Home Blog Page 4888

કેન્દ્રએ જમ્મુ-કાશ્મીર ડોમિસાઇલ એક્ટમાં સુધારો કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે જારી કરાયેલા નવા નિયમ મુજબ ઓછામાં ઓછાં પંદર વર્ષ જમ્મુ-કાશ્મીરમાં રહેતી વ્યક્તિ હવે કેન્દ્રશાસિત પ્રદેશનો રહેવાસી (ડોમિસાઇલ) વ્યક્તિ ગણાશે. કેન્દ્ર સરકારે બહાર પાડેલા તાજેતરના ગેઝેટમાં જણાવવામાં આવ્યું છે કે જમ્મુ-કે કાશ્મીરના પુનર્ગઠન ઓર્ડર, 2020ની કલમ 3A, જમ્મુ-કાશ્મીરની સિવિલ સર્વિસિસ (વિકેન્દ્રીકરણ અને ભરતી)ના અધિનિયમ હેઠળ જણાવવામાં આવે  છે કે જેઓ 15 વર્ષ સુધીના સમયગાળાથી આ રાજ્યમાં રહે છે અને જેમણે  જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાત વર્ષના સમયગાળા માટે અભ્યાસ કર્યો છે અને જેમણે શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 10-12ની પરીક્ષા આપી છે તેઓ આ રાજ્યની (ડોમિસાઇલ) વ્યક્તિ ગણાશે.  

પાંચ ઓગસ્ટ પહેલાં ભારતીય બંધારણની કલમ 35 A (હવે રદ કરાયેલી) જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા દ્વારા  જમ્મુ અને કાશ્મીરના રહેવાસીને વ્યાખ્યાયિત કરવાની સત્તા આપી હતી, જે નોકરી માટે  અરજી કરી શકે અથવા સ્થાવર મિલકતની માલિકી ધરાવતી હતી. આ ગેઝેટની વ્યાખ્યામાં વિસ્તરણ કરવામાં આવ્યું છે કે તે કેન્દ્ર સરકારના અધિકારીઓનાં બાળકો, તમામ ભારત સેવા અધિકારીઓ, પીએસયુના અધિકારીઓ અને કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા, જાહેર ક્ષેત્રની બેંકો, માન્યતા પ્રાપ્ત સંસ્થાઓના અધિકારીઓ, કેન્દ્રીય યુનિવર્સિટીના અધિકારીઓ અને કેન્દ્રીય માન્યતા પ્રાપ્ત સંશોધન સંસ્થાઓનો સમાવેશ થાય છે. સરકાર જેણે જમ્મુ અને કાશ્મીરમાં દસ વર્ષના કુલ સમયગાળા માટે સેવા આપી છે અથવા એવા માતા-પિતા પર બાળકો કે જેઓ કોઈ પણ શરતોની શરતોને પૂર્ણ કરે છે.

આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર રાજ્યશાળાના રાહત અને પુનર્વસન કમિશનર (સ્થળાંતર) દ્વારા સ્થળાંતર કરાયેલ વ્યક્તિઓને પણ વ્યાખ્યામાં સામેલ કરવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરના  આવા રહેવાસીઓનાં બાળકો, તેમની રોજગાર અથવા વ્યવસાય અથવા અન્ય વ્યાવસાયિક અથવા વ્યવસાયિક કારણોસર J&K ની યુ.ટી.ની બહાર રહે છે, પરંતુ. તેમનાં માતાપિતા અગાઉ આપેલી કોઈ પણ શરતોને પૂર્ણ કરે છે. એ અહીંના નાગરિક ગણાશે. આ કાયદાની જોગવાઈ હેઠળ હવે ડોમિસાઇલ સર્ટિફિકેટ તહેસીલદાર આપવા માટે સત્તા બક્ષે છે.

