Home Blog Page 4887

અમિતાભ બચ્ચનનું આ ટ્વીટ થયું વાયરલ

નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચન પણ અત્યારે દેશના તમામ લોકોની જેમ ઘરમાં જ બંધ છે. બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર સતત પોતાના ફેન્સ સાથે સંપર્કમાં છે. તેમના ટ્વીટ ખૂબ વાયરલ થાય છે અને ઘણીવાર તેઓ ટ્રોલ્સના નિશાને પણ આવી જાય છે. દેશમાં કોરોના વાયરસને લઈને સંપૂર્ણ લોકડાઉનનો આજે નવમો દિવસ છે. અમિતાભ બચ્ચનનું એક ટ્વીટ ખૂબ વાયરસ થયું છે કે જેમાં તેમણે એક રસપ્રદ વાત કહી છે.

અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું છે કે, તેમનું કામ બોલવાનું છે અને આપણું કામ કરવાનું. તેઓ કરી શકતા હોત તો તેમની પાસે સમય ના હોત બોલવાનો, તેઓ એટલા માટે બોલે છે કારણ કે કંઈ જ ન કરવાના કારણે તેમને બોલવાનો સમય મળે છે. આ સ્વભાવ ખોટો નથી, હું તો તેમના વખાણ કરું છું. જો તેઓ ન બોલતા હોત તો આપણને કેવી રીતે ખબર પડત કે આપણે કંઈક કરી રહ્યા છે, હસતા ચહેરા સાથે.

વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓને ચીજવસ્તુઓ એમનાં ઘેર પહોંચાડોઃ ઉદ્ધવ ઠાકરેનો આદેશ

મુંબઈઃ કોરોના વાઈરસને કારણે હાલ મહારાષ્ટ્ર રાજ્યમાં પણ લોકડાઉન છે ત્યારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તમામ જિલ્લા અધિકારીઓને આદેશ આપ્યો છે કે રાજ્યભરમાં વયોવૃદ્ધ, અપંગ તથા એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ કરાવી આપવી.

ઠાકરેએ એમ પણ કહ્યું છે કે પ્રશાસને આ માટે એક કાર્યપદ્ધતિ ઘડી કાઢવી અને તે અનુસાર ઉપર મુજબની વ્યક્તિઓને સામાજિક સંસ્થાઓના સહકારથી ચીજવસ્તુઓ એમના ઘેર પહોંચતી કરવી.

વયોવૃદ્ધ, અપંગ તથા એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોને લોકડાઉનની સ્થિતિમાં એમના ઘરની બહાર નીકળવું ન પડે એટલા માટે તેમજ એમને કોઈ પ્રકારની અગવડ ન પડે એટલા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. સંબંધિત જરૂરિયાતમંદ વ્યક્તિઓ હેલ્પલાઈન નંબર પર સંપર્ક સાધે એ પછી એમને આ સેવા એમના ઘેર ઉપલબ્ધ કરાવવાની રહેશે.

આ માટે એક અલગ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે અને તે માટે એક સંપર્ક અધિકારી (નોડલ ઓફિસર)ની નિમણૂક પણ કરવામાં આવી છે.

પોલીસ તંત્રએ પણ આ માટે સ્વતંત્ર સંપર્ક અધિકારીની નિમણૂક કરી છે. અત્યાવશ્યક સેવા માટેની ચીજવસ્તુઓ વાહન દ્વારા પહોંચાડનાર વ્યક્તિ, સ્વયંસેવક અને સ્વૈચ્છિક સંસ્થા, દવાઓના વેપારીઓ, હોમ ડિલીવરી કરનારી વ્યક્તિઓને ખાસ પ્રવેશપત્ર પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવે છે.

સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થા હેલ્પલાઈન પર પ્રાપ્ત થયા મુજબ વયોવૃદ્ધ, અપંગ વ્યક્તિઓને આવશ્યક ચીજવસ્તુઓની સહાયતા કરશે અને એવી વ્યક્તિઓની યાદી સંબંધિત નોડલ અધિકારીને સુપરત કરીને પોલીસ તંત્ર સાથે સમન્વય સાધશે.

