Home Blog Page 4884

કોરોના તેરે કારણ… 3 જૂની, 3 નવી, 3 અનોખી બાબતો

મય કેવો બદલાય છે તેવી ફિલસૂફી વડિલો પાસેથી સાંભળતા ત્યારે ભરોસા ના કરતા. સમય ક્ષણ ક્ષણમાં પસાર થાય છે અને ક્ષણ અત્યંત સુક્ષ્મ છે એટલે દેખાતી નથી. કોરોના વાયરસ કરતાંય સુક્ષ્મ. બહુ લાંબો પસાર થાય ત્યારે લાગે કે ઘણું બદલાઇ ગયું. ટપાલથી ફોન, ફોનથી પીસીઓ, પીસીઓથી પેજર સુધી પહોંચતા બહુ વાર લાગેલી. પેજર પછી મોબાઇલ થોડો જલદી આવ્યો અને મોબાઇલથી સ્માર્ટફોન પણ પ્રમાણમાં ઝડપથી આવ્યો. પેઢી બદલાયા પહેલાં આ પરિવર્તને જોવા મળ્યું.

કોરોના તેરે કારણ… કોરોનાને કારણે ઘણા બધા લોકોની કલાત્મક, રચનાત્મક, સર્જનાત્મક બાબતો બહુ ઝડપથી ખીલી. કળીમાંથી ફૂલ ખીલે તેનો ખ્યાલ આવતો નથી, પણ તેનો ટાઇમલેપ્સ વીડિયો જોવા મળે ત્યારે ભારે અચરજ થાય છે. એવી જ રીતે કોરોના તેરે કારણ… કોરોનાને કારણે જે કંઈ થયું તે બહુ જ અલગ, અપૂર્વ, અભૂતપૂર્વ, અનોખું નથી, પણ તોય જુદું તો છે જ. અચાનક આવી પડ્યું એટલે અનોખું લાગે છે અને પેલી કહેવત સાચી પાડે છે કે કલ્પના કરતાંય વાસ્તવિકતા વધારે ચોંકાવનારી હોય છે. આમાંની કેટલીક બાબતોને જોઈએ… ત્રણ ત્રણ જોઈએ – 3 જૂની, 3 નવી, 3 અનોખી બાબતો. યાદી તમે લંબાવી શકો છો. લંબાવો જ વળી, નવરા બેઠા છો તો…

રામાયણ અને સન્નાટો
રામાયણ સિરિયલ શરૂ થાય તે સાથે જ રસ્તા પર જનતા કરફ્યૂ લાગતો હતો. સોશ્યલ ડિસ્ટન્સિંગ સાચો શબ્દ નથી, સાચો શબ્દ ફિઝિકલ ડિસ્ટન્સિંગ છે, પણ અત્યારે આપણને સોશ્યલ શબ્દ ઉપયોગી છે એટલે રાખીએ. સામાજિક સંપર્કો ઓછા કરવા માટેની સૌને સલાહ આજે આપીએ છીએ, ત્યારે ઉલટું થતું હતું. સામાજિક સંબંધો સુધરી ગયા હતા, પડોશી સાથે નાતો નવીન અને તાજો થઈ ગયો હતો. સૌના ઘરે ટીવી નહોતા. રંગીન ટીવી તેનાથીય ઓછા હતા. એટલે જેમની પાસે રંગીન અને સારું ટીવી હોય તેમને ત્યાં રામાયણ જોવા સૌ ભેગા થતા હતા. રામાયણ શરૂ થવાની હોય તેની થોડી વાર પહેલાં હલચલ ચાલે, પણ પછી રસ્તાઓ પર ચહલપહલ થંભી જાય. આજે પણ સન્નાટો છે, ચહલપહલ થંભી ગયેલી છે અને ટીવી પર રામાયણ ચાલી રહી છે. ફરક એટલો કે સૌને ઘરે ટીવી છે. ફરક એટલો કે સૌ સાથે બેસીને જોતા નથી. ઘણા પોતાની રીતે સ્માર્ટ ફોન પર જોઈ લે છે.

સ્વચ્છ હવા
આકાશ આટલું ચોખ્ખું ક્યારેક લાગતું હતું? નિલા આસમા… એવા ગીતમાં જેવો રંગ ગવાયો હોય તેવા રંગનું સ્વચ્છ આકાશ જોવા મળી રહ્યું છે. આકાશ જોવાની ટેવ જતી રહી હતી. જોતા ત્યારે ભૂખરું લાગતું અને કંઈક ખૂટતું લાગતું. મહાનગરોના આકાશ સ્વચ્છ થઈ ગયા છે, કેમ કે ધૂમાડો ઓકતા વાહનો અટકી પડ્યા છે. ધૂમાડા ઓકતા ઉદ્યોગો અને ભઠ્ઠા અટકી પડ્યા છે.