રાજ્યના 29 કાયદાઓ રદ કરવામાં આવ્યા

આ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ ગણવામાં  આવતાં હવે રાજ્યના 29 કાયદાઓને દૂર કરવામાં આવ્યા છે અને 109માં સુધારા કરવામાં આવ્યા છે. કલમ પાચં Aમાં જણાવાયું છે કે કોઈ પણ વ્યક્તિ ચાર અને ચાર કરતાં વધુના પગારધોરણ નિયત કરી શકશે નહીં, સિવાય કે એ જમ્મુ-કાશ્મીર કે કેન્દ્ર શાસિતનો વતની હોય. આ ઓર્ડર દ્વારા કેન્દ્રએ જમ્મુ-કાશ્મીર સિવિલ સર્વિસિસ (વિશેષ જોગવાઈ) એક્ટ દૂર કરવામાં આવ્યો છે.

 

 

 

 

દેશભરમાં બીએસ-6 ધોરણો લાગુઃ જાણો, શું છે આ ધોરણો?

નવી દિલ્હી: દેશમાં BS-6 ઉત્સર્જનના ધોરણો 1લી એપ્રિલથી અમલમાં આવ્યા છે. આ હવાનું પ્રદૂષણ ઘટાડવાની દિશામાં આ એક મોટું તકનીકી પગલું છે. અગાઉ, દેશમાં બીએસ -4 ના ઉત્સર્જનના ધોરણો 31 માર્ચ સુધી અમલમાં હતા. તમે પણ લાંબા સમયથી બીએસ 6 અને બીએસ 4 જેવા શબ્દો સાંભળી રહ્યા છો, પરંતુ ભાગ્યે જ તમને ખબર હશે કે આ ધોરણો શું છે અને નવા ધોરણોના અમલ સાથે શું બદલાશે. ચાલો એના વિશે વિગતવાર જાણીએ.

બીએસ એટલે શું?

વાહનોમાંથી થતાં પ્રદૂષકોને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકાર ધોરણો નિર્ધારિત કરે છે. તેને બીએસ એટલે કે ભારત સ્ટેજ કહેવામાં આવે છે. આ ધોરણો સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ નિર્ધારિત કરવામાં આવે છે.

1 એપ્રિલથી BS6 ના અમલ સાથે, BS4 વાહનોનું ઉત્પાદન બંધ થઈ જશે, જેનો અર્થ છે કે હવે ફક્ત BS6 વાહનોનું જ પ્રોડક્શન થશે. આ સાથે બીએસ 4નું વેચાણ અને રજીસ્ટ્રેશન પણ બંધ થવાનું હતું પરંતુ કોરોના વાઈરસના કારણે દેશભરમાં લોકડાઉનને પગલે સુપ્રીમ કોર્ટે તેમાં રાહત આપી છે.

લોકડાઉનને ધ્યાનમાં રાખીને, ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશન (એફએડીએ) એ આ સમયમર્યાદાને આગળ ધપાવવા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. જેથી કોર્ટે લોકડાઉન સમાપ્ત થયા બાદ બીએસ 4 વાહનોના વેચાણ માટે 10 દિવસની મંજૂરી આપી છે. આનો અર્થ એ છે કે 14 એપ્રિલના રોજ લોકડાઉન સમાપ્ત થયા પછી કંપનીઓ 24 સુધી બીએસ 4 વાહનોનું વેચાણ કરી શકે છે.