આ સહાય માટે જરૂરિયાતમંદ વ્યક્તિએ મહાનગરપાલિકાની હેલ્પલાઈન પર સંપર્ક સાધવાનો રહેશે.

મુંબઈ મહાનગરપાલિકાના વિસ્તારો માટે આ નંબર પર હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે – 1800 221 292. આ નંબર પર સેવા સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

આ ઝુંબેશ-સેવાની દેખરેખ રાજ્ય સરકારના સચિવ પ્રાજક્તા લવંગારે સંભાળી રહ્યાં છે.

આ લોકડાઉને ઓટો કંપનીઓના ધંધામાં પંચર પાડયું છે

નવી દિલ્હીઃ દેશની ઓટોમોબાઇલ કંપનીઓ ઇતિહાસના સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. પાછલા વર્ષે માર્ચમાં ઓટો કંપનીઓ પર લોકડાઉનની ઘેરી અસર થઈ હતી. દેશની સૌથી મોટી કંપની મારુતિ સુઝુકીની કારોના વેચાણમાં 47 ટકાનો ઘટાડો થયો હતો તો તાતા મોટર્સના વેચાણમાં 84 ટકાનો ઘટાડો નોંધાયો છે. આઇશરનાં કોમર્શિયલ વાહનોના વેચાણમાં 83 ટકા, અશોક લેલેન્ડની ટ્રકો અને બસોનાં વેચાણમાં 90 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અન્ય કંપનીઓના ડેટા હજી આવવાના બાકી છે, પણ એ આશાસ્પદ નહીં હોય. દેશમાં લોકડાઉન એપ્રિલની મધ્ય સુધી ખતમ પણ થાય તો પણ કારોનાં વેચાણમાં ઝડપ આવવાની સંભાવના નથી. કોરોના વાઇરસને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે. એને કારણે પાછલા કેટલાક સમયમાં લોન્ચ કરવામાં આવેલી કારોના વેચાણ પણ ઠપ થયાં છે. જોકે આગામી ત્રણ-ચાર મહિના દરમ્યાન થનારી કમસે કમ છ કારોના ભવિષ્ય પર પણ સવાલ ઊભા થયા છે.  

લોકડાઉનને લીધે કારોની ડિલિવરી નહીં

હ્યુન્ડાઇ દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી ક્રેટાએ બજારમાં જબરદસ્ત આકર્ષ જમાવ્યું હતું અનમે લોન્ચિંગ પહેલાં એનું 14,000થી વધુનું બુકિંગ થયાં હતાં, પણ લોકડાઉનને કારણે ના તો ડીલરોને સપ્લાય થાય છે અને ના તો ગ્રાહકોને ડિલિવરી મળી રહી છે. કંપનીએ 23 માર્ચ, 2020થી આગામી આદેશ સુધી ફેક્ટરી બંધ કરી દીધી છે. આવી જ સ્થિતિ હોન્ડાની છે.

નવી કારો માર્કેટમાં ઉતારી, પણ

મારુતિ સુઝુકીએ સૌથી વધુ વેચાતી કોમ્પેક્ટ સેડાન ડિઝાયરને નવા અવતારમાં ઉતારી, પણ લોકડાઉનને કારણે એનું વેચાણ શરૂ ના થઈ શક્યું. કંપનીએ જણાવ્યું હતું કે માર્ચમાં કુલ વેચાણ 47 ટકા ઘટ્યું છે, જ્યારે નાણાકીય વર્ષ 2019-20માં વેચાણ 16.1 ટકા ઘટ્યું છે. કંપનીનું વર્ષ દરમ્યાન કુલ 18,62,449 કારોનું વેચાણ થયું હતું.