હવામાં રજકણોનું પ્રમાણ પણ ચારગણું ઘટી ગયું છે. સેટેલાઇટના પિક્ચર્સ – પહેલા અને પછી એવી રીતે અપાયેલા ચિત્રો જોજો, ખ્યાલ આવશે કે કેટલું વાયુ પ્રદૂષણ હોય છે. સમય પસાર કરવા માટે તમે જાતે જ મહાનગરોમાં કેટલું વાયુ પ્રદૂષણ ઓછું થયું તેના આંકડાં અને તેની તસવીરો અને ગ્રાફ શોધો. તેને તમારી રીતે નવેસરથી સજાવીને મેસેજ મૂકો કે આટલી સ્વચ્છ હવા ભાવી પેઢીને આપી જવા ઇલેક્ટ્રિક વાહનો અને વૈકલ્પિક ઉર્જા તરફ વળવું પડશે. એકદમ ઝડપથી.

વતન, ગામડું, કુટુંબ, સંબંધો, પદયાત્રા
આ બધું ભૂલાઈ ગયું છે એવું સાવ નથી, પણ બહુ તીવ્રપણે તે સ્પષ્ટ થઈ ગયું. લાંબો સમયથી શહેરમાં વસી ગયા પછી વતનમાં જતા રહેવાનું મન ઓછું પણ થવા લાગ્યું હશે. આ વખતે અમીર, ગરીબ સૌને લાગ્યું કે જતા રહીએ ગામડે. સંયુક્ત કુટુંબ વચ્ચે, સગાઓના ઘર વધારે હોય ત્યાં જઈએ એવું ઘણાને લાગ્યું. રસ્તા પર ગરીબોને પદયાત્રા કરતાં જોયા. તેના કારણે ફરી એ વક્રતા પણ પ્રગટી કે આપત્તિ આવે ત્યારે ભોગ ગરીબોનો જ લેવાય છે. દુકાળ પડતો ત્યારે દુકાળિયા શહેરો તરફ નીકળી પડતા. આજેય રોજી માટે શહેરો તરફ નીકળી પડવું પડશે, પણ આ વખતે ત્યાંથી જ ભાગવું પડ્યું.

ઘરમાં જ કેદ
આ નવી વાત થઈ. આપત્તિ આવી અને સૌએ ઘરમાં કેદ થઈ જવું પડ્યું. મોટા ભાગની આપદામાં લોકોએ ઘરથી ભાગવું પડે કે ઘર જ પડી ભાંગે. પૂર આવે, વાવાઝોડું આવે, ધરતીકંપ આવે, રમખાણો અને યુદ્ધ જેવી માનવસર્જિત આપત્તિ આવે ત્યારે જ ઘર છોડીને ભાગવું પડે. આવી આપત્તિમાં ઘરવિહોણા થઈ જવું પડે અને ઘર હોય તોય છોડીને એક જગ્યાએ એકઠા થઈને છાવણીમાં રહેવું પડે. આ વખતે તદ્દન નવું જોવા મળ્યું કે આપત્તિમાં પોતાના ઘરમાં જ કેદ થઈ જઈએ એટલે સલામત થઈ જઈએ.

વાયરસનો ભેદભાવ
વાયરસ અને મહામારી મોટા ભાગે ભેદભાવ કરતી નથી એવું ભૂતકાળમાં જોવા મળ્યું છે. કોઈને પણ ચેપ લાગી શકે. ક્યાંથી લાગશે તે સ્પષ્ટ ના હોય. જેને લાગે તે મુશ્કેલીમાં આવી જાય. આ વખતે આવેલો કોરોના નોવેલ-2 વાયરસ ભેદભાવ લઈને આવ્યો. માંસાહારી કરતાં શાકાહારીને ચેપ લાગવાની શક્યતા ઓછી, યુવાન કરતાં બાળક અને વૃદ્ધોને ચેપ જોખમી બનવાની શક્યતા વધુ, સ્ત્રી કરતાં પુરુષોનો જીવ જવાની શક્યતા વધારે (વૃદ્ધોમાં પણ સ્ત્રી કરતાં પુરુષોમાં મૃત્યુ વધારે છે – એક રસપ્રદ કારણ નિષ્ણાતો એ જોઈ રહ્યા છે કે સ્ત્રીઓને આમ પણ વારંવાર હાથ ધોવાની ટેવ હોય છે કે હાથ ધોવા પડતા હોય છે), ગરીબ કરતાં અમીરને, વિદેશથી આવેલા અને ક્લબમાં ફરતા લોકોને, પાર્ટીઓ કરતાં લોકોને ચેપનું જોખમ વધારે, હવામાંથી ચેપ ઓછો લાગે, પણ કોઈની નજીક ગયા અને વારંવાર હાથ ધોયા વિના હાથને ચહેરા પર અડાડ્યો તો ચેપ લાગે તે પણ નવું.