ઝાલાવાડના જડીબાનું જનકલ્યાણ કાર્ય

અમદાવાદઃ કહેવાય છે કે ભગવાન રામ તેમની વાનર સેના સાથે રાવણ સામે યુધ્ધ કરવા વન – પર્વતમાળાઓ પાર કરી લંકા તરફ પ્રયાણ કરવા પગપાળા આગળ વધી રહયા હતા તેવા સમયે તેમના માર્ગમાં દરિયો આવ્યો હતો. આ દરિયાને પાર કરવા તેની ઉપર પુલ બનાવવાનું કાર્ય શ્રી રામની વાનર સેનાની સાથે તેમની સેનામાં રહેલા સૌ કોઈએ હોશે – હોશે આરંભ્યું. સૌ કોઈ આ પુણ્યના કાર્યમાં યથાશકિત જોડાઈને પોતાનું યોગદાન આપી રહયા હતા તેવા સમયે એક નાનકડી ખિસકોલીને પણ વિચાર આવ્યો કે અસત્ય ઉપર સત્યના અને દુર્જન ઉપર સજજનના વિજય માટેની આ લડાઈમાં મારે પણ સહભાગી બનવું જોઈએ. અને તેણે પણ દરિયા ઉપર પુલ બનાવવાના કાર્યમાં જોડાવાનો સંકલ્પ કરી પોતાનું શરીર પલાળીને  પછી રેતીમાં આળોટી પોતાના શરીર ઉપર ચોટેલી રેતી-ધૂળને  દરિયાના પાણીમાં ઠાલવવા લાગી. સૌ કોઈ આ નાનકડા જીવની નિષ્ઠાને જોઈ રહયા. ભગવાન રામે પણ આ ખિસકોલીની ભાવનાથી પ્રસન્ન થઈ તેને પોતાની હથેળીના સ્પર્શ કરી બિરદાવી હતી.
પુરાણકાળમાં બનેલી આ ઘટના આજે યાદ આવે તેવું ખિસકોલી જેવું કાર્ય સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નાનકડા એવા દેવપરા ગામના સાધારણ રબારી પરિવારના મોભી એવા ૧૦૦ વર્ષના જડીબાએ કર્યું છે.
સમગ્ર વિશ્વ આજે કોરોના રૂપી મહામારીના રાક્ષસને હરાવવા માટે કાર્ય કરી રહયું છે. તેવા સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને માન આપીને નાના-મોટા ઉદ્યોગગૃહો, સામાજિક-સ્વૈચ્છિક-ધાર્મિક સંસ્થા-સંગઠનો તેમજ સમાજના શ્રેષ્ઠીજનો આર્થિક રીતે સહભાગી બની આ લડતને નવુ બળ પુરૂ પાડી રહયાં છે.

તો આ સમયે આવળ-બાવળ અને બોરડીના સૂકા પ્રદેશ એવા ઝાલાવાડના પાણીદાર માનવીઓ પણ કેમ પાછળ રહે ?

આ વાત છે, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નાનકડા દેવપરા ગામના રબારી પરિવારની.  લોકડાઉનની સ્થિતિમાં દેવપરાનો આ રબારી પરિવાર ઘરમાં બેસી વાતો કરી રહયો હતો. વાતવાતમાં પરિવારના વડલા સમાન શતાયુ એવા જડીબેનને તેમના દિકરાએ કહયું કે, આજે દેશમાં વાયરસ ફેલાયો છે અને તેની સામે લડવા માટે મોટા-મોટા લોકો અને સંસ્થાઓ કરોડો રૂપિયાનો ફાળો આપી રહયા છે.

આ સાંભળતા જ ૧૦૦ વર્ષના અનુભવોનું ભાથુ પોતાના હ્રદયમાં સંઘરીને બેઠેલા ઘરના મોભી જડીબાએ તરત જ પોતાની પાસે રહેલા ૧૦૦ રૂપિયા કાઢીને તેમના પૌત્રને આપતા કહયું કે, મારા પણ ૧૦૦ રૂપિયા તું નરેન્દ્રભાઈને પુગાડી દે.

સો વર્ષોથી અનેક તડકા-છાંયડા જોઈને આ ઉંમરે પહોંચેલા જડીબાનું સ્વાસ્થ્ય ખૂબ જ સારૂ છે. તેમણે તેમના અનુભવોના નિચોડ રૂપી વાત કરતા જણાવ્યું હતું કે, ‘‘મારા છોકરાએ મને કીધુ કે આજે રોગચાળો થયો છે, અને લોકોને બચાવવા મોટા મોટા માણાહે કરોડો રૂપિયા આઈપા છે. એટલે મને થયું કે, આ બધા બે કરોડને, ત્રણ કરોડને એટલા બધા રૂપિયા દે છે. એવી તો આપડી શકિત ન હોય, પણ આપણે આપણી શકિત પરમાણે મદદ કરવી જોઈએ. એટલે મે મારા ગીંજામાં ૧૦૦ રૂપિયા હતા એ મારા દિકરાના દિકરાને આઈપા. મારી પાહે ૧૦૦ રૂપિયા હતા એટલે ઈમ થયુ કે આ ૧૦૦ રૂપિયા આપી દવ. પછી તો સો (સોય) વાહે દોરો હાઈલો જશે.’’