વેપારી વાહનોના વેચાણમાં પણ ઘટાડો 

તાતા મોટર્સ સતત નવાં મોડલ બજારમાં ઉતારીને એની હાજરી મજબૂત કરી રહી હતી, પણ કોરોનાને લીધે થયેલા લોકડાઉનને પગલે માર્ચમાં કંપનીનું વેચાણ પાછલા વર્ષની તુલનાએ 84 ટકા ઘટી ગયું છે. જો પાછલા નાણાકીય વર્ષમાં કંપનીનાં વાહનોનું વેચાણ 35 ટકા ઘટી ગયું હતું. ટ્રક અને બસ બનાવવાવાળી બે કંપનીઓ આઇશર અને અશોક લેલેન્ડના ડેટા બહુ નિરાશાજનક છે. બંને કોમર્શિયલ વાહનોનાં વેચાણ અનુક્રમે 83 ટકા અને 90 ટકા ઘટી ગયાં છે. આ ઉપરાંત લોકડાઉનને લીધે આવનારા મહિનાઓમાં પણ ઓટો કંપનીઓના ઉત્પાદન અને વેચાણ સુસ્ત રહેવાની ધારણા છે. કોમર્શિયલ વાહનોના વેચાણ પણ વધુ ઘટી શકે છે.

 

 

આગામી 4-5 દિવસ ગુજરાત માટે મહત્વના

ગાંધીનગરઃ ગુજરાત કોરોના પોઝિટિવના કુલ 87 કેસ સામે આવ્યા છે. જેમાંથી 7 દર્દી સાજા થયા છે. જ્યારે 7 દર્દીઓના મૃત્યુ થયા છે. વડોદરાના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીનું આજે સવારે મોત નીપજ્યું છે. રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર કરાયું છે. ત્યારે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યની સ્થિતિ વિશે માહિતી આપી હતી.

સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં કોરોના વિશે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલની સાંજની પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતમાં 87 કેસો સામે આવ્યા બાદ આજે એક પણ કેસ સામે આવ્યો નથી. એક રીતે જોવા જઈએ તો ગુજરાત માટે રાહતના સમાચાર છે. ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી.

જોકે આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. ગુજરાતમાં 71 દર્દી સ્ટેબલ છે. 2 લોકો વેન્ટીલેટર ઉપર છે. આવનારા ચારપાંચ દિવસ ખુબ અઘરા છે અને કસોટીના છે. જે લોકો મુસાફરી કરી ને આવ્યા હોય અથવા તાવ જેવા લક્ષણો દેખાતા હોય. જે પોઝિટિવ વ્યક્તિ છે તેમના સંપર્કમાં આવ્યા હોય. તેવા લોકો મેડિકલ ચેકઅપ કરાવી લે. 104 અથવા તો 108 કરીને તુંરત જ સારવાર લે અને રિપોર્ટ કરાવી લે.

તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે.

રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર થયું છે. અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 03 મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 09 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 03 મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 09 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે.

– તો ઇરાને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે: ડોનાલ્ડ ટ્રમ્પ

નવી દિલ્હી: અમેરિકા અને ઇરાનની વચ્ચે તણાવ ઓછું થવાનું નામ લઇ રહ્યું નથી. આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાએ ઇરાકની રાજધાની બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઇ હુમલો કર્યો હતો. ત્યારબાદ ઇરાને અમેરિકા સામે સુલેમાનીના મોતનો બદલો લેતા ઇરાકમાં આવેલા બે અમેરિકન બેઝ પર એક ડઝનથી વધુ મિસાઇલો છોડી.

ઇરાની મીડિયાએ દાવો કર્યો હતો કે આ હુમલામાં ડઝનબંધ અમેરિકન સૈનિકના મોત થયા હતા, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેનું ખંડન કર્યુ હતું. આ ઘટનાના અંદાજે ત્રણ મહિના બાદ બંને દેશોની વચ્ચે એકવખત ફરીથી વિવાદ વકરતો દેખાઇ રહ્યો છે. એક ગુપ્ત માહિતી મળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને મોટી કિંમત ચૂકવવાની ચેતવણી સુદ્ધા આપી દીધી છે.

અમેરિકાને ગુપ્ત માહિતી મળી છે કે ઇરાન કે તેના સમર્થક ઇરાક સ્થિત અમેરિકન સૈનિકો કે ઠેકાણા પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને ઇરાનને ચેતવણી આપતા લખ્યું કે માહિતી અને વિશ્વાસના આધાર પર ઇરાન કે તેના સમર્થક ઇરાકમાં અમેરિકન સૈનિકો કે સંપત્તિ પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. જો આમ થયું તો ઇરાને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે.

