Home Blog Page 4889

અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં 70 માઈગ્રન્ટ કામદારો, મજૂરોને આશરો અપાયો

મુંબઈઃ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ અંધેરી (વેસ્ટ) ઉપનગરમાં આવેલું તેના દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ અને રીક્રિએશનલ કોમ્પલેક્સ – ‘શહાજી રાજે અંધેરી ક્રિડાસંકુલ’ને કોરોના વાઈરસને કારણે કફોડી હાલતમાં મૂકાઈ ગયેલા 70 જેટલા માઈગ્રન્ટ તથા દૈનિક પગાર પર નભતા મજૂરો-કામદારો માટે આશ્રયસ્થાનમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું છે.

આમાંના મોટા ભાગના મજૂરો-કામદારો શહેરમાં બાંધકામના સ્થળોએ કામ કરતા દૈનિક પગારદાર લોકો છે.

સમગ્ર દેશમાં હાલ 21-દિવસનું લોકડાઉન લાગુ છે અને મુંબઈમાં પણ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ હાલ ઠપ છે. આ મજૂરો-કામદારો એમને માટે કોઈ કામ ન રહેતા અને રહેવા માટે છત ન રહેતાં પોતાના વતન ભણી રવાના થયા હતા, પરંતુ બીએમસી તથા પોલીસના સત્તાવાળાઓ આ મજૂરોને મુંબઈ છોડીને ન જવા સમજાવ્યા હતા અને એમને અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં કામચલાઉ રહેવાની વ્યવસ્થા કરી આપી છે.

આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ આઝાદ નગર મેટ્રો સ્ટેશનની નીચે આવેલું છે.

આશરે 70 જેટલા બેઘર માઈગ્રન્ટ મજૂરોને ‘બેસ્ટ’ની બે બસમાં અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે લાવવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 24 માર્ચની રાતે રાષ્ટ્રજોગા સંબોધનમાં જાહેરાત કરી હતી કે દેશમાં એ જ મધરાતથી 21-દિવસનું લોકડાઉન લાગુ થશે અને લોકોએ પોતપોતાના ઘરમાં જ રહેવું, બહાર નીકળવું નહીં. જે લોકો જે શહેરમાં હોય ત્યાં જ રહે.

પરંતુ કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયેલા માઈગ્રન્ટ મજૂરો ભૂખમરાથી બચવા માટે પોતાને વતન જવા રવાના થયા હતા. કોરોના વાઈરસ ફેલાય નહીં તે માટે માઈગ્રન્ટ મજૂરોને જે તે શહેર કે નગરમાં રોકી દેવા અને એમને કામચલાઉ આશરો આપવો અને એમના જમવાની વ્યવસ્થા પણ કરવી એવો કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે.

તેથી 70 મજૂરોને અંધેરી સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં આશરો આપવામાં આવ્યો છે. એમને કોમ્પલેક્સના એક મકાનના હોલમાં રાખવામાં આવ્યા છે. આ જ મકાનમાં એનડીઆરએફના 80 જવાનોને પણ રાખવામાં આવ્યો છે. શહેરમાં કોઈ ઈમરજન્સીની સ્થિતિ સર્જાય તો ત્યાં પહોંચી શકાય એટલા માટે એનડીઆરએફના જવાનોને આ સંકુલમાં ઉતારો આપવામાં આવ્યો છે.

આ મજૂરોને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમથી અજાણ હતા અને તેઓ મુક્તિ ઈચ્છતા હતા, પણ બીએમસીના કર્મચારીઓએ એમને થોડાક દિવસ સુધી સંકુલમાં જ રહેવા સમજાવ્યા હતા કે અહીંયા એમને પીવાનું પાણી, ચા-કોફી અને ખાવાનું મફતમાં મળશે.

કોરોનાથી બચવા અજમાવો આયુષ મંત્રાલયની આ ટીપ્સ

નવી દિલ્હી: કોરોના વાઈરસથી વિશ્વભરમાં અત્યારે 38  હજારથી વધારે લોકોએ જીવ લીધો છે પણ હજુ સુધી આ વાઈરસની દવા કે વેક્સીન શોધાણી નથી. આ સ્થિતિમાં આયુષ મંત્રાલયે (Ayush Ministry) કોરોના વાઈરસથી બચવા કેટલીક સલાહ આપી છે.

