
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેશમુખ BAPS મંદિરની મુલાકાતે…
કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાનને પત્ર લખ્યો
નવી દિલ્હીઃ કોરોના વાઇરસથી જંગ લડવા માટે દેશભરમાં લોકડાઉન સહિત અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારે કોરોના વાઇરસ સંદર્ભે કડક નિર્ણયો પણ લીધા છે. વડા પ્રધાને આ સંદર્ભમાં રાજકીય પક્ષો સાથે ફોન પર વાત કરીને કોરોના વાઇરસ સંકટ સંબંધમાં સૂચનો મગાવ્યાં હતાં. જે સંદર્ભમાં કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાનને પત્ર લખીને કેટલાંક સૂચનો કર્યાં હતાં. તેમણે કેન્દ્રીય પ્રધાનમંડળના પગારમાં 30 ટકા કાપ મૂકવાના નિર્ણયને ટેકો આપ્યો હતો. તેમણે આ સાથે વડા પ્રધાનને લખ્યું હતું કે સકારાત્મક ભાવનાથી હું તમને પાંચ નક્કર સૂચનો કરું છું. મને વિશ્વાસ છે કે તમે એ સૂચનોને લાગુ કરશો.
કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાનને લખ્યું હતું કે હું આ પડકારજનક સમયમાં તમારા સારા આરોગ્યની પ્રાર્થના કરું છું. તેમણે જે સૂચનો કર્યાં હતાં એ નીચે મુજબ છેઃ
4 વડા પ્રધાન, કેન્દ્રીય પ્રધાનો, મુખ્ય પ્રધાનો, રાજ્યના પ્રધાનો, બ્યુરોક્રેટ્સ (અધિકારીઓ)ના વિદેશ પ્રવાસો હાલપૂરતા ટાળી દેવામાં આવે. આમાં માત્ર રાષ્ટ્રીય હિતને કરવામાં આવતા પ્રવાસોને જ મંજૂરી આપવામાં આવે અને એ પણ વડા પ્રધાન દ્વારા લીલી ઝંડી અપાયા પછી જ કરવા દેવામાં આવે. આ પૈસા પણ કોવિડ-19ની લડાઈમાં વાપરવામાં આવે. 5 PM CARES FUND (વડા પ્રધાન રાહત ભંડોળ)ની સંપૂર્ણ રકમ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PM-NRF)માં તબદિલ કરવામાં આવે, જેથી આ ફંડના ખર્ચમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, જવાબદારી અને ઓડિટ થઈ શકે PM-NRFમાં આશરે રૂ. 3,800 કરોડ (2019ના અંત સુધી) વપરાયા વગર પડી છે. જેથી આ રકમનો કોરોના સામેના જંગમાં ઉપયોગ થઈ શકે. દેશ સમક્ષ કોવિડ-19 પડકારજનક છે, જેમાં અમારો સંપૂર્ણ સહયોગ તમારી સાથે છે. |
આ યુવા સંગઠનો કરી રહયા છે ઉમદા કામ
અમદાવાદઃ સમગ્ર ભારતમાં કોરોના વાયરસે માથું ઉંચક્યું છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કારણે પરિસ્થિતિઓ ગંભીર બની રહી છે. બધા જ લોકો અત્યારે લોકડાઉનમાં ઘરમાં બંધ છે. પરંતુ રોજનું કમાઈને રોજ ખાનારા અને ગરીબી રેખા હેઠળ આવતા લોકો અત્યારે બે ટંકના ભોજન માટે વલખા મારી રહ્યા છે.
આ પ્રકારના લોકોની મદદ કરવા માટે શહેરના એલિક્સર ફાઉન્ડેશન, અમદાવાદ ગ્લોબલ શેપર્સ, કોમ્યુનિકેટ કરો, હાર્ટ માર્ટસ અમદાવાદ રોકેટ્સ અને હે-હાઈ ફાઉન્ડેશન જેવા યુવાનોના જૂથો કોરોના સામેની લડત માટે હાથ મિલાવીને લોકડાઉનને કારણે કપરી સ્થિતિમાં મૂકાયેલા લોકોને સહાય કરી રહ્યા છે.