જડીબાએ રોકડા આપેલા આ ૧૦૦ રૂપિયા તુરત જ તેમના પૌત્રએ ઓનલાઈન વડાપ્રધાનની રાહત નિધીમાં ટ્રાન્સફર કર્યા છે.

ધન્ય છે ને જડીબાને અને સલામ છે તેમના ખિસકોલી જેવા કાર્ય થકી તેમની સમાજ માટેની ઉદાત્ત ભાવનાને?

રાશિ ભવિષ્ય 02/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજે તમને કોઈ સારી આશા જન્માવે, તમે પસંદગીના કામમાં સારો સમય પસાર કરો, તમારા પરિચિત સાથે કોઈ લાભની વાત થાય, મુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી અનુભવો, વેપારના કામકાજમાં નવીનતક દેખાઈ શકે છે, યુવાવર્ગને ઉત્સાહ સારો રહે.


તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની શકે છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, મુસાફરી થવાના યોગ છે.


આજે મુસાફરી દરમિયાન તમને ઉત્સાહ જોવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકકે અધ્યાત્મિકવાતમાં રૂચી વધુલો અને કોઈજગ્યાએ ધાર્મિકબાબત પર નાણાનું દાનકે સદ્કાર્ય માટેનું આયોજન પણ કરો, વેપારના કામકાજમાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો હિતાવહ છે, પ્રિયજન સાથે ફરવા જવાના યોગ પણ છે.


આજે વ્યવસાયમાં થોડી વ્યસ્તતા જોવા મળે, સહકર્મચારીનો સહયોગ તમને મળી રહે અને કામપૂરું થયાનો સંતોષ પણ મળે, તમારા કોઈ જુનાઅટકેલા કામકાજમાં સમય ફાળવોતો તેમાં પણ કામ આગળ ચાલવાની શક્યતા રહે, બજારના કામમાં આકસ્મિકલાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક કોઈ વાત બની શકે.


આજે અચાનક તમને કોઈ સારી તક દેખાય અને તમે ખુશી અનુભવો, આજના દિવસમાં તમારામાં ધીરજનો થોડો અભાવ દેખાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે કોઈ અઘરો વિષય શીખવામાં વધુ સમય ફાળવાયતો તે વિષયમાં આવડત વધી શકે છે, વેપારમાં નવું જાણવાનું મળવાથી ખુશી અનુભવાય.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે કેમકે તમને નાનીનાની વાતમાં ગુસ્સો આવે અને તેની અસર તમારી સાથેના અન્ય લોકો પર પડે જેથી ક્યાંક મનદુઃખના થાય તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં કોઈપણ પ્રકારનું મોટું જોખમના કરવું, પ્રિયજન સાથે ગેરસમજના થાય માટે શાંતિથી વાર્તાલાપ કરવી.


આજે તમને કોઈપણ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેની અસર તમારા કામ અને અન્ય લોકો સાથેના વ્યવહાર પર પડે, તમે આજે ઉદાર અને સહયોગી વૃત્તિવાળા બનો. વેપારના કામકાજમાં તમને આત્મવિશ્વાસ સારો દેખાય. યુવાવર્ગ માટે પસંદગીના કામ થાય તેવા સંજોગો પણ બની શકે છે.


તમારી વાણીનો પ્રભાવ અન્ય પર સારો પડે અને તમે તમારા શબ્દો વડે તમારી વાતને કોઈની આગળ સારી રીતે રજુ કરી શકો, કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય તેવું પણ બની શકે છે, પરિચિત સાથેની મિલનમુલાકાત તમને યાદગાર બની શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે સગાસ્નેહી સાથે ક્યાંક લાભની વાત આપલે થઇ શકે તેમજ કોઈની સાથે જુના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક પણ મળી શકે છે, વેપારના કામકાજમાં થોડી હિંમત અને અનુભવના ઉપયોગથી સારું કામ થઈ શકે છે, વ્યસ્તતા વચ્ચે પણ કામમાં ઉત્સાહ રહે અને અન્યનો સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


આજે કોઈ જૂનીવાતને યાદ આવવાથી મન થોડું અશાંત રહે, ખટપટકરનાર વ્યક્તિથી દુર રહેવું યોગ્ય છે, નજીકના સગાસંબંધી સાથે વાર્તાલાપ દરમિયાન તમને કોઈ નાપસંદ વાત સાંભળવાથી માનસિકઅશાંતિની લાગણી અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું સલાહ ભર્યું છે.