આયુષ મંત્રાલયે કોરોના વાયરસથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી વધારવા માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. મંત્રાલય તરફથી મંગળવારે એ જણાવવામાં આવ્યું છે કે કઈ પ્રકારની સાવચેતી અને ઉપાય કરીને તમે તમારી ઈમ્યુનિટી વધારી શકો છો, જે કોરોનાથી બચાવવામાં તમને મદદરૂપ સાબિત થશે. આમાં ખાનપાનમાં હળદરવાળા દૂધ, ગરમ પાણી પર જોર આપવામાં આવ્યું છે તેમજ યોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

કોરોના સામે આજે સમગ્ર દુનિયાભરના લોકો પ્રભાવિત છે. આનો કોઈ ઈલાજ હજુ સુધી નથી. માટે સાવચેતી જ આને અટકાવી શકે છે. આવા સમયમાં એવા ઉપાય કરવા જરૂરી છે જે આપણી ઈમ્યુનિટી પાવર વધારે. આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પત્ર-પત્રિકાઓના આધારે આયુષ મંત્રાલય દ્વારા ભલામણ કરવામાં આવી છે.

  • ગરમ પાણી પીવો
  • રોજ કમસે કમ 30 મિનિટ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરો.
  • ભોજનમાં હળદર, જીરુ, કોથમીર અને લસણ જેવા મસાલાનો ઉપયોગ કરો.
  • 150 મિલી ગરમ દૂધમાં અડધી ચમચી હળદર – દિવસમાં એક કે બે વાર પીવાની સલાહ આપવામાં આવી છે.
  • રોજ સવારે 1 ચમચી એટલે કે 10 ગ્રામ ચ્યવનપ્રાશ લો.
  • ડાયાબિટીઝના રોગીઓએ શુગર-ફ્રી ચ્યવનપ્રાશ લેવો જોઈએ.
  • તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને સૂકી દ્રાક્ષથી બનેલો ઉકાળો દિવસમાં એક કે બે વાર પીવો. આમાં સ્વાદ અનુસાર ગોળ કે તાજા લીંબુનો રસ ભેળવો.
  • સવાર અને સાંજે નાકમાં તલનુ તેલ કે નાળિયેરનુ તેલ અથવા ઘી લગાવો.
  • ઓઈલ પુલિંગ થેરેપી માટે 1 ચમતી તલ કે નાળિયેરનુ તેલ મોઢામાં લો. તેને પીવો નહિ પરંતુ 2 થી 3 મિનિટ સુધી મોઢામાં ફેરવો અને પછી થૂંકી દો. ત્યારબાદ ગરમ પાણીથી કોગળા કરી લો. આવુ દિવસમાં એક કે બે વાર કરી શકાય છે.
  • સૂકી ખાંસી અને ગળામાં ખારાશ હોય તો તાજા ફૂદીનાના પત્તા કે અજમા સાથે દિવસમાં એક વાર વરાળ લઈ શકાય છે.
  • ખાંસી કે ગળામાં બળતરા થવા પર લવિંગના પાવડરને ગોળ કે મધ સાથે મિલાવીને દિવસમાં 2થી 3 વાર લઈ શકાય છે.

આ ઉપાય સામાન્ય રીતે સામાન્ય સૂકી ખાંસી અને ગળામાં ખારાશાનો ઈલાજ કરે છે. પરંતુ લક્ષણમાં જો ફેરફાર ન થાય તો ડૉક્ટરની સલાહ લેવી સૌથી સારુ રહેશે. આયુષ મંત્રાલય તરફથી સ્પષ્ટ કહેવામાં આવ્યુ છે કે આ પ્રયોગથી માત્ર કોરોના સામે રક્ષણ મળી શકે છે આ તેનો ઈલાજ નથી.

 

આ દંપતિએ કોરોનાને હરાવ્યોઃ ડોક્ટર્સ માને છે ચમત્કાર

અત્યારે જ્યારે આખું વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યું છે. વડીલોને કોરોના વાયરસનો ચેપ લાગવાનો ભય વધારે રહોતો હોય છે. ત્યારે આવા સમયમાં કેરળના 93 અને 88 વર્ષિય દંપતીએ પોતાની સરળ જીવનશૈલી અને પૌષ્ટિક ભોજનની મદદથી આ બિમારીને હરાવીને તમામ લોકો સામે એક ઉદાહરણ રજૂ કર્યું છે. ઘણા દિવસો સુધી ગંભિર સ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી રહ્યા બાદ બંન્ને કોરોના વાયરસથી મુક્ત થયા તેને મેડિકલ ક્ષેત્રના લોકો એક ચમત્કાર ગણાવી રહ્યા છે.

હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ભરતી રહ્યા તે દરમિયાન 93 વર્ષના થોમસ અબ્રાહમે પોતાના ખાનપાનનો અંદાજ ન બદલ્યો. ત્યાં પણ તેઓ ચોખાથી બનેલી વાનગી પઝનકાંજી, કપ્પા અને કટહલ જ ખાઈ રહ્યા હતા.

થોમસ અને મરિયમ્માને આ સંક્રમણ ઈટલીથી ગત મહિને પાછા આવેલા તેમના દિકરા, વહુ, અને પૌત્ર પાસેથી લાગ્યું હતું. જો કે હવે પરિવારના પાંચેય સભ્યો સંક્રમણથી મુક્ત છે અને એક સાથે રહેવાની રાહ જોઈ રહ્યા છે. ડોક્ટર્સનું કહેવું છે કે આ વડીલ દંપતિને સંભવતઃ બુધવારના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. બંન્ને કોટ્ટાયમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ હતા.

થોમસના પૌત્ર રિજો મોન્સીએ હસતા-હસતા કહ્યું કે, એવું લાગે છે કે બંન્ને પોતાની લાઈફ સ્ટાઈલના કારણે સ્વસ્થ થઈ શક્યા છે. તેણે જણાવ્યું કે, મારા દાદા પથનથિટ્ટા જિલ્લાના રાનીમાં ખેતી કરે છે અને કોઈપણ પ્રકારનું વ્યસન તેમને નથી. મારા દાદા જીમ નથી જતા છતાય તેમને સિક્સ પેક છે.

ઈટલીમાં રેડિયોલોજીના ક્ષેત્રમાં કામ કરનારા રિજોનું કહેવું છે કે, આ ચમત્કાર છે કે તેઓ આ મહામારીથી બચી ગયા, ડોક્ટરો અને સ્વાસ્થ્ય વિભાગે તેમને બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા.

દિલ્હીના તબ્લિગી મરકજનો મામલોઃ પાંચ ટ્રેન, હજારો પ્રવાસીઓની રેલવે દ્વારા શોધ

નવી દિલ્હીઃ દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારની મસ્જિદમાં તબ્લિગી સમાજના કાર્યક્રમમાં ભાગ લેનાર ઘણા લોકોનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે તેથી એમાં ભાગ લેનાર લોકોએ જેમાં સફર કરી હતી એ ટ્રેનો તથા એ ટ્રેનોમાં એમની સાથે સફર કરનાર હજારો અન્ય પ્રવાસીઓને શોધવાનું ભગીરથ કાર્ય રેલવે તંત્ર કરી રહ્યું છે.

આ બધી ટ્રેનો 13 માર્ચ અને 19 માર્ચની વચ્ચે દિલ્હીથી ઉપડી હતી. આ ટ્રેનો છે – દુરોન્તો એક્સપ્રેસ (આંધ્ર પ્રદેશના ગુન્ટુર તરફ), ગ્રેન્ડ ટ્રન્ક એક્સપ્રેસ (ચેન્નાઈ તરફ), તામિલનાડુ એક્સપ્રેસ (ચેન્નાઈ તરફ), નવી દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસ અને સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ.

તબ્લિગી જમાત કાર્યક્રમમાં 2,100 જણે ભાગ લીધો હોવાનું કહેવાય છે. એમાં ભાગ લેનાર સાથે ચોક્કસ કેટલા લોકો સંપર્કમાં આવ્યા હતા એનો રેલવે પાસે હજી સુધી કોઈ ચોક્કસ આંકડો નથી. પરંતુ એટલું નક્કી છે કે એ દરેક ટ્રેનમાં આશરે 1000-2000 જેટલા પ્રવાસીઓ તેમજ રેલવેના કર્મચારીઓ હતા. આ તમામ પર કોરોના વાઈરસનું જોખમ આવી પડ્યું છે.

અધિકારીઓનું કહેવું છે કે રેલવે રેલવે તંત્ર જિલ્લા સત્તાધિશોને ટ્રેન પ્રવાસીઓની યાદી પૂરી પાડી રહી છે જેથી તેઓ દિલ્હીના કાર્યક્રમમાં સામેલ થયેલાઓના નામોની યાદી સાથે એને સરખાવી શકે.