“આપણે સાથે રહીને ઘણું કરી શકીશું” એવી માન્યતા સાથે આ જૂથે રૂ. 5 લાખ એકત્ર કર્યા છે, જેનો ઉપયોગ મુખ્યત્વે મજૂર વર્ગ, વૃધ્ધાશ્રમો અને આશ્રય ગૃહોમાં વસતા લોકોને આવશ્યક ચીજો પૂરી પાડવા માટે વાપરવામાં આવશે. આ આયોજકોએ ટૂંકા ગાળામાં સ્વયંસેવકોની એક ટીમ તૈયાર કરી છે, જે ફોન અથવા તો મેસેજ આવતાં જ સહાય માટે પહોચી જાય છે.
જો તમારે પણ આ સેવાયજ્ઞમાં જોડાવું હોય તો કેવી રીતે જોડાઈ શકો તેની વિગતો નીચે આપી છે.
Donation link: www.bit.ly/helpahmedabad
Paytm: 9016558924
Paypal: connect@madhish.com
જીતેગા ઈન્ડિયા, મુસ્કુરાયેગા ઈન્ડિયા…
ભારત સરકારે હવે પછી આર્થિક જંગ માટે પણ સજ્જ થતા જવાનું છે, જ્યાં ‘મેક ઈન ઈન્ડિયા’ સહિતના અનેકવિધ લક્ષ્યને પાર પાડવાની ભૂમિકા મોદી સરકારે ભજવવાની આવશે. ભારત અને મોદી સરકાર પર હાલ તો વિશ્વની પણ નજર છે. શું થઈ શકે છે હવે પછી? થોડી ઝલક જોઈએ.
કોરોનાએ જગત સામે મોટો પડકાર તો મૂકી જ દીધો છે, કિંતુ એથી પણ મહત્ત્વની અને નોંધનીય વાત એ છે કે કોરોનાએ ગ્લોબલાઈઝેશન સામે પણ સવાલ ઊભા કરી દીધા છે. શું ખરેખર ગ્લોબલાઈઝેશન જરૂરી હતું કે છે ? શું તેના વિના નહીં ચાલે? શું દરેક દેશ સ્વનિર્ભર ન બની શકે? ગ્લોબલાઈઝેશનના વિશ્વના લાભમાં અને ગેરલાભમાં કેટલું છે? આવા અનેક સવાલ ચર્ચાનો વિષય બની રહયા છે. ગ્લોબલાઈઝેશનને પરિણામે , મુકત વેપાર નીતિને કારણે અને ઓપન માર્કેટ પોલીસીને લીધે વિશ્વ સતત એકબીજા સાથે જોડાતું રહયું છે. આજે પરિસ્થિતી એવી આવીને ઊભી છે કે એક દેશમાં રોગ શરૂ થાય છે અને આખા વિશ્વમાં ફેલાઈ જાય છે. કારણ કે મુકત હેરફેર છે. બધાંને પોતાના દેશની બહાર ફરવા જવું છે, વેપાર કરવા જવું છે. પોતાનો વિસ્તાર કરવો છે, બિઝનેસને વધારવો છે, પોતાની માર્કેટ કબ્જામાં કરી લીધા બાદ યા પોતાની માર્કેટમાં હવે ઓછો અવકાશ હોવાથી બીજા દેશોની માર્કેટમાં છવાઈ જવું છે. જે દેશની વસ્તી વધુ ત્યાં માટે આકર્ષણ વધુ રહે છે. એમાં બે મુખ્ય દેશમાં ચીન અને ભારત રહે છે.
