Home Blog Page 4874

સાર્વત્રિક લેવાલીએ શેરોમાં આગઝરતી તેજી

મુંબઇઃ વૈશ્વિક સંકેતોને લીધે સ્થાનિક શેરબજારોમાં તેજી થઈ હતી. કોરોનાના નવા કેસમાં પ્રમાણમાં ઘટાડો થયો હતો અને અન્ય દેશો કરતાં દેશમાં લોકડાઉનને લીધે ઘણી સારી સ્થિતિ હોવાથી શેરબજારમાં તેજી થઈ હતી.  છેલ્લાં 10 વર્ષ દરમ્યાન બજારમાં સૌથી મોટી તેજી થઈ હતી. જેથી સેશનને અંતે સેન્સેક્સ 2,476 પોઇન્ટ ઊછળીને 30,000ને પાર થઈને 30,067.21ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી 50 પણ 702 પોઇન્ટની તેજી સાથે 8,785.90ના સ્તરે બંધ થયો હતો. આ તેજીને લીધે એક જ દિવસમાં રોકાણકારોની મૂડીમાં આઠ લાખ કરોડનો વધારો થયો હતો. અમેરિકી શેરબજારોની તેજીને પગલે શેરબજારમાં તેજી થઈ હતી. આ ઉપરાંત જાપાને રાહત પેકેજની જાહેરાત કરી હતી, જેની બજાર પર સકારાત્મક અસર પડી હતી.

લોકડાઉનમાં રાહત

સરકાર લોકડાઉનમાં તબક્કાવાર રાહત આપશે. જેનાથી આર્થિક કામકાજ ફરી પાટે ચઢશે. જેના લીધે રોકાણકારો ભારે લેવાલી કરી હતી. આ લોકડાઉન જે વિસ્તારમાં સોથી ઓછું જોખમ છે ત્યાં ખોલવામાં આવશે, એવી શક્યતા છે.

દેશમાં 1.3 અબજ ડોલરનું રોકાણ

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ભારતીય શેરબજારમાં આશરે 1.3 અબજ (રૂ. 9,900 કરોડ) ડોલરનું મૂડીકાણ કરે એવી સંભાવના છે. દેશમાં FPI મૂડીરોકાણના ક્ષેત્રને સીધા વિદેશી રોકાણ સાથે જોડવામાં આવ્યું છે. જેનાથી વિદેશી ફંડોની વેચવાલી અટકશે.

ભારતે 24 દવાઓ પરથી પ્રતિબંધ દૂર કર્યા

ભારતે 24 દવાઓ પરના નિકાસ પર મૂકેલા પ્રતિબંધો દૂર કર્યા છે. સરકારે ગયા મહિને આ પ્રતિબંધ લગાવ્યા હતા. જોકે પેરાસિટામોલ પર પ્રતિબંધ ચાલુ રહેશે. આ પ્રતિબંધથી ફાર્મા ઇન્ડસ્ટ્રીને 10 ટકા નિકાસ ઘટી ગઈ છે.

હેવી વેઇટ શેરો 10થી 25 ટકા ઊછળ્યા નિફ્ટી 50ના અને સેન્સેક્સના તમામ શેરો તેજીમાં રહ્યા હતા. નિફ્ટીના તમામ ક્ષેત્ર તેજી સાથે બંધ રહ્યા હતા.  નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 11 ટકા અને ફાર્મા ઇન્ડેક્સ 10.5 ટકા વધ્યા હતા. ઓટો ઇન્ડેક્સ 9.5 ટકા, ફાઇનાન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 8.5 ટકા અને એફએમસીજી ઇન્ડેક્સ આઠ ટકા અને આઇટી ઇન્ડેક્સ 7.5 ટકા વધ્યા હતા. બીએસઈ પર 1,841 શેરોમાં તેજી થઈ હતી અને 540 શેરો નરમ બંધ રહ્યા હતા.

નિફ્ટી 50 ઇન્ડેક્સ પર ઇન્ડસઇન્ડ બેન્ક, 25 ટકા, એક્સિસ બેન્ક 20 ટકા, ગ્રાસિમ, ડો. રેડ્ડીઝ લેબ, એચયુએલ, એમ એન્ડ એમ, આઇસીઆઇસીઆઇ બેન્ક, હિન્ડાલ્કો, મારુતિ અને ઝી એન્ટરટેઇનમેન્ટ 12થી 15 ટકા વધ્યા હતા.

રિલાયન્સ, એચસીએલ ટેક્નોલોજીઝ, હીરો મોટોકોર્પ, જેએસડબ્લ્યુ સ્ટીલ, બજાજા ઓટો, નેસ્લે ઇન્ડિયા, ભારતી એરટેલ, સન ફાર્મા અને એચડીએફસી બેન્ક 10 ટકાથી વધુ ઊછળ્યા હતા.

 

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રસોઇ કેમ બનાવી? જાણો…

અમદાવાદઃ સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ ફેલાતા રાજ્ય સરકારે લોકડાઉન જાહેર કર્યા બાદ પ્રજાને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રોજબરોજનો રોટલો કમાતા ગરીબ પરિવારો માટે એક ટંકનું ભોજન પણ મળવું મુશ્કેલ બન્યું છે ત્યારે લોકોના મોં સુધી કોળિયો પહોંચાડવાનો એક સેવાયજ્ઞ અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

પરેશભાઈ અને તેમની ટીમ દ્વારા અમરેલી, વડીયા, કુંકાવાવ તાલુકાના તમામ ગામોના હજારો ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ પરિવારોને દરરોજ બે ટાઈમ ભોજન પહોંચાડાઇ રહ્યું છે.અત્યાર સુધીમાં વિરોધ પક્ષના નેતા અને તેમની ટીમ દ્વારા આશરે સવા લાખ લોકોને શુદ્ધ અને સાત્વિક ભોજન પુરુ પાડવામાં આવ્યું છે.

