધ પૂરું થઈ ગયું હતું અને સ્પેનિશ ફ્લુની મહામારી હાહાકાર મચાવ્યા પછી થોડો હાશકારો લઈ રહ્યું હતું. તે વખતે આજના જેટલા ઝડપી સંદેશ વ્યવહારના અને વાહન વ્યવહારના સાધનો નહોતા. યુરોપમાં યુદ્ધ લડવા માટે દુનિયાભરમાંથી સૈનિકો એકઠા થયા હતા. યુરોપનો સામ્રાજ્યવાદ દુનિયાભરનું શોષણ કરી રહ્યો હતો. દુનિયાની પ્રજાને લૂંટીને યુરોપિયનો સમૃદ્ધ થયા હતા. યુરોપના દેશો વચ્ચે લડાઈ જાગી ત્યારે તેમાં લડવા માટે પણ ગુલામ દેશોમાંથી સૈનિકો લાવવામાં આવ્યા હતા. પોતાની લડાઈ માટે પારકા દેશના સૈનિકોનો ભોગ યુરોપના સામ્રાજ્યો લઈ રહ્યા હતા. ભારતમાંથી પણ મોટા પાયે સૈનિકો અંગ્રેજો માટે લડવા ગયા હતા.

અહીં તેની વાત નથી, વાત મૂળ એ છે કે યુદ્ધ પૂર્ણ થયા પછી સૈનિકો છાવણીમાં હતા અને સ્પેનિશ ફ્લૂનો વાયરો થડો શાંત પડ્યો હતો. ત્યારે આ સૈનિકોને સક્રિય કેવી રીતે રાખવા તે સવાલ હતો. તેમાંથી જ જન્મ્યો હતો વિચાર સૈનિકો વચ્ચે રમતોત્સવનો. ઇન્ટર-એલાઇડ ગેમ્સ માટેનો વિચાર કરાયો, જેમાં જુદા જુદા દેશની સૈનિક ટુકડીઓ ટીમ તરીકે વિવિધ રમતોમાં ભાગ લે. બધા સૈનિકો કંઈ સારા ખેલાડીઓ ના હોય, પણ મજબૂત શારીરિક સ્થિતિને કારણે તેઓ રમતગમતમાં ભાગ લઈ શકે તેવી સ્થિતિમાં હોય. બીજું કે આ પણ એક પ્રકારનું યુદ્ધ કહેવાય, પણ રમતના યુદ્ધનું મેદાન. તેમાં હરિફને હરાવી દેવાનો, પણ તેને ખતમ કર્યા વિના. સૈનિકોને મળતી આવતી આ સ્પિરિટ હતી. જોકે રમતગમતમાં સૈનિક વૃત્તિથી સ્પર્ધા કેટલી વાજબી તે જુદી ચર્ચાનો મુદ્દો છે એટલે તેમાં પડતા નથી.

કોરોનાના કારણે ટોકિયો ઑલિમ્પિક્સ કરવી શક્ય લાગતી નથી, ત્યારે સ્પેનિશ ફ્લુના અંત સમયે સૈનિકોનો આ રમતોત્સવ યોજાયો હતો. ખેલની ખેલદિગીનો અનુભવ પણ સૈનિકોને થયો, જે યુદ્ધના મેદાનમાં દુશ્મનને ખતમ કરી નાખવાના ઉશ્કેરાટથી જુદો હતો. બીજું કે જુદા જુદા પ્રકારની ગેમ્સ રમવાની વૃત્તિ પણ સૈનિકોમાં જાગી. આજેય કેટલાક અંશે અમુક દેશમાં અમુક ખેલ લોકપ્રિય હોય, અમુક ખેલ ના રમાતો હોય. ભારતમાં ક્રિકેટ સિવાય જાણે કોઈ ખેલ જ ના હોય તેવી હાનીકારક વૃત્તિ છે, જેને વેપારી કારણોસર વધારે ને વધારે ભડકાવવામાં આવે છે. ક્રિકેટની કાળી બાજુ એ છે કે તેમાં નકરો વેપાર, સટ્ટાબાજી, ચિંટિગ અને આઈપીએલમાં વ્યભિચાર અને વલ્ગર ડિસ્પ્લે છે. અત્યારે ઘરે રહીને ઓનલાઇન ગેમ રમવાના રવાડે પાછા ના ચડી જતા, કેમ કે તે પણ ધંધાદારી પ્રવૃત્તિ છે અને તેની પણ બહુ નુકસાની છે. પણ ઓનલાઇન ચેસ વગેરે રમજો, જેમાં કોઈ વેપારી કંપનીને ફાયદો ના થતા હોય. રમી રમવા ના બેસતા.