ચીન સામે સંદેહ–સવાલ
ચીનની ક્ષમતા તો આપણી નજર સામે છે, જે સમગ્ર વિશ્વને નચાવી શકે છે અને હાલ એવું જ થતું હોવાનું જાણવા મળે છે. જયાંથી કોરોના વાઈરસની શરૂઆત થઈ તે ચીનમાં હવે બધું નોર્મલ થવા લાગ્યું છે. જયારે કે જયાં કઈ નહોતું અથવા નજીવું હતું તે દેશોમાં ભયંકર હદે કોરોનાનો કહેર ચાલુ છે. ચીન પર તો આ વાઈરસને જાણતા-અજાણતા ફેલાવાના આક્ષેપ પણ થઈ રહયા છે. ભારતના એક સિનીયર એડવોકેટે ચીન સામે ઈન્ટરનેશનલ કોર્ટમાં ફરિયાદ પણ કરી છે. જેમાં ચીન સામે અનેક આક્ષેપ કરાયા છે. આપણે હાલ તેમાં ઊંડા ઉતરતા નથી, કેમ કે આ મામલો જો હાથ ધરાશે તો ઘણું બધું બહાર આવશે, હાલ તો ચીનને છંછેડવાની હિંમત કોઈ દેશમાં નથી. યુએસએનો ચીન સાથે લાંબા સમયથી વેપાર વિવાદ ચાલતો હતો. જેને ટેરિફ વોર નામ અપાયું હતું. ચીનને અમેરિકાની દાદાગીરી માફક આવતી નથી અને તે અમરિકા સામે લડવા માટે સક્ષમ પણ છે. બીજીબાજુ અમેરિકા ભારત સાથે સંબંધ વધારી રહયું હોવાથી પણ ચીનના પેટમાં બળતરા થતી હોઈ શકે, કારણ કે ચીનની માર્કેટ સામે ભારત એકમાત્ર સંભવિત મોટી માર્કેટ બનવાની ક્ષમતા ધરાવે છે.
અમેરિકન ઈકોનોમીને નબળી પાડવાનું લક્ષ્ય?
કહેવાય છે કે ચીને અમેરિકાની ઈકોનોમીને તોડવા માટે આ બાયો વેપન (જૈવિક શસ્ત્રાૅ) નો ઉપયોગ કર્યો છે. આમ માનવા માટે કે આમ વિચારવા માટે એવો તર્ક કરાય છે કે આજે યુએસ ઈકોનોમીની દશા બેસી રહી છે, યુરોપિયન દેશોની પણ કથળી રહી છે. આ બે જાયન્ટ ઈકોનોમી ખતમ થાય યા નબળી પડે તેનો મહત્તમ લાભ ચીનને મળી શકે છે. ગ્લોબલાઈઝેશનમાં સર્વ દેશો એકબીજા સાથે જોડાયેલા હોવાથી એકબીજાની અસર પરસ્પર પડે જ છે. તેથી જ હવે ડિગ્લોબલાઈઝેશન તરફ પ્રયાણનો પ્રયાસ શરૂ થયો છે. દરેક દેશ , પહેલાં મારું સંભાળું, મારી પ્રજાનું વિચારું, મારું હિત જોઉં . મારા દેશને શું લાભ થશે, શું ગેરલાભ થશે વગેરે બાબતો પાયામાં આવવા લાગી છે. ઈન શોર્ટ, ગ્લોબલાઈઝેશન મોંઘું પડવા લાગ્યું છે. કેમ કે ગ્લોબલાઈઝેશનમાં બધાં દેશો એકબીજા પર નિર્ભર થઈ જાય છે. વિવિધ દેશની અનેક કંપનીઓએૅ બીજા દેશોમાં વેપાર-ઉધોગ સ્થાપેલા છે, તેમણે પોતાના હિત સાચવવા પડે છે. આ માટે સરકારે પણ સમાધાન કરવા પડે છે. આ નિર્ભરતા સાવ નકામી છે એવું નથી, જરૂરી પણ છે. કિંતુ આનો અતિરેક થયો ત્યારે કોરોના અને કેઓસે જન્મ લીધો છે. બધાંને ભારતમાં આવી માલ વેચવો છે, ચીન બધાંને આવવા દેતું નથી, જયારે કે ચીન પોતે સસ્તા માલો બનાવી બીજે ઘુસી જાય છે.