ટનબંધ રસોઈ તૈયાર કરીને છેવાડાના ગામડાઓ સુધી હજારો ભૂખ્યા લોકો સુધી કોળિયો પહોંચાડવા માટે વિસ્તારના હજારો સ્વયંસેવકો સ્વેચ્છિક રીતે તનતોડ મહેનત કરી રહ્યા છે. આ ગરીબો માટેના રસોડામાં દરરોજ ટન બંધ રસોઈ તૈયાર કરવામાં આવે છે. પરેશભાઈ ધાનાણી તેમજ અહીં સેવા માટે આવતા દાતાઓ પણ ખુદ રસોડામાં તૈયાર થયેલી રસોઈ જમે છે.

મહિલા ડોક્ટર સાથે ઝઘડો કરવા બદલ પાડોશીની ધરપકડ

સુરતઃ કોરોના વાયરસ સામેની લડાઈમાં દર્દીઓને બાદ કરતા સૌથી વધારે ડોક્ટર્સ, નર્સ અને મેડિકલ સ્ટાફ ઝઝુમી રહ્યો છે. આ લોકો પાસે માસ્ક અને કીટની પણ ઉણપ છે. ત્યારે આ લોકોના આડોશી પાડોશીએ પણ તેઓની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. આવો જ એક કેસ સુરતમાંથી આવ્યો છે. અહીંયા ડોક્ટર સંજીવનીને તેમના પાડોશીઓએ કહ્યું કે, તેમણે હોસ્પિટલથી ઘરે પાછું ન આવવું જોઈએ કારણ કે તેમને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હશે. (મહિલા તબીબ અને પાડોશી)

ડોક્ટરનું કહેવું છે કે, મારા પાડોશીઓએ મને ગાળો અને ધમકી પણ આપી છે. પરંતુ પોલીસે મારી મદદ કરી છે. અત્યારે હોસ્પિટલોમાં આ બિમારીના કારણે કામનું ભારણ છે. ઉલ્લેખનીય છે કે સંકટના આ સમયમાં લોકોના આ પ્રકારના વ્યવહારનો પ્રથમ મામલો નથી. આ પહેલા પણ દિલ્હી સહિત અન્ય ઘણા શહેરોમાં આ પ્રકારની વાતો સામે આવી ચૂકી છે.

સુરતના અડાજણ વિસ્તારમાં સંજીવકુમાર ઓડિટોરિયમની બાજુમાં રાજહંસ વ્યૂમાં રહેતી નવી સિવિલની મહિલા ડૉકટર સંજીવની પાનીગ્રહીને તેના પાડોશી ચેતન મહેતાએ “તમે હૉસ્પિટલમાં નોકરી કરો છો તો કોરોના તો નથી થયો ને” કહીને શનિવારે ધમકાવ્યા હતા. રવિવારે સાંજે ચેતન મહેતાના પત્ની ફ્લેટ પાસેથી પસાર થતા હતા ત્યારે મહિલા ડૉક્ટરનો પાળતું કૂતરો ભસવા લાગ્યો હતો. જે બાબતે ચેતન મહેતાના પત્નીએ બૂમાબૂમ કરીને ડૉક્ટર સાથે ઝઘડો કર્યો હતો.

બે મહિલાઓ વચ્ચે મગજમારી દરમિયાન ચેતન મહેતા ત્યાં આવી ગયો હતો અને તેણે પણ મહિલા ડૉક્ટર સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન મહિલા ડૉક્ટરે આ અંગેનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો. જે બાદમાં મહિલા ડૉક્ટરે ધારાસભ્ય હર્ષ સંઘવીને જાણ કરી હતી. જે બાદમાં અડાજણ પોલીસ મહિલાના ઘરે દોડી આવી હતી. અડાજણ પોલીસે ડૉકટરની ફરિયાદ લઈ ચેતન મહેતાની સામે અટકાયતી પગલા લીધા હતા. જોકે, આ જ પ્રમાણે શહેરમાં એક શિક્ષક અને નર્સને પણ પરેશાન કરવામાં આવી હોવાની ફરિયાદ સુરત પોલીસને મળી ચુકી છે. આ તમામ કેસમાં પોલીસે કે દાખલ કરીને કાર્યવાહી કરી છે.

વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ ઘટનાઓને લઈને નિવેદનો આપ્યા છે. કેજરીવાલે આ પ્રકારનો વ્યવહાર કરનારા લોકોને ચેતવ્યા પણ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સોમવારના રોજ કોરોના વાયરસના 18 જેટલા નવા કેસો સામે આવ્યા જેનાથી રાજ્યમાં આ વાયરસથી સંક્રમિત કુલ લોકોની સંખ્યા 146 થઈ ગઈ છે. આ પૈકી 10 લોકો ગત મહિને રાજધાની દિલ્હીના નિઝામુદ્દીન તબલીગી જમાત દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા.

બ્રિટનમાં ભારતીય મૂળના સર્જન જિતેન્દ્ર રાઠોડનું કોરોનાને કારણે નિધન

લંડનઃ બ્રિટનમાં ભારતીય મૂળના અને ખૂબ જ સમર્પિત તરીકે જાણીતા સર્જન ડો. જિતેન્દ્ર રાઠોડનું ખતરનાક કોરોના વાઈરસ બીમારીને કારણે અવસાન થયું છે.

મેટ્રો અખબારના અહેવાલ મુજબ, ડો. જિતેન્દ્ર રાઠોડ કાર્ડિફમાં યુનિવર્સિટી હોસ્પિટલ ઓફ વેલ્સમાં કાર્ડિયો-થોરેસિક સર્જરીના એસોસિએટ સ્પેશિયાલિસ્ટ હતા.