આજે તમારી લાગણી અને તમારા ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થઇ શકે છે, તમારા અનુભવ અને માર્ગદર્શનનો લાભ અન્યના સારા હિતમાં આપો તેવું પણ બની શકે છે, વેપારના કામકાજમાં લાભની વાત બની શકે છે, પ્રિયજન તરફથી સારો પ્રતિસાદ મળવાથી સારી ખુશી અનુભવાય.


જાહેર જીવનના કાર્યમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામમાં અન્યનો સાથ સહકાર મળતા તમે કામ બાબતે સારા ઉત્સાહી બનો, ભાગીદાર,પત્ની સાથે કોઈ અગત્યની વાર્તાલાપમાં પણ તમને સારો પ્રતિભાવ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગ માટે ઉત્સાહજનક પ્રસંગના એંધાણ મળે.

અમદાવાદઃ રાહતદરે અનાજ લેવા લાગી લાંબી લાઈનો

અમદાવાદઃ પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારમાં ચીજ વસ્તુઓનું વેચાણ શરૂ થતાં જ સરકાર માન્ય આ દુકાનોમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડયા હતા. અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતનો વિભાગ દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થીઓને કાર્ડ દીઠ 20 કિ.ગ્રા  ઘઉં, 10 કિ.ગ્રા ચોખા લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.આ સિવાય અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 3.5 કિ.ગ્રા ઘઉં તથા 1.5 કિ.ગ્રા ચોખા.

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના તમામ લાભાર્થીઓને કાર્ડ દીઠ 1 કિ. ગ્રા દાળ, હાલમાં જે લાભાર્થીઓને          (AAY+BPL) ખાંડ અને મીઠું મળે છે, તેઓને મળવા પાત્ર જથ્થાનું વિતરણ કરવામાં આવે છે.

આ અનાજ ભંડારોની બહાર ગુજરાત સરકારના જે કેટેગરીમાં રાશનકાર્ડ ફાળવવામાં આવ્યા છે, એ પ્રકારના લાભોની વિગતો સાથેના બેનર્સ લગાડવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં આ જીવન જરૂરી ચીજ વસ્તુઓનું વિતરણ કરતી તમામ દુકાનો બહાર ભીડ ના થાય અને અવ્યવસ્થા ના ફેલાય તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

સેન્સેક્સ ચાર ટકા ઘટ્યો અને નિફ્ટી 8,300ની નીચે સરક્યો

અમદાવાદઃ નવા નાણાકીય વર્ષના પ્રારંભે શેરબજારોમાં નરમાઈ પ્રવર્તતી હતી. દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થવાને પગલે સ્થાનિક બજારોમાં રોકાણકારોએ ભારે વેચવાલી કરી હતી. જેથી સેન્સેક્સ ચાર ટકાથી વધુ તૂટ્યો હતો અને નિફ્ટી 8,300ની નીચે સરક્યો હતો. બજારમાં આવેલા ઘટાડાને લીધે રોકાણકારોને રૂ. 2.68 લાખ કરોડનું નુકસાન થયું હતું. દેશમાં લોકડાઉનને પગલે આર્થિક કામકાજ ઠપ હોવાને લીધે અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર પડશે.

સ્થાનિક શેરબજારોમાં સેશનને અંતે સેન્સેક્સ 1,203 પોઇન્ટ તૂટીને 28,265ના સ્તરે બંધ રહ્યો હતો અને નિફ્ટી ઇન્ડેક્સ 334 પોઇન્ટ તૂટીને 8,300ની નીચે સરકીને 8,264ના મથાળે બંધ રહ્યો હતો. બજારમાં સાર્વત્રિક વેચવાલી થઈ હતી. બેન્ક, ફાઇનાન્સ, આઇટી અને મેટલ સેક્ટરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. મિડકેપ શેરોમાં પણ વેચવાલીનું દબાણ હતું.