ગ્લોબલાઈઝેશનનું નવું રિઅલાઈઝેશન
ખૈર, કોરોનાએ આખા જગતને ગ્લોબલાઈઝેશન વિશે નવું રિઅલાઈઝેશન કરાવ્યું છે. હવે ડિગ્લોબલાઈઝેશન માટે દરેક સરકારે પોતાની નીતિ બદલવી જોઈશે. વધુમાં વધુ પોતાની બીજા પરની નિર્ભરતા ઘટાડવી પડશે. જેમ આજે દરેક પરિવાર ઓછી ચીજવસ્તુઓ, અલ્પ સુવિધા, ઓછાં સાધનો સાથે જીવવા લાગ્યો છે તેમ દરેક દેશે પણ વધુમાં વધુ સ્વનિર્ભર બનવા તરફ આગળ વધવું જોઈશે.
હવે આર્થિક પડકારનો સામનો કરવો પડશે
આ સંબંધમાં આપણે માત્ર આપણા દેશને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો, એકવાર કોરોનાની લડત પુરી થાય કે મોદી સરકારે જેમ કોરોના સામે દેશને એક કરીને લડાઈ લડી, દેશને વધુ મજબુતાઈ તરફ લઈ ગઈ, લોકોમા નવો વિશ્વાસ-આશા જગાવી તેમ મોદી સરકારે આર્થિક વિષયમાં પણ જંગ છેડવી પડશે. આમ પણ મોદી સરકાર સામે આર્થિક પડકારો સતત વધતા રહયા છે, કિંતુ મોદીએ વર્તમાન સમયમાં લોકોને જીવ બચાવવાને સૌથી વધુ પ્રાધાન્યતા આપી છે. જેથી મોદી સરકાર બીજા તબકકામાં આર્થિક સંકટને પહોંચી વળવા જોરદાર લડાઈ શરૂ કરશે એવો વિશ્વાસ રાખવામાં અતિશયોકિત નથી. મોદી સરકારે આમ તો લાંબા સમયથી મેક ઈન ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા સહિત અનેક યોજના-મિશન અને લક્ષ્ય ઘડી રાખ્યા છે, જેના અમલને હવેપછી વધુ વેગ આપવો પડશે. મોદી પોતે વિશ્વના તખ્તા પર મોટા લીડર તરીકે ઉભરી રહયા હોવાનું જોવા મળે છે તેમ મોદી ભારતને મહાસત્તા બનાવવા તરફ લઈ જશે એવી આશા રાખી શકાય. કારણ કે ભારતની પ્રજામાં આ શકિત, મનોબળ , ઉત્સાહ, સ્પિરિટ, મહેનત કરવાની લગન છે, જેને માત્ર યોગ્ય દિશા અને દોરવણીની જરૂર છે. આગામી સમયમાં ભારતમાં ગરીબીના સ્તરને ઘટાડવામાં પણ મોદી સરકાર સક્રિય રહેશે, કારણ કે મોદી સરકારે આ વર્ગ પર પહેલેથી ધ્યાન રાખ્યું છે અને તેમની માટે અનેકવિધ યોજના પણ ઘડી છે. યાદ રહે, મોદી સરકાર પાસે આર્થિક મોરચે પણ જંગ લડયા સિવાય કોઈ વિકલ્પ નથી.
મોદીની લીડરશીપ
મોદી સરકારે લગભગ દરેક દેશ સાથેના સંબંધને નવો આયામ આપીને ભારતની નવી બ્રાન્ડનું સર્જન કર્યુ છે. આતંકવાદ સામે લડીને અને અન્ય દેશોને તેમાં સહભાગી બનાવીને વર્લ્ડ લીડરશીપ પણ લીધી છે. અત્યારે કોરોના સામેની લડાઈમાં પણ વિવિધ દેશો ભારત સરકાર પર નજર રાખે છે, તેની પાસેથી માર્ગદર્શન માગે છે. યુએસ જેવી મહાસત્તા પણ મોદી સરકાર- ભારત સાથે સંબંધ સુધારવા-વધારવા વધુ ઉત્સુક બની છે.