સોમવારે વહેલી સવારે એમનું આ જ હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં અવસાન થયું હતું.

ડો. રાઠોડના નિધનના સમાચાર કાર્ડિફ એન્ડ વેલ યુનિવર્સિટી હેલ્થના બોર્ડે રિલીઝ કર્યા હતા.

બોર્ડે કહ્યું કે ડો. જિતેન્દ્ર રાઠોડનું નિધન થયાના સમાચાર આપતાં અમે ઘેરા દુઃખની લાગણી અનુભવીએ છીએ. ડો. રાઠોડ 1990ના મધ્યભાગથી કાર્ડિયો-થોરેસિક સર્જરી વિભાગમાં કામ કરતા હતા. થોડોક સમય સુધી વિદેશમાં રહ્યા બાદ 2006માં તેઓ ફરીથી આ હોસ્પિટલમાં જોડાયા હતા.

બોર્ડે વધુમાં કહ્યું છે કે ‘જિતુ’ તરીકે જાણીતા ડો. રાઠોડ ખૂબ જ નિષ્ઠાવંત સર્જન હતા, જેઓ એમના દર્દીઓની અત્યંત સંભાળ લેતા હતા. દર્દીઓમાં તેઓ ખૂબ જ આદરણીય હતા.

રાઠોડના પરિવારમાં એમના પત્ની અને બે પુત્ર છે.

બ્રિટનમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે અને અત્યાર સુધીમાં 5,373 જણનો ભોગ લીધો છે. આ ચેપના 51,600થી વધારે કેસ નોંધાયા છે.

એન્ટિ-બોડી ટેસ્ટ મામલે ચીનાઓ બ્રિટનને છેતરી ગયા?

લંડનઃ કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે આયર્લેન્ડ પછી હવે બ્રિટનને પણ ચીને ચૂનો લગાડ્યો છે. બ્રિટન સરકારના નવા ટેસ્ટિંગ વડાએ સ્વીકાર કર્યો છે કે ચીનની પાસે ખરીદવામાં આવેલા 35 લાખ એન્ટિ-બોડી ટેસ્ટ ખરાબ નીકળ્યા છે. આ એન્ટિ-બોડી ટેસ્ટનો વ્યાપક સ્તરે ઉપયોગ નથી કરી શકાતો. ચીનથી મળેલી આ છેતરપિંડી પછી આ રોગચાળાને કાબૂમાં લેવાની બ્રિટનની મુશ્કેલીમાં ખાસ્સો વધારો થયો છે.

બ્રિટનના ટેસ્ટિંગના વડા બનાવવામાં આવેલા પ્રોફેસર જોન ન્યુટને કહ્યું હતું કે આ ચીની ટેસ્ટ માત્ર એ લોકોના રોગને જ પકડી રહ્યો છે, જેને ગંભીરરૂપે  બીમાર છે. તેમણે કહ્યું હતું કે એન્ટિ-બોડી ટેસ્ટ પ્રારંભિક ટેસ્ટ પણ નથી કરી શકતો અને એને લીધે વ્યાપક રૂપે આનાથી તપાસ ના કરી શકાય.

અવિશ્વસનીય ટેસ્ટથી બહુ ગંભીર પરિણામ

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સનના પ્રવક્તાએ ચેતવણી આપી હતી કે અવિશ્વસનીય ટેસ્ટથી બહુ ગંભીર પરિણામો ભોગવવાં પડે એમ છે. આ એન્ટિ-બોડી ટેસ્ટથી તપાસવામાં આવે તો આ કોરોના કેટલા લોકોને ભરખી જાય એ પણ કહેવું મુશ્કેલ છે અને એ બેકાબૂ બની જાય એમ છે.

ચીનના આ નિમ્ન સ્તરના એન્ટિ-બોડી ટેસ્ટથી બ્રિટનને ઘણો મોટો આંચકો લાગ્યો છે. આ પહેલાં કોરોના વાઇરસથી જંગ લડી રહેલા પાકિસ્તાનને  પણ તેના મિત્ર ચીને છળ કર્યું હતું.  પાકિસ્તાનને N-95 માસ્કની જગ્યાએ અંડરવેરથી બનાવેલા માસ્ક પહોંચાડ્યા હતા. યુરોપના કેટલાય દેશોએ આ પહેલાં ચીને મોકલેલા માસ્ક અને કિટની ગુણવત્તા ખરાબ હોવાનો દાવો કર્યો હતો. સ્પેન અને નેંધરલેન્ડસે તો મેડિકલ સપ્લાય પરત મોકલવાનો નિર્ણય કર્ય છે.

ટ્રમ્પની ધમકી સામે ભારતે આપ્યો આ જવાબ!

નવી દિલ્હી: અમેરિકામાં દસ હજારથી વધુ લોકોના મોતની સાથે કોરોના વાઈરસથી સંક્રમણના મામલાઓની સંખ્યા વધીને 3 લાખને પાર પહોંચી ગઈ છે. આ સ્થિતિમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને પાસે કરેલી દવાની માંગ પર ભાર મૂક્યો છે.

વ્હાઈટ હાઉસમાં સંવાદદાતાઓ સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે ભારતે અમેરિકા સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો છે અને હું સમજૂ છું કે ભારત અમેરિકા માટે દવાના ઓર્ડર પરથી પ્રતિબંધ ન હટાવે આ વાતનું કોઈ કારણ નથી. હું જાણું છું કે તેમણે આ દવાને અન્ય દેશોમાં નિકાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. મેં કાલે તેમની સાથે વાત કરી હતી. અમારી વાતચીત ખૂબ સારી રહી. ભારતે અમેરિકા સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો છે.