ઓલિમ્પિક્સ પછી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ પણ સ્થગિત

પેરિસઃ વિશ્વભરમાં કોરોના વાઇરસના સંક્રમણને કારણે ફેલાયેલા ડરને લીધે ટોક્યો ઓલિમ્પિક, 2020ને એક વર્ષ સુધી પાછળ ઠેલાવાથી 2021માં પ્રસ્તાવિત વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ હવે 2021ને બદલે 2022માં યોજાશે. વિશ્વ એથ્લેટિક્સે ટોક્યો ઓલિમ્પિકની નવી તારીખ જાહેર થયા પછી આ નિર્ણય લેતાં અમેરિકાના યુઝિનમાં છથી 10 ઓગસ્ટ, 2021 સુધી પ્રસ્તાવિત આ ચેમ્પિયનશિપનું આયોજન હવે 2022માં થશે.

તૈયારી કરવાનો વધુ સમય મળશે

વિશ્વ એથ્લેટિક્સે કહ્યું હતું કે અને જાપાનના આયોજકો અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)દ્વારા જાહેર કરવામાં આવેલી ઓલિમ્પિકની નવી તારીખોને આવકારીએ છીએ. આનાથી અમારા એથ્લિટોને પ્રશિક્ષણ (ટ્રેનિંગ) અને હરીફાઈ કરવા માટે વધારાનો સમય મળશે.

તેમણે કહ્યું હતું કે દરેક જણે આના માટે સાનુકૂળ થવું પડશે અને અમે ઓરેગોનમાં થનારી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે સ્થાનિક આયોજકોથી ચર્ચા કરીને નવી તારીખોની જાહેરાત કરીશું. વિશ્વ એથ્લેટિક્સે કહ્યું હતું કે તેઓ આના માટે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સિવાય યુરોપિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના આયોજકોથી પણ ચર્ચા કરી રહ્યા છે. કોમનવેલ્થ ગેમ્સ હાલમાં બર્મિગહામમાં  27 જુલાઈથી સાત ઓગસ્ટ, 2022 સુધી યોજાશે. જ્યારે યુરોપિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ મ્યુનિચમાં 11-21 ઓગસ્ટમાં યોજાશે

 

રામ નવમી: રામ નામનો જાપ છે અત્યંત મંગળકારી

નવી દિલ્હી: આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો જન્મદિવસ છે. માન્યતા એવી છે કે. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં નોમના દિવસે શ્રી હરિ વિષ્ણુનો અવતાર શ્રી રામે મનુષ્ય રૂપમાં જન્મ લીધો હતો. તેમના જન્મોત્સવને વિશ્વભરમાં રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે.

આજે રામનવમી છે પણ કોરોનાને પગલે લોકડાઉનથી મંદિરોમાં સન્નાટો છે અને ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યમાં પણ કોઈપણ પ્રકારના અનુષ્ઠાનનું આયોજન નથી કરવામાં આવ્યું. લોકો તેમના ઘરે જ રહીને પૂજા અર્ચના કરીને શ્રીરામનો જન્મોત્સવ મનાવી રહ્યા છે.

આજના દિવસે ભગવાન રામના ભક્તો વ્રત રાખે છે અને રામનામનો જાપ કરે છે. ભગવાન રામ નામનો જાપ કરવાથી તમામ દુખોનું નિવારણ થયા છે. હિન્દૂ ધર્મમાં રામ નામને અત્યંત કલ્યાણકારી  અને પુણ્યકારી માનવામાં આવે છે. રામનવમીના દિવસે જે પણ ભક્ત સાચા મન અને શ્રદ્ધાથી રામની ભક્તિ કરે છે  તેમના તમામ પાપ દુર થઈ જાય છે અને દુખોનો અંત આવે છે.

ભગવાન રામજીની આરતી

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્

નવકંજ લોચન કંજ મુખકર કંજ, પદ કંજારુણમ.