આ નવી બાબતોની સાથે જ જોડાયેલી છે કે કેટલીક અનોખી બાબતો

આધુનિક દેશોમાં વધારે મુશ્કેલી
ઈરાન અને ઇટાલીમાં પ્રારંભમાં સ્થિતિ સરખી ગંભીર હતી, પણ સમય વીતવા સાથે ઈરાન કરતાંય ઇટાલીની સ્થિતિ કપરી થઈ ગઈ. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ચીન સાથે બાખડવામાં અને કોરોના નોવેલ-2 વાયરસને ચાઇનીઝ વાયરસ કહીને ધિક્કાર ફેલાવવાનું કામ કરતાં રહ્યા, ત્યારે તેમના દેશમાં જ વાયરસ ફરી વળ્યો. શરૂઆત ભલે ચીનમાં થઈ, પણ ચીન કરતાંય અત્યારે અમેરિકાના આંકડાં ક્યાંના ક્યાંય આગળ નીકળી ગયા છે. યુરોપમાં સ્પેન, યુકે, ફ્રાન્સમાં પણ મુશ્કેલી થઈ છે. ગીચ વસતિ હોવા છતાં ભારતમાં હજી આંકડાં કાબૂમાં છે, પણ અહીં થોડો મોડો વાયરસ આવ્યો છે તેથી આંકડાં સ્પષ્ટ થાય ત્યાં સુધી રાહ જોઈએ.

સામાજિક મોભામાં ફેરફાર
વિમાની કંપનીમાં નોકરી કરવી, પાઇલટ, એરહોસ્ટેસ હોઉં, વિદેશ આવાગમન કરનારા કન્સલ્ટન્ટ હોઉં, રોજ વિમાનમાં ફરનારા પ્રોફેશનલ અને સેલિબ્રિટી હોઉં, કમાણી કરી આપતા વિદેશી મહેમાન હોઉં, સંતાનો વિદેશમાં ભણતા હોય આવી બધી પ્રતિષ્ઠાની વાત ગણાતી. તેમના તરફ સૌ અહોભાવથી જોતા. અત્યારે સૌ કેવી રીતે તેમની સામે જુએ છે? ખોટી રીત છે, આવું ના કરાય, પણ વિપરિત કાળે વિપરિત બુદ્ધિ – આપણે ક્યારેક ગરીબો અને પછાતોને સમસ્યાનું મૂળ ગણીએ, ક્યારેય અમીરોના શોષણને જવાબદાર ગણીએ, ક્યારેય મધ્યમ વર્ગના સ્વાર્થીપણાને દોષ દઈએ. સરવાળે બધું સરખું જ છે ભાઈ…

સરવાળે બધું સરખું, સમાન, સમાંતર, સમતોલ હોવા છતાં જિંદગીના રંગ બદલાતા રહે છે તેમાં જ મજા છે. એક જ સફેદ રંગનું કિરણ સાત રંગો સમાવીને બેઠું હોય છે તે વિજ્ઞાન પ્રયોગથી સમજાવે છે, ત્યારે ચિંતનથી કવિઓ એવું કહી ગયા છે –
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે
અખિલ બ્રહ્માંડ એક તું શ્રીહરિ..
અખિલ બ્રહ્માંડમાં બધું એકસમાન હોય છે અને છતાં નિતનવીન લાગે છે, પણ કોરોના તેરે કારણ… ત્રીજું નવીન શું જોવા મળ્યું તે હવે તમે જ વિચારો.

વિરાટના ઘરમાં અનુષ્કાનું જ ચાલે છે…

નવી દિલ્હીઃ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઈન્ગ્લેન્ડની ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન કેવિન પિટરસન સાથે લાઈવ ચેટ કર્યું હતું. આ જ ચેટમાં વિરાટ કોહલી અને કેવિન પીટરસન વચ્ચે એક નાનું સોશિયલ ઈન્ટર્વ્યુ ચાલ્યું હતું. તો જ્યારે આ લાઈવ ચેટ થોડી વધારે લંબાઈ ત્યારે બોલીવુડ એક્ટ્રેસ અને વિરાટની પત્ની અનુષ્કા શર્માએ વિરાટ કોહલીને હેરાન કર્યો અને લાઈવ ચેટની વચ્ચે જ બોસની જેમ એક આદેશ આપી દીધો.

હકીકતમાં, જ્યારે વિરાટ કોહલી અને કેવિન પીટરસન વચ્ચે વાત ચાલી રહી હતી ત્યારે અનુષ્કા શર્માએ કમેન્ટ કરી હતી કે ચલો ડીનર ટાઈમ. આ જ કારણે કેવિન પીટરસને અનુષ્કા શર્માને મજેદાર રીતે ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને લખ્યું છે કે અનુષ્કા શર્મા ઘરની બોસ છે. પીટરસને ઈન્સ્ટાગ્રામ પર કમેન્ટના સ્ક્રીનશોર્ટને શેર કરતા લખ્યું કે, જ્યારે બોસ કહે કે હવે સમય પૂરો થઈ ગયો છે. અનુષ્કા અને વિરાટ અપેક્ષા છે કે આપને આ ચેટમાં મઝા આવી હશે.