ટ્રમ્પે કહ્યું કે, પીએમ મોદી સાથે હાલમાં ફોન પર થયેલી વાતચીતમાં કહ્યું હતું કે તે આ દવાને અમેરિકાને આપવા પર વિચાર કરશે. ટ્રમ્પે કહ્યું, મને આ વાત પર આશ્ચર્ય નહીં થાય કે આ નિર્ણય તેમણે મને જણાવવો પડશે જે અમે રવિવારે સવારે વાતચીત કરી હતી. મેં તેમને કહ્યું હતું કે અમે તમારા દવા આપવાના નિર્ણયની પ્રશંસા કરીશું. જો તે અમેરિકાને આ દવા આપવા માટે અનુમતિ નહીં આપે તો ઠીક છે પરંતુ નિશ્ચિત રૂપે જવાબી કાર્યવાહી થઈ શકે છે અને આવું શા માટે ન થવું જોઈએ?

ટ્રમ્પે કહ્યું, ભારત અને અમેરિકા વચ્ચે સારા વેપારી સંબંધો છે અને સંકેત આપ્યો છે કે જો ભારતે દવાના નિકાસ પરથી પ્રતિબંધ ન હટાવ્યો તો અમે જવાબી કાર્યવાહી કરી શકીએ છીએ. આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સાથે વાત કરીને કોરોના સામે લડવા માટે સહયોગની માગણી કરી હતી. મલેરિયા જેવી ખતરનાક બીમારીથી લડવામાં હાઈડ્રોક્સીક્લોરોક્વાઈન ખૂબ જ મદદરૂપ દવા છે.

ટ્રમ્પના નિવેદન પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવએ નિવેદન આપતા કહ્યું કે, “અમારી પ્રાથમિકતા દેશમાં આવશ્યક દવાઓનો સ્ટોક રાખવાની છે જેથી આપણા લોકોની જરૂરિયાતો પૂરી થઈ શકે.” આને લીધે, ઘણી દવાઓ પર થોડા સમય માટે નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ સતત નવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે 14 દવાઓમાંથી નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પેરાસીટામોલ અને હાઇડ્રોક્સીક્લોરોક્વિન વિશે સતત પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી છે, જ્યારે એકવાર ભારતમાં પૂરતો સ્ટોક થશે, ત્યારે તેના આધારે કંપનીઓ દ્વારા નિર્ણય લેવાઈ શકે છે.

ફિલ્મી કલાકારો અભિનીત ‘મુસ્કુરાયેગા ઈન્ડિયા’ વિડિયો-ગીતને મોદીએ વખાણ્યું

નવી દિલ્હીઃ સુપરસ્ટાર અક્ષય કુમાર સહિત બોલીવૂડના અમુક કલાકારોએ જીવલેણ એવા કોરોના વાઈરસના જાગતિક રોગચાળા સામે ભારત દેશે પણ આદરેલા જંગના સંદર્ભમાં બનાવેલું એક વિડિયો-ગીત ઈન્ટરનેટ પર વાયરલ થયું છે. આ ગીતનું શીર્ષક છે ‘મુસ્કુરાયેગા ઈન્ડિયા.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ ગીત બહુ પસંદ પડ્યું છે. એમણે તેને પોતાના ટ્વિટર હેન્ડલ પર ગીતને શેર કર્યું છે અને હિન્દીમાં લખ્યું છે કે, ”ફિર મુસ્કુરાયેગા ઈન્ડિયા… ફિર જીત જાયેગા ઈન્ડિયા.’ એમણે અંગ્રેજીમાં લખ્યું છે કે, ઈન્ડિયા વિલ ફાઈટ, ઈન્ડિયા વિલ વિન (ભારત લડશે, ભારત જીતશે). આપણા ફિલ્મજગત દ્વારા આ સરસ પહેલ છે.’

અક્ષય કુમાર ઉપરાંત આ ગીતમાં વિકી કૌશલ, ભૂમિ પેડણેકર, ટાઈગર શ્રોફ, કાર્તિક આર્યન, કૃતિ સેનન, આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ, સિદ્ધાર્થ મલ્હોત્રા, જેકી ભગનાની, કિયારા અડવાની, તાપસી પન્નુ, રકુલ પ્રીત સિંહ, અનન્યા પાંડે, આર.જે. મલિષ્કા અને ક્રિકેટર શિખર ધવને પણ ભાગ લીધો છે.

આ ગીતના નિર્માતા અને એરેન્જર વિશાલ મિશ્રા છે. ગાયક પણ એ પોતે જ છે અને સંગીત પણ એમણે જ પીરસ્યું છે. ગીતનાં શબ્દો કૌશલ કિશોરે લખ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારે કોરોના વાઈરસને વધારે ફેલાતો રોકવા માટે ગઈ 25 માર્ચથી 21-દિવસ માટે દેશવ્યાપી લોકડાઉન ઘોષિત કરી દીધું છે. આને કારણે આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય પૂરી પાડવા સિવાય તમામ પ્રકારની ધંધાકીય પ્રવૃત્તિઓ બંધ છે, દેશભરમાં ટ્રેન સેવા અને વિમાન સેવા પણ બંધ છે. ધાર્મિક સ્થળો ખાતે કે અન્ય કોઈ પણ સ્થળે લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ મૂકાયો છે. લોકોને પોતપોતાના ઘરમાં જ રહેવાની અને બહાર રસ્તા પર ન નીકળવાની તાકીદ કરવામાં આવી છે. રસ્તાઓ પર પોલીસોનો કડક જાપ્તો ગોઠવવામાં આવ્યો છે. આ કડક લોકોડાઉનની સ્થિતિને કારણે ગરીબ મજૂરો, કામદારો, બેઘર લોકોની હાલત બહુ કફોડી થઈ ગઈ છે.