કન્દર્પ, અગણિત અમિત છબી નવ, નીલ નીરજ સુંદરમ્

પટપીત માનહુ તડિત રુચિ શુચિ નૌમી જનક સુતાવરમ્

ભજ દીન બંધુ દિનેશ દાનવ, દૈત્ય વંશ નિકંદનમ્

રઘુનંદ આનંદ કંદ કૌશલ, ચંદ દશરથ નંદનમ્

શિર મુકુટ કુંડલ તિલક ચારુ, ઉદાર અંગ વિભૂષણમ્

આજાનુ ભુજ શર ચાપ ધર સંગ્રામ જિત ખર દૂષણમ્

ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિમન રંજનમ્

મમહૃદય  કુંજ નિવાસ કુરુ કામાદિ, ખલદલ ગંજનમ્

મનુ જાહિં રાચેઉ મિલિહી સો બરુ સહજ સુંદર સાવરોમ્

કરુણા નિધાન સુઝાન સિલુ સનેહૂ જાનત રાવરો

એહી ભાંતી ગૌરી અસીસ સુની સિય સહિત હિય હરષી અલી

તુલસી ભવાની પૂજિ પૂની પૂની મુદિત મન મંદિર ચલી

જાની ગૌરી અનુકુલ સિય હિય હરષુ ન આઈ કહિ

મંજુલ મંગલ મૂલ વામ અંગ ફરકન લગે

 

શ્રી રામ મંત્ર

  • ઓમ રામ ઓમ રામ ઓમ રામ
  • હ્રીં રામ હ્રીં રામ
  • શ્રી રામ શ્રી રામ
  • રામાય નમ:
  • રાં રામાય નમ:

રામ નામનો જાપ

  • શ્રી રામ જય રામ જય જય રામ
  • શ્રી રામચંન્દ્રાય નમ:
  • રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે
  • સહસ્ત્ર નામ તત્તુન્યં રામ નામ વરાનને

 

કોરોનાઃ મરકજમાં 9,000 લોકો ચેપગ્રસ્ત હોવાનું જોખમ

નવી દિલ્હીઃ નિઝામુદ્દીનમાં તબલિગી જમાત દ્વારા આયોજિત કાર્યક્રમમાં કમસે કમ 7,600 ભારતીય અને 1,300 વિદેશી લોકોએ ભાગ લીધો હોવાની માહિતી સામે આવી છે. જમાતે પાછલા મહિને એક ધાર્મિક કાર્યક્રમ દિલ્હીના નિઝામુદ્દીનમાં આયોજિત કર્યો હતો. હાલ હવે આ કાર્યક્રમ ભારતમાં કોરોના વાઇરસનું સૌથી મોટું હબ બનીને ઊભર્યું છે, એમ ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું. હવે જેમ-જેમ તબલિગી જમાતના સભ્યોની ઓળખ થશે તેમ-તેમ આ સભ્યોની સંખ્યા પણ વધવાની શક્યતા છે. દેશમાં જમાતના અન્ય દેશોમાંથી આવેલા 1,306 સભ્યોની ઓળખ કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયે એકત્ર કરેલી માહિતી મુજબ પહેલી એપ્રિલ સુધી 1,051 લોકોને કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. 21 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા, જ્યારે બે લોકોનાં મોત થયાં હતાં.

તબલિગી જમાતના 400 લોકો કોરોના પોઝિટવ

તબલિગી જમાતના 7,688 કાર્યકર્તાઓની ઓળખ કરવામાં આવી રહી છે. તેમના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે, જેથી તેમને કવોરોન્ટાઇન કરી શકાય. તબલિગી જમાતથી જોડાયેલા 400 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ગૃહ મંત્રાલય દ્વારા અપાયેલી માહિતી મુજબ તામિલનાડુમાં સૌથી વધુ 190 લોકો, આંધ્ર પ્રદેશમાં 71 લોકો, દિલ્હીમાં 53 લોકો, તેલંગાણામાં 28, આસામમાં 13, મહારાષ્ટ્રમાં 12, આંદામાનમાં 10, જમ્મુ-કાશ્મીરમાં છ અને ગુજરાત અને પોંડિચેરીમાં બે-બે લોકો કોરોના પોઝિટવ થયા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 437ના નવા કેસ

દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં કોવિડ-19થી અત્યાર સુધી 50 લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને ચેપગ્રસ્ત લોકોનૂ સંખ્યા 1,834એ પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 437 નવા કેસ સામે આવ્યા છે.

