Home Blog Page 4886

અમેરિકાએ રશિયાથી મંગાવ્યા મેડિકલ ઉપકરણો

વોશિંગ્ટનઃ કોરોના વાયરસના સૌથી મોટા સંકટનો સામનો કરી રહેલા અમેરિકાએ સંક્રમિત દર્દીઓની સારવાર માટે રશિયાથી વેન્ટીલેટર, સારવાર અને અન્ય વ્યક્તિગત સુરક્ષાના ઉપકરણો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. કોરોના મહામારીને લઈને વ્હાઈટ હાઉસને ચેતવણી આપી છે કે આવતા સપ્તાહ સુધીમાં અમેરિકામાં લાખો લોકોના મોત થઈ શકે છે.

અમેરિકામાં કોરોના વાયરસના કેસો તેજીથી વધી રહ્યા છે. કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો વધીને 2,13,000થી વધારે થઈ ગયો છે. જ્યારે 5000 થી વધારે લોકોના મોત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના વ્લાદીમીર પૂતિન વચ્ચે 30 માર્ચના રોજ ફોન પર થયેલી વાત બાદ કોરોના મહામારી સામે લડવા માટે રશિયાથી જરુરી ઉપકરણો ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વિદેશ વિભાગના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસે કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે 30 માર્ચના રોજ ફોન પર વાત થઈ હતી. અમેરિકાએ રશિયા પાસેથી વેન્ટિલેટર સહિતની ચિકિત્સા અને વ્યક્તિગત સુરક્ષા માટેની સામગ્રી ખરીદવાની સહમતી વ્યક્ત કરી છે કે જે 1 એપ્રીલના રોજ ન્યૂયોર્ક પહોંચશે.

અજય દેવગન થયો 51 વર્ષનો; સાથી કલાકારોએ આપી શુભેચ્છા

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા અજય દેવગન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. બોલીવૂડના સાથી સિતારાઓ તથા સેલિબ્રિટીઓએ એની પર શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો છે.

અજયના જૂના મિત્ર અને સાથી અભિનેતા સંજય દત્તે ટ્વીટ કરીને કહ્યું કે, ‘હેપ્પી બર્થડે બ્રધર અજય દેવગન. તારી સાથે કામ કરવાની હંમેશા મને મજા આવી છે. તારું આવનારું વર્ષ મજાનું જાય એવી શુભેચ્છા.’

અનિલ કપૂરે ટ્વીટમાં અજય દેવગન સાથે પોતાનો એક ફોટો શેર કરતાં જણાવ્યું છે, ‘હેપ્પી બર્થડે અજય દેવગન. તારી સાથે કામ કર્યું એ હંમેશાં મને યાદગાર અનુભવ બની રહ્યો છે. તારી સાથે હજી વધારે કામ કરવાની ઈચ્છા છે.’

‘દે દે પ્યાર દે’ ફિલ્મમાં સાથે અભિનય કરનાર અભિનેત્રી રકુલપ્રીત સિંહે ટ્વીટમાં લખ્યું છે, ‘હેપ્પી હેપ્પી બર્થડે અજય સર… તમને હેપ્પી અને હેલ્ધી યરની શુભેચ્છા.’

ઈન્ટરનેટની સનસનસાટી અને બોલીવૂડની હોટ અભિનેત્રી ઉર્વશી રાઉતેલાએ પોતાનાં ટ્વીટમાં લખ્યું છે, ‘મેની હેપ્પી રિટર્ન્સ ઓફ ધ ડે અજય દેવગન સર. તમારી અદ્દભુત ફિલ્મો જોવામાં મને બહુ આનંદ આવે છે.’

અભિનેત્રી નુસરત ભરૂચાએ ટ્વીટમાં લખ્યું છે, ‘અ વેરી વેરી હેપ્પી બર્થડે ટુ યુ અજય દેવગન સર. આશા છે કે તમે આ જ રીતે મનોરંજન કરવાનું અને બોક્સ ઓફિસને ગજાવવાનું ચાલુ રાખશો.’