કોરોનાએ ચિંતા વધારી

દેશમાં કોરોના વાઇરસના કેસમાં ઝડપથી વધારો થયો હતો. છેલ્લા એક દિવસમાં કોરોનાના કેસમાં 386નો વધારો થયો હતો. દેશમાં કોરોનાના કેસ વધીને 1600ને પાર થયા હતા, જ્યારે વિશ્વમાં કોરોનાના કેસ ધીને આઠ લાખ થયા હતા.

વિદેશી રોકાણકારોની વેચવાલી

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ સ્થાનિક ડેટ અને શેરબજારમાં રૂ. 1.12 લાખ કરોડની વેચવાલી કરી હતી. વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી સતત તેમનું રોકાણ પાછું ખેંચી રહ્યા છે. જેથી બજાર પર દવેચવાલીનું દબાણ વધ્યું હતું.

ઓટો શેરોમાં ભારે વેચવાલી

ઓટો કંપનીઓનાં વેચાણ ઘટ્યાં છે. દેશભરમાં શોરૂમ બંધ છે, ત્યારે માર્ચ ત્રિમાસિકમાં મારુતિ સુઝુકીનું વેચાણ 43 ટકા ઘટ્યું હતું. જ્યારે અશોક લેલેન્ડનું વેચાણ 90 ટકા ઘટી ગયું હતું. આની અસર ઓસો શેરો પર પ્રતિકૂળ અસર પડી હતી.

ડિફોલ્ટરનો ડર

આગામી મહિને આશરે રૂ. 60,000 કરોડ નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCD)ની ચુકવણી થવાની છે. કેટલીક કંપની પાસે રોકડની અછત છે. જો લોકડાઉનની સ્થિતિ ચાલુ રહી તો નાદારીના કિસ્સામાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. કેટલીક મોટી કંપનીઓએ રાહત માગી છે.

વૈશ્વિક બજારોમાં નરમાઈ

વૈશ્વિક બજારોમાંમ પણ નરમાઈ પ્રવર્તતી હતી. અમેરિકી અને યરોપિયન બજારોમાં પણ ઘટાડો જોવી મળ્યો હતો. એશિયન બજારો પણ નરમ હતા. આ ઉપરાંત રામ નવમી નિમિત્તે આવતી કાલે ભારતીય બજારો બંધ રહેશે.

 

મહારાષ્ટ્રમાં 5000 લોકોને ‘હાઈ-રિસ્ક કોન્ટેક્ટ’ને કારણે ક્વોરન્ટાઈન કરાયા

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આજે આંચકાજનક માહિતી આપી. એમણે કહ્યું છે કે રાજ્યમાં 5000થી વધારે લોકો કોરોના વાઈરસના રોગચાળા માટે ‘હાઈ-રિસ્ક કોન્ટેક્ટ’માં છે. આ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે, કારણ કે એમને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની સંભાવના છે અથવા એમને કોરોના લાગુ પડી ગયો છે.

મહારાષ્ટ્રમાં વધુ બે જણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને એ સાથે જ રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા 322 પર પહોંચી છે. છેલ્લા બે દિવસમાં મુંબઈમાં પણ કોરોનાનાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી છે.

મુંબઈમાં કોરોનાનાં અત્યાર સુધીમાં 162 દર્દીઓ છે.

રાજેશ ટોપેએ આજે મુંબઈ મહાનગરપાલિકા મુખ્યાલયના વોર રૂમની મુલાકાત લીધી હતી. ત્યાં યોજેલી બેઠકમાં એમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં 5000થી વધારે લોકો હાઈ-રિસ્ક કોન્ટેક્ટમાં મૂકાયા છે. એમની પર દેખરેખ રાખવા માટે 4000 જેટલા લોકોને મૂકવામાં આવ્યા છે.

મુંબઈમાં પાંચ સરકારી અને 7 ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની તપાસ કરવાની સુવિધા શરૂ કરાઈ છે. ત્યાં દરરોજ બે હજાર જેટલી તપાસ કરી શકાશે. હાલ 1,200 કેસની તપાસ કરી શકાય છે.