લોકોનો જુસ્સો વધારવા માટે ફિલ્મી હસ્તીઓએ આ ગીત બનાવ્યું છે.

કોરોનાએ બતાવ્યા ધોળા દિવસે તારા..

આફત, પછી એ કુદરતી હોય કે માનવસર્જિત, માનવજાતને હંમેશા પાઠ ભણાવતી જાય છે. યુધ્ધ એને શાંતિની કિંમત સમજાવે છે અને કુદરતી હોનારત એને પ્રકૃતિનો મહિમા યાદ અપાવે છે. એ તો માનવજાત છે જ અળવીતરી એટલે કાંઇ શીખવા માગતી નથી, અન્યથા કોરોના નામની આ આફતે પણ જગત આખાને એક મહત્વનો પાઠ ભણાવ્યો છેઃ પ્રદૂષણનો પાઠ.

પ્રતિષ્ઠિત સાયન્સ વેબસાઇટ સાયન્સએલર્ટ.કોમના એક અહેવાલમાં લેખક જેકિન્તા બાઉલર લખે છે એમ, કોરોનાના આ સંકટના કારણે હજારો માનવ જિંદગી અને અર્થતંત્રનું નુકસાન થયું છે એનો ઇન્કાર ન થઇ શકે, પણ આ કાળા ડીબાંગ વાદળોની રૂપેરી કોર જેવી વાત એ છે કે ત્રીજા ભાગની દુનિયા લોકડાઉન હેઠળ આવવાથી એશિયા, યુરોપ અને અમેરિકા સહિતના દેશોમાં હવાનું પ્રદૂષણ અત્યંત ઘટી ગયું છે. આર્થિક-ઔદ્યોગિક પ્રવૃત્તિ અને વાહનોના પૈડાં થભી જવાના લીધે રોજબરોજ હવામાં ફેંકાતા કાર્બન ડાયોક્સાઇડ નામના ઝેરનું પ્રમાણ ઘટયું છે અને હવા શ્વાસ લેવા જેવી બની છે.

આજકાલ તમારું ધ્યાન પંજાબના જલંધરથી આવેલા એક સમાચાર તરફ ગયું જ હશે. હિમાલયની ગોદમાં ફક્ત 200 કિલોમીટરના અંતરે રમતું હોવા છતાં અહીંના રહેવાસીઓ છેલ્લા ત્રીસેક વર્ષથી હિમાલયની ધોળાધર રેન્જ જોઇ શકતા નહોતા, પણ લોકડાઉનના કારણે હવા ચોખ્ખી થતાં આજે લોકો પોતાના ઘરની અગાશીએથી બરફીલી પહાડીને નરી આંખે જોઇ શકે છે. આઇએફએસ અધિકારી સુશાંત નંદાએ એક ટ્વિટર યુઝરની આ મતલબની ટ્વિટ અને ફોટોગ્રાફ્સ શેર કર્યા પછી બધાનું ધ્યાન અચાનક આ તરફ ગયું છે. વિચાર કરો, એક આખી પેઢી નીકળી ગઇ ત્યાં સુધી કોઇ આ પર્વતમાળાને જોઇ શકતું નહોતું અને આજે લોકો સ્પષ્ટ દેખાતી આ પહાડીના ફોટોગ્રાફ્સ શેર કરી રહયા છે.

વાત ફક્ત આટલી જ નથી. નવી દિલ્હીસ્થિત એર-પોલ્યુશન નિષ્ણાત પાર્થા બાસુ ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં કહે છે એમ, ગયા વર્ષના માર્ચ મહિનામાં દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400 ને વટાવી ગયેલો, એ જ ઇન્ડેક્સ આ વર્ષે માર્ચના અંતમાં 280 જેટલો હતો અને એપ્રિલની શરૂઆતમાં તો ગયા વર્ષના 250 ના આંકની સરખામણીએ એ 100 ની પણ અંદર જોવા મળ્યો છે. દિલ્હી તો ફક્ત એક ઉદાહરણ છે, અમદાવાદ અને મુંબઇ સહિત દેશના બધા જ મોટા શહેરોમાં હવાનું પ્રદૂષણ ઘટયું છે. મોટાભાગના શહેરોમાં આ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં છે. અર્થાત, તમે મોકળા મને શ્વાસ લઇ શકો એટલી શુધ્ધ બની ચૂકી છે હવા.

ગાંધીનગરસ્થિત ગુજરાત ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટના ડો. અભિયન્ત તિવારી પણ યોગ્ય રીતે જ ધ્યાન દોરે છે કે, ફક્ત હવા જ નહીં, શહેરોમાંથી નીકળતી નદીઓના પાણીનું સ્તર ય સુધર્યું છે. ઔદ્યોગિક પ્રવૃત્તિ ઠપ્પ થવાથી કારખાનાઓમાંથી નીકળતો અને નદીઓમાં ઠલવાતો કચરો ય બંધ થયો છે એટલે પાણી ચોખ્ખું થયું જ હોય. દિલ્હીમાં યમુના નદીનાં નીર નિર્મળ થયા એની જે તસવીરો સામે આવી છે એ આ વાતની ગવાહી છે. મુંબઇના દરિયામાં અચાનક માછલીઓ દેખાવા માંડી છે અને સાબરમતીનું પાણી પીવાલાયક બન્યું છે. લોકો ય હરખઘેલાં થયા છે એટલે સોશિયલ મિડીયામાં ગામેગામની આવી તસવીરો ફરતી થઇ છે.