અભિનેતા નીલ નીતિન મુકેશે ટ્વીટમાં લખ્યું છે, ‘હેપ્પી બર્થડે ડીયરેસ્ટ અજય દેવગન સર. ઈશ્વર તમને કાયમ ખુશ રાખે.’

અભિનેતા વિવેક ઓબેરોયે લખ્યું છે, ‘બોલીવૂડના સિંઘમ અજય દેવગનને જન્મદિવસની શુભેચ્છા. તું આ જ રીતે સ્ક્રીન પર મેજિક ફેલાવતો રહે.’

2004માં અજયને ‘મસ્તી’ ફિલ્મમાં ચમકાવનાર નિર્માતા મિલાપ ઝવેરીએ ટ્વીટમાં લખ્યું છે, ‘વેરી વેરી હેપ્પી બર્થડે અજય દેવગન સર. તમારી સાથે માત્ર એક જ ફિલ્મ ‘મસ્તી’ કરી હતી, પણ તમારી સાથે કામ કરવામાં આનંદ આવ્યો હતો, એ યાદગાર અનુભવ હતો.’

નિર્માતા-દિગ્દર્શક બંધુઓ – અબ્બાસ-મસ્તાને ટ્વીટમાં લખ્યું છે, ‘ડીયર અજય દેવગન તને જન્મદિવસની ઘણી શુભેચ્છા.’

દિગ્દર્શક અનિલ શર્માએ એમના સંદેશમાં લખ્યું છે, ‘અજય દેવગનજી આપકો જન્મદિન કી બધાઈ… રામજી કી કૃપા બની રહે.’

નિર્માતા ભૂષણ કુમારે લખ્યું છે, ‘મેની હેપ્પી રિટર્ન્સ ઓફ ધ ડે અજય દેવગન. તારી સાથે કામ કરવામાં હંમેશાં આનંદ આવ્યો છે. આપણે સાથે મળીને હજી વધારે ફિલ્મો કરીએ એવી આશા રાખું છું.’

સાળી તનિષા મુખરજીએ ટ્વીટમાં લખ્યું છે, ‘હેપ્પી બર્થડે જય. ક્વોરન્ટાઈન બર્થડેનો આનંદ માણ.’

ઉલ્લેખનીય છે કે અજય દેવગનની તાજેતરમાં રિલીઝ થયેલી ‘તાન્હાજી’ ફિલ્મે બોક્સ ઓફિસ પર તરખાટ મચાવી દીધો છે. એમાં તેણે મરાઠા યોદ્ધા તાનાજી માલુસરેની ભૂમિકાને દર્શકોએ ખૂબ પસંદ કરી છે.

એની આગામી ફિલ્મો છેઃ ‘મૈદાન’, ‘ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’, ‘ગોલમાલ-5’, ‘ચાણક્ય’, ‘સિંઘમ 3’ વગેરે. આ ઉપરાંત ‘RRR’ તથા ‘સૂર્યવંશી’માં એ મહેમાન કલાકાર તરીકે જોવા મળશે.

એ કાલે સવારે 9 કલાકે મોદીસાહેબનો સંદેશ…

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટની વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે નવ કલાકે ફરી એક વાર રાષ્ટ્રને સંબોધિત કરશે. કોરોના મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ ત્રીજું સંબોધન હશે. વડા પ્રધાને ટ્વીટ કરીને લખ્યું હતું કે તેઓ દેશવાસીઓ માટે એક વિડિયો સંદેશ જારી કરશે. આ પહેલાં કોરોના સંકટને લઈને બે વાર રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે. આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 માર્ચ અને 19 માર્ચે રાષ્ટ્રને સંબોધિત કરી ચૂક્યા છે. 24 માર્ચે રાત્રે વડા પ્રધાને દેશમાં 21 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી.  