બીજા વિશ્વયુદ્ધ પછી સૌ પ્રથમવાર વિમ્બલ્ડન સ્પર્ધા રદ

કોરોના વાઇરસના વધતા જોખમને જોતાં ટેનિસની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સ્પર્ધા વિમ્બલ્ડનને એક વર્ષ માટે ટાળી દેવામાં આવી છે. બીજા વિશ્વ યુદ્ધ પછી પહેલી વાર આવું થયું છે, જ્યારે વિમ્બલ્ડનને રદ કરવામાં આવી છે. હવે આનું આયોજન વર્ષ 2021માં 28 જૂનથી લઈને 11 જુલાઈની વચ્ચે કરવામાં આવી છે. વિમ્બલ્ડન ટુનાર્મેન્ટથી પહેલાં ફ્રેન્ચ ઓપનને પણ પહેલેથી આગળ ધકેલી દેવામાં આવી છે. આ વર્ષે વિમ્બલ્ડનનું આયોજન 29 જૂનથી થવાનું હતું, પણ જે રીતે વિશ્વમાં કોરોનાના પ્રકોપ વધી રહ્યો છે, એને ધ્યાનમાં રાખતાં આયોજકોએ એને એક વર્ષ માટે ટાળી દેવામાં આવી છે.

 

ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનિસ એન્ડ ક્રોકેટ ક્લબ દ્વારા કહેવામાં આવ્યું છે કે વિમ્બલ્ડન રદ થવાથી બધાને નિરાશા થશે, પણ કોરોનાના જોખમને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આયોજકો અનુસાર હાલના સમયમાં જે સ્થિતિ ઊભી થઈ છે, એને જોઈને ટુર્નામેન્ટ કરાવવી સંભવ નથી.

વિમ્બલ્ડન રદ થવા પહેલા ટોક્યો ઓલિમ્પિકને પણ એક વર્ષ માટે ટાળી દેવામાં આવી છે. આ ઉપરાંત વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પણ પાછળ ઠેલવામાં આવી છે. વિમ્બલ્ડન રદ થવાથી ચેમ્પિયન રોજર ફેડરર, સેરેના વિલિયમ્સ અને વિનસ વિલિમ્યસ અને ઇંગ્લેન્ડ ક્લબમાં છેલ્લી મેચ રમ્યા હતા.

વર્ષ 2021માં બંને દિગ્ગજ 40 વર્ષના થઈ જશે તો વિનસ વિલિયમ્સ 41 વર્ષની થશે. સેરેના વિલિયમ્સે અત્યાર સુધી કરીઅરમાં 23 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. વિશ્વભરમાં કોરોના ફેલાયો છે અને એના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 10 લાખને પાર થઈ છે.

 

મોદીએ દેશના 40 રમતવીરો સાથે વિડિયો કોન્ફરન્સિંગમાં કોરોના પરિસ્થિતિ વિશે ચર્ચા કરી

નવી દિલ્હીઃ સમગ્ર દેશ આજે કોરોના વાઈરસ મહાબીમારીએ સર્જેલા સંકટ સામે ઝઝૂમી રહ્યો છે અને તમામ નાગરિકો 21-દિવસના દેશવ્યાપી લોકડાઉન નિયમનું પાલન કરી રહ્યા છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિરાટ કોહલી, મેરી કોમ સહિત દેશના 40 ટોચના રમતવીરો સાથે વિડિયો કોન્ફરન્સ મારફત કોરોના વાઈરસ વિશે ચર્ચા કરી હતી.

કોરોના વાઈરસને કારણે દેશમાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે મોદીએ રમતવીરો સાથે ચર્ચા કરી હતી.

મોદીએ યોજેલી વિડિયો કોન્ફરન્સમાં કોહલી અને મેરી કોમ ઉપરાંત સચીન તેંડુલકર, સૌરવ ગાંગુલી, પી.ટી. ઉષા, પુલ્લેલા ગોપીચંદ, વિશ્વનાથન આનંદ, હિમા દાસ, બજરંગ પુનિયા, પી.વી. સિંધુ, રોહિત શર્મા, વિરેન્દર સેહવાગ, યુવરાજ સિંહ અને ચેતેશ્વર પૂજારાએ પણ ભાગ લીધો હતો.

વડા પ્રધાને આ ચર્ચા દરમિયાન રમતવીરોને કોરોના સામેની લડાઈ જીતવા માટે પાંચ-પોઈન્ટનો મંત્ર આપ્યો હતોઃ સંકલ્પ, સંયમ, સકારાત્મક્તા, સમ્માન અને સહયોગ.

મોદીએ કહ્યું કે તમે સૌ રમતવીરોએ દેશને ખ્યાતિ અપાવી છે અને હવે તમારે દેશનો જુસ્સો વધારવા અને સકારાત્મક્તાનો પ્રસાર કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા અદા કરવાની છે.

મોદીએ આ ખેલકૂદ હસ્તીઓ સાથે આજે સવારે 11 વાગ્યાથી પોણા બાર વાગ્યા સુધી વાતચીત કરી હતી.