આપણે બહુ આડી વાતે ચડી જઈએ છીએ, મૂળ વાત જ કરીએ. મૂળ વાત એ હતી કે ઇટાલીના સૈનિકોને થયું કે લાવોને આપણે ક્યારેય રમ્યા નથી તે બાસ્કેટ બોલ રમીએ. અમેરિકનો પહેલેથી જ બેઝબોલમાં એક્કા એટલે તે જીત્યા હતા અને બીજી પણ કેટલીક રમતોમાં જીત્યા. દોરડા ખેંચવા જેવી રમતને પણ સૈનિકોના રમતોત્સવમાં સ્થાન મળ્યું હતું. પારીસની નજીકના મેદાનોમાં રમતોત્સવ યોજાયો હતો. અમેરિકન સૈનિકો અને સૈન્ય એન્જિનિયરોએ સ્ટેડિયમ બનાવ્યું હતું. અમેરિકાના દળોના કમાન્ડર જનરલ જ્હોન પર્શિંગનું નામ સ્ટેડિયમને અપાયું હતું. 14 દેશોની સૈનિક ટુકડીઓએ તેમાં ભાગ લીધો હતો. સાઉદી અરેબિયા ત્યારે હજી સંયુક્ત બન્યું નહોતું અને અંગ્રેજોનો કબજો હતો. તેમાં એક રાજ્ય હતું હેજાઝ. તેમના ઊંટસવાર સૈનિકો હતા તેમણે રમતોત્સવના ઉદ્ધાટન વખતે પરેડ કાઢી હતી.


આ બધા એલાઇડ ફોર્સિસ એટલે કે મિત્ર દળો હતો. બધાએ સાથે મળીને દુશ્મનો સામે લડાઈ કરી હતી, હવે અંદરોઅંદર સ્પર્ધા કરવાની હતી. યુદ્ધના મેદાનમાં લડાઈ અને સ્ટેડિયમના મેદાનમાં ખેલની સ્પર્ધા કેટલી જુદી હોય છે તેનો સીધો અનુભવ સૈનિકોને થયો. તેમની માનસિકતામાં આના કારણે બહુ ફાયદો થયો હશે તેમ મનોવિજ્ઞાનીઓ માને છે.

તે વખતથી જ અમેરિકા મહાસત્તાના લક્ષણો ધરાવતું થઈ ગયું હતું. એટલે 14 સાથી દેશો વચ્ચે સ્પર્ધા થઈ અને સૌને મડેલો પણ અપાયા, પણ તેમાં અમેરિકી સૈનિક વત્તા રમતવીર છવાયેલા રહ્યા હતા. સમગ્ર આયોજન પણ અમેરિકાની સેના સાથે જોડાયેલી એલ્વૂડ બ્રાઉનની કલ્પના પ્રમાણે થયું હતું એટલે રમતોત્સવમાં અમેરિકી છાંટ દેખાઈ આવતી હતી. યુરોપમાં રહેલા અમેરિકાના દળો સાથે તેઓ એથ્લેટિક્સ વિભાગના વડા તરીકે જોડાયેલા હતા. યુદ્ધ પૂર્ણ થઈ ચૂક્યું હોય અને ફ્લૂનો રોગચાળો ફેલાવાનું જોખમ ઘટી ગયું હતું તેથી સૈનિકોને પ્રવૃત્તિમય રાખવા માટે રમતોત્સવ કરવો જોઈએ એમ તેમને લાગ્યું હતું. એવું પણ કહેવાય છે કે અમેરિકાના સૈનિકો રમતગમતમાં પણ હોશિંયાર છે અને યુદ્ધવીર ઉપરાંત રમતવીર છે એવું પણ તેઓ આ રીતે દર્શાવવા માગતા હતા.
તેમને રમતોત્સવની દરખાસ્ત કરી હતી તેમાં લખ્યું પણ હતું કે “આપણા સાથી દળોને દર્શાવી શકીશું કે અમેરિકા સ્પોર્ટ્સમાં પણ બેસ્ટ છે, તેમનામાં ખેલદિલી છે અને સાથોસાથ શારીરિક રીતે સૌથી સુસજ્જ છે.” જોકે આમાં ચાલાકી એ કરવામાં આવી હતી કે રમતોત્સવનું નક્કી થઈ ગયું તે પછી અમેરિકાથી જહાજ રવાના કરીને તેમાં 40 ઍથ્લેટ્સને મોકલી અપાય હતા. આ લોકોએ કંઈ યુરોપના યુદ્ધમાં ભાગ લીધો નહોતો. એક હજાર જેટલા ઍથ્લેટ્સ વચ્ચે તેઓ છવાઇ ગયા હતા અને તેના કારણે પણ અમેરિકાને વધારે મેડલ મળ્યા હતા.