કોરોનાની હજી સુધી વેક્સિન નથી બની

19 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસથી દેશમાં વર્તમાન પરિસ્થિતિને લઈને દેશને સંબોધિત કર્યો હતો. તેમણે દેશવાસીઓથી કોરોનાની સામે લડવાનો સંકલ્પ લેવાનો આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાછલા કેટલાક દિવસોથી એવું લાગી રહ્યું છે કે આપણે આ કોરોના સંકટથી બચી ગયા છે, બધું બરાબર છે, પણ અત્યાર સુધી વિજ્ઞાન કોરોના રોગચાળાથી બચવા માટે કોઈ અસરકાર ઉપાય નથી, ના તો કોઈ અસરકારક વેક્સિન બનાવવામાં આવી. આનો સામનો સજાગ અને સંયમ રાખકવાની જરૂર છે. તેમણે દેશના લોકોએ 22 માર્ચએ એક દિવસ માટે જનતા કરફ્યુ કરવાની અપીલ કરી હતી.  

ભારતમાં કોરોના સંકટ સતત વધી રહ્યું છે. દેશમાં કોવિડ-19ના કેસ વધીને 1,965 થઈ ગયા છે અને અત્યાર સુધી આ રોગથી 50 લોકોનાં મોત થયાં છે. જોકે આ રોગથી 150 લોકો મુકક્ત પણ થયા છે. જોકે પાછલા 24 કલાકકમાં 328 નવા કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત પાછલા 24 કલાકમાં 12 લોકોનાં મોત થયાં છે.

 

શું ઈમરજન્સી લાગુ કરવાની તૈયારીમાં છે રશિયા?

મોસ્કો: રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદીમિર પુતિન એ એક બિલ પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે જ હવે કેબિનેટને દેશભરમાં ઈમરજન્સી લાગૂ કરવા સહિત કેટલાક અન્ય અધિકારો પણ મળી ગયા છે. રશિયા દ્વારા આ પગલુ કોરાના મહામારી સામે લડવા માટે ઉઠાવવામાં આવ્યું છે.  મીડિયા રિપોર્ટ અનુસાર લીગલ ઈન્ફોર્મેશન પોર્ટલ પર સત્તાવાર રીતે આ કાયદાને પ્રકાશિત કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ બે અન્ય બિલને પણ મંજૂરી આપી દીધી છે જેના હેઠળ ક્વોરન્ટાઈન કે સેનિટરીના નિયમોનું ઉલ્લંઘન કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. રશિયાના 75 વિસ્તારોમાં બુધવારે કોવિડ-19ના કુલ 2777 કેસ નોંધાયા છે.

મહત્વનું છે કે, કોરોનાના સંક્રમણને ફેલાતું રોકવા મોસ્કો સહિત રશિયાના અનેક વિસ્તારોમાં લોકડાઉન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં ઈમરજન્સી લાગુ કરવા અંગે સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો જરૂર પડશે તો સર્વસંમતીથી ઈમરજન્સી લાગુ કરવામાં આવશે. કાયદા અનુસાર સંસદમાં સમર્થન મળ્યા પછી માત્ર રાષ્ટ્રપતિ જ દેશમાં ઈમરજન્સી લાગુ કરી શકે છે.

કોરોના સાથે જોડાયેલા તથ્યોની તપાસ માટે સિસ્ટમ બનાવવા સૂચના

નવી દિલ્હી. કોરોનાના વધતા કેસની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફોરન્સિંગ કર્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ હાજર રહ્યાં હતા. આ સંજોગોમાં વડાપ્રધાને અત્યાર સુધીમાં કેન્દ્ર અને રાજ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પગલા પર ચર્ચા કરી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંક્રમણ સામે લડાવા માટેની વિવિધ રણનીતીઓ પર પણ વાત કરી છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સમાચારોની પુષ્ટિ માટે પોર્ટલ બનાવવાનો આદેશ આપ્યો છે.