પાકિસ્તાને રાજૌરીમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુંઃ છ જવાનો જખમી

જમ્મુઃ વારંવાર પછડાટ ખાધા પછી પણ પાકિસ્તાન એ વાંકી પૂંછડી છે, જે સુધરવાનું નામ નથી લેતું. એક બાજુ વિશ્વ અને દેશ કોરોના સામે જંગ લડી રહ્યું છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાની સેના સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે અને ભારતીય સેના અને નિયંત્રણ રેખાથી નજીક રહેલા વિસ્તારોને નિશાન બનાવી રહી છે.  ગયા રવિવારે ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપતાં ત્રણ સૈનિકોનાં મોત અને બે ઘાયલ થયેલા ગુસ્સે ભરાયેલા પાકિસ્તાની સૈનિકોએ ફરી એક વાર રાજૌરી  જિલ્લાના સુદરબની સેક્ટરમાં ભારે ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં છ જવાનો જખમી થવાના અહેવાલ હતા. જોકે તેમ છતાં ભારતના વીર જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.

છ જવાનો જખમી

રાજૌરી જિલ્લાના સુદરબની સેક્ટરમાં પાકિસ્ની સૈનિકોએ ભારતીય સેનાની મુખ્ય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં છ જવાન જખમી થયા હતા. જોકે આ જવાનોને તરત ત્યાંથી લઈ જઈને રાજૌરી સેનાની હોસ્પિટલમાં પહોચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ત્યાર બાદ ભારતીય જવાનોએ પણ જવાબ આપતાં ગોળીબાર કર્યો હતો. આશરે એક કલાકક આ ગોળીબાર ચાલ્યો હતો, જેમાં પાકિસ્તાની ચોકીઓને પણ ઘણું નુકસાન થયું હતું. ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ અચાનક ગોળીબાર બંધ કરી દીધો હતો.  

હીરાનગરમાં ગોળીબાર

પાકિસ્તાની રેન્જરોએ કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરના મનયારી-પાનસર ગામની વચ્ચે બુધવારે રાત્રે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને બિકા ચક ક્ષેત્રથી મોર્ટાર તથા નાનાં હથિયારોથી વડે હુમલો કર્યો હતો. જોકે ભારતી ક્ષેત્રમાં કોઈ નુકસાન નહોતું થયું. આ ગોળીબારનો BSFએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ક્ષેત્રમાં પાકિસ્તાન પાછલા સાત મહિનાથી સત ગોળીબાર કરી રહ્યું છે, જેનાથી ઘઉંના તૈયાર પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.

ઘૂસણખોરની તપાસ માટે સેનાએ કૂતરા છોડ્યા

કૂપવાડા જિલ્લામાં ખરાબ મોસમ છતાં નિયંત્રણ રેખા પર સતત ત્રીજા દિવસે સેનાએ ઘૂસણખોરોની સામે અભિયાન ચાલુ રાખ્યું છે. આ ઘૂસણખોરોને શોધવા માટે સેના કૂતરાઓની મદદ પણ લઈ રહી છે. સેનાએ એલઓસીથી ખીણની અંદરના વિસ્તારોમાં દાખલ થવાના રસ્તાઓ પર વિશેષ નાકા સ્થાપિત કર્યા છે. ઘૂસણખોરો નિયંત્રણ રેખા પર કરીને ચાર કિલોમીટર સુધી આવી ગયા હતા. છ ઘૂસણખોરો હથિયારો લઈને જમગુંડ વિસ્તારમાં ભારે ધુમ્મસ અને હિમપાતનો લાભ લઈને ભારતીય સરહમાં દાખલ થઈ ગયા હતા. આ વિસ્તાર રેશવારી અને જુરહામાની વચ્ચે છે. ગુગલડારમાં સેનાએ ઘૂસણખોરોને જોતાં આત્મસમર્પણની ચેતવણી આપી હતી. જોકે આતંકવાદીઓએ જવાનો પર ફાયરિંગ કરતાં ગુલામ કાશ્મીર બાજુ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પણ જવાનો ત્વરિત કાર્યવાહી કરીને તેમને અથડામણમાં વ્યસ્ત રાખ્યા હતા. બુધવારે સાંજે પાંચ વાગ્યે આતંકવાદીઓએ છેલ્લી ગોળીઓ ચલાવી હતી. ત્યાર બાદ તેમની તરફથી કોઈ ફાયર નથી કરવામાં આવ્યું.

આતંકવાદીઓ ઘૂસણખોરી નહીં કરી શકે

આતંકવાદીઓના બચવા માટેના બધા રસ્તા બંધ કરતા આવુરા, કુમકાડી, જુરહામા, સફાવાળી, હયહામા સહિત પૂરા વિસ્તારને ઘેરાવ કરવામાં આવ્યો છે. આ અભિયાનમાં સેનાની 41 RR અને 57 RR સિવાય 160 TA અને SOG કૂપવાડાના જવાન હિસ્સો બન્યા હતા. જ્યાં આતંકવાદી છુપાયા છે. ત્યાં મોસમ બહુ ખરાબ છે. આ વિસ્તારમાં ગાઢું જંગલ  અને એક નાળું છે. જવાનો સાવધાની સાથે આગળ વધી રહ્યા છે. આતંકવાદીઓને ટૂંકક સમયમાં જલદી પકડી લેવામાં આવશે અથવા તેમને ઠાર કરવામાં આવશે. જોકે તેઓ ખીણના અંતરિયાળ વિસ્તારોમાં નહીં આવી શકે.