આ ઉપરાંત 46 વેન્ટીલેટર મળ્યા છે તેમજ 1 લાખ એન-95 માસ્ક પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

કોરોનાની માહિતી આપનાર ચીનની ડોક્ટર ગાયબ

વુહાનઃ વિશ્વભરમાં પોતાનો કહેર વરસાવી રહેલા કોરોના વાયરસથી સૌથી પહેલા અધિકારીઓને એલર્ટ કરનારી ચીનના વુહાન શહેરની ડોક્ટર એઈ ફેન અત્યારે ગુમ છે. આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે કે આ બિમારીમાં સાર્વજનિક રુપથી નિવેદન આપવાના કારણે તેને બંદી બનાવવામાં આવી છે. આ પહેલા ડોક્ટર એઈએ એક દર્દીના સાર્સના રિપોર્ટને સાર્વજનિક કર્યો હતો.

આ રિપોર્ટને સાર્વજનિક કર્યા બાદ વુહાન સેન્ટ્રલ હોસ્પિટલના અધિકારીઓએ ડોક્ટરને કેટલીય ધમકી આપી હતી કે તેમને ખૂબજ કઠોર પ્રકારની હેરાનગતિ સહન કરવી પડશે. ડોક્ટર એઈનો રિપોર્ટ સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો હતો.

ડોક્ટર લીને પણ ચીનના અધિકારીઓએ ચેતવણી આપી છે કે તેમને ગેરકાયદેસર રુપથી ખોટી ઓનલાઈન સૂચના પ્રસારિત કરવા માટે કઠોર પ્રતાડના સહન કરવી પડશે. બીજી તરફ, ડોક્ટર એઈએ ચીનના એક મીડિયાને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે હોસ્પિટલે કોરોના વાયરસને લઈને શરુઆતી ચેતવણીને નજરઅંદાજ કરી હતી. 60 મીનિટ ઓસ્ટ્રેલિયાના એક રિપોર્ટ અનુસાર આ ઈન્ટરવ્યુ પછી આ ડોક્ટર ગૂમ છે.

ટ્રક-મજૂરોની અછતને પગલે સપ્લાય ચેઇન ખોરવાઈ

 નવી દિલ્હીઃ દેશમાં નાની-મોટી દુકાનોમાંનો અભરાઈઓ અને ખાનાંઓમાં લોકડાઉન પહેલાંનો માલસામાનનો જથ્થો ધીમે-ધીમે ખાલી થઈ ગયો છે. હવે મજૂરો સ્થળાંતર કરી ગયા છે અને પુરવઠા સાંકળ ખોરવાઈ ગઈ છે, ત્યારે  હવે આ દુકાનોમાં માલસામાનની ડિલિવરી કરવી એ એક મોટો પડકાર છે, કેમ કે ઉત્પાદક મથકોએથી રિટેલ સ્ટોર સુધી માલની ડિલિવરી કઈ રીતે કરવી એ એક સવાલ છે. FMCG અગ્રણી ખેલાડી ડાબર ઇન્ડિયા અને હિન્દુસ્તાન લિવર જેવી જથ્થાબંધ ખેલાડીઓની મુખ્ય ચિંતા એ છે કે મેટ્રો કેશ એન્ડ કેરી સ્ટોકકિસ્ટોને અને રિટેઇલરોને તેમનો માલસામાન કેવી રીતે પહોંચતો કરવો?  કેમ કે લોકડાઉનને લીધે મજૂરોની અચાનક અછત સર્જાઈ છે. વેરહાઉસનું સંચાલન કરવા, ટ્રક વિતરકો પાસેથી પુરવઠો લાવવો અને એને રિટેલરોને પહોંચાડવા માટે ટ્રકમાં માલસામાન ચઢાવવો કે લાવવો કઈ રીતે એ યક્ષ પ્રશ્ન થઈ ગયો છે.

હજ્જારો ટ્રક લોકડાઉનમાં અટવાઈ ગઈ

હવે લોકડાઉનને લીધે મજૂરોની અછત અને કાચા માલની પણ અછત સર્જાવાને લીદે ઉત્પાદનને અસર થવાની શક્યતા છે. આ ઉપરાંત હજજારો ટ્રક લોકડાઉનમાં અટવાઈ છે, જેને લીધે કાચો માલસામાન પણ અધવચ્ચે અટકી ગયો છે.