કેન્દ્રએ કહ્યું- રાજ્યો સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરે

કેન્દ્રીય ગૃહ સેક્રેટરી અજય ભલ્લાએ બુધવારે કહ્યું કે તમામ રાજ્યો સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ કરે. પોતાના ત્યાં સમાચારોની પુષ્ટિ માટે પોર્ટલ બનાવો. સુપ્રીમ કોર્ટે 31 માર્ચે સંક્રમણને રોકવા માટે 21 દિવસના લોકડાઉન પર સુનાવણી કરી હતી. કોર્ટે 24 કલાકની અંદર કોરોનાવાઈરસ પર નિષ્ણાંતોની સમિતિનું ગઠન કરવા અને લોકોને સંક્રમણ વિશે માહિતી આપવા માટે પોર્ટલ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે કેન્દ્રને દરેક સ્થિતિમાં મજૂરોની અવર-જવર રોકવા, તેમના ખાવા, રહેવાની જગ્યા, પોષણ, સ્વાસ્થ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાનું કહ્યું હતું.

ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે ભારત સરકાર એક વેબ પોર્ટલ બનાવી રહી છે જ્યાં લોકો તથ્યો અને અનવેરિફાઈડ સમાચારને તાત્કાલિક ચકાસી શકે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિનંતી છે કે આ મુદ્દાઓ માટે રાજ્ય કક્ષાએ એક સરખા મિકેનિઝમ બનાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાઓની સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો હતો. 31 માર્ચે ભારત સરકારે એક વિસ્તૃત સ્થિતિ રિપોર્ટ રજૂ કર્યો હતો.

ઇટલીમાં ભયંકર સ્થિતિઃ લોકડાઉન લંબાવાયું

રોમઃ ઈટલીના વડાપ્રધાને દેશમાં લોકડાઉનને લંબાવી દીધું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઈટલીના વડાપ્રધાને જાહેરાત કરી છે કે, કોરોના વાયરસ મહામારીના કારણે જે લોકડાઉન 3 એપ્રિલના રોજ પૂર્ણ થવાનું હતું તેને હવે 13 એપ્રિલ સુધી વધારી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ઈટલીમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોનો આંકડો 13,155 સુધી પહોંચી ગયો છે જ્યારે કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 1,10,574 પર પહોંચી ગઈ છે.

ઈટલીના વડાપ્રધાને કહ્યું કે, અમે 13000 થી વધારે લોકો કોરોના વાયરસના કારણે ગુમાવ્યા છે અને આ એવો ઘા છે કે જેનું દર્દ ખૂબ થઈ રહ્યું છે. આ એક એવો ઘા છે કે જે ક્યારેય સાજો થઈ શકે તેમ નથી. તેમણે કહ્યું કે જે પ્રકારે દેશમાં તેજીથી કેસો વધી રહ્યા છે ત્યારે આવા સમયે પ્રતિબંધો હટાવી શકાય તેવી કોઈ સ્થિતિ નથી અને આ જ કારણ છે કે મેં એક નવા આદેશ પર હસ્તાક્ષર કર્યા છે કે જે વર્તમાન લોકડાઉનને 13 એપ્રીલ સુધી વધારવાનો આદેશ આપે છે.

કોરોના વાયરસના કારણે યૂરોપમાં 30,000 થી વધારે લોકોના જીવ ગયા છે. 21,000 થી વધારે લોકોના મોત તો માત્ર ઈટલી અને સ્પેનમાં જ થયા છે. આખા યૂરોપમાં સંક્રમણની વાત કરીએ તો આશરે 4,58,061 જેટલા લોકો આનાથી પ્રભાવિત છે. તો માત્ર યૂરોપમાં જ 30,063 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સર્વાધિક 12,428 લોકોના મોત તો માત્ર ઈટલીમાં જ થયા છે, જ્યારે સ્પેનમાં 9,053 લોકોના જીવ ગયા છે. તો અમેરિકામાં મૃતકોની સંખ્યા 4000 થી વધારે થઈ ગઈ છે.