 

કોરોના સામેના જંગમાં મદદ માટે આગળ આવ્યો શાહરૂખ; કરી મહત્ત્વની જાહેરાતો

Juhi Chawla Mehta and Jay Mehta

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ કોરોના વાઈરસ સામેની લડાઈમાં ઝુકાવી દીધું છે અને જાહેરાત કરી છે કે પોતે કોરોનાથી પીડિત લોકોની પોતાનાથી સંભવિત તમામ મદદ કરશે.

શાહરૂખે કહ્યું છે કે કોરોના સામેના કાર્યની વિશાળતા જોઈને મેં અને મારી ટીમે અમારી પોતાની રીતે યોગદાન કરવા માટેના પ્રકારો વિશે ચર્ચા કરી છે. અમે ઘણી પહેલ કરી રહ્યા છીએ. અમને આશા છે કે અમે નાનકડા પરિવર્તન માટે પ્રયાસ કરીશું.

શાહરૂખે કોરોના વિરુદ્ધના જંગ માટે દાન આપવાની જાહેરાત કરી છે. લોકોને જમવાનું પૂરું પાડવા, ઉપકરણો પૂરા પાડવા, વડા પ્રધાન કેર્સ ફંડ તેમજ મહારાષ્ટ્ર મુખ્ય પ્રધાન રાહત ફંડમાં પણ દાન આપવાના સંકલ્પની જાહેરાત કરી છે, પણ પોતે કેટલી રકમનું દાન કરશે એ જાહેર કર્યું નથી.

શાહરૂખે કરેલી જાહેરાતો આ મુજબ કરી છેઃ

  • પોતે, એની પત્ની ગૌરી ખાન, જુહી ચાવલા અને એમના પતિ જય મહેતાની સહ-માલિકીની આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ પીએમ કેર્સ ફંડમાં દાન કરશે.
  • ગૌરી શાહરૂખ ખાનની માલિકીની મનોરંજન કંપની (ફિલ્મ પ્રોડક્શન કંપની) રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ કંપની મહારાષ્ટ્ર સીએમ રાહત ફંડમાં દાન કરશે.
  • કોલકાતા નાઈટરાઈડર્સ અને મીર ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં હેલ્થ વર્કર્સને 5000 પીપીઈ (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ) કિટ્સ આપશે.
  • એક સાથ – ધ અર્થ ફાઉન્ડેશન સંસ્થાઓ સાથે મળીને મુંબઈમાં લગભગ 5,500 પરિવારોને એક મહિના સુધી જમવાનું પૂરું પાડશે. તે ઉપરાંત એક કિચન પણ બનાવવામાં આવશે, જ્યાં લગભગ 2000 જેટલા એવા લોકો માટે જમવાનું બનાવાશે જેમની પાસે જમવાનું પહોંચી શકતું નથી.
  • રોટી ફાઉન્ડેશન અને મીર ફાઉન્ડેશન સંસ્થાઓ સાથે મળીને રોજ 10 હજાર લોકો માટે એ મહિના સુધી ત્રણમ લાખ ભોજન કિટ્સ ઉપલબ્ધ કરાવશે.
  • વર્કિંગ પીપલ્સ ચાર્ટરઃ મીર ફાઉન્ડેશન  દિલ્હીમાં 2,500 મજૂરોને એક મહિના સુધી જરૂરી કરિયાણાની ચીજવસ્તુઓ પૂરી પાડશે.
  • મીર ફાઉન્ડેશન ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઉત્તરાખંડમાં 100 એસિડ એટેક પીડિતોને માસિક ભથ્થું આપશે.

શાહરૂખે જણાવ્યું છે કે, આ સમયમાં એ લોકો કામ કરીએ જે આપણા માટે અથાગ રીતે કામગીરી બજાવી રહ્યા છે, જેનો આપણી સાથે કોઈ સંબંધ પણ નથી, એકબીજા સાવ અજાણ્યા છીએ, પરંતુ આપણે એમને એહસાસ કરાવવાનો છે કે તેઓ એકલા નથી. ચાલો, આપણે સુનિશ્ચિત કરીએ કે આપણે સહુ યોગદાન દઈએ અને એકબીજાની સંભાળ રાખીએ. ભારત અને તમામ ભારતીયો એક પરિવાર છે.

ઉલ્લેખનીય છે કે અન્ય બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે વડા પ્રધાન કેર્સ ફંડમાં 25 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

લ્યો બોલો! દંપતિએ બાળકોનાં નામ કોરોના-કોવિડ રાખ્યાં

રાયપુરઃ કોરોના વાયરસના સંકટ સામે આખી દુનિયા લડી રહી છે, કોરોના વાયરસનું નામ સાંભળતા જ લોકોમાં ડર પેદા થઈ જાય છે. તો છત્તિસગઢના એક કપલે લોકડાઉન વચ્ચે જન્મેલા પોતાના જુડવા બાળકોનું નામ “કોરોના” અને “કોવિડ” રાખ્યું છે.