આંશિક લોકડાઉનમાં પણ આવશ્યક ચીજવસ્તુઓ ખલાસ

સરકાર દ્વારા શરૂમાં જ્યારે આંશિક લોકડાઉનની જાહેરાત થઈ હતી, ત્યારે જે બિસ્કિટ અને અન્ય ખાદ્ય સામગ્રી માટે કાચા માલસામાન ઉપલબ્ધ નહોતો. આ ઉપરાંત હેન્ડવોશ અને હેન્ડ સેનિટાઇઝર્સ માટેનો કાચો માલસામાન જે ઉપલબ્ધ જથ્થો હતો એ તૈયાર થઈને રવાનૈ થઈ ગયો હતો, એમ હિન્દુસ્તાન યુનિલીવરના વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું. વળી કંપની ટૂંક સમયમાં જ એની બિન-આવશ્યક ચીજોનું ઉત્પાદન અથવા સપ્લાય ફરીથી ચાલુ કરશે તેવી સંભાવના હાલપૂરતી તો નથી.

75 ટકા દાળ મિલો નિષ્ક્રિય

લોકડાઉનને પગલે સર્જાયેલી મજૂરની અછત અને કાચા માલની સપ્લાયને કારણે દાળ મિલોનો 75 ટકા નિષ્ક્રિય બની ગઈ છે. આ ઉપરાંત ડાબર ઈન્ડિયા અને નેસ્લે જેવી કંપનીઓને શટડાઉન અને મજૂરોની અછતનો સામનો કરવો પડી રહ્યો છે

કેન્દ્ર-રાજ્યો અને સ્થાનિક વહીવટી તંત્ર પાસે સંદેશવ્યવહાર ખોરવાયો

એફએમસીજી કંપનીઓએ કહ્યું હતું કે  કેન્દ્ર, રાજ્યો અને સ્થાનિક વહીવટ વચ્ચે સંદેશવ્યવહારના અભાવને લીધે પણ સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. બંદરો પર પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

જથ્થાબંધ મથકોએ 50 ટકા હાજરી

જેતે કંપનીના ઉત્પાદક મથકોએથી માલ મોકલવામાં તો મુશ્કેલી વર્તાઈ જ રહી છે, પણ જથ્થાબંધ બજારોમાં પણ મજૂરોની હાજરી 50 ટકા થઈ ગઈ છે.  જેથી રિટેલમાં માલસામાન પહોંચાડવામાં પણ અનેક મુસીબતો ઊભી થઈ છે.

અમારી પાસે આગામી બે સપ્તાહ સુધી અમારા સ્ટોર પર આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ચોખા, દાળ, લોટ જેવી બધી જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓનો સ્ટોક છે, પણ કઠોળ અને મસાલાઓની અછત છે, કેમ કે આ ચીજવસ્તુઓ મોટા ભાગે રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યોમાંથી આવે છે. અને હાલ માલની અવરજવર ઉપર પ્રતિબંધ છે.

 

કોરોના સામે લડવામાં માધુરી પણ મેદાને

મુંબઈ: હવે કોરોના વાયરસ સામેની લડાઈમાં બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિત પણ આગળ આવી છે. માધુરીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ચાહકોને એવી અપીલ કરી છે કે, કોરોના વાયરસ સામે લડવા માટે ફંડ્સ ડોનેટ કરો. હાલ દેશમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે જેને લઈને 21 દિવસનું લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતે લખ્યું હતું કે, આપણે તમામ લોકોએ માનવતા માટે હાથ મિલાવવો જોઈએ કે જેથી આ લડાઈ સામે જીતી શકાય. હું પીએમ રાહત ફંડમાં અને સીએમ રિલીફ ફંડમાં ડોનેટ કરી રહી છું. મજબૂત થઈને આગળ આવો.

અહીં ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી કરીના કપૂર, સૈફ અલી ખાન, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, સારા અલી ખાન, કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા, નિક જોનસ, અક્ષય કુમાર, કાર્તિક આર્યન, વિકી કૌશલ, વરુણ ધવન અને અન્ય કેટલાંક સેલેબ્સ કોરોના વાયરસ સામેની લડાઈ માટે દાન કરી ચૂક્યા છે.