ક્રિકેટઃ ડકવર્થ-લૂઈસ મેથડના બે ઘડવૈયામાંના ટોની લૂઈસનું નિધન

લંડનઃ ક્રિકેટમાં મર્યાદિત ઓવરોવાળી આંતરરાષ્ટ્રીય મેચો વખતે વરસાદના વિઘ્ન બાદ પરિણામ લાવવા માટે ઉપયોગમાં લેવાતા નિયમ – ડકવર્થ/લૂઈસ મેથડના બે ઘડવૈયામાંના ટોની લૂઈસનું 1 એપ્રિલે નિધન થયું છે. એ 78 વર્ષના હતા.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના કહેવાથી લૂઈસે 1999માં એમના સાથી ક્રિકેટ સ્ટેટીસ્ટિશિયન ફ્રેન્ક ડકવર્થ સાથે મળીને એક નિયમ ઘડ્યો હતો જેને આઈસીસી સંસ્થાએ સત્તાવાર રીતે સ્વીકાર્યો હતો. વર્લ્ડ કપ સહિતની આંતરરાષ્ટ્રીય મેચો વખતે વરસાદ પડે તો જે ઓવરો વેડફાઈ જાય એને ગણતરીમાં લઈને નવો રન-ચેઝ નક્કી કરવા માટે ડકવર્થ-લૂઈસ નિયમનો સહારો લેવામાં આવે છે.

2014માં, ઓસ્ટ્રેલિયાના પ્રોફેસર સ્ટીવ સ્ટર્ને ડી-એલ મેથડમાં મોડર્ન સ્કોરિંગ રેટ્સને ધ્યાનમાં લઈને અમુક સુધારા સૂચવ્યા હતા અને ત્યારથી આ મેથડને ‘ડીએલએસ’ (ડકવર્થ-લૂઈસ-સ્ટર્ન) તરીકે ઓળખવામાં આવે છે. ડીએલએસ મેથડનો ઉપયોગ પહેલી વાર 2015ની વર્લ્ડ કપ વખતે કરવામાં આવ્યો હતો.

ટોની લૂઈસ બ્રિટનના લેન્કેશાયરના બોલ્ટનમાં જન્મ્યા હતા અને શેફિલ્ડ યુનિવર્સિટીમાંથી મેથેમેટિક્સ એન્ડ સ્ટેટીસ્ટિક્સમાં ડિગ્રી સાથે ગ્રેજ્યુએટ થયા હતા.

ટોની લૂઈસના નિધન અંગે આઈસીસી સંસ્થાએ શોક વ્યક્ત કર્યો છે.

આઈસીસીના જનરલ મેનેજર જ્યોફ એલર્ડાઈસે કહ્યું છે કે ક્રિકેટમાં ટોની લૂઈસનું પ્રદાન બહુમૂલ્ય રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં હાલ જે પદ્ધતિ અપનાવવામાં આવે છે તેને લૂઈસ અને ફ્રેન્ક ડકવર્થે બે દાયકા પહેલા ડેવલપ કરી હતી.

હવે WHOના વડાએ PM મોદીની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના પ્રમુખ ટેડરોસ અધનોમ ઘેબરેયસસે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે કોરોના વાઇરસનો વધુ ફેલાવો ના થાય એ માટે દેશભરમાં મોદી દ્વારા લોકડાઉન કરવાના પગલાને તો વખાણ્યું હતું, પણ તેમણે મોદી સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતવાળાઓનાં હિતમાં જે પગલાં લીધાં એની પણ પ્રશંસા કરી હતી. લોકડાઉન જેવાં પગલાંને કારણે ગંભીર પરિણામ ગરીબ અને નીચલા વર્ગને ભોગવવાં પડ્યાં છે. બધા દેશના પોતાના દેશના નાગરિકોને ઘરે રહેવા માટે કહેવામાં આવ્યું છે અને કોરોના વાઇરસના સંક્રમણને ફેલાવાને રોકવા માટે લોકોની મુવમેન્ટને પૂરી કરી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

WHOએ 1.70 લાખ કરોડના રાહત પેકેજની પ્રશંસા કરી

ટેડરોસે ભારત સરકાર દ્વારા ગરીબોને મફતમાં અનાજ, રોકડ અને મફત ગેસ સિલિન્ડર આપવાના કાર્યની સરાહના કરી હતી અને વડા પ્રધાનની પ્રશંસી કરતાં તેમણે લખ્યું હતું કે કોરોના સંકટ દરમ્યાન ભારતની ગરીબ જનતા માટે 24 બિલિયન ડોલરનું પેકેજ જાહેર કરવા માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરું છું. તેમણે 80 કરોડ જરૂરિયાત લોકોને મફત કરિયાણું, 20 કરોડ લોકોને આર્થિક મદદ અને આઠ કરોડ ઘરોને મફત ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી.