ગુજરાતમાંથી 72 જણ તે કાર્યક્રમમાં ગયા હતા. એમાંથી એકનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે અને બાકીના 71 જણને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. ગુજરાતના એ 72 જણમાંથી 34 જણ અમદાવાદના હતા, 20 ભાવનગરના હતા. ભાવનગરના જ એક જણનું મૃત્યુ થયું છે. તે ઉપરાંત 12 જણ મહેસાણાના, 4 વડોદરાના અને બે જણ નવસારીના હતા.

દિલ્હીની મસ્જિદના કાર્યક્રમમાં ભાગ લેનાર અને કોરોના વાઈરસ પોઝિટીવ જાહેર થયેલી મલેશિયન મહિલા મૌલવીએ નવી દિલ્હી-રાંચી રાજધાની એક્સપ્રેસમાં સફર કરી હતી. એણે B1 કોચમાં સફર કરી હતી. હવે એ કોચમાંના આશરે 60 જણને સત્તાવાળાઓ શોધીને એમની કોરોના ટેસ્ટ લઈ રહ્યા છે.

તે મલેશિયન મહિલાએ 16 માર્ચે એ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો. એની સાથે બીજા 23 જણ હતા અને એ બધા કોરોના પોઝિટીવ જાહેર થયા છે.

આ હજારો રેલવે પ્રવાસીઓને શોધવાનું રેલવે માટે અત્યંત કપરું કામ છે. આમાં રેલવે અને જિલ્લા સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહ્યા છે.

હઝરત નિઝામુદ્દીન સ્ટેશન અને નવી દિલ્હી રેલવે સ્ટેશન દેશના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોમાં ગણાય છે. હઝરત નિઝામુદ્દીન સ્ટેશનેથી દરરોજ લાંબા અંતરની 56 ટ્રેનો ઉપડે છે અને 130 ટ્રેનો અહીં ઉભે છે જ્યારે નવી દિલ્હી રેલવે સ્ટેશનેતી દરરોજ 62 ટ્રેનો ઉપડે છે અને 76 ટ્રેનો ઉભે છે.

ગુજરાતઃ અમદાવાદમાં એક જ દિવસમાં 8 કેસ, કુલ 82

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ દર્દીઓનો આંકડો ચિંતાજનક રીતે સતત વધી રહ્યો છે. રાજ્યના આરોગ્ય સચિવે લેટેસ્ટ આંકડા વિશે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં 1 એપ્રિલના રોજ નવા 8 પોઝિટિવ કેસ સામે આવ્યા અને બધા જ અમદાવાદના કેસ છે. એક 52 વર્ષના પુરુષ તેમની આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો.બીજા એક 18 વર્ષના યુવાન છે, જેઓએ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. એક 45 વર્ષના મહિલા છે, જેઓએ પણ આંતર રાજ્ય પ્રવાસ કર્યો હતો. ચોથા દર્દી 65 વર્ષની મહિલા છે, જેઓએ લોકલ ટ્રાન્સપોર્ટ કર્યો હતો. 61 વર્ષના એક દર્દીએ આંતરરાજ્ય પ્રવાલસ કર્યો હતો. તો અન્ય એક 64 વર્ષના પુરુષે વિદેશ પ્રવાસ કર્યો છે. આ તમામનો કેસ પોઝિટિવ આવ્યો છે. આમ, ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસ 82 થયા છે.

અમદાવાદ – 31 કેસ, 4 રિકવર, 3ના મોત, વડોદરા – 9 કેસ, 1 રિકવર, સુરત – 10 કેસ, 1 મોત, 1 રિકવર રાજકોટ – 10 કેસ, ગાંધીનગર – 11 કેસ, ભાવનગર – 6 કેસ, 2 મોત, કચ્છ-મહેસાણા-પોરબંદર – 1-1-1 કેસ ગીર-સોમનાથ – 2 કેસ નોંધાયા છે.