બીજી એક વાત તરફ બધાનું ધ્યાન હજુ નથી થયું એ વાત એ છે કે ધરતી પરનો જે ધણધણાટ અટકી ગયો છે એના લીધે ઇંગ્લેન્ડની ઇમ્પિરિયલ કોલેજના અર્થ સાયન્સ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી સ્ટીફન હિક્સ કહે છે એમ ધરતીના પેટાળમાં ચાલતી ગતિવિધીઓને વધારે સ્પષ્ટ રીતે નિરિક્ષણ કરવાનું શક્ય બન્યું છે. એક ટ્રક રસ્તા પર જતો હોય, એક કારખાનું ધમધમતું હોય કે એક ટ્રેન દોડતી હોય તો એ બંધ થવાથી ફરક ન પડે, પણ દુનિયાભરમાં બધા જ વાહનો, ટ્રેનો અને કારખાનાંઓ બંધ પડવાથી પૃથ્વીના પેટાળને જાણે હાશકારો થયો છે. ધરતીને તમે માતા ગણો છો, પણ એ માતા આપણો રોજ કેટલો બોજ સહન કરતી હશે એનો ખ્યાલ આના પરથી આવે છે. સતત હાંફતી-ફાંફતી એ માતાને ય કુદરતે જાણે થોડોક શ્વાસ લેવાની ફૂરસદ આપી છે.

એક દ્રષ્ટિએ તો, હવા અને પાણીના પ્રદૂષણથી બચવાના ફાંફાં મારતી માનવજાતને ય હાશકારો થાય એવી ઘટના છે આ. થોડીક વાત વિચિત્ર અને કડવી લાગશે, પણ સાચી ય છે. સ્ટેનફર્ડ યુનિવર્સિટીના વિજ્ઞાની માર્શલ બર્કેએ આ સમયગાળામાં કરેલા સંશોધન પ્રમાણે, લોકડાઉન દરમ્યાન હવાના પ્રદૂષણથી થતા મૃત્યુમાં જે ઘટાડો થયો છે એની સામે કોરોનાથી થયેલા મૃત્યુનો આંક ઓછો છે! 8 માર્ચ સુધીમાં ફક્ત ચીનમાં જ હવાનું પ્રદૂષણ ઘટવાના કારણે 4000 બાળકો અને 73000 થી વધુ વૃધ્ધોની જિંદગી બચી ગઇ છે. અર્થાત, પ્રદૂષણથી થતા સંભવિત મૃત્યુદરમાં લોકડાઉનના કારણે ઘટાડો થયો છે.

આમ છતાં, કાયમ માટે તો કાંઇ આખી દુનિયાને લોકડાઉન ન જ કરી દેવાય ને?

યસ, દિલ્હીસ્થિત સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટના સુનીતા નારાયણ ચિત્રલેખા. કોમ સાથેની વાતચીતમાં કહે છે એમ, લોકડાઉનથી સ્થિતિ સુધરી હોવા છતાં એ પ્રદૂષણની સમસ્યાનો ઉકેલ ન જ હોઇ શકે. લોકડાઉને ફરીથી પ્રદૂષણની સમસ્યાના કારણો સ્પષ્ટ કરી દીધા છે, ઉકેલ આપણે નક્કી કરવાનો છે.

પાર્થા બાસુ પણ એ જ વાત દોહરાવે છે. આપણે આર્થિક પ્રવૃત્તિ કે આર્થિક વિકાસના ભોગે પ્રદૂષણ ઘટાડી ન શકીએ, પણ લોકડાઉને એક વાત તો સાબિત કરી છે કે અમુક આર્થિક પ્રવૃત્તિનું સ્વરૂપ બદલીને કે અમુક ટેવો બદલીને આપણે જીવી તો શકીએ જ છીએ. ફરજિયાત જીવવું પડ્યું તો જીવ્યા કે નહીં? આર્થિક વિકાસ ન અટકે એ રીતે પ્રદૂષણ એટકાવી શકે એવી જીવનશૈલી વિકસાવવી પડશે અને સરકારે એ પ્રકારની નીતિઓ બનાવવી પડશે.

લોકો ઘરેથી કામ કરતા થયા એટલે મોબીલિટી ઓછી થઇ તો રસ્તા પર વાહનો ઘટયાં. બધા જ લોકો ઘરેથી કામ ન કરી શકે, પણ તબક્કાવાર નીતિઓ ઘડીને જો વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પ્રોત્સાહન અપાય તો કમસેકમ મોબીલિટીમાં એટલો તો ઘટાડો થશે. બીનજરૂરી માસ-મોબીલિટીને કાબૂમાં રાખવા કડક કાયદા કરવા ય પડે તો પડે. શહેરી વિસ્તારમાં સ્લમમાં રહેતા લોકોને સાર્વજનિક ગેસ આપી શકાય. નદીઓમાં છોડાતા ઔદ્યોગિક કચરાને બંધ કરશો તો જ ચોખ્ખું પાણી પીવા પામશો એ વાતની ય ખબર પડી ગઇ. પબ્લિક ટ્રાન્સપોર્ટને જો અસરકારક બનાવવામાં આવે તો ટ્રાફિકનું ભારણ ઘટે અને હવામાં ઓકાતો ધૂમાડો ય ઘટે. માથાદીઠ વાહનનું ભારણ ઘટાડવા રેશનિંગ કરવું પડે તો કરો, પણ કરો.