કેટલાય વિકાસશીલ દેશો આ સ્તરના જનહિત કાર્યક્રમોને લાગુ કરવા માટે સંઘર્ષ કરતા રહે છે. ગરીબોનાં હિતમાં આ પ્રકારના પ્રયાસ સામાજિક અને આર્થિક રીતે દેશને મજબૂત બનાવે છે. કેન્દ્ર સરકારે આ પહેલાં 1.70 લાખ કરોડના રહત પેકેજની પણ તેમણે પ્રશંસા કરી હતી.

વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના

નાણાપ્રધાન નિર્મલા સીતારામને વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના જાહેર કરતાં કહ્યું હતું કે દેશમાં કોઈ પણ ભૂખ્યું નહીં રહે. તેમણે કહ્યું હતું કે સરકારનું હાલ ધ્યાન ગરીબ જનતા, મજૂરો અને કામદારોને રાહત આપવા પર છે. બધાં રાજ્યોમાં સામાજિક સંગઠન પણ લોકો સુધી ખાદ્ય ખોરાકી અને અન્ય જરૂરતોના માલસામાન પહોંચાડવા માટે કામ કરી રહ્યા છે.

 

કોરોનાઃ સુવર્ણ મંદિરના પૂર્વ હુજૂરીનું નિધન

ચંદીગઢઃ પંજાબમાં કોરોના વાયરસથી અન્ય એક દર્દીનું મોત થયું છે. સુવર્ણ મંદિર સાહિબના પૂર્વ હુજૂરી રાગી નિર્મલ સિંહનું નિધન થયું છે. તેઓ પદ્મશ્રીથી સન્માનિત હતા. 62 વર્ષના નિર્મલ સિંહને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો અને તેમની સારવાર કરવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. ત્યારે આ સાથે જ પંજાબ અને ચંદીગઢમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 5 થઈ ગઈ છે. આ સિવાય રાજ્યમાં એક અન્ય દર્દી કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે.

બુધવારના રોજ રાજ્યમાં પાંચ નવા કેસ સામે આવ્યા હતા. એક કેસ લુધિયાણા, એક અમૃતસર અને ત્રણ કેસ મોહાલીના છે. આમાં શ્રી હરિમંદીર સાહિબના 62 વર્ષીય પૂર્વ હુજૂરી રાગી પણ હતા. તેઓ થોડા મહિના પહેલા ઈન્ગ્લેન્ડથી પાછા ભારત આવ્યા હતા. તેમને અમૃતસર સ્થિત ગુરુનાનક દેવ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવાર અને બે ડ્રાઈવરોને અત્યારે ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

નિર્મલ સિંહ ચંદીગઢના સેક્ટર 27 માં 19 માર્ચના રોજ ગયા હતા. તેમણે અહીંયા એક ઘરમાં કિર્તન કર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર આ કિર્તનમાં 60 થી 70 લોકો જોડાયા હતા. અત્યારે આ પરિવાર અને ઘરમાં કામ કરનારા 13 જેટલા લોકોને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે તેમની તપાસ પણ અત્યારે કરવામાં આવી રહી છે.

વિલય પછી PNB સૌથી મોટી બીજી બેન્ક બની

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસને પગલે સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે, પણ પહેલી એપ્રિલથી પંજાબ નેશનલ બેન્કમાં ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાનું વિલીનીકરણ અમલમાં આવી ગયું છે. જેથી પંજાબ નેશનલ બેન્ક દેશની જાહેર ક્ષેત્રની સૌથી બીજી મોટી બેન્ક બની ગઈ છે. દેશની સૌથી મોટી બીજા ક્રમાંકની બેન્ક પંજાબ નેશનલ બેન્ક પણ દેશભરમાં 11,000 શાખાઓ ધરાવે છે.