આરોગ્ય સચિવે જણાવ્યું કે, ગુજરાતમાં કુલ મૃતકોનો આંકડો વધ્યો નથી. મૃતકોની સંખ્યા 6 છે. કોઈને પણ કોરોના જેવા લક્ષણ હોય તો 104 નંબર ઉપર ફોન કરવા અપીલ કરવામાં આવી છે. વિદેશ ટ્રાવેલ કરીને આવ્યા હોય એમના કોન્ટેક્ટમાં હોય તો પણ આ હેલ્પ લાઇન નંબર ઉપર માહિતી આપવા અપીલ છે. હાલ વેન્ટિલેટર ટ્રેનિંગ પ્રોગ્રામ શરુ કરવાની રાજ્યના આરોગ્ય વિભાગને ફરજ પડી છે. મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે. અમદાવાદ, રાજકોટ સહિત આ ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલશે. વેન્ટિલેટર માટે ૩૦૦૦ ઓપરેટર જોઈએ છે. નંબર 1100 હેલ્પ લાઇનમાં 366 જેટલા કોલ આવ્યા છે. મોટાભાગના કોલ મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલા પ્રશ્નના આવ્યા છે. 173 કોલ શારીરિક તકલીફ સંદર્ભે આવ્યા છે. રાજ્ય માટે N95 માસ્ક સહિત 75 લાખ માસ્કનો ઓર્ડર આપવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં દવાનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં લઈ લેવામાં આવ્યો છે.

અમદાવાદના નવા કેસ અંગે તેમણે જણાવ્યું કે, ઈન્દોરના એક પેશન્ટ પોઝિટિવ હતા. તેમના કોન્ટેકમાં આપતા અમદાવાદના કેસ સામે આવ્યો છે. ચાંદખેડા, બળદેવ, સાપુર, કાલુપુર, બાપુનગરના ત્રણ પેશન્ટ્સ છે. અમદાવાદમાં આજે નવા આવેલા 8 કેસમાંથી 3 કેસ બાપુનગરના એક જ પરિવારના છે

ગુજરાતમાંથી તબગિલી જમાતના કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા લોકો અંગે જયંતી રવિએ જણાવ્યું કે, દિલ્હીથી યાદી આવી ગઈ છે. તમામ જિલ્લા કલેક્ટરોને યાદી મોકલી દેવામાં આવી છે. દિલ્હીના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપીને આવેલા તમામ લોકોને માઇક્રો પ્લાનિંગ કરીને શોધવામાં આવી રહ્યા છે.

પડતા પર પાટુંઃ બચત યોજનાના વ્યાજદરોમાં ઘટાડો

નવી દિલ્હીઃકેન્દ્ર સરકારે સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં રોકાણ કરવાવાળાને નારાજ કર્યા હતા. નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિક (એપ્રિલ-જૂન) ગાળા માટે આ યોજનાઓ પર મળતા વ્યાજદરને ઘટાડી દીધું છે. આ કાપ 0.70 ટકાથી માંડીને 1.4 ટકા સુધીનો કર્યો છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર વ્યાજદરમાં 0.8 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે, જ્યારે પોસ્ટ ઓફિસ ટાઇમ ડિપોઝિટ (પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ) પર મળતા વ્યાજદરમાં 1.4 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છએ. સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં 0.8 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.

બધી લોકપ્રિય યોજનાઓમાં વ્યાજદર ઘટ્યા

નવા દરોની જાહેરાત પછી PPF પર હવે 7.1 ટકાના દરે વ્યાજ મળશે, જ્યારે પહેલાં એ 7.9 ટકા હતો. બીજી બાજુ નેશનલ સેવિંગ્સ સ્કીમ્સ (NSC)માં હવે 6.8 ટકાના દરે વ્યાજ મળશે.  જ્યારે પહેલાં આના પર 7.9 ટકાના દરે વ્યાજ મળતું હતું. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)માં હવે 7.6 ટકાના દરે વ્યાજ મળશે, જે પહેલાં 8.4 ટકા હતું.

ફિક્સ્ડ ઇનકમ પર રહેવાવાળાને આંચકો

ફિક્સ્ડ ઇનકમ પર રહેતા લોકો- ખાસ કરીને સિનિયર સિટિઝન્સ માટે આ એક આંચકાથી ઓછું નથી, જે આવક નિયમિત સ્રોતના રૂપે વ્યાજમાં મળતી આવક પર નિર્ભર હોય- તેમને માટે આ એક આંચકાદાયક બાબત છે. બેન્કોએ પણ ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજદરમાં કાપ મૂક્યો છે. સ્ટેટ બેન્કે એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર ઓગસ્ટ, 2004 પછી પહેલી વાર છ ટકાથી નીચા વ્યાજદર કર્યા છે.