ભારતની પ્રજાનો સાથ અને વિશ્વાસ
આર્થિક મોરચે આપણા દેશમાં હાલ કોરોના કરતા વધુ ચિંતા ફેલાઈ છે. જેના જવાબ અને ઉપાય આ વરસના બીજા ભાગથી મળવાના શરૂ થશે. આજે દેશના ટોચના વેપારીઊાૅ-ઉધોગપતિઓ જ નહીં, બલકે દેશના વિભિન્ન ક્ષેત્રોની અગ્રણી હસ્તીઓ(ફિલ્મ ઉધોગ હોય કે ક્રિકેટ જગત હોય , વેપારી આલમ હોય કે મહિલા વર્ગ હોય) મોદી સરકારમાં વિશ્વાસ ધરાવતી થઈ છે અને વિશ્વ પણ ભારતને ન્યુ ઈન્ડિયા તરીકે જોતું થયું છે. મોદી સરકાર દેશની કેટલીક સામાજીક સમસ્યા પ્રત્યે પણ સભાન છે. ધર્મના નામે થતા વિવાદ , સરકાર સામેની, ખાસ કરીને મોદી સામેની વેરઝેર કે કટ્ટરતાનો પણ સરકારને અને મોટાભાગની પ્રજાને વધુ સ્પષ્ટપણે જાણ થઈ ગઈ છે. આ બધાના ઉપાય પણ થશે. હાલ જે પણ આર્થિક સમસ્યા દેખાય છે અને વાસ્તવમાં છે તેનો ઉપાય માટે નકકર પગલાંના આયોજન થશે અને તેના પરિણામ પણ મેળવાશે. આ માત્ર મોદી સરકારની સ્પિરિટ કે લક્ષ્ય નથી, બલકે ભારતીય પ્રજાના પણ સ્પિરિટ અને લક્ષ્ય છે. ઈન શોર્ટ , સાથ રહેગા , જીત જાયેગા ઈન્ડિયા ઔર મુસ્કુરાયેગા ઈન્ડિયા…
- જયેશ ચિતલિયા (આર્થિક પત્રકાર)
યુઝવેન્દ્ર ચહલે આગવી સ્ટાઈલમાં લોકોને કોરોનાથી બચવાની સલાહ આપી
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલ ઈન્ટરનેટ પર, સોશિયલ મિડિયા મારફત રમૂજ ફેલાવવા માટે જાણીતો છે. એણે કોરોના વાઈરસના ફેલાવાના સંદર્ભમાં લોકોને ઘરમાં જ રહેવાની વિનંતી કરી છે અને કહ્યું છે કે લોકો ઘરમાં જેટલા વધારે રહેશે એટલું જલદી લોકડાઉનથી થતી તકલીફનો અંત આવશે.
ચહલે એક વિડિયો દ્વારા પોતાની અપીલને વ્યક્ત કરી છે. એણે આ વિડિયો કાલ્પનિક ‘ચહલ ટીવી’ માટે બનાવ્યો છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ આ વિડિયો પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.
વિડિયોમાં, ચહલ લોકડાઉન દરમિયાન એના રાબેતા મુજબના કામકાજ વિશે બોલ્યો છે અને લોકોને ઘરની બહાર ન જવાની વિનંતી કરી છે, નહીં તો એમને પોલીસ તરફથી ‘મફતમાં મસાજ’ મળશે, એવી મજાક પણ કરી છે.