27 માર્ચના રોજ આંબેડકર હોસ્પિટલમાં એક મહિલાએ ટ્વીન્સ બેબીને જન્મ આપ્યો. આમાંથી એક બેબી બોય છે અને એક બેબી ગર્લ છે. લોકોના મનમાંથી કોરોનાના ડરને ઓછો કરવા માટે આ દંપતિએ પોતાના બંન્ને બાળકોનું નામ કોરોના અને કોવિડ રાખી દીધું. તેમણે કહ્યું કે, આ નામ તેમને લોકડાઉન દરમિયાન પડેલી તકલીફોની અને સંકટની યાદ અપાવશે.

જો કે પરિવારે કહ્યું કે, બાદમાં અમે બાળકોનું નામ બદલી પણ શકીએ છીએ. નવજાત બાળકોની 27 વર્ષિય માતા પ્રીતિએ કહ્યું કે, મને જુડવા બાળકોના આશિર્વાદ મળ્યા છે. લોકડાઉનના કારણે પડેલી તકલીફોને હું અને મારા પતિ યાદગાર બનાવવા ઈચ્છતા હતા. એટલા માટે અમે બાળકોનું નામ કોવિડ અને કોરોના રાખ્યું છે.

આ સમયમાં મોદી વૈશ્વિક નેતા બનીને ઊભરી આવ્યા છે…

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાની વચ્ચે જ્યાં વૈશ્વિક અર્થતંત્રને લઈને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. દરેક દેશ કોરોનાની સામે જંગ લડી રહ્યો છે અને એનાથી કેવી રીતે બહાર નીકળવું એના દરેક ઉપાય કરી રહ્યો છે. આમાં ભારતના નેતૃત્વમાં ક્ષમતા દેખાઈ રહી છે. આવા સમયમાં બ્રિટન, ફાન્સ અને ઇટાલી જેવા દેશો થરથર કાંપી રહ્યા છે. અમેરિકાએ એમ કહીને હાથ ખંખેરી કાઢ્યા છે કે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ તો 20 લાખ અમેરિકનોનાં મોત થવાની શક્યતા છે.

21 દિવસ લોકડાઉન

આવા સમયે ભારતે દેશવ્યાપી લોકડાઉન જેવા સાહસિક નિર્ણય લઈને સ્થિતિ વધુ ખરાબ થતાં અટકાવી લીધી છે. જો લોકોએ સાથ આપ્યો તો ભારતમાં સ્થિતિ વધુ વણસશે નહીં. આવા ખરાબ સમયમાં સામાજિક હાલત અને અર્થતંત્રને ટેકો આપવાની યોજનામાં પણ ભારતે નેતૃત્વની ક્ષમતા બતાવી છે.

PM મોદીની પહેલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G-7 અને G-20 દેશો બેઠકમાં સામૂહિક રીતે આ રોગચાળાનો સામનો કરવા અને માનવીય મૂલ્યો પર પહેલાં વિચાર કરવા પહેલ કરવા માટે કહ્યું હતું. જ્યારે દેશની અંદર ગરીબોની મદદ કરવા માટે ભારતે પહેલ કરી હતી. મોદી સરકારે ગરીબો માચે 1.70 લાખ કરોડની રાહત યોજના જાહેર કરી હતી. એના બીજા દિવસે ટ્રમ્પ સરકારે બે ટ્રિલિયન ડોલરની યોજના જાહેર કરી હતી. જોકે ટ્રમ્પની આ જાહેરાતમાં મોદીના વિચારો જણાય છે.

અમેરિકી યોજનામાં પણ મોદીની DBT યોજનાનું અનુસરણ

ટ્રમ્પે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વાત કરી હતી, જેની આધારશિલો મોદીએ 2014માં પહેલી વાર સરકાર રચ્યા પછી રાખી હતી. ભારતે જનધન ખાતા, આધાર અને મોબાઇલ દ્વારા એવું દૂરગામી માળખું તૈયાર કર્યું હતું, જેનાથી લોકોને સીધી અને તતકાળ મદદ પહોંચાડી શકાય. અમેરિકી પેકેજમાં વાર્ષિક 75,000 ડોલર કમાતી વ્યક્તિને 1,200 ડોલરની મદદ સીધા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આમાં જો પતિ-પત્નીની કમાણી દોઢ લખ ડોલરથી ઓછી કમાણી કરતા હશે તો તેમને 2,400 ડોલરની મદદ મળશે. વધારામાં પ્રતિ બાળક 500 ડોલર પણ આપવામાં આવશે.

 

 

 

 

 

શા માટે બેલ્જિયમની આ મહિલાએ વેન્ટીલેટરની ના પાડી?