સ્મોલ સેવિંગ્સ યોજનાઓ પર મળતા વ્યાજ દર

નવા વ્યાજદરોની જાહેરાત પછી એક વર્ષના પોસ્ટ ઓફિસ FD પર 5.5 ટકાનું વ્યાજ મળશે. પાંચ વર્ષની FD પર 6.7 ટકા વ્યાજ મળશે. એવાતનું ધ્યાન રાખો કે પાંચ વર્ષના સમયગાળાની ડિપોઝિટ પર આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80C હેઠળ ટેક્સ રાહતનો લાભ મળે છે.

સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સમાં કેવી રીતે વ્યાજદર નક્કી થાય છે

સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં વ્યાજદર દરેક ત્રિમાસિક ગાળાએ સરકાર દ્વારા નક્કી થાય છે. સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદર નક્કી કરવા માટેની ફોર્મ્યુલા શ્યામલા કમિટીએ નક્કી કરી હતી. આ સમિતિએ સૂચન કર્યું હતું કે વિવિધ યોજનાઓ પર વ્યાજદર સમાન પરિપક્વતા સમયગાળા સરકારી બોન્ડના યિલ્ડથી 0.25 ટકા-1 ટકા વધ હોવું જોઈએ.

Chitralekha Gujarati – April 06, 2020

PDF Version

કોરોના સામે લડવા વિપ્રો, અઝીમ પ્રેમજીનો રૂ. 1,125 કરોડની મદદનો સંકલ્પ

બેંગલુરુઃ વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સંસ્થાએ જણાવ્યું છે કે કોરોના વાઈરસ (કોવિડ-19) રોગચાળાને કારણે ઊભી થયેલી અભૂતપૂર્વ આરોગ્ય અને માનવીય કટોકટીનો સામનો કરવા માટે તેઓ સાથે મળીને રૂ. 1,125 કરોડ ફાળવવા માટે પ્રતિબદ્ધ છે.

એક સંયુક્ત નિવેદનમાં આ ત્રણેય તરફથી જણાવવામાં આવ્યું છે કે આ ભંડોળ રોગચાળા સામેની લડાઈમાં આગળ પડતા રહેલા તબીબો અને સેવાકર્મીઓને મદદરૂપ થશે.

આ રૂ. 1,125 કરોડમાં વિપ્રો લિમિટેડનો હિસ્સો રૂ. 100 કરોડનો હશે. વિપ્રો એન્ટરપ્રાઈઝીસ લિમિટેડના રૂ. 25 કરોડ હશે અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના રૂ. 1000 કરોડ હશે.

એ તો સૌ જાણે છે કે વિપ્રો ગ્રુપના સ્થાપક અઝીમ પ્રેમજી મોટા સખાવતી છે. આ અબજોપતિએ અગાઉ પણ મુશ્કેલીના સમયમાં મોટી રકમનું દાન કર્યું છે.

એમની કંપનીએ જણાવ્યું છે કે આ બધી રકમ વિપ્રોની વાર્ષિક સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) પ્રવૃત્તિઓ તેમજ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન સામાન્ય રીતે સખાવતની પ્રવૃત્તિઓ માટે જે રકમ ખર્ચે છે એની ઉપરાંતની છે.

ઉલ્લેખનીય છે કે, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીએ જીવલેણ કોરોના વાઈરસ સામેના જંગ માટે રૂ. 500 કરોડની આર્થિક સહાયતાનો સંકલ્પ જાહેર કર્યો હતો. તે ઉપરાંત કંપનીએ જણાવ્યું હતું કે પોતે આ રોગચાળા સામે લડવા માટે મહારાષ્ટ્ર અને ગુજરાતની સરકારોને રૂ. પાંચ-પાંચ કરોડની સહાયતા કરશે.

ત્રણ મહિના હપ્તા નહીં ભરવા એટલે શું? આ જાણી લો

નવી દિલ્હીઃ પાછલા સપ્તાહે કોરોના વાઇરસગ્રસ્ત અર્થતંત્ર અને લોકડાઉનને લીધે સામાન્ય જનતાની  હેરાનગતિને લીધે લોનના માસિક હપતા પર રાહતની એલાન કર્યું છે. બેન્કોએ આ રાહત લોકો સુધી પહોંચાડવાની શરૂ કરી દીધી છે. કેટલીય બેન્કોએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી જેથી લોનધારક EMI પર રાહતના શ્વાસ લઈ શકશે. કેટલીય બેન્કો આ રાહત ઓટોમેટિક આપી રહી છે તો કેટલીય બેન્કો લોનધારક માગ કરી રહ્યા છે, ત્યારે એ સુવિધા આપી રહી છે.