 બેન્કિંગ ક્ષેત્રે લોકડાઉનની અસર

દેશમાં લોકડાઉનને પગલે લોકોને નાણાંની તંગી ના પડે એ માટે સરકારે બેન્કિંગ સેવા ચાલુ રાખી છે. પંજાબ નેશનલ બેન્કની પણ 30 માર્ચથી 95-96 શાખાઓમાં કામકાજ ચાલુ છે. જોકે લોકડાઉનને પગલે સરકારે ગ્રાહકોને નજીકના કોઈ પણ ATMથી નાણાં ઉપાડવાની છૂટ આપતાં બેન્કોમાં ગ્રાહકોની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો નોંધાયો છે. વળી સરકારના આદેશ મુજબ બેન્કની દરેક શાખા અને ATMમાં રોકડનો પર્યાપ્ત ભંડોળ ઉપલબ્ધ છે. વળી સરકારે જાહેર કર્યા મુજબ ગરીબ જનતાના ખાતામાં બે દિવસમાં પૈસા જમા થઈ જશે.

 ટર્મ લોનના હપતા આગળ વધારવા બેન્ક કઈ રીતે લાગુ કરશે

 સરકારની જાહેરાત પ્રમાણે મોટા ભાગની સરકારી બેન્કોએ ઓટોમેટિક રીતે બધા લોનધારોને ટર્મ લોનના હપતા આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. આનાથી લોનની મુદત વધુ ત્રણ મહિના વધી જશે, જે ગ્રાહક આનો લાભ નહીં ઉઠાવવા ઇચ્છે તેમણે બેન્કને જાણ કરવી પડશે.

સરકારે પંજાબ નેશનલ બેન્કના વિલીનીકકરણની જાહેરાત કરી કે તરત જ બેન્કો એની તૈયારીમાં લાગી ગઈ હતી. જોકે લોકડાઉનને કારણે બધા બેન્કોના બોર્ડમાં જરૂરી ફેરફાર માટે સમય લાગશે, પણ આ વિલીનીકકરણ પહેલી એપ્રિલથી અમલમાં આવી જશે. આને માટેની ટેક્નિકલ અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ 15-20 દિવસોમાં પૂરી થઈ જશે. ગ્રાહકોનાં જૂનાં ATM કાર્ડ, ચેકબુક પણ હાલપૂરતા ચાલ્યા કરશે.

વિલીનીકરણ પછી બેન્કના બિઝનેસમાં નોંધપાત્ર વધારો

પંજાબ નેશનલ બેન્ક હવે બેન્કિંગ ક્ષેત્રે સ્ટેટ બેન્ક પછીની દેશની સૌથી મોટી બીજા ક્રમાંકની બેન્ક બની ગઈ છે. આ વિલીનીકરણથી બેન્ક મોટા પ્રોજેક્ટોને સરળતાથી ફંન્ડિંગ કરી શકશે. આ ઉપરાંત બેન્કની શાખાઓમાં પણ વધારો થતાં વધુ સારી બેન્કિંગ સેવાઓ બેન્ક આપી શકશે. વિલીનીકરણ પછી બેન્ક પાસે હવે 18,000 ATM, 11,000 શાખાઓની સાથે કુલ રૂ. 18 લાખ કરોડનો વેપાર-વ્યવસાય થઈ જશે. બેન્ક હવે ગ્રાહકોને  મોબાઇલ  અને ઇન્ટરનેટ બેન્કિંગ સહિતની વધુ સારી સુવિધા આપી શકશે.

પહેલી એપ્રિલથી વિલીનીકરણ પછી નવી બેન્કે નવા વર્ષે કામકાજ શરૂ કરી દીધું છે. તેનું એકાઉન્ટ વધુ મજબૂત બનશે. બેન્ક પર જૂના NPAનું ભારણ હવે નહીં રહે. જૂના ખાતાધારકોથી બાકી રકમની વસૂલાતની પ્રક્રિયા ઝડપી બનશે. આ વિલીનીકરણ પછી બેન્કના વેપાર-વ્યવસાયમાં 10-12 ટકાનો સતત વધારો થશે