 

મમરાના પૌંઆ

બાળકો ઘરમાં હોય તો એ લોકોને થોડી થોડી વારે ભૂખ લાગતી હોય છે. વળી, બાળકોને નાસ્તામાં તો કંઈક વેરાયટી ખપે!
તો બનાવી લો મમરાના પૌંઆ!


સામગ્રી:

  • 2 કપ મમરા,
  • 1 કાંદો,
  • 1 ટમેટું,
  • 1 લીલું મરચું ઝીણું સમારેલું,
  • સ્વાદ મુજબ મીઠું,
  • ચપટી હિંગ,
  • 1 ટી.સ્પૂન લીંબુનો રસ,
  • 1/4 ટી.સ્પૂન હળદર,
  • 1/2 કપ શીંગદાણા,
  • સાદી અથવા તીખી સેવ પૌંઆને ગાર્નિશ કરવા,
  • 1/2 કપ ધોઈને ઝીણી ઝીણી સમારેલી કોથમીર

રીત:

એક બાઉલમાં પાણી નાખી તેમાં મમરા નાખીને તરત જ કાઢી લો. મમરાને બહાર કાઢતી વખતે એને હલકા હાથે કાઢો, નહીંતર મમરા તૂટી જશે. ત્યારબાદ મમરા ને એક થાળીમાં ફેલાવીને મુકવા.

હવે એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં ૨ ટેબલસ્પૂન તેલ ગરમ કરી રાઈ અને જીરું તતડાવો અને સિંગદાણા સાંતળો. ત્યારબાદ ઝીણું સમારેલું લીલું મરચું તેમજ કાંદો નાખી સાંતળો. જ્યાં સુધી કાંદો નરમ ન થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં હળદર, મીઠું, લીંબુનો રસ અને સાકર (optional) નાખીને હલાવી લો. હવે તેમાં મમરા તેમજ ઝીણાં સુધારેલા ટમેટા અને કોથમીર નાખીને મિક્સ કરો. બે મિનિટ બાદ ગેસ બંધ કરીને કઢાઇ નીચે ઉતારી લો.

એક પ્લેટમાં પૌંઆ સર્વ કરતી વખતે ઉપર ઝીણાં સમારેલા કાંદા અને થોડી કોથમીર ભભરાવો. તેમજ તીખી સેવ ભભરાવીને મમરા પૌંઆ પીરસો.

ડરીને ભાગી થોડું જવાય?

કોરોનાનું નામ પડતાં જ ડર અને ગભરાટની લાગણી અનુભવાતી હોય એવા માહોલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની વચ્ચે જઇને એમની સેવા કરવાનું કામ સહેલું નથી. અને પણ, પરદેશી મુલ્કમાં. આમ છતાં, એક ગુજરાતી દંપતિ અત્યારે ઇંગ્લેન્ડમાં હિંમતપૂર્વક આ ફરજ બજાવી રહયું છે.. 

———————————————————

‘બહારથી બધું જ નોર્મલ લાગે, પણ હાલત એવી છે કે અત્યારે ઘરની બહાર પગ મૂકીએ એટલે જાણે જંગમા જતા હોઇએ એવું લાગે. સાંજે ઘરે પાછા ફરશું કે કેમ એની પણ કાંઇ ખબર નથી હોતી અને આ બધું વિચારવા જેટલો સમય પણ નથી. અત્યારે તો સાંજે પાછા ઘરે આવીને એકબીજાને હમખેમ જોઇએ એટલે એ દિવસ પૂરતી હાશ થાય…’

ઇંગ્લેન્ડથી ચિત્રલેખા.કોમ સાથે ટેલિફોન પર વાતચીત કરતી વખતે દિશા આમ કહે છે ત્યારે થોડીવાર માટે એનો અવાજ કાંપે છે, પણ પછી અત્યંત ઝડપથી સ્વસ્થતા મેળવીને એ કહે પણ છેઃ

‘ના, ચિંતા થાય તો પણ એમ ડરી ન જવાય. આવા સમયમાં જ ડરીને ભાગી જઇએ તો બીજાને તો ઠીક, જાતને શું જવાબ આપીએ?’