ચહલે કહ્યું છે, ‘હેલ્લો મિત્રો, હું પાછો આવી ગયો છું, પણ અત્યારે મારા ઘરમાંથી ઓપરેટ કરું છું. તમને ચહલ ટીવીની કમી મહેસુસ થતી હશે અને હું પણ એને મિસ કરી રહ્યો છું. આ એપિસોડમાં, હું તમને જણાવીશ કે હું ઘરમાં રહીને શું કરું છું. હું સૂઉં છું, ખાઉં છું, મારા પરિવારજનો સાથે સમય વિતાવું છું અને મારા શ્વાન સાથે રમું છું.
ચહલે વધુમાં કહ્યું છે, ‘મહેરબાની કરીને લોકડાઉન દરમિયાન તમારા ઘરમાં જ રહેજો. બહાર નીકળશો નહીં, કારમ કે આ ખૂબ જ ગંભીર બાબત છે. જો તમે બહાર નીકળશો તો તમને મફતમાં મસાજ મળશે. રમૂજને બાજુ પર મૂકો, આ ખરેખર ગંભીર બાબત છે, મહેરબાની કરીને ઘરમાં જ રહો. તમે જેટલા વધારે ઘરમાં રહેશો, લોકડાઉનનો એટલો જલદી અંત આવશે.’
દેખીતી રીતે જ ચહલનો ઈશારો પોલીસ તરફનો છે જેઓ લોકડાઉનના નિયમોનો ભંગ કરીને કારણ વગર રસ્તાઓ પર ઘૂમતા લોકોને ડંડા મારે છે. એવા ઘણા વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયા છે.
A special message from @yuzi_chahal in our latest Chahal TV – Home Edition episode ? #StayHomeStaySafe #TeamIndia pic.twitter.com/2wJY730XV8
— BCCI (@BCCI) April 7, 2020
મોબાઈલ ટેસ્ટિંગ વાન સાથે અમદાવાદ સજ્જ
અમદાવાદ: શહેરમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોઝિટિવ કેસોના વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 7 મોબાઈલ ટેસ્ટિંગ વાન શરૂ કરવામાં આવી છે. શહેરના 7 ઝોનમાં 7 વાંન ફરશે અને તમામ શંકાસ્પદ લોકોની ચકાસણી કરશે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજથી 7 ઝોનમાં આ મોબાઈલ ટેસ્ટિંગવાન શરૂ કરવામાં આવી છે. તમામ કલસ્ટર ઝોનમાં તેમજ જે વિસ્તારમાં પોઝિટિવ કેસ છે ત્યાંના લોકોના ટેમ્પરેચરની ચકાસણી થર્મલ ગન દ્વારા કરવામાં આવશે.

જે પણ વ્યક્તિમાં શંકાસ્પદ લક્ષણ દેખાશે તેનો સ્થળ પર જ વાનમાં ટેસ્ટ કરવામાં આવશે. મેડિકલવાનમાં એક નિષ્ણાંત ડોકટર, પેરામેડીકલ સ્ટાફ સહિત 6 લોકોની ટીમ હશે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
યાત્રીઓના અભાવે ફરી ખાનગી ટ્રેનોનું બુકિંગ બંધ!
નવી દિલ્હી: કોરોનાવાઈરસના વધતા જતા કહેર વચ્ચે લોકડાઉનના સમયગાળામાં વધારો કરવાના અણસાર દેખાઈ રહ્યા છે. તો આ તરફ ટ્રેનોમાં 1 મે 2020થી બુકિંગ ખોલવામાં આવ્યું છે. દેશમાં પ્રાઈવેટ ટ્રેનના સંચાલનની શરુઆત કરનારી કંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આગમી 15 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે ખાનગી ટ્રેનોનું પરિચાલન રદ કરી દેવામાં આવ્યું છે. આ સ્થિતિમાં આ ટ્રેનોનું બુકિંગ ફરીથી બંધ કરી દેવામાં આવ્યું છે.