નવી દિલ્દીમાં કેજરીવાલ સરકારે ઓડ-ઇવન યોજના અમલમાં મૂકી એની બધાએ બહુ મજાક ઉડાવી હતી. યોજનાના અમલમાં ખામી રહે કે એનાથી હવાના પ્રદૂષણ પર સંપૂર્ણ કાબૂ ન મેળવી શકાય એ બીજા મુદ્દા છે, પણ રસ્તા પર વાહનોની સંખ્યા ઘટે તો પ્રદૂષણ પણ ઘટે એ તો દીવા જેવું સ્પષ્ટ છે તો પછી કોઇપણ પક્ષની, કોઇપણ સરકારને આ યોજનામાં રહેલી ખામીઓ સુધારીને, લોકો માટે અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધા વિકસાવવામાં શું પેટમાં દુઃખે છે?

ઇતિહાસ ગવાહ છે કે, માનવજાત જ્યાં સુધી ફરજ ન પાડવામાં આવે ત્યાં સુધી સુધરતી નથી, પણ હવે તો કોરોનાએ આ ફરજ પાડી છે તો પછી સુધરવામાં શું વાંધો છે? પણ નહીં, સુધરવાની આપણને આદત જ નથી. જલંધરથી હિમાલયની પર્વતમાળા દેખાઇ એટલે બધા હરખપદૂડાં થઇને ફોટો શેર કરવા લાગી ગયા, પણ 5 એપ્રિલે સાંજે દીવાની સાથે ફટાકડા ફોડીને હવાના પ્રદૂષણની ઐસી કી તૈસી ય કરી નાખી! એ દિવસે રાત્રે 9 વાગ્યા પહેલાં દિલ્હીની હવામાં PM2.0 નું પ્રમાણ 48.6 હતું એ એક જ કલાકમાં વધીને 10 વાગ્યે 96.9 થઇ ગયું!

કહેવાનો મતલબ એ નથી કે પ્રદૂષણ ઘટાડવા દુનિયાને કાયમ લોકડાઉન કરી નાખો. ના, આર્થિક પ્રવૃત્તિ બંધ કરવાનું તો શક્ય જ નથી, પણ લોકડાઉનથી એ ય સ્પષ્ટ થયું છે કે પ્રદૂષણ ઘટાડી ય શકાય છે. લોકડાઉનમાં કાયદાઓનું સરકાર કડક પાલન કરાવી શકે છે, કેમ કે વાત જીવ પર આવી ગઇ છે. તો પછી પ્રદૂષણમાં ય વાત તો જીવ બચાવવાની જ છે ને?

બાકી એ વાત સાચી કે, કોરોનાએ બન્ને રીતે માનવજાતને ધોળે દિવસે તારા બતાવી દીધા છે. એક તરફ માનવજાત એની સામે રીતસર લાચાર પૂરવાર થઇ રહી છે તો બીજી તરફ લોકડાઉનના કારણે હવાનું પ્રદૂષણ ઘટતાં ખરેખર અવકાશમાં તારાઓ સ્પષ્ટ દેખાઇ રહયા છે!

(કેતન ત્રિવેદી)  

 

ચીને ભારતને 1.7 લાખ PPE કિટ મોકલી

નવી દિલ્હીઃ કોરોના વાઇરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં પણ કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આ રોગના દર્દીઓની સેવામાં લાગેલા આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. કોરોના વાઇરસના હેલ્થકેર કર્મચારીઓના ઉપયોગમાં આવતી સ્વ સુરક્ષા ઉપકરણો (PPE)ની 1.7 લાખ કિટ ચીનથી ભારતને મળી ગઈ છે. ચીને ભારતને કોરોના સંકટ સામે સહાયતાના રૂપમાં આ કિટ આપી છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં PPEની હાલ સંખ્યા 3,87,473 થઈ

દેશમાં ઉત્પાદિત 20,000 PPEની સાથે હવે હોસ્પિટલોમાં 1.90 લાખ PPEનો પુરવઠો પહોંચાડાશે. દેશમાં PPEની હાલની ઉપલબ્ધતા 3,87,473 થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી 2.94 લાખ PPEની હોસ્પિટલોને આપવામાં આવી છે. આ સિવાય દેશમાં બનેલા બે લાખ N95 માસ્કને પણ હોસ્પિટલોને પહોંચાડવામાં આવી છે. આ ઉફરાંત અન્ય સ્રોતોથી મળેલા આ શ્રેણીના 20 લાખ માસ્ક પણ હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા છે.

દેશમાં કોરોના વાઇરસના અત્યાર સુધીના કેસ

દેશમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 4,281 થઈ ગઈ છે. આ વાઇરસને કારણે 111 લોકોનાં મોત થયાં છે. આ સિવાય સારવાર પછી 319 લોકો આ રોગમાંથી મુક્ત થયા છે. સૌથી વધુ કેસ 748 કેસો મહારાષ્ટ્રમાં છે.

વિશ્વભરમાં કોરોનાના 70,000થી વધુનાં મોત

વિશ્વભરમાં કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી 70,000થી વધુ લોકોનાં મોત થયાં છે. વિશ્ભરમાં અત્યાર સુધી 12,85,261 કેસ સામે આવ્યા છે. જોકે સારવાર પછી 2,71,847 લોકો રિકવર થયા છે. કોવિડ-19થી સૌથી વધુ 15,877 લોકોનાં મોત ઇટાલીમાં થયાં છે, જ્યારે સ્પેનમાં 13,055, અમેરિકામાં 9,648 અને ફ્રાંસમાં 8,078 લોકોનાં મોત કોરોના સંક્રમણને કારણે થયાં છે.

કઇ રીતે કોરોના પર કાબૂ મેળવ્યો ભિલવારાએ?