યસ, ઘરની બહાર પગ મૂકતાં ય ડર લાગે એ માહોલમાં, ઘર-પરિવારની કે ઇવન પોતાની જાતની ય ચિંતા કર્યા વિના દેશ પર છવાયેલા કોરોના નામના આ અભૂતપૂર્વ સંકટ સામે લડવું એ ખરા અર્થમાં જંગ લડવા જેવું છે. અને આપણે ત્યાં સતત આ જંગ લડી રહેલા જાંબાઝોના કિસ્સાઓ છેલ્લા કેટલાક દિવસથી આપણે જોતા-સાંભળતા આવીએ છીએ. એ લોકો પણ સરહદે જંગ લડતા જવાંમર્દોથી કમ નથી, કદાચ.

પરંતુ આજે અહીં જે બે જાંબાઝોની વાત કરવી છે એ તો પરદેશી ભૂમિમાં રહીને પારકાંને પોતાના બનાવીને એમના માટે પોતાનો જાન જોખમમાં મૂકનારાની વાત છે.

વાત છે મૂળ ભાવનગરના, પણ ઇંગ્લેન્ડમાં સ્થાયી થયેલા અમિત અને દિશા જાનીની. લંડનથી લગભગ પંચાવન માઇલના અંતરે આવેલ વેસ્ટ સસેક્સ નામની કાઉન્ટીમાં રહેતા અમિત અને દિશા બન્નેની સવાર આજકાલ એક અજીબ પ્રકારના તણાવથી થાય છે, પણ સાંજ પડે એટલે ફરજનો સંતોષ એ તણાવને દૂર કરી દે છે. તણાવ એટલા માટે કે, પતિ-પત્નિ બન્ને અહીંની વેસ્ટર્ન સસેક્સ હોસ્પિટલ્સ એનએચએસ ટ્રસ્ટ નામની હોસ્પિટલમાં ફરજ બજાવે છે એટલે લોકડાઉનની પરિસ્થિતિમાં ય એમણે પોતાની આઠ વર્ષની એકની એક દીકરી અનિષ્કાને સ્કૂલે છોડીને જવું પડે છે. (આખા ઇંગ્લેન્ડમાં ત્રણ અઠવાડિયાથી લોકડાઉન છે, પણ એનએચએસ એટલે કે, નેશનલ હેલ્થ સર્વિસ, પોલીસ, ફાયર જેવી આવશ્યક સેવા સાથે સંકળાયેલા પરિવારોના બાળકો માટે ખાસ કિસ્સામાં સ્કૂલો શરૂ છે.)

અમિતભાઇ કહે છે, હજુ ત્રણેક અઠવાડિયા પહેલાં ઇંગ્લેન્ડમાં ફક્ત બે જ કેસ હતા, પણ અત્યારે આ આંકડો 19000 સુધી પહોંચ્યો છે એના પરથી જ ખ્યાલ આવી જાય છે કે પરિસ્થિતિ કેવી ભયાવહ હશે. અમે બન્ને સવારે અનિષ્કાને સ્કૂલે મૂકીને જઇએ પછી પાછા સાંજે એને લેવા જઇએ ત્યાં સુધીમાં સતત ચિંતા રહે, પણ એ સિવાય કોઇ રસ્તો પણ નથી.