અધિકારીએ જણાવ્યું કે, લોકડાઉન પછીના સમય માટે ટ્રેનોમાં બુકિંગ ખોલવામાં આવ્યું તો રેલવેની લોકપ્રિય ટ્રેનોમાં તો બુકિંગને સારો પ્રતિસાદ મળ્યો. પરંતુ ખાનગી ટ્રેનોમાં બુકિંગ અપેક્ષા કરતા ઘણું ઓછું મળ્યું. એક દિવસમાં દોઢસો કે બસો યાત્રીઓનું બુકિંગ મળી રહ્યું છે. આટલા યાત્રીઓને લઈને આખી ટ્રેન ચલાવવી મુશ્કેલ છે. એટલા માટે આ ટ્રેનોને એપ્રિલ મહિના સુધી રદ કરી દીધી છે. આગમી એક મે મહિનાથી બુકિંગ ખુલ્લુ છે અને જે યાત્રી ઈચ્છે એ બુકિંગ કરાવી શકે છે.
જેને બુકિંગ કરાવ્યું તેમને રિફંડ મળશે
અધિકારીનું કહેવું છે કે, જે અધિકારીઓએ 15થી 30 એપ્રિલ 2020 વચ્ચે યાત્રા માટે તેજસ એક્સપ્રેસમાં બુકિંગ કરાવ્યું હતુ, તેને રિફંડ આપી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 24 માર્ચથી લોકડાઉનની જાહેરાત પછી રેલવેએ 21 દિવસ માટે 13,523 ટ્રેનોની સેવાઓને સ્થગિત કરી દીધી હતી. આજ કારણે ખાનગી ટ્રેનોનું સંચાલન પણ બંધ થયું હતું.
પીટીઆઈના જણાવ્યા અનુસાર, એક અધિકારીએ જણાવ્યું કે, રેલવે અત્યારે નફો નહીં પણ યાત્રીઓની સુરક્ષા અંગે વિચારી રહ્યું છે. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે, કોરોના વધુ ન ફેલાય. લોકડાઉન પછી તમામ યાત્રીઓને અપીલ કરવામાં આવશે કે માસ્ક વગર સફર ન કરે, તેમના સ્વાસ્થ્યને મોટો ખતરો થઈ શકે છે.
કોવિડ-19: ભારતમાં પ્રાણી સંગ્રહાલયો હાઈ એલર્ટ પર
નવી દિલ્હી: અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં વાઘણને કોરોના પોઝિટિવ આવતાં ભારતમાં પણ આ અંગેની ચિંતા ફેલાઈ છે. ભારતમાં દેશના તમામ પ્રાણી સંગ્રહાલયો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. એડવાઇઝરી મુજબ, તમામ ઝૂ ઓથોરિટીને વધારાની સાવધાની રાખવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત કોઈપણ અસામાન્ય વ્યવહાર માટે સીસીટીવી દ્વારા પ્રાણીઓ પર સતત દેખરેખ રાખવા જણાવાયું છે.

સાથે જ દવાઓનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રાણીઓની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય ઝુ ઓથોરીટીએ તેની એડવાઈઝરીમાં કહ્યું કે, બિલાડી કૂળના પ્રાણીઓ પર ખાસ નજર રાખવા સૂચના આપઈ છે. જેમાં કોરોના લક્ષણો દેખાતા પ્રાણીઓને ક્વોરન્ટાઈન કરવા નિર્દેશ કર્યો છે. આ સાથે જ પ્રાણીઓની તપાસ માટે પ્રોપર ડ્રેસ પહેરવાનું પણ સૂચન કરાયું છે.

મહત્વનું છે કે, વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠને તેના રિપોર્ટમાં કહ્યું કે, સંક્રમિત જાનવર પોતાના દ્વારા સંક્રમણને અન્ય પશુઓમાં ફેલાવી શકે તે અંગે કોઈ પુરાવા મળ્યા નથી. જોકે સંસ્થાએ પાલતુ પ્રાણીઓને માલિક શક્ય તેટલા ઘરમાં રાખે તેવી સલાહ આપી હતી.