ભિલવારાઃરાજસ્થાનનું ભિલવારા કોરોના વાઇરસનું એક હોટ સ્પોટ તરીકે ઊભર્યું હતું, પણ હવે છેલ્લા ચાર દિવસથી શહેરમાં એક પણ નવો કોરાનો પોઝિટિવ કેસ નોધાયો નથી. આના માટે રાજ્યના એડમિનિસ્ટ્રેશનનો આભાર માનવો પડે કે જેણે લોકકડાઉનનો ચુસ્ત અમલ કરાવ્યો. રાજ્ય સરકારે કોરોના સામે જંગ લડતાં વ્યૂહાત્મક નીતિ ઘડી કાઢી હતી. આ ઉપરાંત આરોગ્ય કાર્યકરોના કામના કલાકોમાં જરૂર વધારો થયો, તેમણે યુદ્ધના ધોરણે કોરોનાના વધુ ને વધુ ટેસ્ટ કર્યા અને ચેપગ્રસ્ત લોકોને ઓળખી કાઢીને અલગ કર્યા. આમ તેમની મહેનત રંગ લાવી. 

હજી સપ્તાહ પહેલાં રાજ્યના 18માંથી 12 કેસ ભિલવારાના

હજી એક સપ્તાહ પહેલાં કોરોનાના 18 કેસમાંથી 12 કેસ ભિલવારા જિલ્લાના હતા, રાજ્યમાં કોરોના કેસ વધીને 27 કેસ નોંધાયા હતા, પણ છ્લા પાંચ દિવસમાં કોરોનાનો એક પણ નવો કેસ નથી નોંધાયો. આ ઉપરાંત ભિલવારાના જે કેસ નોંધાયા હતા, એમાંથી 17 જણ આ ચેપગ્રસ્ત રોગમાંથી મુક્ત થયા છે. જોકે બે વ્યક્તિઓનાં કોરાનાને કારણે મોત થયાં છે.

 

રાષ્ટ્રીય સ્તરે કોરોના ઓછા કેસ

રાષ્ટ્રીય સ્તરે કોવિડ-19નાં પરીક્ષણ રાજસ્થાનમાં ઓછાં થયાં છે, પણ રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે પાંચ કરોડ લોકોના સ્ક્રીનિંગ થયાં છે અને 1.17 કરોડ ઘરોના આ રોગ માટે પરીક્ષણ કરવામાં આવ્યાં છે.

રાજ્યમાં 34 જગ્યાએ કરફ્યુ

રાજ્યમાં હાલ 34 જગ્યાએ કરફ્યુ છે. જો કોઈ વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવે તો એની આસપાસનો બે કિલોમીચર વિસ્તારને સીલ કરી દેવામાં આવે છે અને સંપૂર્ણ વિસ્તારના લોકોની તપાસ કરવામાં આવે છે, એમ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું હતું. આ ઉપરાંત રાજસ્થાનના કોરોના પોઝિટિવના કુલ કેસોમાંથી આશરે 30-32 લોકો જે ઇરાનથી આવ્યા છે, તેમને જેસલમેર અને જોધપુરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે ગેહલોતે મુસાફરી અથવા કોઈ કોવિડ -19 દર્દી સાથે સંપર્ક કરવાનો ઇતિહાસ ન હોવાના કેસો પર ચિંતા વ્યક્ત કરી હતી.

રાજ્ય સરકારના જણાવ્યાનુસાર હેલ્થકેર કામદારો, હોમગાર્ડઝ, પોલીસ કર્મચારીઓ, સરકારી અધિકારીઓ અને કોવિડ -19 દર્દીઓની તપાસ સાથે સંબંધિત દરેક વ્યક્તિ હજી પણ કોઈ એક પણ રજા વગર કામ કરી રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે પણ ભિલવાડા શહેરની પ્રશંસા કરી

કોરોના સામેના જંગમાં દેશમાં સારાં પરિણામો લાવવા માટે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પણ ભિલવાડા શહેરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કોરોનાના એપિ સેન્ટર જેવી સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પ્રશંસા કરી હતી. તેમણે ભિલવાડાને રોડ મોડલ બતાવ્યું હતું.  ભિલવાડાની પ્રશંસા કેન્દ્રીય કેબિનેટ સચિવ ગૌબા પણ કરી ચૂક્યા છે. તેમણે વિક વિડિયો કોન્ફન્સિંગ કરીને ભિલવાડાના કલેક્ટર રાજેન્દ્ર ભટ્ટની ખૂબ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે સૌએ ભિલવાડાઅ શીખવું જોઈએ.

ભિલવાડાએ કોરોના પર કાબૂ મેળવ્યો…

  • કોરોના દર્દી મળ્યા પછી તત્કાળ કરફ્યુ લગાવી દીધો.
  • જિલ્લાની સરહદ સીલ કરવા સાથે 50 ચેકપોસ્ટ બનાવી
  • રોડવેઝ બસોનું સંચાલન સંપૂર્ણ બંધ કર્યું, ખાનગી ગાડીઓ પર પણ પ્રતિબંધ મૂક્યો
  • કોરોના દર્દીવાળા વિસ્તારમાં આવ-જા પર સંપૂર્ણ પ્રતિબંધ કર્યો.
  • સ્ક્રીનિંગ માટે 2,100 ટીમ બનાવી. 25 લાખ લોકોનું સ્ક્રીનિંગ પૂરું કર્યું, જેમાં 16,382 લોકોમાં કોરોનાનાં લક્ષણો મળ્યાં, તેમને અલગ કર્યા
  • આ સર્વે પૂરો થતાં બીજી વાર સર્વે શરૂ કર્યો, જેમાં 1,215 લોકોને શરદી-ખાંસી થઈ હતી, જેમને અલગ કર્યા
  • દર્દીના સંપર્કમાં આવનારા 6,000 લોકોને ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા અને હોટલોમાં તેમના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી.
  • કરફ્યુ દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓની ડિલિવરીની વ્યવસ્થા કરવામાં આવી.