અમિતભાઇ આ હોસ્પિટલમાં બિઝનેસ મેનેજર તરીકે કાર્યરત છે. એ નોન-મેડિકલ સ્ટાફમાં છે, પણ આખો દિવસ હોસ્પિટલમાં ફરજ બજાવવાની એટલે સાવચેત તો રહેવું જ પડે. એની સામે દિશાબહેનની કામગિરી તો પેશન્ટના સીધા સંપર્કમાં રહીને કામ કરવાની છે. ઓક્યુપેશનલ થેરપિસ્ટ તરીકે એ સતત કોરોનાના ઓથાર તળે જ કામ કરે છે. હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફને બ્લ્યુ અને ગ્રીન એમ બે વિભાગમાં વહેંચી નખાયો છે, જેમાં બ્લ્યુ ટીમે સતત કોરોનાના દર્દી માટે જ કામ કરવાનું હોય છે અને દિશાબહેનનો સમાવેશ આ બ્લ્યુ ટીમમાં થાય છે. દરેક ક્ષણે સાવધાન રહેવું પડે છે દિશાબહેને. એક જ હોસ્પિટલમાં સાથે કામ કરતા હોવા છતાં એકબીજાને મળવાનું ય મુશ્કેલ હોય છે. હોસ્પિટલમાં કામ કરતી વખતે પોતાની કાળજી રાખવાની તો ચિંતા ખરી જ, સાથે સાથે પતિ અમિતભાઇ અને સ્કૂલે મૂકેલી દીકરી અનિષ્કાની ય ચિંતા. રોજ ઘરે આવીને બધું સેનેટાઇઝ કરવાનું. દીકરી આખો દિવસ સ્કૂલમાં કોને કોને મળી હોય એ પણ થોડું નક્કી હોય?

એમાં ય, હવે એકાદ-બે દિવસમાં તો ઇસ્ટરનું વેકેશન પડશે એટલે પછી ખાસ શરૂ રખાયેલી આ સ્કૂલો પણ બંધ થશે એટલે અનિષ્કાને સાચવવાની ય ચિંતા. અઘરૂં છે આ બધા મોરચે એકસાથે લડવાનું, પણ બન્ને લડે છે એ ય હકીકત છે.

આ બધું હોવા છતાં પતિ-પત્નિ બેમાંથી કોઇએ મેદાન છોડીને જવાનો વિચાર સુધ્ધાં નથી કર્યો. બન્ને મક્કમતાથી કહે છે, ‘આ અમારી જન્મભૂમિ નથી, પણ કર્મભૂમિ જરૂર છે. પંદરેક વર્ષથી અમે અહીં છીએ અને આ દેશે, આ સમાજે અમને ઘણું આપ્યું છે. આફત આવે ત્યારે ડરીને ભાગી થોડું જવાય છે? અમારી ફરજમાં આવે છે આ કામ. અમે નહીં કરીએ તો કોણ કરશે?’

અમિતભાઇ અને દિશાબહેન બન્નેનો જન્મ અને ઉછેર ભાવનગરમાં. બાળપણમાં દક્ષિણામૂર્તિથી લઇને કોલેજ સુધી સાથે સાથે જ ભણ્યા. વર્ષ 2004 માં ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં જ સ્થાયી થયા. અમિતભાઇના માતા-પિતા ભાવનગરમાં જ છે અને એ પણ વ્યવસાયે તબીબ છે એટલે આવી પરિસ્થિતિમાં એક ડોક્ટરની શું ફરજ હોય છે એની એમને ખબર છે. દિશાબહેન એટલે જ ગૌરવ સાથે કહે છે કે, ‘આટલી મુશ્કેલ હાલતમાં પેરેન્ટસ તરીકે એમને ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ આમ છતાં ય એમણે એકપણ વાર અમને પરત આવી જવા કે આ કામ છોડી દેવાનું નથી કહયું.’

અમિતભાઇ અને દિશાબહેન માટે પરિસ્થિતિ અઘરી ચોક્કસ છે, પણ આવી હાલતમાં ય એમનો વિશ્વાસ અડગ છે. અમિતભાઇ કહે છે, ‘આ કામ કરનારા અમે એકલાં જ નથી. આપણાં અનેક ગુજરાતી અને ભારતીય ભાઇ-બહેનો એનએચએસ-નેશનલ હેલ્થ સર્વિસમાં કાર્યરત છે અને એ બધા જ અત્યારે પોતાની ફરજ સમજીને નિષ્ઠાપૂર્વક કામ કરી જ રહયા છે. કપરો સમય છે, પણ એ ય નીકળી જશે.’

યસ, અમિતભાઇ-દિશાબહેન, ધીસ શેલ ટુ પાસ!

(કેતન ત્રિવેદી)