રિઝર્વ બેન્કના નિર્દેશ પછી બેન્કોએ કામગીરી શરૂ કરી

બેન્કોએ લોનધારકોની લોનના EMI ત્રણ મહિના માટે ટાળી દીધા છે. જેનાથી તેમને ત્રણ મહિના સુધી લોનના હપતા નહીં ભરવા પડે. બેન્કોએ આ પગલું રિઝર્વ બેન્કના નિર્દેશ પછી આ પગલું ઉઠાવ્યું છે, જેમાં બધી બેન્કોની લોન રિપેમેન્ટ પર ત્રણ મહિનાનું મોરાટોરિયમ લગાવવા માટે કહેવામાં આવ્યું છે. બેન્કો દ્વારા ગ્રાહકોની પાસે EMI પાછા ઠેલવાના મેસેજ પહોંચી રહ્યા છે.

તમારે EMI ઠેલવા આટલું કરવું પડશે

 

બેન્ક આ સુવિધા આપી તો રહી છે,પણ એનો લાભ કેવી રીતે લેવો એ સમજવો જરૂરી છે. આ એક વાત પર નિર્ભર કરે છે કે તમે કયા બેન્કના ગ્રાહક છો અને તમારી બેન્કના  EMI પર ખુદ જ પાછી ઠેલી દીધી છે અથવા તમારો કોલ લેવા પર બેન્ક આવું કરશે. બંને દ્રષ્ટિએ તમારે રાહત મેળવવા માટે બેન્કનો સંપર્ક સાધવો પડશે. જો તમે કેનેરા બેન્કના લોનધારક છો તો તમે બેન્કને જાણ કરશો તો જ EMI પર રાહત મળશે. આ માટે તમારે EMI નહીં ચૂકવવા માટેનો વિકલ્પ પસંદ કરીને બેન્કને  SMS કરીને NO લખવું પડશે. IDFC ફર્સ્ટ બેન્કના લોનધારકોને ઈમેઇલ દ્વારા EMI  પર બ્રેક લગાવવી પડશે. આ સાથે PNB અને SBIએ EMI  પર ઓટોમેટિક રાહત આપી છે. તેમને ગ્રાહક પર EMIનું પેમેન્ટ જારી રાખવા ઇચ્છો છો તો તેમણે એની ચુકવણી શાખા પર કરવી પડશે.

કોરોના વાઇરસને લીધે હપતા પાઠા ઠેલવાની સુવિધા

કોરોના વાઇરસ રોગચાળાને ધ્યાનમાં રાખીને 1 માર્ચ, 2020થી 31 મે, 2020 સુધીની ટર્મ લોનના તમામ હપતા અને કેશ ક્રેડિટ સુવિધા પર વ્યાજને ટાળવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેટલીક અન્ય બેન્કો એ પણ –જેમણે લોનના હપતા પર મોરાટોરિયમની રજૂઆત કરી હતી. આમાં ઇન્ડિયન બેન્ક, યુકો બેન્ક, સેન્સ્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક અને આઇડીબીઆઇમ સામેલ છે.

ગ્રાહકો માટે ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈનઃ નહી થઈ શકે છેતરપિંડી

અમદાવાદઃ આખા વિશ્વમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનની સ્થિતિ છે. સંપૂર્ણ ભારત દેશમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં પ્રવર્તી રહેલી કોરોના વાયરસ જેવી રાષ્ટ્રીય આપદા વચ્ચે ગુજરાતમાં ગ્રાહકો સાથે છેતરપીંડિ ન થાય અને ગ્રાહકને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ગ્રાહક સુરક્ષા હેલ્પલાઈન કાર્યરત કરવામાં આવી છે.

ગ્રાહકને લગતી મુશ્કેલી અને માર્ગદર્શન માટે રાજ્ય ગ્રાહક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 – 233 – 0222 કાર્યરત છે જેનો ગ્રાહકોને ઉપયોગ કરવા રાજયના ગ્રાહક સુરક્ષા નિયામક દ્વારા જણાવાયું છે.