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા કેસોને લઈને વિશ્વભરના દેશો વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઉપકરણોની ઉણપ સામે ઝઝુમી રહ્યા છે. કોવિડ-19 ની સારવારમાં વેન્ટિલેટરની જરુર ત્યારે પડે છે કે જ્યારે દર્દી શ્વાસ ન લઈ શકતા હોય. આવા સમયમાં વેન્ટિલેટર દ્વારા તેમના ફેફસામાં ઓક્સિજન મોકલવામાં આવે છે.

વેન્ટિલેટર અત્યારે હવે લોકોના જીવન બચાવવાનું કામ કરી રહ્યા છે અને કોરોના વાયરસની સારવારમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ત્યારે એક 90 વર્ષની મહિલાએ આનો ઉપયોગ કરવાનો ઈનકાર કરતા કહ્યું કે, મને વેન્ટિલેટર ન આપશો પણ મારી જગ્યાએ કોઈ યુવાનને આ વેન્ટિલેટર આપી તેનો જીવ બચાવી શકાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, બેલ્જિયમના બિનકોમના રહેવાસી સુજેન હોયલાર્ટ્સે પોતાની સારવાર માટે વેન્ટિલેટર લેવાની ના પાડી દીધી અને બાદમાં તેમનું મોત થઈ ગયું.

વૃદ્ધ મહિલાએ કથિત રુપે ડોક્ટર્સને કહ્યું હતું કે, હું શ્વાસ લેવામાં કોઈ આર્ટિફિશિયસ પદ્ધતીનો ઉપયોગ કરવા નથી ઈચ્છતી. આને કોઈ યુવાન દર્દીની સારવાર માટે બચાવીને રાખો. હું પહેલા જ સારી જીંદગી જીવી ચૂકી છું.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુજેનને ભૂખ ન લાગવા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત જણાયા હતા અને તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. જો કે, તેમની તબિયત બગડતી ગઈ અને બે દિવસ બાદ તેમનું મોત થયું.

મોદીની વાતો માત્ર ‘ફીલ ગુડ મોમેન્ટ’ : શશી થરૂર

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસ સંક્રમણ સામેની લડાઈમાં દેશની સામૂહિક શક્તિના મહત્ત્વને બતાવવા માટે રવિવારે પાંચ એપ્રિલે રાત્રે નવ વાગ્યે દેશવાસીઓને તેમનાં ઘરોની બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ અથવા મોબાઇલની ફ્લેશલાઇટ ચાલુ કરવા અપીલ કરી છે. જે પછી કોંગ્રેસ તરફથી પહેલી પ્રતિક્રિયા શશી થરૂરે આપી છે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાને પોતાના સંબોધનમાં લોકોકનાં દર્દ, તેમનો બોધપાઠ અને તેમની નાણાકીય ચિંતાઓ વિશે કંઈ કહ્યું નથી. બસ વડા પ્રધાન મોદીની ફીલ ગુડ મોમેન્ટ હતી.

તેમણે વડા પ્રધાનના સંબોધન પછી ટ્વીટ કરતાં કહ્યું છે કે હમણાં પ્રધાન શોમેનની વાતો સાંભળી. લોકોનાં દર્દ, તેમના અનુભવ, તેમની નાણાકીય ચિંતાઓ દૂર કરવા માટે તેમણે કંઈ નહીં કહ્યું. ભવિષ્યને લઈને કોઈ દ્રષ્ટિ નહીં અથવા એ મુદ્દે કોઈ વાત નહીં. જે વિશે લોકડાઉન પછીના માહોલમાં વાત કરવાનો ઇરાદો હોય. બસ ભારતના ફોટો-ઓપ પ્રધાનમંત્રી દ્વારા તૈયાર કરવામાં આવલી ફીલ ગુડ મુવમેન્ટ હતી.

વડા પ્રધાને વિડિયો સંદેશમાં શુ કહ્યું

વડા પ્રધાન મોદીએ તેમના વિડિયો સંદેશમાં કહ્યું હતું કે આપણે કોરોના વાઇરસ સામેની લડાઈમાં 130 કરોડ દેશવાસીઓના મહાસંકલ્પને નવી ઊંચાઈઓ પર લઈ જવી છે. એટલા માટે પાંચ એપ્રિલે રવિવારે રાત્રે નવ કલાકે તમારા સૌની નવ મિનિટ ઇચ્છું છું. તમે ઘરની બધી લાઇટ બંધ કરીને કરના દરવાજે અથવા બાલ્કની પર ઊભા રહીને નવ મિનિટ માટે સુધી મીણબત્તી, દીવો, ટોર્ચ અથવા મોબાઇલની ફ્લેશલાઇટ ચાલુ  કરજો. તેમણે કહ્યું હતું કેક કોવિડ-19ના સંકટના અંધકારને પડકાર આપવાન છે. મોદીએ લોકોને સમાજિક ડિસ્ટન્સિંગ પણ રાખવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસના સંક્રમણની ચેઇન તોડવા માટે આ રામબાણ ઇલાજ છે.