સૈનિકો યુદ્ધમાં લડતા હોય ત્યારે તેને જોવા માટે નાગરિકો જઈ શકે નહિ, પણ અહીં રમતના મેદાનમાં જંગ જામ્યો હતો, જે જોવા માટે પારીસ અને દૂરથી પણ નાગરિકો ઉમટી પડ્યા હતા. દિવસ આખો રમતોત્સવ ચાલે અને રાત્રે મનોરંજનના કાર્યક્રમો અને પાર્ટીઓ. ફિલ્મના શૉ થતા હતા અને સૈનિકો સાથે ડાન્સ પાર્ટનર્સ બનવા માટે પણ અમેરિકાથી 95 યુવતીઓ લાવવામાં આવી હતી. આવી ધામધૂમને કારણે આખો રંગ અમેરિકી થઈ ગયો હતો. અમેરિકીઓ ત્યારથી આંકડાં રાખવાની આદત ધરાવે છે. એટલે આવાં આંકડાં નોંધ્યા હતાઃ 39,000 લીટર આઇસક્રીમ, 2,00,000 ગેલન લેમોનેડ વાયએમસીએના સ્વંયસેવકોએ સૈનિકોને પીરસ્યા હતા. વાયએમસીએ જાણીતી ક્લબ છે અને ઍથ્લેટ્સના નિષ્ણાત તરીકે બ્રાઉન આ સંસ્થા સાથે પણ કામ કરતા હતા. તેથી ક્લબ તેમાં જોડાઈ હતી અને સૈનિકોને આઇસક્રીમ અને પીણાં મફતમાં પીવરાવ્યા હતા. સૈનિકો એટલું ચિક્કાર પીતા હતા કે તેઓ બીમાર પડી જશે એવી પણ ચિંતા થવા લાગી હતી.બીજા વિશ્વ યુદ્ધના અંત પછી સાથી દળોના સૈનિકો વચ્ચે આવી જ રીતે રમતોત્સવ યોજવાનો વિચાર કરાયો હતો, પણ તે પ્રથમ વખત જેવો જામ્યો નહોતો. પ્રથમ વારનો પ્રયાસ જ યાદગાર બની રહ્યો હતો. પર્શિંગ સ્ટેડિયમ હજીય ઊભું છે અને ત્યાં બેઝબોલ ગેમ્સ રમાતી રહે છે, જે અમેરિકી સંભારણું જ છે.

કોરોનામાંથી જગત કેવી રીતે બહાર આવશે તે માટે રાહ જોવાની છે, પણ એક વાતનો ઇશારો એ પણ થયો છે કે આધુનિક ટેક્નોલૉજી વધી છે, સાધનો વધ્યા છે, પણ માનવ પોતે નબળો પડ્યો છે. કુદરતની આપત્તિઓ સામે બાકીના જીવોની જેમ બથોડાં લેવાની તેની તાકાત ઘટતી જાય છે. પૃથ્વીની સૃષ્ટિ પર મનુષ્યનો કબજો થઈ ગયો છે, પણ અત્યંત નાનો, સુક્ષ્મમાં સુક્ષ્મ જંતુ તેને આકળવિકળ કરી દે છે એ પણ હકીકત છે. માનવને ફરીથી શ્રમ કરતો કરવો ઉત્તમ, પણ તે મુશ્કેલ છે ત્યારે કમસે કમ માણસને વધારેમાં વધારે ખેલ કરતા કરવો પડશે – ખેલ એટલે સ્પોર્ટ્સ હોં, ખેલ એટલે પછી પેલા સ્વાર્થી ખેલ નહિ હોં…